વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ઝાંસી કી રાની (૧૯૫૩)

    ટાઈટલ સોન્‍ગ

    બીરેન કોઠારી

    સોહરાબ મોદીનો ઉલ્લેખ મોટે ભાગે ‘મિનરવાના સિંહ’ તરીકે કરવામાં આવે છે. તેમની નિર્માણસંસ્થા ‘મિનરવા મુવીટોન’ના પ્રતીકચિહ્નમાં સિંહ હોવાને કારણે આમ કહેવાતું હતું. અલબત્ત, આમ કહેવાવા માટે સોહરાબ મોદીનો બુલંદ અવાજ જવાબદાર ખરો. પણ એક વાર આવું વિશેષણ ફરતું થઈ જાય એટલે કાયમની શાંતિ. ‘સિંહની બુલંદ ગર્જના’થી લઈને ‘સિંહ ઘરડો થયો’ જેવા વાક્યપ્રયોગો આસાનીથી વાપરી શકાય. નવી ઉપમાઓ શોધવા જવું ન પડે. સોહરાબ મોદી અને વી. શાંતારામ વચ્ચે સામ્ય એટલું કે બન્ને નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા હતા. ઘણા વખત અગાઉ કોઈકની ટીપ્પણી વાંચી હતી કે- શાંતારામના અવાજમાં બુલંદી અને સોહરાબ મોદીના અવાજમાં આરોહઅવરોહ હોત તો જોઈતું’તું શું? આ બન્ને સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિએ આ ટીપ્પણી કરી હતી, પણ તેનું નામ મને યાદ નથી. આત્મમુગ્ધ હોવાની પરંપરા માત્ર રાજકારણ પૂરતી કે આજકાલની નથી. ફિલ્મોમાં તો એ સામાન્ય અને અમુક હદે ક્ષમ્ય પણ ગણી શકાય.

    મારી એક સામાન્ય છાપ એવી છે કે સોહરાબ મોદીની ફિલ્મોનો સંગીતપક્ષ તેના કાબેલ સંગીતકારોને કારણે મજબૂત રહેતો, પણ તેમાં સોહરાબ મોદીનો કોઈ સ્પર્શ ભાગ્યે જ જણાય. એટલે કે તેમની ફિલ્મોના સંગીતમાં એવું કોઈ વિશેષ તત્ત્વ ન જણાય કે જેનાથી ખ્યાલ આવે કે એ સોહરાબ મોદીની ફિલ્મનું સંગીત છે. શાંતારામની ફિલ્મોના સંગીત બાબતે આમ ચોક્કસ કહી શકાય.

    ૧૯૫૩ માં રજૂઆત પામેલી, મિનરવા મુવીટોન નિર્મિત, સોહરાબ મોદી દિગ્દર્શીત ‘ઝાંસી કી રાની’ની વાત કરીએ તો તેમાં વસંત દેસાઈ જેવા કાબેલ સંગીતકારનું સંગીત હતું, છ જેટલાં ગીતો હતાં, અને એ સારાં હતાં, આમ છતાં એનું ભાગ્યે જ કોઈ ગીત યાદ રહે એવું બન્યું છે.

    આ ફિલ્મ દૂરદર્શન પર જોવાનું બન્યું હતું. મહેતાબ, સોહરાબ મોદી, મુબારક, ઉલ્હાસ, સપ્રુ સહિત અનેક કલાકારો તેમાં હતા. ફિલ્મ બાબતે મારા પપ્પા કહેતા કે એમાં ઝાંસીની રાણી તરીકે મહેતાબ પ્રભાવશાળી નહોતાં લાગતાં. ફિલ્મમાંનાં યુદ્ધનાં દૃશ્યો બહુ સારાં હતાં એવું યાદ છે. આ ફિલ્મ કદાચ ટિકિટબારી પર ખાસ સફળ નહોતી રહી. મહેતાબ સાથે સોહરાબ મોદીએ લગ્ન કરેલાં.

    (વસંત દેસાઈ)

    ૧૯૮૯-૯૦ના અરસામાં અમે મુંબઈ જઈને જૂની ફિલ્મોના કલાકારોને મળવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે મહેતાબબાનુને બારણે પણ અમે જઈ પહોંચેલા. જો કે, અમને ફોન કરીને આવવા જણાવવામાં આવ્યું. એ પછી અમે ફોન કર્યો તો મહેતાબબાનુએ વાત તો કરી, પણ ‘ફરી મુંબઈ આવું ત્યારે મળવા આવજે’ એમ કહીને મળવાની ના પાડી દીધી. આ ઘટનાના પંદરેક વરસ પછી રજનીકુમાર પંડ્યા સાથે હું રુસ્વા મઝલૂમીની જીવનકથા લખી રહ્યો હતો. રુસ્વાસાહેબે તેમાં મહેતાબ સાથેની પોતાની દોસ્તીની વાત જણાવી હતી. મેં એને સાવ સામાન્ય વાત તરીકે આલેખી, પણ પછી રુસ્વાસાહેબે તેને ‘અત્યંત ગાઢ પરિચય’ તરીકે લખવા જણાવ્યું. મહેતાબ ત્યારે તો હયાત નહોતાં, પણ મને ઘડીભર એમ થયું કે પહેલી મુલાકાત વખતે મેં રુસ્વાસાહેબનું નામ લીધું હોત તો મહેતાબબાનુ અમને અવશ્ય મળ્યાં હોત. પણ એ વખતે હું રુસ્વાસાહેબને જાણતો નહોતો. એટલે ‘જો અને તો’નો એ ખેલ મારા મનમાં જ શરૂ થયો અને પૂરો થયો.

    ‘ઝાંસી કી રાની’ ફિલ્મનાં ગીતો પં. રાધેશ્યામે લખેલાં અને સંગીત હતું વસંત દેસાઈનું.

    ફિલ્મનાં છ ગીતોમાં મોટા ભાગનાં કોરસ છે. ‘રાજગુરુ ને ઝાંસી છોડી લે ઈશ્વર કા નામ‘ (મ.રફી), ‘કહાં બાજે કિસન તોરી બાંસુરિયા‘ (સુમન પુરોહિત, સુલોચના કદમ) ગીત બે ભાગમાં- બીજો ભાગ ‘નારી જી જી રે જી જી રે જી જી’ કોરસગાન છે. ‘હમારા પ્યારા હિન્દુસ્તાન, ઈસી પર દેંગે હમ જાન‘ (રફી અને સાથીઓ), ‘હર હર મહાદેવ કા નારા, ધરતી સે અમ્બર તક છાયા‘ સુલોચના કદમ, સુમન પુરોહિત, પરશુરામ, રમાકાન્ત અને સાથીઓ), ‘બઢે ચલો બહાદુરોં કદમ કદમ બહાદુરોં’ (સમૂહગાન) અને ‘અમર હૈ ઝાંસી કી રાની’ (રફી અને સાથીઓ).

    આ ગીતો પૈકી ‘અમર હૈ ઝાંસી કી રાની’ ગીતની પસંદગી ટાઈટલ સોન્ગ તરીકે કરવામાં આવી છે.

    આ ગીત બે ભાગમાં છે. પહેલા ભાગમાં ટાઈટલની સાથે કોરસગાન થકી તેનો આરંભ થાય છે, જેના શબ્દો આ મુજબ છે.

    अमर है झाँसी की रानी
    अमर है झाँसी की रानी
    अमर है झाँसी की रानी
    अमर है झाँसी की रानी

    जिसका राज और राजधानी
    जिसका जीवन और जवानी
    आजादी की कसम भेट दी
    आजादी की कसम भेट दी
    दी पहली क़ुरबानी
    दी पहली क़ुरबानी
    अमर है झाँसी की रानी
    अमर है झाँसी की रानी
    अमर है झाँसी की रानी

    जिस भारत में बड़े बड़े
    हो गए शूर बलवान
    भीष्म पितामह, परसुराम
    अर्जुन, अंगद, हनुमान
    वीर शिवाजी, छत्रसाल
    राणा प्रताप, चौहान
    राजाजी रणजीत सिंह से
    अकबर से सुल्तान
    उसी देश की, हर देश की
    थी ये भी संतान
    आन नहीं दी, शान नहीं दी
    दे दी अपनी जान
    आज तलक इतिहास कह रहा
    खूब लडी मर्दानी
    अमर है झाँसी की रानी

    ટાઈટલ સોન્ગ અહીં ટાઈટલની સાથે પૂરું થાય છે.

    બીજો ભાગ ફિલ્મના અંત ભાગમાં વાગે છે, જે મહંમદ રફીના સ્વરમાં છે.

    स्वर्ग सिधारी वो वीर आत्मा
    स्वर्ग सिधारी वो वीर आत्मा
    देकर ये सन्देश
    देकर ये सन्देश
    जान सभी को प्यारी है
    पर जान से प्यारा देश
    जान सभी को प्यारी है
    पर जान से प्यारा देश
    धन्य धन्य बुंदेलखण्ड है
    धन्य हिन्द का पानी
    अमर है झाँसी की रानी
    अमर है झाँसी की रानी

    અહીં આપેલી લીન્કમાં આ બન્ને ભાગ સળંગ સાંભળી શકાશે.

    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • જેટલો વધારે સમય એટલી કામની જટિલતા વધી શકે : સ્ટૉક-સૅન્ફોર્ડ ઉપસિદ્ધાંત

    મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંત

    પાર્કિન્સનનો નિયમ અને સમયનું વ્યવસ્થાપન

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    પાર્કિન્સનના નિયમની એક બહુ વ્યાપક પ્રમાણમાં સ્વીકૃત સમજ એટલે

    ઉપલબ્ધ સમય જેટલો વધારે એટલું કામ જટિલ બનતું જવાની સંભાવના વધારે..

    આમ થવા માટે એક મહત્ત્વનું કારણ આપણા સૌમાં ઘર કરી ગયેલી એક માન્યતા જે મુજબ કામ જો સરળ કરી બતાવીએ તો આપણું મહત્ત્વ ઘટે. એટલે જો સમય વધારે હોય તો કામમાં થોડી જટિલતા વધારી અને કામનો ‘સદુપયોગ’ કરી લેવાનો લોભ રોકી નથી શકાતો હોતો.

    પરિણામે જરૂરિયાત કરતાં ઘણાં જટિલ સ્વરૂપે કામ પુરું થાય છે. અને વધેલી જટિલતાને પરિણામે છેલ્લી ઘડીએ જો કોઈ મુસીબત આવી તો કામ પડી મોડું પણ થાય.

    કામનું લંબાણે પડવું અને તેમાં જટિલતાના ઉમેરાને સાંકળી લેતા અનેક ઉપસિદ્ધાંતો પણ પ્રચલિત થયા છે, જે પૈકી સ્ટૉક-સૅન્ફોર્ડ ઉપસિદ્ધાંત બહુ જ જાણીતો થયેલો ઉપસિદ્ધાંત ગણાય છે.

    છેલ્લી ઘડી સુધી રાહ જોશો તો કામ એક મિનિટમાં પુરું થશે.

    આમ જુઓ તો સમય સંચાલનની દૃષ્ટિએ આ રીતને અજમાવવી એ બહુ હિતાવહ તો નથી, કેમકે છેલ્લી મિનિટે કયાં નવાં વિઘ્નો ફૂટી નીકળશે તે તો કોઈને જ ખબર ન હોય. એટલે કહે છે ને ઘાસમાં ચણતાં બે પક્ષીનો લોભ કરવા કરતાં હાથમાંનાં એક પક્ષીથી સંતોષ માની લેવામાં શાણપણ છે તેમ એક જ મિનિટમાં કામ પુરૂંથી જશે તે લાલચમાં છેલ્લી મિનિટ સુધી રાહ જોવાનું જોખમ ખેડવું સલાહભર્યું તો નથી.

