મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર

                         “ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત
                         ઘડીએ મનમાં ઘાટ તે, જાણે જગનો તાત.”

કવિ દલપતરામ

વિશ્વના કોઈપણ ખૂણે બનતા બનાવની જાણ કરવા માટે દુનિયા આખીમાં છાપાંઓ, રેડિયો અને ટેલિવિઝનો સતત કાર્યરત રહેતાં હોય છે. તેમના ખબરપત્રીઓ આ માટે ઠેર ઠેર ઘૂમતા હોય છે. જે સરકાર કે સંસ્થાના વહીવટમાં પારદર્શિતા હોય- એટલે કે ત્યાં શું ચાલી રહ્યું છે તે આમજનતા જાણી શકે- તે સંસ્થાની પ્રશંસા થાય છે. પોતે શું કરી રહી છે તે લોકોને જણાવવા માટે સરકારો જાહેરાતો પણ કરે છે અને જાહેરાતો માટે અલગ બજેટ પણ ફાળવવામાં આવે છે. આથી આપણે એમ માનવા પ્રેરાઇએ છીએ કે સરકારને પોતાની કામગીરીની જાહેરાતનું મહત્વ ખૂબ જ છે. પરંતુ નવા નિમાતા પ્રધાનો અને બીજા એવા મહત્વના હોદેદારોને ગુપ્તતાના એટલે કે કેટલીક બાબતો ખાનગી રાખવા માટે સોગંદ લેવા પડે છે. આ રીતે દરેક સરકારનો આરંભ તો ‘ખાનગી’થી જ થાય છે. આપણો અનુભવ એવો છે કે સોગંદ કે પ્રતિજ્ઞા એવા કાર્યો માટે જ લેવા પડે કે જે કરવા કે ન કરવા ખૂબ મુશ્કેલ હોય. આથી એમ માની શકાય છે કે સરકાર માટે કેટલીક  માહિતીઓ ખાનગી રાખવી એ ઘણું મુશ્કેલ કામ છે. આ મુશ્કેલ કાર્ય માટે  સરકારના કેટલાક વિભાગોમાં ‘ખાનગી’ નામની એક શાખા રાખવામાં આવતી હોય છે જેમાં ચુનંદા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવતી હોય છે.

જેવું સરકારનું એવું જ જનસાધારણનું. કોઇપણ વાત ખાનગી રાખવી એ આપણામાંનાં મોટાભાગના લોકો માટે ખૂબ કઠણ કામ છે. કેટલાકને તો એ પડકારરૂપ બની જાય છે. એમ કહેવાય છે કે ગણેશજીને મોટા કાન એટલા માટે આપવમાં આવ્યા છે કે તે ઘણુંબધું સાંભળી શકે, પરંતુ આ સાંભળેલી વાતો ખાનગી રાખવી એ ગણેશજી માટે પણ મુશ્કેલ હોઈ તેમને મોટાં પેટની સુવિધા આપવી પડી છે. વ્યવહારમાં   આપણે કોઈને કશીક માહિતી ખાનગી રાખવા “પેટમાં રાખજો” એમ ભાર દઈને કહીએ છીએ. જે માણસ  વાત ખાનગી રાખવા માટે અસમર્થ હોય તેને માટે કહેતા હોઈએ છીએ “બિલાડીના પેટમાં ખીર ટકે તો ફલાણાનાં પેટમાં (ખાનગી)વાત ટકે”.

ખાનગીનું આકર્ષણ સૌ કોઇને  હોય છે. કોઈ વાતને ખાનગીનું લેબલ લગાડવાથી તેનું  મહત્વ તો વધી જ  જાય છે ઉપરાંત તે માટેની જિજ્ઞસા પણ વધી જાય છે. કશુંક ખાનગી છે એવો ખ્યાલ આવતાની સાથે જ નિર્જીવ લાગતી દિવાલ પણ કાન ધારણ કરી લે છે. કોઇપણ સમાચાર આપણે ફેલાવવા  હોય તો નિ:શુલ્ક સેવા આપવા  કેટલાક  મનુષ્યો હાજર જ હોય છે, શરત માત્ર એટલી કે તેમને ‘આ વાત ખાનગી રાખજો’. એમ કહેવું પડે.

“વાત બહાર જાય નહિ, કોઈને કહેવાય નહિ, આ તો તમે ઘરના બાકી કોઇને કહેવાય નહિ” ગુજરાતી ગીતના આ શબ્દો સૂચવે છે કે ખાનગીનું લેબલ લગાડીને કહેવાથી સામેની વ્યક્તિને આત્મીયતાનો અનુભવ કરાવાય છે. તેથી મોટી સંખ્યામાં આત્મીયો બનાવવા માટે વધુ ને વધુ લોકોને વાત ખાનગીનું લેબલ લગાડીને કહેનારા લોકો હોય જ છે.

જુદી જુદી વાતોને  ખાનગી રાખવા માટે જુદા જુદા કારણો હોઈ શકે છે. પરંતુ કેટલાક લોકો  કોઇપણ કારણ વિના ‘કલા ખાતર કલાની જેમ’ “આ તો તમને જ કહું છું બીજાને કહેવાય નહિ” એમ દરેકને કહેતાં ફરતાં હોય છે. રાજા ભરથરીએ પોતે આપેલું અમરફળ ફરતું ફરતું તેની પોતાની પાસે જ આવી ગયેલું એમ કેટલીક ખાનગી વાતો જુદા જુદા કાનોના પ્રવાસ કરીને મૂળ વ્યક્તિ પાસે પાછી આવી જતી હોય છે.

