વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
ઠાકુરદાસ મુખોપાધ્યાયના ઘરમાં એ દિવસે અત્યંત શોકનું વાતાવરણ છવાયેલું હતું. સાત સાત દિવસ સુધી તાવથી પીડાઈને એમની વૃદ્ધ પત્ની દેવશરણ થઈ હતી.
આર્થિક-પારિવારિક અને સામાજિક રીતે સમૃદ્ધ એવા ઠાકુરદાસની પત્નીના અંતિમ પ્રસ્થાનની તૈયારી ચાલી રહી હતી. ઘરમાં ચાર પુત્ર, ચાર પુત્રીઓ, એમનો પરિવાર, પાડોશીઓનો સમૂહ, નોકર-ચાકરની ભીડ હતી.
સેંથીમાં સિંદૂર, ભાલ પર ચંદનનો લેપ, પગમાં અળતો, મૂલ્યવાન વસ્ત્રોથી શોભી રહેલા મૃતદેહને જોવા કેટલાય લોકોની ભીડ જમા થઈ રહી હતી. પત્રપુષ્પ, સુગંધિત ફૂલોની માળાથી પ્રસરતી સુવાસ જાણે શોકમય વાતાવરણના બદલે કોઈ ઉત્સવની તૈયારી થઈ રહી હોય એવો આભાસ ઊભો કરતી હતી. શબ-યાત્રાની તૈયારી જોઈને એવું લાગતું હતું કે અંતિમ-યાત્રાના બદલે કોઈ ગૃહિણી પચાસ વર્ષે ફરી એક વાત પતિગૃહે પ્રસ્થાન કરી રહી છે.
શાંત વદને બેઠેલા વયોવૃદ્ધ મુખોપાધ્યાયની આંખોમાંથી એમની ચિર-સંગિનીને અંતિમ વિદાય લેતી જોઈને સતત આંસુની ધાર વહે જતી હતી તેમ છતાં મન મક્કમ રાખીને સંતાનોને આશ્વાસન આપવાનો વ્યર્થ પ્રયાસ કરતા હતા.
સવારનું શાંત વાતાવરણ “રામ-નામ સત્ય હૈ”ના ધ્વનિથી આંદોલિત થઈ ઊઠ્યું. પરિવારની સાથે ગામ આખાના લોકોએ એમને વિદાય આપવા અંતિમ સ્થાન તરફ પ્રયાણ આદર્યું.
આ આખી ભીડથી થોડે દૂર કંગાલીની મા આ દ્રશ્ય જોઈ રહી હતી. પોતાના આંગણામાં ઊગેલા એક માત્ર રીંગણના છોડ પરથી ઉતારેલા રીંગણ વેચવા બજાર તરફ જવા એના પગ ન ઉપડ્યાં. તાજા તોડેલાં રીંગણ એના પાલવમાં બાંધીને એ શબ-યાત્રાની પાછળ જોડાઈ.
આંખમાં વહેતાં આસું સાથે એ ગરુડ નદીના તટ પરના સ્મશાન ઘાટ પહોંચી. ત્યાં ઊભેલા પરિવારજનોની સાવ પાસે જવાની હિંમત ન થઈ તો થોડે દૂરના ટીંબા પર જઈને વિસ્ફારિત આંખે અંત્યેષ્ટિ માટે ખડકાયેલા ચંદનના લાકડાં, ઘી, ધૂપથી ઊઠતી ધૂણી એ જોઈ રહી.
મોટી અને પહોળી ચેહ પર દેહ ગોઠવવામાં આવ્યો. અળતાથી રંગાયેલા પગ તરફ નજર જતાં જાણે આંખને ટાઢક પહોંચી એવું લાગ્યું. એને ઇચ્છા થઈ આવી કે દોડીને મૃતકના પગના અળતામાંથી એક બૂંદ લઈને એ પોતાના મસ્તક પર લગાડી દે.
હરિનામ ધ્વનિ અને મંત્રોચ્ચાર સાથે માતાના દેહને દીકરાએ આગ મૂકી એ જોતાની સાથે કંગાલીની મા ના આંખમાંથી આંસુની ધાર વહી ચાલી. મનોમન એણે પ્રાર્થના કરી,
“સૌભાગ્યવતી મા, તું તો સ્વર્ગે ચાલી પણ મને આશીર્વાદ તો આપતી જા કે હુ પણ કંગાલીના હાથે આમ દાહ પામું.”
