{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}
પિયૂષ એમ પંડ્યા
ફિલ્મ ઉદ્યોગ સાથે ગાઢ રીતે સંકળાયેલા ચિકિત્સક ડૉ. આર. પી. કપૂરે મને એક સમયના પ્રતિષ્ઠિત સંગીતનિર્દેશક ખુરશીદ અનવર સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો જણાવ્યો હતો. ખુરશીદ અનવર એક વાર લાહોર ગયા ત્યારે ડૉ. કપૂરની સાથે એમ. એન્ડ ટી. સ્ટુડીયોની મુલાકાતે ગયા. તેના માલિક માખનલાલ પોતાની બની રહેલી ફિલ્મોમાંની એકના સંગીત ખુરશીદ અનવરને કરારબદ્ધ કરવા ઈચ્છતા હતા. એની ચર્ચા કરવા માટે તેમણે અનવરને નિમંત્ર્યા. પણ તે ગયા જ નહીં. તે પછી એક કાર્યક્રમમાં માખનલાલને ખુરશીદ અનવર અનાયાસે ભટકાઈ ગયા ત્યારે તેમણે તેનું કારણ અનવરને પૂછ્યું. ખુરશીદ અનવરનો જવાબ હતો, “માખનલાલ જેવા હાસ્યાસ્પદ નામવાળા નિર્માતા સાથે મારે કામ જ ન કરવું હોય તો હું શા માટે મળવા આવું?” લાંબા અરસા પછી ખુરશીદ અનવરે એમ. એન્ડ ટી. સ્ટુડીયોની એક ફિલ્મ માટે સંગીત આપ્યું, પણ એ અલગ કિસ્સો છે.
મારા ઘરે જામતી પીઢ કલાકારોની મજલિસ દરમિયાન કવિ પ્રદીપે પચાસ વર્ષ અગાઉનો એક એવો કિસ્સો કહ્યો, જે ત્યારે બહુ આનંદદાયક નહોતો પણ એને યાદ કરતી વેળા તેમને હસવું આવતું હતું. એક ગીતલેખક તરીકે તેઓ પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા અને સારું ગાઈ શકતા હોવાથી કોઈ કોઈ વાર (ફિલ્મો માટે) ગાતા પણ હતા. એ સમયે ગ્રામોફોન રેકોર્ડ માટે ફિલ્મી ગીતોનું રેકોર્ડીંગ HMV સ્ટુડીયોમાં ફરીથી કરવું પડતું હતું. ફિલ્મીસ્તાનની એક ફિલ્મના તેમણે લખેલા ગીતનું તેમના અવાજમાં રેકોર્ડીંગ કરવાનું હતું
રેકોર્ડીંગ શરૂ થતાં પહેલાં પંખા અને બારીઓ બંધ કરી દેવાયાં અને પ્રદીપ માઈકની સામે ઉભા રહી ગયા. કોઈ કારણસર તેમને થોડું અસુખ વર્તાતું હતું. પ્રદીપે સ્વસ્થ થવા માટે પસીનો લૂછ્યો ત્યાં સુધી સાજીંદાઓએ રાહ જોઈ. HMVના મેનેજર રમાકાંત રૂપજીને પ્રદીપની બેચેનીનો ખ્યાલ આવી જતાં તેમણે પૂછ્યું, “તુમ ઠીક તો હો ના?” પ્રદીપે તેમની સામે જોયું પણ જવાબ ન આપ્યો.
રૂપજીએ ફરીથી પૂછ્યું, “તુમ ઈતને નર્વસ ક્યૂં દીખતે હો?”
પ્રદીપનો મિજાજ ગયો. “યે તુમ તુમ ક્યા કરતા હૈ?” ખુબ જ ગુસ્સાથી તેમણે કહ્યું, “ભલે તમે મેનેજર હો, મને તેની પડી નથી. માનથી વાત કરતાં નથી ફાવતું?”
