-
મકાન હડપીને મકાનમાલિકને ઘૂસણખોર જાહેર કરવાની રમત એટલે…
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
માનવ સભ્ય અને સુસંસ્કૃત બનવા લાગ્યો ત્યારથી અન્યોનું હડપ કરી લેવાની તેની વૃત્તિ સતત વધતી જ રહી છે. દરેક યુગમાં તે નવી નવી સીમાઓ આંબતી આવી છે. માનવ તો ઠીક, પશુ, પક્ષી અને પ્રકૃતિને પણ તે હડપ કરતો આવ્યો છે. આ હકીકત અલગ અલગ સમયે જુદી જુદી રીતે નજર સામે આવે છે.
ડિસેમ્બર, ૨૦૨૨ના મધ્યમાં કર્ણાટકની સરકાર દ્વારા હાથીઓ દ્વારા કરવામાં આવતા નુકસાન સંદર્ભે અપાતા વળતરની રકમમાં વધારો કરવામાં આવ્યો. એ મુજબ, હાથીના હુમલાથી કોઈ માનવનું મૃત્યુ થાય તો તેના પરિવારને પંદર લાખ આપવામાં આવશે. અગાઉ આ રકમ સાડા સાત લાખની હતી. હજી બે વર્ષ અગાઉ, આ રકમ પાંચ લાખ હતી, જેને વધારીને સાડા સાત લાખ કરવામાં આવી હતી. હાથીના હુમલાથી કાયમી પંગુતા આવે એવી વ્યક્તિને અપાનારા વળતરની રકમ પાંચ લાખ હતી, જેને વધારીને દસ લાખ કરવામાં આવી છે. અંશત: પંગુતાના કિસ્સામાં અઢી લાખને બદલે પાંચ લાખ તેમજ અન્ય ઈજાઓ પેટે ત્રીસ હજાર અપાતા હતા એને બદલે પચાસ હજાર કરાયા છે. માલમિલકતને થતા નુકસાન પેટે અપાતું વળતર ત્રીસ હજારથી વધારીને સાઠ હજાર કરવામાં આવ્યું છે. આમ, લગભગ દરેક કિસ્સામાં વળતરની રકમ બમણી કરવામાં આવી છે.
વળતર પેટે મળનારી રકમમાં વધારો કરવામાં આવે અને એ પણ બમણો ત્યારે આનંદ થાય એ સ્વાભાવિક છે. તેની પાછળનું કારણ સમજવા માટે આ સમસ્યાને ઓળખવી જરૂરી છે.
વાસ્તવિકતા એ છે કે કર્ણાટકમાં વનવિસ્તાર દિનપ્રતિદિન સંકોચાઈ રહ્યો છે, જેની સીધી અસર વિવિધ પ્રાણીઓના આવાસ અને ભ્રમણમાર્ગ પર થાય છે. હાથીઓ વારંવાર માનવવસતિમાં ઘૂસી આવવાના કિસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે, અને તેનું અસલ કારણ છે હાથીઓના વિસ્તારમાં માનવો દ્વારા કરાતું અતિક્રમણ.
ઘણા વખત સુધી માનવવસવાટ વનની બહારની તરફ હતો, પણ છેલ્લા બે દાયકામાં અનેક કારણોસર છેક વનના મુખ્ય વિસ્તાર સુધી માનવવસવાટ થવા લાગ્યો છે. ખેડૂતો દ્વારા અતિક્રમણ, પ્રવાસીઓ માટે વૈભવી આવાસનું નિર્માણ, બંધ તેમજ અન્ય પ્રકલ્પોનું બાંધકામ જેવી અનેક બાબતોએ વનઓ વિસ્તાર ઘટવા લાગ્યો છે. સાથોસાથ વિવિધ વન્ય પશુઓના સંવર્ધનના સતત થઈ રહેલા પ્રયાસોના પરિણામરૂપે વાઘ, હાથી જેવાં પશુઓની સંખ્યામાં વધારો થયો છે.
કર્ણાટકમાં આશરે છ હજાર હાથીઓ છે, જે મુખ્યત્વે ચામરાજનગર, કોડાગુ, હસન અને ચિકમગલૂરુના વિસ્તારમાં છે. હાથીઓની આટલી વિશાળ સંખ્યા સાથે આ વિસ્તારની જૈવપ્રણાલિ તેમજ પર્યાવરણ તાલ મિલાવી શકે એમ નથી. બીજું એક અગત્યનું કારણ છે આડેધડ કરાતું વનીકરણ. વૈવિધ્યસભર વૃક્ષોને બદલે ‘મોનોકલ્ચર’ તરીકે ઓળખાતી એકવિધ વૃક્ષોની રોપણી કરવામાં આવે છે. નીલગીરી અને સાગનાં જ વૃક્ષો રોપવામાં આવતાં હોવાથીત તેની સીધી અસર પશુઓના આહાર પર થાય છે. આને કારણે હાથીઓ ખેતર તરફ દોરાઈ આવે છે. ફણસ અને રાગી જેવા ખોરાકની તેમને આદત પડી રહી છે.
આવા સંજોગોમાં અસરગ્રસ્તોને અપાતા વળતરમાં રાજ્ય સરકારે વધારો કર્યો એ પ્રશંસનીય પગલું છે, પણ સમસ્યાનો એ નથી ઊકેલ કે ઊકેલ તરફ દોરી જતો માર્ગ. આ સમસ્યાને ઊકેલવા માટે તેના મૂળ સુધી જવું પડે. એનો અર્થ એ કે વનનો વિસ્તાર વધારવો પડે, વિકાસની યોજનાઓને નિયંત્રણમાં રાખવી પડે અને વન પર થતા અતિક્રમણને નાથવું પડે. એમ કરવા માટે સૌ પ્રથમ તો વનમાં માનવપ્રવેશ થઈ રહ્યો છે એ પ્રવેશ નહીં, પણ અતિક્રમણ છે એ સમજવું અને સ્વીકારવું પડે.
એક વાર એ થાય તો પછી પશુઓના નૈસર્ગિક આવાસ, આહાર અને પાણીને સુનિશ્ચિત કરવા માટેનું આયોજન વિચારવું પડે. રાજ્ય સરકાર આ બાબતે કેટલી ગંભીર છે એ ખ્યાલ નથી. કાગળ પર કદાચ આ માટેનું આયોજન થાય તો પણ તેનો સુયોગ્ય અમલ થાય એ જરૂરી છે. માનવ અને પશુની અથડામણ ત્યારે જ ઘટશે જો પશુઓને પૂરતો વિસ્તાર મળી રહેશે. વિકાસ પાછળની આંધળી દોટ જોતાં આમ થાય એ શક્ય લાગતું નથી.
આ મુદ્દો કર્ણાટકને એકલાને જ લાગુ પડે છે એમ માનવાની જરૂર નથી. વન્ય પશુઓની નોંધપાત્ર વસતિ ધરાવતા દરેક રાજ્યમાં આ સમસ્યા છે. માનવ અને પશુ વચ્ચેની અથડામણના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. હજી એ વધતા રહેશે એમ જણાઈ રહ્યું છે, કેમ કે, એક વાર શરૂ થયેલો વિકાસ અટકી શકતો નથી. આ તો વન્ય પશુઓની વાત છે, જેમાં અથડામણને કારણે એટલો ખ્યાલ તો આવે છે કે પશુઓ અસરગ્રસ્ત થઈ રહ્યાં છે. કેટલીય વનસ્પતિઓ, કીટકો, જળચરો અસરગ્રસ્ત થતાં હશે, પણ તેની જાણ આ રીતે, સીધેસીધી થતી નથી. એની જાણ થાય ત્યારે એટલું મોડું થઈ જાય છે કે તેના વિપરીત પરિણામને ભોગવ્યા સિવાય કોઈ ઊપાય રહેતો નથી.
