પુસ્તક પરિચય

રીટા જાની

ગત બે અંકથી આપણે વાત કરી રહ્યા છીએ મુનશીની આત્મકથા ‘અડધે રસ્તે’ની.

પ્રેમ એ જીવનનું રસાયણ છે. પ્રેમ એ હૃદયની તરસ છીપાવતું અમૃત છે. પ્રેમ વાતાવરણમાં છે. એક દૃષ્ટિ, એક સ્પર્શ, એક કાર્યમાં પ્રેમ છે. જરૂર છે સભાન બની તેને અનુભવવાની. આપણે જ્યારે મુનશીની વાત કરતાં હોઈએ તો આપણે સૌ જાણીએ છીએ તેમના પ્રેમ ભરેલા પાત્રો વિશે ને કાક અને મંજરીના પ્રણય સંબંધ વિશે. ત્યારે પ્રશ્ન એ થાય કે  મુનશી પોતે અંગત જીવનમાં પ્રેમ, પ્રેમિકા ને પત્ની માટે કેટલા નસીબદાર હતા?

જીવનસંગિની એ કોઈના પણ જીવનનો અતિ અગત્યનો હિસ્સો છે. મુનશીના સંસ્મરણોમાં છે કે તેમના માટે વહુની વરણી થતી હતી ને તેઓ સાંભળ્યા કરતાં, રસથી કે કેમ તે ખબર નહોતી. આખરે ચાર વર્ષની વહુ સાથે તેમના વિવાહ થયા ને લગ્ન સમયે તેની ઉંમર હતી આઠ વર્ષની. તે ગૃહસ્થ બન્યા, પાઘડી પહેરી ઘોડે ચડ્યા ને રડતી ધર્મપત્નીને પાછળ બેસાડીને લઈ આવ્યા.

બાપાજી સુરતની બાજુમાં આવેલા સચીનના દિવાન નિમાયા. ત્યાં એક આઠ-નવ વર્ષની ગૌરવવંતી, તેજસ્વી, હેતાળ અને તોફાની  છોકરી હતી. નાના છોકરાઓ રમે એમ તેઓ બંને રમતા, લડતાં, રડતાં ને તોફાન કરતાં. પણ બાલ મુનશીની કલ્પનાએ એની આસપાસ કંઈ કંઈ સૃષ્ટિઓ ઘડી ને ભાંગી. ૧૯૦૩ માં ફરી ચાર દિવસ એ બાળાને મળ્યા  વાસ્તવિક રીતે તો એ સામાન્ય પ્રસંગ હતો પણ એ બાળાએ તેમની કલ્પનાનો કબજો લીધો. દિવસે તેનું હાસ્ય સંભળાય ને રાતે તેને દેખ્યા કરે. સાત વર્ષ થયાં બંને એકબીજાને ઝંખતા હતા. મુનશી નોંધે છે કે “અમે બંને પરણવા સર્જાયા હતાં. હું એના વિના તરફડતો હતો. એ મારા વિના ઝૂરતી હતી.” એ સ્મરણોના સમૃધ્ધરંગી ચિત્રો મુનશીએ  “વેરની વસૂલાત” માં ચીતર્યા છે તો તેના કેટલાક પ્રકરણોની જીવંતતા વર્ષોના આંસુ સીંચીને તેમણે ઉછેરી છે.

એ વખતના શિષ્ટાચાર પ્રમાણે વહુ બાર વર્ષની થાય એટલે તેને સાસરે બોલાવી લેવાતી. અહીઁ વહુ શરીરમાં છેક નાની હતી ને એને ભણાવવાની કોઈ તસ્દી લેતું નહિ. સંસ્કારી સાસરિયામાં જે પ્રકારની રીતભાત જોઈએ તે કોઈ તેને શીખવતું નહિ. “ભાઈ” તો મોટી વિદ્વાન સ્ત્રીઓની વાતો કરતો ને તેનો વહુ તરફનો અણગમો વધતો હતો. “ભાઈ” ના વહુ વિશેના ખ્યાલ નાટકી હતા. એને તો સાથે ગાય, વગાડે ને અંગ્રેજીમાં વાતો કરે એવી વહુ જોઈએ. વહુ અભણ છે, મૂર્ખ છે, માટે હું એને નહિ બોલવું એવી વાત કરે ને ઘણીવાર તો “ભાઈ”  આંસુ પણ સારે. હેત અને કાળજીથી સાસુમા વહુ અતિલક્ષ્મીને ઘેર લાવ્યા ને તેના સંસ્કાર પરિવર્તનનું કામ માથે લીધું, જે પત્થર ઘડવા કરતા પણ કઠિન હતું. જે છોકરીના જીવનનો આધાર પોતે હતા, તેને દુઃખી કરવામાં પાપ દેખાતું. પણ એ પ્રતિજ્ઞા પાળતા તેમનો જીવ રહેસાઈ જતો. તેમને તો પ્રેમવિવાદ કરી શકે, કેન્ટ અને સ્પેન્સર વાંચી શકે એવી સહચરીની ઝંખના હતી. તેમને મળી લક્ષ્મી…જે તદ્દન બાળક હતી – શરીરે ,બુદ્ધિમાં, વિકાસમાં. આથી હતાશ થઈ તે રડતાં રહેતા. એટલું જ નહિ પણ તેમણે મરવાનો નિશ્ચય કર્યો. લક્ષ્મી નિર્દોષ, અજ્ઞાન ને શ્રદ્ધાળુ હતી. એની આંખોમાં સદાય ભક્તિ તરવરતી. એની સાથે ક્રૂર થઈ ન શકાય. તેથી જાત પર ક્રૂર બન્યા. એકલા એકલા આક્રંદ કરીને ધગધગતા શબ્દોમાં પોતાનું દુઃખ વ્યક્ત કરતા. તેઓએ વેદનાને આ રીતે નોંધી-”  …વેદના ને જીવલેણ દુઃખ હું સતત અનુભવું છું. મારો અભ્યાસ, મારી ખાસિયતો અને  રંગભૂમિના મારા શોખે મને બગાડી મૂક્યો છે. મેં બહુ ઊંચા આદર્શો સેવ્યા. મે સ્વપ્નાં જ જોયા કર્યા. તિલોત્તમા અને સાવિત્રી –  એ મારા આદર્શો. મેં તો સુંદર વાત કરનારી ને સાથે ગંભીર, વિચારશીલ ને સમસંસ્કરી પત્ની ઝંખેલી; પણ એ આશા તો હંમેશ માટે કચડાઈ ગઈ…” છેવટે બીજા કોઈ નહિ તો બા માટે માટે જીવવું એવું નક્કી કર્યું. તેમના સુખમય સંસાર પર અંધારું ફરી વળ્યું તો રાત અને દિવસના  દારુણ દુઃખ ન શમતાં હૈયાભંગ થયો. આના કારણે તેમનું  મન અશાંત રહેવા લાગ્યું અને રાતની ઊંઘ ઊડી ગઈ. પરિણામે તેઓ વાંચ્યા કરતાં. તેમણે તત્વજ્ઞાનના વાંચન ઉપરાંત ફ્રાન્સના વિપ્લવનો વિસ્તૃત અભ્યાસ કર્યો. હ્યુગોની કૃતિઓ વાંચી. દુમાની એકએક કૃતિ એકથી વધુ વાર વાંચી. ઉપરાંત વડર્ઝવર્થ, બાયરન, શેલી અને ટેનીસનના બધાં કાવ્યો વાંચી નાખ્યા.

