ફિર દેખો યારોં

બીરેન કોઠારી

મૃત્યુ પ્રત્યેક મનુષ્યની નિયતિ છે, પણ તે કયા સમયે અને કયા સ્વરૂપે આવી પહોંચશે એની જાણ હોતી નથી, એટલે તેનો ડર લાગતો હોય છે. યમદૂત ઘણી વખત સાવ અણધાર્યા સ્વરૂપે આવી પહોંચતો હોય છે. જેને આપણે જીવનદાતા માની બેઠા હોઈએ એ પણ ક્યારેક યમદૂત નીકળે એમ બનતું હોય છે.

પશ્ચિમ આફ્રિકાના ગામ્બિયા દેશમાં બેએક મહિના અગાઉ એક દુર્ઘટના પ્રકાશમાં આવી. છેલ્લા ત્રણેક મહિનામાં ૬૬ જેટલાં બાળકો કિડનીની બિમારીને કારણે મૃત્યુ પામ્યાં. આ મામલો જરા વિચિત્ર હતો. આથી તેના કારણની તપાસ ચાલી. એમાં નિદાન થયું કે તાવ માટે ઉપયોગમાં લેવાતા પેરાસીટામોલનું સિરપ પીધા પછી આ બાળકોની કિડની પર અસર થઈ હતી. દવા વિશેની સામાન્ય સમજણ ધરાવનાર પણ જાણે છે કે પેરાસીટામોલનો ઉપયોગ આપણે લોકો સાવ સામાન્યપણે કરતા હોઈએ છે. એ લેવા માટે ડૉક્ટરને પૂછવાની સુદ્ધાં જરૂર નથી જણાતી. પણ આવી, પ્રમાણમાં ‘નિર્દોષ’ ગણાતી દવાએ બાળકોની કિડની પર અસર કરી અને તેઓ મરણને શરણ થયાં. આમ તો આ મામલો ગામ્બિયા જેવા દૂરદેશાવરનો હોવાથી આપણાં પ્રસાર-પ્રચાર માધ્યમોમાં ભાગ્યે જ ચમકત, છતાં એમ થયું. કારણ? કારણ એ કે પેરાસીટામોલનું જે સીરપ બાળકોનાં મૃત્યુનું કારણ બન્યું હતું એનું ઉત્પાદન એક ભારતીય કંપની દ્વારા કરવામાં આવ્યું હતું, અને તેની નિકાસ કરવામાં આવી હતી.

દિલ્હીસ્થિત ‘મેઈડન ફાર્માસ્યુટિકલ્સ લિ.’ નામની કંપનીનું આ સીરપ જીવલેણ શી રીતે બની ગયું? ગામ્બિયાના સત્તાધીશોએ કામચલાઉ ધોરણે તમામ પ્રકારનાં પેરાસીટામોલ સીરપની આયાત અને વેચાણને બંધ કરવાનો આદેશ આપ્યો. તમામ ફાર્મસીમાંથી તેમજ ઘરોમાંથી પણ આ દવાને પાછી ખેંચવાના આદેશ અપાયા. આ દુર્ઘટનાની ગંભીરતાને કારણે ‘વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા’ (હુ) પણ કાર્યરત બની ગઈ. તેના દ્વારા ખાંસી અને શરદીનાં સીરપમાં ભેગ હોવાની શક્યતા દર્શાવવામાં આવી. એક લૅબ રિપોર્ટમાં ડાઈઈથીલીન ગ્લાયકોલ અને ઈથીલીન ગ્લાયકોલની ‘અસ્વીકૃત’ માત્રા તેમાં હોવાનું જણાયું, જે ઝેરી બની શકે છે અને કીડનીની જીવલેણ બિમારી માટે કારણભૂત બની શકે છે.

નવાઈ લાગે એવી વાત એ છે કે લગભગ એ જ અરસામાં ઈન્‍ડોનેશિયામાં પણ આવા જ કિસ્સા બનેલા જણાયા. ત્યાં પણ ભારતીય બનાવટનાં કફ સીરપ લેવાને કારણે બાળકોની કીડની પર જીવલેણ અસર થઈ. આશરે ૧૪૩ બાળકોએ જાન ગુમાવ્યા. તેને પગલે તમામ પ્રકારનાં કફ સીરપના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ સીરપમાં પણ ડાઈઈથીલીન ગ્લાયકોલ તેમજ ઈથીલીન ગ્લાયકોલની ‘અસ્વીકૃત’ માત્રા હોવાનું માલૂમ પડ્યું. અલબત્ત, તેના ઉત્પાદક વિશે જાણકારી નથી.