આશ્વાસન લેવું હોય તો એટલું લઈ શકાય કે કેવળ કર્ણાટકમાં કે ભારત પૂરતી જ આ સમસ્યા મર્યાદિત નથી. વિકાસ પાછળ દોડી રહેલા તમામ દેશોમાં આ સમસ્યા એક યા બીજા સ્વરૂપે મોજૂદ છે અને દિન બ દિન વકરતી જવાની છે.
આ કેવળ સરકારની જવાબદારી નથી. એક નાગરિક તરીકે સરકારનું ધ્યાન દોરવાની આપણી પણ ફરજ બને છે. સિવાય કે આપણો નાગરિકધર્મ ધર્મના નામે સરકારપ્રેરિત રાજકારણમાં રમવા પૂરતો મર્યાદિત થઈ ગયો હોય!
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૫ – ૦૧ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
‘બારીબહાર’ – પ્રહલાદ પારેખની વિરલ કાવ્યયાત્રા
અમૃતાનુભવની ઉજાણી
પુસ્તકોની યાત્રા ડૉ. દર્શનાબેન ધોળકિયા માટે ‘અમૃતાનુભવની ઉજાણી’ની અનુભૂતિ રહી છે.તેમનું સંન્નિષ્ઠપણે માનવું રહ્યું છે કે પુસ્તકોનો પારસ સ્પર્શ મનુષ્યમાં રહેલી નકારાત્મક વૃતિઓને હકારાત્મ્ક વિચારસરણી તરફ જતી શુદ્ધતા બક્ષે છે. દેવી સરસ્વતીની પાર્થનામાં પણ આપણામાંના જાડ્ય – મનમાં પડી રહેલી નિષ્ક્રિય ઉર્જાને કારણે પેદા થતી, અનુમાન ન કરી શકાય એવી, યાર્દચ્છિક મનોદશા-ને નિર્મૂળ કરવાની ભાવના જ રહેલી છે.હવેથી દર મહિનાના બીજા બુધવારે પ્રકાશિત થનારી આ લેખમાળામાં દેશવિદેશની પ્રશિષ્ટ સાહિત્ય કૃતિઓનો અસ્વાદ કરાવવાનો ઉપ્રકમ પ્રયોજેલ છે. કેવા કેવા સર્જકોએ જીવનને કેવા કેવા આયામોથી નીરીક્ષ્યું છે, એ નીરીક્ષણોમાંથી જીવતરને અજવાળતાં કેવાં કેવાં જીવન દર્શન પ્રગટતાં રહ્યાં છે, તે અંગે લેખિકાને એ કૃતિઓ વાંચતાં થયેલું વિસ્મય અને કૃતજ્ઞતા વહેંચવાનો આ પ્રયાસ છે.‘ક્ચ્છમિત્ર’માં છેલ્લાં એક વર્ષથી ‘વાચનથાળ’ શીર્ષક હેઠળ પ્રકાશિત થઈ રહેલ આ લેખમાળા વેબ ગુર્જરી સાથે વહેંચવાનું પ્રસ્તુત આયોજન શક્ય બનાવવા માટે ડો. દર્શનાબેન ધોળકિયાનાં આપણે આભારી છીએ.સંપાદક મંડળ, વેબ ગુર્જરી
‘બારીબહાર’ – પ્રહલાદ પારેખની વિરલ કાવ્યયાત્રા
દર્શના ધોળકિયા
‘બારીબહાર’ની પ્રસ્તાવનાના આરંભે ઉમાશંકરે નોંધ્યું તેમ, ‘૩૧’ થી ૪૦ના દશકાને કવિતાને માટે સર તો કરી લીધો મનસુખલાલ, ઈન્દુલાલ, સુંદરજી બેટાઈ, શ્રીધરાણી, સુન્દરમ્ (ઉમાશંકર પોતેય ખરા જ)… વગેરેએ… પણ એ સમયમાં નવકવિઓએ ડહોળી નાખેલા વાતાવરણમાં આવવાનું સદભાગ્ય કહો કે દુર્ભાગ્ય, કવિઓના બીજા એક નવતર સમુદાયને મળ્યું, જેમાં હરિશ્ચંદ્ર, પ્રબોધ, પારાશર્ય વગેરેની… લગોલગ રહ્યા પ્રહલાદ.
માનવહૃદયની ગૂઢ ઉત્સુકતા, તીવ્ર વેદના, નિસ્તલ નિરાશા અને અમોઘ મુદિતા કવિ સહેજમાં શબ્દસ્થ કરી શકે છે. તેમની કવિતામાં ‘નીતરાં પાણી’’નો ગુણ છે, અને તે પોતે ડહોળાણના વાતાવરણમાં ઉછર્યા હોવા છતાં.”
પ્રહલાદની કવિતા મુખ્યતઃ પ્રકૃતિ, પ્રણય, માનવજીવન ને આ સઘળામાં જ વ્યાપ્ત એવા સૂક્ષ્મ ને વિરાટ વિભુને કેન્દ્રમાં રાખીને રચાઈ છે. વિશ્વમાં આસપાસ ને ચોપાસમાં વરતાતી અસંબધ્ધતાને પૂરેપૂરી પ્રમાણવા છતાં આ સઘળાને અતિક્રમીને પ્રહલાદ પ્રસન્નતાના ઉપાસક, ચાહક કવિ રહ્યા છે ને એ અર્થમાં તેમની કવિતા આસ્તિકતાનું અનાયાસ સ્થાપન કરે છે. પ્રેમ, પ્રકૃતિ, જીવનપ્રીતિ, ને આ સઘળામાંથી નીપજી આવતી કવિની આંતરશ્રી કવિનાં લગભગ એકેએક કાવ્યમાં એવી રીતે ભળી-ઓગળી જાય છે કે તેમની કોઈ પણ કૃતિને કોઈ ચોક્કસ ભાવ-ખંડમાં જોવી મુશ્કેલ બને છે.

પ્રહલાદ મૂળે સૌંદર્યલુબ્ધ કવિ છે. આ સૌંદર્યને એમણે માત્ર બાહ્ય જગતમાં જ સાકાર કર્યું નથી, તેમના આંતરજગતમાં વહેતાં સૌંદર્યોનાં ઝરણાંએ સહજ ઢંગથી બાહ્ય સૌંદર્ય પ્રતિ તેમને પર્યુત્સુક બલકે તેના ઉપાસક બનાવ્યા જણાય છે. આરંભે જ તેમણે વર્ષોની બંધ બારીને ઉઘાડી છે કોઈ અદીઠ આંતપ્રેરણાથી, અંદરના કોઈ ધક્કાથી ને એ ક્ષણથી જ બહારનું જગત તેમના અંદરના જગતને આલિંગી બેઠું છે :
‘વર્ષોની બંધ બારીને આજે જ્યારે ઉઘાડતો,
‘આવ‘, આવ’, દિશાઓથી સૂર એ કર્ણ આવતો.‘(‘બારી બહાર’)
ને ઉઘડેલી બારીમાંથી કેટકેટલું કવિની ભીતર ધસી આવ્યું ! સિંધુનાં મોજાં ચૂમીને આવતો વાયુ, સૂર્યનાં કિરણ, પક્ષીઓનાં ગીતો, અરે, પથ પરની ધૂળ, ખેતરે ઊભેલાં ડૂંડાં, વાટે જતું બાળક, લજ્જાશીલ યુવતી, સંન્યાસી, અમૃતમય તારકપ્યાલીઓને લઈને આવેલી રાત્રિ – ને આ સઘળાંને આંખમાં ભરીને, તૃપ્ત થતાં, કવિ તૃપ્તિથી મીચેલાં નયને અંદર પણ આ સૌનો સાદ સાંભળીને ‘ના બારી, ના ઘર મહી રહું જાઉં એ સર્વ સાથ’ એવો નિર્ણય કરીને જીવતરનું અખંડ દર્શન કરવા નીકળી પડે છે.
