વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • મારી કલ્લુ

    દર્શના ધોળકિયા

    મારા વહેતા રહેલા જીવનપ્રવાહમાં અનેક ચહેરાઓ મારી સમક્ષ આવતા રહ્યા, મારામાં ભળતા રહ્યા ને જાણે મારા ચહેરામાં પરિવર્તિત થતા રહ્યા, એ ચહેરાઓ હતા બા, ભા (પિતા), ભાઈઓ, મિત્રો, સ્વજનોના; મારા કુશળ તબીબોના; પ્રિય વિદ્યાર્થીઓના; પડોશીઓના ને કેટલાક અજાણ્યાઓના – દૂર રહીને પોતીકા સાબિત થયેલાઓના.

    આ સૌની વચ્ચેથી પોતાનું નાનકડું મુખ મારી સામે તાકીને બેઠેલો એક મૂક ચહેરો આજેય મને સાદ કરીને મારા તાર રણઝણાવતો પ્રત્યક્ષ થઇ ઊઠે છે. એ છે મારી સાથે જ જન્મેલી – મારાથી એક વર્ષ નાનેરી ને મારી લગોલગ બે દાયકા વસીને મને પોતાનો સહવાસ અર્પીને વિલીન થયેલી મારી અત્યંત પ્રિય મારી બિલ્લી કલ્લુનો.

    કલ્લુની વાત માંડતાં મારી સમક્ષ આજેય તેનો નિર્દોષ, રમતિયાળ, નમણો ચહેરો સ્મૃતિમંજૂષામાંથી કૂદીને બહાર આવે છે. ભૂખરા દેહ પર કાળાં ટપકાં, લીલી ગોળ આંખો, પોચું પોચું ગુલાબી નાક, મુલાયમ ત્વચા, વેધક નજર, શિકારીનું ચાપાલ્ય, તીવ્ર ગતિ ને સતર્ક શ્વાસોચ્છવાસથી ધબકતું પેટ !

    આમ તો અમારા પરિવારમાં ક્લ્લુની પૂર્વજ પરંપરા ચાલી આવેલી. એની મા, માતામહી પણ અમારે ઘેર જ મોટાં થયેલાં. કલ્લુનાં આ વડીલોના અમારા પર અવિસ્મણીય ઉપકારો હતા. સ્મૃતિમાં સચવાયેલો એક બનાવ યાદ કરું તો બાએ કહેલું તેમ, મારો સૌથી મોટો ભાઈ, જે સવા વર્ષની ઉંમરે જ મૃત્યુ પામેલો – તે જયારે ચાર-પાંચ માસનો હતો ત્યારે બા એના નિયમ મુજબ વહેલી સવારે કપડાં ધોવા તળાવે ગયેલી. ઘરમાં કોઈ ન હોવાથી બાએ દરવાજે તાળું મારેલું. થોડી વાર પછી બા ઘેર આવી ત્યારે ઓરડાનું દ્રશ્ય જોઇને અવાક થઇ ગયેલી. એ સમયે અમારું ઘર લીંપણવાળું. ઘરમાં સાપ આદિ સરીસૃપોની આવન – જાવન સહજ. બાની ગેરહાજરીમાં ઓરડામાં સાપ ચડી આવ્યો ને કલ્લુની નાનીમાએ ચીલઝડપે સાપને પકડીને તેનો ખાતમો બોલાવી દીધેલો. બા આવી ત્યારે અમારી આ મોટેરી બિલ્લી સાપના મૃતદેહ પાસે ભાઈના પારણાને રક્ષતી ઘૂરકતી બેઠેલી. બાના આવ્યા પછી જ એ જગાએથી ખસીને રમવા ચાલી ગઈ. આ ઘટના બા પાસેથી સાંભળ્યા પછી કલ્લુને હું જુદી નજરે જોતી થઇ.

    મારાથી એક વર્ષ નાનેરી કલ્લુ મારી છ વર્ષની ઉંમરે પાંચની થયેલી. તેની જુદી જુદી રમતોથી એ મને ખુશ કરી દેતી – જાણે મારું જીવતું રમકડું !

    અમે બંને સાથે જ ઉછરતાં રહ્યાં. ધીમે ધીમે કલ્લુ કિશોરાવસ્થામાંથી યૌવન ભણી ડગ માંડતી રહી. મારી બાર-ચૌદની ઉંમરે એ તો પુખ્ત થઇ ગયેલી. જાતભાતના બિલાડા એનાં રૂપ – સૌંદર્ય પર મુગ્ધ થઈને એની આસપાસ મંડરાતા રહેતા. પણ એમ જલ્દી કોઇને ગાંઠે એ મારી કલ્લુ નહીં ! કાળું ડિબાંગ શરીર ને ધોળા ધોળા પગવાળા એક બિલાડા પર માંડ માંડ તેની નજર ઠરેલી.

    હું શાળાએથી પાછી ફરું ત્યારે એ બંને ગુજગોષ્ઠી કરતાં આંગણામાં ક્યાંક લપાઈને બેઠાં હોય. કાળિયો કલ્લુની ખુશામદ કરતી મુદ્રામાં ઊભો હોય ને કલ્લુ ભલે ઘૂરકતી હોય પણ એના ચહેરા પર સ્વામિની હોવાનો આનંદ લીંપાયો હોય. કાળિયો હિંમત કરીને જેવો કલ્લુને સ્પર્શવા જાય કે તે ભેગી ટટ્ટાર થઈને કલ્લુ એને એવો તો નખ ભરાવે કે કાળિયો અમારા નળિયાં પર ટપ મારીને જે ભાગે ! એ બંનેના આવા અવનવા મિજાજ જોઇને હું મારી કલ્લુનો પક્ષ લેતાં બિલાડાની પાછળ દોડું ત્યારે બા મને વારતી, ‘એને રમવા દે, એ લોકો આમ જ રમે. એની પ્રેમ કરવાની આ રીત છે, આપણને એ ન સમજાય.’ વર્ષો પછી આસપાસ-ચોપાસના જગતમાં સ્વજનો-મિત્રોનાં દામ્પત્ય ને જોયા પછી કલ્લુની પ્રેમલીલા હું સમજી શકેલી ને મનોમન એનામાં રહેલાં સ્ત્રી સશક્તિકરણના મિજાજને, પ્રેમિકાના લાલિત્યને, પ્રાણીઓને પણ અપેક્ષિત પ્રેમની હૂંફ ઓળખતી ગઈ.

    પોતાના બચ્ચાંને કલ્લુ ખૂબ ચાહતી. બાળઉછેરની તાલીમ લેતાં તો કોઈ કલ્લુ પાસે શીખે ! બચ્ચાંને રમાડે, એના સાથે છૂપછૂપામણીની રમત માંડે ને એ નિમિત્તે એને દોડાવે, શિકાર કરતાં શીખવે, પોતે બચ્ચાંઓ માટે શિકાર હાજર કરીને એને જુદા પ્રકારનો અવાજ કાઢીને નિમંત્રે. ને એ જે શિકાર માટે એ સામાન્ય રીતે ટળવળતી હોય એ શિકાર બચ્ચાં આવ્યા પછી એની સેવામાં ધરી દે ને બચ્ચાંઓને શિકાર ઉડાવતાં જોઇને એના ચહેરા પર લીંપાતી દીપ્તિમાં એનું માતૃત્વ ઝળહળી ઊઠે.

    મારા પરિવારને કલ્લુ ખૂબ ચાહે પણ મારી તો વાત જ જુદી. મારે માટે એ મરી પડે. હું શાળાએ જવા તૈયાર થાઉં ત્યારે મારે પગે ઘસડાતી રહીને મારી લગોલગ દોડ્યા કરે; હું ઓરડામાં કામ કરતી હોઉં તો બારણે બેસીને મારી રાહ જોયા કરે; બહાર જાઉં તો છેક ડેલી સુધી મને વળાવવા આવે તે મને બહાર જાતી જોઇને નિમાણી થઈને ઘરમાં પાછી ફરે.

    અમારી ઓસરીને મોટો ઉંબરો. જૂના જમાનાનું અમારું વિશાળ ઘર. વિશાળ દરવાજો, જેનો ઉંબરો ઓળગીને અંદર આવવું પડે. એ ઉંબરા પોતાના બે પગ બહાર ને બે અંદર રાખીને કલ્લુ આખો દિવસ ગોઠવાઈ ને બેઠી જ હોય. કોઈ અજાણ્યું જણ આવે તો ઊભી થઈને આખા દેહને ઊંચો કરીને જે ઘૂરકાટ કરે ! તેના બધાં રૂંવાડા ઊભાં થઇ જાય  ને એની ગોળ લીલી ચળકતી આંખો ઊભી લાંબી લીટીમાં રૂપાંતરિત થઇ જાય. પણ જેવી હું ડેલીમાં પ્રવેશું કે તરત મારો ફ્રોક દાંતમાં લઈને હરખાઈને મને વળગી પડે. જાણે વર્ષો પછી મળતી ન હોય ! જમવા બેસું તો ઊભે પગે બાજુમાં ગોઠવાય; લેસન કરવા હું નીચે જ બેસું ને નીચી નમીને લખતી હોઉં ત્યારે મારી પીઠ પર ખુરશીની જેમ પથરાઈને બેસી જાય. રાત્રે મારી ને બાની સાથે જ પથારી થાય જેમાં એ પણ અમારાં ભેગી જ શયન કરે. ક્યારેક તો એની પ્રસુતીય અમારી પથારીમાં થયાનું મને યાદ છે. (કલ્લુનો મારા પર એકાધિકાર હોવાથી જ સ્તો !) ક્લ્લુએ ગંદા કરેલાં  ગોદડાંને ધોવા કાઢતાં બા ક્યારેક મારા પર અકળાય. હું ક્ષણિક ગરીબડી થઇ જાઉં પણ કલ્લુને હડસેલવાનું મને ક્યારેય ન રૂચે. બા અને મારો આખોય પરિવાર કલ્લુને ખૂબ ચાહે. કલ્લુ પણ ઘરના કોઈ પણ સભ્યને ઘરમાં આવતું જોઇને હરખભેર દોડીને તેને સત્કારે. અમારા સૌની આસપાસ ફરતાં એને થતો આનંદ એના હળવા ઘુરકાટમાં ને એના થરકતા દેહ દ્વારા વ્યક્ત થયા કરે.

    કલ્લુની સચ્ચાઈ ને વફાદારીની પરીક્ષા અનેકવાર અનાયાસ થવાનું મને સાંભરે છે. ઘણીવાર રસોડાના ચૂલે ને પછી સગડીએ ગરમ કરેલું દૂધ ઠંડુ થવા મૂક્યું હોય. તપેલી પરનું છીબું અધૂકડું ઢાંકયું હોય. છીબાની આડશમાંથી દૂધ દેખાતું હોય. કલ્લુ રસોડાની ઓટલી પર બે પગે ઊભી રહીને લાલચુ નજરે દુધને નિહાળતી હોય પણ એ દુધમાં મોં નાખે એ બીજા ! બા કે ભાભીઓ કે હું એની ઉતાવળને ધ્યાને લઈને રકાબીમાં એને દૂધ પીરસીએ ત્યારે જ કલ્લુ એ દૂધ સ્વીકારે. ચોરીછૂપીથી કલ્લુએ દૂધ મોઢે માડ્યાંનું ક્યારેય બન્યું નથી.

    હા, અમારા સંગમાં એને ગાંઠિયા, બિસ્કીટ ને અન્ય ફરસાણનો ખાસ્સો ચસકો લાગેલો. બાજુમાં પડેલી રોટલી છોડીને પોતાના ઝીણા દાંતથી કલ્લુ જે લિજ્જતથી ગાંઠિયા ચાવતી હોય!

    આવી મારી પ્રિય કલ્લુ, છેક એના અઢારમાં વર્ષે માંદી પડી. ધીમે ધીમે તેનું હૃષ્ટપુષ્ટ શરીર ઘસાવા માંડ્યું. તેની ક્ષીણ થતી કાયા મનેય પેન્સિલની જેમ છોલતી રહી. છેલ્લા દિવસોમાં એ પાણીની આસપાસ પડી રહેતી.

    હું એને વારંવાર બોલવું ત્યારે માંડ માંડ મીંચેલી આંખો અધૂકડી ઉઘાડીને એની માંદલી નજર મારી સામે એ ઠેરવતી. તેનું ચાપલ્ય, તેની સૂંવાળપ અદ્રશ્ય થતાં ગયાં.

