ચેલેન્જ.edu
રણછોડ શાહ
શાળા સમાજની લઘુ આવૃત્તિ છે. દરેક કટુંબ એક અવૈધિક શાળા છે. પ્રત્યેક શાળા વિદ્યાર્થીનું બીજું ઘર છે. શાળા અને ઘર એક સિક્કાની બે બાજુઓ જેવાં છે. શાળાએ કુટુંબમાં રહેલ વાલીને પૂરક બનવાનું છે, તો વાલીએ બાળકના વિકાસમાં સહાયરૂપ ભૂમિકા ભજવવાની છે. આ સંજોગોમાં શાળા અને વાલીએ એકબીજા સાથે તાલમેલ રાખવો જરૂરી જ નહીં, અત્યંત આવશ્યક છે. જ્યારે બંનેએ કદમથી કદમ મિલાવીને ચાલવાનું હોય ત્યારે એકબીજાના ગમા-અણગમા ભૂલી જઈને ‘ગમતાનો ગુલાલ’ કરવાનો છે. શાળાનો વિકાસ વાલીની મદદથી જ થઈ શકે. શાળા સારી હશે તો તે સંતાનને જ ઉપયોગી બનવાની છે. તેવી સીધી સમજ વાલીમાં હોય તે આવકારદાયક છે.
ઘેર પાલ્યના વાલી એક શિક્ષક છે. શાળામાં વિદ્યાર્થીના શિક્ષક તેના વાલી પણ છે. આ રીતે જોઈએ તો વાલી અને શિક્ષક વચ્ચે મધુર સંબંધ હોય તો જ બાળકની પ્રગતિ શક્ય બને. શાળાના સંચાલકોએ વાલીઓને માત્ર નામ-ઠામથી જ ઓળખવાના નથી, પરંતુ શાળામાં સદાય તેમનું સ્વાગત છે તેવો અહેસાસ કરાવવાનો છે. પ્રત્યેક વાલી શાળાની પસંદગી કરે ત્યારે તો તે શાળા તરફ સંપૂર્ણપણે હકારાત્મક જ હોય છે. શાળા વિશે સમાજમાંથી માહિતી પ્રાપ્ત કરીને જ બાળકનો પ્રવેશ લે છે. વાલી શાળા પાસે ખૂબ મોટી આશા અને અપેક્ષા સાથે આવે છે. તેને શાળાની ફિલોસોફી સાથે સહમતી હોય ત્યારે જ તે શાળા પસંદ કરે છે.
શાળામાં આવતાં બાળકોના વાલીઓમાં ખૂબ મોટા પ્રમાણમાં વિવિધતા હોય છે. વાલીઓ જુદીજુદી લાયકાતો ધરાવતા હોય છે. કેટલાકે ઉચ્ચ અભ્યાસ કરેલો હોય છે. તો અશિક્ષિત કે અર્ધશિક્ષિત વાલી પણ હોઈ શકે. વેપારી વાલી શાળામાં બાળકના પ્રવેશ માટે આવે, તો કયારેક નોકરિયાત પણ બાળકને શાળામાં દાખલ કરવા આવતા હોય છે. વાલીઓની આર્થિક સ્થિતિ પણ બહુ મોટો તફાવત હોય છે. શાળામાં આવતા વાલીઓ અલગ–અલગ જ્ઞાતિ, જાતિ કે ધર્મના હોય તે સ્વાભાવિક છે. આ તમામ તફાવતોની વચ્ચે શાળાએ વાલીઓને એકસૂત્રતાથી બાંધી સૌને સાથે રાખવાના હોય છે. બધા વાલીઓ સાથે એક સરખો સંબંધ અને વર્તણૂક રાખવાની સંપૂર્ણ જવાબદારી શાળાની છે. શાળાએ પ્રત્યેક વાલીને સમદૃષ્ટિએ જોવાના છે. અહીંયાં ભેદભાવથી મુક્ત સંબંધ બંધાય તે પાયાની શરત છે.