બારી ને ઘરની બહાર નીકળી પડેલા કવિને વિરાટ વિભુના રૂપ સરખું પથરાયેલું સૌંદર્ય ક્યાં ક્યાં, કેવી કેવી જગાએ સાંપડતું રહ્યું છે તેનાં અનેક ચિત્રો આપણને મળે છે. પ્રહલાદે પ્રકૃતિમાંય રાત, તારા ને અંધારાંને સૌથી વિશેષ ચાહ્યાં છે. અંધારાને કવિ માત્ર દર્શનેન્દ્રિયથી જ નહીં, ઘ્રાણેન્દ્રિયથીય આરાધે છે :
‘આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો,
આજ સૌરભભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી.‘(‘આજ’)
કવિએ બહારના અંધકારને બંધ આંખમાં આવકારીને કોઈ અદીઠ, અનામનું અહીં આહ્વાન કર્યું છે. ને એ અનામ તત્ત્વની કંઈક ઝાંખી પામ્યાનો અણસાર પણ કવિની પ્રસન્નતામાં ભાળી શકાય છે :
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું તે થઈ આવિયો સૂભિ પૂર ?’
ગાંધીયુગમાં વસતા શ્વસતા રહીને પણ કવિએ સીધી રીતે ગાંધીમૂલ્યો ઝીલ્યાં નથી એ ખરું પણ એમની કવિ તરીકેની ચેતના ને સંવેદનાએ કરીને એમણે કેટલાક નગણ્ય, અસ્પૃશ્ય, સામાન્ય રીતે પસંદ ન પડે તેવા વિષયોને બાથમાં લીધા છે બારી બહાર’ માં આવાં દૃષ્ટાંતો ઠેર ઠેર મળે છે.
“આજ અમે અંધારું શણગાર્યું,
હે જી અમે શ્યામલને સોહાવ્યું.
થાયે છે રોજ રોજ પૂજા સૂરજની ને ચાંદાય વ્રત થાતાં:
આનંદઘેલાં હૈયે અમારાં આજ અંધારાને ય અપનાવ્યું !‘(અમે અંધારું શણગાર્યું)
જોવાનું એ છે કે નકારાત્મક સંદર્ભ ધરાવતા તત્ત્વને આશ્લેષમાં લેતા કવિની મદદે પ્રકૃતિ પણ દોડી આવી છેઃ
‘ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને, ધરતીએ મેલીને દીવા;
આ સૌ સાથે મળીને અંધારાને શણગારે છે તેથી ‘અમે’ સર્વનામ કેવું તો સાર્થક ઠરે છે !
તો ઘાસને તો કવિએ પોતે ઘાસ થઈને આરાધ્યું છે : પ્રકૃતિના આ લઘુતમ રૂપની વિરાટતા પ્રહલાદની આંખે ભક્તની આરત ને ભક્તિથી ઝીલી છે
જ્યાં સુધી પહોંચે નજર,
ત્યાં સુધી બસ, ઘાસનો વિસ્તાર છે;
ને પછી આકાશ કેરી
નીલરંગી ક્ષિતિજ કેરી ધાર છે.‘(ઘાસ અને હું’)
ઘાસ સાથે કવિનો આદિમ નાતો છે. દિવસના દરેક પ્રહરમાં કવિ ઘાસનાં દર્શન કરે છે.
જોઉં છું વહેલી સવારે એમને,
ને ખુશીથી મહેક મહેકે છે મને.
ને બપોરે હેમ શા તડકા તણું
ને હરિત એવા ઘાસનું થાયે મિલનઃ
સાંજ વેળા તેજ, છાયા, ઘાસ સૌ
સાથે મળીને ખેલતાં :આ સઘળું જોઈને રોમાંચિત થતા થતાં, છેવટે કવિ પોતાનું ઘાસમાં રૂપાંતરણ અનુભવે છે :
પુલકને એ જોઈને લાગે મને
કે ઘાસ જુદે રંગ, મારે અંગ
નાનું રૂપ લઈ વ્યાપી રહ્યું !(‘ઘાસ અને હું”)
સુરેશ જોષી આ ક્ષણે કવિની તદરૂપતાથી રસાઈને એ પુલકિતતાનો ચેપ અનુભવતાં નોંધે છે : ‘અહીં આ તકૂપતાની તૃપ્તિના થેઇથેઇકારની થાપ બીજી પંક્તિમાંના ‘રંગ’ અને ‘અંગ’ના મૃદંગઘોષમાં સંભાળશે.’
એક બાજુ પ્રકૃતિનાં આવાં ભાગ્યે જ નજરમાં વસે તેવાં તત્ત્વો તો બીજી બાજુ ઠેર ઠેર વેરાયેલું પ્રકૃતિનું ભરપૂર સૌંદર્ય ખોબે ખોબા ભરીને પ્રહ્લાદે લૂંટ્યું-લૂંટાવ્યું છે. ક્યાંક એનું ભવ્ય રૂપ વિસ્મિત થઈને કવિ નિહાળે છે :
અસીમ અવકાશ માંહી નીરખું મહાકાળને,
વિરાટ અવધૂતને, પરમ એ અનાસકતને;
અનંત મહીં ઊડતો ઉપરણો રહે વાયુનો,
અને કદીક મેઘ-શંખ ધરી હાથ એ ફૂંકતો.‘(‘અવધૂત’)
‘અવધૂત’ કાવ્યનો પૃથ્વી છંદ મહાકાળના ભવ્ય-રુદ્ર રૂપને લયઘોષની મદદથી કેવું તો સાક્ષાત્ કરે છે ! તો વર્ષાનું થનગનતું ચિત્ર લાસ્યને પ્રગટાવે છે :
વર્ષાની ધારના કોણે આકાશથી
અવિનને ઉર આ તાર સાંધિયા ?
અંગુલી વીજની કોણે આ ફેરવી
શુષ્કતા વિદારતાં ગીત છેડિયાં ?(‘વર્ષા’)
તો પ્રકૃતિનાં રમ્ય રૂપમાં પ્રહલાદની કોમળ પદાવલી ભળતાં સહદય પણ કવિની અનુભૂતિમાં રસાય છે. પ્રકૃતિનાં નાજુક તત્ત્વોને ભારે લાઘવ ને માર્દવથી કવિ લાડ લડાવે છે :
‘અહીં પડેલાં મુજ ઓશરીમાં,
નિહાળતો ચાંદરણાં રહું હું’..કેવાં છે આ ચાંદરણાં ?
પ્રકાશનાં પુષ્પ ભરી લઈને
છાબે, હશે કોઈ ગઈ અહીંથી
પડી ગયાં એ મહીંથી હશે આ
સહુ તેજપુષ્પો ?”(‘ચાંદરણાં’)
ચાંદરણાને પકડતી કવિની દર્શનેન્દ્રિયની ચપળતામાં તો જૂઈ પણ ઝિલાઈ ગઈ છે :
‘સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય,
ભટૂરિયાં શા તારલિયા લઇ ચંદા આભે રમવા જાય,
ખીલે છે જૂઈ ત્યારે :
તેને ગમતું અંધારે.‘(‘જૂઈ’)
ચિત્રો રમતાં મૂકવા એ પ્રહ્લાદની કવિતાનું પ્રધાન લક્ષણ છે. કેવાં કેવાં ચિત્રો અહીં રમતાં મૂકાયું છે !
