વાત મારી, તમારી અને આપણી

ડૉ. મૃગેશ વૈષ્ણવ

એમ.ડી.(મનોચિકિત્સક)

સરનામા વિનાના ઘરોમાં રહેતા નામ વિનાના સંબંધો ધરાવતા પ્રેમી યુગલો એકબીજા વગર રહી શકતા નથી… અને સાથે રહેવાય તેમ પણ નથી… કારણ મોટે ભાગે આવા યુગલો ઘર-ગૃહસ્થી વાળા હોય છે. તેમની છાની છપની મુલાકાતોનો તનાવ ઝઘડામાં પરિણામે છે. આ સંબંધોનું મનોવૈજ્ઞાાનિક શાસ્ત્ર સમજવા જેવું છે.

વલ્લરી સવારથી જ ઘુંઘવાયેલી છે…. મિત મારી સાથે આવી રીતે બિહેવ કરી જ કેવી રીતે શકે ? આમ ને આમ ક્યાં સુધી ચલાવી લેવું ? દસ વર્ષના કહેવાતા પ્રેમ સંબંધમાં તો એણે મારી પાંખ કાપી નાંખી, મારો આત્મવિશ્વાસ તોડી નાંખ્યો, મારા વ્યક્તિત્વને ઓશિયાળું બનાવી દીધું. સ્ત્રી સન્માન અને વ્યક્તિ સ્વાતંત્ર્યની મીઠી મીઠી વાતો કરી મને દસ વર્ષ પહેલાં ઘેલી બનાવનાર આ શું એ જ માણસ છે જે જાનવરથી પણ બદતર વર્તન કરી જંગલીયતનું પ્રદર્શન કરે છે ?… આજે મારે આખરી ફેંસલો કરી લેવો છે… !

એવામાં મોબાઈલ પર એસ.એમ.એસ. આવે છે… ”ક્લોઝનેસ રીસાઈડસ ઈન હાર્ટ… નો મેટર હાઉ બીઝી વી.આર… હાઉ ફાર વી… આર… યુ… આર. ઓલવેઝ રીમેમ્બર્ડ… તારો મનમિત્ર… ”

એસ.એમ.એસ. વાંચી વલ્લરીનો પિત્તો સાતમા આસમાને ચડે છે તે સીધો જ મિત્રનો મોબાઈલ લગાવી તેનો ઉધડો લેવાનું શરૃ કરે છે…

”રાયદાથી માંડી શેક્સપિયર સુધીના કવિઓ અને શાયરોની ભાષાના લોભામણા શબ્દો બોલનારો તું હવે ઉછાના એસ.એમ.એસ.ને રવાડે ચડયો છે ? શું હું સાવ મુર્ખ છું કે તારા એસ.એમ.એસ.માં છતી થતી તારી લવિંગ, કેરીંગ ફિલીંગ્સ અને કેર ફ્રી એટીટયુડને સાચા માની લઉં ? હકીકતમાં તો આટલું ભણ્યો ગણ્યો હોવા છતાં તું અનસીવીલાઈઝ પીગ છે. એટલે તારું ધાર્યું ન થાય તો છંછેડાઈ જવું ગમે તેવા અપશબ્દો બોલવા, સામેના માણસમાં જાણે આવડત જ નથી એમ પુરવાર કરી તોડી પાડવું… આઈ હેઈટ યુ મિત આઈ હેઈટ યુ…”

”આઈ હેઈટ યુ… ટુ… બટ આઈ ઓલસો પીટી માયુ વિલુ… હા તારા પર તિરસ્કાર જેટલી જ દયા આવે છે. હું ગમે તેવો છું, ગમે તેવી હેવાનિયત કરું છું. અશ્લિલ શબ્દો બોલું છું. છતાં પણ તું મને એક જળોની જેમ ચોંટી છે. રોજના વીસથી પચ્ચીસ ફોન, પચાસ-સાઠ એસ.એમ.એસ… અરે તારા સંબંધોની જાળમાં ફસાયેલો ન હોત તો મારી આવડત અને ક્રિએટીવીટીને વધારે સમય આપી હું ક્યાંય આગળ વધ્યો હોત પણ તું સાવ નવરી… મારી પાછળ એવી પડી છે કે હું તું ત્રાસી ગયો તારાથી…”

”તો કોણ તને પકડી રાખે છે ? તારે સંબંધોમાંથી છુંટવું હોય તો સીધી રીતે કહે છે… ખોટો દોષનો ટોપલો મારા માથે ન ઢોળ. હું કંઈ તને સામે ચાલીને બોલાવવા ન હતી આવી. તું જ મારી પાછળ પડયો હતો. મેં તો ક્યાંય સુધી તને કોઈ જ ભાવ ન હતો આપ્યો !”