બાલમંદિરમાં પ્રવેશ માટે આવે ત્યારથી લગભગ ૧૨ થી ૧૪ વર્ષ સુધી વાલીનો શાળા સાથે સંબંધ જોડાય છે. જીવનનાં સક્રિય વર્ષોની લંબાઈની દૃષ્ટિએ જોઈએ તો આ સમય જિંદગીના લગભગ ૧૫ થી ૨૦ ટકા જેટલા સમયગાળા માટે હોય છે. તે સંજોગોમાં બંને પક્ષે સમભાવ અને સહકાર હોય તે આવશ્યક છે. લાંબા અનુભવે સમજાયં છે કે પ્રત્યેક વાલી શાળાને મદદરૂપ થવા હંમેશા તત્પર જ હોય છે. ઍમિટી શાળામાં પચીસ વર્ષ પહેલાં ઉચ્ચતર માઘ્યમિક વિભાગ શરૂ થયો ત્યારે સાધનો ખૂબ ટાંચા હતા. આ વિભાગની શરૂઆત કરી ત્યારે શાળા સ્થાપનાને પણ માંડ પાંચ વર્ષ થયા હતા. વિજ્ઞાનપ્રવાહની શરૂઆત એટલે સૌ પ્રથમ પ્રયોગશાળા બનાવવાની જવાબદારી શાળાના પક્ષે આવે છે. જુલાઈ માસમાં પરવાનગી મળી હતી, તેથી સમય પણ ઓછો હતો. ઉચ્ચતર માઘ્યમિક વિભાગનું પ્રથમ વર્ષ હોવાથી માંડ ચોત્રીસ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. વાલીઓ વિજ્ઞાન પ્રવાહમાં ખૂબ કાળજીપૂર્વક પ્રવેશ લેતા હોય છે. કારણ કે અહીંયાંથી જ કારકિર્દીની પસંદગી કરવાની શરૂઆત થતી હોય છે.
વાલીઓની સભા બોલાવી શાળા કઈ રીતે કાર્ય કરશે તેની સમજ આપવામાં આવી તથા તાત્કાલિક પ્રયોગશાળાની કામગીરી પૂર્ણ કરવાની રજૂઆત પણ કરી. પ્રયોગશાળા માટેનાં સાધનો તો ખરીદી કરીને લાવી શકાય પરંતુ ફર્નિચરનું શું? તે બાબતે મદદ કરવા વિનંતી કરી. એક વાલી તુરંત જ ઊભા થયા અને જણાવ્યું કે તેઓ તે જવાબદારી પોતાના શિરે લે છે. સભા બાદ વ્યકિતગત રીતે મળ્યા તો ખબર પડી કે તેઓ ફેબ્રિકેશનનું કાર્ય કરે છે. પ્રયોગશાળાના ટેબલની ડિઝાઈન તેમને બતાવવામાં આવી. લાકડાના પાટીયાંની સાઈઝ અને લોખંડના એંગલની ડિઝાઈન તેઓએ નક્કી કરી નાખી. માત્ર સાત દિવસમાં બધો સામાન આવી ગયો. વાલીશ્રી તેમના કારીગરોને લઈને શાળામાં આવી ગયા. તેઓએ રાતદિવસ જોયા વિના પ્રયોગશાળાના ટેબલો તૈયાર કરી નાંખ્યા. રસાયણશાસ્ત્રની પ્રયોગશાળામાં બેન્ચ અને ટેબલ રિએજન્ટ માટેના લોખંડના ઘોડા બનાવી ટેબલ ઉપર ફિટ કરી દીધા. વાલીશ્રીએ જાતે જમીન ઉપર બેસી લાકડાના ટેબલ ઉપર લોખંડના ઘોડા ફિટ કરી સૌને ગદગદિત કરી દીધા. જિંદગીપર્યત તેઓ શાળાનું અવિભાજ્ય અંગ બની ગયા. આજે પણ એ પ્રસંગ યાદ આવે તો રોમાંચ થાય છે.
