પુસ્તક પરિચય
બીરેન કોઠારી
અમદાવાદસ્થિત પ્રકાશક ‘આર્ચર’ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘ક્યાં?ક્યારે? કેમ?’ વડોદરાસ્થિત ચિત્રકાર-પ્રિન્ટ મેકર-તસવીરકાર જ્યોતિ ભટ્ટની પચીસ છબીઓ અને તેને આનુષંગિક લખાણોને સમાવે છે. તેના વર્ણનમાં લખાયું છે એમ આ પુસ્તક ‘જ્યોતિ ભટ્ટની કેટલીક છબીઓની જાતકકથા- ફોટોલૉગ’ છે.
ગુજરાતી અખબારોમાં છબી-પત્રકારત્વનો યુગ હતો ત્યારે છબીની લંબાઈ જેટલું જ યા તેથી વધુ લંબાઈનું લખાણ લખવાની શૈલી પ્રચલિત હતી. આ લખાણ તસવીરને ઓછી, અને તસવીરકારના ‘લેખનકૌશલ્ય’ને વધુ પ્રગટ કરતી. ‘એક છબી હજાર શબ્દોની ગરજ સારે’ એ ઉક્તિ અહીં અપ્રસ્તુત જણાતી. અલબત્ત, ખ્યાતનામ તસવીરકાર જ્યોતિ ભટ્ટ જહોન શારકોસ્કીને ટાંકતાં લખે છે: ‘ફોટોગ્રાફ ક્યારેય કોઈ હકીકત કે ઘટનાને પૂરેપૂરી રીતે જણાવવા સક્ષમ નથી. જો આપણે એ બાબત ખ્યાલમાં રાખીએ કે વહેતા સમયમાંથી માત્ર એક ક્ષણના પણ નાનકડા ભાગમાં બનતી બાબત છબીમાં રજૂ થાય છે, તો એમાં કોઈ નવાઈ નહીં લાગે- ફોટોગ્રાફ જે કહે છે તે- વાર્તાકથનથી લગભગ અવળું કહી શકાય.’ ખુદ જ્યોતિભાઈ પણ માને છે કે બધી જ છબીઓ કંઈ ને કંઈ વ્યક્ત કરતી હોય છે. મોટા ભાગે છબી દ્વારા મળતી દૃશ્યમાહિતીની તુલનામાં શબ્દો વધુ સબળ પુરવાર થતા જોવા મળે છે.
આ પુસ્તક જે ચાર વ્યક્તિઓને અર્પણ કરાયું છે એ સહુ જ્યોતિભાઈની કલાયાત્રાના સાથીદાર બની રહ્યા હતાં. એ પૈકી તેમનાં પત્ની અને ખ્યાતનામ કલાકાર જ્યોત્સ્ના ભટ્ટ, વિશ્વવિખ્યાત છબીકારો કિશોર પારેખ અને ભૂપેન્દ્ર કારીયા દિવંગત છે, જ્યારે પ્રા. રાઘવ કનેરિયા અમેરિકાસ્થિત છે.
૨૦૧૮માં ચિકનગુનિયાગ્રસ્ત અવસ્થામાં યાદ આવેલા અનેક પ્રસંગો જ્યોતિભાઈએ લખાવી રાખેલા, જે ૨૦૨૦ના લૉકડાઉન દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ઈ-પખવાડિક ‘નોળવેલની મહેક’માં નિયમિતપણે પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ પુસ્તકમાં એ લખાણોને સમાવાયાં છે.