    પરંતુ, આ ઉપસિદ્ધાંત મૂળે તો કામ પુરૂં કરવા માટેની ચુસ્ત સમયરેખાનું મહત્ત્વ સમજાવી જાય છે.  ઉચાટ ન થઈ આવે એટલી વધારે પડતી, વાસ્તવિક, સમય મર્યાદા બહુ હકારાત્મક પ્રેરક બળ નીવડી શકે છે. જો કોઈ સમય રેખા ન હોય તો પછી સફળતા કે નિષ્ફળતા જેવું જ કંઈ ન રહે કેમકે વહેલું કે મોડું કામ જ્યારે પણ પુરૂં કરો તેને મુલવવા માટે કોઈ માપદંડ જ ક્યાં છે. સમય રેખા એવું પ્રેરક બળ પેદા કરી શકે છે જે સફળતાના ચાહકોને તો ચાનક ચડાવે જ છે, પણ નિષ્ફળતાવાદીઓને નિષ્ફળતાના બોજને ફેંકી દેવા પ્રેરી શકે છે. સમય મર્યાદાની સાથે જો પ્રતિબદ્ધતા પણ ભળે તો આમ થવું સાવ જ શક્ય બની જઈ શકે છે. સામાન્યપણે કોઈ પણ વ્યક્તિને પોતાનાં દીધેલા બોલનું મહત્ત્વ ખુબ જ હોય, એટલે સમય મર્યાદામાં કામ પુરૂં કરવું એ તેને માટે એક સમય સંચાલનના પડકાર ઉપરાંત પોતાનાં આત્મસન્માનનો વિષય બની જાય છે. અને જ્યાં આત્મસન્માનની વાત આવે ત્યાં માણસ અશક્યને શક્ય બનાવી દે એ તો જગજાણીતી વાત છે.

    જેટલો સમય હોય એટલું કામ લંબાય એ વિચારને કેટલાક મૅનેજમૅંટ નિષ્ણાતો બહુ રસપ્રદ રીતે પરેજી પાલન સાથે સાંકળી લે છે.

    આહારશાત્રીઓ બહુ ભારપૂર્વક સુચવે છે કે ઓછું ખાધાનો અસંતોષ ન રહી જાય તેમ પરેજી પાળવા માટે દરેક પીરસણીનું કદ નાનું કરી નાખો. પ્લેટ, કટોરી અને ચમચી નાનાં કરી અને પછીથી ખાવાનું રાખો; એક વારમાં જ બધું જમી લેવાને બદલે થોડા થોડા કલાકે થોડું થોડું ખાઓ વગેરે સુચનાઓ પછળનું હાર્દ એ છે કે ભુખનો સંબંધ થાળીમાં કેટલું પિરસાયું છે તેની જોડે છે.

    આ વિચારનો બહુ સક્રિય પ્રયોગ રેસ્તરાંઓમાં કરવામાં આવે છે. આજે હવે ભાવો વધી ગયા છે ત્યારે એક વારનાં ભોજનની કિંમત પરવડે એટલી રાખવા માટે એક પ્લેટમાં પીરસાતી વાનગીનું કદ ઘટાડ્યા વિના ચાલે તેમ નથી. પરંતુ જો પહેલાં જેટલી જ મોટી પ્લેટમાં એ ઘટાડેલી માત્રામાં પીરસવામાં આવે તો ગ્રાહકને પોતાના પૈસાનું વળતર ન મળ્યું હોય તેવો અસંતોષ રહે. એટલે હવે ડિશ કે કટોરી નાની કરી નાખીને તેને છલોછલ પીરસી દેવામાં આવે છે.

    થાળી રેસ્તરાંઓમાં જમવા જતી વખતે યાદ કરજો કે આજથી દસ પંદર વર્ષ પહેલાં થાળીમાં કેટલી મોટી કટોરીઓમાં દાળ શાક પીરસાતાં આજે હવે કટોરીઓનું માપ તેના ત્રીજા કે ચોથા ભાગનું થઈ ગયું છે ત્યારે ગ્રાહકને પહેલંની કટોરીમાં પીરસાતાં ત્રણને બદલે આજની નાની કટોરીઓમાં ચાર શાક જમાડો એટલે ગ્રાહકને વધારે મળ્યાનો ઓડકાર આવશે.

    સેથ ગૉડીન તેમની એક પૉસ્ટ, Serving size, માં કહે છે કે આપણા ખીસ્સામાં જેટલા પૈસા હોય એટલા વપરાઈ જાય. જેટલી શાખ મર્યાદા હોય એટલું દેવું થઈ જાય.  મોટા ભાગે ખરી સમસ્યા એ નથી કે આપણી પાસે શું છે, આપણને અસર તો એ બાબત કરે છે કે આપણી થાળી કેટલી મોટી છે. આના પરથી બીજી એક પૉસ્ટ, A drop in the bucket, માં તેઓ જણાવે છે કે આપણી પાસેનો સામાન ભરવા માટે કબાટ ક્યારે  પણ પુરતો નહીં હોય! એટલે જ પીરસણીની પરેજી સફળતાપૂર્વક કરવાનો માર્ગ વાસણનાં કદમાંથી પસાર થાય છે.

    ‘જેટલો વધારે સમય એટલી કામની જટિલતા વધી શકે’ એ વિચાર પર હજુ પણ બીજા રસપ્રદ ઉપસિદ્ધાંતો છે જે હવે પછીના મણકાઓમાં જોઈશું.


  • અનુભવ અને નૈપુણ્ય – કેટલાક વિચારો

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    બાળક જ્યારે સંગીત શીખવાનું ચાલુ કરે છે ત્યારે તેનામાં સંગીતની પરખની ક્ષમતા પાંગરે છે. ધીમે ધીમે એ જે સૂર સાંભળે તે વગાડી શકવા જેટલી પ્રાથમિક ક્ષમતા પણ તે કેળવી લે છે.

    થોડાં વધારે વર્ષોના અભ્યાસ પછી એ સૂરની નકલ કર્યા સિવાય પોતાની સૂઝથી સંગીત વાદ્ય વગાડી શકવા જેટલી ક્ષમતા કેળવી લે છે. જે શુર તેણે અત્યાર સુધી ધ્યાનથી સંભળીને જ વગાડવા પડતા તે હવે તેને સહજ થવા લાગે છે. કોઈ પણ નવું ગીત કે ધુન સાંભળવાની સાથે જ તે તેને વગાડી પણ શકે એટલું તે હવે કેળવાઈ ગયું હોય છે.

    હજુ થોડાં વર્ષ એ પદ્ધતિસરનો અભાસ ચાલુ રાખે તો હવે તે પોતાની રીતે સાંભળેલાં ગીતમાં પોતાનું અર્થઘટન ઉમેરીને નવી સ્વર બાંધણી રચી શકવા જેટલી કાબેલેયિત પણ હાંસિલ કરી લઈ શકે છે.  એ પોતાના મનોભાવ કે શ્રોતાઓની માગણી અનુસાર રચનામાં તત્ક્ષણ વૈવિધ્ય પણ ઉમેરી શકવાની ક્ષમતા પણ મેળવી લઈ શકે છે. તેની રચનામાંથી નીકળતા દરેક સૂર પર તેની આગવી છાપ પણ હવે જોઈ શકાય છે. એ તેનું નૈપુણ્ય છે.

    વર્ષોના અનુભવોનું નૈપુણ્યમાં પરાવર્તન થાય તે બહુ મહત્ત્વનું છે.

    કામની યુક્તિપ્રયુક્તિને અતિક્રમીને વિચારી શકવું. પોતાનં કામને  વ્યાપક સંદર્ભભમાં સાંકળી શકવું. ઘટના બને તે પહેલાંથી જ તેને પારખી લઈ શકવી , ઊંડી સૂઝની કેળવણી અને  સાર્થક તારણ પર આવી શકવાની ક્ષમતા. જે કંઈ કરીએ તે સાતાત્યપૂર્ણ ગુણવત્તા સાથે કરી શકવું. દરેક વખતે નવી ઊંચાઈઓ સર કરવી. ઓછા સમયમાં ઘણું કામ કરી શકવું કે એક જ કામને આવશ્યકતા મુજબ નવી નવી રીતે કરી શકવું. નવા નવા પ્રયોગો કરી શકવા. પોતાનાં અને આસપાસનાં વાતાવરણમાં સકારાત્મકતા ફેલાવવી. હવે જે કામ કરવામાં આવે તેને માપવા માટે નવા માપદંડો રચવા પડે એ કક્ષાએ પહોંચવું.

    ખરી નિપુણતાની આ બધી લાક્ષણિકતાઓ છે, જેના વડે આપણું મૂલ્ય વધે છે.

    – – – – –

    પાદ નોંધ.: અનુભવ વધે તેમ નૈપુણ્ય પણ વધે એ જરૂરી નથી. વધારે જ્ઞાન એ પણ વધારે નૈપુણ્યની અકસીર ચાવી નથી એ પણ સમજવું આવશ્યક છે. જરૂર છે એ અનુભવ કે જ્ઞાનનૉ યથોચિત ઉપયોગ કરી શકવાની ક્ષમતા. આજે હવે જ્ઞાન તો પ્રમાણમાં સરળતાથી મેળવી શકાય છે, પણ તેને અમલમાં મુકી શકવાની ક્ષમતા માટે વ્યક્તિની અંદરની શક્તિઓને જે વ્યક્તિ ઉપર જણાવ્યા મુજબ કેળવી શકે છે તે જ સરેરાશ લોકોથી ઉપર તરી આવી શકે છે.


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • ગિલ્ગામેશ વળી કોણ?

    નિત નવા વંટોળ

    પ્રીતિ સેનગુપ્તા

    ૧૮૪૫ના અરસામાં બે અંગ્રેજોએ જૂયારે અત્યારના ઇરાકના પ્રદેશમાં બે જુદી જુદી જગ્યાઓએ ખોદકામ શર્‌ કર્યું, ત્યારે ત્યાંથી ઈ.પૂ.ની આઠમી સદીનાં નગરોની અનેક નિશાનીઓ મળી આવી. મોટાં મોટાં શિલ્પો, સ્તંભો અને દીવાલોની સાથે સાથે ત્યાંનાં જીવનનાં દૃશ્યો કોતરેલા પાષાણ-ખંડો પણ મળી આવ્યા. એમાંના કેટલાક પર લાંબાં લાંબાં વર્ણનો કોતરેલાં હતાં. નિનેવેહ નામની જગ્યાએથી તો જાણે રાજવી પુસ્તક-પ્રાસાદો જ મળી આવ્યા. પુસ્તકો પણ કેવાં? કાગળ પર લખાયેલાં નહીં, પણ પાષાણો પર ટંકાયેલાં. પચીસ હંજાર જેટલી એવી તકતીઓના ભગ્નાવશેષ ત્યાંથી નીકળ્યા. બધા પર એકસરખી લિપિ હતી – પાતળી, તીણી, શંકુ આકારની દેખાતી.

    પછીનાં વર્ષોમાં નજીક-પૂર્વનાં સિરિયા, ઈરાન, પેલેસ્ટાઈન, ટર્કી વગેરે દેશોમાંનાં બીજાં કેટલાંક સ્થાનો પરથી પણ આવી તકતીઓ પ્રાપ્ત થઈ. એ દરેક જગ્યાની તકતીઓ પરની ભાષા જુદી હતી – જોકે લિપિ ક્યારેક સરખી પણ હતી. બૅબિલોન અને અસિરિયાની એ ભાષાઓ “અક્કાડિયન” ભાષામાંથી વિકસેલી ગણાઈ છે. એ સમયના અભ્યાસીઓ એ પાતળી લિટીઓથી બનેલા અજાણ્યા અક્ષર ઉકેલવા મથ્યા. એમાં જૂયૉર્જ સ્મિથ નામનો એક ‘બિન-અભ્યાસી’ શિલ્પી પણ હતો. અંગત રસને લઈને, પથ્થરની તકતીઓ પર કોતરેલી લિપિ શીખવા-સમજવા પાછળ એણે પંદર વર્ષ ગાળ્યાં. અંતે કેટલીક તકતીઓનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં એ સફળ થયા. ને ત્યારે જાણ થઈ કે અનેક વાતીઓનું બનેલું એ તો એક મહાકાવ્ય હતું. ઉપરાંત, ચિરંતન યુવાવસ્થાનું રહસ્ય ચોરતા સર્પની, તેમજ એક ભયાનક જળ-પ્રલયની વાતીઓ જોતાં અનુવાદકોનું ધ્યાન ખાસ ખેંચાયું, કેમ કે બાઈબલ તથા કુરાનમાં આવતી, દુનિયાના સર્જનની તેમજ જળ-પ્રલયની કથાઓ સાથે એ વાતીઓ મળતી આવતી
    હંતી.

