વાંચનમાંથી ટાંચણ

– સુરેશ જાની

મને જીવવા પણ નથી દેતા, અને મરવા પણ નથી દેતા.
તો હવે મારે કરવું શું?’

આપઘાતના કારણે મરણ પથારીમાં પડેલી કલ્પનાએ ઘરનાં માણસો અને હોસ્પિટલના સ્ટાફની અથાક સારવારથી બચી ગયા બાદ, આ સવાલ પોતાની જાતને પુછ્યો. એ સાથે એના દુખિયારા જીવનમાં નવી પરોઢની શરૂઆત થઈ ગઈ.

૧૯૬૧ની સાલમાં મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના રોપરખેડા ગામમાં દલિત કુટુમ્બમાં એક પોલિસ કોન્સ્ટેબલના ઘરમાં કલ્પનાનો જન્મ થયો હતો. બે બહેનો અને બે ભાઈઓ વચ્ચે કલ્પના સૌથી મોટી હતી. ‘સુખ શું?’ એનો થોડો અણસાર બાળપણમાં મળ્યા બાદ એના નસીબમાં હતું – માત્ર દુઃખ, દુઃખ અને દુઃખ જ ! બાર વર્ષની થઈ ત્યાં સુધી નિશાળમાં બીજાં બાળકો તેને હડધૂત કરતાં હતાં. એને ભણવાના બહુ કોડ હતા.

પણ એમના સમાજમાં ‘આટલી મોટી થયેલી છોકરીને તો પરણાવી દેવી જ જોઈએ.’ એવા ખ્યાલના કારણે માબાપે તેને દસ વર્ષ મોટા વર સાથે પરણાવી દીધી. અને સાસરું પણ કેવું ? મુંબઈના ઝુંપડપટ્ટી વિસ્તારમાં એક જ રૂમના ખોરડામાં જેઠ/ જેઠાણી સાથે એમનો સંસાર શરૂ થયો. જેઠ-જેઠાણીની હકૂમત અને પરણ્યાની પરવશતાને કારણે, જીવન અને જીવનની આશાઓ વિશે કશા ખ્યાલ વિનાની કલ્પનાને મેણાંટોણાં તો ઠીક, ઢોરમાર પણ મુંગા મોઢે ખમી ખાવો પડતો હતો.

છ મહિના પછી એનો બાપ એને મળવા આવ્યો ત્યારે તે પોતાની દીકરીને ઓળખી પણ ન શકે, એટલી એ સૂકાઈ ગઈ હતી. કંટાળીને તે એને પોતાની સાથે પાછી લઈ ગયો અને તેનું શિક્ષણ શરૂ કરાવ્યું. પણ એ સમાજમાં ‘પરણ્યા પછી તો સ્ત્રી સાસરે જ શોભે.’ – એ માન્યતાને કારણે એ અને એનાં માવતર સામાજિક તિરસ્કારનો ભોગ બનતાં રહ્યાં. આ ક્રમ લગાતાર ચાર વર્ષ ચાલુ રહ્યો. છેવટે કંટાળીને સોળ વર્ષની કલ્પના જંતુનાશક દવાની ત્રણ બાટલી ગટગટાવી ગઈ.

પણ હાય! નસીબ બે ડગલાં આગળ હતું. એની કાકી અને હોસ્પિટલના સ્ટાફની સારવારના કારણે કલ્પના બચી ગઈ. ત્યારે એના મગજમાં ઉપર જણાવેલ વિચાર ઘોળાવા માંડ્યો. વિધાતાએ એને જીવનની કિમ્મત સમજાવી દીધી અને એના મનમાં આ મંત્ર જડબેસલાક ઠરીઠામ થઈ ગયો –

अपना हाथ जगन्नाथ ।

કલ્પનાએ નક્કી કર્યું કે કોઈના મેણાં ટોણાંની પરવા કર્યા વિના,, તે હવે પોતાની જિંદગી જાતે બનાવશે. તેને એ પણ સમજાયું કે, ’નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ.’ હવે પાડોશીઓની ટીકાઓ તેને અપમાનજનક લાગવાને બદલે પ્રેરક બનવા લાગી. દરેક મેણાંની સાથે આત્મનિર્ભર થવાનો ખ્યાલ દૃઢ થતો ગયો.

ચાર વર્ષ બાદ નસીબ અજમાવવા તે કાકાની સાથે મુંબઈ રહેવા ગઈ; અને કપડાં બનાવતા કારખાનામાં નોકરીએ જોડાઈ ગઈ. જેમ જેમ પગાર આવતો ગયો, તેમ તેમ તેનું ઓશિયાળાપણું અદૃશ્ય થવા લાગ્યું. તેના ચતુર મનમાં એ પણ સમજાયું કે, ‘ગાડીમાં ફરતા, શેઠનું માન કેટલું બધું છે?’ . એમની પાસે બહુ નાણાં છે, એટલે જ ને?

