હરેશ ધોળકિયા
વર્તમાનમાં ટી.વી. જોઈએ કે છાપાં વાંચીએ કે સોશિયલ મીડિયામાં વાંચીએ, તો વિશ્વના લગભગ નેતાઓનાં વકતવ્યો કે લખાણો જોઈ હસવું કે રડવું તેની સમજ ન પડે. અહંકારથી છલકાતાં વકતવ્યો હોય છે. પોતે શું કરે છે, શું કરી શકે છે તેના હુંકાર તેમાં સંભળાય છે. કોઈ જ વક્તવ્યમાં ઊંડાણ, અભ્યાસ કે વીઝન જોવા ન મળે. કદાચ કયાંક વીઝનનો આભાસ થાય,
પણ તે દેખાવ પૂરતો, પ્રચાર અર્થે જ હોય છે તે તરત ખ્યાલ આવી જાય. લગભગ વક્તવ્યો છીછરાં હોય છે. એટલે જ મોટા ભાગનાં વક્તવ્યો કે વિધાનો કરાય કે તરત તેનો વિરોધ કરવામાં આવતો જોવા મળે છે. અને આ વકતાઓ તેનો જવાબ પણ નથી આપતા. કદાચ આપે છે તો તેમાં જવાબ બદલે તિરસ્કાર વધારે જોવા મળે છે.
આ બાબતનો ખ્યાલ ઝડપથી એટલા માટે આવે છે કે ભૂતકાળમાં એવા નેતાઓ જોયા-સાંભળ્યા છે જેઓ અભ્યાસી, નિષ્ણાત અને વિચારકો હતા. જવાહરલાલ નેહરુ એક આંતરરાષ્ટ્રીય કક્ષાના નેતા હતા. પ્રકાંડ વિદ્વાન હતા. અભ્યાસી હતા. તેમને સાંભળવા વિશ્વના લોકો આતુર રહેતા. અને તેઓના વકતવ્ય પછી સાંભળનારને વિચાર કરવો પડે તેવી સ્થિતિ થતી. એક વાક્ય પણ વ્યર્થ ન બોલતા. તો ડો. રાધાકૃષ્ણન પણ આંતરરાષ્ટ્રીય તત્વજ્ઞાની અને વિચારક હતા. સમગ્ર દુનિયા તેમને સાંભળવા આતુર રહેતી. વડા પ્રધાન નરસિંહરાવ તો ચૌદેક ભાષાના વિદ્વાન હતા. એક ઉતમ લેખક હતા. ડો. મનમોહનસિંહ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના અર્થશાસ્ત્રી છે. વિશ્વ કક્ષાએ કામ કરેલ છે. ભારતની આર્થિક સ્થિતિ બદલાવવામાં તેમનો બહુ મોટો ફાળો છે. ડો. કલામ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાની હતા. વિશ્વમાં પણ કેનેડી, ચર્ચીલ, ગોર્બોચોવ જેવા નેતાઓ પ્રભાવશાળી અને અભ્યાસી હતા. આજે ગમે ત્યાં નજર કરો, આવા કોઈ નેતા નથી જોવા મળતા. હા, વિદ્ધાનો છે, પણ તેમાંથી કોઈ જ નેતા નથી. નેતૃત્વમાં આત્યંતિક ગરીબાઈ જોવા મળે છે.
આ નેતાઓમાં કે માનવોમાં અહંકાર જોવા મળે છે, ત્યારે વિચાર આવે છે કે માણસજાત અહંકાર કરી શકે તેવી ક્ષમતા તે ધરાવે છે ? શું જગત કે બ્રહ્માંડમાં માનવજાત શ્રેષ્ઠ છે ? શું કહે છે વિચારકો ? જાણવા જેવો મુદો છે આ.
થોડા સમય પહેલાં ઈતિહાસ પર એક પુસ્તક પ્રકાશિત થયું છે. તેનું નામ છે ‘સેપિયન્સ.’ તેના લેખક છે યુવલ હરારે. અદભુત પુસ્તક છે. તેમાં તેણે માનવજાતનો ઈતિહાસ આપ્યો છે. તેની લીટીએ લીટી વાંચવા જેવી છે. (ગુજરાતીમાં આવી ગયું છે.) ઉપરછલ્લી રીતે વાંચીએ તો છેલ્લા વીસ લાખ વર્ષમાં માનવજાતે કેવો અદભુત વિકાસ કર્યો છે તેની માહિતી મળે છે જે
વાંચી સ્તબ્ધ થઈ જવાય છે. ગુફાવાસી માનવમાંથી આજે રોકેટવાસી માનવ બની ગયો છે જે હવે તો મૃત્યુને પણ પડકારવા લાગ્યો છે. અમર થવાના પૂરા પ્રયાસો કરે છે. લેખકે ખૂબ ઝીણવટથી આ બધાનું વર્ણન કરેલ છે. પણ છેલ્લે આ સવાલ તે પણ ઉઠાવે છે કે શું માનવજાત સર્વશ્રેષ્ઠ છે ખરી ? તેનો તેણે વિસ્તૃત જવાબ આપેલ છે, પણ આપણે એક જ વિધાન જોઈએ. તે લખે છે, ” મનુષ્યો એક એવી આંધળી ઉત્કાન્તિનું પરિણામ છે જે કોઈ ધ્યેય કે હેતુ વગર ચાલ્યા જ કરે છે. આપણાં કર્મો કોઈ દિવ્ય બ્રહ્માંડીય યોજનાનો હિસ્સો નથી. આવતી કાલે જો પૃથ્વી વિસ્ફોટમાં ઊડી જાય, તો પણ બ્રહ્માંડ એની રીતે એનું કામ કરતું રહેશે.” ભયંકર વાક્ય છે. એ નગ્ન રીતે સૂચવે છે કે બ્રહ્માંડના સંદર્ભમાં માણસ કંઈ જ નથી. તેના વિના પણ બ્રહ્માંડ ચાલી શકે તેમ છે.
