વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • બાળ ગગન વિહાર – મણકો ૧૮ – વાત અમારી ડુલસેની

    શૈલા મુન્શા

    “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા,
    ક્યાંક પંખી ટહુક્યુંને તમે યાદ આવ્યા”
     
    હંસાબેન દવેના સુમધુર કંઠે ગવાયેલું આ ગીત ભલે જેને યાદ કરીને હરિન્દ્રભાઈએ લખ્યું હોય પણ મને મારા નાનકડાં પંખીડા યાદ આવી ગયા જે બે ત્રણ વર્ષ અમારી પાસે રહી ઊડી જાય.
     
    રવિવારની સવારે અમારા હ્યુસ્ટનમાં એક કલાક ગુજરાતી કાર્યક્રમ આવે છે, અને જુના નવા ગુજરાતી ગીતો સાથે  દર વખતે કોઈ ખાસ વિષય પર વાર્તાલાપ થતો હોય. આજે રેડિયો ચાલુ કર્યો અને વાતનો વિષય હતો સ્પેસિઅલ નીડ બાળકો અને અમેરિકામાં એમને મળતી સગવડો.
     
    આવી જ એક પંખિણી ડુલસે મને યાદ આવી ગઈ.
     
    આજે મારે મારા ક્લાસની નટખટ, તોફાની અને સાથે સાથે ખુબ ચબરાક એવી ટેણકી ડુલસેની વાત કરવી છે. લગભગ ત્રણ વર્ષ પહેલાં સ્કુલના અંતભાગમાં એટલે કે માર્ચની શરૂઆતમાં એ અમારા ક્લાસમાં આવી. જેવા ત્રણ વર્ષ પુરા થયા ને ડુલસે દાખલ થઈ. અમેરિકામાં દિવ્યાંગ બાળકોને સ્કૂલમાં ત્રણ વર્ષ પૂરાં થાય અને દાખલ કરી શકાય જેથી આ બાળકોને વિશેષ સવલતો જેવી કે સ્પીચ થેરપીસ્ટ, ફીઝીકલ થેરાપી જેવી સગવડ મળવા માંડે. ડુલસે નાનકડી સ્પેનિશ છોકરી, નાનુ મોઢું ને સાવ હલકી ફુલ્કી. અંગ્રેજી ખાસ આવડે નહિ. એના ડાબા હાથમાં થોડી તકલીફ અને જીભ થોડી થોથવાય, એ કારણસર એ અમારા ક્લાસમાં.(ફિજીકલ એન્ડ સ્પીચ ડીસએબીલીટી).
    જ્યારે આવી ત્યારે દેખાવમાં ટેણકી પણ સ્વભાવે જમાદાર. નાની અમસ્થી પણ બધાને ભારે પડે. પહેલા દિવસથી જ જરા પણ ડર નહિ, જરાયે અજાણ્યું ન લાગે, વાતવાતમાં હાથ ઉપડે. ખાસ તો રમતના મેદાનમાં. બે વેંતની છોકરી, પણ  એનાથી મોટા છોકરાઓ વચ્ચે રમવા પહોંચી જાય અને કોઈ જરા એને હાથ લગાડે તો સામો જવાબ મળી જ જાય.
    ધીરે ધીરે ક્યારેક સમજાવટથી તો ક્યારેક સખત થઈને એની એ આદત અમે છોડાવી. ડુલસે જેટલી હોશિયાર બાળકી અમે જોઈ નથી. નવુ શીખવાની ધગશ એટલી કે ક્લાસમાં જેટલી પ્રવૃતિ કરાવીએ એમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લે. સંગીત એને ખુબ ગમે અને જેટલા બાળગીત ગવડાવીએ એ બધા પુરા અભિનય સાથે ગાવાની કોશિશ કરે, અંગ્રેજી પણ ઝડપભેર શીખવા માંડી.
    એની એક ખાસિયત. જ્યારે પણ એને ગુસ્સો કરીએ એટલે મમ્મી મમ્મી કરીને રડવા માંડે પણ બે જ મિનિટમાં આવીને અમારી સોડમાં ભરાય, અમે જાણી કરીને એને દૂર કરીએ તો એવું મીઠું હસીને લાડ કરે, અથવા કોઈનુ પણ નામ આપી અમારૂં ધ્યાન બીજે દોરવાનો પ્રયાસ કરે. “મુન્શા ડેનિયલએ મને માર્યું” અમને ખબર હોય કે ડેનિયલ તો એનાથી દૂર બેઠો છે, પણ એટલું કહીને  એવું ખિલખિલ હસી પડે કે અમારો ગુસ્સો પળમાં ગાયબ કરી દે.
     
    ડુલસેની પ્રગતિ જોઈ અમે બીજા વર્ષે એને બે કલાક માટે સામાન્ય બાળકોના ક્લાસમાં મોકલવાનું નક્કી કર્યું. થોડા દિવસ તો ઠીક ચાલ્યું, પછી ફરિયાદ આવવા માંડી, ડુલસે જમવાના સમયે કાફેટેરિઆમાં થી ભાગી જાય છે, ક્લાસમાં બાજુમાં બેસેલા બાળકની પેન્સિલ છીનવી લે છે, કોઈવાર મારવાનો પ્રયાસ કરે છે, વગેરે વગેરે….
     
    તરત જ કાઉન્સલિંગ શરૂ થયું અને નિદાન આવ્યું કે ડુલસે A.D.H.D.(Attention-Deficit/Hyperactivity Disorder.) બાળકી છે. આ બાળકો જેને આપણે ધ્યાન બહેરા કહીએ એવા હોય. પોતાનુ ધાર્યું થવું જ જોઈએ. કોઈ એમના પર ધ્યાન ન આપે તો ધ્યાન ખેંચવા અવનવી હરકતો કરે, માટે જ તો આ બાળકો અનોખા હોય છે.
     
    અમારા ક્લાસમાં લગભગ દસ થી બાર બાળકો હોય, જ્યારે સામાન્ય બાળકોના ક્લાસમાં પચ્ચીસ જેટલા.
    હવે તમે જ કહો, શિક્ષક ક્યાંથી વ્યક્તિગત ધ્યાન દરેક વખતે કેવી રીતે આપી શકે?
     
    ધીરે ધીરે સમજાવટ,સારા વર્તનનો શિરપાવ મળવાની એક બાંહેધરી થી ડુલસેમાં ઘણુ પરિવર્તન જોવા મળ્યું. વધુ સમય નિયમિત ક્લાસમાં રહેવા માંડી. આવતા વર્ષથી એ નિયમિત પહેલા ધોરણની વિધ્યાર્થીની બની જશે. ગઈકાલના બનાવે મને ભૂતકાળ યાદ કરાવી દીધો. હું ને ડુલસે કોમ્પ્યુટર પર બાળકોની કોઈ વેબસાઈટ ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, વારંવાર ક્લીક કરવા છતાં વેબસાઈટ ખુલતી નહોતી. ડુલસે મને કહી રહી હતી “Wait Ms. Munshaw, wait Ms. Munshaw,  ઘણીવાર થોડી રાહ જોવી પડે, પણ મારી ધીરજ નહોતી રહેતી, આખરે ગુસ્સામાં ડુલસે બોલી ઊઠી “Do you know WAIT”
     
    ડુલસેનુ આ રૂપ અને એની ધીરજે મને ત્રણ વર્ષ પહેલાની ડુલસે યાદ આવી ગઈ, ક્યાં તોફાની ડુલસે અને ક્યાં આજની ઠાવકી, ઠરેલ ડુલસે !!!!!!
    કેટકેટલા અનોખા બાળકો સાથે રહેવાનો, એમની સાથે સ્વનો વિકાસ કરવાનો અદ્ભૂત મોકો મને સાંપડ્યો છે!! આ દિવ્યાંગ બાળકોને યોગ્ય દોરવણી મળે તો એમની પ્રતિભા કેવી ખીલી ઊઠે છે એનો અનુભવ મને હમેશ થયો છે અને એમની નિર્દોષતાએ મને જીવવાનુ બળ આપ્યું છે!!!
    અસ્તુ,


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in

    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • કોઈનો લાડકવાયો (૧૨) ઓડીશાનો પાઇકા વિદ્રોહ

    દીપક ધોળકિયા

    ૧૮૧૭માં ઓડીશામાં અંગ્રેજી શાસન વિરુદ્ધ આગ ભડકી ઊઠી અને તે છૂટક છૂટક ૧૮૩૬ સુધી સળગતી રહી.  ૧૮૦૩માં  ઈસ્ટ ઇંડિયા કંપનીએ ઓડીશામાં પ્રવેશ કર્યો. એ જ વખતથી એની સામે વિરોધ શરૂ થઈ ગયો હતો. ખુર્દાના ગજપતિ રાજાના દરબારમાં જયકૃષ્ણ મોહાપાત્રા રાજગુરુ મુખ્ય પુરોહિત હતા. એ જયી રાજગુરુ તરીક ઓળખાતા. એમણે મરાઠાઓ સાથે  મળીને કંપનીને પડકાર ફેંકવાનું નક્કી કર્યું. પણ એમની યોજના છતી થઈ ગઈ. અંગ્રેજોના દબાણ નીચે રાજાએ એમને દરબારમાંથી પાણીચું પકડાવી દીધું અને અંગ્રેજોએ એમને પકડી લીધા. એમની સામે કેસ ચાલ્યો અને ૧૮૦૬ની છઠી ડિસેમ્બરે એમને મોતને ઘાટે ઉતારી દેવાયા. એ માત્ર ફાંસી નહોતી. કંપનીના અધિકારીઓ યાતના આપવાની મઝા પણ લૂંટવા માગતા હતા એટલે એમના પગ એક ઝાડની બે દૂર દૂરની ડાળીએ બાંધ્યા અને પછી ડાળીઓને છોડી દીધી, જયી રાજગુરુનું શરીર આમ બે ભાગમાં ચિરાઈ ગયું.

    ઓડીશામાં આમ ભારેલો અગ્નિ હતો.  આ પાશવી હત્યાના પડઘા દૂર દૂર સુધી પડ્યા. લોકોમાં અરેરાટીની લાગણી હતી. એ જ વખતે અંગ્રેજોએ પોતાની નવી મહેસૂલ નીતિ લાગુ કરી. પાઇકાઓ આમ તો ખેડૂતો હતા, પણ સામાન્ય ખેડૂતો નહીં,  ગજપતિ રાજવંશના રાજાઓ એમને સૈનિક તરીકે રાખતા. એમને હથિયારો પણ આપ્યાં હતાં. લડાઈ હોય ત્યારે પાઇકાઓ રાજાના સૈન્યમાં જોડાય અને તે સિવાય શાંતિના કાળમાં ખેતી કરે.  એમની જુદી જુદી શ્રેણીઓ હતી, જેમ કે, એક દળ ખાંડા-ઢાલ દળ હતું. આમ હથિયારો તો એમની પાસે હતાં જ. નવી મહેસૂલ નીતિ વિરુદ્ધ એમનો વિદ્રોહ એવો જોરદાર હતો ને બે-ત્રણ વર્ષ પહેલાં ઓડીશા સરકારે પાઇકા વિદ્રોહને પહેલા સ્વાતંત્ર્યસંગ્રામ તરીકે માન્યતા આપવાની માગણી કરી હતી.

    ૧૮૧૭ના માર્ચમાં પાઇકાઓ ખુર્દા શહેરમાં જગબંધુ બિદ્યાધર મોહાપાત્રાની આગેવાની હેઠળ એકત્ર થયા.  ખુર્દાના છેલ્લા રાજા મુકુંદ દેવ અને બીજા રાજાઓનો પણ સાથસહકાર મળ્યો. મુકુંદ દેવનાં રાજપાટ કંપનીએ ૧૮૦૪માં જ છીનવી લીધાં હતાં. અંગ્રેજોએ એમને પણ પકડી લીધા. એમનું જેલમાં જ ૧૮૧૭માં મૃત્યુ થયું.

    જગબંધુએ ૪૦૦ કાંધ (અથવા કોંધ) આદિવાસીઓને પણ વિદ્રોહમામ જોડ્યા અને ખુર્દામાં અંગ્રેજોની સત્તાનાં પ્રતીકો – કોર્ટકચેરીઓ, પોલીસ સ્ટેશનો અને સરકારી ઑફિસોને આગ લગાડી દીધી. કટકના મૅજિસ્ટ્રેટ ઈમ્પીએ લેફ્ટેનન્ટ કર્નલ ફારિસની સરદારી નીચે એક ટુકડી મોકલી પણ વિદ્રોહીઓ સાથેની લડાઈમાં ફારિસ પોતે જ મર્યો ગયો અને કંપનીને પીછેહઠ કરવી પડી. બળવાખોરોને દબાવી દેતાં એક મહિનો લાગી ગયો. જગબંધુ પોતાના સાથીઓ સાથે જંગલમાં ભાગી ગયા અને ત્યાંથી છૂટાચાવાયા હુમલા કરતા રહ્યા. અંતે જો કે કંપનીએ કબજો કરી લીધો પણ જગબંધુ છેક ૧૮૨૫માં પકડાયા અને ૧૮૨૯માં જેલમાં જ એમનું મૃત્યુ થઈ ગયું.

    પરંતુ પાઇકાઓનો રોષ  શાંત ન થયો. ૧૮૫૭માં પણ ઓડીશામાં વિદ્રોહીઓ માથું ઊંચક્યું. એમાં સંબલપુરના વિદ્રોહના નેતા વીર સુરેંદ્ર સાઈનું નામ આગળપડતું છે. એમના એક સાથી માધો સિંઘના ત્રણ પુત્રો અંગ્રેજો સામે લડતાં માર્યા ગયા અને મોટા પુત્રને જનમટીપ આપવામાં આવી. માધો સિંઘની પૌત્રીનો પતિ પણ શહીદ થયો, માધો સિંઘને પણ ૧૮૫૮માં ફાંસી આપવામાં આવી. એ વખતે એ ૭૨ વર્ષના હતા.

    ઓડીશામાં આ અરસામાં કાંધ આદિવાસીઓએ બે વાર બળવા કર્યા. એમના નેતાઓ હતા, ડોરા બિસોઈ અને ચક્ર બિસોઈ.

    ઓડીશાના આ બધા વીરોને શ્રદ્ધાંજલિ આપીએ.

    000

    દીપક ધોળકિયા:
    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
    બ્લૉગ સરનામું: મારી બારી

  • મરવું હોય એ મરો, પણ અમારું તરભાણું ભરો

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    મૃત્યુ પ્રત્યેક મનુષ્યની નિયતિ છે, પણ તે કયા સમયે અને કયા સ્વરૂપે આવી પહોંચશે એની જાણ હોતી નથી, એટલે તેનો ડર લાગતો હોય છે. યમદૂત ઘણી વખત સાવ અણધાર્યા સ્વરૂપે આવી પહોંચતો હોય છે. જેને આપણે જીવનદાતા માની બેઠા હોઈએ એ પણ ક્યારેક યમદૂત નીકળે એમ બનતું હોય છે.