તેણે કાકાની સાથે બેન્કમાં જઈ ૫૦,૦૦૦ ₹ ની લોન લીધી અને સીવવાનો સંચો અને બીજી જરૂરી સામગ્રી વસાવી લીધી. એને ઢગલાબંધ કામ પણ મળવા લાગ્યું . અલબત્ત હવે તેની હેસિયર પગારદાર કામદાર કરતાં અનેક ગણી વધી ગઈ. બચત વધતાં બીજી લોન લઈને તેણે ફર્નિચરનો સ્ટોર શરૂ કર્યો.

ગગનવિહારી આ પંખીને પછી તો પાંખો ઊગવા લાગી. ૧૯૯૩ની સાલમાં તેણે જમીન ખરીદવા કમર કસી. જમીન ખરીદ્યા બાદ ચાર વર્ષે, એના બધા કાગળો તેના નામે થઈ શક્યા. ફરી એના નસીબમાં નવો ઝટકો આવીને ઊભો રહ્યો . એને બાતમી મળી કે, અન્ય મોટી હસ્તીઓએ એને ખતમ કરવા સોપારી આપી છે. ગામ પાછી વળવા એને ધમકીઓ પણ મળી. પણ હવે કલ્પના ‘ રોકી ન શકાય એટલી હિમ્મત’ ધરાવતી ચંડિકા હતી. તે તરત જ પોલિસ સ્ટેશનમાં ગઈ. એની જીવન કહાણી સાંભળી પોલિસ વડાએ તરત એને બંદૂક માટે લાયસન્સ આપી દીધું. સાંજે તે ઘેર પાછી ફરી , ત્યારે સામે આવનાર બધી આપત્તિઓને ઘોળીને પી જવા જેટલી ખુમારી તેના દિલો દિમાગમાં છવાયેલી હતી. તેનો જમીન મિલ્કતનો ધંધો હવે બરાબર જામી ગયો.

આમ ને આમ કલ્પનાનો જીવન તોખાર તેજગતિએ આગળ ધપતો રહ્યો. ૨૦૦૧ની સાલમાં ફડચામાં ગયેલી ‘કામાણી ટ્યુબ’ના શેર તેણે બહુ ઓછી મુડીથી ખરીદી લીધા. હવે તેને બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત થયું. કાળક્રમે એની સૂઝથી એ કંપની નફો કરતી થઈ. હવે તેનો સમગ્ર વહિવટ કલ્પનાના હાથમાં આવી ગયો.

પોતાની જીવન કથનીના આધાર પણ તેણે મરાઠી ભાષામાં એક ફિલ્મ પણ બનાવી છે; જે હિન્દી અને તેલુગુ ભાષામાં ડબ પણ થઈ છે. [KS Film Production] એ ફિલ્મ જોઈને ઘણી વિવશ સ્ત્રીઓને પ્રેરણા મળી છે.

આજની તારીખમાં કલ્પનાની અંગત મૂડી ૧૧ કરોડ ડોલરથી વધારે છે. અંગત જીવનમાં જન્મથી કલ્પના બૌદ્ધ ધર્મી છે અને આપબળે ભારતના ઘડવૈયા બનેલા સ્વ. ભીમરાવ આંબેડકરને પોતાની પ્રેરણા મૂર્તિ માને છે. ૧૯૮૦ ની સાલમાં ૨૨ વર્ષની ઉમરે તેણે સમીર સરોજ સાથે પુનર્લગ્ન કર્યા હતા. તેમને અમર નામે દીકરો અને સીમા નામે દીકરી પણ છે. ૧૯૮૯ માં તેના પતિના અવસાન બાદ તેના લોખંડના કબાટ બનાવવાનો ધંધો કલ્પના સંભાળતી હતી. હાલમાં તે શુભકરણ સાથે પરણેલી છે. તે અવારનવાર શાળાઓમાં બાળકોની સાથે સમય પણ ગાળે છે.

૨૦૧૩ની સાલમાં ભારત સરકારે પદ્મશ્રીનો ઈલ્કાબ આપીને શૂન્યમાંથી આપબળે આગળ ધપનાર આ વીરાંગનાનું બહુમાન પણ કર્યું છે.

સંદર્ભ –

https://en.m.wikipedia.org/wiki/Kalpana_Saroj

https://www.femina.in/trending/achievers/the-inspiring-story-of-kalpana-saroj-chairperson-of-kamani-tubes-229633.html

https://www.navhindtimes.in/2016/05/27/magazines/kuriocity/angad-daryani-maker-of-things/


શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.