એ તો તારા પર દયા આવતી હતી, ઓફીસમાં તું સાવ એકલી પડતી હતી અને મને તારી સાથે વાત કરવી ગમતી હતી…
”કેવી સુફીયાણી વાતો કરતો હતો… જાણે કૃષ્ણમૂર્તિ અને રજનીશનો સમન્વય તારામાં થયો હોય. મારે મારી અંગત સમસ્યાઓ હતી. તારા શબ્દોમાં મનેમારી સમસ્યાના હલ જણાયા. હું તારા પ્રત્યે આકર્ષાઈ અને તારો પ્રતિભાવ પણ સામે એટલો જ હતો.”

”તને તારી સમસ્યાનો હલ મારામાં ક્યાંથી જણાયો ? તું અભિમાની, ઘમંડી, વાત વાતમાં છણકતી સ્ત્રી સ્વાતંત્ર્યની મશાલચી છે. એક વાત બરાબર સમજી લે તારે કોઈની પણ પત્ની કે પ્રિયતમાં થઈને રહેવું હશે તો પુરુષને ઝૂકતાં શીખવું પડશે.”
”યુ શટ અપ… ખોટી દાદાગીરી બંધ કર. મારી ખોડખાંપણો શોધી પ્રેમ કરવાના નામે તું મને સુધારવાના કોચીંગ કલાસ નહિ ચલાવી શકે.”

વલ્લરી જય રેશમવાલા તથા મિત રાજેશ શાહ બંને સારા વિજાતીય મિત્રો છે. તેમની વચ્ચે માનસિક પ્રગાઢ સંબંધ છે, પ્રેમ છે, આત્મીયતા છે. ઝઘડો છે, તિરસ્કાર છે. લડતાં-ઝઘડતાં પ્રેમ કરતાં સંબંધોનો એક દસકો પૂરો થાય છે. હા… તેમણે એક ઘર બનાવ્યું છે… અલબત્ત સપનામાં… જેના પર લખ્યું છે… ”આ ઘર ‘મિત-વલ્લરી’નું છે !?”

વલ્લરી વગર મિત મૂડલેસ, ખોવાયેલો અને બુદ્ધિ બહેર મારી ગઈ હોય તેવો બની જાય છે. અને મિત વગર વલ્લરીની દશા ”જલ બિન મછલી” જેવી થઈ જાય છે. અર્થાત્ તેનો પ્રાણવાયુ ખતમ થઈ જાય છે. એટલે જ તે મિતનો અવાજ સાંભળવા ફોન કરે છે. વ્યસ્ત મિત તેને ગંદી રીતે જવાબ આપે તો તે એસ.એમ.એસ. કર્યા જ કરે છે.

બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. એકબીજા વગર રહી શકતા નથી. અને સાથે રહેવાય તેમ પણ નથી કારણ બંને ઘર ગૃહસ્થીવાળા છે. છાના-છપના મળવાનો સ્ટ્રેસ એટલો વધી જાય છે કે જ્યારે મળે ત્યારે ઝઘડે છે.

વલ્લરીની પુત્રી હવે દસમાં ધોરણમાં છે અને મિતનો પુત્ર બારમાં ધોરણમાં છે. મિત કહે છે કે, ”વલ્લુ… આપણે હવે મોટા થયાં તારે તારું કુટુંબ છે અને મારે મારું. હવે આવા બધા છાનાં-છપનાં સંબંધો પૂરા કરીએ અને સમાજમાં સ્વીકાર્ય હોય એ રીતે મળીએ… એવા નવા સંબંધો બાંધીએ…”

”તો પછી અત્યાર સુધી સમાજને સ્વીકાર્ય નહોતા એવા સંબંધો શા માટે રાખ્યા હતા ? હવે તો આપણાં છોકરાં પણ મોટાં થઈ ગયા છે… તેમના ઉછેરની જવાબદારી પણ પૂરી થવા આવી છે. હવે આપણું શું ? હવે આપણે સાથે કેમ ન રહી શકીએ ? હવે તારે માત્ર મારો જ ખ્યાલ કરવાનો…” વલ્લરીએ પોતાનો દ્રષ્ટિકોણ સમજાવ્યો.