    તસવીર માહિતી સ્રોતઃ https://www.worldhistory.org/gilgamesh/

    આ પાષાણ-કંડિકાઓ પરની લિપિ પરથી મેળવેલું એ લખાણ “ગિલ્ગામેશ[1] મહાકાવ્ય” તરીકે ઓળખાયું. બાઈબલ અને કુરાનથી પણ પહેલાં એ લખાયેલું હશે, તેમ મનાયું છે. અનેક સાહસો, વિજયો, કઠિનાઈ, દુ:ખો, અને ગ્ઞાન-પ્રાપ્તિની વાતોથી સભર હોઈ એ કૃતિ ઉદાત્ત અને અનન્ય ગણાઈ છે. એની વાતી મુખ્યત્વે ગિલ્ગામેશ નામની એક વ્યફ્તિ પર આધારિત છે, પણ એમાંથી પ્રતીત થતા સંદર્ભોને ઘણી વ્યાપક રીતે જોવામાં આવે છે. એની કેટલીક આવૃત્તિઓ થઈ છે, ને બધી થોડી થોડી જુદી પડતી રહે છે, પણ દરેકમાં વાતો તો ગિલ્ગામેશની જ છે. ઉરુક નામના નગરનો એ મહારાજા હતો. એને દેવો જેવું સ્વરૂપ અને દૈવી શફ્િત મળેલાં હતાં, ને સાથે જ, માનવ-સહજ નશ્વરતા પણ. દેવ-દેવીઓનાં કૃપા તથા ક્રોધની અસર પાત્રોનાં જીવન પર પડતી રહે છે, અને જાતજાતની પેટા કથાઓ આ મહાકાવ્યમાં વણાયેલી દેખાય છે.

    પોતાનું સામર્થ્ય દર્શાવા, તેમજ ટકાવી રાખવા, ગિલ્ગામેશે નગરની ચોતરફ ઊંચો કિલ્લો બાંધવા પ્રજાને હુકમ કર્યો. એ કામ વર્ષોનાં વર્ષો ચાલતું રહ્યું, ને થાકેલા, કંટાળેલા લોકોએ મદદ માટે દેવોને પ્રાર્થના કરી. જાણે એના જ જવાબમાં મોકલાયો હોય તેમ, એન્ડિડુ નામનો વનવાસી શફિત-પુરુષ ત્યાં આવી ચડે છે. મંદિરની નર્તકી શામ્હાત એને નગરની અંદર લઈ જાય છે. પહેલાં તો ગિલ્ગામેશ અને એન્ડિડુ એકબીજા સાથે યુદ્ધ કરે છે. એમાં એન્ડિડુ જ એક વાર ગિલ્ગામેશને કોટની ઊંચી દીવાલ પરથી લપસીને પછડાતાં બચાવે છે, ને એ પછી બંને ઘનિષ્ઠ મિત્રો બને છે. સંયુકત રીતે બંને હમ્બાબા નામના રાક્ષસને મારી નાખે છે. વળી, દેવોના એક વૃષભની હત્યા કરે છે. દેવોની ઉપેક્ષા બંને કરતા જ રહ્યા હતા, તેથી  મનો શાપ પામીને એન્ડિડુ એક અસાધ્ય રોગનો ભોગ બને છે, ને મૃત્યુ પામે છે. ગિલ્ગામેશ અત્યંત દુ:ખ પામે છે, તેમજ ત્યારે એને ખ્યાલ આવે છે કે સમય આવતાં પોતે પણ મૃત્યુ પામશે જ

    એ નીકળી પડે છે એવા કોઈ એક મનુષ્યને શોધવા કે જેણે અમરત્વ પ્રાપ્ત કર્યું હોય. એવા મનુષ્ય હતા ઉત્નાપિશ્ટિમ. પુથ્વી પરના મહાજળ-પ્રલયમાંથી પણ એ બચી ગયેલા.એમણે ગિલ્ગામેશને કહ્યું ક એ જળ-પ્રલયની કથા કહેતાં છ દિવસ અને સાત રાત થશે. જો એ આખો સમય ગિલ્ગામેશ જાગતો રહી શકશે, તો અંતે એ ગિલ્ગામેશને અમરત્વનું રહસ્ય આપશે. ગિલ્ગામેશ એટલું સળગ જાગતાં રહી નથી શકતો. છતાં, એના પર કરુણા કરીને ઉત્નાપિશ્ટિમ એટલું જણાવે છે કે ચિર-યૌવનનો છોડ કૂયાં મળશે. એ મેળવવા માટે ગિલ્ગામેશ છેક સમુદ્રને તળિયે ડુબકી મારે છે, એને મેળવે પણ છે, પરંતુ એ આરામ કરતો હોય છે ત્યારે એક સર્પ એ છોડને ચોરી જાય છે.

    પહેલાં તો ગિલ્ગામેશ ખૂબ નિરાશ થઈ જાય છે, પણ પછી સમજે છે કે પૃથ્વી પરના બધા લોકોની જેમ પોતાને પણ ફ્યારેક તો મરવું પડશે જ. એ ઉરુક દેશમાં પાછો ફરે છે, પોતે અને એન્ડિડિએ સિદ્ધ કરેલાં સત્કાર્યોનું સ્મરણ કરે છે, એના પર મનન કરે છે, અને પછી સમજે છે કે કોઈ પણ વ્યક્તિ જીવનમાં પોતે કરેલાં સત્કાર્યો દ્વારા જ અમર બનતી હોય છે, ને એ જ છે અમરત્વનું સાચું રહસ્ય.

    મહાકાવ્યને અંતે આવો સાર મળે છે. દુનિયાની મહાન ઉપદેશ-કથાઓમાંની આ એક ગણાય છે. ઉપરાંત, એ બધા પ્રદેશો કેવા હતા, તેની ખરેખરી જાણ તો કોઈને નથી, કારણકે એ તો કદાચ દટાયેલા હોય તો હોય. પણ આ કથા ઝીણી વિગતો દર્શાવતાં ચિત્રાંકનો દ્વારા, ખૂબ રસપ્રદ રીતે, પણ આલેખાઈ છે. એ દ્વારા છતાં થાય છે પાત્રોનાં દેખાવ અને વ્યકતિત્વ અહંકારી ગિલ્ગામેશ, ઉદાર-દિલ એન્ડિડુ, સુંદરી શામ્હાત વગેરે; તથા સ્થાનો, જેવાકે ઊંચા સ્તંભ ને કમાનોથી યુક્ત વિશાળ પ્રાસાદ, પ્રજાજનોથી ભરેલાં ચોગાન, નાળિયેરીનાં વૃક્ષવાળા નદી-કિનારા વગેરે; તેમજ દૃશ્યો, જેમકે ગિલ્ગામેશને બચાવવા હાથ લંબાવતો એન્ડિડુ, મોટી પાંખો વીંઝતો આવતો દૈવી વૃષભ, સંગીત ને ભોજન સાથેની મહેફિલો  ગેરે. છેલ્લે, ગિલ્ગામેશ રાજા તરીકેની પો ની જવાબદારી સમજે છે, અને પ્રજા પ્રત્યે ઉદાર થવા તત્પર બને છે. આ એનો જીવન-બોધ છે.

    ગમે તેવું મહાન, તોયે પારકું – એવું ઘણાંને લાગે, ને એની અંદરની વાતો વિચિત્ર ને નીરસ પણ લાગે, તો એટલો ખ્યાલ રાખીએ કે અન્યદેશીય પ્રજાને આપણા પ્રાચીન ગ્રંથો પણ એવા પ્રકારના લાગી શકે છે. જેમકે, આપણું “મેઘદૂત? કાવ્ય આપણને કેવું હૃદયસ્થ હોય છે. ઘણાં બિનભારતીયોને એ કલ્પન જ ગાંડા જેવું લાગે છે : “ વાદળ સાથે તે કોઈ વાતો કરતું હશે?, ને સંદેશો મોકલતું હશે?”

    આવું બનતું જાય તેમ તેમ આપણે શીખતાં જઈએ કે પોતાનું-પારકું, ગમતું-અણગમતું, સમજાતું-ના સમજાતું વગેરે બધું સાપેક્ષ હોય છે. નવું નવું જાણતાં જઈને બુદ્ધિથી, મનથી વધારે સમૃદ્ધ થતાં જવું – તે જ સાર છે અભ્યાસનો.

    [1] Gilgamesh


    સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે

  • ધર્મ તારું બીજું નામ ભેદભાવ

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    વિશ્વના મોટા ભાગના ધર્મ ઓછેવત્તે અંશે જૂનાપુરાણા છે. એમ કહેવાય છે કે તમામ ધર્મોનો સાર એક જ છે અને એ છે માનવકલ્યાણનો. તેમ છતાં ધર્મના નામે જેટલી હિંસા થતી આવી છે એટલી કદાચ યુદ્ધમાં પણ નહીં થતી હોય! તમામ ધર્મોનું મૂળ તત્ત્વ એકસમાન હોય તો પછી ધર્મ ધર્મ વચ્ચે અસહિષ્ણુતા કેમ? ભારત સહિત અનેક દેશોમાં ધર્મ એ રાજકારણનો સળગતો અને મહત્ત્વનો મુદ્દો બની રહે છે, અને તેની પર વિવિધ રાજકીય પક્ષોનું ભાવિ રચાય છે. ધર્મના બચાવમાં એમ પણ કહેવામાં આવે છે કે તે અસલમાં માનવકેન્‍દ્રી જ છે, પણ તેના અનુયાયીઓને કારણે ધર્મ બદનામ થાય છે. વાસ્તવિકતા એ છે કે ધર્મના હાર્દ સુધી જવાના ઉદ્યમને બદલે સૌ પોતાને અનુકૂળ આવે એ રીતે ધર્મના કોઈ પણ તત્ત્વને પકડી લે છે. આથી છેવટે ધર્મ વ્યાપક બની રહેવાને બદલે મુઠ્ઠીભર આગેવાનો પૂરતો મર્યાદિત બનીને રહી જાય છે. આવા ધાર્મિક આગેવાનો પણ એમ જ ઈચ્છે છે.

    પ્રવર્તમાન ધોરણ અનુસાર પ્રત્યેક વ્યક્તિ સ્વતંત્ર નાગરિક અને સમાન હક ધરાવે છે, છતાં ધર્મ અને સંપ્રદાયમાં એક યા બીજા પ્રકારના તીવ્ર ભેદભાવ જોવા મળે છે, અને એ બાબતે તેના અનુયાયીઓને ખાસ વાંધો હોતો નથી. ઊલટાનું ઘણા ખરા કિસ્સાઓમાં એનું ગૌરવ તેઓ લેતા જોવા મળે છે.

    આ બાબતનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું. નવેમ્બર, 2022માં દિલ્હીસ્થિત જામા મસ્જિદ દ્વારા એક ફરમાન બહાર પાડવામાં આવ્યું. એ અનુસાર એકલી હોય એવી મહિલાઓના મસ્જિદપ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો. પરિવાર કે પતિ સાથે મહિલાઓ આવી શકે, પણ એકલી યા કેવળ મહિલાઓનું જૂથ હોય તો એમનો પ્રવેશ બંધ. અચાનક આવા ફરમાનનું કારણ? જામા મસ્જિદના પ્રવક્તા અનુસાર એકલી આવતી મહિલાઓ કોઈક પુરુષને અહીં મળવાનો સમય આપે છે અને ગમે એવી હરકતો કરે છે, અહીં ટીકટૉક વિડીયો બનાવે છે, અને આ સ્થળ જાણે કે બગીચો હોય એમ વર્તે છે. ચાહે મસ્જિદ હોય, મંદિર હોય કે ગુરુદ્વારા, પવિત્ર સ્થળોએ આવી હરકત જરાય ચલાવી લેવાય નહીં.

    દિલ્હીની જામા મસ્જિદ દેશની સૌથી મોટી મસ્જિદો પૈકીની એક છે અને ત્યાં અનેક મુલાકાતીઓ આવતા રહે છે. ટીકટૉક વિડીયો ન બનાવવાની સૂચના એક પાટિયા પર લખવામાં આવી છે એ જ રીતે એકલી મહિલા મુલાકાતીઓના આગમન પર પ્રતિબંધની સૂચના પણ લખવામાં આવી હતી. મસ્જિદના વહીવટકર્તાઓએ મુલાકાતીઓને ટીકટૉક વિડીયો બનાવતા રોકવા માટે દસ જણની ટીમ બનાવી હતી.

