વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
એ શુભ દિવસ નજીક આવી રહ્યો હતો, સુશીલા અને સત્યેન્દ્ર એમના પ્રસન્ન દાંપત્ય જીવનની ફલશ્રુતિરૂપ વારસના જન્મના એંધાણથી બંને અત્યંત ખુશ હતાં. ન સાસુ, ન સસરા કે નણંદ દિયર, સુશીલા આ પ્રસન્નતા કોની સાથે માણે? પણ સત્યેન્દ્રએ એની દરેક તમન્ના પૂરી કરવામાં કોઈ કચાશ બાકી નહોતી રાખી.
સત્યેન્દ્રએ સુશીલાની સંભાળ માટે બે પરિચારિકાની વ્યવસ્થા કરી. પાણી માંગે ત્યાં દૂધ હાજર થઈ જતુ પણ સુશીલાને પોતાનું, કોઈ આત્મિય સાથે હોય એવી લાગણી થતી. સત્યેન્દ્રના પરિવારમાંથી તો કોઈ એવું નહોતું કે જેને બોલાવી શકાય પણ સુશીલાની ઈચ્છાનુસાર એની નાની બહેન ગુણસુંદરીને બોલાવા સત્યેન્દ્રએ સંમતિ આપી. સુશીલા તરફના અત્યંત અનુરાગને લઈને સત્યેન્દ્ર એની કોઈ વાત ટાળી શકે એમ હતા જ નહીં,
અને સાવ અલ્પ સમયમાં સુશીલાએ કરેલા તારના જવાબમાં સુશીલાનો ભાઈ ગુણસુંદરીને મૂકવા આવ્યો.
ગુણસુંદરી…
ગુણ અને સુંદરતાનો સરવાળો એટલે ગુણસુંદરી. સાદી ભાષામાં કહીએ કે રંગે રૂડી રૂપે પૂરી, સર્વ કળામાં માહિત એવી સુશીલાથી ત્રણ વર્ષ નાની ગુણસુંદરીએ આવતાની સાથે જ ઘરની વ્યવસ્થા ખૂબીપૂર્વક સંભાળી લીધી. વહેલી સવારે પૂજાપાઠથી શરૂ થતો એનો દિવસ ઘર આખાને મંગલમય બનાવી દેતો.
સુશીલાની સ્નેહપૂર્વક સંભાળની સાથે પરિચારિકાઓને સરસ રીતે સાચવી લેતી અને સત્યેન્દ્રની તો વાત જ અલગ હતી. એ તો એના જીજાજી હતા, અત્યંત સન્માનપૂર્વક એમની તમામ તક સાચવી લેતી. સત્યેન્દ્રના વાચનકક્ષને વ્યવસ્થિત રાખતી, રોજ તાજા ફૂલોથી સત્યેન્દ્રના ટેબલને સજાવતી.
ગુણસુંદરીએ એના સુચારુ વ્યક્તિત્વની મોહિનીથી સૌના દિલ જીતી લીધા.
આવી સર્વગુણસંપન્ન ગુણસુંદરીને માત્ર એક સુખથી વિધાતાએ વંચિત રાખી. એ બાળ-વિધવા હતી પણ એણે તો આ વૈધવ્યને સાદગી અને સન્માનપૂર્વક અને પૂરેપૂરી ગરિમાથી સ્વીકારી લીધું હતું. નિર્વિકાર તપોમય સાધાનાથી એનો ચહેરો કાંતિમય બન્યો હતો.
પ્રખર-પ્રકાંડ વિદ્વાન એવા એના પિતાએ એના તપોમય જીવન માટે સંસ્કૃતથી માંડીને અન્ય ભાષાઓના જ્ઞાનથી સુસંસ્કૃત કરી હતી. આમ ગુણસુંદરી અતુલનીય સુંદર જ નહીં અતુલનીય વિદુષી પણ હતી.
અને એ દિવસ આવી ગયો. સવારના બ્રાહ્મ મુરતમાં સુશીલાએ પુત્રને જન્મ આપ્યો. ઘર આખું પ્રસન્નતાથી છલકાઈ રહ્યું. ગુણસુંદરીએ માતાના ઘરેથી આણેલી સોને મઢેલા રુદ્રાક્ષ પોરવેલી સોનાની ચેઈન બાળકને પહેરાવી. ખુશીથી છલકતા ગુણસુંદરીના ચહેરા પર જે આભા પ્રસરી હતી એ જોઈને સુશીલા અને સત્યેન્દ્ર ચકિત બની ગયાં.
