દર્શના ધોળકિયા

મારા વહેતા રહેલા જીવનપ્રવાહમાં અનેક ચહેરાઓ મારી સમક્ષ આવતા રહ્યા, મારામાં ભળતા રહ્યા ને જાણે મારા ચહેરામાં પરિવર્તિત થતા રહ્યા, એ ચહેરાઓ હતા બા, ભા (પિતા), ભાઈઓ, મિત્રો, સ્વજનોના; મારા કુશળ તબીબોના; પ્રિય વિદ્યાર્થીઓના; પડોશીઓના ને કેટલાક અજાણ્યાઓના – દૂર રહીને પોતીકા સાબિત થયેલાઓના.

આ સૌની વચ્ચેથી પોતાનું નાનકડું મુખ મારી સામે તાકીને બેઠેલો એક મૂક ચહેરો આજેય મને સાદ કરીને મારા તાર રણઝણાવતો પ્રત્યક્ષ થઇ ઊઠે છે. એ છે મારી સાથે જ જન્મેલી – મારાથી એક વર્ષ નાનેરી ને મારી લગોલગ બે દાયકા વસીને મને પોતાનો સહવાસ અર્પીને વિલીન થયેલી મારી અત્યંત પ્રિય મારી બિલ્લી કલ્લુનો.

કલ્લુની વાત માંડતાં મારી સમક્ષ આજેય તેનો નિર્દોષ, રમતિયાળ, નમણો ચહેરો સ્મૃતિમંજૂષામાંથી કૂદીને બહાર આવે છે. ભૂખરા દેહ પર કાળાં ટપકાં, લીલી ગોળ આંખો, પોચું પોચું ગુલાબી નાક, મુલાયમ ત્વચા, વેધક નજર, શિકારીનું ચાપાલ્ય, તીવ્ર ગતિ ને સતર્ક શ્વાસોચ્છવાસથી ધબકતું પેટ !

આમ તો અમારા પરિવારમાં ક્લ્લુની પૂર્વજ પરંપરા ચાલી આવેલી. એની મા, માતામહી પણ અમારે ઘેર જ મોટાં થયેલાં. કલ્લુનાં આ વડીલોના અમારા પર અવિસ્મણીય ઉપકારો હતા. સ્મૃતિમાં સચવાયેલો એક બનાવ યાદ કરું તો બાએ કહેલું તેમ, મારો સૌથી મોટો ભાઈ, જે સવા વર્ષની ઉંમરે જ મૃત્યુ પામેલો – તે જયારે ચાર-પાંચ માસનો હતો ત્યારે બા એના નિયમ મુજબ વહેલી સવારે કપડાં ધોવા તળાવે ગયેલી. ઘરમાં કોઈ ન હોવાથી બાએ દરવાજે તાળું મારેલું. થોડી વાર પછી બા ઘેર આવી ત્યારે ઓરડાનું દ્રશ્ય જોઇને અવાક થઇ ગયેલી. એ સમયે અમારું ઘર લીંપણવાળું. ઘરમાં સાપ આદિ સરીસૃપોની આવન – જાવન સહજ. બાની ગેરહાજરીમાં ઓરડામાં સાપ ચડી આવ્યો ને કલ્લુની નાનીમાએ ચીલઝડપે સાપને પકડીને તેનો ખાતમો બોલાવી દીધેલો. બા આવી ત્યારે અમારી આ મોટેરી બિલ્લી સાપના મૃતદેહ પાસે ભાઈના પારણાને રક્ષતી ઘૂરકતી બેઠેલી. બાના આવ્યા પછી જ એ જગાએથી ખસીને રમવા ચાલી ગઈ. આ ઘટના બા પાસેથી સાંભળ્યા પછી કલ્લુને હું જુદી નજરે જોતી થઇ.

મારાથી એક વર્ષ નાનેરી કલ્લુ મારી છ વર્ષની ઉંમરે પાંચની થયેલી. તેની જુદી જુદી રમતોથી એ મને ખુશ કરી દેતી – જાણે મારું જીવતું રમકડું !