    પશ્ચિમ આફ્રિકાના ગામ્બિયા દેશમાં બેએક મહિના અગાઉ એક દુર્ઘટના પ્રકાશમાં આવી. છેલ્લા ત્રણેક મહિનામાં ૬૬ જેટલાં બાળકો કિડનીની બિમારીને કારણે મૃત્યુ પામ્યાં. આ મામલો જરા વિચિત્ર હતો. આથી તેના કારણની તપાસ ચાલી. એમાં નિદાન થયું કે તાવ માટે ઉપયોગમાં લેવાતા પેરાસીટામોલનું સિરપ પીધા પછી આ બાળકોની કિડની પર અસર થઈ હતી. દવા વિશેની સામાન્ય સમજણ ધરાવનાર પણ જાણે છે કે પેરાસીટામોલનો ઉપયોગ આપણે લોકો સાવ સામાન્યપણે કરતા હોઈએ છે. એ લેવા માટે ડૉક્ટરને પૂછવાની સુદ્ધાં જરૂર નથી જણાતી. પણ આવી, પ્રમાણમાં ‘નિર્દોષ’ ગણાતી દવાએ બાળકોની કિડની પર અસર કરી અને તેઓ મરણને શરણ થયાં. આમ તો આ મામલો ગામ્બિયા જેવા દૂરદેશાવરનો હોવાથી આપણાં પ્રસાર-પ્રચાર માધ્યમોમાં ભાગ્યે જ ચમકત, છતાં એમ થયું. કારણ? કારણ એ કે પેરાસીટામોલનું જે સીરપ બાળકોનાં મૃત્યુનું કારણ બન્યું હતું એનું ઉત્પાદન એક ભારતીય કંપની દ્વારા કરવામાં આવ્યું હતું, અને તેની નિકાસ કરવામાં આવી હતી.

    દિલ્હીસ્થિત ‘મેઈડન ફાર્માસ્યુટિકલ્સ લિ.’ નામની કંપનીનું આ સીરપ જીવલેણ શી રીતે બની ગયું? ગામ્બિયાના સત્તાધીશોએ કામચલાઉ ધોરણે તમામ પ્રકારનાં પેરાસીટામોલ સીરપની આયાત અને વેચાણને બંધ કરવાનો આદેશ આપ્યો. તમામ ફાર્મસીમાંથી તેમજ ઘરોમાંથી પણ આ દવાને પાછી ખેંચવાના આદેશ અપાયા. આ દુર્ઘટનાની ગંભીરતાને કારણે ‘વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા’ (હુ) પણ કાર્યરત બની ગઈ. તેના દ્વારા ખાંસી અને શરદીનાં સીરપમાં ભેગ હોવાની શક્યતા દર્શાવવામાં આવી. એક લૅબ રિપોર્ટમાં ડાઈઈથીલીન ગ્લાયકોલ અને ઈથીલીન ગ્લાયકોલની ‘અસ્વીકૃત’ માત્રા તેમાં હોવાનું જણાયું, જે ઝેરી બની શકે છે અને કીડનીની જીવલેણ બિમારી માટે કારણભૂત બની શકે છે.

    નવાઈ લાગે એવી વાત એ છે કે લગભગ એ જ અરસામાં ઈન્‍ડોનેશિયામાં પણ આવા જ કિસ્સા બનેલા જણાયા. ત્યાં પણ ભારતીય બનાવટનાં કફ સીરપ લેવાને કારણે બાળકોની કીડની પર જીવલેણ અસર થઈ. આશરે ૧૪૩ બાળકોએ જાન ગુમાવ્યા. તેને પગલે તમામ પ્રકારનાં કફ સીરપના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ સીરપમાં પણ ડાઈઈથીલીન ગ્લાયકોલ તેમજ ઈથીલીન ગ્લાયકોલની ‘અસ્વીકૃત’ માત્રા હોવાનું માલૂમ પડ્યું. અલબત્ત, તેના ઉત્પાદક વિશે જાણકારી નથી.

    છેલ્લા અહેવાલ અનુસાર ગામ્બિયાએ ફેરવી તોળ્યું છે અને જણાવ્યું છે કે હજી આ બાળકોનાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

    આ સમયગાળામાં ‘હુ’ દ્વારા કરાયેલી જાહેરાતના પગલે ભારત સરકારે તેમજ હરિયાણા સરકારે ઉત્પાદક ‘મેઈડન ફાર્માસ્યુટિકલ્સ’ને પ્રતિબંધિત કરી છે. સ્વાભાવિકપણે જ આ દુર્ઘટના ભારતની ‘વૈશ્વિક  ફાર્મસી’ તરીકેની છબિને ગંભીર નુકસાન પહોંચાડનારી છે, આથી ભારત દ્વારા ‘હુ’ના વિસ્તૃત અહેવાલની રાહ જોવાઈ રહી છે.

    ગામ્બિયા અને ઈન્‍ડોનેશિયા બન્નેમાં લગભગ એક જ પ્રકારની દુર્ઘટના બની છે, જેનો ભોગ બાળકો જ બન્યાં છે. કોઈ ભારતીય કંપનીના ઉત્પાદનને કારણે જ આમ બન્યું છે કે કેમ એ તો સાચોખોટો અહેવાલ આવશે અને જાણવા મળશે તો મળશે. મૂળ સવાલ એ છે કે નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે કેવી બેકાળજી ઉત્પાદક કંપનીઓ દાખવે છે! ફરી પાછો એનો એ જ સવાલ સામે આવે છે કે અહેવાલમાં કોઈને પણ દોષી ઠેરવ્યા પછી જેમણે જીવ ગુમાવ્યાં એ પાછા આવવાનાં છે? અને ફરી વખત આમ નહીં બને એની કશી ખાતરી કોઈ આપી શકે એમ છે?

    ધારો કે, આપણા દેશમાં જ આવી કોઈ દુર્ઘટના બની હોત તો શું થાત? કલ્પનાને બહુ દોડાવવાની જરૂર નથી. સુરતમાં ‘તક્ષશિલા’ જેવી ગોઝારી આગની દુર્ઘટના કે તાજેતરમાં મોરબીનો પુલ તૂટી પડ્યાની દુર્ઘટનામાં ભોગ બનનાર પૈકી બાળકોની સંખ્યા ઘણી મોટી છે, છતાં નથી અસલી કસૂરવાર સામે પગલાં લેવાયાં કે નથી તેનું પુનરાવર્તન ટળે એ માટે ચુસ્તી દેખાડાઈ! જે પણ પગલાં લેવામાં આવેલાં છે એ થાગડથીગડ જેવા છે. એમાં સમસ્યાના મૂળ સુધી પહોંચીને એનો ઊકેલ વિચારવાનો ઈરાદો જણાતો નથી કે અસલી કસૂરવારને સજા કરવાની દાનત પણ હોય એમ લાગતું નથી! અને આ બધું ચોરીછૂપીથી નહીં, બેશરમીથી ઉઘાડેછોગ થઈ રહ્યું છે. દલપતરામની કાવ્યપંક્તિ ‘શોધી ચડાવો શૂળીએ, જાડા નરને જોઈ’ પોતાના સમયમાં જ નહીં, કદાચ સદાકાળ પ્રસ્તુત બની રહે એવી છે, જેની પ્રતિતિ આપણને વખતોવખત થતી રહી છે.

    કેવળ આપણા દેશમાં જ નહીં, સમગ્રપણે સંવેદનાનું સ્તર જાણે કે સતત ઘટતું જતું હોય એમ લાગ્યા વિના રહેતું નથી. બેજવાબદારીપણું બેશરમીપૂર્વક ઊજવવામાં આવી રહ્યું હોય એમ જણાય છે.

    કોઈ ને કોઈ દુર્ઘટનામાં થતાં સામૂહિક મૃત્યુ ખરેખર તો મંથનનું, અને તેને પગલે સંભવિત ભાવિ દુર્ઘટના નિવારવાનું નિમિત્ત બનવાં જોઈએ. તેને બદલે એ રાજકીય લાભ ખાટવાનો અવસર બની રહ્યાં છે. ગામ્બિયા હોય, ઈન્‍ડોનેશિયા હોય કે ભારત હોય, માનવસર્જિત ભૂલને કારણે મોતને ભેટેલાં બાળકોનો શો વાંક! ભૂલ ભલે ગમે એની હોય, સ્વજનો તો ગયાં જ ને! રાજકીય રંગનો કૂચડો ફેરવાશે એટલે આ દુર્ઘટનાઓ વિસારે પાડી દેવામાં આવશે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૭-૧૧ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • કલમના કસબી:કનૈયાલાલ મુનશી : અડધે રસ્તે – ૩

    પુસ્તક પરિચય

    રીટા જાની

    ગત બે અંકથી આપણે વાત કરી રહ્યા છીએ મુનશીની આત્મકથા ‘અડધે રસ્તે’ની.

    પ્રેમ એ જીવનનું રસાયણ છે. પ્રેમ એ હૃદયની તરસ છીપાવતું અમૃત છે. પ્રેમ વાતાવરણમાં છે. એક દૃષ્ટિ, એક સ્પર્શ, એક કાર્યમાં પ્રેમ છે. જરૂર છે સભાન બની તેને અનુભવવાની. આપણે જ્યારે મુનશીની વાત કરતાં હોઈએ તો આપણે સૌ જાણીએ છીએ તેમના પ્રેમ ભરેલા પાત્રો વિશે ને કાક અને મંજરીના પ્રણય સંબંધ વિશે. ત્યારે પ્રશ્ન એ થાય કે  મુનશી પોતે અંગત જીવનમાં પ્રેમ, પ્રેમિકા ને પત્ની માટે કેટલા નસીબદાર હતા?

    જીવનસંગિની એ કોઈના પણ જીવનનો અતિ અગત્યનો હિસ્સો છે. મુનશીના સંસ્મરણોમાં છે કે તેમના માટે વહુની વરણી થતી હતી ને તેઓ સાંભળ્યા કરતાં, રસથી કે કેમ તે ખબર નહોતી. આખરે ચાર વર્ષની વહુ સાથે તેમના વિવાહ થયા ને લગ્ન સમયે તેની ઉંમર હતી આઠ વર્ષની. તે ગૃહસ્થ બન્યા, પાઘડી પહેરી ઘોડે ચડ્યા ને રડતી ધર્મપત્નીને પાછળ બેસાડીને લઈ આવ્યા.

    બાપાજી સુરતની બાજુમાં આવેલા સચીનના દિવાન નિમાયા. ત્યાં એક આઠ-નવ વર્ષની ગૌરવવંતી, તેજસ્વી, હેતાળ અને તોફાની  છોકરી હતી. નાના છોકરાઓ રમે એમ તેઓ બંને રમતા, લડતાં, રડતાં ને તોફાન કરતાં. પણ બાલ મુનશીની કલ્પનાએ એની આસપાસ કંઈ કંઈ સૃષ્ટિઓ ઘડી ને ભાંગી. ૧૯૦૩ માં ફરી ચાર દિવસ એ બાળાને મળ્યા  વાસ્તવિક રીતે તો એ સામાન્ય પ્રસંગ હતો પણ એ બાળાએ તેમની કલ્પનાનો કબજો લીધો. દિવસે તેનું હાસ્ય સંભળાય ને રાતે તેને દેખ્યા કરે. સાત વર્ષ થયાં બંને એકબીજાને ઝંખતા હતા. મુનશી નોંધે છે કે “અમે બંને પરણવા સર્જાયા હતાં. હું એના વિના તરફડતો હતો. એ મારા વિના ઝૂરતી હતી.” એ સ્મરણોના સમૃધ્ધરંગી ચિત્રો મુનશીએ  “વેરની વસૂલાત” માં ચીતર્યા છે તો તેના કેટલાક પ્રકરણોની જીવંતતા વર્ષોના આંસુ સીંચીને તેમણે ઉછેરી છે.

    એ વખતના શિષ્ટાચાર પ્રમાણે વહુ બાર વર્ષની થાય એટલે તેને સાસરે બોલાવી લેવાતી. અહીઁ વહુ શરીરમાં છેક નાની હતી ને એને ભણાવવાની કોઈ તસ્દી લેતું નહિ. સંસ્કારી સાસરિયામાં જે પ્રકારની રીતભાત જોઈએ તે કોઈ તેને શીખવતું નહિ. “ભાઈ” તો મોટી વિદ્વાન સ્ત્રીઓની વાતો કરતો ને તેનો વહુ તરફનો અણગમો વધતો હતો. “ભાઈ” ના વહુ વિશેના ખ્યાલ નાટકી હતા. એને તો સાથે ગાય, વગાડે ને અંગ્રેજીમાં વાતો કરે એવી વહુ જોઈએ. વહુ અભણ છે, મૂર્ખ છે, માટે હું એને નહિ બોલવું એવી વાત કરે ને ઘણીવાર તો “ભાઈ”  આંસુ પણ સારે. હેત અને કાળજીથી સાસુમા વહુ અતિલક્ષ્મીને ઘેર લાવ્યા ને તેના સંસ્કાર પરિવર્તનનું કામ માથે લીધું, જે પત્થર ઘડવા કરતા પણ કઠિન હતું. જે છોકરીના જીવનનો આધાર પોતે હતા, તેને દુઃખી કરવામાં પાપ દેખાતું. પણ એ પ્રતિજ્ઞા પાળતા તેમનો જીવ રહેસાઈ જતો. તેમને તો પ્રેમવિવાદ કરી શકે, કેન્ટ અને સ્પેન્સર વાંચી શકે એવી સહચરીની ઝંખના હતી. તેમને મળી લક્ષ્મી…જે તદ્દન બાળક હતી – શરીરે ,બુદ્ધિમાં, વિકાસમાં. આથી હતાશ થઈ તે રડતાં રહેતા. એટલું જ નહિ પણ તેમણે મરવાનો નિશ્ચય કર્યો. લક્ષ્મી નિર્દોષ, અજ્ઞાન ને શ્રદ્ધાળુ હતી. એની આંખોમાં સદાય ભક્તિ તરવરતી. એની સાથે ક્રૂર થઈ ન શકાય. તેથી જાત પર ક્રૂર બન્યા. એકલા એકલા આક્રંદ કરીને ધગધગતા શબ્દોમાં પોતાનું દુઃખ વ્યક્ત કરતા. તેઓએ વેદનાને આ રીતે નોંધી-”  …વેદના ને જીવલેણ દુઃખ હું સતત અનુભવું છું. મારો અભ્યાસ, મારી ખાસિયતો અને  રંગભૂમિના મારા શોખે મને બગાડી મૂક્યો છે. મેં બહુ ઊંચા આદર્શો સેવ્યા. મે સ્વપ્નાં જ જોયા કર્યા. તિલોત્તમા અને સાવિત્રી –  એ મારા આદર્શો. મેં તો સુંદર વાત કરનારી ને સાથે ગંભીર, વિચારશીલ ને સમસંસ્કરી પત્ની ઝંખેલી; પણ એ આશા તો હંમેશ માટે કચડાઈ ગઈ…” છેવટે બીજા કોઈ નહિ તો બા માટે માટે જીવવું એવું નક્કી કર્યું. તેમના સુખમય સંસાર પર અંધારું ફરી વળ્યું તો રાત અને દિવસના  દારુણ દુઃખ ન શમતાં હૈયાભંગ થયો. આના કારણે તેમનું  મન અશાંત રહેવા લાગ્યું અને રાતની ઊંઘ ઊડી ગઈ. પરિણામે તેઓ વાંચ્યા કરતાં. તેમણે તત્વજ્ઞાનના વાંચન ઉપરાંત ફ્રાન્સના વિપ્લવનો વિસ્તૃત અભ્યાસ કર્યો. હ્યુગોની કૃતિઓ વાંચી. દુમાની એકએક કૃતિ એકથી વધુ વાર વાંચી. ઉપરાંત વડર્ઝવર્થ, બાયરન, શેલી અને ટેનીસનના બધાં કાવ્યો વાંચી નાખ્યા.