જય શાંત અને સ્વસ્થ વ્યક્તિ છે. પત્ની વલ્લરીની છોકરમત વિશે ઘણું બધું જાણે છે. બે સંતાનોને માતાના પ્રેમની ખબર ન પડે તેની કાળજી રાખે છે.

વલ્લરીનો પ્રેમ તો સાતેય સમંદરના ઘૂઘવતા મોજાંઓની જેમ ઘૂઘવ્યા કરે છે. આધેડ વય વટાવ્યા પછી હવે તેને સમાજના નીતિ-નિયમોનાં, બંધનો અને બદનામીનો ડર નથી. તેને તો મિતની સાથે જ રહેવું છે પણ મિત માટે આ શક્ય નથી. પોતાના બાળકો, પત્ની, માતા-પિતા પ્રત્યેની જવાબદારી તે સમજે છે. એટલે જ વલ્લરીને તેના ઘર તરફ પાછી ફરવા તે સમજાવે છે. પરંતુ વલ્લરી તો હવે મિતને જ વીંટળાઈને રહેવા કૃતનિશ્ચયી છે.

મિતની પત્નીને પતિના એક દાયકા જૂના પ્રેમ સંબંધોની ગંધ આવે છે. મિત સમજાવે છે. ”બિચ્ચારી ઓફીસમાં એકલી સ્ત્રી હતી, નાની હતી, ભોળી હતી, મેં એને મદદ કરી. અમારા વચ્ચે આત્મીયતા સ્થપાઈ. બસ વિશેષ કશું જ નહિ પણ આનો અર્થ એવો ન હોય કે હું મારી આબરૃંનું નિલામ કરી એને મારી સાથે રાખું કે મારું ઘર ભાંગુ.”

રીયાલિસ્ટીક મિત અને પ્રેમઘેલી, નાદાન, વલ્લરી ઓફીસમાં, સમાજમાં ચર્ચાનો વિષય બને છે. વલ્લરીને આની પરવાહ નથી. મિતને હવે વલ્લરી સાથેના સંબંધો ભારરૃપ લાગે છે. પરંતુ વલ્લરી વગર મિતની દશા પણ અસ્વસ્થ થઈ જાય છે.
સંબંધોને નવી દિશા આપવાની મિતની દરખાસ્ત પર વલ્લરી આત્મહત્યાની ધમકી આપે છે. મિત ડરી જાય છે. રીસામણા-મનામણા ચાલે છે. દર બે દિવસે તેમની વચ્ચે અંતિમકક્ષાનો ઝઘડો થાય છે. ઝઘડા પછી પાછું સમાધાન અને પ્રત્યેક ઝઘડા પછી વલ્લરીનો પ્રેમ વધતો જાય છે. પ્રત્યેક ઝઘડા પછી મિતને સંબંધો વધારે ભારરૃપ લાગે છે.

મિતને એવું લાગે છે કે વલ્લરી માનસિક રીતે સમતોલ નથી એટલે વાસ્તવિકતા સમજી શકતી નથી. ઉંમર વધવા છતાં તે મુગ્ધા જેવી જ હરકતો કરે છે. બે તરુણ સંતાનોની માતા હોવા છતાં પોતાનાં સંતાનો પ્રત્યે માતા તરીકેની તેની ફરજ શું છે તેનું તેને ભાન નથી. મિત વલ્લરીને બહુ સમજાવે છે પણ તે તેના નિર્ણયમાં અફર રહે છે. સરનામા વિનાનાં ઘરમાં રહેતા નામ વગરના સંબંધોને તે હવે બેનામ રહેવા દેવા માંગતી નથી.