    આ ફરમાનનો વ્યાપક રીતે વિરોધ થયો. દિલ્હી મહિલા આયોગ દ્વારા જામા મસ્જિદના ઈમામને નોટિસ મોકલવામાં આવી. દિલ્હીના લેફ્ટનન્‍ટ ગવર્નરે આ મામલે દખલઅંદાજી કરવી પડી. આખરે આ મામલે પુનર્વિચાર કરવામાં આવ્યો અને તેને પાછું ખેંચવામાં આવ્યું.

    ફરમાન પાછું ખેંચાયું એ આનંદની વાત છે, પણ આ આખા મામલે મહિલાઓ પ્રત્યે મસ્જિદના સત્તાવાળાઓનો અભિગમ માનસિક પછાતપણાનો સૂચક છે. એમની દૃષ્ટિએ જે પણ ખોટું થતું લાગે એના માટે કેવળ મહિલાઓને જ જવાબદાર ગણવાની?

    બીજો કિસ્સો કેરળની મુસ્લિમ વિદ્વાનોની સૌથી મોટી સંસ્થા કેરળ જમિય્યતુલ ઉલેમાનો છે. કાતિબ(ઉપદેશકો)ના સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરિપત્રમાં ફૂટબૉલના ખેલાડીઓ પાછળ પાગલ થતા યુવાઓને ચેતવવામાં આવ્યા છે અને જણાવાયું છે કે ફૂટબૉલના લોકપ્રિય ખેલાડીઓનાં આદમ કદનાં કટઆઉટ લગાડવા એ વ્યક્તિપૂજા છે અને વ્યક્તિપૂજાનો ઈસ્લામમાં નિષેધ છે. આ સંગઠનના વડા નાસર ફૈઝીએ પ્રશંસકો દ્વારા પોર્ચુગલ અને ઈન્‍ગ્લેન્‍ડ જેવા દેશોના રાષ્ટ્રધ્વજ ધારણ કરવા અને તેની ડિઝાઈનવાળી જર્સીઓ પહેરવાના પ્રશંસકોના વલણની પણ ટીકા કરી છે. અલબત્ત, કેરળ જમિય્યતુલ ઉલેમાના એકે અગ્રણીએ ફૈઝીના વલણને સમર્થન આપ્યું નથી.

    બન્ને કિસ્સા સાવ અલગ છે, પણ તેમાં સામાન્ય બાબત હોય તો માણસના સાહજિક વલણને દાબવાની છે. ધર્મનું સુકાન ધર્મગુરુઓના હાથમાં હોય ત્યારે આમ જ બને, અને આમ જ બનતું આવ્યું છે.

    અલબત્ત, એટલું સ્વીકારવું પડે કે રૂઢિચુસ્તતા, બંધિયારપણા અને પરંપરાને વળગી રહેવાનું વલણ કેવળ ઈસ્લામનું નહીં, બલકે મોટા ભાગના ધર્મોનું છે. તેનું પ્રમાણ કે તીવ્રતામાં ફેર હોઈ શકે, પણ એનાથી કોઈ ધર્મ મુક્ત નથી. કાગળ પર ચીતરાયેલા અસલ ધર્મની દુહાઈ આપીને કોઈ એમ કહી શકે કે મૂળત: ધર્મ આવો નથી હોતો. આ બાબત અનંત ચર્ચાનો વિષય છે, પણ એ યાદ રાખવું જરૂરી છે કે ધર્મના હાર્દ સુધી જવાની તસ્દી કેટલા લે છે? છેવટે તો એ તે ધર્મના વડા દ્વારા અર્થઘટન કરાતા ધર્મને જ બહુમતિ દ્વારા સ્વીકારવામાં આવે છે અને અમલ પણ તેનો જ જોવા મળે છે.

    મહિલાઓનાં વસ્ત્રો કે માસિકધર્મ દરમિયાન નહીં પ્રવેશવાની સૂચનાઓ મંદિરોમાં પણ વાંચવા મળે છે, તો જન્મદાત્રી એવી મહિલાનાં દર્શનમાત્રથી દૂર રહેવાનો નિયમ કેટલાક સંપ્રદાયમાં જાહેરમાં ચુસ્તપણે પાળવામાં આવે છે, જેનો વાંધો કે વિરોધ નથી મહિલાને કે નથી તેની સાથે સંકળાયેલા પુરુષને.

    કોઈ પણ ધર્મ સમાનતાની ગમે એવી વાત કરતો હોય, તેમાં એક યા બીજા પ્રકારનો ભેદભાવ અનિવાર્યપણે હોય જ છે. સમાનતાથી મોટો કોઈ ધર્મ નથી એ હકીકત હજી ખુદ નાગરિકોને ગળે પૂરેપૂરી નથી ઉતરી, ત્યાં જેમનું સ્થાપિત હિત સીધેસીધું સંકળાયું હોય એવા ધર્મગુરુઓ દ્વારા એ સ્વીકારાય એ અપેક્ષા વધુ પડતી છે!


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૯-૧૨–૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • મારા પછી – ૫

    પારુલ ખખ્ખર

              આ પહેલાના ચાર લેખમાં કોઈ જીવતીજાગતી સ્ત્રી કોઈ પુરુષના જીવનમાંથી ચાલી જાય અને એ સ્ત્રી પોતાની ગેરહાજરીમાં એ પુરુષ કેવું અનુભવતો હશે એની કલ્પનાઓ વિશે લખાયું. ક્યારેક એ સ્ત્રી જાણી જોઈને ચાલી ગયાની વાત હતી, તો ક્યારેક સમજણથી છૂટા પડ્યાની વાત હતી. ક્યારેક એ સ્ત્રીના તરછોડાયાની વાત હતી તો ક્યારેક કારણ વગર ગાંઠ છૂટી ગયાની વાત હતી. આજે વાત માંડવી છે કોઈ સ્ત્રીની હયાતી પછીની વાત… એટલેકે વાત ‘મારા પછી’ની…

    સાથરે મૂકેલા દીવા પર ટકટકી લગાવેલી કમ સે કમ બે આંખો અવશ્ય તગતગી ઉઠશે… મારા પછી!

    એ મધ્ધમ રોશનીમાં રેલાશે સાથે જોયેલા સપનાઓ…

    એ દીવાના તેજે ઓગળશે તીખાં-મીઠાં છણકાંઓ…

    એ અજવાળે ઝળહળશે કંઇ કેટલાયે સંવાદો..

    અને એ ભાવુક આંખેથી ટપ્પ દઇને ખરી પડશે મારા નામનું મોતી !

    અને એ આંખેથી આખેઆખો દરિયો ઉલેચાઇ જશે મારા પછી !

           શસ્ત્રો જેને છેદી શકે છે, પાણી જેને ભીંજવી શકે છે, વાયુ જેને સૂકવી શકે છે, અગ્નિ જેને બાળી શકે છે એવું આ નાશવંત શરીર મારા નામનું વસ્ત્ર છોડીને કોઈ નવીન વેશ ધારણ કરવા પ્રસ્થાન કરી જશે. જેનાથી ક્યારેય છાણની, ગૌમુત્રની વાસ સહન ન થતી એને છાણની પથારી પર સૂવરાવીને ગૌમુત્રથી નવડાવવામાં આવશે,જે આજીવન અતિશય શરમાળ રહી છે એને અનેક સ્ત્રીઓની હાજરીમાં અનાવૃત કરવામાં આવશે. એના કપાળ પર ચંદનની આડ કરવામાં આવશે, સેંથીમાં સિંદુર અને હાથ-પગ પર અળતો લગાવવામાં આવશે. એને જરાય ન ભાવતું એ તુલસીપત્ર એનાં મોંમાં પધરાવવામાં આવશે. એના નિર્જીવ શરીર પર ફૂલોના ઢગ ખડકાશે,લાલચટ્ટાક ચુંદડી ઓઢીને એ જોગણી ચાર ખભે ચડીને હરિવરને વરવા ચાલી નીકળશે. રુપેરી વરખવાળી બગીમાં જતી એ સ્ત્રી અનેક સ્ત્રી-પુરુષોની આંખોને ભીંજવતી જશે.મુક્તિધામનાં આખરી પડાવે ફરીવાર ગંગા-જમનાના પાણીથી એ કમનીય કાયાને શુદ્ધ કરવામાં આવશે. જવતલનાં શણગાર થશે.સ્મશાનની ભઠ્ઠીમાં એ શેરીરને હોમી દેવામાં આવશે અને એક આખો હર્યોભર્યો સંસાર ઉજ્જડ બનશે…મારા પછી!

    સેંથી પૂરતા તારા હાથ…

    મંગળસૂત્ર પહેરાવતા તારા હાથ…

    સુહાગરાતે મહેંદીમાંથી પોતાનું નામ શોધતા તારા હાથ…

    તારી હથેળીની કોમળતામાં આ હથેળીની રુક્ષતાને ઓગાળી દેતા તારા હાથ…

    ગાલ પર, વાળ પર, હોઠ પર સરકતા તારા હાથ..

    મારા નામના પીંડ કાપતી વખતે તો અવશ્ય ધ્રુજી  જ જશે…મારા પછી!

    બેડરૂમમાં હવે આમતેમ કાગળો નહી ઉડે

    પલંગ પરનું ગાદલું એ સ્ત્રીના બેસવાથી એક ખૂણે દબાઇ ગયુ છે એ હવે ફરીથી ભરાવી લેવાશે..

    બેડરૂમ હવે બેડરૂમ જ લાગશે…પુસ્તકાલય નહી.

    ગુલમહોરને જોવા હવે બારીઓ ખુલશે નહી…

    બોલપેન હવે કોઇના સ્પર્શ માટે તડપતી રહેશે… રીફીલો હવે સુકાઇ જાશે….

    કાગળોને ઉધઈ લાગશે…

    વસ્ત્રોની જેમ ચીપકી રહેતા ચશ્મા નિમાણા થશે..

    ચશ્મા તો અહિંયા જ રહી જશે પણ પેલી સતત વધતાં જતાં નંબરવાળી બે આંખો ઓલવાઇ  જશે સ્મશાનમા..મારા પછી !

    હવે કેસરી ગુલાબની કળીઓ તસ્વીરમાં કેદ થયા વગર જ ફૂલ બનીને ખીલી જશે અને ખરી જશે…

    હવે સ્માર્ટફોનમાં વર્ષોથી સેટ થયેલી ‘બાઝીગર’ની રીંગટોન સંભળાતી બંધ થશે..

    હવે લેપટોપ પર ધુળ બાઝશે..

    હવે અનેક જી.બી.ડેટા દબાવીને બેઠેલી સ્ત્રી સ્પેસમાં જતી રહેશે અને લેપટોપમાં સ્પેસ થઈ જશે.

    હવે રામરક્ષાસ્તોત્રનાં ગાન બંધ થશે, હવે ગીતાના શ્લોકો સંભળાતા બંધ થશે, હવે વોઇસ રેકોર્ડર ડીલીટ કરાશે, હવે મોબાઇલનો ફ્રન્ટ કેમેરા વપરાયા વગરનો ઝાંખો થશે…

    ભીના ટૉવેલ સૂકવવાની કોઇ કચકચ નહી…જમીને આસન ઉપાડવાની કોઇ ઉતાવળ નહી…મચ્છરદાની સંકેલવા માટેના કોઇ વારા નહી…ટી.વી.ના વોલ્યુમ માટે કોઇ બંધનો નહી…હવે બધું જ મનફાવતું કરી શકાશે અને તો ય…આમાંનું બધું જ થતી વખતે એક ટીસ ઉઠશે…મારા પછી!

    ૧૨ દિવસ પછી હયાતીનાં દસ્તાવેજ જેવી ડાયરીઓ ખુલશે…

    દટ્ટણ્પટ્ટણ થયેલી અનેક ઘટનાઓનાં અસ્થિપીંજરો મળી આવશે, અનેક ઉજાગરાઓ કાગળમાંથી બહાર ઠેકી આવશે…અનેક નિસાસાઓની વણજાર ચાલવા લાગશે…અનેક ડૂમા-ડુસકાં દોડીદોડીને હાજરી પૂરાવી જશે…નહી કહેવાયેલી અનેક ફરિયાદોના પોટલાં ખુલશે..અનેક અધુરાં..અધકચરાં કલ્પનો ઠેરઠેર વિખરાયેલા મળી આવશે…’ફરાઝ’ની બેશુમાર શાયરીઓ પોક મુકશે…’બક્ષી’ના કાતિલ ક્વૉટ ખભા નીચે કરીને ચાલતા થશે..શિરીષ વૃક્ષો છાતી કુટશે…સૂકાઈ ગયેલા આંસૂઓ મરણપોક મૂકશે… અને એક વસમી સાંજ દૂરથી આખરી સલામ આપશે…મારા પછી!

