નિસબત
ચંદુ મહેરિયા
બ્રિટિશરોની ગુલામીમાંથી ભારત આઝાદ થયું ત્યારે દેશમાં ચાર પ્રકારના ઘટક રાજ્યો અસ્તિત્વમાં હતા : “અ”વર્ગના નવ(૯) રાજ્યોમાં પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર,આસામ, બંગાળ, ઓરિસ્સા, મદ્રાસ અને મુંબઈનો સમાવેશ થતો હતો.મધ્યભારત, મૈસુર, સૌરાષ્ટ્ર,રાજસ્થાન, હૈદરાબાદ,પતિયાલા(’પેપ્સુ’, ઈસ્ટ પંજાબ સ્ટેટસ યુનિયન) અને કોચીન-ત્રાવણકોર એ સાત(૭) “બ” વર્ગના રાજ્યો હતા. આ સાત રાજ્યો દેશી રજવાડા કે તેના એકમો હતા. દિલ્હી, કચ્છ, મણિપુર, દુર્ગ, ત્રિપુરા, અજમેર, વિલાસપુર, ભોપાલ, હિમાચલપ્રદેશ અને વિંધ્યપ્રદેશ એ દસ (૧૦) ટચૂકડા વિસ્તારો “ક”વર્ગમાં મુકાયા હતા. આંદામાન-નિકોબાર કેન્દ્રશાસિત “ડ” વર્ગમાં હતુ.
આ ચાર પ્રકારના ઘટક રાજ્યોનો દરજ્જો અને અધિકારો સમાન નહોતા. તેમનું માળખું યોગ્ય રીતે ગોઠવાયું નહોતું. અંગ્રેજ અમલ દરમિયાન પણ રાજ્યોનું માળખું અવ્યવસ્થિત હતું. પ્રાદેશિક સીમાઓ એકસરખા, ચોક્કસ અને તર્કબધ્ધ કારણોથી નક્કી કરવામાં આવી નહોતી.
માત્ર ભાષાના મુદ્દે પણ આ રાજ્યોનો વહીવટ ખૂબ મુશ્કેલ હતો. બેઈલી નામના અંગ્રેજ કલેકટરે ઈ.સ. ૧૮૫૭માં નોંધ્યું હતું કે બંગાળ પ્રાંતના બ્રિટિશ અફસરોને બંગાળી, અસમિયા, હિંદી અને ઉડિયા જેવી ચાર ભાષાઓ આવડતી હોય તો જ તે સુગમ રીતે વહીવટ કરી શકે અને લોકસંપર્ક સાધી શકે.
ગાંધીજી અને કોંગ્રેસ રાજ્યોની રચના ભાષાના ધોરણે કરવાના હિમાયતી હતા. ગાંધીજીએ લખ્યું છે કે “હું માનું છું કે પ્રાંતોની રચના ભાષાવાર કરવી એ જ ખરું ધોરણ છે. કોંગ્રેસના કામ માટે પ્રાંતોની ભાષાવાર નવેસર વહેંચણીને કોંગ્રેસ તરફથી મંજૂરી મેળવી આપવામાં મુખ્યત્વે કરીને મારો હાથ હતો..” (ગાંધીજીનો અક્ષરદેહ, ભાગ-૭૫, પૃષ્ઠ-૪૩૧) ગાંધીજીએ ઈ.સ. ૧૯૧૯માં કોંગ્રેસની પ્રાંતિય શાખાઓ ભાષાના ધોરણે સ્થાપી હતી. ૧૯૩૭ અને ૧૯૪૩માં આઝાદી મળશે કે તુરત જ રાજ્યોની રચના ભાષાના ધોરણે કરાશે તેવું વચન દેશની જનતાને કોંગ્રેસે આપ્યું હતું.
સ્વતંત્રતા આંદોલન દરમિયાન જ રાજ્યોની રચના ભાષાના ધોરણે થવી જોઈએ તેવી માંગણી બળવત્તર બની હતી. ઈ.સ. ૧૮૯૫માં બિહાર અને ઓરિસ્સાને વિભાજિત કરીને અલગ ઉડિયા રાજ્યનું આંદોલન, ઉડિયા રાષ્ટ્રવાદ અને ઉડિયા ભાષાના મુદ્દે થયું હતું અને ૧૯૩૬માં અલગ રાજ્ય મેળવ્યું હતું. તેલુગુભાષી વિસ્તારની અલગ કોંગ્રેસ પ્રાંતિય શાખા પૂર્વે “આંધ્ર મહાસભા”એ ઈ.સ. ૧૯૦૯માં અલગ આંધ્રની માગણી કરી હતી.
