દીપક ધોળકિયા

૧૮૧૭માં ઓડીશામાં અંગ્રેજી શાસન વિરુદ્ધ આગ ભડકી ઊઠી અને તે છૂટક છૂટક ૧૮૩૬ સુધી સળગતી રહી.  ૧૮૦૩માં  ઈસ્ટ ઇંડિયા કંપનીએ ઓડીશામાં પ્રવેશ કર્યો. એ જ વખતથી એની સામે વિરોધ શરૂ થઈ ગયો હતો. ખુર્દાના ગજપતિ રાજાના દરબારમાં જયકૃષ્ણ મોહાપાત્રા રાજગુરુ મુખ્ય પુરોહિત હતા. એ જયી રાજગુરુ તરીક ઓળખાતા. એમણે મરાઠાઓ સાથે  મળીને કંપનીને પડકાર ફેંકવાનું નક્કી કર્યું. પણ એમની યોજના છતી થઈ ગઈ. અંગ્રેજોના દબાણ નીચે રાજાએ એમને દરબારમાંથી પાણીચું પકડાવી દીધું અને અંગ્રેજોએ એમને પકડી લીધા. એમની સામે કેસ ચાલ્યો અને ૧૮૦૬ની છઠી ડિસેમ્બરે એમને મોતને ઘાટે ઉતારી દેવાયા. એ માત્ર ફાંસી નહોતી. કંપનીના અધિકારીઓ યાતના આપવાની મઝા પણ લૂંટવા માગતા હતા એટલે એમના પગ એક ઝાડની બે દૂર દૂરની ડાળીએ બાંધ્યા અને પછી ડાળીઓને છોડી દીધી, જયી રાજગુરુનું શરીર આમ બે ભાગમાં ચિરાઈ ગયું.

ઓડીશામાં આમ ભારેલો અગ્નિ હતો.  આ પાશવી હત્યાના પડઘા દૂર દૂર સુધી પડ્યા. લોકોમાં અરેરાટીની લાગણી હતી. એ જ વખતે અંગ્રેજોએ પોતાની નવી મહેસૂલ નીતિ લાગુ કરી. પાઇકાઓ આમ તો ખેડૂતો હતા, પણ સામાન્ય ખેડૂતો નહીં,  ગજપતિ રાજવંશના રાજાઓ એમને સૈનિક તરીકે રાખતા. એમને હથિયારો પણ આપ્યાં હતાં. લડાઈ હોય ત્યારે પાઇકાઓ રાજાના સૈન્યમાં જોડાય અને તે સિવાય શાંતિના કાળમાં ખેતી કરે.  એમની જુદી જુદી શ્રેણીઓ હતી, જેમ કે, એક દળ ખાંડા-ઢાલ દળ હતું. આમ હથિયારો તો એમની પાસે હતાં જ. નવી મહેસૂલ નીતિ વિરુદ્ધ એમનો વિદ્રોહ એવો જોરદાર હતો ને બે-ત્રણ વર્ષ પહેલાં ઓડીશા સરકારે પાઇકા વિદ્રોહને પહેલા સ્વાતંત્ર્યસંગ્રામ તરીકે માન્યતા આપવાની માગણી કરી હતી.

૧૮૧૭ના માર્ચમાં પાઇકાઓ ખુર્દા શહેરમાં જગબંધુ બિદ્યાધર મોહાપાત્રાની આગેવાની હેઠળ એકત્ર થયા.  ખુર્દાના છેલ્લા રાજા મુકુંદ દેવ અને બીજા રાજાઓનો પણ સાથસહકાર મળ્યો. મુકુંદ દેવનાં રાજપાટ કંપનીએ ૧૮૦૪માં જ છીનવી લીધાં હતાં. અંગ્રેજોએ એમને પણ પકડી લીધા. એમનું જેલમાં જ ૧૮૧૭માં મૃત્યુ થયું.

જગબંધુએ ૪૦૦ કાંધ (અથવા કોંધ) આદિવાસીઓને પણ વિદ્રોહમામ જોડ્યા અને ખુર્દામાં અંગ્રેજોની સત્તાનાં પ્રતીકો – કોર્ટકચેરીઓ, પોલીસ સ્ટેશનો અને સરકારી ઑફિસોને આગ લગાડી દીધી. કટકના મૅજિસ્ટ્રેટ ઈમ્પીએ લેફ્ટેનન્ટ કર્નલ ફારિસની સરદારી નીચે એક ટુકડી મોકલી પણ વિદ્રોહીઓ સાથેની લડાઈમાં ફારિસ પોતે જ મર્યો ગયો અને કંપનીને પીછેહઠ કરવી પડી. બળવાખોરોને દબાવી દેતાં એક મહિનો લાગી ગયો. જગબંધુ પોતાના સાથીઓ સાથે જંગલમાં ભાગી ગયા અને ત્યાંથી છૂટાચાવાયા હુમલા કરતા રહ્યા. અંતે જો કે કંપનીએ કબજો કરી લીધો પણ જગબંધુ છેક ૧૮૨૫માં પકડાયા અને ૧૮૨૯માં જેલમાં જ એમનું મૃત્યુ થઈ ગયું.

પરંતુ પાઇકાઓનો રોષ  શાંત ન થયો. ૧૮૫૭માં પણ ઓડીશામાં વિદ્રોહીઓ માથું ઊંચક્યું. એમાં સંબલપુરના વિદ્રોહના નેતા વીર સુરેંદ્ર સાઈનું નામ આગળપડતું છે. એમના એક સાથી માધો સિંઘના ત્રણ પુત્રો અંગ્રેજો સામે લડતાં માર્યા ગયા અને મોટા પુત્રને જનમટીપ આપવામાં આવી. માધો સિંઘની પૌત્રીનો પતિ પણ શહીદ થયો, માધો સિંઘને પણ ૧૮૫૮માં ફાંસી આપવામાં આવી. એ વખતે એ ૭૨ વર્ષના હતા.

ઓડીશામાં આ અરસામાં કાંધ આદિવાસીઓએ બે વાર બળવા કર્યા. એમના નેતાઓ હતા, ડોરા બિસોઈ અને ચક્ર બિસોઈ.

ઓડીશાના આ બધા વીરોને શ્રદ્ધાંજલિ આપીએ.

000

દીપક ધોળકિયા:
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી