વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

ગતાંક થી આગળ

આપણે ગયા અંકમાં જોયું કે જે વાત ગુણસુંદરી સત્યેન્દ્રને પ્રત્યક્ષ રીતે અથવા સુશીલાની હાજરીના સંકોચને લઈને ન કહી શકી એ એણે પત્રમાં વ્યક્ત કરી હતી, પત્રમાં ગુણસુંદરીએ શું લખ્યું હશે? એ રહસ્ય આજે જાણીએ.

ગુણસુંદરીએ પત્ર લખ્યો છે એ સાનંદાશ્ચર્યમાં સત્યેન્દ્ર સ્તબ્ધ બની ગયો. ધડકતા હ્રદયે, કાંપતા હાથે એણે પત્ર ખોલ્યો.

પૂજ્ય જીજાજી,

ન માન્યું તમે મારું કહ્યું અને છેવટે પત્ર લખ્યો જ. ક્રોધ, ક્ષોભ અને ગ્લાનિથી મારું મન વ્યથિત થઈ ગયું હતું, તમારો પત્ર મળે એ એ પહેલાં જે મને પાછી બોલાવવા હેમચંદ્રને પત્ર લખી દીધો હતો.

એક વાર તો વિચાર આવ્યો કે આપનો પત્ર ખોલ્યા વગર જ સુશીલાબેનને આપુ પરંતુ એમ કરીને દામ્પત્ય જીવનમાં તમે જે વિશ્વાસઘાતી પગલું લેવા જઈ રહ્યા હતા એની જાણ કરીને હું દીદીને દુઃખી જ કરત. કદાચ તમારા માટે દીદીના મનમાં ખોટ ઊભી થાત અને અંતે તો એનું પરિણામ મારી નિષ્પાપ બેનને જ ભોગવવાનું આવત. દુઃખ તો મને એ વાતનું છે કે આપ જેવા વિદ્વાન આચાર્યે આવું ધૃણિત કૃત્ય કરતાં સહેજ પણ લજ્જા ન અનુભવી. છિ..

કદાચ તમે એવું વિચારી લીધું કે એક તો સાળી અને તે પણ બાળ વિધવા, એને ભ્રષ્ટ કરવાનો મને અધિકાર છે. એક ક્ષણ પર એવો વિચાર ના કર્યો કે સંસાર-ભરની સાળીઓ અને બાળ વિધવાઓ કામદેવની ઉપાસિકા નથી હોતી.  ધર્મ, વિવેક કે સતીત્વને તુચ્છ ગણીને મદન-દેવની ઉપાસનમાં વહી જાય એવું બધે નથી બનતું. વૈધવ્યના અંધકારમય જીવનને પણ ભક્તિ-સાધનાથી ઉજ્જ્વળ બનાવી શકીએ છીએ.

ભલેને તમે બૃહસ્પતિના સાક્ષાત અવતાર જેવા હો પણ મારું હ્રદય તમે પારખવામાં ઓછા ઉતર્યા. મને યાદ છે ત્યાં સુધી મેં તમારી સમક્ષ એવું કોઈ આચરણ નહોતું કર્યું કે જેનાથી તમે આવો પત્ર લખવા પ્રેરાવ. હા, એક વાર તમને જોઈને મારા મ્હોં પર સ્મિત જરૂર આવી ગયું હતું, એમાં તમને મારામાં મુગ્ધભાવ અનુભવાયો હશે પરંતુ ખરેખર તો તે દિવસે તમારા ચહેરા પર આછા છલકતા મૂર્ખતાભર્યા ભાવથી મારા ચહેરા પર મુસકરાહટ આવી હતી અને પ્રખર પંડિત સાહિત્યાચાર્ય -શ્રીમાન સત્યેન્દ્ર એમ.એ.પી.એચ.ડી મહાશયે જે અર્થ શોધ્યો એમાં તો મેં અત્યંત આત્મ-ગ્લાનિ અનુભવી હતી એ આજે કહું છું.

જીજાજી, તમે સાવ સરળ એવી સુશીલા સાથે જે વિશ્વાસઘાત કર્યો છે એના માટે તમે એની માફી માંગો એમાં જ તમારું શ્રેય છે. એનામાં ઝાકળબિંદુ જેવી સુકોમળતા છે તો દુર્ગા જેવી શક્તિ પણ છે. એનામાં સમુદ્ર જેવું ઊંડાણ છે તો એમાંથી ઊઠતા વડવાનળનો અગ્નિ પણ છે જે જાગૃત થશે તો તમારું વિશ્વ ભસ્મ થઈ જશે.