    એક સવારે મેં ઊઠીને જોયું તો કલ્લુ પથરાઈને આંગણાની વચ્ચોવચ્ચ સૂતી હતી- છેલ્લીવાર. એનાં મારા પર હંમેશાં મંડાયેલાં રહેતાં નયન મીંચાઈ ગયાં હતાં. જે આંગણાંને એણે બબ્બે દાયકા સુધી ખૂંદ્યું હતું ત્યાં જ એનાં ચપળ ચરણોની ગતિ વિરામ પામી હતી. હા, એ હતી શરદપૂર્ણિમાની સવાર. મારી કલ્લુએ રાસલીલાની પ્રભાતને નિર્વાણ માટે પસંદ કરીને એની સ્વામીભક્તિને સાર્થક કરી દીધી.

    કલ્લુને સ્તબ્ધ બનીને જોઈ રહેલી મને ઢંઢોળતાં બાએ કહેલું, ‘તું એની માંદગી નહોતી જોઈ શકતીને ? એથી જ એ શાંત થઇ ગઈ. હવે પછી અનુભવવાનાં અનેક મૃત્યુની તું આજે જ તાલીમ લઇ લે. જેથી પ્રિયજનની વિદાયની ટેવ પડે, અમે બંને એકબીજાનો હાથ હાથમાં લઈને કલ્લુને આંખથી પંપાળતાં રહ્યાં.

    થોડીવાર પછી શેરી વાળવા આવેલાં બહેનને ઘરમાં તેડી લાવીને બાએ કહેલું, ‘અમારી બિલાડીને ઘસડીને કે ઊંચકી ને ન લઇ જશો. તેને માનભેર ડબ્બામાં મૂકીને ઊંચકજો. મારી દર્શના તેને કોઈ પશુની જેમ લઇ જવાતી જોઈ નહીં શકે.’ કલ્લુને બાનો આ અંતિમ અર્ઘ્ય હતો.

    કલ્લુ પછી હું મારી અંદર વસેલી મારી પ્રિયમાં પ્રિય વ્યક્તિઓને જતી જોતાં બાને સ્મરું છું.

    મૃત્યુને મેં પહેલુંવહેલું જોયેલું મારા પિતાનો હાથ હાથમાં લઈને મારા ઘરમાંથી નીકળતું, ને પછી એ સીધું આવ્યું મારી કલ્લુને શાંતિ અર્પવા – શરદપૂનમની એ સવારે, મારી ઓગણીસની ઉંમરે. એ રાત્રે રાસલીલા આરંભાય ત્યારે એમાં જોડાવા માટે મારી આ અહીં ભૂલી પડેલી ગોપી ઉપડી ગઈ એના અસલી પ્રિયતમના સંગાથને માણવા.

    કલ્લુ પછી કોઈ બિલાડીએ અમારા ઘરમાં આસન જમાવ્યું નથી. ઘરમાં આવતાં આગંતુક બિલાડાં ક્ષણિક મારા પર નજર માંડે છે ત્યારે એની આંખમાં હું કલ્લુની ભક્તિ શોધવા મથું છું. ચાલીસ વર્ષો દરમ્યાનની પછીથી આવતી રહેલી શરદપૂર્ણિમાઓની ચાંદની નિહાળતી વેળા એના પર છવાઈ જતું કલ્લુના મૃત્યુનું ધુમ્મસ મારાં ચંદ્રદર્શનને આજેય ધૂમિલ બનાવી દે છે.


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    નોંધ: તસવીર સંદર્ભાત્મક – નેટ પરથી સાભાર

  • પરાળ દહનની મોસમી સમસ્યાનો કાયમી કકળાટ

    નિસબત

    ચંદુ મહેરિયા

    રાજધાની દિલ્હીમાં દિવાળી અને તે પછીનો એકાદ મહિનો ભારે પ્રદૂષિત હોય છે. દિલ્હીની શિયાળુ સવાર જ નહીં બપોર પણ ધુમ્મસછાયી જોવા મળે છે. આ સ્થિતિનું કારણ પાડોશી રાજ્યો પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા થતાં પરાળના દહનને માનવામાં આવે છે. ખરીફ ફસલ તરીકે ડાંગરના પાકની કાપણી પછી આગામી રવી પાકની રોપણી માટે ખેતર સાફ કરવા ડાંગરની પરાળ તરીકે ઓળખાતા પાકના અવશેષોને  ખેડૂતો બાળી નાંખે છે. તેને કારણે પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. જે દિલ્હીને પણ અસર કરે છે.

    સાંદર્ભિક તસવીર નેટ પરથી લીધેલ છે.

    ખેડૂતો દિવાસળીની બેચાર સળીથી પરાળ સળગાવી દે છે અને આખા દિલ્હીને પ્રદૂષિત કરી મૂકે છે, એવા આરોપ લગાવવામાં આવે છે પરંતુ ખેડૂતો કેમ આ કરે છે તેના કારણોની ખાસ ચર્ચા થતી નથી.

    ભારતની હરિયાળી ક્રાંતિએ જે કેટલાક દૂષણો સર્જ્યા છે તેમાંનું એક પરાળ દહન છે. તેને ભૂલાવીને પર્યાવરણના  બગાડનો દોષ ખેડૂતોના માથે નાંખી દેવામાં આવે છે. પંજાબ કહેતાં પંજ આબ કે પાંચ નદીઓના  આ રાજ્યમાં ભાગલા પછી પાંચને બદલે ત્રણ જ નદીઓનું મહત્તમ પાણી રહ્યું છે.મહેનતુ કિસાનો, શ્રમિકો અને પાણીની છતને લીધે હરિત ક્રાંતિ પછીના પંજાબને દેશના ધાનના કટોરાનું બિરુદ તો મળ્યું પણ  રાજ્યને કેટલુંક નુકસાન પણ થયું છે.

    હરિત ક્રાંતિ પછીના પંજાબમાં બે વસ્તુઓ ખાસ જોવા મળે છે.એક બોરવેલ અને બીજા હાર્વેસ્ટર. પંજાબના લોકો તેમના ખોરાકમાં ચોખાનો વપરાશ ખાસ કરતા નથી.પણ આ ફૂડ બાઉલ ઓફ ઈન્ડિયા આખા દેશ માટે જાતભાતની ડાંગર પકવે છે. તે માટે પાણીનો વધુ વપરાશ થાય છે. ઉદાહરણ તરીકે ૧૯૯૩-૯૪માં ડાંગરની નવી જાત ‘ગોવિંદા’ ઉગાડવા સરકારી કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને અપીલ કરી. ફલત: ખેડૂતો એક જ ખરીફ મોસમમાં બે વાર પાક લઈને ચોખાનું મબલખ ઉત્પાદન કરવા લાગ્યા.જોકે એક કિલો ‘ગોવિંદા’ ચોખા માટે ૪૫૦૦ લિટર પાણી વપરાતું હતું  તે હકીકત પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવ્યા.એટલે ઉત્પાદન અને આવક તો વધ્યાં પણ પાણી ઘટવા માંડ્યું. હતું.

    ૨૦૦૯માં પંજાબ અને હરિયાણાની રાજ્ય સરકારોએ ભૂગર્ભ જળના સંરક્ષણનો કાયદો ઘડ્યો.આ કાયદા મુજબ દસમી મે પહેલાં ડાંગરની રોપણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કિસાનોને સિંચાઈ માટે વરસાદી પાણીનો જ ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવી. આ રાજ્યોમાં ૨૦૦૯ પૂર્વે ડાંગરની રોપણી એપ્રિલ મહિનાના બીજા પખવાડિયામાં થઈ જતી  હતી. તેને બદલે હવે જૂનના મધ્ય ભાગમાં થવા લાગી. પાક ચક્ર બદલાઈ જતાં મોડી રોપણીને કારણે પાક મોડો તૈયાર થતાં છેક ઓકટોબરમાં કાપણી થવા માંડી.

    અગાઉ સપ્ટેમ્બરમાં પાક તૈયાર થઈ જતો હતો એટલે ખેડૂતોને નવી મોસમની ફસલ ઉગાડવા ખેતરો સાફ કરવા પૂરતો સમય મળી રહેતો હતો. હવે તે સમય મળતો બંધ થયો. કાપણી માટે મજૂરોની અછત અને મજૂરીના વધારે દામને કારણે ખેડૂતો હાર્વેસ્ટરથી ડાંગરની કાપણી કરાવે છે. મશીનો ખેતરમાં ઉભેલા પાકને મૂળમાંથી કાપી શકતા નથી પણ ઉપરનો ભાગ જ કાપે છે. એટલે પરાળ તરીકે ઓળખાતા ડાંગરના એક-દોઢ ફુટના અવશેષો બાકી રહી જાય છે. તેને કાપવા માટે મજૂરો મળતા નથી કે ખેડૂતોને પોસાતા નથી. વળી નવી સિઝન માટે ખેતરો સાફ કરવા પર્યાપ્ત સમય હોતો નથી.એટલે તેઓ પરાળ બાળી નાંખે છે. અગાઉની તુલનામાં હવે ભર શિયાળે પરાળ બાળવામાં આવે છે એટલે પણ પ્રદૂષણની વધુ અસર જોવા મળે છે. પરાળ દહન પાછળની આ ભૂમિકા સમજ્યા વિના પર્યાવરણના નુકસાન માટે પંજાબના કિસાનોને જવાબદાર ઠેરવવામાં આવે છે.

    પરાળ સળગાવવાની અસર જમીનની ફળદ્રુપતા પર પણ થાય છે. જમીનમાં રહેલા નાઈટ્રોજન, પોટેશિયમ, સલ્ફર અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો બળી જાય છે. સૂક્ષ્મજીવો પણ મરી જાય છે તેને કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છે. એટલે ખેડૂતોને આગામી પાકમાં વધુ રાસાયણિક ખાતર વાપરવું પડે છે. ખેડૂતોના માથે ખર્ચ વધે છે તો સરકારને માથે વધુ ખાતર સબસિડીનો બોજ પડે છે.ખાતરની આયાત વધતાં આયાત ખાધ વધે છે. આમ આ વિષચક્ર ચાલ્યા કરે છે.

    દિલ્હીનું પ્રદૂષણ અને પરાળદહન દિલ્હી અને પંજાબમાં ડબલ એન્જિન સરકાર ના હોવાને કારણે રાજકીય વિવાદનો વિષય બન્યો છે. કેન્દ્ર સરકારની સંસ્થા ‘સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ’ (સફર)ના મતે ૨૦૧૮માં દિલ્હીના પ્રદૂષણમાં પરાળદહનનું પ્રમાણ ૩ થી ૩૩ ટકા, ૨૦૧૯માં ૪૪ ટકા  હતું. સરેરાશ પ્રમાણ ૨૦ થી ૨૫ ટકા જ હોય છે. એટલે દિલ્હીના પ્રદૂષણનું એકમાત્ર કારણ પરાળ દહન નથી. પરાળ તો મોસમી સમસ્યા છે જ્યારે દિલ્હી તો લગભગ બારેમાસ પ્રદૂષિત હોય છે. દિલ્હીના પ્રદૂષણ માટે વાહનોનું પ્રદૂષણ, ઔધ્યોગિક પ્રદૂષણ, ફટાકડા,  ઈંટભઠ્ઠા અને બાંધકામનું પ્રદૂષણ પણ કારણભૂત છે.  આઈઆઈટી દિલ્હીનું એક અધ્યયન જોકે એવું તારણ દર્શાવે છે કે દિવાળીના ફટાકડાના પ્રદૂષણની અસર બાર કલાક પછી ઘટી જાય છે પરંતુ પરાળદહનના પ્રદૂષણની અસર ઘણા દિવસો સુધી રહે છે.

    દિલ્હીના પ્રદૂષણ માટે ભારે ઉહાપોહ થાય છે કેમ કે તે દેશનું પાટનગર છે પરંતુ જ્યાં પરાળ બાળવામાં આવે છે તે પંજાબ અને હરિયાણાના પ્રદૂષણની તો કોઈ વાત જ કરતું નથી.!  પરાળ સળગાવવાથી નિકળતા કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ જેવા ઝેરી વાયુની ખરાબ અસર આરોગ્ય પર થાય છે. પરંતુ તે અંગે મૌન સેવાય છે. પ્રદૂષણ ફેલાવવા માટેના આસાન શિકાર તરીકે કિસાનોને દોષ દેવાય છે પરંતુ ખુદ કિસાનો તેના ભોગ બની રહ્યા છે તેનું શું ?