    1902માં કોલેજમાં જવું તે આજે વિલાયત ભણવા જવા કરતાં પણ વધારે મોટુ સાહસ ગણાતું હતું. ઇ.સ. 1902 થી 1906 સુધી તેમણે વડોદરા કોલેજમાં બોર્ડિંગમાં રહીને અભ્યાસ કર્યો. નાટક જોવાનો શોખ ત્યાં પણ ચાલુ જ રહ્યો. કોલેજનું વાતાવરણ તેમણે “સ્વપ્નદૃષ્ટા” માં વર્ણવ્યું છે એટલું જ નહિ પણ તેમના મિત્ર “પી.કે.” અને પ્રો. શાહનું ચિત્ર પણ આપ્યું છે. તેમના સમયે કોલેજમાં અત્યંત પ્રભાવશાળી, વિદ્યાર્થીઓને પ્રેરણા આપી તેમના ભવિષ્યના જીવન પર સચોટ અને સ્થાયી અસર કરવાની શક્તિ ધરાવનાર બે શક્તિશાળી પ્રોફેસરો હતા. એક હતા તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાનના  પ્રોફેસર જગજીવન વલ્લભજી શાહ, જેમને પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ પક્ષપાત હતો. તેઓ ધાર્મિક અને નૈતિક જીવનના ચુસ્ત હિમાયતી હતા અને વિદ્યાર્થીઓને આડકતરી રીતે ઉપદેશ આપી તેમની દૃષ્ટિ મર્યાદા વિશાળ બનાવતા હતા. બીજા હતા અંગ્રેજી અને ફ્રેંચના પ્રોફેસર અરવિંદ ઘોષ. ફ્રેન્ચ વિપ્લવ વખતના વિચારતરંગોથી મુગ્ધ બની તેઓ મિરાબો, દાંતાં ને નેપોલિયનના પરક્રમોનું મનન ને  કીર્તન કર્યા કરતા. પહેલા જે ધર્મચુસ્ત હતા, હવે તેઓએ પાશ્ચાત્ય સંસ્કારોને વશ થઈ જનોઈ ને શિખાનો ત્યાગ કર્યો. સાથે સાથે દેશ અને દેશબંધુ માટે કંઈક ચિરંજીવ કરી જવાની ઈચ્છા જાગી. અરવિંદ ઘોષે રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં ઝુકાવ્યું ને “વંદેમાતરમ્” નું તંત્રીપદ લીધું. તેમના લેખો અને તેમના ભાષણની વિદ્યાર્થી મુનશી પર ગહેરી અસર હતી. તેમના કોલેજકાળની ઘણી વાતો તેમણે “સ્વપ્નદ્રષ્ટા” માં વણી છે.

    પાંચ વર્ષનો કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી ગ્રેજ્યુએટ થયા ને અંગ્રેજીમાં “ઇલિયેટ” પારિતોષિક મળ્યું. શારીરિક દુર્બળતા એ મોટી મુશ્કેલી હતી. માંદગી દરમ્યાન યોગસૂત્ર સાથે ગીતા વાંચી. બંને ગ્રંથો સારી રીતે સમજવાની અશક્તિ છતાં સંયમ કેળવવાના પાંચ-છ શ્લોક અને બે -એક સૂત્રો તેમને સાંપડ્યા, જે સ્વસ્થતા જાળવવામાં ખૂબ ઉપયોગી થઈ પડ્યા. આ દરમ્યાન તેમણે ખૂબ વાંચ્યું અને નોંધપોથીમાં ઉતાર્યું.

    આ સાથે મુનશીજીની  આત્મકથાને અડધે રસ્તે વિરામ આપીએ.


    સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું:    janirita@gmail.com

  • છબીઓની જાતકકથા: ઉત્તમ છબીઓ અને આસ્વાદ્ય ગદ્યનો સંગમ

    પુસ્તક પરિચય

    બીરેન કોઠારી

    અમદાવાદસ્થિત પ્રકાશક ‘આર્ચર’ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘ક્યાં?ક્યારે? કેમ?’ વડોદરાસ્થિત ચિત્રકાર-પ્રિન્‍ટ મેકર-તસવીરકાર જ્યોતિ ભટ્ટની પચીસ છબીઓ અને તેને આનુષંગિક લખાણોને સમાવે છે. તેના વર્ણનમાં લખાયું છે એમ આ પુસ્તક ‘જ્યોતિ ભટ્ટની કેટલીક છબીઓની જાતકકથા- ફોટોલૉગ’ છે.

    ગુજરાતી અખબારોમાં છબી-પત્રકારત્વનો યુગ હતો ત્યારે છબીની લંબાઈ જેટલું જ યા તેથી વધુ લંબાઈનું લખાણ લખવાની શૈલી પ્રચલિત હતી. આ લખાણ તસવીરને ઓછી, અને તસવીરકારના ‘લેખનકૌશલ્ય’ને વધુ પ્રગટ કરતી. ‘એક છબી હજાર શબ્દોની ગરજ સારે’ એ ઉક્તિ અહીં અપ્રસ્તુત જણાતી. અલબત્ત, ખ્યાતનામ તસવીરકાર જ્યોતિ ભટ્ટ જહોન શારકોસ્કીને ટાંકતાં લખે છે: ‘ફોટોગ્રાફ ક્યારેય કોઈ હકીકત કે ઘટનાને પૂરેપૂરી રીતે જણાવવા સક્ષમ નથી. જો આપણે એ બાબત ખ્યાલમાં રાખીએ કે વહેતા સમયમાંથી માત્ર એક ક્ષણના પણ નાનકડા ભાગમાં બનતી બાબત છબીમાં રજૂ થાય છે, તો એમાં કોઈ નવાઈ નહીં લાગે- ફોટોગ્રાફ જે કહે છે તે- વાર્તાકથનથી લગભગ અવળું કહી શકાય.’ ખુદ જ્યોતિભાઈ પણ માને છે કે બધી જ છબીઓ કંઈ ને કંઈ વ્યક્ત કરતી હોય છે. મોટા ભાગે છબી દ્વારા મળતી દૃશ્યમાહિતીની તુલનામાં શબ્દો વધુ સબળ પુરવાર થતા જોવા મળે છે.

    આ પુસ્તક જે ચાર વ્યક્તિઓને અર્પણ કરાયું છે એ સહુ જ્યોતિભાઈની કલાયાત્રાના સાથીદાર બની રહ્યા હતાં. એ પૈકી તેમનાં પત્ની અને ખ્યાતનામ કલાકાર જ્યોત્સ્ના ભટ્ટ, વિશ્વવિખ્યાત છબીકારો કિશોર પારેખ અને ભૂપેન્‍દ્ર કારીયા દિવંગત છે, જ્યારે પ્રા. રાઘવ કનેરિયા અમેરિકાસ્થિત છે.

    ૨૦૧૮માં ચિકનગુનિયાગ્રસ્ત અવસ્થામાં યાદ આવેલા અનેક પ્રસંગો જ્યોતિભાઈએ લખાવી રાખેલા, જે ૨૦૨૦ના લૉકડાઉન દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ઈ-પખવાડિક ‘નોળવેલની મહેક’માં નિયમિતપણે પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ પુસ્તકમાં એ લખાણોને સમાવાયાં છે.

    ભારતીય લોકકળાનું દસ્તાવેજીકરણ કરતા રહેલા જ્યોતિભાઈએ દેશના વિવિધ ભાગોમાં ભ્રમણ કરેલું છે, અને અનેક તસવીરો લીધેલી છે. આ પુસ્તકમાં દેશના વિવિધ વિસ્તારોની તસવીરો જોવા મળે છે. તસવીરોની સાથેનું લખાણ તસવીરના વિષયને સમજવા, જાણવા અને માણવા અંગે જરૂરી પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે. અસલ ભારતનાં એમાં દર્શન થાય છે. આ લખાણોમાં બે-ત્રણ બાબતો ખાસ ધ્યાન ખેંચે એવી છે. પોતે કળાપ્રાધ્યાપક રહી ચૂક્યા હોવાની જરાય સભાનતા વિના વિવિધ વિગતો તેમણે પ્રામાણિકતાપૂર્વક જણાવી છે. કેટલીક છબીઓ ખેંચતી વખતે પોતાના મનમાં કંઈક અલગ વિભાવના હતી, અને અમુક પ્રકારનો દૃષ્ટિકોણ પોતાને પછી સૂઝ્યો એવું તેમણે સાવ સહજપણે લખ્યું છે. એવી જ સહજતાથી લખાયેલું ગુજરાતી ગદ્ય પણ ધ્યાન ખેંચે છે. કોઈ પણ ભોગે ગુજરાતીનો જ ઉપયોગ કરવાનું ઝનૂન તેમની પર સવાર નથી, અને જરૂર જણાય ત્યાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ તેમણે કરેલો છે, છતાં તેમનું ગુજરાતી વાંચવાની મજા આવે છે. પોતાની છબીઓને સમજાવવાનો પ્રયત્ન કરવાને બદલે તેમણે એને કયા સંજોગોમાં લીધી, શી રીતે તેની પર ડાર્કરૂમમાં કામ કર્યું વગેરે બાબતો જણાવી છે. નજર સામે દેખાતી એક અદ્‍ભુત કૃતિની આ સર્જનપ્રક્રિયા જાણવી બહુ રસપ્રદ બની રહે છે. પોતાની અમુક છબીને પુરસ્કાર પ્રાપ્ત થયો હોય એ તેમણે જણાવ્યું છે, તો પોતાની કોઈ છબીની નોંધ સુદ્ધાં ન લેવાઈ હોવાનું તેમણે લખ્યું છે. આ તમામ લખાણોમાં સંવેદનાનો આંતરપ્રવાહ સતત અનુભવાતો રહે છે.

    આથી આ પ્રકારનું પુસ્તક કેવળ કળાના વિદ્યાર્થીઓ કે ચાહકો પૂરતું નહીં, પણ વાંચનના રસિયા હોય એવા સૌ કોઈ માટેનું બની રહે એવી ક્ષમતા ધરાવે છે. આથી જ, ક્યાંક રહી ગયેલી જોડણીશુદ્ધિ અથવા છૂટી ગયેલું પરામર્શન રસક્ષતિ કરતાં નથી.

    છબીઓ સાથેનું મૂળ લખાણ જ્યોતિભાઈએ ગુજરાતીમાં લખ્યું છે, જે તેની સાથે જ અંગ્રેજીમાં પણ મૂકાયું છે. અંગ્રેજી અનુવાદ જાઈદા જેકબ અને પ્રેરણા શાહે કરેલો છે. ગુજરાતી લખાણોને મઠારવાનું કામ કલાકાર પીયૂષ ઠક્કરે કર્યું છે. કૉફી ટેબલ પુસ્તકના કદનું આ પુસ્તક મુદ્રણ સુઘડ અને નિર્માણ કળાત્મક છે. આ પુસ્તકનાં ૭૫ પૃષ્ઠોમાં ૨૫ છબીઓ અને તેને સંબંધિત લખાણ છે. કળાકારની સર્જનપ્રક્રિયામાં કેવી કેવી બાબતો સામેલ હોય છે તેનો ખ્યાલ આ પુસ્તક થકી સુપેરે મળી રહે છે અને આ પ્રકારનાં વધુ પુસ્તકો તૈયાર થતાં રહે એવી અપેક્ષા રહે છે.

    ક્યાં? ક્યારે? કેમ?/ જ્યોતિ ભટ્ટની કેટલીક છબીઓની જાતકકથા– ફોટોલૉગની અન્ય વિગતોઃ,
    પ્રકાશક: આર્ચર, અમદાવાદ,
    પૃષ્ઠસંખ્યા: 75, કિંમત: 1500/,
    (પુસ્તક એમેઝોન પર પણ ઉપલબ્ધ)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


    પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com

  • ”આ ઘર મિત – વલ્લરીનું છે !?”

    વાત મારી, તમારી અને આપણી

    ડૉ. મૃગેશ વૈષ્ણવ

    એમ.ડી.(મનોચિકિત્સક)

    – સરનામા વિનાના ઘરોમાં રહેતા નામ વિનાના સંબંધો ધરાવતા પ્રેમી યુગલો એકબીજા વગર રહી શકતા નથી… અને સાથે રહેવાય તેમ પણ નથી… કારણ મોટે ભાગે આવા યુગલો ઘર-ગૃહસ્થી વાળા હોય છે. તેમની છાની છપની મુલાકાતોનો તનાવ ઝઘડામાં પરિણામે છે. આ સંબંધોનું મનોવૈજ્ઞાાનિક શાસ્ત્ર સમજવા જેવું છે.

    વલ્લરી સવારથી જ ઘુંઘવાયેલી છે…. મિત મારી સાથે આવી રીતે બિહેવ કરી જ કેવી રીતે શકે ? આમ ને આમ ક્યાં સુધી ચલાવી લેવું ? દસ વર્ષના કહેવાતા પ્રેમ સંબંધમાં તો એણે મારી પાંખ કાપી નાંખી, મારો આત્મવિશ્વાસ તોડી નાંખ્યો, મારા વ્યક્તિત્વને ઓશિયાળું બનાવી દીધું. સ્ત્રી સન્માન અને વ્યક્તિ સ્વાતંત્ર્યની મીઠી મીઠી વાતો કરી મને દસ વર્ષ પહેલાં ઘેલી બનાવનાર આ શું એ જ માણસ છે જે જાનવરથી પણ બદતર વર્તન કરી જંગલીયતનું પ્રદર્શન કરે છે ?… આજે મારે આખરી ફેંસલો કરી લેવો છે… !

