લ્યો, આ ચીંધી આંગળી
રજનીકુમાર પંડ્યા
( શ્રી કાંતિભાઇ સોનછત્રા બે મહિના પહેલાં જ અવસાન પામ્યા છે )
કોઇ માણસ જે કાંઈ શબ્દો બોલે, તેના સાદા અર્થ સામે ના જોવું. બોલતી વખતે એની આંખોમાં જે ભાવ ડોકાય, તેની સામે જોવું, આમાંથી જ એના દિલના તળિયે પડેલી આશા-નિરાશા, ખુશી-નાખુશી, મધુરતા – કટુતા કળાઈ આવે. આવી ટેવ પાડી છે. પણ આમાં જે ગ્રંથિ બાંધીને ગયા હોઈએ એ આપણને તટસ્થ ભાવ કશું ઉકેલવા જ ના દે. આપણે મનમાં ધાર્યું હોય એવું જ વંચાય. આપણે રાજી થઈને પાછા વળીએ કે જોયું ? આપણે ધારતા હતા તેવું જ નીકળ્યું ને ? પણ હકીકતમાં એથી ઊલટું હોય એવું બને. અંદર ન ધાર્યું હોય એવું પડ્યું હોય, જેને આપણે સ્પર્શી જ ન શક્યા હોઈએ.
કાંતિલાલ સોનછત્રા કાળાં ચશ્માં પહેરતા હતા એટલે એમની આંખોમાં તો આપણે શારડી ના ઉતારી શક્યા. વાત કરતાં કરતાં એમનાં આંગળાં સળવળ સળવળ થયા કરે. અવાજમાં પ્રકંપ જન્મે, ધ્વનિની સપાટી નીચે જાય. વળી ઊંચી આવે. ખરજમાં બોલે. તારમાં આવતાં આવતાં વળી કોમળ સુધી પહોંચીને અટકી જાય.
ગૌરવશાળી ટાલને કારણે લલાટ તેજસ્વી લાગે. ચહેરો ગંભીર ખરો, પણ ગમગીન નહીં. મેં ઘણું શોધ્યું, ઘણું શોધ્યું કે ક્યાંક પણ એમાંથી હતાશા-ભગ્નાશા નીકળે, થોડા ઘણા પણ સિનિક હોવાનાં નિશાન નીકળે. ક્યાંક પણ કોઇકનું કડવું બોલે. પણ એ તો તલત મહેમૂદના સ્વરમાં કર્કશતા શોધવા જેવો નિષ્ફળ પ્રયત્ન નીકળ્યો. અંતે હું મરણિયો થઇ ગયો. પૂછી જ નાખ્યું : “તમારાથી કમ શક્તિવાળા સંગીતજ્ઞો આજે મુંબઈમાં ચાર-ચાર પાંચ-પાંચ બંગલા-કાર, અને ડઝનબંધ કરારો ધરાવે છે. ને તમે રાજકોટમાં ‘સરગમ’ નામના નાનકડા મકાનમાં વિદ્યાર્થીઓને ફક્ત સંગીત શિખવાડવામાં જ જીવન વ્ચતીત કરો છો. ભલા માણસ, અમને પીડા થાય છે – તમને નથી થતી ?”
મારી સાથે આવેલા ‘સ્ટાર પેકેજિંગ’વાળા નરેશ જોષી અને કિરીટભાઈ આર્કિટેક્ટ એમના ભક્ત, બલકે એ જ મને અહીં લઈ આવેલા. બંને જુવાનિયા મારી સામે ફાટી આંખે જોઈ રહ્યા. એમને ક્યાંથી કલ્પના હોય કે હું આવું અડબંગ પૂછીશ ? મેં એમના રોષથી બચવા એમના સામે જોયું ન જોયું કર્યું ને કાંતિભાઈના મોં સામે જોયું તો એ મરકી પડ્યા. એ બોલ્યા : “તમારા જેવું ઘણા મને પૂછે છે. પણ મનેય મારી જાત માટે લાગણી છે. એટલે હું મારી જાતને આવું કદી નથી પૂછતો. પીડા હંમેશા રેઈસમાં પાછળ રહી જનારને થાય છે, મસ્તીમાં ચાલ્યા જતા માણસને નહીં. હું રેઇસમાં ક્યાં હતો કદી ? શેની પીડા ?”