    આ સમસ્યાના ઉકેલ માટે કિસાનો, કૃષિ નિષ્ણાતો, કેન્દ્ર અને રાજ્ય સરકારો, વહીવટીતંત્ર તથા નાગરિક સમાજે સાથે મળી પ્રયત્નો કરવા જોઈએ. બેરોજગારીથી પીડિત દેશમાં મજૂરોને બદલે મશીનોનો વ્યાપક ઉપયોગ ટાળવો જોઈએ. વળી મશીનો ખેડૂતોને પરવડે તેવી કિંમતના અને પાકને છેક મૂળમાંથી કાપે તેવા બનાવવા જોઈએ. જેથી પરાળનો પ્રશ્ન જ ન રહે. તે દરમિયાન પરાળનો નિકાલ પણ  મશીનોથી કરવાને બદલે મજૂરોથી કરવા અને તેમાં ‘મનરેગા’ લાગુ કરવા વિચારી શકાય. ઓછા સમયે અને ઓછા પાણીથી તૈયાર થતા પાક અંગે સંશોધનો કરવા જોઈએ. પંજાબના ખેડૂતો પર ડાંગરના વિપુલ ઉત્પાદનનું દબાણ ઘટાડવાની પણ આવશ્યકતા છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • દંભી દાન અને પરમ્‌ ત્યાગનો તફાવત

    સમજુતી : આનંદ રાવ

    क्षुधा निर्णुदति प्रज्ञां धर्मबुद्धिं व्यपोहति ।
    क्षुधापगितज्ञानो घृतिं त्यजति चैव ह ।
    बुभुक्षां जयते यस्तु स स्वर्गम्‍ जयते ध्रुवम्‍ ॥

    ભુખ માણસની બુદ્ધિને કચડી નાખે છે. ધાર્મિક વિચારોને ભુસી નાખે છે. ભુખથી જ્ઞાન લુપ્ત થઈ જતાં માણસ ધીરજ ગુમાવી બેસે છે. જે ભુખને જીતી શકે છે તે સ્વર્ગને પણ જીતી શકે.

     

    કુરુક્ષેત્રના યુધ્ધ પછી વેદ વ્યાસના કહેવાથી યુધિષ્ઠિરે અશ્વમેધ યજ્ઞ કર્યો જેથી વિજેતા “સમ્રાટ”નું પદ મળે. ચારે ભાઈઓને દેશની ચારે દિશાઓમાં મોકલ્યા. એ લોકો બધા રાજાઓને જીતીને અઢળક ધન લુંટી લાવ્યા.

    સોનાની ઈટોથી યજ્ઞકુંડ બાંધ્યો. યજ્ઞમંડપને ફરતે સોનાના યુપ(અંગ્રેજી અક્ષર Y આકારના થાંભલા) ઊભા કર્યા. યજ્ઞમાં વધેરવા માટેનાં જુદાં જુદાં ૩૬૦ પ્રાણીઓનાં ડોકાં એમાં બાંધ્યાં. એક પછી એક, શાસ્ત્રોકત રીતે, આ પ્રાણીઓને યજ્ઞમાં હોમ્યાં. છેલ્લે યજ્ઞના અશ્વને પણ વધેરીને (आलभन કરીને) યજ્ઞકુંડની આગમાં હોમ્યો.બ્રાહ્મણોને અબજો સોનામોહરોનું દાન અપાયું. સોમરસ પણ મહેમાનોને છુટથી પીવા મળ્યો. જમણવારમાં રાંધેલાં ધાન્ય અને ઘીની રેલમછેલ
    થઈ.

    યજ્ઞમાં પધારેલા રાજાઓને પણ હાથી, ઘોડા, રથ અને સાથે સ્ત્રીઓ (!?) પણ ભેટ આપવામાં આવી.

    યજ્ઞ સમેટાતાં સૌ છુટા પડતા હતા. એટલામાં ઓલવાઈ ગયેલા એ યજ્ઞકુંડ પાસે એક નોળીયો આવ્યો. એનું અર્ધું શરીર સોનાનું હતું. આ નોળીયાને મનુષ્યની જેમ બોલતો સાંભળીને બધા પંડિતોને બહુ આશ્ચર્ય થયું.

    “હે ભૂદેવો!” નોળીયો બોલ્યો. “આટલાં બધાં નિર્દોષ પ્રાણીઓની ભયાનક કતલ, ધન અને અન્નનો બેફામ બગાડ કરીને તમને અને તમારા યજમાન રાજા યુધિષ્ઠિરને કેટલું પુણ્ય મળ્યું? આ વિષે તમે કદી વિચાર કર્યો હતો? કુરુક્ષેત્રમાં રહેતા, ઉચ્છૂ-વૃત્તિથી ઉદાર જીવન જીવતા બ્રાહ્મણ કુટુંબની તપશ્ચર્યા, ત્યાગ અને એમણે કરેલા એક શેર સત્તુના દાનની સરખામણીમાં તમારો આ યજ્ઞ અને એમાં અપાયેલાં અઢળક દાનો સાવ વ્યર્થ છે.”

    નોળીયાના મોઢે મહારાજ યુધિષ્ઠિરના યજ્ઞની નીંદા સાંભળીને બ્રાહ્મણો ડઘાઈ ગયા. એમણે નોળીયાને પુછ્યું….

    “હે નકુળ! કયા બ્રાહ્મણ કુટુંબના દાન, ત્યાગ અને તપ વિષે તમે વાત કરો છો? અમને વધારે જણાવવા કૃપા કરો.”

    “સાંભળો. એક બ્રાહ્મણ એમની પત્ની, પુત્ર અને પુત્રવધુ સાથે નાનકડી કુટિરમાં રહેતા હતા. ખેડુતો ખેતરમાંથી પોતાનો બધો પાક લઈ લે ત્યારબાદ એ ખેતરોમાંથી જે કંઈ રડ્યાખડ્યા દાણા મળે તે આ બ્રાહ્મણ વીણી લાવતા. કોઈ વખત મુઠ્ઠીભર દાણા મળે કોઈવાર થોડા વધારે મળે. કોઈવાર કશું ના મળે. એ અનાજના લોટમાં પાણી ઉમેરી સત્તુ બનાવતા અને સંતોષથી ભોજન કરતા. ત્યારબાદ પોતાની તપશ્ચર્યા અને પર-સેવામાં લાગી જતાં. રોજ દાણા વીણીને જીવન નિર્વાહ કરવાની આ રીતને “ઉચ્છૂ વૃત્તિ” વાળું જીવન કહેવાય છે. કોઈવાર દાણા ન મળે તો આખુ કુટુંબ ભુખ્યુ સુઈ જતુ. આ ચારે સભ્યો સંયમી, નિર્મળ મનવાળાં, કોધ અને ઈર્ષા વિનાનાં અને પરગજુ જીવન જીવવાવાળાં હતાં.

    એક વખત એ પ્રદેશમાં ભયંકર દુકાળ પડ્યો. ઘણા દીવસોથી અનાજનો દાણો પણ મળ્યો નહોતો. ભુખ અને ગરમીથી એમનાં શરીર પીડાતાં હતાં. એક દીવસ “આજે થોડા દાણા મળી જશે” એવી આશાએ એ ખેતરોમાં નીકળી પડ્યાં. એમના નશીબે બે મુઠ્ઠી દાણા મળી ગયા. ખુશ થતાં એ ઘરે આવ્યાં. દળીને એનુ સત્તુ બનાવ્યું. ચાર ભાગ કરીને પોતપોતાની થાળીમાં લઈને જમવાની તૈયારી કરી. નિયમ પ્રમાણે અન્નદેવતાની સ્તુતિ કરી. મોઢામાં કોળીયો મુકે તે પહેલાં
    એક થાકેલો વૃધ્ધ, અતિથિ એમની કુટીરમાં પ્રવેશ્યો. એમને આદર પ્રણામ કરીને બ્રાહ્મણે આવકાર્યા.

    “મહારાજ, પધારો. આપ ભુખ્યા અને થાકેલા છો. આ સત્તુ પીરસેલી મારી થાળી સ્વીકારો અને સંતુષ્ટ થાવ.” અતિથિએ થાળીમાંથી સત્તુ ખાઈ લીધુ પણ ભુખ સહેજે સંતોષાઈ નહી. બ્રાહ્મણને એ સ્પષ્ટ દેખાયું.

    “નાથ, આ મારી થાળીનો સત્તુ અતિથિને અર્પણ કરો. જેથી એમની ભુખ સંતોષાય.” પત્ની પણ ઘણા દીવસથી ભુખી છે. અન્ન વિના સાવ સુકાઈ ગઈ છે. એટલે બ્રાહ્મણ એની થાળી લેતાં સંકોચાતા હતા. તરત પત્ની બોલી.

    “સ્વામી, તમે પણ ભુખથી પીડાઈ રહ્યા છો. આપણા બન્નેનો ધર્મ અને અર્થ સમાન છે. આપણે બન્ને એક છીએ. એટલે આ મારી થાળી લઈ આપ અતિથિને વિના સંકોચ આપો.”

    બ્રાહ્મણે પત્નીની થાળી લીધી અને સહર્ષ અતિથિને આપી. તો પણ અતિથિની ભુખ સંતોષાઈ નહી.

    “પિતાજી,” બ્રાહ્મણનો પુત્ર બોલ્યો. “મારી થાળી પણ આપ અતિથિને આપો. પુત્ર થવાનો મોટો ફાયદો એ જ છે કે પોતાના વૃધ્ધ પિતાની શારીરીક અને પિતાની લાગણીઓની કાળજી રાખી શકાય. એટલે આપ આ મારી થાળી અતીથીને આપી મને ભાગ્યશાળી બનાવો.”

    બ્રાહાણે પુત્રની થાળી પણ અતિથિ સામે ધરી દીધી. એ ખાઈ લીધા પછી પણ અતિથિની ભુખ સંતોષાઈ નહીં.

    બ્રાહ્મણની પુત્રવધુ સમજતી હતી કે આટલા થોડા થોડા સત્તુથી અતિથિની ભુખ હજુ સંતોષાઈ નથી.

    “પિતાજી,” પુત્રવધુએ પોતાના સસરાને કહ્યુ “મારી થાળીનો સત્તુ પણ આપ અતિથિદેવને અર્પણ કરી દો. મારું આ શરીર વૃધ્ધોની સેવા માટે જ બનેલુ છે. હું યુવાન છું. ભુખ સહન કરવાની મારી શક્તિ આપ સૌના કરતાં વધારે છે.”

    કુટુંબના ચારે સભ્યોનો સત્તુ ખાઈ લીધા પછી અતિથિએ આ બ્રાહ્મણ કુટુંબને ભુખ વિષેનો ઉપરનો શ્લોક કહ્યો હતો અને પોતાની સાચી ઓળખાણ આપી હતી.

    “હે બાહ્મણ કુટુંબ! તમે બધા ભુખની આગમાં બળી રહ્યાં છો. અન્નના અભાવે તમારાં શરીર કૃષ્ટ થઈ ગયાં છે. તેમ છતાં તમે બધાએ ધીરજ ગુમાવી નથી. બુદ્ધિની સમતુલા સાચવી રાખીને બહુ શુધ્ધ હદયથી મને તમારો બધો સત ભોજનમાં આપી દીધો. કોઈ ધનવાન રાજાએ કરેલા કરોડો સોના મહોરોના દાન કરતાં આ તમારું સત્તુનું દાન અમુલ્ય છે. તમારી આ દાન-રુચી અજોડ છે.

    હૈ ધર્માત્માઓ! હું ધર્મરાજ છું. તમારી ત્યાગ ભાવનાનો પ્રત્યક્ષ અનુભવ લેવા આવ્યો હતો.” આટલુ કહી ધર્મરાજ અદ્રશ્ય થઈ ગયા.