રૂપજી ઝંખવાઈ ગયા. પોતે ક્યાં વાંકમા હતા તેનો તેમને ખ્યાલ જ ન આવ્યો. પણ ત્યાં રેકોર્ડીંગ અધિકારી જી. એન. જોશી હાજર હતા તેમને તરત જ ખ્યાલ આવી ગયો કે પ્રદીપ શાથી ચીડાઈ ગયા હતા. મધ્ય પ્રદેશમાં જન્મીને ઉછરેલા અને અલાહાબાદ તેમ જ લખનૌમાં રહેલા પ્રદીપ માટે ‘તુમ’નો પ્રયોગ ઉંમરમાં નાના કે સ્તરમાં ઉતરતા હોય તેને માટે થાય, જ્યારે માનવાચક સંબોધન કરવા માટે ‘આપ’નો પ્રયોગ કરાય તેવી સમજણ કેળવાઈ હતી. જી. એન. જોશીએ પ્રદીપને સમજાવ્યું કે રૂપજી મરાઠી હતા અને તેમને ‘તુમ’ અને ‘આપ’ વચ્ચેના ભેદની જાણ જ નહતી. આમ, જે બન્યું તે સાંસ્કૃતિક તફાવતને લીધે હતું. તેમાં તોછડાઈ નહોતી. આથી પ્રદીપનો ગુસ્સો અસ્થાને હતો.
આવી બદમિજાજી માત્ર ફિલ્મી વર્તુળોમાં જ જોવા મળે છે તેવું નથી. પાશ્ચાત્ય અને ભારતીય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે પણ કેટલાક મશહૂર કલાકારો તેમની સિધ્ધીઓ જેટાલા જ તેમની ગુસ્સાભરી હરકતો માટે પણ જાણીતા છે. મૂળ ઈટાલીના પ્રતિષ્ઠિત વાદ્યવૃંદ સંચાલક અર્ટુરોરો ટોસ્કેનીની(૧૮૬૭-૧૯૫૭) ગુસ્સે ભરાય ત્યારે બેકાબુ બની જતા. એક રિહર્સલ દરમિયાન કોઈ વાદકની ચૂક થતાં તેમનો પારો છટક્યો. જરાયે વિચાર કર્યા વિના તેમણે વાદનના સમયની ચોક્કસ નોંધ રાખવા માટે માટે પોતાના ટેબલ ઉપર મૂકેલી કિંમતી સોનેરી ઘડીયાળ નીચે ફેંકી અને તેની ઉપર કૂદીને એને કચરી નાખી. જો કે ટોસ્કેનીની ના વાદકોએ ટૂંક સમય પછી તેમના જન્મદિવસ ઉપર તેમને બે ઘડીયાળો ભેટ આપી. તેમાંની એક સોનાની હતી આને બીજી સસ્તી હતી, જેની સાથે ‘માત્ર રિહર્સલ માટે’ લખેલી ટીકડી લગાડેલી હતી. આ દર્શાવે છે કે તેઓ અત્યંત માનભર્યું સ્થાન ભોગવતા હતા.
કેટલાક જાણીતા ગાયકોને તાળીઓનો ગડગડાટ ન થાય ત્યાં સુધી ઊંચા સૂરને લંબાવી રાખવાની આદત પડી ગઈ હોય છે. ‘મૈયા મોરી’ ગાતી વખતે અનુપ જલોટાની આવી શૈલી પરથી મને ટોસ્કેનીની સાથે જોડાયેલો એક પ્રસંગ યાદ આવી ગયો. એક કાર્યક્રમમાં એનરીકો કરુસો નામના એક મહાન ઓપેરા ગાયકે ઊંચા સૂરને જોરદાર દાદ મળી ત્યાં સુધી લંબાવ્યે રાખ્યો (અનુપ જલોટા સાથે સરખામણી કરવાનો કોઈ આશય નથી). આટલું લંબાણ તદ્દન બિનજરૂરી હતું અને ટોસ્કેનીનીને ઉશ્કેરી મૂકવા માટે પૂરતું હતું. તેમણે કરુસોએ સૂર મૂક્યો અને શ્રોતાગણની તાળીઓનો ગડગડાટ શમ્યો તેની અધિરાઈથી રાહ જોઈ. પછી સૌ સાંભળે તેમ બરાડો પાડ્યો, “ કરોસો! તારું પૂરું થયું?”