સ્વભાવગત શાંત ગુણસુંદરી સુશીલાની ખુશીથી પ્રફુલ્લ બની જતી. આજ સુધી એના ચહેરા પરની શાંત સૌમ્યતામાં ઉત્ફુલ્લિતા ઉમેરાઈ અને એના આજ સુધીના આ અજાણ્યા ભાવથી સત્યેન્દ્ર એના તરફ આકર્ષાતો ચાલ્યો. ગુણસુંદરી તરફનો સ્નેહ શ્રદ્ધાથી સિંચાયેલો હતો. એ વાત્સલ્ય શ્રુંગારમાં પરિવર્તન થવા માંડ્યું. સત્યેન્દ્રએ એના આ ભાવ પ્રગટ ન થાય એવી અનેક કોશિશ કરી પણ હવે એને જોઈને એ વ્યાકુળ થઈ જતો. ગુણસુંદરીને જોવાની તીવ્ર લાલસા થઈ જતી. બાળકના લાલનપાલનમાં વ્યસ્ત સુશીલાની અધિકાંશ જવાબદારીઓ ગુણસુંદરીના માથે આવી, અનેક કારણોસર સત્યેન્દ્ર અને એનો અરસપરસ સંપર્ક વધતો ચાલ્યો અને સત્યેન્દ્રનો એના તરફનો મોહ પણ…
આજે તો નવજાતના નામકરણ સંસ્કારનો દિવસ હતો. આખા દિવસના આ ઉત્સવમાં ગુણસુંદરી પોતાનું અસ્તિત્વ સુદ્ધા વિસરી ગઈ. સૌ વિખરાયા અને રાત્રે જીજાજીનું ભોજન લઈને એ એના રૂમમાં ગઈ. સાહિત્યનું કોઈ પુસ્તકમાં ઓતપ્રોત દેખાતો સત્યેન્દ્ર ખરેખર તો કથાની નાયિકાના સૌંદર્યમાં ગુણસુંદરીને નિરુપીને કલ્પિત જગતમાં રાચતો હતો અને મનોવ્યાપારમાં છવાયેલી એ જ રૂપસુંદરીને સમક્ષ જોઈને એની આંખો વિસ્ફારિત થઈ ઊઠી, જેની ભાવના કરતો હતો એને નજર સામે ઊભેલી જોઈને એ મ્હોં વકાસીને એને જોઈ રહ્યો. જીજાજીના આવા ભાવ જોઈને ગુણસુંદરીના ચહેરા પર વિસ્મય અંજાયું અને એના ચહેરા પર સ્નિગ્ધ સ્મિત આવી ગયું અને વળતી પળે નીચી નજરે એ થાળી ટેબલ પર મૂકીને બહાર નીકળી ગઈ.
ગુણસુંદરીના એ સ્મિતે એની વિવેક બુદ્ધિને હડસેલીને હ્રદયના તારને ઝંકૃત કરી દીધા. સૌંદર્યે તો ભલભલા મુનિને ચળાવી દીધા છે તો સત્યેન્દ્રની શી વિસાત! એ વધુને વધુ મોહાંધ બનતો ચાલ્યો. એનું મન મનગમતા વિચારોમાં અટવાતું ચાલ્યું. ગુણસુંદરીના સ્મિતનું એ મનભાવન અર્થઘટન કરતો ચાલ્યો. એણે માની લીધું કે ગુણસુંદરીની એ મુસકરાહટ એના પ્રેમનો જ પડઘો હતો.
સત્યેન્દ્રએ એ આખી રાત ખુલ્લી આંખે સપનામાં વિતાવી. રાતના અંધકારને ચીરતું સવારનું અજવાળું બારીમાંથી ધસી આવ્યું અને એની સાથે ગુણસુંદરીનો સૂરીલો અવાજ પણ..