શાળા સંચાલકોની જવાબદારી માત્ર શિક્ષણ જ આપવાની નથી. વાલીઓ સાથે માનવીય વ્યવહાર કરવાનો અને સૌહાર્દપૂર્ણ સંબંધો પણ કેળવવાના હોય છે. શાળાના તમામ વિદ્યાર્થીઓને સમદૃષ્ટિએ નિહાળવાના હોય છે. કોઈની પણ સાથે ભેદભાવયુકત વ્યવહાર ન થાય તેની કાળજી રાખવાની હોય છે. શિક્ષકોના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોને કારણે શાળાની પ્રતિષ્ઠા વધવા લાગી. ઉચ્ચ ગુણવાળા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ લેવા લાગતાં વાલીઓનું સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્તર બદલાયું. એક દિવસ એક વાલી સભા ચાલી રહી હતી. સૌ સૂચનો કરતાં હતાં. તેમાં એક વાલી બાજુ ઉપર શાંતિથી બેસી રહ્યા હતા. ખાસ શિક્ષણ મેળવ્યું હોય તેવં લાગતું નહોતું, પરંતુ તેમનો ચહેરો તેમની નિખાલસતાને પ્રદર્શિત કરતો હતો. તેમની સાથે વાર્તાલાપ કરવાનું સભા ચાલતી હતી ત્યારે મનોમન નક્કી કરી લીધું હતું. સભા પૂર્ણ થયા બાદ તેમની પાસે જઈ ખબરઅંતર પૂછયા. તેમના સંતાનના અભ્યાસ બાબતે ચર્ચા કરી. તેઓએ જણાવ્યું કે તેઓ તો બહુ ભણ્યા નથી પરંતુ તેમની દીકરી સારું ભણે માટે આ શાળા પસંદ કરી છે. વિદ્યાર્થીની પણ બહુ તેજસ્વી નહોતી. અલબત્ત, મહેનતુ, નિયમિત અને સ્નેહાળ જરૂર હતી. અમે શકય તે તમામ મદદ કરવાનું વચન આપ્યું. તેમની આંખમાં આનંદના અશ્રુ ઉભરાઈ આવ્યાં. તેઓએ ધીરજથી સંકોચાતાં સંકોચાતાં પૂછ્યું કે શાળાને તેઓ કઈ રીતે મદદ કરી શકે? આર્થિક રીતે તો શકય નથી તેમ તેમણે જણાવ્યું. તેઓએ અત્યંત નમ્રતાપૂર્વક પણ સંપૂર્ણ લાગણીસહ જણાવ્યું કે પોતે ધોબીનો વ્યવસાય કરે છે. શાળાના સ્ટાફરૂમમાં જે ટેબલ ક્લોથ વાપરવામાં આવે છે તે તથા રસાયણ શાસ્ત્રની પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓ જે એપ્રન પહેરે છે તેને સમયાંતરે ધોઈ આપશે. અલબત્ત, તેઓ તેને માટે કોઈપણ પ્રકારનું મહેનતાણું સ્વીકારશે નહીં તેવી સ્પષ્ટતા બે હાથ જોડીને કરી ! સૌની પાંપણો ભીની થઈ ગઈ. જે શાળાને વાલીનો ઉત્તમ સહકાર પ્રાપ્ત થાય તે જ શાળા પ્રગતિ કરી શકે અને સમાજમાં સ્વીકૃત બની શકે.
ખુદને જરા જોવાય ને, ત્યારે જીવાય છે!
સંવાદ ખુદથી થાય ને, ત્યારે જીવાય છે!
પીડ પરાઈ સાવ પોતીકી જણાય ને;
ભીતર જરા ભીંજાય ને, ત્યારે જીવાય છે!</br/>
‘છાંયો મળે છે’ એમ ક્યાં વૃક્ષો લખે કદી?
એમ જ કશું વ્હેંચાય ને, ત્યારે જીવાય છે.
દક્ષા બી. સંઘવી
વાલી અને શાળા વચ્ચે ઉત્તમ સંબંધો ત્યારે જ બને કે જ્યારે બંને એકબીજા સાથે નિખાલસ બને. છેલ્લા થોડાક વર્ષોમાં શિસ્તના પ્રશ્નો વઘ્યાં છે. બાળકો વહેલા મોટાં થઈ રહ્યાં છે. ડિજિટલ ઉપકરણોની સુવિધાને કારણે જાતીયતાની સમસ્યાઓ રોજિંદો ક્રમ બની રહી છે. બહુ જ ઓછા વાલીઓ સંતાનની મર્યાદા સમજવા અને સ્વીકારવા તૈયાર હોય છે. આ સંજોગોમાં પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ન હોય તો શાળામાં રોજ મહાભારત સર્જાય. આ સસયે વાલી અને શિક્ષકનો એકબીજા ઉપરનો ભરોસો ખૂબ ઉપયોગી બને છે. સમસ્યાજનક પ્રશ્નો ઉદ્ભવે ત્યાર પહેલાં જ એકબીજાને અવૈધિક રીતે મળવાનું થતું હોય તો ‘આઈસ બ્રેકીંગ’ ખૂબ સરળ બની જાય છે. એક સનાતન વાકય છે : ‘જ્યારે જેની જરૂર નથી ત્યારે તેને મળીએ તો જરૂર પડ્યે મળવામાં સંકોચનો અનુભવ થશે નહીં.”