વારંવાર ગુસ્સે થઈ જતો, ઘાંટા પાડતો, અપમાન કરતો અને ગાળો બોલતો મિત ‘સાયકો’ થઈ ગયો હોય તેવું વલ્લરી માને છે. ક્યારેક તેને એવું લાગે છે કે મિત સ્વાર્થી છે. તેનાથી ધરાઈ ગયો છે. પ્રેમમાં નાદાન બનવું. સમાજની પરવાહ ન કરવી એ પહેલાં તેનો સ્વભાવ હતો પરંતુ હવે તે બદલાઈ ચૂક્યો છે. બંને એકબીજાને મનોચિકિત્સા કરાવવાનું સૂચવે છે.

વલ્લરી અને મિત જેવા સંબંધો ધરાવનારા ઘણાં બધા યુગલો છે. આવા સંબંધોની શરૃઆત અને વિકાસ પાછળ ઘણાં મનોવૈજ્ઞાાનિક પરિબળો હોય છે જે દરેક કિસ્સામાં જુદાજુદા હોય છે.

આવા સરનામા વગરનાં ઘરમાં રહેતા નામ વગરના સંબંધોને વિવિધ દ્રષ્ટિકોણથી મુલવવામાં કંઈ જ ખોટું નથી. માત્ર બૌદ્ધિક સ્તરે જ નહિ પણ હૃદયના સંબંધોને સાંકળી આમાં વિચાર કરવો જોઈએ. આવા સંબંધો લાગણીના તાણા-વાણાથી બંધાયેલા હોય છે. આ લાગણી તૂટે છે. અપેક્ષાઓ ભાંગીને ભૂક્કો થાય ત્યારે વ્યક્તિ હચમચી ઊઠે છે. હતાશ બને છે, માણસ પશુ નથી કે તેને આ સંબંધ સાથે કોઈ નિસ્બત ન હોય. એકબીજાના સાથ સહકાર વગર આવા સંબંધોને એક નવો વળાંક આપવો પણ મુશ્કેલ બને છે.

આવા સંબંધોમાં મોટે ભાગે સ્ત્રીને પ્રેમ, હુંફ, ભીનાશ અને લાગણીની જરૃરિયાત હોય છે. આ માટે તે ગમે તે ભોગે સંબંધો જાળવવા માંગે છે. પુરૃષને માટે આ પરસ્પર પ્રેમ ઉપરાંત વાસનાનો સંબંધ હોય છે. શારીરિક સૌંદર્ય માણી લીધા બાદ સતત એકધારા પણાને કારણે પુરુષ નવીનતા ઝંખે છે. આવા સંબંધો પછી તેનામાં ‘અપરાધભાવ’ અને ‘ક્ષોભ’ ઉત્પન્ન થાય છે. લાંબા સમયે આવા સંબંધો તેને ‘લાયાબિલીટી’ ભારરૃપ લાગે છે.

સંતાનો માતા-પિતાના આવા સંબંધોને સ્વીકારી શકતા નથી. ડરને કારણે તેઓ ક્યારેક પિતાને કંઈ કહી શકતા નથી. સંતાનોને માતા અણીશુદ્ધ માત્ર પોતાની જ જોઈએ છે.

સરનામા વગરના ઘરમાં રહેતા નામ વગરના સંબંધોનું શાસ્ત્ર ઘણું વિશાળ છે.

જો સ્ત્રી-પુરુષ વચ્ચે કોઈ પણ એક તબક્કે તંદુરસ્ત વિજાતીય મૈત્રી સંબંધ ન સ્થાપી શકાય તો ખડકો પર માથાં પછાડી પછાડીને છિન્નભિન્ન થતાં દરિયાના મોજાંની માફક જ સમાજમાન્ય સગપણ વગરના આવા સંબંધો ખતમ થઈ જાય છે.

ન્યુરોગ્રાફઃ

પ્યાર કરના જુલ્મ હૈ તો જુલ્મ હમસે હો ગયા !
કાબિલે માફી હુઆ કરતે નહીં ઐસે ગુનાહ ??


ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.,નાં વિજાણુ સંપર્ક સૂત્રો:

E_Mail: mrugeshvaishnav@gmail.com
Website: www.drmrugeshvaishnav.com