ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
૧૯૫૦ થી ૧૯૭૦ સુધીના અરસાનાં હિન્દી ફિલ્મી ગીતોમાં આ વાદ્યનો ભરપૂર ઉપયોગ થયો છે. આમ તો આ ક્ષેત્રે પાશ્ચાત્ય વાદ્યોનો ઉપયોગ ૧૯૪૦ના શરૂઆતના ગાળામાં જ શરૂ થઈ ગયો હતો. પણ એકોર્ડીયનનો પ્રવેશ પ્રમાણમાં મોડો થયો.
એકોર્ડીયનની કાર્યપધ્ધતિ હાર્મોનિયમ જેવી જ છે. એક છેડે આવેલી ધમણ જેવી રચનાથી વાદ્યના આંતરિક ભાગમાં હવા દાખલ કરવામાં આવે છે, જે અન્ય છેડેથી બહાર નીકળે તેના પરિણામે ધ્વનિ ઉત્પન્ન થાય છે. બહાર નીકળતી હવા ચાંપપટ્ટી/Keyboard માંથી પસાર થાય છે. આ રચનામાં જે તે કળ દબાવવાથી ધાર્યો સૂર વાગે તેવી વ્યવસ્થા હોય છે. નીચેની તસવીરોમાં ધમણ, મુખ્ય ઘટક અને ચાંપપટ્ટી સ્પષ્ટ જોઈ શકાય છે. આ વાદ્યને હાર્મોનિયમથી અલગ પાડનાર રચના બહુ વિશિષ્ટ છે. ડાબી બાજુની તસવીરમાં ધમણની ઉપર કાળાં અને જમણી બાજુની તસવીરમાં સફેદ બટન્સની હારમાળા જોઈ શકાય છે, જેને ‘બાસ બટન્સ’ કહેવામાં આવે છે. આ બટન્સની મદદથી ચોક્કસ સૂર અથવા વિવિધ સૂરોના સંયોજનની અસર નીપજાવી શકાય છે. તે ઉપરાંત વાદનની સાથે સાથે ચોક્કસ લય પણ બટન્સના ઉપયોગ વડે પેદા કરી શકાય છે.
એકોર્ડીયનના મુખ્ય બે પ્રકાર છે. એક, જેમાં કળપટ્ટી બિલકુલ હાર્મોનિયમ જેવી જ હોય છે. તેને પિયાનો એકોર્ડીયન કહેવામાં આવે છે. ડાબી તસવીરમાં એ જોઈ શકાય છે. અન્ય પ્રકારમાં પરંપરાગત ચાંપોની જગ્યાએ બટન્સ હોય છે. એ પ્રકાર બટન એકોર્ડીયન તરીકે ઓળખાય છે. આવો રચનાત્મક ફેર હોવા છતાં તે બેય પ્રકારોમાં કોઈ જ સૈધ્ધાંતિક ભેદ હોતો નથી. માત્ર વગાડવાની પધ્ધતિ અલગ પડે છે.
સામાન્ય રીતે વ્યવસાયિક ધોરણે વગાડી શકાય તેવાં એકોર્ડીયન્સ ૮ થી લઈને ૧૩ કિલોગ્રામ્સ સુધીના વજનનાં હોય છે. વાદક કલાકારની સુવિધા માટે આ વાદ્યના બે સામેસામેનાં પડખે મજબૂત પટ્ટા લગાડેલા હોય છે. વાદક એક એક પટ્ટો પોતાના એક એક ખભા ઉપર લગાડી વાદ્યને ઉંચકી શકે છે અને પછી આસાનીથી વાદન કરી શકે છે.
આ બન્ને પ્રકારનાં એકોર્ડીયન્સ વગાડવાની પધ્ધતિ બે કુશળ વાદકોની ક્લીપ્સ વડે સમજી શકાશે. પહેલી ક્લીપમાં વરિષ્ઠ વાદક અનિલ ગોડે પિયાનો એકોર્ડીયન ઉપર એક લોકપ્રિય ગીત વગાડી રહ્યા છે.
આ ક્લીપમાં એક વાદક બટન એકોર્ડીયન ઉપર પાશ્ચાત્ય ધૂન વગાડી રહ્યા છે.
વાદ્યની રચના અને વાદન પધ્ધતિ વિશે આટલી પ્રાથમિક માહીતિ મેળવ્યા પછી હવે કેટલાંક યાદગાર ફિલ્મી ગીતો સાંભળીએ.
હિન્દી ફિલ્મી ગીતોના વાદ્યવૃંદમાં સર્વપ્રથમ એકોર્ડીયન વાદન કઈ ફિલ્મના કયા ગીતમાં થયું એ ચોક્કસપણે કહી શકાય તેમ નાથી. છતાં એક મત એવો છે કે ફિલ્મ ‘દાસ્તાન’ (૧૯૫૦)માં સંગીતકાર નૌશાદે પહેલ કરી. તે ગીત માણીએ.
અન્ય મત મુજબ ફિલ્મ ‘સમાધિ’ના સદાબહાર ગીત ‘ગોરે ગોરે’ માટે સી. રામચન્દ્રના વાદ્યવૃંદમાં સૌ પહેલી વાર એકોર્ડીયન પ્રયોજાયું હતું. જો કે આ ફિલ્મ સહેજ મોડી પ્રદર્શિત (૧૯૫૧) થતાં યશ નૌશાદને ફાળે ગયો. મહત્વ કયા ગીતમાં એકોર્ડીયન પહેલું પ્રયોજાયું એ નથી, પણ એ યાદ રાખવા જેવું છે કે બેય ગીતોમાં એકોર્ડીયનના ખુબ જ કર્ણપ્રિય અંશો વાગ્યા છે.