    શ્રી આનંદરાવ લિંગાયતનો સંપર્ક gunjan.gujarati@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સંવર્ગ વિદ્યાના સામર્થ્યવાન – રૈક્વ

    ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

    દિનેશ.લ. માંકડ

    પ્રાચીન ભારત પાસે જે હતું તે અત્યંત દુર્લભ હતું. વર્તમાન વિજ્ઞાન પણ સ્વીકારે છે કે અત્યારે પણ  વિશ્વના અન્ય વિજ્ઞાનીઓના નામે ચડી ગયેલી અનેક શોધ કે સંશોધનોના મૂળ તો ભારતમાં જ હતાં .ખોવાયેલો ,લૂંટાયેલો ઇતિહાસ ભલે સાક્ષી ન પુરી શકે પણ હકીકત તો છે. જ.ગુરુકુળમાં પ્રાપ્ત વિદ્યાઓમાં અનેક અલૌકિક વિદ્યાઓ પણ હતી જે આજે આપણા માટે કેવળ કલ્પનાતીત છે. ગાડીવાન રૈક્વને પ્રાપ્ત સંવર્ગવિદ્યાનું પણ તેવું જ છે. જો આપણે શાસ્ત્રો -ઉપનિષદોમાં શ્રદ્ધા રાખીને તેની વિગતો જાણીશું તો આપણી જાગૃત જિજ્ઞાસા એ તરફ લઇ જશે. માત્ર સંભવ જ નહિ, શક્ય જ છે કે એવું અનેકાનેક એમાં છુપાયેલું છે. ખોળવાનું કામ આપણું છે  કારણકે એ આપણું જ છે.  અને ચોક્કસ  એક નવી આવતીકાલ ખુલશે.

    અનેક તાત્ત્વિક સંવાદો અને તેના ખુબ મર્મલક્ષી ઉત્તરોથી ભરપૂર છાંદોગ્ય ઉપનિષદમાં અનેક શિષ્ય -ગુરુઓના એવાનો વિશિષ્ટ સંવાદો છે કે તેની કલ્પના પણ ન હોય. જ્ઞાનના સ્ત્રોત ક્યાંથી આવે ને ક્યાં જાય છે તેની ગણના વ્યક્તિ પરથી નહિ પણ જ્ઞાનપિપાસાની તૃપ્તિ ક્યાંથી થાય છે તે મહત્ત્વનું છે. છાંદોગ્ય ઉપનિષદના ચોથા અધ્યાયના પહેલા અને બીજા ખંડમાં રાજા જનશ્રુતના પ્રપૌત્ર અને ગાડીવાન રૈક્વની વાત છે.

    પ્રાચીનકાળમાં  મહાવૃશ દેશમાં જનશ્રુતકુળમાં જનશ્રુતિ નામક રાજા હતા.રાજ્ય ખુબ સુખાકારીવાળું હતું.રાજા પણ પ્રજાપ્રિય  હતા.પૂર્વજોની પરંપરા અનુસાર પ્રજા માટેની પૂર્ણ સુવિધા પણ અને બીજી તરફ દાન પુણ્ય પણ ઉચ્ચ કોટિના..जानश्रुतिर्ह पौत्रायणः श्रद्धादेयो बहुदायी बहुपाक्य आसस ह सर्वत आवसथान्मापयांचक्रे सर्वत एव  मेऽन्नमत्स्यन्तीति॥   લક્ષ્મી સાથે સરસ્વતી પણ રાજા પર પ્રસન્ન હતાં એટલે વૈભવ સાથે તેમનામાં જ્ઞાનનો પણ ભંડાર ભર્યો હતો. આખાં ક્ષેત્રમાં જ્ઞાન અને દાનના સમન્વયનો જોટો મળે તેમ નહોતો. તેથી તેઓ પ્રભાવી પણ હતા-તેજસ્વી પણ હતા..

    એક દિવસ તેઓ પોતાના મહેલની અગાસી પર ટહેલતા હતા. ઉપરથી બે હંસ પસાર થતા હતા.એક હંસે બીજા હસને  કહ્યું, ‘ જરા ઉડવામાં ધ્યાન રાખજે. નીચે રાજા જનશ્રુતિ ટહેલે છે. તેઓ તેમના તેજ અને પુણ્યથી ખુબ પ્રભાવી છે એટલે જો તેમના પરથી પસાર થઈએ તો સળગી જવાય..’ समं दिवा ज्योतिराततं तन्मा प्रसाङ्क्षी स्तत्त्वामा प्रधाक्षीरिति ॥  બીજા હંસે જિજ્ઞાસા વ્યક્ત કરી,’ શું તેમનું તેજ ગાડી ( રેંકડી ) પર બેસી રહેનારા રૈક્વ કરતાં પણ વધારે પ્રભાવી છે? ‘  तमु ह परः प्रत्युवाच कम्वर एनमेतत्सन्तꣳ सयुग्वानमिव रैक्वमात्थेति यो नु कथꣳ सयुग्वा रैक्व इति ॥ પહેલા હંસે ફોડ પડતાં કહ્યું કે જેમ કોઈ રમતમાં સામે પક્ષના પાસાં કોઈ અગમ્ય વિદ્યાર્થી પોતાના હસ્તક કરી લે તેમ રૈક્વ પોતાની કોઈ શક્તિ વડે રાજાના સત્કર્મનું ફળ મેળવી લે છે. यथा कृतायविजितायाधरेयाः संयन्त्येवमेनꣳ सर्वंतदभिसमैति यत्किंच प्रजाः साधु कुर्वन्ति यस्तद्वेदsयत्स वेद स मयैतदुक्त इति ॥

    સાંકેતિક ભાષા સમજનાર રાજાએ બે હંસોની વાત સાંભળી..એ ચોંક્યા  ‘આ વિશેષ વિદ્યા કઈ છે ? અને તેને જાણનાર મારાં જ રાજ્યમાં આ રૈક્વ કોણ છે ? ‘  રેકાવને ખોળવા સૈનિકોને ટૂંકમાં સમજાવીને દોડાવ્યા  साधु कुर्वन्ति यस्तद्वेदयत्स वेद स मयैतदुक्त इति ॥.અથાગ પ્રયત્નો પછી પણ રૈક્વનો પતો ન લાગ્યો.રાજા ખુબ અકળાયા. તેમની તો ઊંઘ હરામ થઇ ગઈ. પોતાની માન્યતા અનુસાર ;બ્રાહ્મણ પાસે જ આવી વિદ્યા પ્રાપ્ત હોઈ શકે, એમ ધારી  यत्रारे ब्राह्मणस्यान्वेषणा तदेनमर्च्छेति ॥ .ફરી સૈનિકોને ગલી ગલી-ઘેર ઘેર ઘુમવાનો આદેશ કર્યો. .ભરબજારમાં એક એક ગાડીવાનને પૂછતાં, આખરે કોઈ એક ખૂણે ( ગાડી) રેંકડી પર અઢેલીને બેઠેલા ‘રૈક્વ’  તરીકે ઓળખાતા, અસ્તવ્યસ્ત દશામાં ,છતાં મુનિ જેવા લાગતા નજરે ચડયા. सोऽधस्ताच्छकटस्य पामानं कषमाणमुपोपविवेशतꣳ हाभ्युवाद त्वं नु भगवः सयुग्वा रैक्वइत्यहꣳ ह्यरा३ इति |

    સૈનિકોએ નામ વગેરે પૂછી, ખાતરી કરીને કહ્યું,’ રાજાજી આપને યાદ કરે છે.આપ મહેલમાં પધારો.’ .અપેક્ષા રહિત અને પારદર્શક જીવનવાળા રૈક્વએ ઉત્તર આપ્યો, ‘મહારાજને મારા પ્રણામ કહેજો.’ ફરી નમ્રતાપૂર્વક ઉમેર્યું કે,’ મારે મહેલમાં આવવાનું કોઈ કારણ નથી.’ સૈનિકો પરત ફર્યા.અને રૈકવે કરેલા ઈન્કારની વાત કરી.

    રાજા વિચારમાં પડી ગયા. મનનું સમાધાન કરી, પોતે જાતે જવા તૈયાર થયા. જ્ઞાન અને વૈભવના મહારથી, એક ગાડીવાન પાસે કશુંક લેવા જાય છે.નવી વિદ્યા પ્રાપ્તિ માટેની,તીવ્રતામાં પોતે કોણ છે અને કોની પાસે શીખવા જવાનું છે એ ગૌણ છે.શિક્ષણની ભૂખની આ મોટામાં મોટી  વાત છે.વિદ્યા પ્રાપ્તિ માટે પદ,હોદ્દો કે વૈભવ નહિ પણ લક્ષ્ય કે ધ્યેય મહત્ત્વનું છે એ સંદેશ અહીં છે. ઉદારતાની મૂર્તિ, એવા રાજા પોતાની સાથે  ગાયો,સોનામહોર વગેરે લઇ ગયેલા; તે  ભેટ સ્વીકારવા વિનંતી કરી  निष्कोऽयमश्वतरीरथोऽनुम एतां भगवो देवताꣳ शाधि यां देवतामुपास्स इति.|  ખિન્ન થયેલા રૈકવે ભેટ અસ્વીકાર કરતાં રાજાને વળતો સવાલ કર્યો કે ‘ મારે શાની  જરૂર ?’ क्वेमानि षट्शतानि गवामयं निष्कोऽयमश्वतरीरथोऽनु म एतां भगवो देवताꣳ शाधि यां देवतामुपास्स इति|

    રાજા નિરાશ ન થયા ફરી મંથન કર્યું.પોતામાં એવું શું ખૂટે છે જે રૈક્વ પાસે છે.ખુબ વિચાર કરીને પુનઃ જ્ઞાન જિજ્ઞાસા અને પોતાની ખૂટતી કડી પુરાવા રૈક્વ પાસે આદરપૂર્વક ગયા અપ્રાપ્ય વિદ્યા પ્રાપ્ત કરવાની પોતાની ઝંખના ન જ છોડી.ફરી તેમને કારણ તો ન સમજાયું પણ રૈક્વની અપેક્ષા કદાચ વધારે હોઈ શકે એવું ધારી થોડું  વિશેષ દ્રવ્ય ઉમેરીને પોતાની સાથે વધારે ગાયો,સોનામહોર વગેરે લઇ ગયા. पुनरेव जानश्रुतिः पौत्रायणः सहस्रं गवां निष्कमश्वतरीरथं दुहितरं तदादायप्रतिचक्रमे ॥ .એટલું જ નહિ પણ જે ગ્રામ્યમાં રહે છે તે પણ તેમને લઇ લેવા જણાવ્યું. ग्रामोयस्मिन्नास्सेऽन्वेव मा भगवः शाधीति ॥  જ્ઞાન પ્રાપ્તિ માટે વિનંતી કરી.

    રાજાની જ્ઞાનતૃષા છીપાવવાની તીવ્રતા અને પરાકાષ્ટા જોઈને છેવટે રેકવે તેમણે પોતાની પાસેની અલભ્ય વિદ્યા વિષે ઉપદેશ આપ્યો. અને રાજા જનશ્રુતિની જ્ઞાનની અધૂરપને પૂર્ણ કરી. અલગારી રૈક્વ પાસે જે કઠિન પ્રાપ્ત એવી ‘સંવર્ગ વિદ્યા’  ( અવશોષક ) હતી તે તેમણે રાજાને પ્રદાન કરી રૈકવે સમજાવ્યું કે, ‘વાયુ સંવર્ગ છે,જયારે અગ્નિ શાંત હોય ત્યારે વાયુમાં જ સમાહિત થાય છે. સૂર્ય અને ચન્દ્ર પણ અસ્ત થાય ત્યારે વાયુમાં સમાહિત થાય છે.’ वायुर्वाव संवर्गो यदा वा अग्निरुद्वायति वायुमेवाप्येतियदा सूर्योऽस्तमेति वायुमेवाप्येति यदा चन्द्रोऽस्तमेतिवायुमेवाप्येति ॥ ‘જળ પણ સુકાય ત્યારે વાયુમાં જ સમાહિત થાય છે.’  આગળ આધ્યાત્મિક તત્ત્વનું વિવેચન કરતાં રૈક્વ સમજાવે છે કે ‘ પ્રાણ જ સંવર્ગ છે જયારે સાધક સુવે ત્યારે બધી જ ઇન્દ્રિય પ્રાણમાં સમાય છે.’ प्राणो वाव संवर्गः स यदा स्वपिति प्राणमेववागप्येति प्राणं चक्षुः प्राणꣳ श्रोत्रं प्राणं मनः प्राणो

    ह्येवैतान्सर्वान्संवृङ्क्त इति ॥ અને તારણ રૂપે तौ वा एतौ द्वौ संवर्गौ वायुरेव देवेषु प्राणः प्राणेषु॥ ‘આ રીતે માત્ર બે જ સંવર્ગ છે. દેવતાઓમાં વાયુ અને ઇન્દ્રિયોમાં પ્રાણ જ સંવર્ગ છે. અને’ ते हैते रैक्वपर्णा नाममहावृषेषु यत्रास्मा उवास स तस्मै| વિદ્યાની કદર સ્વરૂપે રાજાએ આપેલ વિસ્તાર ‘રૈક્વ પર્ણ ‘ તરીકે પ્રચલિત થઇ  ચિરસ્મરણીય બની ગયો.