થોડાં વર્ષો પહેલાં મહર્ષિ વિનોબાએ પણ અહંકાર સંદર્ભે આવું જ વિધાન કરેલ. તેમણે કહેલ કે બ્રહ્માંડમાં પૃથ્વી એક ચણા જેવડી છે. આ ચણાના સીતેર ટકા ભાગમાં પાણી છે. ત્રીસ ટકામાં લગભગ દોઢસો જેટલા દેશો છે. આ દેશોમાં મારો એક દેશ છે. એ દેશમાં પાછા બત્રીસેક રાજયો છે. દરેક રાજયોના પાછા ત્રીસ ચાલીસ જિલ્લાઓ છે. દરેક જિલ્લાનાં એટલા જ તાલુકાઓ છે. દરેક તાલુકાનાં પુષ્કળ ગામો છે. એમાં એક મારું ગામ છે. ગામના દસ પંદર વોર્ડ છે. તેમાં એક મારો વોર્ડ છે. મારા વોર્ડમાં પાછાં હજારેક ઘર છે. તેમાં એક મારું ઘર છે- બે ચાર રુમોવાળું. તેમાંના એક નાનકડા રુમમાં હું બેઠો છું અને મૂછ પર હાથ ફેરવું છું અને અહંકારથી છલકાઉં છું. હવે ચણાને સીતેર, ત્રીસ, દોઢસો….એમ ભાગતા જવાનું છે અને મારા રુમ સુધી પહોંચતાં ચણાનો કેટલો હિસ્સો રહે છે તે વિચારવાનું છે. કેટલો રહેશે ચણો ? તેમાં મારો રુમ કેવડો હશે ? એ રુમમાં પણ હું બેઠેલ છું તે જગ્યા કેવડી હશે ? આ વિરાટમાં મારા અહંકારનું મૂલ્ય શું હશે ? માત્ર ગણતરી કરાશે તો બધી હવા નીકળી જશે. હું મને બેકટેરિયા કરતાં પણ નાનો લાગીશ. મૂછ પર હાથ ફેરવવો યોગ્ય હશે ?”
“આ તો નિરાશાવાદી વિધાનો છે. તો શું માણસનું કશું જ મૂલ્ય નથી ?” ગુસ્સામાં સવાલ પૂછાશે.
જો વિરાટ અને વ્યાપક સંદર્ભમાં તપાસવામાં આવશે તો ” હા ‘ માં જવાબ આવશે. બ્રહ્માંડમાં પૃથ્વી કરતાં હજાર હજાર ગણા મોટા તારા છે. તેમની સામે પૃથ્વી પણ બેકટેરિયા જેવી છે. તો હું કયાં ? મારા હોવા-ન હોવાથી કશો જ ફર્ક નથી પડતો. અરે, આ વીસ લાખ વર્ષમાં આ પૃથ્વી પર પણ અબજો લોકો આવી ગયા છે અને આવતા રહે છે.આ વિરાટ સમુહમાં હું કયાં ? અરે, મોટા શહેરના રેલ્વે સ્ટેશનમાં પણ ઊભું તો ભીડ વચ્ચે હું એક છછુંદર જેવો લાગું છું. તો અબજો-ખરબો લોકો વચ્ચે?
અને છતાં, હું ધારું તો, મારું વ્યકિતત્વ ખડું કરી શકું છું. મારા સ્થળ-કાળમાં હું જો મારું વ્યકિતત્વ કેળવી શકું, તો ચોકકસ પ્રભાવ પાડી શકું છું.
આમાં પણ પાછા બે પ્રકાર છે.
