એક અજાણ્યા સર્જનની જિંદગીની વાતો
ડૉ.પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.
આપ ચમત્કારમાં માનો છો? ના માનતા હોય તો આ લેખ વાંચવો જ રહ્યો. આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે ‘રામ રાખે તેને કોણ ચાખે?’ કંઈક એવું જ!
ડૉ. પરેશ એક એવી હોસ્પિટલમાં કામ કરતા હતા, જ્યાં બીજો સર્જન મળવો મુશ્કેલ હતો, ત્યાં સુપર સ્પેશ્યાલિસ્ટનો તો વિચાર પણ કરી ના શકાય. આજુબાજુનાં ગામડાના લોકો દિલથી ઘણા સારા, મિત્ર માટે જાન આપી દે એવા! પણ દુશ્મનાવટ થાય તો જાન લેવામાં સમય ના લગાડે! આવા મારામારીના કેસની સારવાર-સર્જરી કરવા માટે ડૉ. પરેશે હંમેશા તૈયાર રહેવું પડતું.
બન્યું એવું, કે આખું ગામ હોળી-ધુળેટીના રંગોથી રંગાઈ આનંદ કરતું હતું, ત્યારે કોઈની વેર લેવાની ભાવના જાગી ઊઠી, અને એણે પોતાના કોઈ દુશ્મનને લાંબો છરો કે જમૈયો હુલાવી દીધો છાતીની આરપાર! પણ જેને વાગ્યું એ અલમસ્ત જુવાન હતો, અને તેનું શરીર પણ સામાન્ય માર વેઠી શકનારું હતું. ડૉ. પરેશ પાસે તેને લાવવામાં આવ્યો ત્યારે લોહી ઘણું વહી ગયું હતું, ડાબી છાતીમાં આશરે બે ઇંચ જેટલો ઘા વાગ્યો હતો. લાંબા જમૈયા જેવા ધારદાર તીક્ષ્ણ હથિયાર વડે થઈ શકે એવો ઘા હતો. તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તપાસ અને એક્સ રેથી જણાયું કે એનું ડાબું ફેફસું બેસી ગયું હતું, અને પેટમાં પણ હવા પ્રસરી ગઈ હતી. આનો મતલબ એ થતો હતો કે ઉદરપટલ (Diaphram) પણ ચીરાઈ ગયો છે, અને હથિયારે પેટનાં અવયવો, જેવાં કે હોજરી અને નાના-મોટા આંતરડાંને પણ ઈજા પહોંચાડી હોય. બચવાની શક્યતા ઓછી થતી જતી હતી. તેના Vital Parameters એટલે કે Pulse, BP, respiration અને Consciousness ઉપર ખૂબ જીવલેણ અસરો વર્તાઈ રહી હતી.
હોસ્પિટલમાં એનાં સગાં, પોલીસ, અને તમાસો જોનારાની ભીડ હતી, પણ ડૉ. પરેશે પોલીસનો સાથ લઈ ફક્ત અંગત સગાં જોડે વાત કરી, અને સ્ટાફને જરૂરી સારવારની સૂચનાઓ આપીને બેભાન કરનાર ડૉક્ટરને (Anaesthestist) કૉલ કરાવ્યો.
“સાહેબ, એ બચી જશે ને?”
“જુઓ, જે રીતનું વાગ્યું છે, અને રિપૉર્ટ બતાવે છે કે અંદર ખૂબ નુકસાન થયું છે. શું થશે, એ કહી શકાય એમ નથી, પણ સિરિયસ છે.”
“બીજે લઈ જઈએ તો?”
“હાલની પરિસ્થિતિમાં એને ક્યાંય લઈ જવાય એમ નથી, અને જો લઈ જશો તો રસ્તામાં જ એનું…”
“સાહેબ, તમે જ કંઈ કરો…”
“હા, ઑપરેશન તો કરવું જ પડશે, છાતી ચીરવી પડશે. પેટ પણ ચીરીને અંદરનું નુકસાન તપાસીને ઘટતું કરવું પડે, અને ખૂબ લોહી વહી ગયું છે, એટલે લોહીના બાટલા પણ ચડાવવા પડે. મારી પૂરી ક્ષમતા અને કાળજીથી ઑપરેટ કરું તો પણ ના કરે નારાયણ અને હું એને બચાવી ના શકું! બોલો મંજૂર હોય તો હું તાત્કાલિક ઑપરેશનમાં લઉં.”
“હા સાહેબ! આપ જ ભગવાન…” બે-ત્રણ જણા ડૉ. પરેશના પગમાં પડ્યા.