‘સૂતેલ ટૂંટિયું વળી, ક્ષિતિજ ઉપરે વાદળાં” (‘સૂર્યોદય’)
સમીર કેરી લ્હેરે જ્યારે ફૂલો ધીમાં ઝોલાં ખાય’, (‘જુઈ‘)
સુધા ભરી તારક પ્યાલીઓને
આકાશથાળે લઈ રાત આવે;’(‘બારી બહાર’)
ચિત્રોને ઝડપવા પ્રહ્લાદે અહીં આંખની મદદ લીધી છે ને ક્યાંક આંખ મદદરૂપ ન બને ત્યારે કાનને કામમાં લઈ લીધા છે:
‘નૈન તણાં મુજ તેજ બુઝાણાં, જોઉં ના તારી કાય;
ધીમા ધીમા સૂર થતા જે પડતાં તારા પાય,
સુણીને સૂર એ તારા,
માંડું છું પાય હું મારા‘ (અંધ‘)
‘વસ્ત્ર તણો ફફડાટ સુછું હું એટલો રે‘જે પાસ‘ (‘અંધ‘)
‘એક લંગોટી એક ભંભોટી, હાથમાં છે એકતારો’(‘અવધૂતનું ગાન’)
પ્રણયની સરળતાથી તેની ગહનતમ અનુભૂતિની પ્રાપ્તિ પ્રહ્લાદનાં પ્રણયકાવ્યોમાં રીતસરની એક વિકાસયાત્રા તરીકે આલેખાય છે.
અનુભૂતિની સૂક્ષ્મતાને કવિ ઉત્તરોત્તર સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમરૂપે ચેતનામાં ઉતારવામાં સફળ રહ્યા છે.
‘શબ્દની હોડલી કોઈ જ્યારે નથી
લઈ જવા ભાવનો ભારો મારો‘(‘વાંછા’)
એવું અનુભવ્યા પછી હૃદયને અશ્રુ વડે નીતારવામાં જ કવિ કૃતાર્થ થાય છે. મનમાં રહેલું એવું કેટલુંય છે જેની અભિવ્યક્તિ અશક્ય છેઃ
આવે ત્યારે દઈ નવ શકું અંતરે જે ભર્યું તે
જાયે ત્યારે સહી નવ શકું અંતરે જે રહ્યું તે.(‘માગણી’)
જીવનની કોઈ પણ ધન્ય પળે પ્રિય પાત્રની ઉપસ્થિતિ હોવાને કવિ સદ્ભાગ્ય ગણે છે. જો એવું બની શકે તો ! મનના આવા આછા ભાવોની લકીર કેવી અદબથી કંડારાઈ છે !
કદી સંધ્યા ટાણે,
કદી વા કો વા’ણે
થતું હૈયે એવું, નીરખી નભશોભા પ્રસરતી;
હતે તું સંગાથે !”(‘હતે તું સંગાથે’)
ને એ સંગાથ મળ્યો ત્યારેય ક્યાં કશું વ્યક્ત થઈ શક્યું ?
ઉરે હતી વાત હજાર કે‘વા,
કિન્તુ નહીં ઓષ્ઠ જરીય ઊઘડ્યા;(‘અબોલડા’)
આ મૌનમાં જ પ્રેમની સચ્ચાઈ પ્રતિબિંબિત થઈને ઝળહળી ઉઠે છે. પ્રહલાદ આ પ્રણયકાવ્યનો જાદુ તો જુઓ ! કાવ્યનું શીર્ષક વાતો’ ને મહિમા મૌનનો! પ્રિયા ને પ્રિયતમની ગુજગોષ્ઠિ ચાલી રહી છે એ ક્ષણોની અધવચ્ચે પ્રિયતમ પ્રિયાને રોકતાં (ને ટોકતાં પણ) કહે છે :
‘હજુ ધીમે ધીમે, પ્રિય સખી ! તહીં ઝાડ ઉપરે
સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે‘(‘વાતો’)
બસ, તો થઈ રહ્યું ! પક્ષી પોતાનાં ગીત દ્વારા વાત વહેતી કરી દેશે. વાત અહીં પૂરી થતી નથી. સૉનેટનું બીજું ચરણ ‘હજુ ધીમે’થી આરંભાય છે. ફૂલની કળી પાંદડા પાછળ છુપાઈને બેઠી છે, એ કહેશે વાયુને, ને વાયુ તો ચારે બાજુ લાવી દેશે આપણી પ્રણયકથાને ! તારા, ઝાકળ, અરે જગત આખું તારા શબ્દોમાંથી ઝરતા પ્રણયરસને ઝીલવા આતુર બેઠું છે. ને છેવટે ?
‘પછી તો ના વાતો, પ્રિય અધર જે કંપ ઊઠતો,
ધ્વનિ તેનો આવી મુજ હૃદયમાં શમી જતો.‘(‘વાતો’)
શું પ્રકૃતિકાવ્યોમાં કે શું પ્રણયકાવ્યોમાં કવિને મન જેટલું બારીની બહારની સૃષ્ટિનું મહત્ત્વ છે તેટલું જ ભીતરી સૃષ્ટિનુંય છે.
આથી જ બારી ને ઘર છોડીને જવા છતાં કવિ પાછા વળે છે તો ભીતરની કુટિરે :
‘ફરીને કુટિર દ્વારો વાસિયાં, રાખી દુનિયા બહાર;
પછી રે બેઉ હૈયાં ખોલિયાં જેમાં દુનિયા હજાર.’(‘મારા રે હૈયાને તેનું પારખું’)
પ્રણયમાં, આવી પરિતૃપ્તિ પણ કવિએ અનુભવી છે ને છતાંય ક્યાંય પુરુષ સહજ અધિકારભાવનો અંશ તો ઠીક, પુરુષ તો શું માનવીમાત્રમાં વિરલ એવો સન્યાસભાવ કવિના અનન્ય પ્રણયકાવ્ય ‘વિદાય’માં અભિવ્યક્ત થયો છે જેમાં પ્રણયની ઉદાત્તતાનું અંતિમ આરોહણ છે. ‘કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે’ એવું ભારોભાર દઢતાપૂર્વક કહેતા કવિમાં કટુતાનો અંશ માત્ર નથી. બંનેએ એક સમયે કરેલા પ્રણયની કથા ભારે લાઘવપૂર્વક કહેવાઈ છે, જેમાં સુખ-દુ:ખ બંનેની ગાથા છે :
‘પરસ્પર કરી કથા ૨જની ને દિનો ગાળિયાં,
અનેક જગતો રચી સ્વપ્નમાં, વળી ભાંગિયાં
અને કઠોર થઈને કદીક તુજ આંસુ જોયા કર્યાં;
– ને બીજી બાજુ:
કદીક તુજ ગોદ શીશ ધરી હીબકાં મેં ભર્યાં(‘વિદાય’)
આટલી સંવાદપૂર્ણ જિંદગી પછી પણ કવિ પ્રિયાને કોઈ બંધનમાં રાખવા માગતા નથી. પોતે ગાળ્યા છે એવા દિવસો ને રાત્રિઓથીય વધુ ઉત્તમ ક્ષણ પ્રિયાને મળે એવું કવિ ઇચ્છે છે. એ પ્રિયાને, પોતાને ભૂલી જવા વિનવે છે તે છેવટે અંતિમ વિનવણી કરતાં કહે છે :
છતાંય સ્મરણે ચડી વિપળ એક જો હું લઉં,
ઉદાર તવ ઉરની પ્રથમથી ક્ષમા તો ચહું.”(“વિદાય’)
‘આ કાવ્યમાં નાયકે પોતાને સ્મરણો આવશે (કહો કે સતાવશે) કે નહિ તે વિશે સેવેલું મૌન અને પ્રેમપાત્રને સ્મરણોથી અવસ્વથતા થવાની શક્યતા વિશે બતાવેલી ચિંતા’, ઉમાશંકરને બહુ જ સંયમશીલ અને પૌરુષવાળાં લાગ્યાં છે તો સાથોસાથ જે કંઈ બન્યું છે એનું કોઈ જ ઉત્તરદાયિત્વ આવા વિવેકી નાયકનું ન જ હોઈ શકે એવું તેમ જ સામાન્ય રીતે પ્રેમસંબંધમાં ઊણા ઉતરવાનું પુરુષને ભાગે આવે તેવું હંમેશાં ન જ બને એવી એક શક્યતા પણ અહીં ગર્ભિત રીતે, કવિને કદાચ અભિપ્રેત ન પણ હોય તોય અનાયાસ સૂચવાઈ છે.