    એવામાં મોબાઈલ પર એસ.એમ.એસ. આવે છે… ”ક્લોઝનેસ રીસાઈડસ ઈન હાર્ટ… નો મેટર હાઉ બીઝી વી.આર… હાઉ ફાર વી… આર… યુ… આર. ઓલવેઝ રીમેમ્બર્ડ… તારો મનમિત્ર… ”

    એસ.એમ.એસ. વાંચી વલ્લરીનો પિત્તો સાતમા આસમાને ચડે છે તે સીધો જ મિત્રનો મોબાઈલ લગાવી તેનો ઉધડો લેવાનું શરૃ કરે છે…

    ”રાયદાથી માંડી શેક્સપિયર સુધીના કવિઓ અને શાયરોની ભાષાના લોભામણા શબ્દો બોલનારો તું હવે ઉછાના એસ.એમ.એસ.ને રવાડે ચડયો છે ? શું હું સાવ મુર્ખ છું કે તારા એસ.એમ.એસ.માં છતી થતી તારી લવિંગ, કેરીંગ ફિલીંગ્સ અને કેર ફ્રી એટીટયુડને સાચા માની લઉં ? હકીકતમાં તો આટલું ભણ્યો ગણ્યો હોવા છતાં તું અનસીવીલાઈઝ પીગ છે. એટલે તારું ધાર્યું ન થાય તો છંછેડાઈ જવું ગમે તેવા અપશબ્દો બોલવા, સામેના માણસમાં જાણે આવડત જ નથી એમ પુરવાર કરી તોડી પાડવું… આઈ હેઈટ યુ મિત આઈ હેઈટ યુ…”

    ”આઈ હેઈટ યુ… ટુ… બટ આઈ ઓલસો પીટી માયુ વિલુ… હા તારા પર તિરસ્કાર જેટલી જ દયા આવે છે. હું ગમે તેવો છું, ગમે તેવી હેવાનિયત કરું છું. અશ્લિલ શબ્દો બોલું છું. છતાં પણ તું મને એક જળોની જેમ ચોંટી છે. રોજના વીસથી પચ્ચીસ ફોન, પચાસ-સાઠ એસ.એમ.એસ… અરે તારા સંબંધોની જાળમાં ફસાયેલો ન હોત તો મારી આવડત અને ક્રિએટીવીટીને વધારે સમય આપી હું ક્યાંય આગળ વધ્યો હોત પણ તું સાવ નવરી… મારી પાછળ એવી પડી છે કે હું તું ત્રાસી ગયો તારાથી…”

    ”તો કોણ તને પકડી રાખે છે ? તારે સંબંધોમાંથી છુંટવું હોય તો સીધી રીતે કહે છે… ખોટો દોષનો ટોપલો મારા માથે ન ઢોળ. હું કંઈ તને સામે ચાલીને બોલાવવા ન હતી આવી. તું જ મારી પાછળ પડયો હતો. મેં તો ક્યાંય સુધી તને કોઈ જ ભાવ ન હતો આપ્યો !”

    એ તો તારા પર દયા આવતી હતી, ઓફીસમાં તું સાવ એકલી પડતી હતી અને મને તારી સાથે વાત કરવી ગમતી હતી…
    ”કેવી સુફીયાણી વાતો કરતો હતો… જાણે કૃષ્ણમૂર્તિ અને રજનીશનો સમન્વય તારામાં થયો હોય. મારે મારી અંગત સમસ્યાઓ હતી. તારા શબ્દોમાં મનેમારી સમસ્યાના હલ જણાયા. હું તારા પ્રત્યે આકર્ષાઈ અને તારો પ્રતિભાવ પણ સામે એટલો જ હતો.”

    ”તને તારી સમસ્યાનો હલ મારામાં ક્યાંથી જણાયો ? તું અભિમાની, ઘમંડી, વાત વાતમાં છણકતી સ્ત્રી સ્વાતંત્ર્યની મશાલચી છે. એક વાત બરાબર સમજી લે તારે કોઈની પણ પત્ની કે પ્રિયતમાં થઈને રહેવું હશે તો પુરુષને ઝૂકતાં શીખવું પડશે.”
    ”યુ શટ અપ… ખોટી દાદાગીરી બંધ કર. મારી ખોડખાંપણો શોધી પ્રેમ કરવાના નામે તું મને સુધારવાના કોચીંગ કલાસ નહિ ચલાવી શકે.”

    વલ્લરી જય રેશમવાલા તથા મિત રાજેશ શાહ બંને સારા વિજાતીય મિત્રો છે. તેમની વચ્ચે માનસિક પ્રગાઢ સંબંધ છે, પ્રેમ છે, આત્મીયતા છે. ઝઘડો છે, તિરસ્કાર છે. લડતાં-ઝઘડતાં પ્રેમ કરતાં સંબંધોનો એક દસકો પૂરો થાય છે. હા… તેમણે એક ઘર બનાવ્યું છે… અલબત્ત સપનામાં… જેના પર લખ્યું છે… ”આ ઘર ‘મિત-વલ્લરી’નું છે !?”

    વલ્લરી વગર મિત મૂડલેસ, ખોવાયેલો અને બુદ્ધિ બહેર મારી ગઈ હોય તેવો બની જાય છે. અને મિત વગર વલ્લરીની દશા ”જલ બિન મછલી” જેવી થઈ જાય છે. અર્થાત્ તેનો પ્રાણવાયુ ખતમ થઈ જાય છે. એટલે જ તે મિતનો અવાજ સાંભળવા ફોન કરે છે. વ્યસ્ત મિત તેને ગંદી રીતે જવાબ આપે તો તે એસ.એમ.એસ. કર્યા જ કરે છે.

    બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. એકબીજા વગર રહી શકતા નથી. અને સાથે રહેવાય તેમ પણ નથી કારણ બંને ઘર ગૃહસ્થીવાળા છે. છાના-છપના મળવાનો સ્ટ્રેસ એટલો વધી જાય છે કે જ્યારે મળે ત્યારે ઝઘડે છે.

    વલ્લરીની પુત્રી હવે દસમાં ધોરણમાં છે અને મિતનો પુત્ર બારમાં ધોરણમાં છે. મિત કહે છે કે, ”વલ્લુ… આપણે હવે મોટા થયાં તારે તારું કુટુંબ છે અને મારે મારું. હવે આવા બધા છાનાં-છપનાં સંબંધો પૂરા કરીએ અને સમાજમાં સ્વીકાર્ય હોય એ રીતે મળીએ… એવા નવા સંબંધો બાંધીએ…”

    ”તો પછી અત્યાર સુધી સમાજને સ્વીકાર્ય નહોતા એવા સંબંધો શા માટે રાખ્યા હતા ? હવે તો આપણાં છોકરાં પણ મોટાં થઈ ગયા છે… તેમના ઉછેરની જવાબદારી પણ પૂરી થવા આવી છે. હવે આપણું શું ? હવે આપણે સાથે કેમ ન રહી શકીએ ? હવે તારે માત્ર મારો જ ખ્યાલ કરવાનો…” વલ્લરીએ પોતાનો દ્રષ્ટિકોણ સમજાવ્યો.

    જય શાંત અને સ્વસ્થ વ્યક્તિ છે. પત્ની વલ્લરીની છોકરમત વિશે ઘણું બધું જાણે છે. બે સંતાનોને માતાના પ્રેમની ખબર ન પડે તેની કાળજી રાખે છે.

    વલ્લરીનો પ્રેમ તો સાતેય સમંદરના ઘૂઘવતા મોજાંઓની જેમ ઘૂઘવ્યા કરે છે. આધેડ વય વટાવ્યા પછી હવે તેને સમાજના નીતિ-નિયમોનાં, બંધનો અને બદનામીનો ડર નથી. તેને તો મિતની સાથે જ રહેવું છે પણ મિત માટે આ શક્ય નથી. પોતાના બાળકો, પત્ની, માતા-પિતા પ્રત્યેની જવાબદારી તે સમજે છે. એટલે જ વલ્લરીને તેના ઘર તરફ પાછી ફરવા તે સમજાવે છે. પરંતુ વલ્લરી તો હવે મિતને જ વીંટળાઈને રહેવા કૃતનિશ્ચયી છે.

    મિતની પત્નીને પતિના એક દાયકા જૂના પ્રેમ સંબંધોની ગંધ આવે છે. મિત સમજાવે છે. ”બિચ્ચારી ઓફીસમાં એકલી સ્ત્રી હતી, નાની હતી, ભોળી હતી, મેં એને મદદ કરી. અમારા વચ્ચે આત્મીયતા સ્થપાઈ. બસ વિશેષ કશું જ નહિ પણ આનો અર્થ એવો ન હોય કે હું મારી આબરૃંનું નિલામ કરી એને મારી સાથે રાખું કે મારું ઘર ભાંગુ.”

    રીયાલિસ્ટીક મિત અને પ્રેમઘેલી, નાદાન, વલ્લરી ઓફીસમાં, સમાજમાં ચર્ચાનો વિષય બને છે. વલ્લરીને આની પરવાહ નથી. મિતને હવે વલ્લરી સાથેના સંબંધો ભારરૃપ લાગે છે. પરંતુ વલ્લરી વગર મિતની દશા પણ અસ્વસ્થ થઈ જાય છે.
    સંબંધોને નવી દિશા આપવાની મિતની દરખાસ્ત પર વલ્લરી આત્મહત્યાની ધમકી આપે છે. મિત ડરી જાય છે. રીસામણા-મનામણા ચાલે છે. દર બે દિવસે તેમની વચ્ચે અંતિમકક્ષાનો ઝઘડો થાય છે. ઝઘડા પછી પાછું સમાધાન અને પ્રત્યેક ઝઘડા પછી વલ્લરીનો પ્રેમ વધતો જાય છે. પ્રત્યેક ઝઘડા પછી મિતને સંબંધો વધારે ભારરૃપ લાગે છે.

    મિતને એવું લાગે છે કે વલ્લરી માનસિક રીતે સમતોલ નથી એટલે વાસ્તવિકતા સમજી શકતી નથી. ઉંમર વધવા છતાં તે મુગ્ધા જેવી જ હરકતો કરે છે. બે તરુણ સંતાનોની માતા હોવા છતાં પોતાનાં સંતાનો પ્રત્યે માતા તરીકેની તેની ફરજ શું છે તેનું તેને ભાન નથી. મિત વલ્લરીને બહુ સમજાવે છે પણ તે તેના નિર્ણયમાં અફર રહે છે. સરનામા વિનાનાં ઘરમાં રહેતા નામ વગરના સંબંધોને તે હવે બેનામ રહેવા દેવા માંગતી નથી.

    વારંવાર ગુસ્સે થઈ જતો, ઘાંટા પાડતો, અપમાન કરતો અને ગાળો બોલતો મિત ‘સાયકો’ થઈ ગયો હોય તેવું વલ્લરી માને છે. ક્યારેક તેને એવું લાગે છે કે મિત સ્વાર્થી છે. તેનાથી ધરાઈ ગયો છે. પ્રેમમાં નાદાન બનવું. સમાજની પરવાહ ન કરવી એ પહેલાં તેનો સ્વભાવ હતો પરંતુ હવે તે બદલાઈ ચૂક્યો છે. બંને એકબીજાને મનોચિકિત્સા કરાવવાનું સૂચવે છે.

    વલ્લરી અને મિત જેવા સંબંધો ધરાવનારા ઘણાં બધા યુગલો છે. આવા સંબંધોની શરૃઆત અને વિકાસ પાછળ ઘણાં મનોવૈજ્ઞાાનિક પરિબળો હોય છે જે દરેક કિસ્સામાં જુદાજુદા હોય છે.

    આવા સરનામા વગરનાં ઘરમાં રહેતા નામ વગરના સંબંધોને વિવિધ દ્રષ્ટિકોણથી મુલવવામાં કંઈ જ ખોટું નથી. માત્ર બૌદ્ધિક સ્તરે જ નહિ પણ હૃદયના સંબંધોને સાંકળી આમાં વિચાર કરવો જોઈએ. આવા સંબંધો લાગણીના તાણા-વાણાથી બંધાયેલા હોય છે. આ લાગણી તૂટે છે. અપેક્ષાઓ ભાંગીને ભૂક્કો થાય ત્યારે વ્યક્તિ હચમચી ઊઠે છે. હતાશ બને છે, માણસ પશુ નથી કે તેને આ સંબંધ સાથે કોઈ નિસ્બત ન હોય. એકબીજાના સાથ સહકાર વગર આવા સંબંધોને એક નવો વળાંક આપવો પણ મુશ્કેલ બને છે.

    આવા સંબંધોમાં મોટે ભાગે સ્ત્રીને પ્રેમ, હુંફ, ભીનાશ અને લાગણીની જરૃરિયાત હોય છે. આ માટે તે ગમે તે ભોગે સંબંધો જાળવવા માંગે છે. પુરૃષને માટે આ પરસ્પર પ્રેમ ઉપરાંત વાસનાનો સંબંધ હોય છે. શારીરિક સૌંદર્ય માણી લીધા બાદ સતત એકધારા પણાને કારણે પુરુષ નવીનતા ઝંખે છે. આવા સંબંધો પછી તેનામાં ‘અપરાધભાવ’ અને ‘ક્ષોભ’ ઉત્પન્ન થાય છે. લાંબા સમયે આવા સંબંધો તેને ‘લાયાબિલીટી’ ભારરૃપ લાગે છે.

    સંતાનો માતા-પિતાના આવા સંબંધોને સ્વીકારી શકતા નથી. ડરને કારણે તેઓ ક્યારેક પિતાને કંઈ કહી શકતા નથી. સંતાનોને માતા અણીશુદ્ધ માત્ર પોતાની જ જોઈએ છે.

    સરનામા વગરના ઘરમાં રહેતા નામ વગરના સંબંધોનું શાસ્ત્ર ઘણું વિશાળ છે.

    જો સ્ત્રી-પુરુષ વચ્ચે કોઈ પણ એક તબક્કે તંદુરસ્ત વિજાતીય મૈત્રી સંબંધ ન સ્થાપી શકાય તો ખડકો પર માથાં પછાડી પછાડીને છિન્નભિન્ન થતાં દરિયાના મોજાંની માફક જ સમાજમાન્ય સગપણ વગરના આવા સંબંધો ખતમ થઈ જાય છે.

    ન્યુરોગ્રાફઃ

    પ્યાર કરના જુલ્મ હૈ તો જુલ્મ હમસે હો ગયા !
    કાબિલે માફી હુઆ કરતે નહીં ઐસે ગુનાહ ??


    ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.,નાં વિજાણુ સંપર્ક સૂત્રો:

    E_Mail: mrugeshvaishnav@gmail.com
    Website: www.drmrugeshvaishnav.com

  • કાચા કામના કેદી : વણદેખ્યા, વણસુણ્યા ભારતીય નાગરિક

    નિસબત

    ચંદુ મહેરિયા

    કાચા કામના કેદીઓની વૈશ્વિક સરેરાશ ૩૪ ટકા છે. રાષ્ટ્રકુળના ૫૪ દેશોમાં સરેરાશ ૩૫ ટકા કાચા કામના કેદી છે. પરંતુ ભારતમાં તેમની ટકાવારી ૭૬  થી ૮૦ ટકા જેટલી ઉંચી છે.! ભારતમાં દર ચારમાંથી ત્રણ કેદી પ્રિ.ટ્રાયલ, અંડર ટ્રાયલ, વિચારાધીન કે કાચા કામના છે. જેલોમાં સબડતા આ કેદીઓના કેસો હજુ અદાલતની વિચારણામાં આવ્યા નથી, અદાલતમાં પડતર છે, જામીન મળવાપાત્ર હોવા છતાં ગરીબીને કારણે કેદી જામીનની રકમ કે વકીલનો જોગ કરી શકતાં નથી એટલે દિવસો કે મહિનાઓથી જ નહીં વરસોથી બંદીઘરમાં બંધ છે. નિવૃત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સી.જે.રમન્ના બહુ યથાર્થ રીતે જ કાચા કામના કેદીઓને વણદેખ્યા, વણસુણ્યા ભારતીય નાગરિકો તરીકે ઓળખાવે છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીવન અને વ્યવસાયની સુગમતા જેટલી જ ન્યાયની સુગમતા હોવી જોઈએ તેમ જણાવી કાચા કામના કેદીઓની મુક્તિનો પ્રશ્ન હલ કરવા અનુરોધ કર્યો છે. સર્વોચ્ચ અદાલતે તેના જુલાઈ-૨૦૨૨ના ચુકાદામાં સરકારને કાચા કામના કેદીઓના કેસોના ભરાવા માટે બ્રિટનની જેમ ભારતમાં પણ જામીન અંગેના અલગ કાયદાની વિચારણા કરવા સૂચન કર્યું છે. જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. તેવા ૧૯૭૭ના સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છતાં વરસોથી જામીનની રાહ જોતાં કેદીઓથી ભારતની જેલો ભરચક છે.  તેથી પણ જામીન માટેના અલાયદા કાયદાની આવશ્યકતા જણાય છે.