દીકરાના હસ્તે અગ્નિ સંસ્કાર કોઈ સાધારણ વાત નહોતી. પતિ, પુત્ર, પુત્રી-પુત્રવધૂ. પૌત્ર-પૌત્રીઓ, દાસ,દાસીઓ સમેત સંપૂર્ણ ગૃહસ્થીને ઉજાળીને સ્વર્ગારોહણ કરવું એ અત્યંત સૌભાગ્યની વાત હતી!
હમણાં જ પ્રજ્વલિત થયેલી ધુમાડાની ઘેરી છાયા આછી થતી થતી આકાશને આંબવા મથી રહી હતી. એક નજરે એને તાકી રહેલી કંગાલીની મા ને આ છાયાની વચ્ચે નાના એવા રથની આકૃતિનો ભાસ થયો. આ રથની ચારેકોર અનેક ચિત્રો ઉપસી આવતા દેખાયા. રથની ટોચ અનેક ફૂલ-વેલથી સજાવેલી હતી. રથમાં બેઠેલી વ્યક્તિનો ચહેરો તો સ્પષ્ટ ન જોઈ શકી પણ એના સેંથાનું સિંદૂર, અળતાથી શોભતા પગ જોઈને કંગાલીની મા ફરી એક વાર રડી પડી.
એને થયું આમ સૌની હાજરીમાં દીકરાના હાથે અગ્નિદાહ પામવાનું આ સૌભાગ્ય એનાય નસીબમાં હશે તો ખરુંને?
અચાનક એકદમ ધ્યાનાવસ્થામાં સરી ગયેલી કંગાલીની મા નો પાલવ ખેંચાયો.
“તું અહીં આવીને ઊભી છું, મારા માટે ભાત નહીં રાંધે મા?”
પંદર વર્ષનો કંગાલી એના પાલવનો છેડો ખેંચીને એને સમાધિવસ્થામાંથી આ દુનિયામાં પાછી લાવવા મથતો હતો. “હા રે, કેમ નહીં રાંધુ, પણ પેલા રથમાં બેસીને એ બ્રાહ્મણી સ્વર્ગ તરફ જઈ રહી છે એ તો જો.” આકાશ તરફ આંગળી કરતા એ બોલી.
“ક્યાં?“ આશ્ચર્યથી કંગાલી આકાશ તરફ જોઈ રહ્યો.
“મા તું પાગલ થઈ ગઈ છો? ત્યાં તો માત્ર ધુમાડો છે અને હવે તો બપોર થઈ ગઈ છે. મને ભૂખ નહીં લાગતી હોય?” ભૂખના દુઃખથી ગુસ્સે થયેલા કંગાલીનો આક્રોશ મા પર ઠલવાયો અને તરત મા ની આંખમાં આંસુ જોઈને એ વ્યથિત થઈને બોલી ઊઠ્યો.
“બ્રાહ્મણી મરી ગઈ છે મા, એમાં તું શાની રડે છે?”
હવે કંગાલીની મા હોશમાં આવી. અન્યના સ્મશાનમાં ઊભા રહીને આમ રડવા માટે એને જરા લજ્જા આવી. તરત જાતને સંયત કરતા બોલી, “ના રે, મારે કોના માટે રડવાનું, આ તો ધુમાડાની અસરના લીધે આંખમાં પાણી આવી ગયા.”
“હા, ધૂમાડો જ લાગ્યો હતો, તું ક્યાં રોતી હતી?” કંગાલીએ જરા મરડમાં કહ્યું. કદાચ દૂર ભડભડતી ચિતાના અગ્નિ કરતાં જઠરાગ્નિનીની જ્વાળા એને વધુ દઝાડી રહી હતી.
મા એ કોઈ વાદ-વિવાદમાં પડવાના બદલે કંગાલીનો હાથ પકડી લીધો અને ઘાટ પર પહોંચી. કંગાલીને સ્નાન કરાવીને પોતે પણ માથાબોળ સ્નાન કરી લીધું અને ઘરે પાછી વળી.
સ્મશાન પર થતાં અંતિમ સંસ્કારની અંતિમ વિધિય જોવાનું પણ એના ભાગ્યમાં નહોતું.
બંગાળી લેખક શરતચંદ્ર ચટોપાધ્યાયની વાર્તા “अभागी का स्वर्ग” આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
શ્રી શરદબાબુએ જો આ વાર્તા ગુજરાતી માં લખી હોત તો આપની જેમજ લખી હોત . વાંચવાની મજા પડી.
LikeLike