નિસબત

ચંદુ મહેરિયા

રાજધાની દિલ્હીમાં દિવાળી અને તે પછીનો એકાદ મહિનો ભારે પ્રદૂષિત હોય છે. દિલ્હીની શિયાળુ સવાર જ નહીં બપોર પણ ધુમ્મસછાયી જોવા મળે છે. આ સ્થિતિનું કારણ પાડોશી રાજ્યો પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા થતાં પરાળના દહનને માનવામાં આવે છે. ખરીફ ફસલ તરીકે ડાંગરના પાકની કાપણી પછી આગામી રવી પાકની રોપણી માટે ખેતર સાફ કરવા ડાંગરની પરાળ તરીકે ઓળખાતા પાકના અવશેષોને  ખેડૂતો બાળી નાંખે છે. તેને કારણે પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. જે દિલ્હીને પણ અસર કરે છે.

સાંદર્ભિક તસવીર નેટ પરથી લીધેલ છે.

ખેડૂતો દિવાસળીની બેચાર સળીથી પરાળ સળગાવી દે છે અને આખા દિલ્હીને પ્રદૂષિત કરી મૂકે છે, એવા આરોપ લગાવવામાં આવે છે પરંતુ ખેડૂતો કેમ આ કરે છે તેના કારણોની ખાસ ચર્ચા થતી નથી.

ભારતની હરિયાળી ક્રાંતિએ જે કેટલાક દૂષણો સર્જ્યા છે તેમાંનું એક પરાળ દહન છે. તેને ભૂલાવીને પર્યાવરણના  બગાડનો દોષ ખેડૂતોના માથે નાંખી દેવામાં આવે છે. પંજાબ કહેતાં પંજ આબ કે પાંચ નદીઓના  આ રાજ્યમાં ભાગલા પછી પાંચને બદલે ત્રણ જ નદીઓનું મહત્તમ પાણી રહ્યું છે.મહેનતુ કિસાનો, શ્રમિકો અને પાણીની છતને લીધે હરિત ક્રાંતિ પછીના પંજાબને દેશના ધાનના કટોરાનું બિરુદ તો મળ્યું પણ  રાજ્યને કેટલુંક નુકસાન પણ થયું છે.

હરિત ક્રાંતિ પછીના પંજાબમાં બે વસ્તુઓ ખાસ જોવા મળે છે.એક બોરવેલ અને બીજા હાર્વેસ્ટર. પંજાબના લોકો તેમના ખોરાકમાં ચોખાનો વપરાશ ખાસ કરતા નથી.પણ આ ફૂડ બાઉલ ઓફ ઈન્ડિયા આખા દેશ માટે જાતભાતની ડાંગર પકવે છે. તે માટે પાણીનો વધુ વપરાશ થાય છે. ઉદાહરણ તરીકે ૧૯૯૩-૯૪માં ડાંગરની નવી જાત ‘ગોવિંદા’ ઉગાડવા સરકારી કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને અપીલ કરી. ફલત: ખેડૂતો એક જ ખરીફ મોસમમાં બે વાર પાક લઈને ચોખાનું મબલખ ઉત્પાદન કરવા લાગ્યા.જોકે એક કિલો ‘ગોવિંદા’ ચોખા માટે ૪૫૦૦ લિટર પાણી વપરાતું હતું  તે હકીકત પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવ્યા.એટલે ઉત્પાદન અને આવક તો વધ્યાં પણ પાણી ઘટવા માંડ્યું. હતું.

૨૦૦૯માં પંજાબ અને હરિયાણાની રાજ્ય સરકારોએ ભૂગર્ભ જળના સંરક્ષણનો કાયદો ઘડ્યો.આ કાયદા મુજબ દસમી મે પહેલાં ડાંગરની રોપણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કિસાનોને સિંચાઈ માટે વરસાદી પાણીનો જ ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવી. આ રાજ્યોમાં ૨૦૦૯ પૂર્વે ડાંગરની રોપણી એપ્રિલ મહિનાના બીજા પખવાડિયામાં થઈ જતી  હતી. તેને બદલે હવે જૂનના મધ્ય ભાગમાં થવા લાગી. પાક ચક્ર બદલાઈ જતાં મોડી રોપણીને કારણે પાક મોડો તૈયાર થતાં છેક ઓકટોબરમાં કાપણી થવા માંડી.

અગાઉ સપ્ટેમ્બરમાં પાક તૈયાર થઈ જતો હતો એટલે ખેડૂતોને નવી મોસમની ફસલ ઉગાડવા ખેતરો સાફ કરવા પૂરતો સમય મળી રહેતો હતો. હવે તે સમય મળતો બંધ થયો. કાપણી માટે મજૂરોની અછત અને મજૂરીના વધારે દામને કારણે ખેડૂતો હાર્વેસ્ટરથી ડાંગરની કાપણી કરાવે છે. મશીનો ખેતરમાં ઉભેલા પાકને મૂળમાંથી કાપી શકતા નથી પણ ઉપરનો ભાગ જ કાપે છે. એટલે પરાળ તરીકે ઓળખાતા ડાંગરના એક-દોઢ ફુટના અવશેષો બાકી રહી જાય છે. તેને કાપવા માટે મજૂરો મળતા નથી કે ખેડૂતોને પોસાતા નથી. વળી નવી સિઝન માટે ખેતરો સાફ કરવા પર્યાપ્ત સમય હોતો નથી.એટલે તેઓ પરાળ બાળી નાંખે છે. અગાઉની તુલનામાં હવે ભર શિયાળે પરાળ બાળવામાં આવે છે એટલે પણ પ્રદૂષણની વધુ અસર જોવા મળે છે. પરાળ દહન પાછળની આ ભૂમિકા સમજ્યા વિના પર્યાવરણના નુકસાન માટે પંજાબના કિસાનોને જવાબદાર ઠેરવવામાં આવે છે.