અમે બંને સાથે જ ઉછરતાં રહ્યાં. ધીમે ધીમે કલ્લુ કિશોરાવસ્થામાંથી યૌવન ભણી ડગ માંડતી રહી. મારી બાર-ચૌદની ઉંમરે એ તો પુખ્ત થઇ ગયેલી. જાતભાતના બિલાડા એનાં રૂપ – સૌંદર્ય પર મુગ્ધ થઈને એની આસપાસ મંડરાતા રહેતા. પણ એમ જલ્દી કોઇને ગાંઠે એ મારી કલ્લુ નહીં ! કાળું ડિબાંગ શરીર ને ધોળા ધોળા પગવાળા એક બિલાડા પર માંડ માંડ તેની નજર ઠરેલી.

હું શાળાએથી પાછી ફરું ત્યારે એ બંને ગુજગોષ્ઠી કરતાં આંગણામાં ક્યાંક લપાઈને બેઠાં હોય. કાળિયો કલ્લુની ખુશામદ કરતી મુદ્રામાં ઊભો હોય ને કલ્લુ ભલે ઘૂરકતી હોય પણ એના ચહેરા પર સ્વામિની હોવાનો આનંદ લીંપાયો હોય. કાળિયો હિંમત કરીને જેવો કલ્લુને સ્પર્શવા જાય કે તે ભેગી ટટ્ટાર થઈને કલ્લુ એને એવો તો નખ ભરાવે કે કાળિયો અમારા નળિયાં પર ટપ મારીને જે ભાગે ! એ બંનેના આવા અવનવા મિજાજ જોઇને હું મારી કલ્લુનો પક્ષ લેતાં બિલાડાની પાછળ દોડું ત્યારે બા મને વારતી, ‘એને રમવા દે, એ લોકો આમ જ રમે. એની પ્રેમ કરવાની આ રીત છે, આપણને એ ન સમજાય.’ વર્ષો પછી આસપાસ-ચોપાસના જગતમાં સ્વજનો-મિત્રોનાં દામ્પત્ય ને જોયા પછી કલ્લુની પ્રેમલીલા હું સમજી શકેલી ને મનોમન એનામાં રહેલાં સ્ત્રી સશક્તિકરણના મિજાજને, પ્રેમિકાના લાલિત્યને, પ્રાણીઓને પણ અપેક્ષિત પ્રેમની હૂંફ ઓળખતી ગઈ.

પોતાના બચ્ચાંને કલ્લુ ખૂબ ચાહતી. બાળઉછેરની તાલીમ લેતાં તો કોઈ કલ્લુ પાસે શીખે ! બચ્ચાંને રમાડે, એના સાથે છૂપછૂપામણીની રમત માંડે ને એ નિમિત્તે એને દોડાવે, શિકાર કરતાં શીખવે, પોતે બચ્ચાંઓ માટે શિકાર હાજર કરીને એને જુદા પ્રકારનો અવાજ કાઢીને નિમંત્રે. ને એ જે શિકાર માટે એ સામાન્ય રીતે ટળવળતી હોય એ શિકાર બચ્ચાં આવ્યા પછી એની સેવામાં ધરી દે ને બચ્ચાંઓને શિકાર ઉડાવતાં જોઇને એના ચહેરા પર લીંપાતી દીપ્તિમાં એનું માતૃત્વ ઝળહળી ઊઠે.

મારા પરિવારને કલ્લુ ખૂબ ચાહે પણ મારી તો વાત જ જુદી. મારે માટે એ મરી પડે. હું શાળાએ જવા તૈયાર થાઉં ત્યારે મારે પગે ઘસડાતી રહીને મારી લગોલગ દોડ્યા કરે; હું ઓરડામાં કામ કરતી હોઉં તો બારણે બેસીને મારી રાહ જોયા કરે; બહાર જાઉં તો છેક ડેલી સુધી મને વળાવવા આવે તે મને બહાર જાતી જોઇને નિમાણી થઈને ઘરમાં પાછી ફરે.