આપણો ખ્યાલ એવો  હોય છે કે ખાનગી એટલે કોઇ વાત કે સમાચારની સામગ્રીને(Content)  ખાનગી રાખવી. પરંતુ કેટલીક વખત સમાચાર તો જાહેર કરવાના જ હોય છે પણ તે ક્યાંથી આવ્યા એટલે કે તેનું  ઉદભવ સ્થાન ખાનગી રાખવું જરૂરી હોય છે. છાપામાં આપણે ઘણીવાર વાંચતા હોઈએ છીએ કે પોતાનું નામ ન જણાવવાની શરતે કોઈ વ્યક્તિએ જે તે વાત જણાવી. એ જ રીતે સમાચારપત્રોમાં કે ટિવી પર કોઇ ખબર સુત્રોના હવાલાથી કહેવાય છે. આ ‘સુત્રો’ કેવા હશે અને ક્યાં રહેતા હશે એ આજસુધી સમજાયું ન હોવા છતાં સુત્રો એટલે ખાનગી એવો ખ્યાલ તો આવે જ છે.

આજે ખૂબ આગળ વધેલી ટેક્નોલોજીને કારણે માહિતી ઝડપથી ફેલાવી શકાય છે. તેથી આપણે એમ માનીએ છીએ કે ખાનગીનું મહત્વ ઓછું થઈ ગયું છે. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આ ટેક્નોલોજીએ પાસવર્ડની વ્યવસ્થા કરવી પડી  છે. આ પાસવર્ડનું મહત્વ તેના ખાનગી હોવામાં જ છે.

ખાનગી વાત જેમ બને તેમ ઝડપથી જાણી લઈએ તેવી આપણી ઇચ્છા સસ્પે‌ન્સ ફિલ્મો જોતી વખતે કે જાસુસી નવલકથા વાંચતી વખતે બિલકુલ ઉલ્ટી રીતે વર્તે છે. ફિલ્મ કે જાસુસી નવલકથાનું રહસ્ય જાણવમાં જેટલો વિલંબ થાય તેટલું મનોરંજન વધારે મળે છે!

એમ કહેવાય છે કે સમાજમાં પરસ્પરના સબંધો ટકી રહે તે માટે કુદરતે મનુષ્યના વિચારો ખાનગી રાખવાની વ્યવસ્થા કરી છે. જો આ વ્યવસ્થા ન કરવામાં આવી હોત તો શું થાય તેની કલ્પના પણ ભયંકર છે. મિત્ર-મિત્રના, પતિ-પત્નીના, ગ્રાહક-વેપારીના કર્મચારી-બોસના એમ પરસ્પરના સબંધો ધરાવતા કે સંપર્કમાં આવતા લોકોને એકબીજાના મનમાં ચાલતા  ખાનગી વિચારોની જાણ થઈ જાય તો શી પરિસ્થિતિ થાય તેની સમજી શકાય તેમ છે. મને લાગે છે કે અણુબોંબની સહાય  વિના જ માનવ જાતનો અંત આવી જાત!

આ રીતે પારદર્શિતાને ગમે તેટલી નવાજવામાં આવે પણ વધારે ઉપયોગિતા તો ખાનગીની જ છે. પરસ્પર વાતચીત કરવાનો ઉત્સાહ આપણને ગમે તેટલો હોય પરંતુ આપણી આપણી મથામણ તો કેટલીક પસંદગીની માહિતીઓને ખાનગી રાખવાની જ હોય છે. આ લેખની શીર્ષક પંક્તિઓ બાળપણમાં જાણી ત્યારે એવું સમજતા કે  કોઇ વાત કે કાર્ય ગમે તેટલું ખાનગી રાખીએ તો પણ તેની જાણ વિશ્વપતિ એટલે કે ભગવાનને થઈ જાય છે. આ ભગવાન બાબતે આપણી સમજ એવી હતી કે કોઈ દિવ્ય પુરુષ અદૃશ્ય જાસુસ બનીને આપણે  જ્યાં પણ જઈએ ત્યાં આપણો પીછો કરતો હશે અને આપણા ખાનગી વિચારો કે કરતુતો જાણી લેતો હશે. પરંતુ આજે  એમ લાગે છે કે એ ઇશ્વર બીજું કોઇ નહિ પરંતુ આપણો અંતરાત્મા છે, જે હંમેશ આપણી સાથે જ રહેયો હોય છે. સૌથી વધારે  પ્રયત્નો આપણા ખોટા વિચારો કે કરતુતોને પોતાના અંતરાત્માથી  ખાનગી રાખવા માટે કરતા હોઈએ છીએ, પરંતુ જેમ અન્યનાં પગરખા પહેરતી વખતે આપણા પોતાના પગ જ કહી દે છે કે કશુંક ખોટું થઈ રહ્યું છે તેમ પેલો માંયલો બધું જ જાણી જાય છે અને આપણને  ‘રુક જા, રુક જા ‘એમ કહેતો પણ હોય છે. પરંતુ આપણે આ અવાજને સાંભળ્યો ન સાંભળ્યો કરીએ છીએ અને આપણાં અંતરાત્માને છેતરવાના પ્રયાસો કરતાં હોઈએ છીએ. પરંતુ જેમને આપણે મહાપુરુષો કહીએ છીએ તેમને કશું પણ ખાનગી રાખવાનું હોતું નથી, ખાસ કરીને પોતાના અંતરાત્માથી તો નહિ જ. આથી જ પોતાના વિચારો જેનાથી કદી  ખાનગી રાખવાનો પ્રયાસ કરતા નથી તેવા પોતાના અંતરાત્માના આદેશ મુજબ વર્તન કરનારને જ આપણે ગાંધીજી કે સોક્રેટિસ કહીએ છીએ ને?


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.