વ્યંગ્ય કવન

વોટ્સઅપ ઘર

રક્ષા શુક્લ

 

વોટ્સઅપમા જઈ, ઝટ્ટ દઈ, લ્યો, ઘર લીધું પરબારું.

વાનરની મૂળ જાત અને ઉપરથી પીધો દારુ.

 

અહીં ઓટલો, અહીં ટેસડો, કહે ન કોઈ ‘ફૂટ્’,  

છૂરી બગલમાં, જીભે રામ, વાણીવિલાસ લખલૂંટ.

ફરે ટેરવાં ઉપર-નીચે, છૂટયો જાણે ખૂંટ,

ટ્રાફિક, ટ્રાફિક, નો સિગ્નલ, ને પળપળ બદલો રૂટ.

 

ખાખાખીખી, કાવાદાવા, કોઈ નથી બુઝારું.

વોટ્સઅપમા જઈ, ઝટ્ટ દઈ, લ્યો, ઘર લીધું પરબારું.

 

વાસી, ઉતર્યા ‘હાય’ અને ‘હેલ્લો’ને નાખ વખારે,

વાતોના સૌ વડાં ખાય, હૈયું ભજીયાનું ભારે.

ટગર ટગર કરીનાને જોતા ભાભો ઢોરાં ચારે,

ચૂલે બેઠી પટલાણીને આંખ કદી ના મારે.

 

કાચા ઘરની કઈ મેડીએ અજવાળું અવતારું ?

વોટ્સઅપમા જઈ, ઝટ્ટ દઈ, લ્યો, ઘર લીધું પરબારું.

 

હરુભરુંની ઐસી તૈસી, સ્ટીકર નિહાળી નાચો,

નજરુંના કામણના ગાલે સીધોસટ્ટ તમાચો.

ધોધમાર વરસાદ પડે પણ બંધ સાંકળે ખાંચો,

સપનામાં કાગળની હોડી લઈને તર, તો સાચો.

 

‘મી ટુ’ની મંછા ડાકણથી ફફડે મંન બિચારું.

વોટ્સઅપમા જઈ, ઝટ્ટ દઈ, લ્યો, ઘર લીધું પરબારું.


સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com