સમજુતી : આનંદ રાવ

क्षुधा निर्णुदति प्रज्ञां धर्मबुद्धिं व्यपोहति ।
क्षुधापगितज्ञानो घृतिं त्यजति चैव ह ।
बुभुक्षां जयते यस्तु स स्वर्गम्‍ जयते ध्रुवम्‍ ॥

ભુખ માણસની બુદ્ધિને કચડી નાખે છે. ધાર્મિક વિચારોને ભુસી નાખે છે. ભુખથી જ્ઞાન લુપ્ત થઈ જતાં માણસ ધીરજ ગુમાવી બેસે છે. જે ભુખને જીતી શકે છે તે સ્વર્ગને પણ જીતી શકે.

 

કુરુક્ષેત્રના યુધ્ધ પછી વેદ વ્યાસના કહેવાથી યુધિષ્ઠિરે અશ્વમેધ યજ્ઞ કર્યો જેથી વિજેતા “સમ્રાટ”નું પદ મળે. ચારે ભાઈઓને દેશની ચારે દિશાઓમાં મોકલ્યા. એ લોકો બધા રાજાઓને જીતીને અઢળક ધન લુંટી લાવ્યા.

સોનાની ઈટોથી યજ્ઞકુંડ બાંધ્યો. યજ્ઞમંડપને ફરતે સોનાના યુપ(અંગ્રેજી અક્ષર Y આકારના થાંભલા) ઊભા કર્યા. યજ્ઞમાં વધેરવા માટેનાં જુદાં જુદાં ૩૬૦ પ્રાણીઓનાં ડોકાં એમાં બાંધ્યાં. એક પછી એક, શાસ્ત્રોકત રીતે, આ પ્રાણીઓને યજ્ઞમાં હોમ્યાં. છેલ્લે યજ્ઞના અશ્વને પણ વધેરીને (आलभन કરીને) યજ્ઞકુંડની આગમાં હોમ્યો.બ્રાહ્મણોને અબજો સોનામોહરોનું દાન અપાયું. સોમરસ પણ મહેમાનોને છુટથી પીવા મળ્યો. જમણવારમાં રાંધેલાં ધાન્ય અને ઘીની રેલમછેલ
થઈ.

યજ્ઞમાં પધારેલા રાજાઓને પણ હાથી, ઘોડા, રથ અને સાથે સ્ત્રીઓ (!?) પણ ભેટ આપવામાં આવી.

યજ્ઞ સમેટાતાં સૌ છુટા પડતા હતા. એટલામાં ઓલવાઈ ગયેલા એ યજ્ઞકુંડ પાસે એક નોળીયો આવ્યો. એનું અર્ધું શરીર સોનાનું હતું. આ નોળીયાને મનુષ્યની જેમ બોલતો સાંભળીને બધા પંડિતોને બહુ આશ્ચર્ય થયું.

“હે ભૂદેવો!” નોળીયો બોલ્યો. “આટલાં બધાં નિર્દોષ પ્રાણીઓની ભયાનક કતલ, ધન અને અન્નનો બેફામ બગાડ કરીને તમને અને તમારા યજમાન રાજા યુધિષ્ઠિરને કેટલું પુણ્ય મળ્યું? આ વિષે તમે કદી વિચાર કર્યો હતો? કુરુક્ષેત્રમાં રહેતા, ઉચ્છૂ-વૃત્તિથી ઉદાર જીવન જીવતા બ્રાહ્મણ કુટુંબની તપશ્ચર્યા, ત્યાગ અને એમણે કરેલા એક શેર સત્તુના દાનની સરખામણીમાં તમારો આ યજ્ઞ અને એમાં અપાયેલાં અઢળક દાનો સાવ વ્યર્થ છે.”

નોળીયાના મોઢે મહારાજ યુધિષ્ઠિરના યજ્ઞની નીંદા સાંભળીને બ્રાહ્મણો ડઘાઈ ગયા. એમણે નોળીયાને પુછ્યું….

“હે નકુળ! કયા બ્રાહ્મણ કુટુંબના દાન, ત્યાગ અને તપ વિષે તમે વાત કરો છો? અમને વધારે જણાવવા કૃપા કરો.”

“સાંભળો. એક બ્રાહ્મણ એમની પત્ની, પુત્ર અને પુત્રવધુ સાથે નાનકડી કુટિરમાં રહેતા હતા. ખેડુતો ખેતરમાંથી પોતાનો બધો પાક લઈ લે ત્યારબાદ એ ખેતરોમાંથી જે કંઈ રડ્યાખડ્યા દાણા મળે તે આ બ્રાહ્મણ વીણી લાવતા. કોઈ વખત મુઠ્ઠીભર દાણા મળે કોઈવાર થોડા વધારે મળે. કોઈવાર કશું ના મળે. એ અનાજના લોટમાં પાણી ઉમેરી સત્તુ બનાવતા અને સંતોષથી ભોજન કરતા. ત્યારબાદ પોતાની તપશ્ચર્યા અને પર-સેવામાં લાગી જતાં. રોજ દાણા વીણીને જીવન નિર્વાહ કરવાની આ રીતને “ઉચ્છૂ વૃત્તિ” વાળું જીવન કહેવાય છે. કોઈવાર દાણા ન મળે તો આખુ કુટુંબ ભુખ્યુ સુઈ જતુ. આ ચારે સભ્યો સંયમી, નિર્મળ મનવાળાં, કોધ અને ઈર્ષા વિનાનાં અને પરગજુ જીવન જીવવાવાળાં હતાં.