એકવાર હું મંચ પરથી પ્રસ્તુતિ કરી રહેલા બે તીખા મિજાજના કલાકારો વચ્ચેના દ્વંદ્વનો સાક્ષી બન્યો હતો. એક સમારંભમાં દિગ્ગજ ગાયક પંડીત ઓમકારનાથ ઠાકુરને લાગ્યું કે તેમની સાથે તબલાં પર સંગત કરી રહેલા અલ્લા રખા તેમનાથી આગળ નીકળવાની કોશિષ કરી રહ્યા હતા. અચાનક અટકી જઈ, ઓમકારનાથે પૂછ્યું, “ઉસ્તાદ, યે ક્યા કર રહે હો?”
અલ્લા રખા દાઢમાં બોલ્યા, “બસ, તબલા બજા રહા હૂં.”
ઓમકારનાથે પરખાવ્યું, “તો ફીર જીસ તરહ સે બજાના ચાહીયે, વૈસે હી બજાઈએ.”
શ્રોતાગણને આ બે કલાકારો વચ્ચેની શાબ્દિક તડાફડી સાંભળવાની બિલકુલ અપેક્ષા નહોતી.
ઓમકારનાથ સંપૂર્ણપણે સંગીતને વરેલા હતા અને તેઓ કલાનું માનહનન જરાયે સહન કરી શકતા નહોતા. રાષ્ટ્રપતિભવનમાં યોજાયેલા એક સમારંભમાં તેમણે પંડીત નહેરુને રશીયાના વડાપ્રધાન સાથે વાત કરતા જોયા અને તેમનું સ્વમાન ઘવાયું. તેમણે ગાયન અટકાવી દીધું અને બહુ વિવેકી નહીં તેવી રીતે નહેરુને કહ્યું કે તેઓ વાત પૂરી કરી લે પછી ગાયન આગળ વધશે. તરત જ નહેરુએ માફી માંગી અને પછી સમગ્ર પ્રસ્તુતિ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું.
પ્રતિષ્ઠિત શાસ્ત્રીય ગાયિકા કેસરબાઈ કેરકર તેમના તીખા મિજાજ અને કડવી જીભ માટે જાણીતાં હતાં ગુસ્સે થાય ત્યારે તેઓ ભલભલાને સંભળાવી દેતાં. એક કાર્યક્રમમાં કોઈ શ્રીમંત અને વરિષ્ઠ એવા પુરસ્કર્તાએ તેમને ઠૂમરી ગાવા માટે વિનંતી કરી. સામાન્ય રીતે ઠૂમરી પ્રેમ અને જુદાઈની લાગણીને વાચા આપવા માટેનો ગાયનપ્રકાર છે. તે સમયે સાઠીમાં પ્રવેશી ચૂકેલાં કેસરબાઈ માઈક ઉપર જ બોલ્યાં, “ન તો મારી ઠૂમરી ગાવાની ઉંમર છે, નથી તો તમારી તે સાંભળવાની.” આમ કહીને તેમણે પેલા જૈફને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધા હતા. આજે આવા કલાકારો ઈતિહાસનાં પાનાં પર રહી ગયા છે. તેમનાં નખરાં ભૂલાઈ ગયાં છે. માત્ર તેમનું પીરસેલું મધૂર સંગીત પ્રેમથી યાદ કરાય છે.
નોંધ :
– તસવીરો નેટ પરથી અને ગીતો યુ ટ્યુબ પરથી લીધેલાં છે. તેનો કોઈ જ વ્યવસાયિક ઉપયોગ નહીં કરવામાં આવે.
– મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com