એક વાર સફળ પ્રવેશ થયો પછી ફિલ્મોનાં વાદ્યવૃંદોમાં બહુ નિયમિત ધોરણે એકોર્ડીયનનો ઉપયોગ થવા લાગ્યો.
૧૯૫૦માં આવેલી ફિલ્મ ‘જાદૂ’ના એક ગીતમાં એકોર્ડીયનના ટૂકડા ખુબ જ આકર્ષક છે. આ ગીતનું સંગીત નૌશાદે તૈયાર કર્યું હતું. આ ગીત દ્વારા ફિલ્મી સંગીતમાં એકોર્ડીયનનો પ્રવેશ થયો એવું પણ ઘણા માને છે.
૧૯૫૩માં આવેલી ફિલ્મ ‘આહ’નાં બધાં જ ગીતો એકદમ લોકપ્રિય બન્યાં હતાં. તે પૈકીનું એક એકોર્ડીયન પ્રધાન ગીત સાંભળીએ. સંગીતનિર્દેશન શંકર-જયકિશનનું છે.
ફિલ્મ ટેક્સી ડ્રાઈવર’ (૧૯૫૪)ના આ ગીતમાં અદભુત એકોર્ડીયન વાદન છે. સંગીતકાર હતા સચીનદેવ બર્મન.
૧૯૫૭માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘જૉની વૉકર’ બહુ સફળ નહોતી થઈ. પણ તેમાં ઓ.પી.નૈયરનું સંગીત વખણાયેલું. એ ફિલ્મનું એકોર્ડીયનના યાદગાર અંશો ધરાવતું એક ગીત પ્રસ્તુત છે. આ ગીતમાં તાલ આપવા માટે ‘સ્ટીક્સ’ તરીકે ઓળખાતા ઉપતાલવાદ્યની હાજરી પણ સતત ધ્યાન ખેંચતી રહે છે.
ફિલ્મ ‘હાવરા બ્રીજ’(૧૯૫૮)માં ઓ.પી.નૈયરનું સંગીત હતું. તેનાં બે ગીતો (આઈયે મહેરબાં અને મેરા નામ ચીં ચીં ચૂં) એટલાં પ્રસિધ્ધ થઈ ગયાં કે તે જ ફિલ્મનું ખુબ જ પ્રભાવશાળી એકોર્ડીયન વાદન ધરાવતું એક ગીત હાંસિયામાં ધકેલાઈ ગયું. વાદ્યસંગીતના જાણકારોના મતે આ જટિલ ટૂકડાઓ વગાડવા પડકારરૂપ છે અને કોઈ અત્યંત કુશળ કલાકાર જ તે સંપૂર્ણતાથી વગાડી શકે. આ ક્લીપમાં ગૂડી સિરવાઈ કે જેમણે મૂળ ગીતમાં વગાડ્યું છે તે અવારનવાર પરદા ઉપર પણ એકોર્ડીયન વગાડતા નજરે પડે છે.
૧૯૫૮ની જ ફિલ્મ ‘ફીર સુબહ હોગી’ના આ ગીતમાં એકોર્ડીયનના ખુબ જ કોમળ ટૂકડા કાને પડે છે. ફિલ્મના સંગીતકાર હતા ખય્યામ.
કેટલાંક ગીતો સાથે એક વાદ્યનો પ્રયોગ એવી રીતે થાય છે કે તે વાદ્ય ગાયકીનું અવિભાજ્ય અંગ બની રહે. હેમંતકુમારનું સંગીતનિર્દેશન ધરાવતી ફિલ્મ ‘બીસ સાલ બાદ’ (૧૯૬૨)ના આ ગીતમાં મુખડાની ગાયકી સાથે એકોર્ડીયન જાણે કે વણાઈ ગયું હોય એ રીતે વાગતું રહે છે.
૧૯૬૨માં જ પ્રદર્શિત થયેલી રવિના સંગીત નિર્દેશન વાળી ફિલ્મ ‘ચાયના ટાઉન’ના આ ગીતમાં એકોર્ડીયન ઉપરાંત અન્ય વાદ્યો પણ વાગતાં રહે છે. પણ, અંતરાને સમાંતરે વાગતા ‘ઓબ્લીગેટો’ તરીકે ઓળખાતા અંશોમાં માત્ર અને માત્ર એકોર્ડીયનનો જ ઉપયોગ થયો છે. આ ગીતની ક્લીપમાં પણ ફિલ્મી વાદ્યવૃંદના પ્રતિષ્ઠિત વાદક ગૂડી સીરવાઈ અવારનવાર વાદન કરતા નજરે પડે છે.
https://www.youtube.com/watch?v=t7tTei9K0WY
૧૯૬૮ની રાહુલદેવ બર્મનના સંગીતનિર્દેશન વાળી ફિલ્મ ‘પડોસન’ના બનાવેલા આ ગીતમાં એકોર્ડીયનનો એવો અસરકારક ઉપયોગ થયો છે કે તેના તરફ શ્રોતાઓનું ધ્યાન સતત ખેંચાતું રહે.
ફિલ્મ ‘મીનુ’ (૧૯૭૭)ના ખુબ જ જાણીતા ગીતમાં પરદા પર અભિનેતાને હાર્મોનિયમ વગાડતા દર્શાવાયા છે. પણ હકીકતમાં ગીતના વાદ્યવૃંદમાં એકોર્ડીયનનો ઉપયોગ થયો છે. સંગીતકાર છે સલિલ ચૌધરી.
(ક્રમશ🙂
નોંધ :
૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com