“તે તમે કદી ફિલ્મોમાં નહોતા ? મને તો એમ કે હતા.”
“ફિલ્મોમાં હતો. હતો ત્યારે હતો. રેઇસમાં કદી નહોતો. રેઇસ કરનારા નાના પ્રાણીઓ જોડે તો કદી નહોતો. ગજરાજો જોડે હતો. પંકજ મલ્લિક, હેમંતકુમાર, આર.સી.બોરાલ, ભપ્પી લહેરીનાં મા-બાપ અપરેશ લાહિરી – બંસરી લાહિરી, તપનબાબુ. આ તરફ ક્લાસિકલ ઉસ્તાદોમાં બડે ગુલામઅલીખાં, ભીમસેન જોશી, પંડિત જસરાજ, વિલાયતખાં એવાઓ જોડે સંગત કરી. હું બંગાળની ધરતી પર હતો. કલકત્તા હતો. ત્યાં મુંબઈની તાસીર ક્યાંથી હોય ?”
“પણ લોહી તો કાઠિયાવાડનું, ખરું ?”
“હા, લોહી કાઠિયાવાડનું. ગુજરાતી હોવાની છાપ બહુ નડે. બંગાળની તો નાનકડી બેબીય હાર્મોનિયમ વગાડતી હોય. એમને મન ગુજરાતી એટલે વેપારી. આ છાપ ભૂંસતા મને વરસો લાગ્યાં. જન્મ રાજકોટમાં, પણ બાપા વિઠ્ઠલદાસ ઠાકરશી સોનછત્રાનો તંબાકુનો ધંધો કલકત્તામાં. એટલે ભણ્યો કલકત્તાની એંગ્લો ઇન્ડિયન સ્કૂલમાં. હાર્મોનિયમનો નાદ છેક નાનપણથી એવો લાગેલો કે શી વાત કરું ?”
“કરો ને! ” મેં કહ્યું : “અમને સંગીતવંચિતોને સંગીતની વાત બહુ ગમે. બ્રહ્મચારીઓને અપ્સરાઓની વાતો અંદરથી સાંભળવી ગમે, એમ જ સમજો.”
“સાત વરસની ઉંમરે શાળાના વાર્ષિક સમારંભમાં કે.એલ. સાયગલ અતિથિવિશેષ હતા. એમની હાજરીમાં હાર્મોનિયમ બજાવ્યું. એ ઊભા થઇ ગયા. મારે ખભે ઉષ્માથી હાથ મૂકી મારા પિતાને શોધ્યા. બોલાવીને કહે કે આ છોકરાને તમે બાકાયદા સંગીત-તાલીમ અપાવજો. નહીંતર એક કલાકારને રૂંધી નાખવાનું પાતક લાગશે. મારા પિતાજી પાછા સંગીતના અભ્યાસી અને રસિયા ખરા. મોટા મોટા ઉસ્તાદોના કાર્યક્રમોમાં મને આંગળીએ લઇને જતા. એટલે એમને એ વાત અબ્રહ્મણ્યમ્ ન લાગી. મને રીતસર પાશ્ચાત્ય સંગીતની તાલીમ અપાવી પણ ખરી. મારો હાર્મોનિયમ પર બેઠેલો હાથ વધારે તાલીમબદ્ધ બન્યો. રાજકોટમાં રામકૃષ્ણ મિશન તરફથી દર શનિવારે થતા રામનામ સંકીર્તનમાં હાર્મોનિયમથી સંગત કરીને ભાગ લેતો, એ મને બહુ કામમાં આવ્યું. એ પછી પણ સંજોગો એવા બનતા ગયા કે દોડતાં ઢાળ મળે એવા. ૧૯૪૨ ની સાલમાં કલકત્તામાં બોંબમારો થયો એટલે પાછો રાજકોટ ભેગો થયો, પણ અહીં એવી વિભૂતિની મુલાકાત થઈ, જેની કલ્પના જ નહીં. પોરબંદરના મુખીયાજી દ્વારકેશજી મહારાજનું નામ તમે સાંભળ્યું કે ?”
