Grow old…
– રોબર્ટ બ્રાઉનીંગ
“Grow old along with me!
The best is yet to be,
the last of life,
for which the first was made.
Our times are in his hand
who saith, ‘A whole I planned,
youth shows but half;
Trust God: See all, nor be afraid!”
અનુવાદ
વૃદ્ધ થા મુજ સંગ
જીવન રાખશે હજી રંગ
જો, આથમણી સાંજ્યું કાજ
ઉગમણું હતું જ સવાર.
આપણ સમય એને પંડ
સરજ્યું જે કહે, “મેં અખંડ,
જુવાની તો અરધ આભાસ
હરિપર રાખ તું વિશ્વાસ
સઘળું તેજમાંહી તપાસ
ભયના રાખ તું તલભાર”
– અનુ. મકરંદદવે
(સૌજન્ય : અક્ષરનાદ)
બ્રાઉનિંગ, રૉબર્ટ (૧૮૧૨, લંડન; ૧૮૮૯, લંડન) :
અંગ્રેજ કવિ. પિતા બૅંક ઑવ્ ઇંગ્લૅન્ડમાં સિનિયર કલાર્ક, પણ કલા અને સાહિત્યના રસિક. આ વારસો રૉબર્ટ બ્રાઉનિંગને મળ્યો. માતા સંગીતપ્રેમી, પિયાનોવાદક અને શ્રદ્ધાળુ. રૉબર્ટ બ્રાઉનિંગ 1828માં યુનિવર્સિટી ઑવ્ લંડનમાં દાખલ થયા પણ દોઢેક વર્ષ પછી અભ્યાસ છોડી દીધો. નાનકડા સંયુક્ત કુટુંબમાં તેમણે પોતાને ઘરે રહીને પિતાની અંગત લાઇબ્રેરીનાં 7000 જેટલાં પુસ્તકોનો અભ્યાસ કર્યો.
16 વર્ષની ઉંમરે તેમણે કાવ્યો રચવાની શરૂ કરી. સૌપ્રથમ પ્રસિદ્ધ થયેલ કાવ્યરચના ‘પૉલિન’(1933) વાંચીને જ્હૉન સ્ટુઅર્ટ મિલે ટીકા કરેલી કે ‘આ અજ્ઞાત કવિ કોઈ શાણા માનવીમાં ન જોવા મળે તેવા રુગ્ણ અંતર્મુખી અતિ ઉત્કટ ચેતનાના ભાવથી ઘેરાયેલા જણાય છે.’ રૉબર્ટ બ્રાઉનિંગે આ ટીકા વાંચીને પોતાના વિચારો વાચકો આગળ સીધેસીધા રજૂ ન કરવાનો નિર્ધાર કર્યો. ત્યારબાદની રચનાઓમાં તેઓ સ્ત્રી અને પુરુષ પાત્રો પાસે બધું બોલાવે છે – ‘ડ્રામેટિક મૉનૉલૉગ’ની પદ્ધતિ અખત્યાર કરે છે. તેમની કાવ્યવિકાસયાત્રામાં આ એક નવું કદમ છે. તેમની કૃતિ ‘પૅરાસેલ્સસ’(1835)માં તેમનો આત્મકથાત્મક અભિગમ દેખાય છે. એ કાવ્યરચનાએ વર્ડ્ઝ્વર્થ અને ટૉમસ કાર્લાઇલ જેવા મહાન સાહિત્યકારોનું ધ્યાન તેમના તરફ આકર્ષિત કર્યું અને તેમના પ્રોત્સાહનથી તેઓ લંડનમાં સાહિત્યિક વર્તુળોમાં જાણીતા બન્યા.
1855માં રૉબર્ટ બ્રાઉનિંગે ‘મૅન ઍન્ડ વિમેન’ શીર્ષકવાળું 51 કાવ્યોનું પુસ્તક પ્રકાશિત કર્યું. તેમાં મોટાભાગની નાટ્ય-એકોક્તિઓ છે, પણ આધુનિક વાચકને પણ તે વાંચવી ગમે તેવી છે. વિવેચકોએ મુક્ત કંઠે તેની પ્રશંસા કરી અને કવિને દાન્તેના તથા પ્રીરાફેલાઇટ બ્રધરહુડના મૂર્તિમંત સ્વરૂપ તરીકે નવાજ્યો.
કવિ તરીકેની તેમની કીર્તિમાં તેમની કૃતિ ‘ધ રિંગ ઍન્ડ ધ બુક’ પ્રકાશિત થયા પછી ઝડપથી વૃદ્ધિ થઈ. 12 ગ્રંથોમાં લખાયેલા અને 21,000 પંક્તિઓમાં પ્રસરેલા આ સુદીર્ઘ કાવ્યમાં 12 નાટ્ય-એકોક્તિઓ છે. 1698માં રોમમાં થયેલી એક હત્યા અને તેના મુકદ્દમા ઉપર આધારિત આ કવિતામાં જુદાં જુદાં પાત્રો આ ગુનાને પોતપોતાની રીતે મૂલવે છે. વૃત્તાંતો એકેબીજાથી વિરુદ્ધ હોવા છતાં છળ અને આત્મ-નિરીક્ષણનાં જાળાં પછવાડેથી છેલ્લે સત્ય ડોકાય છે. આ કૃતિના પ્રકાશન પછી લંડનમાં એકપ્રભાવશાળી કવિ તરીકે રૉબર્ટ બ્રાઉનિંગનું વ્યક્તિત્વ ઊપસ્યું. આરંભની કારકિર્દીમાં એલિઝાબેથ કરતાં કવિ તરીકેની કીર્તિ ઓછી હોવા છતાં 1870 સુધીમાં તો તેમની સરખામણી લૉર્ડ ટેનિસન જેવા કવિઓ સાથે થવા માંડી. તેમની કવિતાનો પ્રભાવ આધુનિક કવિઓ ટી. એસ. એલિયટ અને એઝરા પાઉન્ડ ઉપર જોવા મળે છે. ઊર્મિ-કાવ્યોના તેમના છેલ્લા સંગ્રહ ‘એપિલૉગ’માં તેમણે એક સ્થળે લખ્યું છે કે પોતે ક્યાંય પાછી પાની કરી નથી. સદા આગેકૂચ જ કરતો રહ્યો છે. ‘નિશાનચૂક માફ, માફ નહિ કિંતુ નીચું નિશાન’ વાળી વાત કરીને તેમણે આશાવાદની તરફેણ કરી છે.
સૌજન્ય : ગુજરાતી વિશ્વકોશ