    છાંદોગ્ય ઉપનિષદની નાનકડી કથા શિક્ષણની અનેક વિભાવના વ્યક્ત કરી જાય છે. મોટા દેશના રાજા હોવા છતાં જનશ્રુતિની વિદ્યાભ્યાસની ભૂખ અને જિજ્ઞાસા ઉડીને આંખે વળગે છે.કેવળ વૈભવ નહિ વિદ્યા પણ તેમનો જીવનમંત્ર રહ્યો.વિદ્યાપ્રાપ્તિ માટે રાજા એક ગાડીવાળા પાસે જાય ખરા ?  વિદ્યા પ્રાપ્તિ માટે બધું જ ગૌણ ,પ્રાપ્તિ એ જ લક્ષ્ય એ આ કથાનો સંદેશ…રૈક્વ ગાડીવાન નહિ પણ સાચા અર્થમા મુનિ કે ઋષિ જ છે.ભૌતિક આડંબર -બાહ્ય આડંબર કરતાં આધ્યાત્મિક આડંબર અનેક ઘણો ઊંચો છે.એ વાત રૈક્વનું પાત્ર સૂચવી જાય છે.


    શ્રી દિનેશ  માંકડનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-   mankaddinesh1952@gmail.com

  • અભાગીનું સ્વર્ગ

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    ઠાકુરદાસ મુખોપાધ્યાયના ઘરમાં એ દિવસે અત્યંત શોકનું વાતાવરણ છવાયેલું હતું. સાત સાત દિવસ સુધી તાવથી પીડાઈને એમની વૃદ્ધ પત્ની દેવશરણ થઈ હતી.

    આર્થિક-પારિવારિક અને સામાજિક રીતે સમૃદ્ધ એવા ઠાકુરદાસની પત્નીના અંતિમ પ્રસ્થાનની તૈયારી ચાલી રહી હતી. ઘરમાં ચાર પુત્ર, ચાર પુત્રીઓ, એમનો પરિવાર, પાડોશીઓનો સમૂહ, નોકર-ચાકરની ભીડ હતી.

    સેંથીમાં સિંદૂર, ભાલ પર ચંદનનો લેપ, પગમાં અળતો, મૂલ્યવાન વસ્ત્રોથી શોભી રહેલા મૃતદેહને જોવા કેટલાય લોકોની ભીડ જમા થઈ રહી હતી. પત્રપુષ્પ, સુગંધિત ફૂલોની માળાથી પ્રસરતી સુવાસ જાણે શોકમય વાતાવરણના બદલે કોઈ ઉત્સવની તૈયારી થઈ રહી હોય એવો આભાસ ઊભો કરતી હતી. શબ-યાત્રાની તૈયારી જોઈને એવું લાગતું હતું કે અંતિમ-યાત્રાના બદલે કોઈ ગૃહિણી પચાસ વર્ષે ફરી એક વાત પતિગૃહે પ્રસ્થાન કરી રહી છે.

    શાંત વદને બેઠેલા વયોવૃદ્ધ મુખોપાધ્યાયની આંખોમાંથી એમની ચિર-સંગિનીને અંતિમ વિદાય લેતી જોઈને સતત આંસુની ધાર વહે જતી હતી તેમ છતાં મન મક્કમ રાખીને સંતાનોને આશ્વાસન આપવાનો વ્યર્થ પ્રયાસ કરતા હતા.

    સવારનું શાંત વાતાવરણ “રામ-નામ સત્ય હૈ”ના ધ્વનિથી આંદોલિત થઈ ઊઠ્યું. પરિવારની સાથે ગામ આખાના લોકોએ એમને વિદાય આપવા અંતિમ સ્થાન તરફ પ્રયાણ આદર્યું.

    આ આખી ભીડથી થોડે દૂર કંગાલીની મા આ દ્રશ્ય જોઈ રહી હતી. પોતાના આંગણામાં ઊગેલા એક માત્ર રીંગણના છોડ પરથી ઉતારેલા રીંગણ વેચવા બજાર તરફ જવા એના પગ ન ઉપડ્યાં. તાજા તોડેલાં રીંગણ એના પાલવમાં બાંધીને એ શબ-યાત્રાની પાછળ જોડાઈ.

    આંખમાં વહેતાં આસું સાથે એ ગરુડ નદીના તટ પરના સ્મશાન ઘાટ પહોંચી. ત્યાં ઊભેલા પરિવારજનોની સાવ પાસે જવાની  હિંમત ન થઈ તો થોડે દૂરના ટીંબા પર જઈને વિસ્ફારિત આંખે  અંત્યેષ્ટિ માટે ખડકાયેલા ચંદનના લાકડાં, ઘી, ધૂપથી ઊઠતી ધૂણી એ જોઈ રહી.

    મોટી અને પહોળી ચેહ પર દેહ ગોઠવવામાં આવ્યો. અળતાથી રંગાયેલા પગ તરફ નજર જતાં જાણે આંખને ટાઢક પહોંચી એવું લાગ્યું. એને ઇચ્છા થઈ આવી કે દોડીને મૃતકના પગના અળતામાંથી એક બૂંદ લઈને એ પોતાના મસ્તક પર લગાડી દે.

    હરિનામ ધ્વનિ અને મંત્રોચ્ચાર સાથે માતાના દેહને દીકરાએ આગ મૂકી એ જોતાની સાથે કંગાલીની મા ના આંખમાંથી આંસુની ધાર વહી ચાલી. મનોમન એણે પ્રાર્થના કરી,

    “સૌભાગ્યવતી મા, તું તો સ્વર્ગે ચાલી પણ મને આશીર્વાદ તો આપતી જા કે હુ પણ કંગાલીના હાથે આમ દાહ પામું.”

    દીકરાના હસ્તે અગ્નિ સંસ્કાર કોઈ સાધારણ વાત નહોતી. પતિ, પુત્ર, પુત્રી-પુત્રવધૂ. પૌત્ર-પૌત્રીઓ, દાસ,દાસીઓ સમેત સંપૂર્ણ ગૃહસ્થીને ઉજાળીને સ્વર્ગારોહણ કરવું એ અત્યંત સૌભાગ્યની વાત હતી!

    હમણાં જ પ્રજ્વલિત થયેલી ધુમાડાની ઘેરી છાયા આછી થતી થતી આકાશને આંબવા મથી રહી હતી. એક નજરે એને તાકી રહેલી કંગાલીની મા ને આ છાયાની વચ્ચે નાના એવા રથની આકૃતિનો ભાસ થયો. આ રથની ચારેકોર અનેક ચિત્રો ઉપસી આવતા દેખાયા. રથની ટોચ અનેક ફૂલ-વેલથી સજાવેલી હતી. રથમાં બેઠેલી વ્યક્તિનો ચહેરો તો સ્પષ્ટ ન જોઈ શકી પણ એના સેંથાનું સિંદૂર, અળતાથી શોભતા પગ જોઈને કંગાલીની મા ફરી એક વાર રડી પડી.

    એને થયું આમ સૌની હાજરીમાં દીકરાના હાથે અગ્નિદાહ પામવાનું આ સૌભાગ્ય એનાય નસીબમાં હશે તો ખરુંને?

    અચાનક એકદમ ધ્યાનાવસ્થામાં સરી ગયેલી કંગાલીની મા નો પાલવ ખેંચાયો.

    “તું અહીં આવીને ઊભી છું, મારા માટે ભાત નહીં રાંધે મા?”

    પંદર વર્ષનો કંગાલી એના પાલવનો છેડો ખેંચીને એને સમાધિવસ્થામાંથી આ દુનિયામાં પાછી લાવવા મથતો હતો. “હા રે, કેમ નહીં રાંધુ, પણ પેલા રથમાં બેસીને એ બ્રાહ્મણી સ્વર્ગ તરફ જઈ રહી છે એ તો જો.” આકાશ તરફ આંગળી કરતા એ બોલી.

    “ક્યાં?“ આશ્ચર્યથી કંગાલી આકાશ તરફ જોઈ રહ્યો.

    “મા તું પાગલ થઈ ગઈ છો? ત્યાં તો માત્ર ધુમાડો છે અને હવે તો બપોર થઈ ગઈ છે. મને ભૂખ નહીં લાગતી હોય?” ભૂખના દુઃખથી ગુસ્સે થયેલા કંગાલીનો આક્રોશ મા પર ઠલવાયો અને તરત મા ની આંખમાં આંસુ જોઈને એ વ્યથિત થઈને બોલી ઊઠ્યો.

    “બ્રાહ્મણી મરી ગઈ છે મા, એમાં તું શાની રડે છે?”

    હવે કંગાલીની મા હોશમાં આવી. અન્યના સ્મશાનમાં ઊભા રહીને આમ રડવા માટે એને જરા લજ્જા આવી. તરત જાતને સંયત કરતા બોલી, “ના રે, મારે કોના માટે રડવાનું, આ તો ધુમાડાની અસરના લીધે આંખમાં પાણી આવી ગયા.”

    “હા, ધૂમાડો જ લાગ્યો હતો, તું ક્યાં રોતી હતી?” કંગાલીએ જરા મરડમાં કહ્યું. કદાચ દૂર ભડભડતી ચિતાના અગ્નિ  કરતાં જઠરાગ્નિનીની જ્વાળા એને વધુ દઝાડી રહી હતી.

    મા એ કોઈ વાદ-વિવાદમાં પડવાના બદલે કંગાલીનો હાથ પકડી લીધો અને ઘાટ પર પહોંચી. કંગાલીને સ્નાન કરાવીને પોતે પણ માથાબોળ સ્નાન કરી લીધું અને ઘરે પાછી વળી.

    સ્મશાન પર થતાં અંતિમ સંસ્કારની અંતિમ વિધિય જોવાનું પણ એના ભાગ્યમાં નહોતું.


    બંગાળી લેખક શરતચંદ્ર ચટોપાધ્યાયની વાર્તા “अभागी का स्वर्ग” આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • વોટ્સઅપ ઘર

    વ્યંગ્ય કવન

    વોટ્સઅપ ઘર

    રક્ષા શુક્લ

     

    વોટ્સઅપમા જઈ, ઝટ્ટ દઈ, લ્યો, ઘર લીધું પરબારું.

    વાનરની મૂળ જાત અને ઉપરથી પીધો દારુ.

     

    અહીં ઓટલો, અહીં ટેસડો, કહે ન કોઈ ‘ફૂટ્’,  

    છૂરી બગલમાં, જીભે રામ, વાણીવિલાસ લખલૂંટ.

    ફરે ટેરવાં ઉપર-નીચે, છૂટયો જાણે ખૂંટ,

    ટ્રાફિક, ટ્રાફિક, નો સિગ્નલ, ને પળપળ બદલો રૂટ.

     

    ખાખાખીખી, કાવાદાવા, કોઈ નથી બુઝારું.

    વોટ્સઅપમા જઈ, ઝટ્ટ દઈ, લ્યો, ઘર લીધું પરબારું.

     

    વાસી, ઉતર્યા ‘હાય’ અને ‘હેલ્લો’ને નાખ વખારે,

    વાતોના સૌ વડાં ખાય, હૈયું ભજીયાનું ભારે.

    ટગર ટગર કરીનાને જોતા ભાભો ઢોરાં ચારે,

    ચૂલે બેઠી પટલાણીને આંખ કદી ના મારે.

     

    કાચા ઘરની કઈ મેડીએ અજવાળું અવતારું ?

    વોટ્સઅપમા જઈ, ઝટ્ટ દઈ, લ્યો, ઘર લીધું પરબારું.

     

    હરુભરુંની ઐસી તૈસી, સ્ટીકર નિહાળી નાચો,

    નજરુંના કામણના ગાલે સીધોસટ્ટ તમાચો.

    ધોધમાર વરસાદ પડે પણ બંધ સાંકળે ખાંચો,

    સપનામાં કાગળની હોડી લઈને તર, તો સાચો.

     

    ‘મી ટુ’ની મંછા ડાકણથી ફફડે મંન બિચારું.

    વોટ્સઅપમા જઈ, ઝટ્ટ દઈ, લ્યો, ઘર લીધું પરબારું.


    સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

  • હૈયામાં હામ

    સરયૂ પરીખ

    સ્નેહ સરવરમાં આછો નિશ્વાસ, આર્ત દેહલીએ વિલો વિશ્વાસ.
    આજ  મનડામાં  હિમાળો  શ્વાસ, ચહે  દિલડું  હૂંફાળો ઉશ્વાસ.
    સખી! હૈયુ બળે ને હામ ઓગળે.