“હા,” મેં કહ્યું : “માસ્ટર વસંતે એક વાર યાદ કરેલા. ભારતના ખ્યાતનામ સંગીતજ્ઞ અને હાર્મોનિયમ પ્લેયર ને ?”
“હા, હા, એ જ.” કાંતિભાઇ બોલ્યા, “’૪૨ માં એમનો જન્મદિવસ ચૈત્ર માસમાં રાજકોટમાં ઊજવાયો. માસ્ટર વસંત પણ આવેલા. એ વખતે મુલાકાત થઇ એમની. એમણે મને હિંદુસ્તાની રાગરાગિણીઓ હાર્મોનિયમ પર કેમ અને કેવી રીતે વગાડાય તેની દિશાસૂઝ આપી. આ પછી ૧૯૪૫-૪૬ માં પાછો કલકત્તા ગયો ત્યારે મારું સંગીતજીવન પલટી નાખે તેવો બનાવ બન્યો. તે એ કે એક તો આર.સી.બોરાલનું ઘર અમારા ઘરની નજીકમાં. એમના ગાઢ પરિચયમાં આવ્યો. બીજું એ કે જગપ્રસિદ્ધ ઇટાલિયન પિયાનોવાદક સર ફ્રાન્સિસ કાસાનોવાના સીધા પરિચયમાં આવ્યો.”
કાંતિભાઈ આ નામ બોલ્યા ને મારા મનમાં જૂના સંગીતની રિમઝિમ વરસી રહી. ઓહોહો! પંકજ મલ્લિકનું મશહૂર પેલું ગીત “પ્રાણ ચાહે નૈન ન ચાહે, અરે, તૂં ક્યું યૂં શરમાયે” અને હેમંતકુમારનું એક વ્યથા – ફરિયાદનું ગીત “અબ યાદ હમેં ક્યું આતી હો, ઉજડ ગઈ દુનિયા અપની, યાદ હમેં ક્યું આતી હો…” અને “વો આંખ સે પિલા ગયે. પિલા ગયે, પિલા ગયે.” આ ત્રણે ગીતોમાં જે પાશ્ચાત્ય ઓરકેસ્ટ્રેશનની જાદુઇ અસર હતી તે એ જમાનામાં તો તાજી, નવી અને અનોખી હતી, પણ આજે હૃદયને એટલું જ પ્રકંપિત કરી નાખનારી રહી છે. એના સર્જક એ જ ફ્રાન્સિસ કાસાનોવા. બીથોવન અને મોઝાર્ટથી એ ઘણા દૂર, પણ એમના પછી તરત જ જેમનું નામ લેવું પડે એ પણ એ જ….. ફ્રાન્સિસ કાસાનોવા.”
“હા” કાંતિભાઈ બોલ્યા – “એમની પાસેથી પ્રત્યેક્ષ અને પરોક્ષ ઘણું શીખ્યો. હાર્મોનિયમ પછી પિયાનોનો નાદ, એની સમજ એની આંટીઘૂટી બધું જ એમણે મારી સંગીતચેતનામાં ઉતાર્યું.”
“એનો અર્થ તો એમ જ કે એક તરફ તમે ભારતીય શાસ્ત્રીય સંગીતના સંસ્કાર ગ્રહણ કર્યા અને પશ્ચિમના ઉસ્તાદો પાસેથી પાશ્ચાત્ય સંગીતના.”