ભારતીય લોકકળાનું દસ્તાવેજીકરણ કરતા રહેલા જ્યોતિભાઈએ દેશના વિવિધ ભાગોમાં ભ્રમણ કરેલું છે, અને અનેક તસવીરો લીધેલી છે. આ પુસ્તકમાં દેશના વિવિધ વિસ્તારોની તસવીરો જોવા મળે છે. તસવીરોની સાથેનું લખાણ તસવીરના વિષયને સમજવા, જાણવા અને માણવા અંગે જરૂરી પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે. અસલ ભારતનાં એમાં દર્શન થાય છે. આ લખાણોમાં બે-ત્રણ બાબતો ખાસ ધ્યાન ખેંચે એવી છે. પોતે કળાપ્રાધ્યાપક રહી ચૂક્યા હોવાની જરાય સભાનતા વિના વિવિધ વિગતો તેમણે પ્રામાણિકતાપૂર્વક જણાવી છે. કેટલીક છબીઓ ખેંચતી વખતે પોતાના મનમાં કંઈક અલગ વિભાવના હતી, અને અમુક પ્રકારનો દૃષ્ટિકોણ પોતાને પછી સૂઝ્યો એવું તેમણે સાવ સહજપણે લખ્યું છે. એવી જ સહજતાથી લખાયેલું ગુજરાતી ગદ્ય પણ ધ્યાન ખેંચે છે. કોઈ પણ ભોગે ગુજરાતીનો જ ઉપયોગ કરવાનું ઝનૂન તેમની પર સવાર નથી, અને જરૂર જણાય ત્યાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ તેમણે કરેલો છે, છતાં તેમનું ગુજરાતી વાંચવાની મજા આવે છે. પોતાની છબીઓને સમજાવવાનો પ્રયત્ન કરવાને બદલે તેમણે એને કયા સંજોગોમાં લીધી, શી રીતે તેની પર ડાર્કરૂમમાં કામ કર્યું વગેરે બાબતો જણાવી છે. નજર સામે દેખાતી એક અદ્ભુત કૃતિની આ સર્જનપ્રક્રિયા જાણવી બહુ રસપ્રદ બની રહે છે. પોતાની અમુક છબીને પુરસ્કાર પ્રાપ્ત થયો હોય એ તેમણે જણાવ્યું છે, તો પોતાની કોઈ છબીની નોંધ સુદ્ધાં ન લેવાઈ હોવાનું તેમણે લખ્યું છે. આ તમામ લખાણોમાં સંવેદનાનો આંતરપ્રવાહ સતત અનુભવાતો રહે છે.
આથી આ પ્રકારનું પુસ્તક કેવળ કળાના વિદ્યાર્થીઓ કે ચાહકો પૂરતું નહીં, પણ વાંચનના રસિયા હોય એવા સૌ કોઈ માટેનું બની રહે એવી ક્ષમતા ધરાવે છે. આથી જ, ક્યાંક રહી ગયેલી જોડણીશુદ્ધિ અથવા છૂટી ગયેલું પરામર્શન રસક્ષતિ કરતાં નથી.
છબીઓ સાથેનું મૂળ લખાણ જ્યોતિભાઈએ ગુજરાતીમાં લખ્યું છે, જે તેની સાથે જ અંગ્રેજીમાં પણ મૂકાયું છે. અંગ્રેજી અનુવાદ જાઈદા જેકબ અને પ્રેરણા શાહે કરેલો છે. ગુજરાતી લખાણોને મઠારવાનું કામ કલાકાર પીયૂષ ઠક્કરે કર્યું છે. કૉફી ટેબલ પુસ્તકના કદનું આ પુસ્તક મુદ્રણ સુઘડ અને નિર્માણ કળાત્મક છે. આ પુસ્તકનાં ૭૫ પૃષ્ઠોમાં ૨૫ છબીઓ અને તેને સંબંધિત લખાણ છે. કળાકારની સર્જનપ્રક્રિયામાં કેવી કેવી બાબતો સામેલ હોય છે તેનો ખ્યાલ આ પુસ્તક થકી સુપેરે મળી રહે છે અને આ પ્રકારનાં વધુ પુસ્તકો તૈયાર થતાં રહે એવી અપેક્ષા રહે છે.
ક્યાં? ક્યારે? કેમ?/ જ્યોતિ ભટ્ટની કેટલીક છબીઓની જાતકકથા– ફોટોલૉગની અન્ય વિગતોઃ,
પ્રકાશક: આર્ચર, અમદાવાદ,
પૃષ્ઠસંખ્યા: 75, કિંમત: 1500/,
(પુસ્તક એમેઝોન પર પણ ઉપલબ્ધ)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com