બધી તૈયારી સાથે ડૉ. પરેશે પહેલાં છાતી ચીરી, Left Thoractomyનું ઑપરેશન હાથમાં લીધું.
જોયું તો ડાબા ફેફસાનો ભાગ કપાઈ ગયો હતો, અને હથિયાર હૃદયની નીચેથી પસાર થઈ ઉદરપટલને ચીરીને પેટમાં ઊતરી ગયું હતું. ફેફસાને યોગ્ય રીતે સાંધીને (Air tight) Intercostal Drain મૂક્યું અને તેને યોગ્ય રીતે બહાર પાણીની નીચે હવા અને લોહી નીકળે એવી વ્યવસ્થા કરી. ઉદરપટલને પણ રિપેર કર્યું, અને છાતીનો ઘા બંધ કર્યો.
પેશન્ટને છતો સુવાડી, પેટને ખોલ્યું. Exploration દરમ્યાન જોયું તો ડૉક્ટર અને સાથી મદદનીશ સ્ટાફ અચંબામાં પડી ગયા. લાંબુ હથિયાર હોજરીને સહેજ લસરકો કરી, મોટા આંતરડાને નુકસાન કર્યા વગર ચરબીના લટકતા રક્ષણાત્મક પડમાં (Omentum) કાણું પાડીને, નાના આંતરડાની ગૂંચો વચ્ચેથી નુકસાન કર્યા વગર પસાર થઈને જમણી કિડની સુધી પહોંચ્યું હતું, છતાં કિડની પણ નુકસાન રહિત હતી! હા, ઓમેન્ટમની લોહીની નળીઓ કપાઈ ગયેલી, તેથી પેટમાં લોહી ભરાયેલું હતું, અને ગઠ્ઠા થઈ નીચે ભરાઈ પડ્યું હતું.
બધું સાફસૂફ કરીને, કોઈ નુકસાનીનો ભાગ રહી ગયો હોય તો ફરીથી તપાસીને ડૉ. પરેશે પેટને Layer by layer (પડ પ્રમાણે પડ)ને સાંધી બંધ કર્યું. હાશ… બધું બરાબર સંતોષજનક કામ થયું. Anaesthetic ડૉક્ટરનો આભાર માન્યો, બીજા સ્ટાફનો આભાર માન્યો, અને ડૉ. પરેશ બહાર સગાંને ખબર આપવા બહાર ગયા.
સગાં અને બીજાં ઘણાં દોડી આવ્યાં, અને ડૉક્ટર સામે અનિમેષ તાકતાં કાન સરવા કરી ઊભાં.
“ખૂબ સરસ રીતે ઑપરેશન થયું છે, થોડીવારમાં દર્દીને બહાર લાવવામાં આવશે. થોડા કલાક પછી ભાનમાં આવશે. ૧૫-૨૦ દિવસ દવાખાનામાં રોકાવું પડશે. મેં મારું કામ મારી સંપૂર્ણ આવડતથી કર્યું છે. હવે ઉપરવાળાને હાથમાં સોંપું છું.”
અભણ સગાં પગે પડવા સિવાય શું કરે?
ડૉ. પરેશને આ કેસે ખૂબ જ નામના કમાવી આપી. ડૉ. જાણતા હતા જે કદી બની ના શકે, એવું બન્યું હતું. ડાબી છાતીમાં વાગેલું લાંબું તીક્ષ્ણ હથિયાર, હૃદયને, હોજરીને, આંતરડાંને, વળોટી જમણી કિડની સુધી જાય છતાં ફેફસાં સિવાય ક્યાંય નુકસાન ના કરે! શરીરશાસ્ત્રને જાણનાર એ કોઈપણ રીતે માની ના શકે એવું જ બન્યું હતું!
ડૉ. પરેશ હંમેશા પોતાની આવડત અને ભગવાન પર ભરોસો રાખીને જ કામ કરતા હતા, અને ઑપરેશન પત્યા પછી દર્દીને નમસ્કાર કરી ભગવાને મનમાં પ્રાર્થના કરતા કે,
“મેં મારાથી બનતું કર્યું છે. હવે દર્દીને બચાવવાનું અને મટાડવાનું કામ તારું છે.”
ભગવાને ડૉ. પરેશની વાત હંમેશા સાંભળી છે, અને ડૉ. પરેશ પણ શ્રદ્ધાપૂર્વક જીવન જીવ્યા છે.
+ + +
છું તબીબી જ્ઞાનથી માહિર પણ,
કોઈને ક્યાં દર્દની ફરિયાદ છે?
– ‘સાજ’ મેવાડા
ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
Every body is different, and everyone has some chances to live. We normally consider it as a miracle when our eyes tell us one thing and the result is different. A person’s willingness to live is also important here.
LikeLike