    નિવૃત સીજેઆઈ રમન્નાએ એક જાહેર વ્યાખ્યાનમાં દેશની ૧૩૭૮ જેલોમાં ૬.૧૦ લાખ કેદીઓમાંથી ૮૦ ટકા કાચા કામના કેદીઓ હોવાનું જણાવ્યું હતું. ગૃહ મંત્રાલય હસ્તકના રાષ્ટ્રીય અપરાધ નોંધણી એકમના  પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઈન્ડિયા ૨૦૨૦ મુજબ કુલ ૪.૮૮ લાખ કેદીઓમાંથી ૩.૭૧ લાખ (૭૬ ટકા) કાચા કામના કે ગુનો સાબિત થયા વિના જ જેલની સજા ભોગવતા કેદીઓ છે. ફેબ્રુઆરી ૨૦૨૨ના લોકસભા પ્રશ્નના જવાબમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે ત્રણ મહિના સુધીના કાચા કામના કેદીઓ ૧.૩૦ લાખ, એક થી બે વરસના ૫૪,૨૮૭, બે થી ત્રણ વરસના ૨૯,૧૯૪ અને ત્રણથી પાંચ વરસના ૧૬,૬૦૩ છે. રાજ્યસભા પ્રશ્નના જવાબમાં જણાવાયું હતું કે ઉત્તરપ્રદેશમાં ૨૦૨૦ અંતિત ૧.૦૭ લાખ કેદીઓમાંથી  ૮૦,૫૫૭ વિચારાધીન કેદીઓ હતા, જે દેશભરમાં સૌથી વધુ છે.

    ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિ, જનજાતિ અને મુસ્લિમોની વસ્તી ૩૯ ટકા છે. પરંતુ આ ત્રણેય વર્ગના કુલ કેદીઓ ૫૫ ટકા છે.  ક્રિમિનલ જસ્ટિસ ઈન ધ શેડો ઓફ કાસ્ટ અને અન્ય અભ્યાસોના સંશોધન દર્શાવે છે કે અંડર ટ્રાયલ કેદીઓમાં ૭૩ ટકા દલિત,આદિવાસી અને પછાત વર્ગના છે. વિચારાધીન કેદીઓમાં ૬૮ ટકા ગરીબ, અભણ અને સ્કૂલ ડ્રોપ આઉટ છે. ૪૮.૮ ટકા કાચા કામના કેદીઓની ઉંમર ૧૮ થી ૩૦ વરસની છે.  આ સઘળા તારણો જણાવે છે કે સમાનતાના અધિકાર છતાં પોલીસ અને અદાલતની કાર્યવાહીમાં ભારોભાર અસમાનતા પ્રવર્તે છે. તેને કારણે જ કાચા કામના કેદીઓમાં મોટી સંખ્યામાં ગરીબ ,અશિક્ષિત,મહિલા  અને પછાત સમુદાયના લોકો છે.

    વિશાળ પ્રમાણમાં કાચા કામના કેદીઓ હોવાનું કારણ પોલીસ તંત્ર, ન્યાય તંત્રની કામગીરી અને ભારતમાં પ્રવર્તતી સામાજિક-આર્થિક અસમાનતા છે. આડેધડ થતી ધરપકડોના  પરિણામે  જ કુલ કેદીઓમાં પોણાભાગના વિચારાધીન છે ધરપકડ એક કઠોર પગલું છે.તેથી પોલીસે તેનો નિયત પ્રક્રિયા અનુસરીને સંયમ કે સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ. પરંતુ તેમ થતું નથી. એટલે કાચા કામના કેદીઓથી જેલો ઉભરાય છે.ખોટી અને ભેદભાવયુક્ત ધરપકડોથી ઘણા નિર્દોષ લોકો વગર ગુને કે ગુનો સિધ્ધ થયા વિના જેલની સજા વેઠે છે. ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર ૧૯૭૩ની કલમ ૪૧ અને ૪૧-એમાં ધરપકડની પ્રક્રિયા દર્શાવી છે. તેનો અમલ કર્યા વિના પોલીસ ધરપકડો કરે છે. તેથી પણ અધિકાંશ અંડરટ્રાયલ  માટે તો જેલ એ જ સજા બની રહે છે. કેટલાક ગુનાઓમાં પોલીસ જ આરોપીને જામીન પર મુક્ત કરી શકે તેમ હોય છે. તેનું પણ પાલન થતું નથી. તેથી અદાલતોનું કામ વધે છે.

    બેફામ ધરપકડો માનવ અધિકારનું તો ઉલ્લંઘન છે જ. તેને લીધે  અદાલતોનું ભારણ અને ખર્ચ વધે છે. રાષ્ટ્રીય પોલીસ આયોગના ત્રીજા રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે પોલીસ ૬૦ ટકા ધરપકડો તો સામાન્ય ગુનાઓ સબબ કરે છે. મધ્યપ્રદેશના આબકારી અધિનિયમ હેઠળ ૪૭ ટકા ધરપકડો જામીનપાત્ર ગુનાઓમાં થઈ હતી. વકીલની ફી, જામીનની રકમ અને મફત કાનૂની સહાયના બંધારણીય અધિકારની જાણકારીના અભાવે ઘણાં કાચા કામના નિર્ધન કેદીઓ  જેલોમાં સબડે છે.

    એક વાર ધરપકડ થયા પછી જેલમાં ગયેલા કેદી માટે તો ન્યાયિક પ્રક્રિયા જ સજા સમાન છે.અદાલતોની વિલંબિત અને તારીખ પે તારીખની કાર્યવાહી અંડરટ્રાયલને લાંબો સમય જેલમાં રહેવા મજબૂર કરે છે. ૨૦૧૦ થી ૨૦૨૦માં  એક વરસના અંડર ટ્રાયલ  ૭ ટકાથી વધીને ૨૯ ટકા થયા હતા. તેથી પણ ખોટી ધરપકડો કરી આરોપીને જેલ હવાલે કરનાર પોલીસ અધિકારીઓ સામે અદાલતે આકરા પગલાં લેવાની જરૂર છે.

    પોલીસ તપાસ જૂની-પુરાણી ઢબે થાય છે. આધુનિક તકનિકનો ઉપયોગ ખાસ થતો નથી. ગુનાઓ અંગેની પોલીસ તપાસ પૂર્ણ  થઈને નિયત મુદતમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવતી નથી.અદાલતમાં ન્યાયિક પ્રક્રિયા તેની ગતિમાં જ ચાલે છે અને સજાનો દર ઘણો નીચો હોય છે. નીચલી અદાલતો આરંભે પોલીસ પર વિશ્વાસ રાખીને આરોપીઓને જેલમાં ધકેલે છે. આ કારણોથી પણ કાચા કામના કેદીઓને  લાંબો સમય જેલમાં રહેવા વારો આવે છે.

    વિચારાધીન કેદીઓનો સવાલ ઉકેલવા માટે જામીન માટેના અલાયદા કાયદાની તાતી આવશ્યકતા છે. પોલીસ જેટલી જ દેશની ન્યાય વ્યવસ્થા પણ કાચા કામના કેદીઓ માટે જવાબદાર છે. નિયમિત અને આગોતરા જામીન માટેની નિયત મુદતનું અદાલતોએ પાલન કરવું જોઈએ. પોલીસે વધુ સંવેદનશીલ બની આડેધડ ધરપકડો કરવાનું વલણ ટાળવું જોઈએ.અદાલતોએ ધરપકડની પ્રક્રિયાનો અમલ ન થયો હોય તેવા કિસ્સાઓમાં પોલીસનો કાન આમળવો જોઈએ. કાનૂની સહાય અંગે જાગૃતિ અને જામીનની રકમ ભરવા અસમર્થ કેદીઓની તપાસ થવી જોઈએ. અદાલતોના હુકમો જેલ સત્તાવાળાઓને સમયમર્યાદામાં મળે અને જામીન મંજૂર થયા હોય કે સજા પૂરી થઈ હોય તેવા કેદી જેલમાં ન હોય તે જોવામાં આવે તો અંડરટ્રાયલની સમસ્યા ઘણેઅંશે ઉકેલી શકાય.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ખાનગી

    મોજ કર મનવા

    કિશોરચંદ્ર ઠાકર

                             “ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત
                             ઘડીએ મનમાં ઘાટ તે, જાણે જગનો તાત.”

    કવિ દલપતરામ

    વિશ્વના કોઈપણ ખૂણે બનતા બનાવની જાણ કરવા માટે દુનિયા આખીમાં છાપાંઓ, રેડિયો અને ટેલિવિઝનો સતત કાર્યરત રહેતાં હોય છે. તેમના ખબરપત્રીઓ આ માટે ઠેર ઠેર ઘૂમતા હોય છે. જે સરકાર કે સંસ્થાના વહીવટમાં પારદર્શિતા હોય- એટલે કે ત્યાં શું ચાલી રહ્યું છે તે આમજનતા જાણી શકે- તે સંસ્થાની પ્રશંસા થાય છે. પોતે શું કરી રહી છે તે લોકોને જણાવવા માટે સરકારો જાહેરાતો પણ કરે છે અને જાહેરાતો માટે અલગ બજેટ પણ ફાળવવામાં આવે છે. આથી આપણે એમ માનવા પ્રેરાઇએ છીએ કે સરકારને પોતાની કામગીરીની જાહેરાતનું મહત્વ ખૂબ જ છે. પરંતુ નવા નિમાતા પ્રધાનો અને બીજા એવા મહત્વના હોદેદારોને ગુપ્તતાના એટલે કે કેટલીક બાબતો ખાનગી રાખવા માટે સોગંદ લેવા પડે છે. આ રીતે દરેક સરકારનો આરંભ તો ‘ખાનગી’થી જ થાય છે. આપણો અનુભવ એવો છે કે સોગંદ કે પ્રતિજ્ઞા એવા કાર્યો માટે જ લેવા પડે કે જે કરવા કે ન કરવા ખૂબ મુશ્કેલ હોય. આથી એમ માની શકાય છે કે સરકાર માટે કેટલીક  માહિતીઓ ખાનગી રાખવી એ ઘણું મુશ્કેલ કામ છે. આ મુશ્કેલ કાર્ય માટે  સરકારના કેટલાક વિભાગોમાં ‘ખાનગી’ નામની એક શાખા રાખવામાં આવતી હોય છે જેમાં ચુનંદા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવતી હોય છે.

    જેવું સરકારનું એવું જ જનસાધારણનું. કોઇપણ વાત ખાનગી રાખવી એ આપણામાંનાં મોટાભાગના લોકો માટે ખૂબ કઠણ કામ છે. કેટલાકને તો એ પડકારરૂપ બની જાય છે. એમ કહેવાય છે કે ગણેશજીને મોટા કાન એટલા માટે આપવમાં આવ્યા છે કે તે ઘણુંબધું સાંભળી શકે, પરંતુ આ સાંભળેલી વાતો ખાનગી રાખવી એ ગણેશજી માટે પણ મુશ્કેલ હોઈ તેમને મોટાં પેટની સુવિધા આપવી પડી છે. વ્યવહારમાં   આપણે કોઈને કશીક માહિતી ખાનગી રાખવા “પેટમાં રાખજો” એમ ભાર દઈને કહીએ છીએ. જે માણસ  વાત ખાનગી રાખવા માટે અસમર્થ હોય તેને માટે કહેતા હોઈએ છીએ “બિલાડીના પેટમાં ખીર ટકે તો ફલાણાનાં પેટમાં (ખાનગી)વાત ટકે”.

    ખાનગીનું આકર્ષણ સૌ કોઇને  હોય છે. કોઈ વાતને ખાનગીનું લેબલ લગાડવાથી તેનું  મહત્વ તો વધી જ  જાય છે ઉપરાંત તે માટેની જિજ્ઞસા પણ વધી જાય છે. કશુંક ખાનગી છે એવો ખ્યાલ આવતાની સાથે જ નિર્જીવ લાગતી દિવાલ પણ કાન ધારણ કરી લે છે. કોઇપણ સમાચાર આપણે ફેલાવવા  હોય તો નિ:શુલ્ક સેવા આપવા  કેટલાક  મનુષ્યો હાજર જ હોય છે, શરત માત્ર એટલી કે તેમને ‘આ વાત ખાનગી રાખજો’. એમ કહેવું પડે.

    “વાત બહાર જાય નહિ, કોઈને કહેવાય નહિ, આ તો તમે ઘરના બાકી કોઇને કહેવાય નહિ” ગુજરાતી ગીતના આ શબ્દો સૂચવે છે કે ખાનગીનું લેબલ લગાડીને કહેવાથી સામેની વ્યક્તિને આત્મીયતાનો અનુભવ કરાવાય છે. તેથી મોટી સંખ્યામાં આત્મીયો બનાવવા માટે વધુ ને વધુ લોકોને વાત ખાનગીનું લેબલ લગાડીને કહેનારા લોકો હોય જ છે.

    જુદી જુદી વાતોને  ખાનગી રાખવા માટે જુદા જુદા કારણો હોઈ શકે છે. પરંતુ કેટલાક લોકો  કોઇપણ કારણ વિના ‘કલા ખાતર કલાની જેમ’ “આ તો તમને જ કહું છું બીજાને કહેવાય નહિ” એમ દરેકને કહેતાં ફરતાં હોય છે. રાજા ભરથરીએ પોતે આપેલું અમરફળ ફરતું ફરતું તેની પોતાની પાસે જ આવી ગયેલું એમ કેટલીક ખાનગી વાતો જુદા જુદા કાનોના પ્રવાસ કરીને મૂળ વ્યક્તિ પાસે પાછી આવી જતી હોય છે.

    આપણો ખ્યાલ એવો  હોય છે કે ખાનગી એટલે કોઇ વાત કે સમાચારની સામગ્રીને(Content)  ખાનગી રાખવી. પરંતુ કેટલીક વખત સમાચાર તો જાહેર કરવાના જ હોય છે પણ તે ક્યાંથી આવ્યા એટલે કે તેનું  ઉદભવ સ્થાન ખાનગી રાખવું જરૂરી હોય છે. છાપામાં આપણે ઘણીવાર વાંચતા હોઈએ છીએ કે પોતાનું નામ ન જણાવવાની શરતે કોઈ વ્યક્તિએ જે તે વાત જણાવી. એ જ રીતે સમાચારપત્રોમાં કે ટિવી પર કોઇ ખબર સુત્રોના હવાલાથી કહેવાય છે. આ ‘સુત્રો’ કેવા હશે અને ક્યાં રહેતા હશે એ આજસુધી સમજાયું ન હોવા છતાં સુત્રો એટલે ખાનગી એવો ખ્યાલ તો આવે જ છે.