મોટાભાગની શાળાઓ વાલીસભા ટાળવાનો પ્રયત્ન કરે છે. કારણ કે સભામાં કોઈ વાલી ગમે તેમ બોલે તો વાતાવરણ બગડી જતાં બિનજરૂરી ઘર્ષણ પેદા થઈ જાય છે. કેટલેક અંશે આ વાત સાચી પણ છે. પરંતુ કાલ્પનિક ભયને કારણે વાસ્તવિકતાથી કેવી રીતે ભાગી છૂટાય. જો વાલીઓને વિશ્વાસમાં લેવામાં આવે તો એક વાલી ગુસ્સે થઈ અયોગ્ય વાત કરતા હોય તો અન્ય વાલી તેમને સમજાવે છે. વાલીઓને બોલાવી તેમના દ્વારા વાલીસભાનું સંચાલન થાય તેવું પણ ગોઠવી શકાય. આ સમય દરમિયાન શાળાની કોઈ મર્યાદા જાહેર થાય તો શાળાએ તેનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કરવો જોઈએ. ભવિષ્યમાં તે બાબતે કેવા પગલાં લેવામાં આવશે તેની જાહેરાત કરવી જોઈએ.
એક વખત વાલીસભામાં માત્ર પ્રશ્નો કહેવા જ વાલીઓને બોલાવ્યા હતા. તેઓએ તેમની તથા પાલ્યોની મશ્કેલી સભામાં રજૂ કરી. શાળાએ તે નોંધ લીધી. છ માસ બાદ તેમને રજૂ કરેલ સમસ્યાઓના ઉકેલની માહિતી પરિપત્ર દ્વારા આપવામાં આવી. જે સમસ્યોઓના ઉકેલ આવ્યા હતા તેની જાણ કરી. કેટલાક પ્રશ્નો શાળા સંચાલક મંડળની મર્યાદા બહારના હોવાથી તેનો તાત્કાલિક ઉકેલ આવી શકે તેમ નથી તેની પણ લેખિત જાણ કરી.
પપ્પા પોતાના વ્યવસાયમાં અત્યંત વ્યસ્ત હોવાથી તેઓ ઈચ્છે તો પણ વાલીસભામાં આવી શકતા નથી. માતાઓમાં શિક્ષણનં પ્રમાણ વધ્યું છે એટલે વાલીસભામાં બહુ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત હોય છે. આ બહેનો સાથે ઘરોબો કેળવવા શાળામાં ‘માતાઓની કલબ’ (Mother’s club) ની સ્થાપના કરી છે. આ મમ્મીઓ માટે વ્યકિતત્વ વિકાસના વર્ગો, અંગ્રેજી બોલચાલના વર્ગો, રમત-ગમત સ્પર્ધા કે રસોઈ કળાના વર્ગો વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરી તેમને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કરવા જેવો છે.
એક વખત શાળામાં સરકારી સેમિનાર હતો. તેમાં નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવાનો હતો. માર્ચ માસ હોવાથી વિદ્યાર્થીઓની મદદ લઈ શકાય તેમ નહોતી. શાળાના શિક્ષક ભાઈ-બહેનોએ વાલીઓની મદદથી કાર્યક્રમ રજૂ કરતાં એકબીજાની નજીક આવવાનું સરળ બની ગયું.
શાળા સંનિષ્ઠ પ્રયત્નો કરે તો વાલીઓ ચોક્કસ જ મદદરૂપ બને છે. શાળાનું આ અવિભાજ્ય અંગ શાળાની મોટી મૂડી છે. વાલીઓ પણ સમાજસેવાના કામમાં મદદરૂપ થવા તૈયાર જ હોય છે. પ્રત્યેક વ્યકિતમાં કંઈક ને કંઈક સારાપણું હોય જ છે. તેને બહાર લાવવા શાળાએ પ્રયત્નશીલ રહેવાનું હોય છે. શાળા-કુટુંબના સહિયારા પ્રયત્નથી જ વિદ્યાર્થીઓના વિકાસના ઉચ્ચતમ શિખરો સર કરી શકાય.
આચમન:
સાર્થક બને છે જીવવું પણ મોતી છીપનું,
એક બુંદમાં સૌ સત્ત્વ સાગરનું ભરી જવું,
બીજી વળી જીવનમાં આકાંક્ષા ય હોય શું,
ઊગી, ખીલી, મહેંકી અને છેવટે ખરી જવું!
ગૌતમ વકાણી
(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )
(તસવીર નેટ પરથી)