“બંને વાત સાચી.” એ બોલ્યા, “જુઓ ૧૯૫૪ માં કલકત્તામાં સદારંગ મ્યુઝિક કૉન્ફરન્સ હતી. મારી સોલો આઈટમ હતી. મેં નક્કી કર્યું કે મારે અમુક ભારતીય રાગ હાર્મોનિયમ પર આપવો છે. પણ આપવો છે મારા પોતાના કંપોઝિશનમાં. સવાલ એ થયો કે મારા કંપોઝિશનને નામ શું આપવું ? મૂંઝાઈને મેં મારા ગુરુતુલ્ય પંડિત મણિરાજાને પૂછ્યું. એમણે એ સાંભળ્યું. બહુ રાજી થયા. કહે કે જા, આને રાગ ‘સોગંદ’ નામ આપજે. મેં એ નામ આપ્યું અને એ નામ સાથે જ કલકત્તાનાં તમામ અખબારોએ એનાં બે મોઢે વખાણ કર્યાં. આવો જ બીજો પ્રસંગ પણ યાદ આવે છે. ૧૯૬૯ માં મુંબઇમાં એક કાર્યક્રમમાં મેં પિયાનો પર લગભગ લોકોને બહુ પરિચિત નહીં એવો એક માલિન રાગ એક કલાક વગાડ્યો. મદનમોહન, નૌશાદજી, કલ્યાણજીભાઇ જેવા ગુણીજનો આવેલા. બહુ પ્રભાવિત થઇ ગયા. સામેથી આવીને મને મળ્યા.”
“મને કહે કે કેટલી રાગરાગિણિઓ જાણો ? મને કહેતાં સંકોચ તો બહુ થયો, પણ જાણ ખાતર કહેવું પડ્યું કે પંદરસો રાગરાગિણી જાણું છું. અને કલાક-દોઢ કલાકની એક એવી અઢી સો. કહો ત્યારે બજાવી જાણું, પણ શો અર્થ છે આ બધાનો ?”
“કેમ ?” મેં પૂછ્યું : “એમાંથી અર્થોપાર્જન ના થાય ?”
“ના.” એ બોલ્યા : “આનંદોપાર્જન થાય કે અહો અહોપાર્જન થાય. બાકી ફિલ્મી દુનિયામાં આ બધું વણખપનું છે.”
“પણ તમે તો ફિલ્મોમાં મ્યુઝિક આપેલું ને ?” મેં પૂછ્યું : “તમને હું નહોતો જાણતો ત્યારનો આ વાત જાણું ! નથી સાચી ?”
“સાચી છે.” એ બોલ્યા : “પણ બંગાળી ફિલ્મમાં શ્રીકાંતના નામે આપેલું. તપનબાબુના મદદનીશનું એક ચિત્ર હતું. ‘આલોકફેરા’ એટલે કે પ્રકાશના ફેરા. એમાં એક હાર્મોનિયમના ઉસ્તાદની જ વાર્તા હતી. આખી ફિલ્મમાં સંગીત આપવા ઉપરાંત સળંગ હાર્મોનિયમ મેં બજાવેલું. એક બંગાળી ફિલ્મ ‘લવકુશ’માં પણ સંગીત કંપોઝ કરેલું. એ ફિલ્મ સુપરહિટ ગઇ એના સંગીતના કારણે. એકત્રીસ અઠવાડિયાં ચાલેલી. એમ તો હીરોઇન અઝરા, હીરો કિશોરકુમાર અને વિશ્વજિત હતા એવા એક બંગાળી ચિત્રમાં એક ડાન્સ અલગ અલગ છે, એ રીતે કંપોઝ કરી આપેલો. જો કે, એમાં સંગીત હેમંતકુમારનું હતું, પણ એના ડાન્સનું સંગીત નિર્માતાને પસંદ નહોતું. એટલે એમની મંજૂરી લઇને મારી પાસે કરાવેલું.”
“તો પછી કલકત્તા જ કેમ ના રહી પડ્યા ?”