    એ સ્ત્રીનું વસીયતનામુ વંચાશે…

    ખજાનો એના વારસદારોને સોંપતા પહેલા…તારી બે આંખો મનભરીને વાંચશે એ શબ્દોને, જેને તે  ક્યારેય નથી વાંચ્યા. અને તારી આંખો ચૂમશે આ ગુલાબી અક્ષરોને…મારા પછી !

    આ એ સ્ત્રી ! જે ચાર દિવાલ વચ્ચે લખતી લખતી ધૂમાડો થઇ ગઇ !

    આ એ સ્ત્રી! જેણે ક્યારેય કોઈ ફરિયાદ નથી કરી.

    આ એ સ્ત્રી! જે હંમેશા અનુકૂલન સાધતી રહી છે.

    આ એ સ્ત્રી! જે કોઈ જ ઘર્ષણ ન થાય એની કાળજી રાખતી રહી છે.

    એ સ્મિત…જેનાં પર કોઇ ઓળઘોળ હતું…એ કાયા જે મનભરીને નિહાળી હતી…સ્પર્શી હતી..ચાહી હતી.. એ છબીમાં કેદ થશે. પહેલા ફુલોનાં પછી સુખડના હાર ચડાવાશે…અનેક વણવપરાતા શબ્દોની સાધક એવી એક અકોણી છોકરી તસ્વીરગ્રસ્ત થશે.

    ટેડીબિયરનાં કીચેઇન વાળો કબાટ ખુલશે..કેટલીયે મનગમતી..તનગમતી સાડીઓ હાહાકાર મચાવશે…

    રંગબેરંગી દુપટ્ટાઓ આંખો પટપટાવશે…

    લીપસ્ટીક…નેઇલકલર…બેંગલ્સનાં રંગો મન પર હાવી થશે

    રંગબેરંગી બટરફ્લાય આકાશમાર્ગે ઉડવા લાગશે

    કાજળઘેરી આંખો અગ્નિમાં સ્વાહા થશે અને કાજળને નજર લાગશે.

    અસ્થિની માટલી લાલ કપડામાં વીંટાળી વહેલી તકે દ્વારકાની ગોમતીનાં જળમાં પધરાવી દેવામાં આવશે એ સાથે જ એક મીરાં…એક રાધા…એક શબરી…એક અહલ્યા…એક અગનપંખિણી રાખ બની વહી જશે…અને ભળી જશે કૃષ્ણની માટીમાં…મારા પછી !

    પણ..આ હજારો સૂર્યમાળાઓ ધરાવતું બ્રહ્માંડ કંઇ અટકશે નહી.

    સવાર થશે…સાંજ થશે…અને રાત થશે.ઉષા અને સંધ્યાના રંગો એવા જ મનમોહક રહેશે…ઘડિયાળ અવિરત ટકટક કરતી રહેશે..પાનખર અને વસંત આવતી રહેશે… મેઘધનુષ રચાતું રહેશે…ભૂંસાતું રહેશે…સ્વાધ્યાય કેન્દ્રો ચાલતા રહેશે…ફેસબૂકમાં સ્ટેટસ અપડેટ થતાં રહેશે…જન્મદિવસો, લગ્નદિવસો ઉજવાતા રહેશે…ભાગવત સપ્તાહ…ગીતા પારાયણ થતાં રહેશે…અનેક  જીવ દેહમાંથી દેહાતીત થતા રહેશે અને તો યે મારી છાપ ક્યારેય નહીં ભૂંસાય…મારા પછી!

    હાં ફરક એટલો પડશે કે હવે ‘ડી-ડ્રાઇવ’માં પડેલા ‘My all‘ નામના જે ફોલ્ડરને હંમેશા અવગણ્યું હતું એ ફરીફરીને ખોલાશે…એના તમામ કાર્યક્રમોની સૂચી જોઇ ગર્વથી છાતી ફુલાવી શકાશે…એના તમામ વીડિયોને ‘યુ-ટ્યુબ’ પર ચીવટથી અપલોડ કરવામાં આવશે…વારંવાર જોવામાં આવશે. એની ફોટો માટેની ચાહતને સંભારણાઓ તરીકે બિરદાવવામાં આવશે…એના અવાજમાં રેકોર્ડ થયેલી ગઝલોને વારંવાર સાંભળવામા અને વોટસએપ પર ફોરવર્ડ કરવામાં આવશે…એની ફાઇલમાંથી પ્રશંસકોના પત્રો વાંચીને આંખો ભીની થતી રહેશે..એનાં ઢગલો  પુસ્તકોને ‘પુસ્તક પરબ’માં આપી દેવાની આખરી ઈચ્છા પુરી કરવામાં કાળજું કપાઇ જશે…કેટલાયે નામી-અનામી શોકસંદેશાઓથી ડ્રોઅર છલકાઇ જશે…મારા પછી !

    એક ગુલાબી પુલ ધ્વસ્ત થશે. એ પુલ પર ઉડતો ગુલાલ આંસૂઓ વાટે રેલાઈ જશે. કેટલીયે કવિતાના આસ્વાદો અનાથ બનશે. કેટલીયે વાર્તાઓ પોસ્ટમોર્ટમ થયા વગર જ ભુલાઈ જશે.કેટકેટલાં સેલ્ફિઓ પુણ્યતિથિ માટે સેવ કરી લેવાશે.અનેક રેસિપિઓના અખતરા હવે થયા વગરના રહી જશે.સાઉન્ડ-ક્લાઉડ પરની ઓડિયો ક્લિપ્સને વારંવાર સાંભળવામાં આવશે.ગૂગલ ડ્રાઇવને ફંફોસી ફંફોસીને યાદગીરીઓને ભેગી કરવામાં આવશે.

    નેમપ્લેટ પરથી એક નામ ચાલ્યું જશે અને નેમપ્લેટ નવી બનાવી લેવાશે…અનેક સખીઓ છાતીફાટ રડશે…શ્રદ્ધાંજલી કાવ્યોથી મેગેઝિનો ઉભરાઇ જશે…મકાનના દરવાજે હવે પોસ્ટમેન આવતો બંધ થશે…કુરિયરમેન બોણી માંગવા નહી આવે…કોરા પરબિડિયાં હવે શોકસંદેશા લખવામાં ઉપયોગી થશે… આખો દિવસ  ઓન રહેતું વાઇફાઇનું મોડેમ હવે પરત કરી દેવાશે…ઇન્ટરનેટનો અનલિમિટેડ પ્લાન હવે સ્થગિત કરી દેવામાં આવશે. પુસ્તકોના કબાટમાં હવે વધારાની વસ્તુઓ ભરી દેવામાં આવશે.અને તો ય મને ખાતરી છે કે…

    કોઇ કોમ્પ્યુટરનાં સ્ક્રીનસેવર પર ચમકી જશે એક નામ મારું…

    કોઇ તળાવની પાળે રાહ જોતી આંખોમાં રેલાશે એક નામ મારું…

    કોઇ મશીનની ઘરઘરાટીમાં સંભળાશે એક નામ મારું…

    કોઇ રણની રેતીમાં લખાતું રહેશે એક નામ મારું…

    કોઈ ડીલીટ થયેલા મેઇલમાં ડોકાતું રહેશે એક નામ મારું..

    જે નામને બેશુમાર ચાહ્યું હતું તેની પાછળ સ્વ. લગાડવામાં આવશે.બે-ચાર પેઢી પછી એ નામ પણ ઓગળી જશે..છબી હાર સોતી ઉતારી લેવામાં આવશે..મંદીરના કોઇ ખૂણામાં ગોઠવી દેવામાં આવશે

    પણ….

    કબુતરા અને હોલા એના હાથેથી ચણ ખાવા ટળવળતા રહેશે..એ પતરંગો…એ કલકલિયો…એ શક્કરકોરો…એ કંસારો..એની એક ઝલક માટે ફળિયામાં મંડરાતા રહેશે…ગુલમહોરની પીળી પાંદડીઓથી ફળિયું રંગાઇ જશે..પેલ્ટાફોરમનાં ફુલો માદક ખુશ્બુ રેલાવતા ખર્યા કરશે..એની પીળા ફૂલોની ચાદર  પથરાઈ જશે…ગુલમહોરના થડમાં પાગરેલો વડલો ઝીણી આંખે કોઇને શોધ્યા કરશે… મારા પછી!

    અને…અને…અને..

    શબ્દોનાં કામણ રહેશે…
    પીડાનાં મારણ રહેશે…
    એક મુઠ્ઠી ગુલાલ રહેશે…
    ગુલાબી ધમાલ રહેશે…
    અઢળક યાદોના ખજાના રહેશે…
    અને…એક નામ સુખડમાં  કોતરાઇને અમર બની જાશે…મારા પછી.


    સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • પગદંડીનો પંથી – ભાગ ૧ – (૨૨) Miracles do happen / ચમત્કારો પણ થાય છે

    એક અજાણ્યા સર્જનની જિંદગીની વાતો

    ડૉ.પુરુષોત્તમ મેવાડા,
    એમ. એસ.

    આપ ચમત્કારમાં માનો છો? ના માનતા હોય તો આ લેખ વાંચવો જ રહ્યો. આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે ‘રામ રાખે તેને કોણ ચાખે?’ કંઈક એવું જ!

    ડૉ. પરેશ એક એવી હોસ્પિટલમાં કામ કરતા હતા, જ્યાં બીજો સર્જન મળવો મુશ્કેલ હતો, ત્યાં સુપર સ્પેશ્યાલિસ્ટનો તો વિચાર પણ કરી ના શકાય. આજુબાજુનાં ગામડાના લોકો દિલથી ઘણા સારા, મિત્ર માટે જાન આપી દે એવા! પણ દુશ્મનાવટ થાય તો જાન લેવામાં સમય ના લગાડે! આવા મારામારીના કેસની સારવાર-સર્જરી કરવા માટે ડૉ. પરેશે હંમેશા તૈયાર રહેવું પડતું.

    બન્યું એવું, કે આખું ગામ હોળી-ધુળેટીના રંગોથી રંગાઈ આનંદ કરતું હતું, ત્યારે કોઈની વેર લેવાની ભાવના જાગી ઊઠી, અને એણે પોતાના કોઈ દુશ્મનને લાંબો છરો કે જમૈયો હુલાવી દીધો છાતીની આરપાર! પણ જેને વાગ્યું એ અલમસ્ત જુવાન હતો, અને તેનું શરીર પણ સામાન્ય માર વેઠી શકનારું હતું. ડૉ. પરેશ પાસે તેને લાવવામાં આવ્યો ત્યારે લોહી ઘણું વહી ગયું હતું, ડાબી છાતીમાં આશરે બે ઇંચ જેટલો ઘા વાગ્યો હતો. લાંબા જમૈયા જેવા ધારદાર તીક્ષ્ણ હથિયાર વડે થઈ શકે એવો ઘા હતો. તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તપાસ અને એક્સ રેથી જણાયું કે એનું ડાબું ફેફસું બેસી ગયું હતું, અને પેટમાં પણ હવા પ્રસરી ગઈ હતી. આનો મતલબ એ થતો હતો કે ઉદરપટલ (Diaphram) પણ ચીરાઈ ગયો છે, અને હથિયારે પેટનાં અવયવો, જેવાં કે હોજરી અને નાના-મોટા આંતરડાંને પણ ઈજા પહોંચાડી હોય. બચવાની શક્યતા ઓછી થતી જતી હતી. તેના Vital Parameters એટલે કે Pulse, BP, respiration અને Consciousness ઉપર ખૂબ જીવલેણ અસરો વર્તાઈ રહી હતી.

    હોસ્પિટલમાં એનાં સગાં, પોલીસ, અને તમાસો જોનારાની ભીડ હતી, પણ ડૉ. પરેશે પોલીસનો સાથ લઈ ફક્ત અંગત સગાં જોડે વાત કરી, અને સ્ટાફને જરૂરી સારવારની સૂચનાઓ આપીને બેભાન કરનાર ડૉક્ટરને (Anaesthestist) કૉલ કરાવ્યો.

    “સાહેબ, એ બચી જશે ને?”