કોંગ્રેસે ૧૯૨૮માં મોતીલાલ નહેરુ કમિટીની રચના કરી હતી. તેણે વસ્તી, ભાષા, લોકભાવના, ભૌગોલિક અને આર્થિક સ્થિતિને રાજ્ય રચનાનો આધાર માન્યો હતો. ૧૯૪૭માં આઝાદી મળી પરંતુ દેશના ધર્મના આધારે ભાગલા પડ્યા. એટલે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ભાષાના ધોરણે રાજ્યોની રચનાના પક્ષે નહોતા. સરદાર પટેલ પણ એવો જ મત ધરાવતા હતા. ૧૯૪૮માં સરકારે નિવૃત ન્યાયાધીશ એસ.કે ધરના નેતૃત્વમાં પ્રાંતિય ભાષા કમિશનની રચના કરી પંચે છ જ મહિનામાં સરકારના વિચારો જેવી જ ભલામણો કરતો અહેવાલ આપ્યો. પંચે ભાષાના આધારે રાજ્યોની માંગણી નકારી હતી. પંચનું માનવું હતું કે લોકોની લાગણી ભાષાવાર રાજ્યોની રચના સાથે જોડાયેલી છે પરંતુ તે દેશહિતમાં નથી. કોંગ્રેસે પણ તે પછીના તેના જયપુર અધિવેશનમાં જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ અને પટ્ટાભિ સીતારામૈયાની સમિતિ બનાવી હતી. સમિતિએ અસરગ્રસ્તરાજ્યોના લોકોની ભાવના, આપસી સહમતિ ,આર્થિક અને વહીવટી વ્યવહાર્યતાને ધ્યાનમાં રાખીને જ ભાષાના આધારે રાજ્યોની રચના કરવા પર ભાર મૂક્યો હતો.
ઈ.સ. ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલી બન્યા પછી બંધારણના અનુચ્છેદ ૩માં સંસદને રાજ્યોના વિસ્તારમાં ફેરફારની સત્તા આપતી જોગવાઈ કરવામાં આવી હતી. રાજનીતિશાસ્ત્રના વિદ્વાનો આ જોગવાઈને સમવાયતંત્રના સ્વીકૃત સિધ્ધાંત વિરુધ્ધની ગણાવે છે.
સ્વતંત્રતા પછી તુરત જ ભાષાકીય ધોરણે રાજ્યોની રચનાની માંગણી જોર પકડવા લાગી હતી. અનેક રાજ્યોમાં આ માટેના આંદોલનો શરૂ થયા. તેમાં આંધ્ર, પંજાબ અને ગુજરાતના આંદોલનો પ્રમુખ હતા. પંડિત નહેરુ ભાષાના ધોરણે આંધ્ર કે ગુજરાતની રચના અંગે સહેજપણ સંમત નહોતા. આખા દેશમાં તેમના ચૂંટણી પ્રવચનોમાં તેઓ ભાષા કે ભાષાવાર રાજ્ય રચના વિશે એક શબ્દ પણ બોલતા નહોતા. ૧૯૫૨માં પહેલી સામાન્ય ચૂંટણીમાં લોકસભામાં તો કોંગ્રેસને જંગી બહુમતી મળી પરંતુ મદ્રાસની ધારાસભાની ચૂંટણીમાં તેને ૧૪૫માંથી માત્ર ૪૩ જ બેઠકો મળી હતી.એટલો પ્રભાવ ભાષાવાર રાજ્ય રચનાના આંદોલનનો હતો.
મદ્રાસના તેલુગુભાષી રાજ્યોનું અલગ આંધ્ર રાજ્ય રચવા માટેનું આંદોલન કોંગ્રેસી આગેવાન શ્રીરામુલુ પોટ્ટીના આમરણ અનશન સાથે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું હતું. ઉપવાસ દરમિયાન જ અઠ્ઠાવનમા દિવસે તેમનું મૃત્યુ થયું. અને તેના પગલે હિંસા ફાટી નીકળી. આ આંદોલનના પડઘા આખા દેશમાં પડ્યા. ૧૫મી ડિસેમ્બર ૧૯૫૨માં શ્રીરામલુ પોટ્ટીનું અવસાન થયું તેના બે દિવસ પછી જ વડાપ્રધાન નહેરુએ આંધ્રના અલગ રાજ્યની માંગણી સ્વીકારવી પડી હતી. અને ૧૯૫૩માં આંધ્રના અલગ રાજ્યની રચના કરવી પડી હતી. . પહેલી ઓકટોબર ૧૯૫૩ના રોજ મદ્રાસ રાજ્યના ૧૧ ઉત્તરી તેલુગુભાષી જિલ્લાઓને છૂટા પાડીને આંધ્રપ્રદેશનું નવું રાજ્ય બનાવવામાં આવ્યું હતુ.