“એમ તો પિતાજીના અવસાન પછી સત્તાવન અઠ્ઠાવનની સાલથી ધંધો સમેટવા માંડેલો. કારણ કે સંગીતને જ કારકિર્દી તરીકે અપનાવવાની ઇચ્છા. પણ ફિલ્મો પ્રત્યે વિશેષ રુચિ નહીં. કલકત્તા રહેવાનું કોઇ મોટું આકર્ષણ નહીં. મુંબઇના ફિલ્મજગતની ઓફરો હતી. પણ એમાં એવું હતું કે સ્ટંટ પિક્ચર્સની ઓફરો હતી, જેમાં મને રસ નહોતો. ને મોટા પ્રોડ્યુસર્સને ગળે ઘૂંટડો ઉતારતાં નવ નેજાં પાણી ઊતરે. ખુદ આપણા વિજય ભટ્ટ મારી કદર કરે, પણ કામ આપવામાં એમને ડિસ્ટ્રિબ્યુટર્સનો ખોફ નડે. ત્રણ-ચાર વરસ બોમ્બેમાં રહીને અડિંગો જમાવવાની મારી તૈયારી પણ નહીં. વૃત્તિ પણ નહીં, જરૂરત પણ નહીં. આમ ‘હમ સે આયા ન ગયા, તુમ સે બુલાયા ન ગયા. ફાસલા પ્યાર મેં દોનોં સે મિટાયા ન ગયા’ જેવો મામલો બન્યો.”
“એમ તો એક ગુજરાતી ફિલ્મમાં તમે સંગીત આપેલું નહીં ?” નરેશભાઈ બોલ્યા.
“હા”, કાંતિભાઈ બોલ્યા : “એના મારા બંગાળી ચિત્ર ‘લવકુશ’ના જૂના ગુજરાતી પ્રોડ્યુસર હતા. એમણે ‘લાખા-લોયણ’ બનાવેલું. એમાં સંગીત મેં આપેલું. ખાસ રાજકોટથી જતો.
(‘લાખા-લોયણ’નાં ગીતો અહીં
https://www.youtube.com/watch?v=D4E0czo_vzc&list=PLWv9TptaX8uGKLhCJKwb0dyks-jwPACkh
સાંભળી શકાશે.)
એમ તો રવીન્દ્ર દવેએ ફિલ્મ ‘રાંદલમા’ માટે મારી પાસે બે ગુજરાતી ગીતો કંપોઝ કરાવેલાં તે એમણે પછી ‘એવરત-જીવરત’માં સામેલ કર્યા. ચાલ્યા કરે. ફિલ્મલાઇનમાં કશી નવાઇ નથી. બાકી મારો મૂળ શોખ હાર્મોનિયમ અને પિયાનોવાદનનો.”

કનકભાઈ ક્યારનાય શાંત તે વળી એકાએક બોલ્યા ને બહુ નવી જાણકારી આપી. “પોલિડોરે એમના પિયાનોવાદનની લોંગપ્લે બહાર પાડી છે. તેમાં પિયાનો પર રાગ બિહાગ (તીન તાલ) અને રાગ આહીર ભૈરવ (તીન તાલ) અને પહાડી ધૂન (ખેમટા તાલ) માં છે. અદભુત છે. તે આપણા ભારતમાં તો નહીં, પણ બી.બી.સી. પરથી ક્યારેક પ્રસારિત થાય છે. ટોની મેનરિઝિસ નામના ખ્યાતનામ પિયાનોવાદક એમના જમણેરી પિયાનોવાદનની નિપુણતા અને કાબૂ જોઇને એટલા ખુશ થયેલા કે એશિયામાં શ્રેષ્ઠનું બિરુદ કાંતિભાઇને આપેલું. કહે કે તમે પિયાનો પર રાગ ચારુકેશી વગાડો છો અને હાર્મોનિયમ પર માત્ર હાર્મોનિયમ જ નહીં, પણ સિતાર, દિલરુબા, શરણાઇ જેવાં વાદ્યોની બજવણીનો આભાસ ઊભો કરી શકો છો તે કઇ રીતે ? એ અમને સમજાવો.”