“રે મન ભૂલ્યો ફરે જગ વચ્ચે…..” એના અવાજની આંગળીએ એ સત્યેન્દ્ર બહાર બગીચા સુધી દોરાઈ આવ્યો. એકટક એ એને જોઈ રહ્યો. ગુણસુંદરીની નજર પડતાં એનું ભાવ વિશ્વ વિખેરાયું.
કહેવું ના કહેવુંની અવઢવમાં એ ગુણસુંદરીને પૂછી બેઠો,.
“ગુણસુંદરી, કેટલાક વખતથી એક વાત કહેવી છે, કહેતા સંકોચ થાય છે, પણ કહેવી તો છે જ. હું પત્ર લખું તો તું એનો જવાબ તો આપીશ ને?”
“જીજાજી, મારી અલ્પ બુદ્ધિ એવું માને છે કે જે વાત કહેવામાં સંકોચ થાય એ વાત લખીને કહેવી પણ અનુચિત જ હશે અને જે વાત અનુચિત છે એને હ્રદયમાં જ ભંડારી દેવી વધુ યોગ્ય છે.” કહીને એ અંદર ચાલી ગઈ. સત્યેન્દ્ર સ્થિર બનીને ઊભો રહી ગયો.
પણ કહે છે ને કે લાગણીઓને જેટલી કાબૂમાં લેવા મથો એટલી એ વધુ છલકાય અને એક દિવસ સત્યેન્દ્રની લાગણીઓ પત્રમાં છલકાઈને ગુણસુંદરી સુધી પહોંચી.
આ ઘટનાના એક સપ્તાહમાં સુશીલાનો ભાઈ ગુણસુંદરીને લેવા આવ્યો. ગુણસુંદરીની માતાની ઉંમરના લીધે ઘરની જવાબદારી એની પર હતી. ઘરના નાના-મોટા તમામ કાર્યોને એ સરળતાથી વહે જતી. સુશીલા અને સત્યેન્દ્ર બંને ગુણસુંદરીના જવા પર પોતપોતાના કારણોથી વ્યથિત હતાં. સત્યેન્દ્રના વિવશ હ્રદયમાં તુમુલ સંગ્રામ ચાલતો હતો. એની હ્રદય સમ્રાજ્ઞી દૂર થવાની હતી એ વિચારે એ વ્યાકુળ હતો. આ ચોવીસ કલાકમાં એણે ગુણસુંદરીને મળવાના અનેક પ્રયાસો કર્યા પણ વ્યર્થ ગયા. ગુણસુંદરી એને અવગણે છે એવું સમજવા છતાં એના સુધી પહોંચવા મથતો રહ્યો.
અંતે ગુણસુંદરીથી છૂટા પડવાની ક્ષણ આવીને ઊભી રહી. સ્ટેશન સુધી એની સામે પણ ન જોનાર ગુણસુંદરીએ અત્યંત કોમળતાથી એને બોલાવ્યો. ટ્રેનની બારી પાસે બેઠેલી ગુણસુંદરીએ સુશીલા અને નવજાત શિશુને લઈને આવવાનું આમંત્રણ આપ્યુ.
ટ્રેન ઉપડી, પ્લેટફોર્મ છોડીને જતી ટ્રેનની સાથે સત્યેન્દ્રને એનામાંથી પણ કશુંક છૂટી રહ્યું હોય એવું લાગ્યું . એ પ્રાણ-શૂન્ય બનીને ઘરે પાછો ફર્યો. ઘરમાંથી જાણે માધુર્ય ચાલ્યું ગયું. સુશીલા કે સંતાન બંનેમાંથી કોઈને મળવા-જોવા સુદ્ધા એને મન ન થયું. મોડી રાત્રે પરિચારિકા આવીને એને એક બંધ કવર આપી ગઈ. ધડકતા હ્રદયે, કાંપતા હાથે એણે પત્ર ખોલ્યો.
ક્રમશઃ
જે વાત ગુણસુંદરી સત્યેન્દ્રને પ્રત્યક્ષ રીતે અથવા સુશીલાની હાજરીના સંકોચને લઈને ન કહી શકી એ એણે પત્રમાં કેવી રીતે વ્યક્ત કરી, પત્રમાં ગુણસુંદરીએ શું લખ્યું હશે એ વાંચીશું આવતા અંકે.
ચંડીપ્રસાદ-હ્રદયેશ લિખિત વાર્તા, મુસ્કાન,ને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.