    આજે ખૂબ આગળ વધેલી ટેક્નોલોજીને કારણે માહિતી ઝડપથી ફેલાવી શકાય છે. તેથી આપણે એમ માનીએ છીએ કે ખાનગીનું મહત્વ ઓછું થઈ ગયું છે. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આ ટેક્નોલોજીએ પાસવર્ડની વ્યવસ્થા કરવી પડી  છે. આ પાસવર્ડનું મહત્વ તેના ખાનગી હોવામાં જ છે.

    ખાનગી વાત જેમ બને તેમ ઝડપથી જાણી લઈએ તેવી આપણી ઇચ્છા સસ્પે‌ન્સ ફિલ્મો જોતી વખતે કે જાસુસી નવલકથા વાંચતી વખતે બિલકુલ ઉલ્ટી રીતે વર્તે છે. ફિલ્મ કે જાસુસી નવલકથાનું રહસ્ય જાણવમાં જેટલો વિલંબ થાય તેટલું મનોરંજન વધારે મળે છે!

    એમ કહેવાય છે કે સમાજમાં પરસ્પરના સબંધો ટકી રહે તે માટે કુદરતે મનુષ્યના વિચારો ખાનગી રાખવાની વ્યવસ્થા કરી છે. જો આ વ્યવસ્થા ન કરવામાં આવી હોત તો શું થાય તેની કલ્પના પણ ભયંકર છે. મિત્ર-મિત્રના, પતિ-પત્નીના, ગ્રાહક-વેપારીના કર્મચારી-બોસના એમ પરસ્પરના સબંધો ધરાવતા કે સંપર્કમાં આવતા લોકોને એકબીજાના મનમાં ચાલતા  ખાનગી વિચારોની જાણ થઈ જાય તો શી પરિસ્થિતિ થાય તેની સમજી શકાય તેમ છે. મને લાગે છે કે અણુબોંબની સહાય  વિના જ માનવ જાતનો અંત આવી જાત!

    આ રીતે પારદર્શિતાને ગમે તેટલી નવાજવામાં આવે પણ વધારે ઉપયોગિતા તો ખાનગીની જ છે. પરસ્પર વાતચીત કરવાનો ઉત્સાહ આપણને ગમે તેટલો હોય પરંતુ આપણી આપણી મથામણ તો કેટલીક પસંદગીની માહિતીઓને ખાનગી રાખવાની જ હોય છે. આ લેખની શીર્ષક પંક્તિઓ બાળપણમાં જાણી ત્યારે એવું સમજતા કે  કોઇ વાત કે કાર્ય ગમે તેટલું ખાનગી રાખીએ તો પણ તેની જાણ વિશ્વપતિ એટલે કે ભગવાનને થઈ જાય છે. આ ભગવાન બાબતે આપણી સમજ એવી હતી કે કોઈ દિવ્ય પુરુષ અદૃશ્ય જાસુસ બનીને આપણે  જ્યાં પણ જઈએ ત્યાં આપણો પીછો કરતો હશે અને આપણા ખાનગી વિચારો કે કરતુતો જાણી લેતો હશે. પરંતુ આજે  એમ લાગે છે કે એ ઇશ્વર બીજું કોઇ નહિ પરંતુ આપણો અંતરાત્મા છે, જે હંમેશ આપણી સાથે જ રહેયો હોય છે. સૌથી વધારે  પ્રયત્નો આપણા ખોટા વિચારો કે કરતુતોને પોતાના અંતરાત્માથી  ખાનગી રાખવા માટે કરતા હોઈએ છીએ, પરંતુ જેમ અન્યનાં પગરખા પહેરતી વખતે આપણા પોતાના પગ જ કહી દે છે કે કશુંક ખોટું થઈ રહ્યું છે તેમ પેલો માંયલો બધું જ જાણી જાય છે અને આપણને  ‘રુક જા, રુક જા ‘એમ કહેતો પણ હોય છે. પરંતુ આપણે આ અવાજને સાંભળ્યો ન સાંભળ્યો કરીએ છીએ અને આપણાં અંતરાત્માને છેતરવાના પ્રયાસો કરતાં હોઈએ છીએ. પરંતુ જેમને આપણે મહાપુરુષો કહીએ છીએ તેમને કશું પણ ખાનગી રાખવાનું હોતું નથી, ખાસ કરીને પોતાના અંતરાત્માથી તો નહિ જ. આથી જ પોતાના વિચારો જેનાથી કદી  ખાનગી રાખવાનો પ્રયાસ કરતા નથી તેવા પોતાના અંતરાત્માના આદેશ મુજબ વર્તન કરનારને જ આપણે ગાંધીજી કે સોક્રેટિસ કહીએ છીએ ને?


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • પાકિસ્તાનથી આવ્યો ફૂલનો દડો!

    લ્યો, આ ચીંધી આંગળી

    રજનીકુમાર પંડ્યા

    જીવનના પ્રભાતકાળના સોનેરી હુંફાળા તડકા જેવા બચપણના દિવસો કોઇ ભૂલતું નથી. હું પણ ભૂલ્યો નથી. કરાચીના જનાબ યાહ્યા હાશીમ બાવાણી, આઝાદી પહેલાંના કાળે અમારી નવ-દસની ઉંમરે, મારા શેરીગોઠીયા હતા. પછી તો ૧૯૪૭માં હિજરત કરીને પાકિસ્તાન ચાલ્યા ગયેલા. અને કાળક્રમે મારા ચિત્તમાં એ ઝાંખી છબી બનીને રહી ગયા.

    જનાબ યાહ્યા હાશિમ બાવાણી

    પણ ત્રીસેક વર્ષ પહેલાં એ અમારા વતન જેતપુરમાં આવ્યા ત્યારે અહીંથી હિજરત કરી ગયેલા પહેલાંના પોતાના ઘરની દીવાલો જોઈને રડી પડ્યા હતા. હા, અહીં હતી ઓસરીની ખાંડણી, અહીં હતું અમારૂં રસોડું, અહીં ભીંતે અમે આડાઅવળા ચિતરામણ કર્યા કરતા. અહીં અમારી બકરી બંધાતી ને આ ગલીમાંથી પસાર થતા અમારા મોહર્રમના તાજીયા. વતનની ધૂળને એમણે માથે ચડાવી હતી ને પાછી જેતપુરની શોભારૂપ એવી કેટલીક હસ્તીઓ હવે ભલે વૃદ્ધ થઈ ગઈ હતી પણ એમનેય મળ્યા હતા ને પોશ પોશ આંસુએ રડ્યા હતા. એમાંના એક હતા એક વારની અંજુમને ઈસ્લામ સ્કૂલના પ્રિન્સિપાલ અને પાછળથી જેતપુર સુધરાઈના ચીફ ઓફિસર થયા તે ચત્રભુજભાઈ દવે ને બીજા હતા ડોક્ટર રાજેન્દ્ર બિહારીલાલ વચ્છરાજાની, જે આખા જેતપુરમાં સૌથી સોહામણા પુરૂષ હતા અને વહાલથી જેમને સૌ ડોક્ટર જાનીના ટૂંકા નામે સંબોધતા. એમની વાણી જ અર્ધી દવાનું કામ કરતી. યાહ્યા હાશિમ બાવાણી પછી એમના બચપણના મિત્રોને શોધી રહ્યા. કેટલાક કાળની ગર્તામાં વિલીન થઈ ગયા હતા. કેટલાક મળ્યા હતા અને પચાસ-પંચાવનની ઉંમરે ખખડી ગયા હતા, મોતિયા ઉતરાવીને બેઠા હતા.

    યાહ્યાભાઈએ મારી પણ પૃચ્છા કરી હતી. એમનો હું પાક્કો શેરીભેરૂ હતો, પણ હું તો હવે અમદાવાદ રહેતો હતો. એ મને મળવા તો ન આવી શક્યા અને ના તો ફોન કરી શક્યા, કારણ કે એ આવ્યા ત્યારે મોબાઇલ તો નહોતા જ, પણ સાદા ફોનેય આટલા હાથવગા નહોતા. પણ કરાચી જઈને મને એમણે લાંબો લાગણીભીનો, નાનપણનાં સંભારણા તાજાં કરતો પત્ર લખ્યો હતો. એમણે એક વાક્ય એવું લખ્યું હતું જે વાંચીને મારા દેહમાંથી, ચિત્તમાંથી પણ લાગણીનો ઉકરાટો પસાર થઈ ગયો હતો. એમણે લખ્યું હતું : ”ભાઈબંધ, તમને મળી તો ન શક્યો પણ તમારૂં સરનામું મેળવીને પણ હું રોમાંચિત થઈ ગયો. જાણે કે આપણી ડાયમંડ ટોકિઝના પરદે તમને જૂના વારંવાર પટ્ટી કપાઇ જતાં પિક્ચરરૂપે જોયા. એ વખતે તો સાવ ખખ્ખુડી-મખુડી હતા મુઠી હાડકાંના ! અત્યારે તો એ પરદે કેવા લાગતા હશો. ફોટું મોકલજો.” એ પછી પણ આ પુસ્તકની તૈયારી મિષે અમારી વચ્ચે પત્રવ્યવહાર ચાલ્યો હતો. પણ પચાસ વરસોના વીતવા સાથે અમારી વચ્ચેથી તુંકારાનો લોપ થઈ ગયો હતો. છતાં પત્રનો અક્ષરે અક્ષર ધબકતો હતો. મારાથી પણ પત્રમાં એમને તુંકારો ન લખી શકાયો લખ્યું, “તમારી મેમણ કોમ સાથેનો મારો અનુબંધ જૂનો છે. મને કદી કોમવાદનો હલકો વિચાર સુદ્ધાં નથી આવ્યો. એના મૂળમાં મારા બચપણના મેમણ શેરીમિત્રો હારૂન, અબ્દુલાહ, ગફાર, ગની અને બીજાઓ છે. આઇસા(આયેશા) નામની લીલી આંખોવાળી છોકરી પણ ઇજાર-આબો પહેરીને અમારી સાથે ત્રણ ખજુરીએ ખલેલાં પાડવા આવતી. ખજૂરી પર ઉંચે સુધી પથરા ફેંકવાથી નિશાન લાગે તો ચણીબોર જેવડાં લીલાં ખલેલાં નીચે પડતાં, જે છોકરીઓ ખોળો પહોળો કરીને ઝીલી લેતી. આઇસા મારી ખાસ ભેરુ હતી, કારણ કે એને મારા કોડીઓના જંગી કલેક્શનમાં રસ હતો અને મને રસ એના ખોળાનાં લીલાં ખલેલાંમાં. એ મને ખોળો ભરીને ખલેલાં આપતી અને હું એને ગણી ગણીને કોડીઓ આપતો.  જો કે, એ તો નવ-દસની ઉંમરે જ પાકિસ્તાન ચાલી ગઇ. પાછળથી પાકિસ્તાનમાં આવી યુવાન થઈ ત્યારે સી ગ્રેડની ફિલ્મોમાં એકટ્રેસ બની. ઘણા વરસે એક દોસ્ત જુસબ આમદ જેતપુર આવ્યો ત્યારે મને એ કહેતો હતો કે આઇસા પાકિસ્તાની ફિલ્મોમાં એની એ લીલી આંખોને કારણે ‘સી’ ગ્રેડની ફિલ્મોમાં રોલ કરે છે. અને એણે બલુચીસ્તાનના એક ખાણ માલિકને ફાંસ્યો છે. સાંભળીને મારા મનમાં એની ચંચળ લીલી આંખો ઉપસી આવી હતી. મેં કહ્યું, ‘હવે જો એનું સરનામું મળે મને જરૂર લખી મોક્લજો. હું જરા પ્રયત્ન તો કરી જોઉં કે હવે સ્ટાર બની ગયા પછી મને ઓળખે છે કે ઓળખવાનો ઇન્કાર કરી દે છે !’

    હવે તો જન્નતનશીન એવા જનાબ યાહ્યા હાશિમ બાવાણી મારી જ ઉંમરના હતા.(આ લેખ લખ્યો તે સમયે) સાંઠની આસપાસ. જે પાકિસ્તાનમાં પત્રકાર હતા અને સર્જક જીવ પણ હતા. ત્યાં નામાંકિત વર્તમાનપત્રોના તંત્રીપદે હતા. હજુ પણ ત્યાંના પત્રકારત્વ સાથે સંકળાયેલા હતા. 180-ઈ, આદમજીનગર, એ બ્લોક, કાઠિયાવાડ સોસાયટી,મક્કા મસ્જિદ પાસે, કરાચી(પાકિસ્તાન)માં રહેતા હતા . એમની જન્મભૂમિ અને વતન જેતપુર હતું, પણ બીજા હજારો જેતપુરવાસીઓની જેમ એમના દિલમાં જેતપુર પ્રાણસ્થાને હતું. પણ બીજાઓ પાસે કલમ નથી જ્યારે આમની પાસે એક સર્જક-પત્રકારની કલમ હતી એટલે એમણે પુસ્તકો પણ અનેક લખ્યાં હતાં– એમાંનું છેલ્લું તે દળદાર, કાળા પૂંઠાનું, સોનેરી અક્ષરના એમ્બોસવાળું પુસ્તક ‘મારા જેતપુરના મેમણો” છે. ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી ચાલે છે એ દિવસોમાં યારદિલીથી એમણે મને એ છેક કરાચીથી મોકલ્યું હતું. (એ પુસ્તક માટે યથાશક્તિ સામગ્રી મેં એમને મોકલી હતી, જેનો એમણે પ્રસ્તાવનામાં સાભાર ઉલ્લેખ પણ કર્યો છે. અઢીસો જેટલા પાનામાંથી માત્ર શરૂનાં પંચાવનેક પાનાં જ અંગ્રેજીમાં છે. બાકીનાં તમામે તમામ આપણી અને આપણી ગુજરાતી ભાષામાં છે. એની ઈન્ડેક્સ અને થોડાં પાનાં આ લેખ સાથે મૂક્યાં છે.

    પુસ્તકનું નામ ભલે ‘મારા જેતપુરના મેમણો”’ એવું હોય, પણ એમાં ‘મારા’ શબ્દ ઉપર આત્મીયતાની છૂપી અન્ડરલાઈન છે ને મેમણો શબ્દની નીચે કોઈ દેખીતી કે છૂપી અંડરલાઈન નથી. મેમણો કેન્દ્રમાં નથી. હિંદુઓની પણ અનેક વાતો એમાં છે. મહાદેવનાં મંદિરોની, જેતપુરના હિન્દુ મહાનુભાવોની, હિન્દુ તહેવારોની, જેતપુરમાં થતી ઉજવણી, જેતપુરમાંના સાહિત્યકારોની, રાજકર્તાઓની એમાં ઝીણી ઝીણી વિગતો છે. યાહ્યા હાશિમ બાવાણીએ,આપણને એમ જ લાગે કે આજથી પચાસ વર્ષ પહેલાંના સુંદર રૂપકડા જેતપુર શહેરની જ આ પુસ્તક લખીને પુર્નરચના કરી છે. જૂના જેતપુર શહેરની કાળના ચક્રમાં ચૂરા થઈ ગયેલી એક-એક ઈંટોને એમણે પોતાની સ્મૃતિના નિભાડામાં ફરી પકાવી છે ને ફરી નવેસરથી એ જૂના શહેરને નવું તોરણ બાંધ્યું છે.