“સમજાવો.” મેં કાંતિભાઇને કહ્યું. “લો. સમજાવીશ.” એ ફરી મરકીને બોલ્યા. “મારી જીભ દ્વારા નહીં, પણ મારા નવા નવા તૈયાર થતા વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યા વહેતી રહે એમાં એની સાર્થકતા છે.” એ બોલ્યા : “વિદ્યાર્થીઓ સ્વશક્તિ અનુસાર કાર્યરત બન્યા છે. હાર્મોનિયમ અને પિયાનોનું સ્થાન હવે ઇલેકટ્રોનિક ઓર્ગન્સ સિન્થેસાઇઝરે લીધું છે. જમાના પ્રમાણે ઉચિત પણ છે. સામાન્ય રીતે ‘બેબી પિયાનો’ની સાઇઝનાં ઓર્ગન હવે સામાન્ય રીતે ઉપલબ્ધ છે. તેથી ઘણી રીતે શીખવા, શિખવાડવાની અનુકૂળતા આવે છે. ઉપરાંત આમાં અનેક પ્રકારના અવાજો (સાઉન્ડ) ની સુવિધા હોઇ મારા જીવનના પ્રાથમિક તબક્કામાં જે રીતે વેસ્ટર્ન કોન્સર્ટો સાંભળેલા તેમાં જુદાં જુદાં ગ્રૂપનાં વાજિત્રો અને વિવિધ સાઉન્ડની રેન્જ-ટેમ્પરામેન્ટ, ચાલ (મૂવમેન્ટ), સિમ્ફની વગેરેની રજૂઆતોનો અનુભવ તાદૃશ થાય છે. કદાચ શબ્દોમાં વર્ણવવું બંધબેસતું નહીં થાય. ગયા ફેબ્રુઆરીમાં અહીં રાજકોટ ખાતે એક સ્થાનિક સંસ્થા દ્વારા મારા અગિયાર વિદ્યાર્થીઓનો કાર્યક્રમ યોજાયેલો તેમાં આઠ વર્ષથી અઢાર વર્ષનાં ભાઇબહેનો – દરેકે Solo Items દોઢેક કલાક વગાડેલી. દરેકે મોટા ઓર્ગન ઉપર પોતપોતાની કૃતિઓ રજૂ કરી હતી અને ખૂબ જ આનંદ કરાવ્યો હતો. જનતાએ કાર્યક્રમ અનોખી રીતે માણ્યો હતો. કોઇ પ્રકારના ગીત-વોકલ મિમિક્રી, ડાન્સ વગર, માત્ર ઇન્સ્ટ્રુમેન્ટ અને તે પણ ઇલેક્ટ્રોનિક ઓર્ગન સતત સાંભળે એ અનુભવ દરેકને નવીન લાગ્યો હતો. અને છેવટ સુધી રસ જળવાયો, જેની વર્તમાનપત્રોએ પણ નોંધ લીધી હતી. આવું આવું ચાલ્યા કરે છે. તમને નવાઈ લાગશે, પણ જૂની ફિલ્મનાં ગીતો હું એકલો પણ મારા ઓર્ગન પર સતત બે-અઢી કલાક આપું, જેમાં તબલાંની પણ જરૂર નહીં ને કોઇ સંગીતની પણ નહીં. લોકો જૂનાં ગીતસંગીતની રિમઝિમમાં એવા તો નાહી રહે કે ભાવસમાધિમાં ડૂબી જાય.”
વાત સાચી, પણ આપણો જીવ બળે એવી. તમે અમને અમારી વિદ્યાર્થી – અવસ્થામાં કેમ ના મળ્યા, મારા મહેરબાન ! તો પેનને બદલે પિયાનો પર હાથ સાફ કરતા હોત ને અમે !
‘થ્રી ઈડીયટ્સ’, ‘પીકે’ જેવી સફળ ફિલ્મોમાં પાર્શ્વસંગીત આપનાર અતુલ રાણિંગા, પિયાનો પર સૌથી ઝડપી આંગળીઓ ફેરવવા માટે જાણીતા પલ્લવ પંડ્યા સહિત અનેક વિદ્યાર્થીઓ કાંતિભાઈના માર્ગદર્શનમાં તૈયાર થયા છે અને હજી થઈ રહ્યા છે.
કાંતિભાઈ સોનછત્રા રાજકોટમાં ૨૨, પ્રહલાદ પ્લોટ, “સરગમ” નામના બિલ્ડિંગમાં રહે છે. સંગીતઘાયલ કોઈ પણ એમના બારણાં ખટખટાવી શકે – પૂરી “સરગમ” ખૂલી જશે.