પરાળ સળગાવવાની અસર જમીનની ફળદ્રુપતા પર પણ થાય છે. જમીનમાં રહેલા નાઈટ્રોજન, પોટેશિયમ, સલ્ફર અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો બળી જાય છે. સૂક્ષ્મજીવો પણ મરી જાય છે તેને કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છે. એટલે ખેડૂતોને આગામી પાકમાં વધુ રાસાયણિક ખાતર વાપરવું પડે છે. ખેડૂતોના માથે ખર્ચ વધે છે તો સરકારને માથે વધુ ખાતર સબસિડીનો બોજ પડે છે.ખાતરની આયાત વધતાં આયાત ખાધ વધે છે. આમ આ વિષચક્ર ચાલ્યા કરે છે.

દિલ્હીનું પ્રદૂષણ અને પરાળદહન દિલ્હી અને પંજાબમાં ડબલ એન્જિન સરકાર ના હોવાને કારણે રાજકીય વિવાદનો વિષય બન્યો છે. કેન્દ્ર સરકારની સંસ્થા ‘સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ’ (સફર)ના મતે ૨૦૧૮માં દિલ્હીના પ્રદૂષણમાં પરાળદહનનું પ્રમાણ ૩ થી ૩૩ ટકા, ૨૦૧૯માં ૪૪ ટકા  હતું. સરેરાશ પ્રમાણ ૨૦ થી ૨૫ ટકા જ હોય છે. એટલે દિલ્હીના પ્રદૂષણનું એકમાત્ર કારણ પરાળ દહન નથી. પરાળ તો મોસમી સમસ્યા છે જ્યારે દિલ્હી તો લગભગ બારેમાસ પ્રદૂષિત હોય છે. દિલ્હીના પ્રદૂષણ માટે વાહનોનું પ્રદૂષણ, ઔધ્યોગિક પ્રદૂષણ, ફટાકડા,  ઈંટભઠ્ઠા અને બાંધકામનું પ્રદૂષણ પણ કારણભૂત છે.  આઈઆઈટી દિલ્હીનું એક અધ્યયન જોકે એવું તારણ દર્શાવે છે કે દિવાળીના ફટાકડાના પ્રદૂષણની અસર બાર કલાક પછી ઘટી જાય છે પરંતુ પરાળદહનના પ્રદૂષણની અસર ઘણા દિવસો સુધી રહે છે.

દિલ્હીના પ્રદૂષણ માટે ભારે ઉહાપોહ થાય છે કેમ કે તે દેશનું પાટનગર છે પરંતુ જ્યાં પરાળ બાળવામાં આવે છે તે પંજાબ અને હરિયાણાના પ્રદૂષણની તો કોઈ વાત જ કરતું નથી.!  પરાળ સળગાવવાથી નિકળતા કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ જેવા ઝેરી વાયુની ખરાબ અસર આરોગ્ય પર થાય છે. પરંતુ તે અંગે મૌન સેવાય છે. પ્રદૂષણ ફેલાવવા માટેના આસાન શિકાર તરીકે કિસાનોને દોષ દેવાય છે પરંતુ ખુદ કિસાનો તેના ભોગ બની રહ્યા છે તેનું શું ?

આ સમસ્યાના ઉકેલ માટે કિસાનો, કૃષિ નિષ્ણાતો, કેન્દ્ર અને રાજ્ય સરકારો, વહીવટીતંત્ર તથા નાગરિક સમાજે સાથે મળી પ્રયત્નો કરવા જોઈએ. બેરોજગારીથી પીડિત દેશમાં મજૂરોને બદલે મશીનોનો વ્યાપક ઉપયોગ ટાળવો જોઈએ. વળી મશીનો ખેડૂતોને પરવડે તેવી કિંમતના અને પાકને છેક મૂળમાંથી કાપે તેવા બનાવવા જોઈએ. જેથી પરાળનો પ્રશ્ન જ ન રહે. તે દરમિયાન પરાળનો નિકાલ પણ  મશીનોથી કરવાને બદલે મજૂરોથી કરવા અને તેમાં ‘મનરેગા’ લાગુ કરવા વિચારી શકાય. ઓછા સમયે અને ઓછા પાણીથી તૈયાર થતા પાક અંગે સંશોધનો કરવા જોઈએ. પંજાબના ખેડૂતો પર ડાંગરના વિપુલ ઉત્પાદનનું દબાણ ઘટાડવાની પણ આવશ્યકતા છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.