    કેમ માપું મારા હેતની તનાળ, મારા કોઠાની હૈયા  વરાળ!
    ભલો મોર્યો’તો આંબાનો કોર, ઝાંય લાગી તે શ્યામળી કરાળ.
    સખી! હૈયુ બળે ને હામ ઓગળે.

    મેં તો કૂવો ઉલેચી કુસુમે ભર્યો, તપ્ત તોરણ તાડપને નીરે ઝર્યો.
    બંધ મુઠ્ઠીમાં  બાંધ્યો પરપોટો,  હાથ ખોલું  ને તારો  બની સર્યો.
    સખી! હૈયુ બળે ને હામ ઓગળે.

    ગ્રહણ આવ્યું હતું ને સરી ગયું, ઘડીક આવીને કાળજ કોરી ગયું.
    કરમ કુંડળીમાં કરતું‘ગ્યું ભાત, આજ આતમમાં ઊજળું  પ્રભાત.
    સખી! હૈયું હેલે ને હામ ઝળહળે.


    કંઈક ખોવાયાની નિરાશા પછી અંતરમંથન અને સ્વાર્થી ઈચ્છાઓને તજી,
    ફરી હિંમત જાગૄત કર્યાનો હરખ.        

     તનાળ =સાંકળ ;  કરાળ=ભયજનક


    સુશ્રી સરયૂ પરીખ – saryuparikh@gmail.com

  • વાદ્યવિશેષ : (૪) – કળવાદ્યો : એકોર્ડીયન [૧]

    ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    ૧૯૫૦ થી ૧૯૭૦ સુધીના અરસાનાં હિન્દી ફિલ્મી ગીતોમાં આ વાદ્યનો ભરપૂર ઉપયોગ થયો છે. આમ તો આ ક્ષેત્રે પાશ્ચાત્ય વાદ્યોનો ઉપયોગ ૧૯૪૦ના શરૂઆતના ગાળામાં જ શરૂ થઈ ગયો હતો. પણ એકોર્ડીયનનો પ્રવેશ પ્રમાણમાં મોડો થયો.

    એકોર્ડીયનની કાર્યપધ્ધતિ હાર્મોનિયમ જેવી જ છે. એક છેડે આવેલી ધમણ જેવી રચનાથી વાદ્યના આંતરિક ભાગમાં હવા દાખલ કરવામાં આવે છે, જે અન્ય છેડેથી બહાર નીકળે તેના પરિણામે ધ્વનિ ઉત્પન્ન થાય છે. બહાર નીકળતી હવા ચાંપપટ્ટી/Keyboard માંથી પસાર થાય છે. આ રચનામાં જે તે કળ દબાવવાથી ધાર્યો સૂર વાગે તેવી વ્યવસ્થા હોય છે. નીચેની તસવીરોમાં ધમણ, મુખ્ય ઘટક અને ચાંપપટ્ટી સ્પષ્ટ જોઈ શકાય છે. આ વાદ્યને હાર્મોનિયમથી અલગ પાડનાર રચના બહુ વિશિષ્ટ છે. ડાબી બાજુની તસવીરમાં ધમણની ઉપર કાળાં અને જમણી બાજુની તસવીરમાં સફેદ બટન્સની હારમાળા જોઈ શકાય છે, જેને ‘બાસ બટન્સ’ કહેવામાં આવે છે. આ બટન્સની મદદથી ચોક્કસ સૂર અથવા વિવિધ સૂરોના સંયોજનની અસર નીપજાવી શકાય છે. તે ઉપરાંત વાદનની સાથે સાથે ચોક્કસ લય પણ બટન્સના ઉપયોગ વડે પેદા કરી શકાય છે.

    એકોર્ડીયનના મુખ્ય બે પ્રકાર છે. એક, જેમાં કળપટ્ટી બિલકુલ હાર્મોનિયમ જેવી જ હોય છે. તેને પિયાનો એકોર્ડીયન કહેવામાં આવે છે. ડાબી તસવીરમાં એ જોઈ શકાય છે. અન્ય પ્રકારમાં પરંપરાગત ચાંપોની જગ્યાએ બટન્સ હોય છે. એ પ્રકાર બટન એકોર્ડીયન તરીકે ઓળખાય છે.   આવો રચનાત્મક ફેર હોવા છતાં તે બેય પ્રકારોમાં કોઈ જ સૈધ્ધાંતિક ભેદ હોતો નથી. માત્ર વગાડવાની પધ્ધતિ અલગ પડે છે.

    સામાન્ય રીતે વ્યવસાયિક ધોરણે વગાડી શકાય તેવાં એકોર્ડીયન્સ ૮ થી લઈને ૧૩ કિલોગ્રામ્સ સુધીના વજનનાં હોય છે. વાદક કલાકારની સુવિધા માટે આ વાદ્યના બે સામેસામેનાં પડખે મજબૂત પટ્ટા લગાડેલા હોય છે. વાદક એક એક પટ્ટો પોતાના એક એક ખભા ઉપર લગાડી વાદ્યને ઉંચકી શકે છે અને પછી આસાનીથી વાદન કરી શકે છે.

    આ બન્ને પ્રકારનાં એકોર્ડીયન્સ વગાડવાની પધ્ધતિ બે કુશળ વાદકોની ક્લીપ્સ વડે સમજી શકાશે. પહેલી ક્લીપમાં વરિષ્ઠ વાદક અનિલ ગોડે પિયાનો એકોર્ડીયન ઉપર એક લોકપ્રિય ગીત વગાડી રહ્યા છે.

    આ ક્લીપમાં એક વાદક બટન એકોર્ડીયન ઉપર પાશ્ચાત્ય ધૂન વગાડી રહ્યા છે.

    વાદ્યની રચના અને વાદન પધ્ધતિ વિશે આટલી પ્રાથમિક માહીતિ મેળવ્યા પછી હવે કેટલાંક યાદગાર ફિલ્મી ગીતો સાંભળીએ.

    હિન્દી ફિલ્મી ગીતોના વાદ્યવૃંદમાં સર્વપ્રથમ એકોર્ડીયન વાદન કઈ ફિલ્મના કયા ગીતમાં થયું એ ચોક્કસપણે કહી શકાય તેમ નાથી. છતાં એક મત એવો છે કે ફિલ્મ ‘દાસ્તાન’ (૧૯૫૦)માં સંગીતકાર નૌશાદે પહેલ કરી. તે ગીત માણીએ.

    અન્ય મત મુજબ ફિલ્મ ‘સમાધિ’ના સદાબહાર ગીત ‘ગોરે ગોરે’ માટે સી. રામચન્દ્રના વાદ્યવૃંદમાં સૌ પહેલી વાર એકોર્ડીયન પ્રયોજાયું હતું. જો કે આ ફિલ્મ સહેજ મોડી પ્રદર્શિત (૧૯૫૧) થતાં યશ નૌશાદને ફાળે ગયો. મહત્વ કયા ગીતમાં એકોર્ડીયન પહેલું પ્રયોજાયું એ નથી, પણ એ યાદ રાખવા જેવું છે કે બેય ગીતોમાં એકોર્ડીયનના ખુબ જ કર્ણપ્રિય અંશો વાગ્યા છે.

    એક વાર સફળ પ્રવેશ થયો પછી ફિલ્મોનાં વાદ્યવૃંદોમાં બહુ નિયમિત ધોરણે એકોર્ડીયનનો ઉપયોગ થવા લાગ્યો.

    ૧૯૫૦માં આવેલી ફિલ્મ ‘જાદૂ’ના એક ગીતમાં એકોર્ડીયનના ટૂકડા ખુબ જ આકર્ષક છે. આ ગીતનું સંગીત નૌશાદે તૈયાર કર્યું હતું. આ ગીત દ્વારા ફિલ્મી સંગીતમાં એકોર્ડીયનનો પ્રવેશ થયો એવું પણ ઘણા માને છે.

    ૧૯૫૩માં આવેલી ફિલ્મ ‘આહ’નાં બધાં જ ગીતો એકદમ લોકપ્રિય બન્યાં હતાં. તે પૈકીનું એક એકોર્ડીયન પ્રધાન ગીત સાંભળીએ. સંગીતનિર્દેશન શંકર-જયકિશનનું છે.

    ફિલ્મ ટેક્સી ડ્રાઈવર’ (૧૯૫૪)ના આ ગીતમાં અદભુત એકોર્ડીયન વાદન છે. સંગીતકાર હતા સચીનદેવ બર્મન.

    ૧૯૫૭માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘જૉની વૉકર’ બહુ સફળ નહોતી થઈ. પણ તેમાં ઓ.પી.નૈયરનું સંગીત વખણાયેલું. એ ફિલ્મનું એકોર્ડીયનના યાદગાર અંશો ધરાવતું એક ગીત પ્રસ્તુત છે. આ ગીતમાં તાલ આપવા માટે ‘સ્ટીક્સ’ તરીકે ઓળખાતા ઉપતાલવાદ્યની હાજરી પણ સતત ધ્યાન ખેંચતી રહે છે.

    ફિલ્મ ‘હાવરા બ્રીજ’(૧૯૫૮)માં ઓ.પી.નૈયરનું સંગીત હતું. તેનાં બે ગીતો (આઈયે મહેરબાં અને મેરા નામ ચીં ચીં ચૂં) એટલાં પ્રસિધ્ધ થઈ ગયાં કે તે જ ફિલ્મનું ખુબ જ પ્રભાવશાળી એકોર્ડીયન વાદન ધરાવતું એક ગીત હાંસિયામાં ધકેલાઈ ગયું. વાદ્યસંગીતના જાણકારોના મતે આ જટિલ ટૂકડાઓ વગાડવા પડકારરૂપ છે અને કોઈ અત્યંત કુશળ કલાકાર જ તે સંપૂર્ણતાથી વગાડી શકે. આ ક્લીપમાં ગૂડી સિરવાઈ કે જેમણે મૂળ ગીતમાં વગાડ્યું છે તે અવારનવાર પરદા ઉપર પણ એકોર્ડીયન વગાડતા નજરે પડે છે.

    ૧૯૫૮ની જ ફિલ્મ ‘ફીર સુબહ હોગી’ના આ ગીતમાં એકોર્ડીયનના ખુબ જ કોમળ ટૂકડા કાને પડે છે. ફિલ્મના સંગીતકાર હતા ખય્યામ.

    કેટલાંક ગીતો સાથે એક વાદ્યનો પ્રયોગ એવી રીતે થાય છે કે તે વાદ્ય ગાયકીનું અવિભાજ્ય અંગ બની રહે. હેમંતકુમારનું સંગીતનિર્દેશન ધરાવતી ફિલ્મ ‘બીસ સાલ બાદ’ (૧૯૬૨)ના આ ગીતમાં મુખડાની ગાયકી સાથે એકોર્ડીયન જાણે કે વણાઈ ગયું હોય એ રીતે વાગતું રહે છે.

    ૧૯૬૨માં જ પ્રદર્શિત થયેલી રવિના સંગીત નિર્દેશન વાળી ફિલ્મ ‘ચાયના ટાઉન’ના આ ગીતમાં એકોર્ડીયન ઉપરાંત અન્ય વાદ્યો પણ વાગતાં રહે છે. પણ, અંતરાને સમાંતરે વાગતા ‘ઓબ્લીગેટો’ તરીકે ઓળખાતા અંશોમાં માત્ર અને માત્ર એકોર્ડીયનનો જ ઉપયોગ થયો છે. આ ગીતની ક્લીપમાં પણ ફિલ્મી વાદ્યવૃંદના પ્રતિષ્ઠિત વાદક ગૂડી સીરવાઈ અવારનવાર વાદન કરતા નજરે પડે છે.

    https://www.youtube.com/watch?v=t7tTei9K0WY

    ૧૯૬૮ની રાહુલદેવ બર્મનના સંગીતનિર્દેશન વાળી ફિલ્મ ‘પડોસન’ના બનાવેલા આ ગીતમાં એકોર્ડીયનનો એવો અસરકારક ઉપયોગ થયો છે કે તેના તરફ શ્રોતાઓનું ધ્યાન સતત ખેંચાતું રહે.

    ફિલ્મ ‘મીનુ’ (૧૯૭૭)ના ખુબ જ જાણીતા ગીતમાં પરદા પર અભિનેતાને હાર્મોનિયમ વગાડતા દર્શાવાયા છે. પણ હકીકતમાં ગીતના વાદ્યવૃંદમાં એકોર્ડીયનનો ઉપયોગ થયો છે. સંગીતકાર છે સલિલ ચૌધરી.