**** **** ****
કાંતિલાલ સોનછત્રાનું વાદન આ વિડીયો ક્લીપો દ્વારા માણી શકાશે.
લેખકે લીધેલી મુલાકાત દરમિયાન કાંતિલાલે કીબોર્ડનું નિદર્શન આપ્યું તેની ક્લીપ:
તેમનું પિયાનોવાદન અહીં માણી શકાશે.
કીબોર્ડ પર પાશ્ચાત્ય સિમ્ફનીનું વાદન.
(નોંધ: આ લેખ લેખક દ્વારા લેવાયેલી કાન્તિલાલ સોનછત્રાની જૂની મુલાકાત પર આધારિત છે. કાન્તિલાલ સોનછત્રા હજી બે મહિના અગાઉ જ ૩ નવેંબર ૨૦૨૨ ના રોજ અવસાન પામ્યા.)
લેખક સંપર્ક-
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com
મહેફિલ જામતી,કાંતિભાઈ પિયાનો ઉપર સુલતાન ખાં સારંગી પર, ગુલાબભાઇ પારેખ નું ઘર જાગનાથ પ્લોટ, રાજકોટ. આ બંને દિગ્ગજ કલાકારોની રમૂજવૃત્તિ એ ક્ષણોને યાદગાર બનાવી છે.
LikeLike
મોટા ભાગે અગાઉની પેઢીના પીઢ કલાકારો નવી પેઢીમાં આવી રહેલાં પરિવર્તનોને વખોડી કાઢતા હોય છે. અહીં કાંતિભાઈ ઈલેક્ટ્રોનિક વાજિત્રોને આવકારે છે તે વાત બહુ શીખવી જાય છે.
એમના વાદનની તેમ જ કાસાનોવાનાં સ્વરનિયોજનોની ક્લિપ્સ માણીને આનંદ થયો.
LikeLike
સ્વર્ગસ્થ કાંતિભાઈની આવી વિશાળ પ્રતિભા હશે તેની તો જાણ જ ન હતી! વાંચીને ખૂબ રસ પડ્યો. આભાર!
LikeLike
કાંતિભાઇ ને કોલકાતામાં હું નાનો હતો ત્યારે હાર્મોનિયમ વગાડતા સાંભળેલા. ત્યાર થી તેમના પ્રત્યે અહોભાવ જાગેલો. મોટાભાઈના મિત્ર હતા. અમે પણ તમાકુ પત્તાના વેપારમાં હતા. પછી તેઓ કોલકાતા મૂકીને રાજકોટ ચાલ્યા ગયા .
અચાનક બે વર્ષ પહેલા ફોન દ્વારા તેમના સંપર્કમાં આવવાનું થયું. તેઓ ખુશ થયા. જૂની વાતો વાગોળી. તેમના સંગીત વાદન ની ક્લિપ મોકલતા. ખૂબ મઝા આવતી. અને ……અચાનક તેઓ ફરી પાછા ચાલ્યા ગયા….દૂર….દૂર …જ્યાંથી હવે તેઓ કદી પાછા નહિ આવે…..અફસોસ…
પણ તેમના સંગીત દ્વારા તેઓ હંમેશ આપણા કાનોમાં ગુંજતા રહેશે…..
LikeLike
વાહ રજનીભાઈ ! આ અમૂલ્ય માહિતી જાણે તાદ્રશ્ય થઈ ગઈ…પૂજ્ય કાંતિભાઈ સોનછત્રા ની સાથેના મારા સ્મરણો- મારા પૂજ્ય પિતાશ્રી હરીશભાઈ ભટ્ટ જેમણે એમને રાજકોટ થી flight માં પિતાશ્રી ના સાયગલ સંધ્યા(18th January) ના, મુંબઈ ના કાર્યક્રમમાં grand piano ની સંગત માટે (specially book) કરી બોલાવેલા અને મેં એ પળો માણી છે,
-આપને સાદર વંદન
શ્યામલ ભટ્ટ 🙏⚘
LikeLike