અમારી ઓસરીને મોટો ઉંબરો. જૂના જમાનાનું અમારું વિશાળ ઘર. વિશાળ દરવાજો, જેનો ઉંબરો ઓળગીને અંદર આવવું પડે. એ ઉંબરા પોતાના બે પગ બહાર ને બે અંદર રાખીને કલ્લુ આખો દિવસ ગોઠવાઈ ને બેઠી જ હોય. કોઈ અજાણ્યું જણ આવે તો ઊભી થઈને આખા દેહને ઊંચો કરીને જે ઘૂરકાટ કરે ! તેના બધાં રૂંવાડા ઊભાં થઇ જાય  ને એની ગોળ લીલી ચળકતી આંખો ઊભી લાંબી લીટીમાં રૂપાંતરિત થઇ જાય. પણ જેવી હું ડેલીમાં પ્રવેશું કે તરત મારો ફ્રોક દાંતમાં લઈને હરખાઈને મને વળગી પડે. જાણે વર્ષો પછી મળતી ન હોય ! જમવા બેસું તો ઊભે પગે બાજુમાં ગોઠવાય; લેસન કરવા હું નીચે જ બેસું ને નીચી નમીને લખતી હોઉં ત્યારે મારી પીઠ પર ખુરશીની જેમ પથરાઈને બેસી જાય. રાત્રે મારી ને બાની સાથે જ પથારી થાય જેમાં એ પણ અમારાં ભેગી જ શયન કરે. ક્યારેક તો એની પ્રસુતીય અમારી પથારીમાં થયાનું મને યાદ છે. (કલ્લુનો મારા પર એકાધિકાર હોવાથી જ સ્તો !) ક્લ્લુએ ગંદા કરેલાં  ગોદડાંને ધોવા કાઢતાં બા ક્યારેક મારા પર અકળાય. હું ક્ષણિક ગરીબડી થઇ જાઉં પણ કલ્લુને હડસેલવાનું મને ક્યારેય ન રૂચે. બા અને મારો આખોય પરિવાર કલ્લુને ખૂબ ચાહે. કલ્લુ પણ ઘરના કોઈ પણ સભ્યને ઘરમાં આવતું જોઇને હરખભેર દોડીને તેને સત્કારે. અમારા સૌની આસપાસ ફરતાં એને થતો આનંદ એના હળવા ઘુરકાટમાં ને એના થરકતા દેહ દ્વારા વ્યક્ત થયા કરે.

કલ્લુની સચ્ચાઈ ને વફાદારીની પરીક્ષા અનેકવાર અનાયાસ થવાનું મને સાંભરે છે. ઘણીવાર રસોડાના ચૂલે ને પછી સગડીએ ગરમ કરેલું દૂધ ઠંડુ થવા મૂક્યું હોય. તપેલી પરનું છીબું અધૂકડું ઢાંકયું હોય. છીબાની આડશમાંથી દૂધ દેખાતું હોય. કલ્લુ રસોડાની ઓટલી પર બે પગે ઊભી રહીને લાલચુ નજરે દુધને નિહાળતી હોય પણ એ દુધમાં મોં નાખે એ બીજા ! બા કે ભાભીઓ કે હું એની ઉતાવળને ધ્યાને લઈને રકાબીમાં એને દૂધ પીરસીએ ત્યારે જ કલ્લુ એ દૂધ સ્વીકારે. ચોરીછૂપીથી કલ્લુએ દૂધ મોઢે માડ્યાંનું ક્યારેય બન્યું નથી.

હા, અમારા સંગમાં એને ગાંઠિયા, બિસ્કીટ ને અન્ય ફરસાણનો ખાસ્સો ચસકો લાગેલો. બાજુમાં પડેલી રોટલી છોડીને પોતાના ઝીણા દાંતથી કલ્લુ જે લિજ્જતથી ગાંઠિયા ચાવતી હોય!

આવી મારી પ્રિય કલ્લુ, છેક એના અઢારમાં વર્ષે માંદી પડી. ધીમે ધીમે તેનું હૃષ્ટપુષ્ટ શરીર ઘસાવા માંડ્યું. તેની ક્ષીણ થતી કાયા મનેય પેન્સિલની જેમ છોલતી રહી. છેલ્લા દિવસોમાં એ પાણીની આસપાસ પડી રહેતી.