સર્વાશ્લેષી બની જીવવા માગતા આ કવિને વ્યવહારની મિલન ગલીઓ જોઈને અકળામણ અનુભવાઈ છે ને થોડીક ક્ષણો તારા કે ફૂલ સાથે જીવવાનું તેમને મન થઈ જાય છે પણ કવિના પગ ધરતી પર જ રહ્યા છે અને એટલે જ સ્તો આસપાસના વાસ્તવને સ્વીકારીને કવિ પાછા વળે છે:
‘રૂડું એથી અહી રહું માનવીની સાથમાં
કદી વળી સમજશે એ જ મારી વાતમાં
માનવીની સાથે રે’વું, સે’વું, એમ લ્હાણું છે.’(‘લ્હાણું’)
પ્રકૃતિના અંધકારને ચાહતા આ કવિ પોતામાં પડેલા અંધારાને પૂરી સમજ ને તાટસ્થ્યથી પારખી શક્યા છે ને તેથી જ પ્રાર્થી રહ્યા છે :
એક દિવસ તો આવ પ્રભાત !!
એક દિવસ તો ખૂટે રાત !”(‘એક દિવસ તો આવ પ્રભાત !’)
આવનારું પ્રભાત, જાગનારો આતમરામ આવી ચડે એવાં નસીબ હોય તો હોય પણ ઓછામાં ઓછું એનું અસ્તિત્વ આસપાસ અનુભવાય તોય ભયોભયો :
‘પાય તણો એ સૂર સુણું, ને આવે ફૂલ સુવાસ,
વસ્ત્ર તણો ફફડાટ સુણું હું– એટલો રે‘જે પાસ. (‘અંધ)આસપાસ, ચોપાસ પ્રસરેલા દંભને કવિએ ઝીણી નજરથી પારખ્યો છે ને પડકાર્યોય છે, પણ આ પડકારમાંય વ્યંગની ધાર નથી પણ ખેદજનક વિસ્મય છે. ‘બનાવટી ફૂલોને’ કાવ્ય આનું ઉત્તમ દૃષ્ટાંત છે. બહુ જ માર્દવથી કવિ બનાવટી ફૂલોને પ્રારંભે તો પ્રશંસે છે :
તમારે રંગો છે, આકારો છે, અંબોડામાં, ઘરમાં તમે શોભો છો વગેરે. પણ મોટો ‘પરંતુ’ આડો આવીને ઊભે છે આમ:
‘પરંતુ જાણ્યું છે,
કદી વા માણ્યું છે,
શશીનુ, ભાનુનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઉગવું?’ને અંતે માર્મિક પ્રશ્ન છે:
ન જાણો નિંદુ છું
પરંતુ પૂછું છું:
તમારા હૈયાના ગહન મહીંયે આવું વસતું :
દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું ?’(‘બનાવટી ફૂલોને’)
જેના પર રવીન્દ્રનાથની અસર સૌને વરતાઈ છે એવાં રહસ્યવાદી કાવ્યો પણ ઠીક ઠીક પ્રમાણમાં કવિ પાસેથી સાંપડ્યાં છે : ઘેરૈયા’માં પ્રકૃતિતત્ત્વના વિનિયોગની લગોલગ રહસ્યનો ભાવ પણ છે :
અમે ઘેરૈયા સૌ બહુ બહુ ઘૂમી શોધ કરતા :
કહી ઘેરૈયો એ ? કદી છૂપવિયો રંગનિધિ આ ?”(‘ઘેરૈયા)
પ્રકૃતિને અપાર ચાહતા, સંવેદનાના આ કવિ ક્યારેક ને ક્યાંક હરીભરી પ્રકૃતિ વચ્ચેય અકળ એકલતા અનુભવે છે. આકાશમાં નવલખ તારા, અગણિત સિંધુ તરંગ, ડાળે ડાળે ફૂલ, ને છતાં, “શાને રે લાગે તોય એકલું !” એ કવિનો પ્રશ્ન છે. બાજુમાં ધરતી, ઉપર આકાશ, નિત્ય વીંટળાયેલો રહેલો વાયુ, અરે, આખું વિરાટ વિશ્વ કવિને હાથવગું ને છતાં નાના રે હૈયાને લાગે એકલું ” કેવી છે આ એકલતા ? વ્યક્ત ન થઈ શકતો ને છતાં વ્યક્ત થવાનો પ્રયત્ન કરતો આ ભાવ કવિની આધ્યાત્મિક બેચેનીનો પરિચાયક છે:
કોઈ રે આવી કોઈ વહી ગયું, મારે અંતરને દ્વાર;
કોઈ રે ગાઈ મૂંગું રહી ગયું, છાયો ઉરમાં સૂનકાર
એવું રે લાગે આજે એકલું.‘ (‘એકલું‘)મનુષ્ય વિશે પણ પ્રહ્લાદની ઠીક ઠીક કવિતાઓ મળે છે. આપણે ત્યાં વતનપ્રેમનાં, જન્મભૂમિને લગતાં નોંધપાત્ર કાવ્યો મળ્યાં છે તેમાં પ્રહ્લાદનું ‘ગામની વિદાય’ આગવી ભાત પાડતું કાવ્ય બને છે. હે જી મારા નાનપણાના ગામ ” એવા સંબોધન પછી તેનું પોતાના મનમાં રહેલું સ્થાન સાવ સરળ ભાષામાં રજૂ કરીને પ્રહલાદે તેને કેવું ગજું બક્ષ્યું તે જોવા જેવું છે :
‘મારા બાળપણાના ધામ’
ને ઊર્મિમાંદ્ય કે પ્રેમના કોઈ ડોળ વિના તેના પ્રત્યે હૃદયપૂર્વક કરબદ્ધ થતા કવિ બે વાર બોલી ઊઠે છે :
‘તને કરું રે પરણામ ! તને કરું રે પરણામ.‘
તેમનાં પ્રણયકાવ્યોની જેમ જ અહીં પણ ગ્રામપ્રીતિને આલેખતો સંયમ દાદ માગી લે એ રીતે વ્યક્ત થયો છે :
‘ના રે કળાયા કદી, નેહના વેલા એવા
ભોંયે આ તારી પથરાયાઃ
જાવા ઉપાડું મારા પાયને, ત્યાં તો એમાં,
ડગલે ને પગલે એ અટવાયાઃક્યારે બાંધી લીધો‘તો મને આમ ?” (ગામની વિદાય‘)
પ્રહલાદનું અંતિમ મૂલ્યાંકન કરવામાં ઉશનસની મદદ લઈને કહીએ તો પ્રહલાદ કવિ સ્વર્ગસ્થ છે પણ એમની કવિતા અમર છે, ગુજરાતી ભાષાની કેવળ સુંદર પંક્તિઓના સંચયમાં પ્રહલાદની અનેક પંક્તિઓ હશે.