છેલ્લા અહેવાલ અનુસાર ગામ્બિયાએ ફેરવી તોળ્યું છે અને જણાવ્યું છે કે હજી આ બાળકોનાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

આ સમયગાળામાં ‘હુ’ દ્વારા કરાયેલી જાહેરાતના પગલે ભારત સરકારે તેમજ હરિયાણા સરકારે ઉત્પાદક ‘મેઈડન ફાર્માસ્યુટિકલ્સ’ને પ્રતિબંધિત કરી છે. સ્વાભાવિકપણે જ આ દુર્ઘટના ભારતની ‘વૈશ્વિક  ફાર્મસી’ તરીકેની છબિને ગંભીર નુકસાન પહોંચાડનારી છે, આથી ભારત દ્વારા ‘હુ’ના વિસ્તૃત અહેવાલની રાહ જોવાઈ રહી છે.

ગામ્બિયા અને ઈન્‍ડોનેશિયા બન્નેમાં લગભગ એક જ પ્રકારની દુર્ઘટના બની છે, જેનો ભોગ બાળકો જ બન્યાં છે. કોઈ ભારતીય કંપનીના ઉત્પાદનને કારણે જ આમ બન્યું છે કે કેમ એ તો સાચોખોટો અહેવાલ આવશે અને જાણવા મળશે તો મળશે. મૂળ સવાલ એ છે કે નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે કેવી બેકાળજી ઉત્પાદક કંપનીઓ દાખવે છે! ફરી પાછો એનો એ જ સવાલ સામે આવે છે કે અહેવાલમાં કોઈને પણ દોષી ઠેરવ્યા પછી જેમણે જીવ ગુમાવ્યાં એ પાછા આવવાનાં છે? અને ફરી વખત આમ નહીં બને એની કશી ખાતરી કોઈ આપી શકે એમ છે?

ધારો કે, આપણા દેશમાં જ આવી કોઈ દુર્ઘટના બની હોત તો શું થાત? કલ્પનાને બહુ દોડાવવાની જરૂર નથી. સુરતમાં ‘તક્ષશિલા’ જેવી ગોઝારી આગની દુર્ઘટના કે તાજેતરમાં મોરબીનો પુલ તૂટી પડ્યાની દુર્ઘટનામાં ભોગ બનનાર પૈકી બાળકોની સંખ્યા ઘણી મોટી છે, છતાં નથી અસલી કસૂરવાર સામે પગલાં લેવાયાં કે નથી તેનું પુનરાવર્તન ટળે એ માટે ચુસ્તી દેખાડાઈ! જે પણ પગલાં લેવામાં આવેલાં છે એ થાગડથીગડ જેવા છે. એમાં સમસ્યાના મૂળ સુધી પહોંચીને એનો ઊકેલ વિચારવાનો ઈરાદો જણાતો નથી કે અસલી કસૂરવારને સજા કરવાની દાનત પણ હોય એમ લાગતું નથી! અને આ બધું ચોરીછૂપીથી નહીં, બેશરમીથી ઉઘાડેછોગ થઈ રહ્યું છે. દલપતરામની કાવ્યપંક્તિ ‘શોધી ચડાવો શૂળીએ, જાડા નરને જોઈ’ પોતાના સમયમાં જ નહીં, કદાચ સદાકાળ પ્રસ્તુત બની રહે એવી છે, જેની પ્રતિતિ આપણને વખતોવખત થતી રહી છે.

કેવળ આપણા દેશમાં જ નહીં, સમગ્રપણે સંવેદનાનું સ્તર જાણે કે સતત ઘટતું જતું હોય એમ લાગ્યા વિના રહેતું નથી. બેજવાબદારીપણું બેશરમીપૂર્વક ઊજવવામાં આવી રહ્યું હોય એમ જણાય છે.

કોઈ ને કોઈ દુર્ઘટનામાં થતાં સામૂહિક મૃત્યુ ખરેખર તો મંથનનું, અને તેને પગલે સંભવિત ભાવિ દુર્ઘટના નિવારવાનું નિમિત્ત બનવાં જોઈએ. તેને બદલે એ રાજકીય લાભ ખાટવાનો અવસર બની રહ્યાં છે. ગામ્બિયા હોય, ઈન્‍ડોનેશિયા હોય કે ભારત હોય, માનવસર્જિત ભૂલને કારણે મોતને ભેટેલાં બાળકોનો શો વાંક! ભૂલ ભલે ગમે એની હોય, સ્વજનો તો ગયાં જ ને! રાજકીય રંગનો કૂચડો ફેરવાશે એટલે આ દુર્ઘટનાઓ વિસારે પાડી દેવામાં આવશે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૭-૧૧ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)