પહેલા પ્રકારમાં વ્યકિત પોતાના સમયમાં પોતાના ક્ષેત્રમાં પોતાના કર્મથી ચોકકસ પ્રભાવ પાડી શકે છે. પછી તે ઘરમાં હોય, શેરી કે ગામમાં હોય કે રાજયમાં પણ હોય. બહુ મહેનત કરે તો દેશ સુધી પણ જઈ શકે. દરેક સમયમાં આવા લોકો આવતા રહે છે જેઓ પોતાના ક્ષેત્રમાં પ્રભાવક રહે છે. જયાં સુધી તેઓ સક્રિય હોય છે, ત્યાં સુધી તેમનો વતો-ઓછો પ્રભાવ તે
ક્ષેત્રમાં પડે છે. આ પ્રભાવ કોઈ સર્જનાત્મક ક્ષેત્રમાં હોય કે ભૌતિક ક્ષેત્રમાં પણ હોય. તત્કાલીન તેનાથી આસપાસના લોકોને લાભ પણ થતો હોય છે. પણ આ પ્રભાવ વ્યક્તિ હોય ત્યાં સુધી અથવા કામ કરે ત્યાં સુધી – અને તેના નાના ક્ષેત્રમાં- જ રહે છે. પછી તરત ભૂલાઈ જાય છે. બીજું કોઈ તેનું સ્થાન લઈ શકે છે. તેમનો પ્રભાવ લાંબા ગાળા સુધી રહેતો નથી. અનેક લોકો
ધર્મસ્થાનો, હોસ્પિટલો વગેરે બંધાવે છે જેનો સમાજને લાભ પણ થાય છે. પણ તે લોકો ગયા પછી હોસ્પિટલ ચોકકસ કામ કરે છે, પણ તે લોકો ભૂલાઈ જાય છે.
પણ બીજા પ્રકારમાં એવા લોકો આવતા હોય છે જેઓ લાંબા ગાળા સુધી પ્રભાવ પાડી શકે છે. તેઓ તેમનું વ્યકિતત્વ એટલું તો પ્રભાવશાળી કેળવે છે કે તેમનો પ્રભાવ, કયારેક તેમના ક્ષેત્રમાં કે કયારે વિશ્વમાં, શાશ્વત રહે છે. તેમને સમય કે સ્થળ નડતાં નથી કે પ્રભાવિત પણ નથી કરી શકતાં. તેઓ એ બન્નેને અતિક્રમી જઈ પ્રભાવક રહે છે. આપણો ઈતિહાસ આવા લોકોને યાદ રાખે છે. આપણે બુઘ્ધ, મહાવીર, ઈશુ, સોકેટીસ, લાઓત્ઝે, મહમદ પયગંબર, રામકૃષ્ણ, વિવેકાનંદ, મહાત્મા ગાંધી વગેરેને આમાં ગણી શકીએ. આ લોકોને તેમના સમયમાં અને તેમના ગયા પછી પણ સમાજ ભૂંસવાનો પૂરતો પ્રયાસ કરે છે, છતાં તેઓના પ્રભાવમાં એક ક્ષણ પણ ઘસરકો પડતો નથી. ઉલટા વધારે પ્રકાશિત અને પ્રભાવક થતા જાય છે.
મજાની વાત એ છે કે આ બન્ને પ્રકારના લોકો કયારે અહંકાર નથી કરતા, કારણ કે વિરાટના સંદર્ભમાં પોતે કયાં છે તેનું તેમને પૂરું ભાન હોય છે. આ ભાન કે સજાગતા તેમને નમ્ર રાખે છે. અબજો લોકોમાંથી માત્ર આ લોકોએ જ માનવજાતનો વિકાસ કર્યો છે. તેમની સંખ્યા નહીંવત હોય છે. બહુમતિ તો સામાન્ય કે સરાસરી જીવન જીવે છે. તેમને વ્યકિતત્વ જેવું કશું હોતું
જ નથી. એક કવિ કહે છે તેમ તેઓ તો બસ, ” ફરે, ચરે, રતિ કરે” અને એક દિવસ મરી જાય છે. તેઓ જીવે કે ન જીવે, કશો જ ફર્ક નથી પડતો. હા, કદાચ તેમના કુટુંબમાં મહત્વના મનાતા હશે (જો કે આ મહત્વ પણ મોહ આધારિત કે ઉપયોગીતાના સંદર્ભમાં હશે), પણ વ્યાપક સંદર્ભમાં તેમનો ફાળો શૂન્ય હોય છે. પણ આ મુઠ્ઠીભર લોકો એવા હોય છે જેઓ તેમની હાજરીમાં કે ગયા પછી પણ ઝળહળતા રહે છે, પછીના સમાજોને પણ પ્રભાવિત કરતા રહે છે અને માર્ગદર્શન આપતા રહે છે.
આ મુઠ્ઠીભર લોકોમાં જો આવી શકાય, તો જીવવાનો અર્થ છે, નહીં તો જીવન વ્યર્થ છે. હા, અહંકાર કરવાની છૂટ છે, પણ પાસે રહેલ ગલુડિયું પણ તેમને ભસવા તૈયાર નહીં હોય !
એટલે દરરોજ સવારે ઉઠીને પહેલો વિચાર એ કરવાનો છે કે આ સંદર્ભમાં હું કયાં છું ?
પ્રમાણિક હશું તો સાચો જવાબ મળશે જ !
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com