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ઓલ વેલ ધેટ એન્ડ્સ વેલ
સોરઠની સોડમ
ડૉ. દિનેશ વૈશ્નવ

હું ગામડામાં નળ, વીજળી કે અન્ય સુવિધા વિના ઉછરેલો, ઉજરેલો અને હજી પણ ઈ ગ્રામ્યસંસ્કૃતિમાં રાચનારો, રચનારો, જીવનારો જણ ૧૯૭૦માં ૨૧માં વરસે પે’લી વાર યુ.એસ. આવ્યો. હું સુકામ આવ્યો ઈ વાત કોકવાર માંડીશ પણ ૧૯૭૦માં આવ્યા પે’લાં મે થી સપ્ટેમ્બર લગી અમદાવાદ રહીને યુ.એસ.માં આગળ ભણવાના એડમિશન, પાસપોર્ટ, વ.ની દોડધામ ને અન્યકામો ઈ વખતે બ્રહ્મક્ષત્રિય સોસાયટીમાં રેતાં મારા માસા-માસીને ઘેર રહીને કર્યાં. એના નાના દીકરા ને મારા પિત્રાઇની મદદ્થી આ કામો કરતોતો કારણ કે એને અમદાવાદની જાજી જાણકારી હતી. હવે ઈ ટાણે અમદાવાદમાં બે જાણીતી ટ્રાવેલ એજન્સી, એક લાલદરવાજે “અમીન ટ્રાવેલ્સ” ને બીજી સલાપસ રોડ ઉપર “ગૂડવિન્ડ ટ્રાવેલ્સ,” કે જે બેય વિદ્યાર્થીઓને યુ.એસ. આગળ ભણવા જાવામાં મદદ કરતાતા. મારા પિત્રાઇએ તપાસ કરીને જાણ્યું કે “ગૂડવિન્ડ ટ્રાવેલ્સ” આ મદદ માટે કોઈ ફી નો’તું લે’તું જો એની આગળથી યુ.એસ. આવવાની પ્લેનની ટિકિટ ખરીદો તો. એટલે અમે બેય આ ટ્રાવેલ એજન્સીના મલિક નટુભાઈ શાહને મળ્યા ને એની સલાહ મુજબ યુ.એસ. આવવાની કાર્યવાહી શરૂ કરી. આમાં દરેક માર્કશીટ્, રેકેમેન્ડેશન લેટર, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, મારા પરિવારની આર્થિક સધ્ધરતાના કાનૂની પૂરાવા, વ.ની વીસવીસ કાયદેસર માન્ય સઇસિક્કા વાળી ખરી નકલો કઢાવાની અને રૂપિયાને યુ.એસ. ડૉલર્સમાં વટાવા ભારતીય રિઝર્વબેંકમાં અને પાસપોર્ટ માટે એની કચેરીમાં ગાંસડી કાગળો હારે નટુભાઈ તૈયાર કરે ઈ મારે અરજીઓ દેવાની.
હવે ઈ દસકાઓમાં જયારે ઝીરોક્ષ મશીન નો’તાં જન્મ્યાં ત્યારે અમદાવાદના ભદ્ર વિસ્તારમાં ફૂરપાથે બેસેલા ટાઇપીસ્ટો આગળ ભાઈબાપા કરીને એકેક નકલ ટાઈપ કરાવું ને પછી ઈ જ ફૂરપાથે ટાઈપિસ્ટ સામે અધૂકડા બેસીને એમાં ભૂલો ગોતીને એને બતાવું એટલે ઈ પાછું નવેસરથી ટાઈપ કરે. ટાઇપીસ્ટો હારે આ લમણાજીક જ મારા માટે માથાનો દુઃખાવો હતો તો દોઢસોબસો કાગળોની અજણ્યા શે’રમા ગેઝેટેડ ઓફિસરને ગોતી એનાં સહીસિક્કા હારે ખરી નકલો કઢાવી ઈ કેટલું અઘરું હશે ઈ વિચારી શકો છ.
હું આવા ગેઝેટેડ ઓફિસરોને ગોતવા સારુ ભિખારી જેમ જુદુજુદી કચેરીઓમાં દસેક દી’ રખડ્યો પણ મારા કાઠિયાવાડી કણને પરખીને પટ્ટાવાળાઓ મને કચેરીને બાયણેથી જ હડધૂત કરી દેતા. આ કપરા દિવસોમાં એક વાર લાંબે મોઢે હું પાલડી બસસ્ટેંડે બપોરે બારેક વાગે ભુખેપેટે બસની રાહમાં ઉભોતો યાં મારી નજર સામે ઉભેલ એક મિનિસ્કર્ટમાં સજ્જ યુવાન છોકરી ઉપર પડી. ત્યારે મને મારવાડના રણમાં મીઠા પાણીનો વીરડો ભાળ્યાનો ભાષ થ્યો એટલે હું ઈ છોકરી સામે મરક્યો ને ઈ મારી સામે. મેં ખાંડી હિંમત ભેગી કરીને ઈ છોકરીને કીધું, “આ બસ તો આવતી નથી એટલે હું બ્ર્હક્ષત્રિય સોસાયટીમાં રીક્ષામાં જાઉં છ.” ઈ છોકરીએ કીધું, “મારે પણ ત્યાં જ જવું છ.” મેં રીક્ષા બાંધી ને અમે બેય અગલબગલ માય બેઠાં. જાતાંજાતાં એનું નામ લીના હતું ઈ મેં જાણ્યું ને પછી મેં મારી ખરી નકલો કઢાવાની તકલીફની વાત કરી. એને કીધું, “બ્રહ્મક્ષત્રિય સોસાયટી પાસે જ પ્રભુદાસ ઠક્કર કોલેજ નવી ખુલી છ. ત્યાં પટ્ટાવાળાને સોદોઢસો ખવરાવસો તો એ જ ગેઝેટેડ ઓફિસર બનીને ખરી નકલો કરી દેસે” ને ઈ ખાયકીથી થ્યું પણ ખરું. ટુંકમાં, મેં રિક્ષાના જે પૈસાનું રોકાણ ઈ “હસી વો ફસી”માં કર્યુંતું ઈ મને આજે પણ સર્વોત્તમ લાગે છ કારણ નકર મારું યુ.એસ. આવવાનું ભૂત હજીયે માથે હોત ને હું ગલીએગલીએ ગેઝેટેડ ઓફિસરને મારી જૈફ વયે ગોતતો હોત.
ઉપરના બધા જ કાગળોની ખરી નકલો અને મૂળ કાગળો નટુભાઈને મેં આપ્યા એટલે એને યુ.એસ.ની દસ યુનિવર્સિટીમાં મને દાખલ કરવા અરજીઓ તૈયાર કરી. પછી હું જાડાં, વજનદાર પરબીડિયાંઓ લઈને ભદ્રની પોસ્ટઑફિસમાં ગ્યો ને થોકડો ટીકીટો ચોટાડીને એને યુ.એસ. રવાના કર્યા. પણ મિત્રો, ત્યારે મને હરામ એકેય યુનિવર્સિટીનું નામ કે એનું ગામ બોલતાં આવડતુંતું ને ઈ ગામોના “ઝીપકોડ’ તો મારા માટે અંકગણિતના દાખલાની રકમ જ હતા કારણ કે ત્યારે અમારા કાઠિયાવાડમાં તો સિરનામું એટલે દા.ત.; ભગાબાપા, લંગડા ભાભાને અડીને, બજરંગગલીના નાકે, કણબી વાડ, મુ. સમઢીયાળા, તા. મેંદરડા, જી. જૂનાગઢ એમ લખાતું. એમાં ન હોઈ કોઈ રકમ કે એપાર્ટમેન્ટ નંબરનો આંકડો.
હવે આમ જોવો તો ઘણા લોકો તો અગાઉ કીધેલ જફાઓથી કંટાળીને કહી દે, “ભાંડમાં ગ્યું યુ.એસ. મારે નથી જાવું” પણ મારે ખભે તો ઈ યુ.એસ. આવવાનું ભૂત બેઠ્ઠુંતું ને મને ઈ દી’આખો ડફણાં મારતુંતું એટલે મેં એક આગળની કાર્યવાહીના ભાગે પાસપોર્ટની અરજીનું કામ ઉપાડ્યું. તો સાહેબ, ઈ દસકાઓમાં અમદાવાદમાં પાસપોર્ટ કઢાવો ઈ ઈડરીયો ગઢ જીતવાથી અઘરું હતું કારણ કે ઈ મારા ભાવિ સસરાના હાથમાં હતો ને એને જ મને સૌથી વધુ લબડાવ્યોતો; દા.ત., જ્યારેજ્યારે હું એની કચેરીમાં એને મળવા ગ્યો ત્યારે એના પટ્ટાવાળાના બે જ જવાબ, “સાહેબ અત્યારે કામમાં છે” કે “સાહેબ બપોરનાં ચા-નાસ્તો કરે છ.” મારાં કમનસીબે મને મોડી ખબર પડી કે મારા ઈ વખતે “ભાવિ સસરા”ના ને અમારા પરિવાર વચ્ચે ત્યારે ૯૦થી પણ વધુ વરસોનો સબંધ હતો ને મારા મામાના ઈ અંગત મિત્ર પણ હતા. પછી તો મારા મામાની ભલામણથી એને પાસપોર્ટની અરજી મને એને ઘેર બોલાવીને મંજુર કરી ને હું પાસપોર્ટ ભેગો થ્યો. સાત વરસ પછી ઈ જ મામાની મદદથી મારા ઈ એક વખતના “ભાવિ સસરા” ૧૯૭૭માં વ્યવહારે સસરા થ્યા.