    કેટલી મઝાની વાત છે કે એમાં આવડા મોટા પાકા પૂંઠાના પાકિસ્તાની બસો રૂપિયાના(અમેરિકન ડોલર દસ)ના પુસ્તકમાં પોતાની અંગત સ્મૃતિઓને ક્યાંય તરતી મૂકી નથી. જેને પ્રત્યક્ષ જોઈને જેતપુરમાં પોતે રડી પડ્યા હતા એ ઘર કે એ શેરીનો ફોટોગ્રાફ સુદ્ધાં એમાં નથી. એમનો રસ યાહ્યા હાશિમ બાવાણીની  અંગત જેતપુર સૃષ્ટિમાં નહોતો જ. એમનો રસ પચાસ વરસ પહેલાંના સો-દોઢસો વરસના ગાળાના જેતપુર, એના મેમણો, એમના હિન્દુ બિરાદરો, એમની સંસ્કૃતિ, એમનો ઈતિહાસ, એમની રહનસહન, એમની સમાજ અને ગૃહવ્યવસ્થા આલેખવા સાથે અત્યારે પાકિસ્તાનમાં પણ જેતપુરની યાદને એમણે કેવી કેવી રીતે પ્રજ્વલિત રાખી છે એમાં હતો. એ રીતે તો આ પુસ્તક એ વાતની પ્રતીતિ કરાવે છે કે રાષ્ટ્રના ભાગલા પડી શકે, પણ પ્રજાના નહી.

    પ્રજાની ચેતનાને ડાંગ મારીને પૃથક કરી શકાતી નથી. એવું હોત તો પાકિસ્તાનની ધરતી ઉપર નસીરાબાદમાં એકસો છવ્વીસ ફ્લેટનો જેતપુર સ્કેવર ન હોત – અને વસાહત ઊભી કરનાર જેતપુર મેમણ એસોસિએશનનું અસ્તિત્વ ન હોત. અરે ગુલશને જેતપુરનામની એંસી ફ્લેટની સુંદર વસાહત ન હોત. પાકિસ્તાનની ધરતી પર અત્યારે એક જેતપુર પ્લાઝા છે. કરાચીના આદમજી નગરમાં પાંસઠ ફ્લેટનો જેતપુર ટેરેસ છે. સુડતાળીસ ફ્લેટનો બાગે જેતપુર છે. ચુમ્માળીસ ફ્લેટની જેતપુર હાઉસ નામની સુંદર ઈમારત ન હોત અને આ બધું કોઈ વ્યાપારી ધોરણે નથી થયું.

    પાકિસ્તાન જઈ વસેલા જેતપુરના મેમણોએ પોતાના હાજતમંદ ગરીબ મેમણો માટે આવી વસાહતો બાંધીને એમને તદ્દન મફત અથવા મામૂલી ખર્ચે ત્યાં વસાવ્યા છે. આ અમૂલ્ય પુસ્તકના પૃષ્ઠ  ૧૧૪ ઉપર મૂળ જેતપુરના(હવે પાકિસ્તાન જઇને) વસેલા સામાજીક કાર્યકર જનાબ અ. મજીદ અ. શકુર આરબી માહિતી આપે છે કે, “કાઠિયાવાડથી આવેલા જેતપુરવાસી મુહાજીરોનો સૌથી કઠિન પ્રશ્ન વસાહતોનો હતો. શરૂઆતમાં બર્ન્સ રોડ, રણછોડ લાઈન, કાગઝી બજાર, ખારાધર જેવા વિસ્તારોમાં અમુકસો રૂપિયામાં ભાડાનાં સારા ફ્લેટો મળી રહેતા હતા, એટલે ઘણાં જેતપુરવાસીઓ ત્યાં મકાન મેળવી રહેણાંક કરવા લાગ્યા પણ તેઓમાં બહુમતી એવા ભાઈઓની હતી જેઓની પાસે જે કાંઈ હતું તે હિજરતમાં ખર્ચ કરી નવરા થઈગયા હતા…. ઘણા કુટુંબો એવા હતાં કે જેઓ માસિક ભાડું ભરવાની સ્થિતિમાંય નહોતાં.

    આવા લોકોને વસાવવા માટે જ જેતપુરની ત્યાં જઈ વસેલી મેમણ કોમના જનાબ આહમદ રંગુનવાલા, જનાબ હાજી અ.લતીફ સાઉ બાવાણી, જ.અબ્દુલ્લાહ અ. અઝીઝ કામદાર, જનાબ યાહ્યા આહમદ બાવાણી, અલ્હાજ ઝકરિયા, હાજી અલીમુહમ્મદ ટબા, અબુબકર ઢેઢી, આહમદ મુનશી, મો. હનીફ મિયાંનુર જેવા દાનવીરો અને કાર્યકરો આગળ આવ્યા. તેમણે જ ઉપરની બધી વસાહતો સ્થાપી એ સૌને મકાનો આપ્યાં. એટલું જ નહીં, પણ જેતપુરના નામને એ ધરતી પર જીવતુંજાગતું રાખ્યું. એ મકાનમાં હવે તો એમાં રહેનારાઓની પેઢી પછીની પેઢીઓ વસશે. પણ એક વાત નિઃશંક છે એમાં રહેનારાઓના હૃદયમાં જેતપુરનું નામ કાયમ માટે કોતરાયેલું રહેશે. એ જોઈને એમ જ લાગે કે શહેરનો પાયો ભૂગોળમાં નહીં, ઈતિહાસમાં હોય છે. ધરતી પર નહીં, હૃદયમાં હોય છે.

    પુસ્તકમાં જેતપુરીઓને જેની યાદ સતાવે છે એવા અંજુમને ઇસ્લામ સ્કૂલ કે ધોરાજી દરવાજા જેવા કેટલાક સ્થળોના કેટલાક ફોટા છે. જેતપુરની સ્થાપનાની વાતો છે. લેખક લખે છે, “જેતપુર મારી જન્મભૂમિ, મારે મન એના કણકણ કંચનના, એની રજરજ રૂપાની, એની ભાદર સૌરાષ્ટ્રની પટરાણી, એના લોક સજ્જન સાથીની જેતપુરની કુખે જન્મેલા સપૂતોએ અલ્લાહની અસીમ કૃપાથી માનવતાની મહેક પ્રસારતાં ઘણાં કામોને અંજામ આપ્યાં છે.” આ રીતે લાગણીથી લથબથ શબ્દોએ શરૂઆત કરીને એમણે પછી કેટલાક અધિકૃત ગ્રંથોને આધારે જેતપુરની સ્થાપનાની કથા આલેખી છે. અમરાવાળા અંગે લખાયેલા પુસ્તક ‘અમર યશ અરણ્વ’ અનુસાર નાથવાળાના પુત્ર જેતાવાળાએ બલોચોના કબ્જા હેઠળના નેસડા ઉપર કબ્જો કરીને ગામને પોતાના નામ પરથી ‘જેતાણા’ નામ આપ્યું, જે કાળક્રમે ‘જેતપુર’ તરીકે ખ્યાતિ પામ્યું. એ પછી દાયકાઓ પછી એની વસતિ ૧૩,૦૮૫ (તેર હજાર પંચાસી) માણસોની થઈ એમ જેમ્સ કેમ્પબેલનું ગેઝેટિયર નોંધે છે. પ્રો.ડૉ. જશવંત જીવરાજાની (હાલ જેતપુરમાં પ્રોફેસર)ના કહેવા મુજબ ઈ.સ. ૧૭૦૦ માં વાળા કાઠીઓએ જેતપુર કબ્જે કરીને એને કિલ્લેબંધ બનાવ્યું હતું. એ વખતે જેતપુરને પાંચ દરવાજા હતાં. આજે બે-એક દરવાજા રહ્યા છે, જ્યારે બીજાનાં માત્ર નામ રહી ગયાં છે. આ પછી એ દરેક દરવાજાની ભૌગોલિક સ્થિતિ અને જેતપુરના બાર જેટલા પરાંની વિગતો છે. આ બધાંના સમર્થનમાં રંગીન ફોટોગ્રાફ્સ તો આ પુસ્તકમાં ઠેરઠેર છે.

    ત્રીજા પ્રકરણમાં મેમણોના કૌટુંબિક, વ્યક્તિગત અને સામાજીક સંસ્કારોનું ઝીણું ઝીણું રસપ્રદ વર્ણન-એ વાંચતા જ જાણે કે અર્ધી સદી પહેલાંના જેતપુરના કોઈ મેમણના ઘરના વાતાવરણમાં પહોંચી જવાય છે. મોટા ભાગના શ્રીમંત મેમણો દેશાવર, ખાસ તો રંગૂન કમાવા જતા અને પાછળથી તેમની બાનુઓ અને બચ્ચાં કેવી રીતે જીવનચર્યા રાખતાં તેનાં આબેહૂબ વર્ણનો છે. શબ્દેશબ્દ ઉતારવાની લાલચને રોકી દઉં. જેતપુર મેમણ જમાતની સ્થાપના, જીમખાના, વાતો ઈતિહાસના માતબર પ્રકરણો જેટલી સુંદર છે. આઝાદી પહેલાંના જેતપુરનું વર્ણન ભારે રોચક છે, એ પછી આદમજી સહિતના જેતપુરના નામાંકિત મેમણો કે જેમણે પાકિસ્તાન જઈ ભારે નામના મેળવી તેમની વિગતો છે. એમાં 1918માં મહાત્મા ગાંધીજીના આગમનનું વર્ણન છે તો કાઈદેઆઝમ ઝીણાના જેતપુરમાં આગમનની તવારીખની હકીકતો છે. એ સાલ ૧૯૪૦ની હતી. જેતપુરની ખિલાફત ચળવળની કથા છે, તો જેતપુરમાં ખાદી ચળવળનો આલેખ પણ એમાં છે. મેમણોની શાદીમાં વરરાજા પણ ખાદીનાં કપડાં પહેરે એવો શિરસ્તો અપનાવવામાં આવ્યો હતો. કેળવણી પિતા, અબજોપતિ સર આદમજીએ પોતાના પુત્ર જ. ઝકરિયાની શાદીમાં દુલ્હાને શાદીનો સંપૂર્ણ લીબાસ પહેરાવ્યો હતો.

    ગાંધીજી અને કસ્તૂરબાનું જેતપુરમાં આગમન

    જેતપુરમાં મેમણોનું આગમન કઈ રીતે ? રસપ્રદ ઈતિહાસ છે. બે લીટીમાં આ લેખમાં લખી શકાય તેમ નથી, પણ ઈતિહાસકાર જેમ્સ કેમ્પબેલના ગેઝેટિયરમાં નોંધાયા મુજબ ઈસવી સન ૧૪૨૨માં હઝરત પીર યુસુફુદ્દીન (રહ.)ના હાથે સિંધમાં લોહાણા જ્ઞાતિમાંથી મુસલમાન તરીકે કન્વર્ટ  થયા હતા. સિંધથી સવાસો વર્ષ પછી તેઓ કચ્છમાં આવ્યા અને ત્યાંથી બાદમાં ગુજરાત ભણી ગયા. ગુજરાતના બાદશાહ મહેમૂદ બેગડાએ જૂનાગઢમાં સૈયદો, કાઝીઓ, મેમણો અને વહોરાઓને વસાવ્યા હતા. જેતપુરમાં સૌ પ્રથમ બાવાણીઓના વડવા બાવાભાઈ 18 મી સદીમાં આવ્યા અને એમના પગલે પછી અનેક મેમણ કુટુંબો આવ્યાં

    જેતપુરના મેમણ ઉમર સોબાની અને મિયાં મોહંમદ છોટાણીએ તો ગાંધીજીની સાથીદારી પણ કરી હતી. ગાંધી સાહિત્યમાં પણ એનો માનભર્યો ઉલ્લેખ છે. આ પુસ્તક વાંચીને એવું લાગ્યું કે જાણે પાકિસ્તાન તરફથી બંદૂકની ગોળી નહીં, પણ ફૂલનો દડો આવ્યો.

    **** **** ****

    એક-બે આડવાત પણ કહેવી જરૂરી છે.

    આ પુસ્તકની મિષે જ્યારે જેતપુરના મેમણોની વાત નીકળી જ છે ત્યારે મારા એક પુસ્તક ‘ઝબકાર’ કિરણ 6 ( પ્રકાશક :આર આર શેઠની કંપની, દ્વારકેશ, રોયલ એપાર્ટમેન્ટની બાજુમાં ,ખાનપુર. અમદાવાદ -380 001 ફોન +79 2550 6575 અને +91 99099 41801)માંથી  એક લેખ ‘જેતપુર, મારી દુનિયા’ નો જરૂરી અંશ અહીં ઉતાર્યો છે:

    હિંદુ-મુસ્લીમ હુલ્લડ અમારા જેતપુરમાં થયાનું પહેલીવાર ૧૯૪૭ માં જ સાંભળ્યું. બાકી તો હિંદુ-મુસ્લીમ સંસ્કૃતિઓ પણ એક જ ડાળ પર ફૂટેલાં અલગ અલગ ઝાંયના બે પર્ણોની જેમ એક જ જળના સ્રોતથી સિંચાતી હતી. મોટા ભાગના પુખ્ત મેમણ પુરુષો કાં તો બર્મા અને કાં તો અન્ય દેશાવરોમાં કમાવા ચાલ્યા જતા. બે-ત્રણ વર્ષે વતનમાં એક આંટો મારવા આવી જતા એ સિવાય એમનાં આલિશાન, ભવ્યતા શબ્દને ચરિતાર્થ કરે તેવા મોટાં મોટાં બિલ્ડીંગોમાં એમનો કુટુંબ-કબિલો રહેતો. આવાં જબરદસ્ત મોટાં બિલ્ડીંગોમાં અય્યુબ મહાલ, બાવાણી મેન્શન, મોતીવાલા બિલ્ડીંગ, મોહમ્મદી મંઝીલ, આદમ મેન્શન જેવાં મુખ્ય હતાં. એ ભવ્ય મહેલાતોના દરવાજે એમની સ્ત્રીઓના કડક મલાજા માટે ચોવીસેય કલાક કોઇ વૃધ્ધ સફેદ ફરફરતી દાઢીવાળો દરવાન બેઠો રહેતો. રાત્રે એ પ્રવેશદ્વારના બેઉ સ્તંભની ટોચે દુધિયા કાચની હાંડીમાં પ્રગટાવેલાં ફાનસો યા ઇલેક્ટ્રિક લેમ્પ જલ્યા કરતા. આ પ્રવેશદ્વારોનાં બારણાં સતત બંધ રહેતા, જે એમના પરિવારને જવા આવવા માટે જરૂર હોય એટલા ઇંચ જ ખૂલતાં. એ વખતે અમારાં જેવાં બહાર કુતૂહલથી ઉભેલાં બાળકોને અંદરનાં એમનાં લાલપીળાં ફૂલોના છોડવાવાળું આંગણું ક્ષણાર્ધ માટે પણ નજરે પડી જતું, અથવા ફૂલવાળા કોઇ ઓઢણાંનો છેડો નજર સામે ફરકી જતો તો અમે રોમાંચિત થઇ જતાં.