જીજાજી, ઉંમરમાં હું તમારાથી નાની છું એટલે ક્ષમાને પાત્ર છું. અજાણતાંય મારાથી એવી કોઈ ચેષ્ટા થઈ હોય જેનાથી તમારું મન ભ્રમિત થયું હોય તો ઉદાર હ્રદયે મને ક્ષમા આપશો સાથે પ્રાર્થું છું કે ક્ષણિક આવેશમાં આવીને તમે જે પત્ર લખવાની ચેષ્ટા કરી એને એક સરિતાના વહેતા પાણીની જેમ મનમાંથી વહી જવા દેજો પણ હા, દુર્ગા-પૂજાના અવસર પર દીદીને લઈને આવવાનું ન ભૂલતા. આ સાથે તમારો પત્ર પરત કરું છું જે મેં પૂરો વાંચ્યો પણ નથી. શરૂઆતની બે-ચાર લાઈનો વાંચીને તમારા ભ્રષ્ટ વિચારોનો અંદેશો તો આવી જ ગયો હતો. આશા છે મારી વાત સમજી શકશો.

તમારા વાત્સલ્યને પાત્ર -ગુણસુંદરી.

પત્ર પૂરો થતાની સાથે સત્યેન્દ્રનું મોહાવરણ તૂટ્યું અને સમજાયું કે એ શું કરવા જઈ રહ્યો હતો.  એ પત્ર પકડીને જાણે મૂર્છિત જેવી અવસ્થામાં એવો સરી ગયો કે સુશીલાના આગમનની એને જાણ સુદ્ધા ન થઈ.

સત્યેન્દ્રનો વ્યથિત, ફિક્કો પડી ગયેલો ચહેરો જોઈને સુશીલાએ પાસે આવી. હળવેથી એણે સત્યેન્દ્રનો હાથ પોતાના હાથમાં લીધો અને પ્રશ્નાર્થસૂચક નજરે એને જોઈ રહી.

અને સત્યેન્દ્રની આંખો વરસી પડી. આ જ ક્ષણ હતી એના અપરાધની ક્ષમા માંગવાની.  સતત એ બોલતો રહ્યો, સુશીલા સાંભળતી રહી. એણે બંને પત્રો સુશીલાના હાથમાં મૂકી દીધા. સુશીલાએ એ પત્રો ખોલ્યા વગર જ બાજુમાં મૂકી દીધા. નિરભ્ર આકાશની જેમ એનો ચહેરો ચમકી ઊઠ્યો.

“બસ આટલી જ વાત! આટલી વાત માટે તમે આકાશ-પાતાળ એક કરી દીધા?”

સુશીલાની વાતે સત્યેન્દ્રને હળવો ફૂલ કરી દીધો. હ્રદય પરથી જાણે કેટલોય બોજો ઉતરી ગયો.

 *****

ગુણસુંદરીના આગ્રહને માન આપીને આજે સત્યેન્દ્ર, સુશીલા એમના પુત્રને લઈને દુર્ગા-પૂજામાં સામેલ થવા આવ્યા અને પછી જે ઘટના બની એ તો ગુણસુંદરીએ પણ કલ્પી નહોતી.

ગુણસુંદરીની સમક્ષ આવીને ઊભો, એની આંખમાં સીધી નજર માંડીને એ બોલતો રહ્યો,

“ ગુણસુંદરી, કોઈ એક રમણીના ચહેરા પરના ભાવ જોઈને હું ભૂલાવામાં પડ્યો. તારા ચહેરા પરનું સ્મિત જોઈને મેં એમાં ભાવો ધારી લીધા, મનગમતા અર્થ કરી લીધા .વાસ્તવમાં અમે પુરુષ લોકો સાચે જ મૂર્ખ હોઈએ છીએ પણ હું મનથી પ્રાયશ્ચિત કરીને આવ્યો છું. હું ક્ષમાને પાત્ર તો નથી પણ આજે હે જગજ્જનની, હું ખરા મનથી, સાચા હ્રદયથી તારી ક્ષમા પ્રાર્થુ છું. મને માફ કરીશ ને?”

અને સત્યેન્દ્ર ઘૂંટણિયે બેસી પડ્યો.

ગુણસુંદરીના ચહેરા પર પ્રભાત જેવી ઉજ્જ્વળતા ફેલાઈ રહી. બંનેને જોઈને દૂર ઊભેલી સુશીલાનો ચહેરો અત્યંત પ્રસન્નતાથી ખીલી ઊઠ્યો.


ચંડીપ્રસાદ-હ્રદયેશ લિખિત વાર્તા, મુસ્કાન,ને આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.