બીજીકોર અમદાવાદમાં જ રિઝર્વબેંકમાં ડોલર્સ મેળવવાની અરજીનું કામ ચાલુ કર્યું. ઈ પ્રમાણમાં ઓછું અઘરું હતું પણ જેટલી વખત બેંકમાં ગ્યો ત્યારે યાં કામ કરતા મદ્રાસી જણો જે અંગ્રેજી બોલતા ઈ મને “કાયમ ચૂરણ”નો ફાકડો લાગતો, મારા ટાંટીયા ઢીલા થઇ જાતા ને બેંકેથી બારા નીકળી મારે “જાહેર શૌચાલય” ગોતવાં પડતાં કારણ હું અંગ્રેજી બોલવે કે ઈ દક્ષિણભારતનું પો’ળા મોઢે બોલાયેલ અંગ્રેજી સમજવે પાવરધો નો’તો. ચારપાંચ ધક્કે મારી અરજી બેંકે મંજુર કરી ને કીધું કે વધુમાંવધુ હું મારી એક વરસની ફી અને ખાવારે’વાના ખરચના અને ઉપરાંત ખીસ્સાખર્ચીના આઠ ડોલર્સ જેટલા રૂપિયા ડૉલર્સમાં ફેરવી સકું. હું હરામ આ રૂપિયાને ડૉલર્સમાં વટાવાનું ગણિત સમજ્યો હોઉં તો પણ “આઘેઆઘે ગોરખ જાગે” ને સમયે હું ઈ શીખી જઈશ એમ આશાનો અંચળો મેં ઓઢી લીધો.
હવે ઈ ચારેક મહિનાની અમદાવાદની ગરમીમાં અમે અનેક રસ્તે પગ રગડ્યા, ઘણાને મળ્યા, કેટલાય બે પૈસાનાં બોર ન ખાઈ સકે એવાને મસ્કા માર્યા, પછવાડે ચાટ્યા; કેટલાયનાં અપમાનો હસ્તે મોઢે સહન કર્યાં, કામ પતાવા એકાદબે વાર પૈસા વેર્યા, કેટલાંય જાહેર શૌચાલયો વાપર્યાં અને અનેક દિવસ બપોરનું ભોજન ખાવા ઘેર ન જઈ સક્યા એટલે બે હાથનો ખોબો કરીને પરબેથી પાણી પીધું કારણ અમારાં ખીસાં ખમતીધર નો’તાં કે બા’ર ખાઈ સકીયેં. પણ આ બધી દોડધામમાં મધ ઓગષ્ટે “ગૂડવિન્ડ”વાળા નટુભાઈએ મધીયા સમાચાર આપ્યા કે મને યુ.એસ.ની દસેય યુનિવર્સીટીમાં એડમિશન મળી ગ્યુંતું ને બધી જગ્યાએથી ફોર્મ આઈ-૨૦ આવી ગ્યાતાં કે જે યુ.એસ.નો વિઝા મેળવવા માટે આવશ્યક હતું.
એડમિશનના સમાચાર આવ્યા એટલે એમ.મનસુખરામમાંથી ટાઈ અને પીટર ડિસોઝા આગળ શૂટ સીવડાવાનું નવું કામ તત્કાલ હાથમાં લીધું. ત્યારે આ બેય દુકાનો અમદાવાદમાં રીલીફરોડે એટલે મારો પિત્રાઈ ને હું બપોરના તાતડીયા તડકે હાલતા ઇ રોડે પુગ્યા. અમે યાં હાલતાતા એવામાં મારા પિત્રાઈએ કીધું, “હાલો હેવમોરમાં કોફી પીયેં.” એટલે મેં એને સહજ કીધું, “કેમ તબિયત ઠીક નથી? હાલો છાંયડે કોક દુકાનના છજ્જે બે ઘડી ઉભીયેં, થોડીકવારમાં સારું લાગશે.” હવે ત્યારે મારા મગજમાં એમ જ કે પીળા ડબલામાં ગાંઠો થઇ ગે’લ, છરીએ ખોતરેલ “પોલસન” કોફી તો ઘરના રસોડે જ બને ને માંદા પડ઼ીયેં ત્યારે જ શરીરમાં કાંટો લિયાવા પીવાય. જે મારી ઉમ્મરના હશે એને આ કોફીનું નામ, એના એકવાર વાપરીને બાજેલ ગાંઠા, એનો પીળો ડબ્બો ને ઈ સુ કામ પીવાય ઈ યાદ જ હશે. ખેર, અમે ઈ “હેવમોર”ની દુકાનમાં દાખલ થાવા ગ્યા યાં કાચનાં બે બાયણા જોઈને હું તો અભો જ થઇ ગ્યો કારણ મેં મારી જિંદગીમા બે કડાં ને એક ભોગળવાળાં લાકડાના કમાડ જ જોયેલ. વળી ઈ કાચના બાયણાં પણ બગલાની પાંખ જેવા ધોળા સૂટમાં ઉભેલ કોયલાથીયે કાળા માણસે ઊઘડ્યાં એટલે અમે અંદર ગ્યા. અંદર જાતાંજાતાં મારા પિત્રાઇએ એને “થેન્ક યુ” કીધું પણ હરામ હું ઈ શબદ સમજ્યો હોઉં તો. પછી અમે ધોળા ટેબલક્લૉથે સજાવેલ ખાલી ટેબલખુરસીએ બેઠા કે જ્યાં ટેબલ ઉપર મરીમીઠાની બે સીસી, કેચપની બાટલી, કાગળના નેપકીન, વ. ગોઠવેલ. હું ત્યારે ટેબલક્લૉથને “ટેબલ ઘાઘરો” કે’તો. કેચપ તો મેં જોયેલ જ નહીં ને મને ઈ કોક જાડા પ્રાણીના જાડા રગડા લોહી જેવો લાગ્યો એટલે હું મુંગો મર્યો કારણ કે વળી મારો પિત્રાઈ ક્યાંક અંગ્રેજીમાં બોલે ને હું ગોટે ચડું. પછી એનાથી રે’વાણું નહીં એટલે મને કીધું, “દિનેશ આ એ.સી. હોટેલ છે.” હકીકતમાં હું મેટ્રિકમાં “એ.સી. ડી.સી. કરંટ” શીખેલ એટલે તરત જ લાકડું જાલી, સંકોચાયને હું બેઠો કે વળી ક્યાંક મને કરંટ લાગશે તો હું યુ.એસ. નહીં જઈ સકું ને આટઆટલા બાપના પૈસા વાપર્યા છ ઈ બગડશે.