હું એને વારંવાર બોલવું ત્યારે માંડ માંડ મીંચેલી આંખો અધૂકડી ઉઘાડીને એની માંદલી નજર મારી સામે એ ઠેરવતી. તેનું ચાપલ્ય, તેની સૂંવાળપ અદ્રશ્ય થતાં ગયાં.

એક સવારે મેં ઊઠીને જોયું તો કલ્લુ પથરાઈને આંગણાની વચ્ચોવચ્ચ સૂતી હતી- છેલ્લીવાર. એનાં મારા પર હંમેશાં મંડાયેલાં રહેતાં નયન મીંચાઈ ગયાં હતાં. જે આંગણાંને એણે બબ્બે દાયકા સુધી ખૂંદ્યું હતું ત્યાં જ એનાં ચપળ ચરણોની ગતિ વિરામ પામી હતી. હા, એ હતી શરદપૂર્ણિમાની સવાર. મારી કલ્લુએ રાસલીલાની પ્રભાતને નિર્વાણ માટે પસંદ કરીને એની સ્વામીભક્તિને સાર્થક કરી દીધી.

કલ્લુને સ્તબ્ધ બનીને જોઈ રહેલી મને ઢંઢોળતાં બાએ કહેલું, ‘તું એની માંદગી નહોતી જોઈ શકતીને ? એથી જ એ શાંત થઇ ગઈ. હવે પછી અનુભવવાનાં અનેક મૃત્યુની તું આજે જ તાલીમ લઇ લે. જેથી પ્રિયજનની વિદાયની ટેવ પડે, અમે બંને એકબીજાનો હાથ હાથમાં લઈને કલ્લુને આંખથી પંપાળતાં રહ્યાં.

થોડીવાર પછી શેરી વાળવા આવેલાં બહેનને ઘરમાં તેડી લાવીને બાએ કહેલું, ‘અમારી બિલાડીને ઘસડીને કે ઊંચકી ને ન લઇ જશો. તેને માનભેર ડબ્બામાં મૂકીને ઊંચકજો. મારી દર્શના તેને કોઈ પશુની જેમ લઇ જવાતી જોઈ નહીં શકે.’ કલ્લુને બાનો આ અંતિમ અર્ઘ્ય હતો.

કલ્લુ પછી હું મારી અંદર વસેલી મારી પ્રિયમાં પ્રિય વ્યક્તિઓને જતી જોતાં બાને સ્મરું છું.

મૃત્યુને મેં પહેલુંવહેલું જોયેલું મારા પિતાનો હાથ હાથમાં લઈને મારા ઘરમાંથી નીકળતું, ને પછી એ સીધું આવ્યું મારી કલ્લુને શાંતિ અર્પવા – શરદપૂનમની એ સવારે, મારી ઓગણીસની ઉંમરે. એ રાત્રે રાસલીલા આરંભાય ત્યારે એમાં જોડાવા માટે મારી આ અહીં ભૂલી પડેલી ગોપી ઉપડી ગઈ એના અસલી પ્રિયતમના સંગાથને માણવા.

કલ્લુ પછી કોઈ બિલાડીએ અમારા ઘરમાં આસન જમાવ્યું નથી. ઘરમાં આવતાં આગંતુક બિલાડાં ક્ષણિક મારા પર નજર માંડે છે ત્યારે એની આંખમાં હું કલ્લુની ભક્તિ શોધવા મથું છું. ચાલીસ વર્ષો દરમ્યાનની પછીથી આવતી રહેલી શરદપૂર્ણિમાઓની ચાંદની નિહાળતી વેળા એના પર છવાઈ જતું કલ્લુના મૃત્યુનું ધુમ્મસ મારાં ચંદ્રદર્શનને આજેય ધૂમિલ બનાવી દે છે.


ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


નોંધ: તસવીર સંદર્ભાત્મક – નેટ પરથી સાભાર