1902માં કોલેજમાં જવું તે આજે વિલાયત ભણવા જવા કરતાં પણ વધારે મોટુ સાહસ ગણાતું હતું. ઇ.સ. 1902 થી 1906 સુધી તેમણે વડોદરા કોલેજમાં બોર્ડિંગમાં રહીને અભ્યાસ કર્યો. નાટક જોવાનો શોખ ત્યાં પણ ચાલુ જ રહ્યો. કોલેજનું વાતાવરણ તેમણે “સ્વપ્નદૃષ્ટા” માં વર્ણવ્યું છે એટલું જ નહિ પણ તેમના મિત્ર “પી.કે.” અને પ્રો. શાહનું ચિત્ર પણ આપ્યું છે. તેમના સમયે કોલેજમાં અત્યંત પ્રભાવશાળી, વિદ્યાર્થીઓને પ્રેરણા આપી તેમના ભવિષ્યના જીવન પર સચોટ અને સ્થાયી અસર કરવાની શક્તિ ધરાવનાર બે શક્તિશાળી પ્રોફેસરો હતા. એક હતા તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાનના  પ્રોફેસર જગજીવન વલ્લભજી શાહ, જેમને પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ પક્ષપાત હતો. તેઓ ધાર્મિક અને નૈતિક જીવનના ચુસ્ત હિમાયતી હતા અને વિદ્યાર્થીઓને આડકતરી રીતે ઉપદેશ આપી તેમની દૃષ્ટિ મર્યાદા વિશાળ બનાવતા હતા. બીજા હતા અંગ્રેજી અને ફ્રેંચના પ્રોફેસર અરવિંદ ઘોષ. ફ્રેન્ચ વિપ્લવ વખતના વિચારતરંગોથી મુગ્ધ બની તેઓ મિરાબો, દાંતાં ને નેપોલિયનના પરક્રમોનું મનન ને  કીર્તન કર્યા કરતા. પહેલા જે ધર્મચુસ્ત હતા, હવે તેઓએ પાશ્ચાત્ય સંસ્કારોને વશ થઈ જનોઈ ને શિખાનો ત્યાગ કર્યો. સાથે સાથે દેશ અને દેશબંધુ માટે કંઈક ચિરંજીવ કરી જવાની ઈચ્છા જાગી. અરવિંદ ઘોષે રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં ઝુકાવ્યું ને “વંદેમાતરમ્” નું તંત્રીપદ લીધું. તેમના લેખો અને તેમના ભાષણની વિદ્યાર્થી મુનશી પર ગહેરી અસર હતી. તેમના કોલેજકાળની ઘણી વાતો તેમણે “સ્વપ્નદ્રષ્ટા” માં વણી છે.

પાંચ વર્ષનો કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી ગ્રેજ્યુએટ થયા ને અંગ્રેજીમાં “ઇલિયેટ” પારિતોષિક મળ્યું. શારીરિક દુર્બળતા એ મોટી મુશ્કેલી હતી. માંદગી દરમ્યાન યોગસૂત્ર સાથે ગીતા વાંચી. બંને ગ્રંથો સારી રીતે સમજવાની અશક્તિ છતાં સંયમ કેળવવાના પાંચ-છ શ્લોક અને બે -એક સૂત્રો તેમને સાંપડ્યા, જે સ્વસ્થતા જાળવવામાં ખૂબ ઉપયોગી થઈ પડ્યા. આ દરમ્યાન તેમણે ખૂબ વાંચ્યું અને નોંધપોથીમાં ઉતાર્યું.

આ સાથે મુનશીજીની  આત્મકથાને અડધે રસ્તે વિરામ આપીએ.


સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું:    janirita@gmail.com