    “જુઓ, જે રીતનું વાગ્યું છે, અને રિપૉર્ટ બતાવે છે કે અંદર ખૂબ નુકસાન થયું છે. શું થશે, એ કહી શકાય એમ નથી, પણ સિરિયસ છે.”

    “બીજે લઈ જઈએ તો?”

    “હાલની પરિસ્થિતિમાં એને ક્યાંય લઈ જવાય એમ નથી, અને જો લઈ જશો તો રસ્તામાં જ એનું…”

    “સાહેબ, તમે જ કંઈ કરો…”

    “હા, ઑપરેશન તો કરવું જ પડશે, છાતી ચીરવી પડશે. પેટ પણ ચીરીને અંદરનું નુકસાન તપાસીને ઘટતું કરવું પડે, અને ખૂબ લોહી વહી ગયું છે, એટલે લોહીના બાટલા પણ ચડાવવા પડે. મારી પૂરી ક્ષમતા અને કાળજીથી ઑપરેટ કરું તો પણ ના કરે નારાયણ અને હું એને બચાવી ના શકું! બોલો મંજૂર હોય તો હું તાત્કાલિક ઑપરેશનમાં લઉં.”

    “હા સાહેબ! આપ જ ભગવાન…” બે-ત્રણ જણા ડૉ. પરેશના પગમાં પડ્યા.

    બધી તૈયારી સાથે ડૉ. પરેશે પહેલાં છાતી ચીરી, Left Thoractomyનું ઑપરેશન હાથમાં લીધું.

    જોયું તો ડાબા ફેફસાનો ભાગ કપાઈ ગયો હતો, અને હથિયાર હૃદયની નીચેથી પસાર થઈ ઉદરપટલને ચીરીને પેટમાં ઊતરી ગયું હતું. ફેફસાને યોગ્ય રીતે સાંધીને (Air tight) Intercostal Drain મૂક્યું અને તેને યોગ્ય રીતે બહાર પાણીની નીચે હવા અને લોહી નીકળે એવી વ્યવસ્થા કરી. ઉદરપટલને પણ રિપેર કર્યું, અને છાતીનો ઘા બંધ કર્યો.

    પેશન્ટને છતો સુવાડી, પેટને ખોલ્યું. Exploration દરમ્યાન જોયું તો ડૉક્ટર અને સાથી મદદનીશ સ્ટાફ અચંબામાં પડી ગયા. લાંબુ હથિયાર હોજરીને સહેજ લસરકો કરી, મોટા આંતરડાને નુકસાન કર્યા વગર ચરબીના લટકતા રક્ષણાત્મક પડમાં (Omentum) કાણું પાડીને, નાના આંતરડાની ગૂંચો વચ્ચેથી નુકસાન કર્યા વગર પસાર થઈને જમણી કિડની સુધી પહોંચ્યું હતું, છતાં કિડની પણ નુકસાન રહિત હતી! હા, ઓમેન્ટમની લોહીની નળીઓ કપાઈ ગયેલી, તેથી પેટમાં લોહી ભરાયેલું હતું, અને ગઠ્ઠા થઈ નીચે ભરાઈ પડ્યું હતું.

    બધું સાફસૂફ કરીને, કોઈ નુકસાનીનો ભાગ રહી ગયો હોય તો ફરીથી તપાસીને ડૉ. પરેશે પેટને Layer by layer (પડ પ્રમાણે પડ)ને સાંધી બંધ કર્યું. હાશ… બધું બરાબર સંતોષજનક કામ થયું. Anaesthetic ડૉક્ટરનો આભાર માન્યો, બીજા સ્ટાફનો આભાર માન્યો, અને ડૉ. પરેશ બહાર સગાંને ખબર આપવા બહાર ગયા.

    સગાં અને બીજાં ઘણાં દોડી આવ્યાં, અને ડૉક્ટર સામે અનિમેષ તાકતાં કાન સરવા કરી ઊભાં.

    “ખૂબ સરસ રીતે ઑપરેશન થયું છે, થોડીવારમાં દર્દીને બહાર લાવવામાં આવશે. થોડા કલાક પછી ભાનમાં આવશે. ૧૫-૨૦ દિવસ દવાખાનામાં રોકાવું પડશે. મેં મારું કામ મારી સંપૂર્ણ આવડતથી કર્યું છે. હવે ઉપરવાળાને હાથમાં સોંપું છું.”

    અભણ સગાં પગે પડવા સિવાય શું કરે?

    ડૉ. પરેશને આ કેસે ખૂબ જ નામના કમાવી આપી. ડૉ. જાણતા હતા જે કદી બની ના શકે, એવું બન્યું હતું. ડાબી છાતીમાં વાગેલું લાંબું તીક્ષ્ણ હથિયાર, હૃદયને, હોજરીને, આંતરડાંને, વળોટી જમણી કિડની સુધી જાય છતાં ફેફસાં સિવાય ક્યાંય નુકસાન ના કરે! શરીરશાસ્ત્રને જાણનાર એ કોઈપણ રીતે માની ના શકે એવું જ બન્યું હતું!

    ડૉ. પરેશ હંમેશા પોતાની આવડત અને ભગવાન પર ભરોસો રાખીને જ કામ કરતા હતા, અને ઑપરેશન પત્યા પછી દર્દીને નમસ્કાર કરી ભગવાને મનમાં પ્રાર્થના કરતા કે,

    “મેં મારાથી બનતું કર્યું છે. હવે દર્દીને બચાવવાનું અને મટાડવાનું કામ તારું છે.”

    ભગવાને ડૉ. પરેશની વાત હંમેશા સાંભળી છે, અને ડૉ. પરેશ પણ શ્રદ્ધાપૂર્વક જીવન જીવ્યા છે.

    +                           +                                +

    છું તબીબી જ્ઞાનથી માહિર પણ,

    કોઈને ક્યાં દર્દની ફરિયાદ છે?

             – ‘સાજ’ મેવાડા


    ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ભારતમાં રાજ્યોની પુનર્રચના-પડકારો અને ઉકેલ

    નિસબત

    ચંદુ મહેરિયા

    બ્રિટિશરોની ગુલામીમાંથી ભારત આઝાદ થયું ત્યારે દેશમાં ચાર પ્રકારના ઘટક રાજ્યો અસ્તિત્વમાં હતા : “અ”વર્ગના નવ(૯) રાજ્યોમાં પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર,આસામ, બંગાળ, ઓરિસ્સા, મદ્રાસ અને  મુંબઈનો સમાવેશ થતો હતો.મધ્યભારત, મૈસુર, સૌરાષ્ટ્ર,રાજસ્થાન, હૈદરાબાદ,પતિયાલા(’પેપ્સુ’, ઈસ્ટ પંજાબ સ્ટેટસ યુનિયન) અને કોચીન-ત્રાવણકોર એ સાત(૭) “બ” વર્ગના રાજ્યો હતા. આ સાત રાજ્યો દેશી રજવાડા કે તેના એકમો હતા. દિલ્હી, કચ્છ, મણિપુર, દુર્ગ, ત્રિપુરા, અજમેર, વિલાસપુર, ભોપાલ, હિમાચલપ્રદેશ અને વિંધ્યપ્રદેશ એ દસ (૧૦) ટચૂકડા વિસ્તારો “ક”વર્ગમાં મુકાયા હતા. આંદામાન-નિકોબાર કેન્દ્રશાસિત “ડ” વર્ગમાં હતુ.

    આ ચાર પ્રકારના ઘટક રાજ્યોનો દરજ્જો અને અધિકારો સમાન નહોતા. તેમનું માળખું યોગ્ય રીતે ગોઠવાયું નહોતું. અંગ્રેજ અમલ દરમિયાન પણ રાજ્યોનું માળખું અવ્યવસ્થિત હતું. પ્રાદેશિક સીમાઓ એકસરખા, ચોક્કસ અને તર્કબધ્ધ કારણોથી નક્કી કરવામાં આવી નહોતી.

    માત્ર ભાષાના મુદ્દે પણ આ રાજ્યોનો વહીવટ ખૂબ મુશ્કેલ હતો. બેઈલી નામના અંગ્રેજ કલેકટરે ઈ.સ. ૧૮૫૭માં નોંધ્યું હતું કે બંગાળ પ્રાંતના બ્રિટિશ અફસરોને બંગાળી, અસમિયા, હિંદી અને ઉડિયા જેવી ચાર ભાષાઓ આવડતી હોય તો જ તે સુગમ રીતે વહીવટ કરી શકે અને લોકસંપર્ક સાધી શકે.

    ગાંધીજી અને કોંગ્રેસ રાજ્યોની રચના ભાષાના ધોરણે કરવાના હિમાયતી હતા. ગાંધીજીએ લખ્યું છે કે “હું માનું છું કે પ્રાંતોની રચના ભાષાવાર કરવી એ જ ખરું ધોરણ છે. કોંગ્રેસના કામ માટે પ્રાંતોની ભાષાવાર નવેસર વહેંચણીને કોંગ્રેસ તરફથી મંજૂરી મેળવી આપવામાં મુખ્યત્વે કરીને મારો હાથ હતો..” (ગાંધીજીનો અક્ષરદેહ, ભાગ-૭૫, પૃષ્ઠ-૪૩૧) ગાંધીજીએ ઈ.સ. ૧૯૧૯માં કોંગ્રેસની પ્રાંતિય શાખાઓ ભાષાના ધોરણે સ્થાપી હતી. ૧૯૩૭ અને ૧૯૪૩માં આઝાદી મળશે કે તુરત જ રાજ્યોની રચના ભાષાના ધોરણે કરાશે તેવું વચન દેશની જનતાને કોંગ્રેસે આપ્યું હતું.

    સ્વતંત્રતા આંદોલન દરમિયાન જ રાજ્યોની રચના ભાષાના ધોરણે થવી જોઈએ તેવી માંગણી બળવત્તર બની હતી. ઈ.સ. ૧૮૯૫માં બિહાર અને ઓરિસ્સાને વિભાજિત કરીને અલગ  ઉડિયા રાજ્યનું આંદોલન, ઉડિયા રાષ્ટ્રવાદ અને ઉડિયા ભાષાના મુદ્દે થયું હતું અને ૧૯૩૬માં અલગ રાજ્ય મેળવ્યું હતું. તેલુગુભાષી વિસ્તારની અલગ કોંગ્રેસ પ્રાંતિય શાખા પૂર્વે “આંધ્ર મહાસભા”એ ઈ.સ. ૧૯૦૯માં અલગ આંધ્રની માગણી કરી હતી.

    કોંગ્રેસે ૧૯૨૮માં મોતીલાલ નહેરુ કમિટીની રચના કરી હતી. તેણે વસ્તી, ભાષા, લોકભાવના, ભૌગોલિક અને આર્થિક સ્થિતિને રાજ્ય રચનાનો આધાર માન્યો હતો. ૧૯૪૭માં આઝાદી મળી પરંતુ દેશના ધર્મના આધારે ભાગલા પડ્યા. એટલે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ભાષાના ધોરણે રાજ્યોની રચનાના પક્ષે નહોતા. સરદાર પટેલ પણ એવો જ મત ધરાવતા હતા. ૧૯૪૮માં સરકારે નિવૃત ન્યાયાધીશ એસ.કે ધરના નેતૃત્વમાં પ્રાંતિય ભાષા કમિશનની રચના કરી  પંચે  છ જ મહિનામાં સરકારના વિચારો જેવી જ ભલામણો કરતો અહેવાલ આપ્યો. પંચે ભાષાના આધારે રાજ્યોની માંગણી નકારી હતી. પંચનું માનવું હતું કે લોકોની લાગણી ભાષાવાર રાજ્યોની રચના સાથે જોડાયેલી છે પરંતુ તે દેશહિતમાં નથી. કોંગ્રેસે પણ તે પછીના તેના જયપુર અધિવેશનમાં જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ અને પટ્ટાભિ સીતારામૈયાની સમિતિ બનાવી હતી. સમિતિએ અસરગ્રસ્તરાજ્યોના લોકોની ભાવના, આપસી સહમતિ ,આર્થિક અને વહીવટી વ્યવહાર્યતાને ધ્યાનમાં રાખીને જ  ભાષાના આધારે રાજ્યોની રચના કરવા પર ભાર મૂક્યો હતો.