     


                                                                            (ક્રમશ🙂


    નોંધ :

    ૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • પુનર્જન્મ/રહસ્ય ગીતો – आयेगा आयेगा आयेगा आनेवाला

    નિરંજન મહેતા

    આપણી હિંદી ફિલ્મોમાં રહસ્યકથા અને પુનર્જન્મ પર આધારિત કેટલીયે ફિલ્મો બની છે અને તેમાં આવતા ફિલ્મીગીતો પણ તેને અનુરૂપ મુકાયા હોય છે.

    આ સંદર્ભમાં ૧૯૪૯ની ફિલ્મ ‘મહલ’ એ કદાચ આ પુનર્જન્મ/રહસ્યકથાવાળી સર્વ પ્રથમ ફિલ્મ ગણી શકાય. આ ફિલ્મનું જે રહસ્યમય ગીત છે તેને આજે પણ યાદ કરતા અને તે સાંભળતા તેની સાથે તાલ મેળવીએ છીએ.

    आयेगा आयेगा आयेगा आनेवाला

    મધુબાલા પર રચાયેલ આ ગીતના રચનાકાર છે નકશાબ જારવચી અને સંગીત આપ્યું છે ખેમચંદ પ્રકાશે. સ્વર છે  લતાજીનો.  આ ગીત બાદ લતાજીને બહુ પ્રસિદ્ધિ મળી હતી અને તેમનો સિતારો ચમક્યો હતો એમ મનાય છે.

    ૧૯૫૮ની ફિલ્મ ‘મધુમતી’ એક પુનર્જન્મને લગતી જાણીતી ફિલ્મ છે જેમાં દિલીપકુમાર પોતાના આગલા પ્રેમની વાત કરે છે અને સમજે છે કે આ જન્મમાં પણ તેને પૂર્વજન્મની પ્રેમિકાનો ભેટો જરૂર થશે.

    आजा रे परदेसी
    मै तो कब से खडी इस पार
    अखिया थक गई पंथ निहार

    વૈજયંતીમાલા આ ગીતના કલાકર છે. શૈલેન્દ્રનાં શબ્દોને સલીલ ચૌધરીએ સંગીત આપ્યું છે અને સ્વર આપ્યો છે  લતાજીએ.

    ૧૯૬૨ની ફિલ્મ ‘બીસ સાલ બાદ’ પણ બહુ પ્રખ્યાત રહસ્યકથા છે અને તેને અનુરૂપ ગીત પણ મુકાયું છે. બિશ્વજીત પર રચાયેલ આ ગીત હકીકતમાં તેને પોતાની તરફ ખેંચવા વહીદા રહેમાન પર રચાયું છે.

    कही दीप जले कही दिल
    जरा देख ले आ के परवाने

    શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત છે હેમંતકુમારનું. ગાનાર કલાકાર છે લતાજી.

    ૧૯૬૪ની ફિલ્મ ‘વો કૌન થી’નું ગીત એક રહસ્યમય ગીત છે

    जो हमने दास्तां अपनी सुनाई आप क्यों रोये

    મનોજકુમારને ઉદ્દેશીને સાધના આ ગીત ગાય છે. ગીતના સબ્દો છે રાજા મહેંદી અલી ખાનના અને સંગીત મદનમોહનનું. ગાયક કલાકાર લતાજી.

    ૧૯૬૪ની અન્ય ફિલ્મ ‘કોહરા’ એક રહસ્યમય ફિલ્મ છે જેમાં નીચેનું ગીત પાર્શ્વગીત તરીકે મુકાયું છે.

    ज़ूम ज़ूम ढलती रात
    लेके चली मुझेअपनी साथ

    વહીદા રહેમાન પર રચાયેલ આ ગીત હકીકતમાં તેને ડરાવવા માટે છે. ગીતના શબ્દો છે કૈફી આઝમીના અને સંગીત  હેમંતકુમારનું. સ્વર આપ્યો છે લતાજીએ.

    ૧૯૬૫ની ફિલ્મ ‘ગુમનામ’ રહસ્ય ફિલ્મોમાંની એક ઉત્કૃષ્ટ ફિલ્મ છે. અંગ્રેજી કથાનક પરથી બનેલી આ ફિલ્મનું આ ગીત પણ પાર્શ્વગીત છે જેનું સંગીત રહસ્યનો માહોલ ઉભો કરવામાં પણ સારો એવો ભાગ ભજવે છે.

    गुमनाम है कोई बदनाम है कोई
    किस को खबर कौन है अनजान यहाँ

    શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિસનનું. ફરી એકવાર લતાજી આ ગીતના ગાયિકા.

    https://youtu.be/Kjyr9JYd3-I
    ૧૯૬૫ની અન્ય ફિલ્મ ‘પૂનમ કી રાત ‘ પણ એક રહસ્યમય ફિલ્મ છે,

    साथी रे तुज बिन जिया उदास रे
    ये कैसी उन्बुज प्यास रे आजा आजा

    મનોજકુમારને પોતાની તરફ ખેંચતી કુમુદ છુગાની પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે શૈલેન્દ્રના અને તેને સંગીત આપ્યું છે સલીલ ચોંધરીએ. સ્વર છે લતાજીનો.

    ૧૯૬૬ની ફિલ્મ ‘મેરા સાયા’ રહસ્યમય કથાનકવાળી એક અત્યંત પ્રચલિત ફિલ્મ છે

    तू जहा जहा चलेगा
    मेरा साया साथ होगा

    સાધનાનાં વિરહમાં સુનીલ દત્ત ઉદાસ હોય છે ત્યારે આ ગીત સાધના દ્વારા રજુ કરાયું છે જેના રચયિતા છે રાજા મહેંદી અલી ખાન અને સંગીત છે મદન મોહનનું. ગાયિકા ફરી એકવાર લતાજી

    આ જ ફિલ્મનું અન્ય ગીત છે

    नैनो में बदरा छाये बिजली सी चमके हाये
    ऐसे में बालम मोहे गरवा लगा ले

    વિગતો ઉપર મુજબની

    ૧૯૬૭ની ફિલ્મ ‘મિલન’ પુનર્જન્મને લગતી ફિલ્મ છે જેનું આ ગીત બે વાર આવે છે

    हम तुम युग युग से
    गीत मिलन के गाते चले

    સુનીલ દત્ત અને નૂતન પર રચાયેલ આ ગીતનાં શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે મુકેશનો.

    ૧૯૬૭ની અન્ય ફિલ્મ ‘રાઝ’નું આ ગીત પણ ફિલ્મના નામ મુજબ રહસ્યમય અર્થમાં આવે છે.

    अकेले है चले आओ जहाँ हो

    કલાકાર છે રાજેશ ખન્ના. શમીમ જયપુરીના શબ્દોને કલ્યાણજી આણંદજીએ સંગીત આપ્યું છે અને ગાયક કલાકાર છે  રફીસાહેબ

    https://youtu.be/IkrLvHqMv4A
    ૧૯૬૭ની વધુ એક રહસ્યમય ફિલ્મ છે ‘અનીતા’.

    तुम बिन जीवन कैसे बिता
    पूछो मेरे दिल से.

    ફરી એકવાર સાધના મનોજકુમારની જોડી આ ગીતમાં દેખાય છે. કલ્યાણજી આણંદજીએ રાજા મહેંદી અલી ખાનનાં શબ્દોને સંગીત આપ્યું છે અને તેના ગાયક છે મુકેશ.

    https://youtu.be/ScpgGscC1Ec

    આ જ વિષયના વધુ ગીતો આવતા મહીને.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • પેરન્ટ : પૂરક કે પોષક

    ચેલેન્‍જ.edu

    રણછોડ શાહ

    શાળા સમાજની લઘુ આવૃત્તિ છે. દરેક કટુંબ એક અવૈધિક શાળા છે. પ્રત્યેક શાળા વિદ્યાર્થીનું બીજું ઘર છે. શાળા અને ઘર એક સિક્કાની બે બાજુઓ જેવાં છે. શાળાએ કુટુંબમાં રહેલ વાલીને પૂરક બનવાનું છે, તો વાલીએ બાળકના વિકાસમાં સહાયરૂપ ભૂમિકા ભજવવાની છે. આ સંજોગોમાં શાળા અને વાલીએ એકબીજા સાથે તાલમેલ રાખવો જરૂરી જ નહીં, અત્યંત આવશ્યક છે. જ્યારે બંનેએ કદમથી કદમ મિલાવીને ચાલવાનું હોય ત્યારે એકબીજાના ગમા-અણગમા ભૂલી જઈને ‘ગમતાનો ગુલાલ’ કરવાનો છે. શાળાનો વિકાસ વાલીની મદદથી જ થઈ શકે. શાળા સારી હશે તો તે સંતાનને જ ઉપયોગી બનવાની છે. તેવી સીધી સમજ વાલીમાં હોય તે આવકારદાયક છે.

    ઘેર પાલ્યના વાલી એક શિક્ષક છે. શાળામાં વિદ્યાર્થીના શિક્ષક તેના વાલી પણ છે. આ રીતે જોઈએ તો વાલી અને શિક્ષક વચ્ચે મધુર સંબંધ હોય તો જ બાળકની પ્રગતિ શક્ય બને. શાળાના સંચાલકોએ વાલીઓને માત્ર નામ-ઠામથી જ ઓળખવાના નથી, પરંતુ શાળામાં સદાય તેમનું સ્વાગત છે તેવો અહેસાસ કરાવવાનો છે. પ્રત્યેક વાલી શાળાની પસંદગી કરે ત્યારે તો તે શાળા તરફ સંપૂર્ણપણે હકારાત્મક જ હોય છે. શાળા વિશે સમાજમાંથી માહિતી પ્રાપ્ત કરીને જ બાળકનો પ્રવેશ લે છે. વાલી શાળા પાસે ખૂબ મોટી આશા અને અપેક્ષા સાથે આવે છે. તેને શાળાની ફિલોસોફી સાથે સહમતી હોય ત્યારે જ તે શાળા પસંદ કરે છે.

    શાળામાં આવતાં બાળકોના વાલીઓમાં ખૂબ મોટા પ્રમાણમાં વિવિધતા હોય છે. વાલીઓ જુદીજુદી લાયકાતો ધરાવતા હોય છે. કેટલાકે ઉચ્ચ અભ્યાસ કરેલો હોય છે. તો અશિક્ષિત કે અર્ધશિક્ષિત વાલી પણ હોઈ શકે. વેપારી વાલી શાળામાં બાળકના પ્રવેશ માટે આવે, તો કયારેક નોકરિયાત પણ બાળકને શાળામાં દાખલ કરવા આવતા હોય છે. વાલીઓની આર્થિક સ્થિતિ પણ બહુ મોટો તફાવત હોય છે. શાળામાં આવતા વાલીઓ અલગ–અલગ જ્ઞાતિ, જાતિ કે ધર્મના હોય તે સ્વાભાવિક છે. આ તમામ તફાવતોની વચ્ચે શાળાએ વાલીઓને એકસૂત્રતાથી બાંધી સૌને સાથે રાખવાના હોય છે. બધા વાલીઓ સાથે એક સરખો સંબંધ અને વર્તણૂક રાખવાની સંપૂર્ણ જવાબદારી શાળાની છે. શાળાએ પ્રત્યેક વાલીને સમદૃષ્ટિએ જોવાના છે. અહીંયાં ભેદભાવથી મુક્ત સંબંધ બંધાય તે પાયાની શરત છે.

    બાલમંદિરમાં પ્રવેશ માટે આવે ત્યારથી લગભગ ૧૨ થી ૧૪ વર્ષ સુધી વાલીનો શાળા સાથે સંબંધ જોડાય છે. જીવનનાં સક્રિય વર્ષોની લંબાઈની દૃષ્ટિએ જોઈએ તો આ સમય જિંદગીના લગભગ ૧૫ થી ૨૦ ટકા જેટલા સમયગાળા માટે હોય છે. તે સંજોગોમાં બંને પક્ષે સમભાવ અને સહકાર હોય તે આવશ્યક છે. લાંબા અનુભવે સમજાયં છે કે પ્રત્યેક વાલી શાળાને મદદરૂપ થવા હંમેશા તત્પર જ હોય છે. ઍમિટી શાળામાં પચીસ વર્ષ પહેલાં ઉચ્ચતર માઘ્યમિક વિભાગ શરૂ થયો ત્યારે સાધનો ખૂબ ટાંચા હતા. આ વિભાગની શરૂઆત કરી ત્યારે શાળા સ્થાપનાને પણ માંડ પાંચ વર્ષ થયા હતા. વિજ્ઞાનપ્રવાહની શરૂઆત એટલે સૌ પ્રથમ પ્રયોગશાળા બનાવવાની જવાબદારી શાળાના પક્ષે આવે છે. જુલાઈ માસમાં પરવાનગી મળી હતી, તેથી સમય પણ ઓછો હતો. ઉચ્ચતર માઘ્યમિક વિભાગનું પ્રથમ વર્ષ હોવાથી માંડ ચોત્રીસ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. વાલીઓ વિજ્ઞાન પ્રવાહમાં ખૂબ કાળજીપૂર્વક પ્રવેશ લેતા હોય છે. કારણ કે અહીંયાંથી જ કારકિર્દીની પસંદગી કરવાની શરૂઆત થતી હોય છે.