અલગ આંધ્રની રચના પછી કેન્દ્ર સરકારે ડિસેમ્બર ૧૯૫૩માં “રાજ્ય પુનર્રચના પંચ”ની રચના કરી હતી. ન્યાયમૂર્તિ ફઝલ અલી, પંડિત હ્રદયનાથ કુંઝરુ અને સરદાર કે.એમ પણિકરના બનેલા આ પંચે ભાષાકીય એકતા, વહીવટી સુગમતા, આર્થિક વિકાસની જરૂરિયાત, સાંસ્કૃતિક સમાનતા અને લઘુમતીઓના હિતોનું રક્ષણ જેવા માપદંડોને આધારે સપ્ટેમ્બર ૧૯૫૫માં રાજ્યોની પુનર્રચના કરવા અંગે અહેવાલ આપ્યો હતો. ફઝલ અલી પંચે રાજ્યોના અ,બ,ક અને ડ જેવા જૂથો અને ભેદભાવ નાબૂદ કરવા સૂચવ્યું હતું. પંચે નવેસરથી ૧૬ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવા ભલામણ કરી હતી. અનેક ચર્ચા વિચારણાઓ બાદ ૧૯૫૬માં સંસદે રાજ્ય પુનર્રચના અધિનિયમ પસાર કર્યો હતો. તે મુજબ આંધ્ર, અસમ, બિહાર, મુંબઈ, જમ્મુ-કશ્મીર, કેરળ, મધ્યપ્રદેશ, મદ્રાસ, મૈસુર, ઉડિયા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ એ ૧૪ રાજ્યો તથા આંદામાન –નિકોબાર, દિલ્હી, મણિપુર , ત્રિપુરા, હિમાચલપ્રદેશ અને લક્ષદીપ એ ૬ કેન્દ્રશાસિત પ્રદેશોની ભાષાના ધોરણે રચના કરવામાં આવી હતી.
૧૯૫૬માં ભાષાવાર રાજ્યોની રચના કરવા છતાં અસંતોષ અને અન્યાયની લાગણી સાથે નવા રાજ્યોની માંગણી ચાલુ રહી હતી. દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ કરવાની ચળવળ ઉગ્ર બની. અંતે પહેલી મે ૧૯૬૦ના રોજ ગુજરાતીભાષી ગુજરાત અને મરાઠીભાષી મહારાષ્ટ્ર એવા બે નવા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. ડિસેમ્બર ૧૯૬૧માં ફિરંગીઓના ત્રણ થાણા દીવ, દમણ અને ગોવાને જોડીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. ૧૯૬૩માં નાગાલેન્ડ ,૧૯૬૬માં પંજાબમાંથી પંજાબ, હરિયાણા અને હિમાચલપ્રદેશ, ૧૯૭૨માં મેઘાલય, મણિપુર અને ત્રિપુરા તથા ૧૯૮૭માં મિઝોરમ રાજ્યો બન્યાં હતા. ૧૯૮૭માં અરુણાચલ પ્રદેશ અને ગોવાને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી રાજ્યો બનાવાયા હતા. ૨૦૦૦ના વરસમાં ઉત્તરાખંડ, છત્તીસગઢ અને ઝારખંડ- એ ત્રણ રાજ્યો અનુક્રમે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારનું વિભાજન કરીને રચવામાં આવ્યા હતા.૨૦૧૪ના વરસમાં આંધ્રનું વિભાજન કરીને તેલંગાણા અને આંધ્રના બે અલગ રાજ્યો બનાવવામાં આવ્યા હતા.
જમ્મુ-કશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી પછી તેને રાજ્યને બદલે જમ્મુ-કશ્મીર અને લદ્દાખ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરતાં આજે દેશમાં ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિતપ્રદેશો છે.ભાષાની દ્રષ્ટિએ તો આ રાજ્યોની ભાષાઓ- હિંદી, અંગ્રેજી, તેલુગુ, અસમિયા, મિઝો, કોંકણી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, મણિપુરી, ઉડિયા, પંજાબી, તમિલ, ત્રિપુરી, બંગાળી અને સાંથાલી છે. સૌથી વધુ ૧૦ રાજ્યોની ભાષા હિંદી છે. પૂર્વોત્તરના ચાર રાજ્યોની ભાષા અંગ્રેજી છે. તેલંગાણાની ભાષા તેલુગુ અને ઉર્દૂ છે જ્યારે પશ્ચિમ બંગાળમાં મુખ્યત્વે ચાર ભાષાઓ ( બંગાળી, ઉર્દૂ, હિંદી અને સંથાલી)નું ચલણ છે.
“ઈન્ડિયા આફટર ગાંધી”માં ઈતિહાસવિદ રામચન્દ્ર ગુહા “ભાષાવાર રાજ્યરચનાને કારણે દેશનું સમવાય માળખુ મજબૂત થયાનું” જણાવે છે. ગાંધીજી પણ ભાષાવાર રાજ્યોને ભારતની સાંસ્કૃતિક પ્રગતિનો માર્ગ. અને દેશને જોડનારી મજબૂત કડી માનતા હતા.
ભાષાનું રાજ્ય કે રાજ્યની ભાષા અર્થાત જે તે પ્રદેશમાં બોલાતી ભાષા પરથી રાજ્યની રચના કરવી કે જે તે રાજ્યની રાજભાષા નક્કી કરવી તે સવાલ રહે છે. આરંભે ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવામાં આવી હતી. પરંતુ ૨૦૦૦ અને ૨૦૧૪ માં રચાયેલા ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ અને તેલંગાણા તો સમાનભાષી રાજ્યોમાંથી વિકાસ કે પછાતપણાના કારણે વિભાજિત થઈને રચાયેલા રાજ્યો છે .એટલે માત્ર ભાષાના ધોરણે રાજ્ય રચનાનો સિધ્ધાંત સંપૂર્ણ સાચો નથી.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.