    ઈ.સ. ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલી બન્યા પછી બંધારણના અનુચ્છેદ ૩માં સંસદને રાજ્યોના વિસ્તારમાં ફેરફારની સત્તા આપતી જોગવાઈ કરવામાં આવી હતી. રાજનીતિશાસ્ત્રના વિદ્વાનો આ જોગવાઈને સમવાયતંત્રના સ્વીકૃત સિધ્ધાંત વિરુધ્ધની ગણાવે છે.

    સ્વતંત્રતા પછી તુરત જ  ભાષાકીય ધોરણે રાજ્યોની રચનાની માંગણી જોર પકડવા લાગી હતી. અનેક રાજ્યોમાં આ માટેના આંદોલનો શરૂ થયા. તેમાં આંધ્ર, પંજાબ અને ગુજરાતના આંદોલનો પ્રમુખ હતા. પંડિત નહેરુ ભાષાના ધોરણે આંધ્ર કે ગુજરાતની રચના અંગે સહેજપણ સંમત નહોતા. આખા દેશમાં તેમના ચૂંટણી પ્રવચનોમાં તેઓ ભાષા કે ભાષાવાર રાજ્ય રચના વિશે એક શબ્દ પણ બોલતા નહોતા. ૧૯૫૨માં પહેલી સામાન્ય ચૂંટણીમાં લોકસભામાં તો કોંગ્રેસને જંગી બહુમતી મળી પરંતુ મદ્રાસની ધારાસભાની ચૂંટણીમાં તેને ૧૪૫માંથી માત્ર ૪૩ જ બેઠકો મળી હતી.એટલો પ્રભાવ ભાષાવાર રાજ્ય રચનાના આંદોલનનો હતો.

    મદ્રાસના તેલુગુભાષી રાજ્યોનું અલગ આંધ્ર રાજ્ય રચવા માટેનું આંદોલન  કોંગ્રેસી આગેવાન શ્રીરામુલુ પોટ્ટીના આમરણ અનશન સાથે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું હતું. ઉપવાસ દરમિયાન જ  અઠ્ઠાવનમા દિવસે  તેમનું મૃત્યુ થયું. અને તેના પગલે હિંસા ફાટી નીકળી. આ આંદોલનના પડઘા આખા દેશમાં પડ્યા. ૧૫મી ડિસેમ્બર ૧૯૫૨માં શ્રીરામલુ પોટ્ટીનું  અવસાન થયું તેના બે દિવસ પછી જ વડાપ્રધાન નહેરુએ આંધ્રના અલગ રાજ્યની માંગણી સ્વીકારવી પડી હતી. અને ૧૯૫૩માં આંધ્રના અલગ રાજ્યની રચના કરવી પડી હતી. . પહેલી ઓકટોબર ૧૯૫૩ના રોજ મદ્રાસ રાજ્યના ૧૧ ઉત્તરી તેલુગુભાષી  જિલ્લાઓને છૂટા પાડીને આંધ્રપ્રદેશનું નવું રાજ્ય બનાવવામાં આવ્યું હતુ.

    અલગ આંધ્રની રચના પછી કેન્દ્ર સરકારે ડિસેમ્બર ૧૯૫૩માં “રાજ્ય પુનર્રચના પંચ”ની રચના કરી હતી. ન્યાયમૂર્તિ ફઝલ અલી, પંડિત હ્રદયનાથ કુંઝરુ અને સરદાર કે.એમ પણિકરના બનેલા  આ પંચે ભાષાકીય એકતા, વહીવટી સુગમતા, આર્થિક વિકાસની જરૂરિયાત, સાંસ્કૃતિક સમાનતા અને લઘુમતીઓના હિતોનું રક્ષણ જેવા માપદંડોને આધારે સપ્ટેમ્બર ૧૯૫૫માં રાજ્યોની પુનર્રચના કરવા અંગે અહેવાલ આપ્યો હતો.  ફઝલ અલી પંચે રાજ્યોના અ,બ,ક  અને ડ જેવા જૂથો અને  ભેદભાવ નાબૂદ કરવા સૂચવ્યું હતું. પંચે નવેસરથી ૧૬ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવા ભલામણ કરી હતી. અનેક ચર્ચા વિચારણાઓ બાદ ૧૯૫૬માં  સંસદે રાજ્ય પુનર્રચના અધિનિયમ પસાર કર્યો હતો. તે મુજબ આંધ્ર, અસમ, બિહાર, મુંબઈ, જમ્મુ-કશ્મીર, કેરળ, મધ્યપ્રદેશ, મદ્રાસ, મૈસુર, ઉડિયા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ  એ ૧૪ રાજ્યો તથા આંદામાન –નિકોબાર, દિલ્હી, મણિપુર , ત્રિપુરા, હિમાચલપ્રદેશ અને લક્ષદીપ એ ૬ કેન્દ્રશાસિત પ્રદેશોની ભાષાના ધોરણે રચના કરવામાં આવી હતી.

    ૧૯૫૬માં ભાષાવાર રાજ્યોની રચના કરવા છતાં અસંતોષ અને અન્યાયની લાગણી સાથે નવા રાજ્યોની માંગણી ચાલુ રહી હતી. દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ કરવાની ચળવળ ઉગ્ર બની. અંતે પહેલી મે ૧૯૬૦ના રોજ ગુજરાતીભાષી ગુજરાત અને મરાઠીભાષી મહારાષ્ટ્ર એવા બે નવા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. ડિસેમ્બર ૧૯૬૧માં ફિરંગીઓના ત્રણ થાણા દીવ, દમણ અને ગોવાને જોડીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. ૧૯૬૩માં નાગાલેન્ડ ,૧૯૬૬માં પંજાબમાંથી પંજાબ, હરિયાણા અને હિમાચલપ્રદેશ, ૧૯૭૨માં મેઘાલય, મણિપુર અને ત્રિપુરા તથા ૧૯૮૭માં મિઝોરમ રાજ્યો બન્યાં હતા. ૧૯૮૭માં અરુણાચલ પ્રદેશ અને ગોવાને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી રાજ્યો બનાવાયા હતા.  ૨૦૦૦ના વરસમાં ઉત્તરાખંડ, છત્તીસગઢ અને ઝારખંડ-  એ ત્રણ રાજ્યો અનુક્રમે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારનું વિભાજન કરીને રચવામાં આવ્યા હતા.૨૦૧૪ના વરસમાં આંધ્રનું વિભાજન કરીને તેલંગાણા અને આંધ્રના બે અલગ રાજ્યો બનાવવામાં આવ્યા હતા.

    જમ્મુ-કશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી પછી તેને રાજ્યને બદલે જમ્મુ-કશ્મીર અને લદ્દાખ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરતાં આજે દેશમાં ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિતપ્રદેશો છે.ભાષાની દ્રષ્ટિએ તો આ રાજ્યોની ભાષાઓ- હિંદી, અંગ્રેજી, તેલુગુ, અસમિયા, મિઝો, કોંકણી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, મણિપુરી, ઉડિયા, પંજાબી, તમિલ, ત્રિપુરી, બંગાળી અને સાંથાલી  છે. સૌથી વધુ ૧૦ રાજ્યોની ભાષા હિંદી છે. પૂર્વોત્તરના ચાર રાજ્યોની ભાષા અંગ્રેજી છે. તેલંગાણાની ભાષા તેલુગુ અને ઉર્દૂ છે જ્યારે પશ્ચિમ બંગાળમાં મુખ્યત્વે ચાર ભાષાઓ ( બંગાળી, ઉર્દૂ, હિંદી અને સંથાલી)નું ચલણ  છે.

    “ઈન્ડિયા આફટર ગાંધી”માં ઈતિહાસવિદ રામચન્દ્ર ગુહા “ભાષાવાર રાજ્યરચનાને કારણે દેશનું સમવાય માળખુ મજબૂત થયાનું” જણાવે છે. ગાંધીજી પણ ભાષાવાર રાજ્યોને ભારતની સાંસ્કૃતિક પ્રગતિનો માર્ગ. અને દેશને જોડનારી મજબૂત કડી માનતા હતા.

    ભાષાનું રાજ્ય કે રાજ્યની ભાષા અર્થાત જે તે પ્રદેશમાં બોલાતી ભાષા પરથી રાજ્યની રચના કરવી કે જે તે રાજ્યની રાજભાષા નક્કી કરવી તે સવાલ રહે છે. આરંભે ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવામાં આવી હતી. પરંતુ ૨૦૦૦ અને ૨૦૧૪ માં રચાયેલા ઉત્તરાખંડ, છત્તીસગઢ,  ઝારખંડ અને તેલંગાણા તો સમાનભાષી રાજ્યોમાંથી વિકાસ કે પછાતપણાના કારણે  વિભાજિત થઈને રચાયેલા રાજ્યો છે .એટલે માત્ર ભાષાના ધોરણે રાજ્ય રચનાનો સિધ્ધાંત  સંપૂર્ણ સાચો નથી.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કાવ્યાનુવાદ : Grow old with me / વૃદ્ધ થા મુજ સંગ…

    Grow old… 

    – રોબર્ટ બ્રાઉનીંગ

    “Grow old along with me!

    The best is yet to be,
    the last of life,
    for which the first was made.

    Our times are in his hand
    who saith, ‘A whole I planned,
    youth shows but half;
    Trust God: See all, nor be afraid!”

     અનુવાદ 

    વૃદ્ધ થા મુજ સંગ

    જીવન રાખશે હજી રંગ
    જો, આથમણી સાંજ્યું કાજ
    ઉગમણું હતું જ સવાર.

    આપણ સમય એને પંડ
    સરજ્યું જે કહે, “મેં અખંડ,
    જુવાની તો અરધ આભાસ
    હરિપર રાખ તું વિશ્વાસ
    સઘળું તેજમાંહી તપાસ
    ભયના રાખ તું તલભાર”

                –     અનુ. મકરંદદવે

    (સૌજન્ય : અક્ષરનાદ)

    બ્રાઉનિંગ, રૉબર્ટ (૧૮૧૨, લંડન; ૧૮૮૯, લંડન) :

    અંગ્રેજ કવિ. પિતા બૅંક ઑવ્ ઇંગ્લૅન્ડમાં સિનિયર કલાર્ક, પણ કલા અને સાહિત્યના રસિક. આ વારસો રૉબર્ટ બ્રાઉનિંગને મળ્યો. માતા સંગીતપ્રેમી, પિયાનોવાદક અને શ્રદ્ધાળુ. રૉબર્ટ બ્રાઉનિંગ 1828માં યુનિવર્સિટી ઑવ્ લંડનમાં દાખલ થયા પણ દોઢેક વર્ષ પછી અભ્યાસ છોડી દીધો. નાનકડા સંયુક્ત કુટુંબમાં તેમણે પોતાને ઘરે રહીને પિતાની અંગત લાઇબ્રેરીનાં 7000 જેટલાં પુસ્તકોનો અભ્યાસ કર્યો.

    16 વર્ષની ઉંમરે તેમણે કાવ્યો રચવાની શરૂ કરી. સૌપ્રથમ પ્રસિદ્ધ થયેલ કાવ્યરચના ‘પૉલિન’(1933) વાંચીને જ્હૉન સ્ટુઅર્ટ મિલે ટીકા કરેલી કે ‘આ અજ્ઞાત કવિ કોઈ શાણા માનવીમાં ન જોવા મળે તેવા રુગ્ણ અંતર્મુખી અતિ ઉત્કટ ચેતનાના ભાવથી ઘેરાયેલા જણાય છે.’ રૉબર્ટ બ્રાઉનિંગે આ ટીકા વાંચીને પોતાના વિચારો વાચકો આગળ સીધેસીધા રજૂ ન કરવાનો નિર્ધાર કર્યો. ત્યારબાદની રચનાઓમાં તેઓ સ્ત્રી અને પુરુષ પાત્રો પાસે બધું બોલાવે છે – ‘ડ્રામેટિક મૉનૉલૉગ’ની પદ્ધતિ અખત્યાર કરે છે. તેમની કાવ્યવિકાસયાત્રામાં આ એક નવું કદમ છે. તેમની કૃતિ ‘પૅરાસેલ્સસ’(1835)માં તેમનો આત્મકથાત્મક અભિગમ દેખાય છે. એ કાવ્યરચનાએ વર્ડ્ઝ્વર્થ અને ટૉમસ કાર્લાઇલ જેવા મહાન સાહિત્યકારોનું ધ્યાન તેમના તરફ આકર્ષિત કર્યું અને તેમના પ્રોત્સાહનથી તેઓ લંડનમાં સાહિત્યિક વર્તુળોમાં જાણીતા બન્યા.