    વાલીઓની સભા બોલાવી શાળા કઈ રીતે કાર્ય કરશે તેની સમજ આપવામાં આવી તથા તાત્કાલિક પ્રયોગશાળાની કામગીરી પૂર્ણ કરવાની રજૂઆત પણ કરી. પ્રયોગશાળા માટેનાં સાધનો તો ખરીદી કરીને લાવી શકાય પરંતુ ફર્નિચરનું શું? તે બાબતે મદદ કરવા વિનંતી કરી. એક વાલી તુરંત જ ઊભા થયા અને જણાવ્યું કે તેઓ તે જવાબદારી પોતાના શિરે લે છે. સભા બાદ વ્યકિતગત રીતે મળ્યા તો ખબર પડી કે તેઓ ફેબ્રિકેશનનું કાર્ય કરે છે. પ્રયોગશાળાના ટેબલની ડિઝાઈન તેમને બતાવવામાં આવી. લાકડાના પાટીયાંની સાઈઝ અને લોખંડના એંગલની ડિઝાઈન તેઓએ નક્કી કરી નાખી. માત્ર સાત દિવસમાં બધો સામાન આવી ગયો. વાલીશ્રી તેમના કારીગરોને લઈને શાળામાં આવી ગયા. તેઓએ રાતદિવસ જોયા વિના પ્રયોગશાળાના ટેબલો તૈયાર કરી નાંખ્યા. રસાયણશાસ્ત્રની પ્રયોગશાળામાં બેન્ચ અને ટેબલ રિએજન્ટ માટેના લોખંડના ઘોડા બનાવી ટેબલ ઉપર ફિટ કરી દીધા. વાલીશ્રીએ જાતે જમીન ઉપર બેસી લાકડાના ટેબલ ઉપર લોખંડના ઘોડા ફિટ કરી સૌને ગદગદિત કરી દીધા. જિંદગીપર્યત તેઓ શાળાનું અવિભાજ્ય અંગ બની ગયા. આજે પણ એ પ્રસંગ યાદ આવે તો રોમાંચ થાય છે.

    શાળા સંચાલકોની જવાબદારી માત્ર શિક્ષણ જ આપવાની નથી. વાલીઓ સાથે માનવીય વ્યવહાર કરવાનો અને સૌહાર્દપૂર્ણ સંબંધો પણ કેળવવાના હોય છે. શાળાના તમામ વિદ્યાર્થીઓને સમદૃષ્ટિએ નિહાળવાના હોય છે. કોઈની પણ સાથે ભેદભાવયુકત વ્યવહાર ન થાય તેની કાળજી રાખવાની હોય છે. શિક્ષકોના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોને કારણે શાળાની પ્રતિષ્ઠા વધવા લાગી. ઉચ્ચ ગુણવાળા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ લેવા લાગતાં વાલીઓનું સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્તર બદલાયું. એક દિવસ એક વાલી સભા ચાલી રહી હતી. સૌ સૂચનો કરતાં હતાં. તેમાં એક વાલી બાજુ ઉપર શાંતિથી બેસી રહ્યા હતા. ખાસ શિક્ષણ મેળવ્યું હોય તેવં લાગતું નહોતું, પરંતુ તેમનો ચહેરો તેમની નિખાલસતાને પ્રદર્શિત કરતો હતો. તેમની સાથે વાર્તાલાપ કરવાનું સભા ચાલતી હતી ત્યારે મનોમન નક્કી કરી લીધું હતું. સભા પૂર્ણ થયા બાદ તેમની પાસે જઈ ખબરઅંતર પૂછયા. તેમના સંતાનના અભ્યાસ બાબતે ચર્ચા કરી. તેઓએ જણાવ્યું કે તેઓ તો બહુ ભણ્યા નથી પરંતુ તેમની દીકરી સારું ભણે માટે આ શાળા પસંદ કરી છે. વિદ્યાર્થીની પણ બહુ તેજસ્વી નહોતી. અલબત્ત, મહેનતુ, નિયમિત અને સ્નેહાળ જરૂર હતી. અમે શકય તે તમામ મદદ કરવાનું વચન આપ્યું. તેમની આંખમાં આનંદના અશ્રુ ઉભરાઈ આવ્યાં. તેઓએ ધીરજથી સંકોચાતાં સંકોચાતાં પૂછ્યું કે શાળાને તેઓ કઈ રીતે મદદ કરી શકે? આર્થિક રીતે તો શકય નથી તેમ તેમણે જણાવ્યું. તેઓએ અત્યંત નમ્રતાપૂર્વક પણ સંપૂર્ણ લાગણીસહ જણાવ્યું કે પોતે ધોબીનો વ્યવસાય કરે છે. શાળાના સ્ટાફરૂમમાં જે ટેબલ ક્લોથ વાપરવામાં આવે છે તે તથા રસાયણ શાસ્ત્રની પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓ જે એપ્રન પહેરે છે તેને સમયાંતરે ધોઈ આપશે. અલબત્ત, તેઓ તેને માટે કોઈપણ પ્રકારનું મહેનતાણું સ્વીકારશે નહીં તેવી સ્પષ્ટતા બે હાથ જોડીને કરી ! સૌની પાંપણો ભીની થઈ ગઈ. જે શાળાને વાલીનો ઉત્તમ સહકાર પ્રાપ્ત થાય તે જ શાળા પ્રગતિ કરી શકે અને સમાજમાં સ્વીકૃત બની શકે.

    ખુદને જરા જોવાય ને, ત્યારે જીવાય છે!
    સંવાદ ખુદથી થાય ને, ત્યારે જીવાય છે!
    પીડ પરાઈ સાવ પોતીકી જણાય ને;
    ભીતર જરા ભીંજાય ને, ત્યારે જીવાય છે!</br/>
    ‘છાંયો મળે છે’ એમ ક્યાં વૃક્ષો લખે કદી?
    એમ જ કશું વ્હેંચાય ને, ત્યારે જીવાય છે.

    દક્ષા બી. સંઘવી

    વાલી અને શાળા વચ્ચે ઉત્તમ સંબંધો ત્યારે જ બને કે જ્યારે બંને એકબીજા સાથે નિખાલસ બને. છેલ્લા થોડાક વર્ષોમાં શિસ્તના પ્રશ્નો વઘ્યાં છે. બાળકો વહેલા મોટાં થઈ રહ્યાં છે. ડિજિટલ ઉપકરણોની સુવિધાને કારણે જાતીયતાની સમસ્યાઓ રોજિંદો ક્રમ બની રહી છે. બહુ જ ઓછા વાલીઓ સંતાનની મર્યાદા સમજવા અને સ્વીકારવા તૈયાર હોય છે. આ સંજોગોમાં પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ન હોય તો શાળામાં રોજ મહાભારત સર્જાય. આ સસયે વાલી અને શિક્ષકનો એકબીજા ઉપરનો ભરોસો ખૂબ ઉપયોગી બને છે. સમસ્યાજનક પ્રશ્નો ઉદ્‍ભવે ત્યાર પહેલાં જ એકબીજાને અવૈધિક રીતે મળવાનું થતું હોય તો ‘આઈસ બ્રેકીંગ’  ખૂબ સરળ બની જાય છે. એક સનાતન વાકય છે : ‘જ્યારે જેની જરૂર નથી ત્યારે તેને મળીએ તો જરૂર પડ્યે મળવામાં સંકોચનો અનુભવ થશે નહીં.”

    મોટાભાગની શાળાઓ વાલીસભા ટાળવાનો પ્રયત્ન કરે છે. કારણ કે સભામાં કોઈ વાલી ગમે તેમ બોલે તો વાતાવરણ બગડી જતાં બિનજરૂરી ઘર્ષણ પેદા થઈ જાય છે. કેટલેક અંશે આ વાત સાચી પણ છે. પરંતુ કાલ્પનિક ભયને કારણે વાસ્તવિકતાથી કેવી રીતે ભાગી છૂટાય. જો વાલીઓને વિશ્વાસમાં લેવામાં આવે તો એક વાલી ગુસ્સે થઈ અયોગ્ય વાત કરતા હોય તો અન્ય વાલી તેમને સમજાવે છે. વાલીઓને બોલાવી તેમના દ્વારા વાલીસભાનું સંચાલન થાય તેવું પણ ગોઠવી શકાય. આ સમય દરમિયાન શાળાની કોઈ મર્યાદા જાહેર થાય તો શાળાએ તેનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કરવો જોઈએ. ભવિષ્યમાં તે બાબતે કેવા પગલાં લેવામાં આવશે તેની જાહેરાત કરવી જોઈએ.

    એક વખત વાલીસભામાં માત્ર પ્રશ્નો કહેવા જ વાલીઓને બોલાવ્યા હતા. તેઓએ તેમની તથા પાલ્યોની મશ્કેલી સભામાં રજૂ કરી. શાળાએ તે નોંધ લીધી. છ માસ બાદ તેમને રજૂ કરેલ સમસ્યાઓના ઉકેલની માહિતી પરિપત્ર દ્વારા આપવામાં આવી. જે સમસ્યોઓના ઉકેલ આવ્યા હતા તેની જાણ કરી. કેટલાક પ્રશ્નો શાળા સંચાલક મંડળની મર્યાદા બહારના હોવાથી તેનો તાત્કાલિક ઉકેલ આવી શકે તેમ નથી તેની પણ લેખિત જાણ કરી.

    પપ્પા પોતાના વ્યવસાયમાં અત્યંત વ્યસ્ત હોવાથી તેઓ ઈચ્છે તો પણ વાલીસભામાં આવી શકતા નથી. માતાઓમાં શિક્ષણનં પ્રમાણ વધ્યું છે એટલે વાલીસભામાં બહુ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત હોય છે. આ બહેનો સાથે ઘરોબો કેળવવા શાળામાં ‘માતાઓની કલબ’ (Mother’s club) ની સ્થાપના કરી છે. આ મમ્મીઓ માટે વ્યકિતત્વ વિકાસના વર્ગો, અંગ્રેજી બોલચાલના વર્ગો, રમત-ગમત સ્પર્ધા કે રસોઈ કળાના વર્ગો વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરી તેમને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કરવા જેવો છે.

    એક વખત શાળામાં સરકારી સેમિનાર હતો. તેમાં નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવાનો હતો. માર્ચ માસ હોવાથી વિદ્યાર્થીઓની મદદ લઈ શકાય તેમ નહોતી. શાળાના શિક્ષક ભાઈ-બહેનોએ વાલીઓની મદદથી કાર્યક્રમ રજૂ કરતાં એકબીજાની નજીક આવવાનું સરળ બની ગયું.

    શાળા સંનિષ્ઠ પ્રયત્નો કરે તો વાલીઓ ચોક્કસ જ મદદરૂપ બને છે. શાળાનું આ અવિભાજ્ય અંગ શાળાની મોટી મૂડી છે. વાલીઓ પણ સમાજસેવાના કામમાં મદદરૂપ થવા તૈયાર જ હોય છે. પ્રત્યેક વ્યકિતમાં કંઈક ને કંઈક સારાપણું હોય જ છે. તેને બહાર લાવવા શાળાએ પ્રયત્નશીલ રહેવાનું હોય છે. શાળા-કુટુંબના સહિયારા પ્રયત્નથી જ વિદ્યાર્થીઓના વિકાસના ઉચ્ચતમ શિખરો સર કરી શકાય.

    આચમન:

    સાર્થક બને છે જીવવું પણ મોતી છીપનું,
    એક બુંદમાં સૌ સત્ત્વ સાગરનું ભરી જવું,
    બીજી વળી જીવનમાં આકાંક્ષા ય હોય શું,
    ઊગી, ખીલી, મહેંકી અને છેવટે ખરી જવું!

    ગૌતમ વકાણી


    (શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )

    (તસવીર નેટ પરથી)