    પણ પ્રજાની ખરી કઠણાઇ તો  મેમણ પુરુષો બે-ત્રણ વર્ષે પાછા દેશમાં આવે ત્યારે શરુ થતી. મોટે ભાગે રમઝાન કે એવા કોઇ અવસરે અલગ અલગ દેશાવરોમાં વસતા મેમણો વતન જેતપુરમાં ઉતરી પડતા. એટલે પાંખી વસ્તીવાળા શહેરમાં એ વખતે સુરમો ભરેલી આંખો, લાલ માંકડ કલપ કરેલી મૂછો, ઉંચી દિવાલની રુંવાદાર ટોપી કે લાલ રંગની રેશમી છોગાવાળી તૂર્કી ટોપી અને તીવ્ર રીતે મઘમઘતા અત્તરથી વાતાવરણ છવાઇ જતું. કમાઇને ધરાયેલા મેમણો શહેરમાં છૂટે હાથે રૂપિયા વાપરતા અને પરિણામે શહેરમાં દરેક ચીજ વસ્તુઓના અને સેવાઓના ભાવ ચડીને આસમાનને આંબતા. ધોબી, હજામત, કટલેરી, હોઝીયરી, તેલ, અત્તર અને ફૂલ જેવાં ફૂલ સુધ્ધાં મોંઘાં થઇ જતાં. કડિયા, લૂહાર, દરજીના મગજના પારા અમારા જેવા સામાન્ય નગરજનો માટે બહુ ઉંચા ચડી જતાં. આવું બે-ત્રણ માસ ચાલતું જ. એ વખતે બપોરના ચાર પછી શહેરમાં ટાવર પાસે અને અંજુમને ઇસ્લામ સ્કૂલ પાસે મેમણોનાં ટોળાં એક સાથે ટહેલવા નીકળતા. મોટે ભાગે પાછળ હાથ ભીડેલા રાખીને, પાયજામા ઉપર કાળો લાંબો કોટ ચડાવીને, સુઇ બાલની ટોપીમાં ખાનદાની રઇસી (શ્રીમંતાઇ)ની આભા ચહેરા ઉપર વરતાતી હોય, એમ જરા પણ શોર વગર ધીમા અવાજે,  એમની કચ્છી મેમણી બોલીમાં વાતો કરતા કરતા નીકળવાની એમની રીત હતી. આવા રઇસોની સેવા-ખિદમત કરનારો જે બીજો એક મુસ્લીમોનો વર્ગ પણ હતો, તેમાંના પુરુષો પણ ઘણે ભાગે લાલ ચટક તૂર્કી ટોપી પહેરતા. એમનાં નામ કાસમ, ગફાર, મામદ, જિકર, અને અલી હજુ પણ મને યાદ છે. પણ આમ છતાં પણ ક્યાંઉ કશું વાતાવરણ તંગ થયું હોય એવું યાદ નથી આવતું. મારા ચિત્તમાં ત્યારથી હંમેશ માટે એમની છાપ ઇમાનદાર, શાંતિપ્રિય  અને ધાર્મિક (પણ ધર્મઝનૂની નહિં) એવી પ્રજા તરીકેની પડી.

    અમે રહેતા તે ખોડપરાનો જીનના કુવાનો વિસ્તાર કહેવાતો. એને બીજે છેડે જમાઇવાડો હતો. આવું વિચિત્ર નામ કેમ પડ્યું ? કારણ હતું. એક શ્રીમંત મેમણને સાત દીકરીઓ હતી. એ અત્યંત લાડકી દીકરીઓને પરણાવ્યા પછી પણ નજરથી અળગી ન થવા દેવા માટે એણે એવા જ કોઇ સાત ભાઇઓને પરણાવી અને પછી એ દરેકને એકસરખા બેઠાં ઘાટનાં મકાનો પોતાના આવાસની નજીક જ બંધાવી આપ્યાં. આમ તો એક નાનકડા મેદાનમાં એક સરખાં સાત મકાનોનો  સમૂહ ઉભો થઇ ગયો. કદાચ સમગ્ર દેશમાં ઊભી થયેલી આ પ્રથમ સોસાયટી હશે, જેમાં ભાઇચારો નહિં, પણ સાઢુભાઇચારો  પ્રવર્તતો હતો !

    આમ જેતપુર અને પાકિસ્તાનનો આવો ભાવાત્મક અનુબંધ મારા ખુદના જીવનનો પણ એક હિસ્સો છે.

    નોંધ: આ લેખ સાલ ૨૦૦૦ ની આસપાસ લખાયો છે ,અફસોસ કે મિત્ર યાહ્યા હાશિમ બાવાણી પણ જન્નતનશીન થઇ ગયા છે.

    બીજી એક નોંધ: આ લેખ પાછળથી મુંબઇ રહેતા જનાબ ઇકબાલ મિયાનુરે મારો નંબર શોધીને આ મે, ૨૦૨૨ માં મારો સંપર્ક કર્યો અને મારી પાસે બહુ ભારે ખર્ચ કરીને‘મારા જેતપુરના મેમણો’આખા પુસ્તકની પાંચ ઝેરોક્સ મંગાવી અને પોતાના પરિચિત એવા જુના જેતપુરવાસીઓને મફત વહેંચી. બે મહિના પહેલાં તેઓ અમદાવાદ આવ્યા ત્યારે મને ખાસ મળવા પણ આવ્યા અને અમે સાથે ભોજન પણ લીધું. એ વખતે મારા લેખક મિત્ર અને ‘વિભાજનના મૂળ’પુસ્તકના લેખક મોહનલાલ મંદાણીને પણ મેં બોલાવી લીધા. તેઓ સિંધી છે અને વિભાજનની વ્યથાનો તેમને બહુ સારો કૌંટુંબિક અનુભવ છે.


    લેખક સંપર્ક-

    રજનીકુમાર પંડ્યા.,
    બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
    મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

  • મુસ્કાન [૨]

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    ગતાંક થી આગળ

    આપણે ગયા અંકમાં જોયું કે જે વાત ગુણસુંદરી સત્યેન્દ્રને પ્રત્યક્ષ રીતે અથવા સુશીલાની હાજરીના સંકોચને લઈને ન કહી શકી એ એણે પત્રમાં વ્યક્ત કરી હતી, પત્રમાં ગુણસુંદરીએ શું લખ્યું હશે? એ રહસ્ય આજે જાણીએ.

    ગુણસુંદરીએ પત્ર લખ્યો છે એ સાનંદાશ્ચર્યમાં સત્યેન્દ્ર સ્તબ્ધ બની ગયો. ધડકતા હ્રદયે, કાંપતા હાથે એણે પત્ર ખોલ્યો.

    પૂજ્ય જીજાજી,

    ન માન્યું તમે મારું કહ્યું અને છેવટે પત્ર લખ્યો જ. ક્રોધ, ક્ષોભ અને ગ્લાનિથી મારું મન વ્યથિત થઈ ગયું હતું, તમારો પત્ર મળે એ એ પહેલાં જે મને પાછી બોલાવવા હેમચંદ્રને પત્ર લખી દીધો હતો.

    એક વાર તો વિચાર આવ્યો કે આપનો પત્ર ખોલ્યા વગર જ સુશીલાબેનને આપુ પરંતુ એમ કરીને દામ્પત્ય જીવનમાં તમે જે વિશ્વાસઘાતી પગલું લેવા જઈ રહ્યા હતા એની જાણ કરીને હું દીદીને દુઃખી જ કરત. કદાચ તમારા માટે દીદીના મનમાં ખોટ ઊભી થાત અને અંતે તો એનું પરિણામ મારી નિષ્પાપ બેનને જ ભોગવવાનું આવત. દુઃખ તો મને એ વાતનું છે કે આપ જેવા વિદ્વાન આચાર્યે આવું ધૃણિત કૃત્ય કરતાં સહેજ પણ લજ્જા ન અનુભવી. છિ..

    કદાચ તમે એવું વિચારી લીધું કે એક તો સાળી અને તે પણ બાળ વિધવા, એને ભ્રષ્ટ કરવાનો મને અધિકાર છે. એક ક્ષણ પર એવો વિચાર ના કર્યો કે સંસાર-ભરની સાળીઓ અને બાળ વિધવાઓ કામદેવની ઉપાસિકા નથી હોતી.  ધર્મ, વિવેક કે સતીત્વને તુચ્છ ગણીને મદન-દેવની ઉપાસનમાં વહી જાય એવું બધે નથી બનતું. વૈધવ્યના અંધકારમય જીવનને પણ ભક્તિ-સાધનાથી ઉજ્જ્વળ બનાવી શકીએ છીએ.

    ભલેને તમે બૃહસ્પતિના સાક્ષાત અવતાર જેવા હો પણ મારું હ્રદય તમે પારખવામાં ઓછા ઉતર્યા. મને યાદ છે ત્યાં સુધી મેં તમારી સમક્ષ એવું કોઈ આચરણ નહોતું કર્યું કે જેનાથી તમે આવો પત્ર લખવા પ્રેરાવ. હા, એક વાર તમને જોઈને મારા મ્હોં પર સ્મિત જરૂર આવી ગયું હતું, એમાં તમને મારામાં મુગ્ધભાવ અનુભવાયો હશે પરંતુ ખરેખર તો તે દિવસે તમારા ચહેરા પર આછા છલકતા મૂર્ખતાભર્યા ભાવથી મારા ચહેરા પર મુસકરાહટ આવી હતી અને પ્રખર પંડિત સાહિત્યાચાર્ય -શ્રીમાન સત્યેન્દ્ર એમ.એ.પી.એચ.ડી મહાશયે જે અર્થ શોધ્યો એમાં તો મેં અત્યંત આત્મ-ગ્લાનિ અનુભવી હતી એ આજે કહું છું.

    જીજાજી, તમે સાવ સરળ એવી સુશીલા સાથે જે વિશ્વાસઘાત કર્યો છે એના માટે તમે એની માફી માંગો એમાં જ તમારું શ્રેય છે. એનામાં ઝાકળબિંદુ જેવી સુકોમળતા છે તો દુર્ગા જેવી શક્તિ પણ છે. એનામાં સમુદ્ર જેવું ઊંડાણ છે તો એમાંથી ઊઠતા વડવાનળનો અગ્નિ પણ છે જે જાગૃત થશે તો તમારું વિશ્વ ભસ્મ થઈ જશે.

    જીજાજી, ઉંમરમાં હું તમારાથી નાની છું એટલે ક્ષમાને પાત્ર છું. અજાણતાંય મારાથી એવી કોઈ ચેષ્ટા થઈ હોય જેનાથી તમારું મન ભ્રમિત થયું હોય તો ઉદાર હ્રદયે મને ક્ષમા આપશો સાથે પ્રાર્થું છું કે ક્ષણિક આવેશમાં આવીને તમે જે પત્ર લખવાની ચેષ્ટા કરી એને એક સરિતાના વહેતા પાણીની જેમ મનમાંથી વહી જવા દેજો પણ હા, દુર્ગા-પૂજાના અવસર પર દીદીને લઈને આવવાનું ન ભૂલતા. આ સાથે તમારો પત્ર પરત કરું છું જે મેં પૂરો વાંચ્યો પણ નથી. શરૂઆતની બે-ચાર લાઈનો વાંચીને તમારા ભ્રષ્ટ વિચારોનો અંદેશો તો આવી જ ગયો હતો. આશા છે મારી વાત સમજી શકશો.

    તમારા વાત્સલ્યને પાત્ર -ગુણસુંદરી.

    પત્ર પૂરો થતાની સાથે સત્યેન્દ્રનું મોહાવરણ તૂટ્યું અને સમજાયું કે એ શું કરવા જઈ રહ્યો હતો.  એ પત્ર પકડીને જાણે મૂર્છિત જેવી અવસ્થામાં એવો સરી ગયો કે સુશીલાના આગમનની એને જાણ સુદ્ધા ન થઈ.

    સત્યેન્દ્રનો વ્યથિત, ફિક્કો પડી ગયેલો ચહેરો જોઈને સુશીલાએ પાસે આવી. હળવેથી એણે સત્યેન્દ્રનો હાથ પોતાના હાથમાં લીધો અને પ્રશ્નાર્થસૂચક નજરે એને જોઈ રહી.

    અને સત્યેન્દ્રની આંખો વરસી પડી. આ જ ક્ષણ હતી એના અપરાધની ક્ષમા માંગવાની.  સતત એ બોલતો રહ્યો, સુશીલા સાંભળતી રહી. એણે બંને પત્રો સુશીલાના હાથમાં મૂકી દીધા. સુશીલાએ એ પત્રો ખોલ્યા વગર જ બાજુમાં મૂકી દીધા. નિરભ્ર આકાશની જેમ એનો ચહેરો ચમકી ઊઠ્યો.

    “બસ આટલી જ વાત! આટલી વાત માટે તમે આકાશ-પાતાળ એક કરી દીધા?”

    સુશીલાની વાતે સત્યેન્દ્રને હળવો ફૂલ કરી દીધો. હ્રદય પરથી જાણે કેટલોય બોજો ઉતરી ગયો.

     *****

    ગુણસુંદરીના આગ્રહને માન આપીને આજે સત્યેન્દ્ર, સુશીલા એમના પુત્રને લઈને દુર્ગા-પૂજામાં સામેલ થવા આવ્યા અને પછી જે ઘટના બની એ તો ગુણસુંદરીએ પણ કલ્પી નહોતી.

    ગુણસુંદરીની સમક્ષ આવીને ઊભો, એની આંખમાં સીધી નજર માંડીને એ બોલતો રહ્યો,

    “ ગુણસુંદરી, કોઈ એક રમણીના ચહેરા પરના ભાવ જોઈને હું ભૂલાવામાં પડ્યો. તારા ચહેરા પરનું સ્મિત જોઈને મેં એમાં ભાવો ધારી લીધા, મનગમતા અર્થ કરી લીધા .વાસ્તવમાં અમે પુરુષ લોકો સાચે જ મૂર્ખ હોઈએ છીએ પણ હું મનથી પ્રાયશ્ચિત કરીને આવ્યો છું. હું ક્ષમાને પાત્ર તો નથી પણ આજે હે જગજ્જનની, હું ખરા મનથી, સાચા હ્રદયથી તારી ક્ષમા પ્રાર્થુ છું. મને માફ કરીશ ને?”

    અને સત્યેન્દ્ર ઘૂંટણિયે બેસી પડ્યો.

    ગુણસુંદરીના ચહેરા પર પ્રભાત જેવી ઉજ્જ્વળતા ફેલાઈ રહી. બંનેને જોઈને દૂર ઊભેલી સુશીલાનો ચહેરો અત્યંત પ્રસન્નતાથી ખીલી ઊઠ્યો.


    ચંડીપ્રસાદ-હ્રદયેશ લિખિત વાર્તા, મુસ્કાન,ને આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.