    1855માં રૉબર્ટ બ્રાઉનિંગે ‘મૅન ઍન્ડ વિમેન’ શીર્ષકવાળું 51 કાવ્યોનું પુસ્તક પ્રકાશિત કર્યું. તેમાં મોટાભાગની નાટ્ય-એકોક્તિઓ છે, પણ આધુનિક વાચકને પણ તે વાંચવી ગમે તેવી છે. વિવેચકોએ મુક્ત કંઠે તેની પ્રશંસા કરી અને કવિને દાન્તેના તથા પ્રીરાફેલાઇટ બ્રધરહુડના મૂર્તિમંત સ્વરૂપ તરીકે નવાજ્યો.

                   કવિ તરીકેની તેમની કીર્તિમાં તેમની કૃતિ ‘ધ રિંગ ઍન્ડ ધ બુક’ પ્રકાશિત થયા પછી ઝડપથી વૃદ્ધિ થઈ. 12 ગ્રંથોમાં લખાયેલા અને 21,000 પંક્તિઓમાં પ્રસરેલા આ સુદીર્ઘ કાવ્યમાં 12 નાટ્ય-એકોક્તિઓ છે. 1698માં રોમમાં થયેલી એક હત્યા અને તેના મુકદ્દમા ઉપર આધારિત આ કવિતામાં જુદાં જુદાં પાત્રો આ ગુનાને પોતપોતાની રીતે મૂલવે છે. વૃત્તાંતો એકેબીજાથી વિરુદ્ધ હોવા છતાં છળ અને આત્મ-નિરીક્ષણનાં જાળાં પછવાડેથી છેલ્લે સત્ય ડોકાય છે. આ કૃતિના પ્રકાશન પછી લંડનમાં એકપ્રભાવશાળી કવિ તરીકે રૉબર્ટ બ્રાઉનિંગનું વ્યક્તિત્વ ઊપસ્યું. આરંભની કારકિર્દીમાં એલિઝાબેથ કરતાં કવિ તરીકેની કીર્તિ ઓછી હોવા છતાં 1870 સુધીમાં તો તેમની સરખામણી લૉર્ડ ટેનિસન જેવા કવિઓ સાથે થવા માંડી. તેમની કવિતાનો પ્રભાવ આધુનિક કવિઓ ટી. એસ. એલિયટ અને એઝરા પાઉન્ડ ઉપર જોવા મળે છે. ઊર્મિ-કાવ્યોના તેમના છેલ્લા સંગ્રહ ‘એપિલૉગ’માં તેમણે એક સ્થળે લખ્યું છે કે પોતે ક્યાંય પાછી પાની કરી નથી. સદા આગેકૂચ જ કરતો રહ્યો છે. ‘નિશાનચૂક માફ, માફ નહિ કિંતુ નીચું નિશાન’ વાળી વાત કરીને તેમણે આશાવાદની તરફેણ કરી છે.

    સૌજન્ય : ગુજરાતી વિશ્વકોશ

  • આત્મઘાતમાંથી પદ્મશ્રી

    વાંચનમાંથી ટાંચણ

    – સુરેશ જાની

    ‘મને જીવવા પણ નથી દેતા, અને મરવા પણ નથી દેતા.
    તો હવે મારે કરવું શું?’

    આપઘાતના કારણે મરણ પથારીમાં પડેલી કલ્પનાએ ઘરનાં માણસો અને હોસ્પિટલના સ્ટાફની અથાક સારવારથી બચી ગયા બાદ, આ સવાલ પોતાની જાતને પુછ્યો. એ સાથે એના દુખિયારા જીવનમાં નવી પરોઢની શરૂઆત થઈ ગઈ.

    ૧૯૬૧ની સાલમાં મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના રોપરખેડા ગામમાં દલિત કુટુમ્બમાં એક પોલિસ કોન્સ્ટેબલના ઘરમાં કલ્પનાનો જન્મ થયો હતો. બે બહેનો અને બે ભાઈઓ વચ્ચે કલ્પના સૌથી મોટી હતી. ‘સુખ શું?’ એનો થોડો અણસાર બાળપણમાં મળ્યા બાદ એના નસીબમાં હતું – માત્ર દુઃખ, દુઃખ અને દુઃખ જ ! બાર વર્ષની થઈ ત્યાં સુધી નિશાળમાં બીજાં બાળકો તેને હડધૂત કરતાં હતાં. એને ભણવાના બહુ કોડ હતા.

    પણ એમના સમાજમાં ‘આટલી મોટી થયેલી છોકરીને તો પરણાવી દેવી જ જોઈએ.’ એવા ખ્યાલના કારણે માબાપે તેને દસ વર્ષ મોટા વર સાથે પરણાવી દીધી. અને સાસરું પણ કેવું ? મુંબઈના ઝુંપડપટ્ટી વિસ્તારમાં એક જ રૂમના ખોરડામાં જેઠ/ જેઠાણી સાથે એમનો સંસાર શરૂ થયો. જેઠ-જેઠાણીની હકૂમત અને પરણ્યાની પરવશતાને કારણે, જીવન અને જીવનની આશાઓ વિશે કશા ખ્યાલ વિનાની કલ્પનાને મેણાંટોણાં તો ઠીક, ઢોરમાર પણ મુંગા મોઢે ખમી ખાવો પડતો હતો.

    છ મહિના પછી એનો બાપ એને મળવા આવ્યો ત્યારે તે પોતાની દીકરીને ઓળખી પણ ન શકે, એટલી એ સૂકાઈ ગઈ હતી. કંટાળીને તે એને પોતાની સાથે પાછી લઈ ગયો અને તેનું શિક્ષણ શરૂ કરાવ્યું. પણ એ સમાજમાં ‘પરણ્યા પછી તો સ્ત્રી સાસરે જ શોભે.’ – એ માન્યતાને કારણે એ અને એનાં માવતર સામાજિક તિરસ્કારનો ભોગ બનતાં રહ્યાં. આ ક્રમ લગાતાર ચાર વર્ષ ચાલુ રહ્યો. છેવટે કંટાળીને સોળ વર્ષની કલ્પના જંતુનાશક દવાની ત્રણ બાટલી ગટગટાવી ગઈ.

    પણ હાય! નસીબ બે ડગલાં આગળ હતું. એની કાકી અને હોસ્પિટલના સ્ટાફની સારવારના કારણે કલ્પના બચી ગઈ. ત્યારે એના મગજમાં ઉપર જણાવેલ વિચાર ઘોળાવા માંડ્યો. વિધાતાએ એને જીવનની કિમ્મત સમજાવી દીધી અને એના મનમાં આ મંત્ર જડબેસલાક ઠરીઠામ થઈ ગયો –

    अपना हाथ जगन्नाथ ।

    કલ્પનાએ નક્કી કર્યું કે કોઈના મેણાં ટોણાંની પરવા કર્યા વિના,, તે હવે પોતાની જિંદગી જાતે બનાવશે. તેને એ પણ સમજાયું કે, ’નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ.’ હવે પાડોશીઓની ટીકાઓ તેને અપમાનજનક લાગવાને બદલે પ્રેરક બનવા લાગી. દરેક મેણાંની સાથે આત્મનિર્ભર થવાનો ખ્યાલ દૃઢ થતો ગયો.

    ચાર વર્ષ બાદ નસીબ અજમાવવા તે કાકાની સાથે મુંબઈ રહેવા ગઈ; અને કપડાં બનાવતા કારખાનામાં નોકરીએ જોડાઈ ગઈ. જેમ જેમ પગાર આવતો ગયો, તેમ તેમ તેનું ઓશિયાળાપણું અદૃશ્ય થવા લાગ્યું. તેના ચતુર મનમાં એ પણ સમજાયું કે, ‘ગાડીમાં ફરતા, શેઠનું માન કેટલું બધું છે?’ . એમની પાસે બહુ નાણાં છે, એટલે જ ને?

    તેણે કાકાની સાથે બેન્કમાં જઈ ૫૦,૦૦૦ ₹ ની લોન લીધી અને સીવવાનો સંચો અને બીજી જરૂરી સામગ્રી વસાવી લીધી. એને ઢગલાબંધ કામ પણ મળવા લાગ્યું . અલબત્ત હવે તેની હેસિયર પગારદાર કામદાર કરતાં અનેક ગણી વધી ગઈ. બચત વધતાં બીજી લોન લઈને તેણે ફર્નિચરનો સ્ટોર શરૂ કર્યો.

    ગગનવિહારી આ પંખીને પછી તો પાંખો ઊગવા લાગી. ૧૯૯૩ની સાલમાં તેણે જમીન ખરીદવા કમર કસી. જમીન ખરીદ્યા બાદ ચાર વર્ષે, એના બધા કાગળો તેના નામે થઈ શક્યા. ફરી એના નસીબમાં નવો ઝટકો આવીને ઊભો રહ્યો . એને બાતમી મળી કે, અન્ય મોટી હસ્તીઓએ એને ખતમ કરવા સોપારી આપી છે. ગામ પાછી વળવા એને ધમકીઓ પણ મળી. પણ હવે કલ્પના ‘ રોકી ન શકાય એટલી હિમ્મત’ ધરાવતી ચંડિકા હતી. તે તરત જ પોલિસ સ્ટેશનમાં ગઈ. એની જીવન કહાણી સાંભળી પોલિસ વડાએ તરત એને બંદૂક માટે લાયસન્સ આપી દીધું. સાંજે તે ઘેર પાછી ફરી , ત્યારે સામે આવનાર બધી આપત્તિઓને ઘોળીને પી જવા જેટલી ખુમારી તેના દિલો દિમાગમાં છવાયેલી હતી. તેનો જમીન મિલ્કતનો ધંધો હવે બરાબર જામી ગયો.

    આમ ને આમ કલ્પનાનો જીવન તોખાર તેજગતિએ આગળ ધપતો રહ્યો. ૨૦૦૧ની સાલમાં ફડચામાં ગયેલી ‘કામાણી ટ્યુબ’ના શેર તેણે બહુ ઓછી મુડીથી ખરીદી લીધા. હવે તેને બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત થયું. કાળક્રમે એની સૂઝથી એ કંપની નફો કરતી થઈ. હવે તેનો સમગ્ર વહિવટ કલ્પનાના હાથમાં આવી ગયો.

    પોતાની જીવન કથનીના આધાર પણ તેણે મરાઠી ભાષામાં એક ફિલ્મ પણ બનાવી છે; જે હિન્દી અને તેલુગુ ભાષામાં ડબ પણ થઈ છે. [KS Film Production] એ ફિલ્મ જોઈને ઘણી વિવશ સ્ત્રીઓને પ્રેરણા મળી છે.

    આજની તારીખમાં કલ્પનાની અંગત મૂડી ૧૧ કરોડ ડોલરથી વધારે છે. અંગત જીવનમાં જન્મથી કલ્પના બૌદ્ધ ધર્મી છે અને આપબળે ભારતના ઘડવૈયા બનેલા સ્વ. ભીમરાવ આંબેડકરને પોતાની પ્રેરણા મૂર્તિ માને છે. ૧૯૮૦ ની સાલમાં ૨૨ વર્ષની ઉમરે તેણે સમીર સરોજ સાથે પુનર્લગ્ન કર્યા હતા. તેમને અમર નામે દીકરો અને સીમા નામે દીકરી પણ છે. ૧૯૮૯ માં તેના પતિના અવસાન બાદ તેના લોખંડના કબાટ બનાવવાનો ધંધો કલ્પના સંભાળતી હતી. હાલમાં તે શુભકરણ સાથે પરણેલી છે. તે અવારનવાર શાળાઓમાં બાળકોની સાથે સમય પણ ગાળે છે.

    ૨૦૧૩ની સાલમાં ભારત સરકારે પદ્મશ્રીનો ઈલ્કાબ આપીને શૂન્યમાંથી આપબળે આગળ ધપનાર આ વીરાંગનાનું બહુમાન પણ કર્યું છે.

    સંદર્ભ –

    https://en.m.wikipedia.org/wiki/Kalpana_Saroj

    https://www.femina.in/trending/achievers/the-inspiring-story-of-kalpana-saroj-chairperson-of-kamani-tubes-229633.html

    https://www.navhindtimes.in/2016/05/27/magazines/kuriocity/angad-daryani-maker-of-things/


    શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.