એક વખત એ પ્રદેશમાં ભયંકર દુકાળ પડ્યો. ઘણા દીવસોથી અનાજનો દાણો પણ મળ્યો નહોતો. ભુખ અને ગરમીથી એમનાં શરીર પીડાતાં હતાં. એક દીવસ “આજે થોડા દાણા મળી જશે” એવી આશાએ એ ખેતરોમાં નીકળી પડ્યાં. એમના નશીબે બે મુઠ્ઠી દાણા મળી ગયા. ખુશ થતાં એ ઘરે આવ્યાં. દળીને એનુ સત્તુ બનાવ્યું. ચાર ભાગ કરીને પોતપોતાની થાળીમાં લઈને જમવાની તૈયારી કરી. નિયમ પ્રમાણે અન્નદેવતાની સ્તુતિ કરી. મોઢામાં કોળીયો મુકે તે પહેલાં
એક થાકેલો વૃધ્ધ, અતિથિ એમની કુટીરમાં પ્રવેશ્યો. એમને આદર પ્રણામ કરીને બ્રાહ્મણે આવકાર્યા.

“મહારાજ, પધારો. આપ ભુખ્યા અને થાકેલા છો. આ સત્તુ પીરસેલી મારી થાળી સ્વીકારો અને સંતુષ્ટ થાવ.” અતિથિએ થાળીમાંથી સત્તુ ખાઈ લીધુ પણ ભુખ સહેજે સંતોષાઈ નહી. બ્રાહ્મણને એ સ્પષ્ટ દેખાયું.

“નાથ, આ મારી થાળીનો સત્તુ અતિથિને અર્પણ કરો. જેથી એમની ભુખ સંતોષાય.” પત્ની પણ ઘણા દીવસથી ભુખી છે. અન્ન વિના સાવ સુકાઈ ગઈ છે. એટલે બ્રાહ્મણ એની થાળી લેતાં સંકોચાતા હતા. તરત પત્ની બોલી.

“સ્વામી, તમે પણ ભુખથી પીડાઈ રહ્યા છો. આપણા બન્નેનો ધર્મ અને અર્થ સમાન છે. આપણે બન્ને એક છીએ. એટલે આ મારી થાળી લઈ આપ અતિથિને વિના સંકોચ આપો.”

બ્રાહ્મણે પત્નીની થાળી લીધી અને સહર્ષ અતિથિને આપી. તો પણ અતિથિની ભુખ સંતોષાઈ નહી.

“પિતાજી,” બ્રાહ્મણનો પુત્ર બોલ્યો. “મારી થાળી પણ આપ અતિથિને આપો. પુત્ર થવાનો મોટો ફાયદો એ જ છે કે પોતાના વૃધ્ધ પિતાની શારીરીક અને પિતાની લાગણીઓની કાળજી રાખી શકાય. એટલે આપ આ મારી થાળી અતીથીને આપી મને ભાગ્યશાળી બનાવો.”

બ્રાહાણે પુત્રની થાળી પણ અતિથિ સામે ધરી દીધી. એ ખાઈ લીધા પછી પણ અતિથિની ભુખ સંતોષાઈ નહીં.

બ્રાહ્મણની પુત્રવધુ સમજતી હતી કે આટલા થોડા થોડા સત્તુથી અતિથિની ભુખ હજુ સંતોષાઈ નથી.

“પિતાજી,” પુત્રવધુએ પોતાના સસરાને કહ્યુ “મારી થાળીનો સત્તુ પણ આપ અતિથિદેવને અર્પણ કરી દો. મારું આ શરીર વૃધ્ધોની સેવા માટે જ બનેલુ છે. હું યુવાન છું. ભુખ સહન કરવાની મારી શક્તિ આપ સૌના કરતાં વધારે છે.”

કુટુંબના ચારે સભ્યોનો સત્તુ ખાઈ લીધા પછી અતિથિએ આ બ્રાહ્મણ કુટુંબને ભુખ વિષેનો ઉપરનો શ્લોક કહ્યો હતો અને પોતાની સાચી ઓળખાણ આપી હતી.

“હે બાહ્મણ કુટુંબ! તમે બધા ભુખની આગમાં બળી રહ્યાં છો. અન્નના અભાવે તમારાં શરીર કૃષ્ટ થઈ ગયાં છે. તેમ છતાં તમે બધાએ ધીરજ ગુમાવી નથી. બુદ્ધિની સમતુલા સાચવી રાખીને બહુ શુધ્ધ હદયથી મને તમારો બધો સત ભોજનમાં આપી દીધો. કોઈ ધનવાન રાજાએ કરેલા કરોડો સોના મહોરોના દાન કરતાં આ તમારું સત્તુનું દાન અમુલ્ય છે. તમારી આ દાન-રુચી અજોડ છે.

હૈ ધર્માત્માઓ! હું ધર્મરાજ છું. તમારી ત્યાગ ભાવનાનો પ્રત્યક્ષ અનુભવ લેવા આવ્યો હતો.” આટલુ કહી ધર્મરાજ અદ્રશ્ય થઈ ગયા.


શ્રી આનંદરાવ લિંગાયતનો સંપર્ક gunjan.gujarati@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.