થોડીક વાર અમે બેઠાતા યાં ચંદ્રગુપ્તના દૂત જેવો ધોળા પાટલૂન ને માથે બંધ ગળાના કોટમાં એક મૂછાળો જણ આવ્યો ને એને ઈ હોટેલમાં ખાવાપીવાનું સુંસું મળે ઈ ચોપડી મૂકી. મારો પિત્રાઈએ કીધું, “દિનેશ, મેન્યુ જોવો ને નક્કી કરો ઓર્ડર.” હવે હું મેંદરડામાં છગન કંદોઈ કે ચોરવાડમાં રીછીયાની દુકાને પવાલું ગાંઠિયા ને ચાર જલેબીનો દુકાનના થડા નીચેથી ઓર્ડર દેનારાને આ મેન્યુ સું ને નક્કી સું કરવાનું એટલે મેં એને કીધું, “તમે જ ઓર્ડર કરો.” એટલે એને ઈ દૂતને કીધું, “ટૂ નેસ પ્લીઝ.” હું ઈ “નેસ”ને નેસ્ટ સમજ્યો એટલે મને એમ કે બે ચકલાના માળા જેવું ક્યાંક આવશે. પછી ક્યાંય લગી હું તો નેજવું માંડીને ચકળવકળ હોટેલમાં જોતોતો એવામાં ઈ દૂત બે કોફીના નાકાવાળા પ્યાલા, એમાં ફળફળતું દૂધ ને એની માથે લાકડાના વેર જેવાં કોફીના પુંખડાં, ચમચી, ખાંડની કટોરી એમ મૂકી ગ્યો. મેં તો નાકાવાળા પ્યાલા જ ત્યારે જોયા એવામાં મારા પિત્રાઈને પ્યાલામાં ચમચીએથી કોફી હલાવતા, ખાંડ નાખતા, વ. જોયો એટલે મેં પણ એની નકલ કરી. કોફીની ચુસ્કી લેતાં એને કીધું, “દિનેશ, આ “નેસ કોફી છે.” મેં એને કીધું, “પણ ભાઈ હું તો પીળા ડબ્બામાં ભેજની ચોટી ગે‘લ ને છરીથી ખોતરીને કાઢેલ તાવ આવ્યે “પોલસન” કોફી પીનારો આદમી આ સુ પીવું છ? આ છે તો શાકાહારી ને જ”? ઈ કયડું હસ્યો ને મશ્કરીમાં કીધું, “ના આ બ્રાન્ડી છે.” એટલે મેં મનોમન કીધું ,”વાંધો નહીં. યુ.એસ.માં કદાચ પીવાનું પાણી ન મળતું હોય તો મારે આ બ્રાન્ડી જ પીવી પડશેને એટલે ટેવ અત્યારથી જ પાડી દઉં.” આ બ્રાન્ડી પીને અમે એમ.મનસુખરામમાંથી ઝોડીયેકની કાળી ટાઈ લીયાવયા કે જે મને આજ દી’ લગી સીંગલ નોડમાં જ બાંધતા આવડે છ ને નિવૃત્તિ પછી હવે કોક પયણે ત્યારે પણ જવલ્લે જ પે’રૂ છ. ઈ જ રીતે પીટર ડિસોઝા આગળ કાળો સૂટ ને ધોળું “સી થ્રુ” નાયલોનનું ખમીસ પણ શિવડાવ્યાં કે જે મેં મારી યુ.એસ.ની મુસાફરીમાં એક જ વાર પેર્યાં. પછી યુ.એસ.માં એને ઉનાપાણીમાં વોશરમાં ધોયાં તે પાટલૂનની ચડ્ડી, કોટની કોટી ને ખમીસના લિરા થઇ ગ્યાં.
અમદાવાદમાં ઉપરોક્ત મુશ્કેલીઓ વેઠી યુ.એસ.ની તૈયારી કરીને પરિવાર હારે પ્લેનમાં પે’લી વાર બેસીને હુ મુંબઈ આવ્યો ને બીજા દી’એ નટુભાઈના મુંબઈસ્થિત ભાઈ રમેશને વિઝા માટે મળ્યો. અલબત્ત, ત્યારે વિઝા શું છે, શુ કામ જોયેં, કેમ અને ક્યાં મળે ઈ મને કે મારા જેવા મોટા ભાગનાને ખબર નો’તી પણ ઈ “મોસાળે માં પરીસે” એમ સહેલાઈથી મળી જાતો. હકીકતમાં મારો વિઝા પણ રમેશ જ લિયવ્યોતો. હું તો ખાલી એના ભેગો કોન્સ્યુલેટમાં ગ્યોતો. આ વિઝા માટે પણ મને મારા પિત્રાઇએ એક સવાલનો જવાબ – કે જે માત્ર ઈ વખતે એને જ આવડતોતો – શિખવ્યોતો, “અમેરિકાના પ્રમુખ નિક્સન છે.” જો કે ન તો આ સવાલ મને કોઈએ પૂછ્યો કે ન તો મેં ઈ ગોખેલો જવાબ દીધો. વિઝા પંદરેક મિનિટમાં મેળવીને મુંબઈના ફોર્ટ વિસ્તારમાં મુંબઈ રે’તા મારા કાકાના દીકરા હારે “થોમસકૂક”માંથી રૂ. ૪.૫૦ના ભાવે ડોલર્સના ટ્રાવેલર્સ ચેક લીધા, ખીસ્સાખર્ચીના આઠ ડોલર્સ રોકડ લીધા ને “સ્વિસએર”ની કચેરીમાં જઈને મુંબઈથી મારે મિસિસિપી રાજ્યના જે ગામમાં ભણવા આવવાનું હતું ઈ જાવઆવવાની ટિકિટ રૂ. ૪૨૦૦માં લીધી. આ બેવડી ટિકિટ ત્યારે એક ટ્રીપ કરતાં સસ્તી હતી. છેલ્લે હું સપ્ટેમ્બર ૧૧, ૧૯૭૦ના ઉપડી, રસ્તામાં ચાર જગ્યાએ રોકાઈ ને સપ્ટેમ્બર ૧૧ના ન્યુયોર્કના જે.એફ.કે. એરપોર્ટ ઉતર્યો ને યાંથી મારે જે ગામ ભણવા જાવાનું હતું યાં નાનીમોટી તકલીફે પોંચ્યો.
મિત્રો, આજકાલ કરતાં મને યુ.એસ.માં ૫૩ વરસ થઇ ગ્યાં. ઈ ગાળામાં હું ભણ્યો, પય્ણ્યો, નોકરી કરી નિવૃત થ્યો, અમારાં બે છોકરાંઓ આંઈ જન્મ્યાં, ઈ સારું ભણ્યાં ને હવે એનાં છોકરાંઓ ભણે છ. મને મારાં બાળપણના ગામડાંઓ, ઈ સંસ્કૃતિ અને અનુભવો પ્રસંગેપ્રસંગે ને આપ્તજનો ક્ષણેક્ષણે યાદ આવે છ એટલે તક મળે હું દેશ આવું છું છત્તાં ઉંમર વધતાં ઈ પણ હવે અઘરું થાતું જાય છ. આમ જોવું તો ઈશ્વરકૃપાથી હું યુ.એસ.માં સામાન્યતઃ સુખી છું પણ ચારેક દાયકા પે’લાં જયારે મારો ભારતિય પાસપોર્ટ રદ્દ કરીને મેં યુ.એસ. સિટિઝનશીપ સ્વીકારી ત્યારે મને આંઈ વસવાટનું એટ્લાન્ટિકથી ઉંડુ દુઃખ થ્યુંતું. હવે મારી કર્મભૂમિમાંથી જન્મભૂમિમાં પગ મુકવા દર દસ વરસે વિઝા રૂપે ભારત સરકારની જે રજા લેવી પડે છ ઈ કેરકાંટો તો મારે આજીવન જેલવો જ પડશે.
છત્તાં જો હું મારા પુખ્તવયના જીવનનના નફાતોટાનું નામું લખું તો મને ડાબીકોર સરેરાસ મોટી લાગે છ ને એટલે જ “ઓલ વેલ ધેટ એન્ડ્સ વેલ.” હવે માત્ર મારા સંતોષ રૂપે મારા વતનના ભવ્ય ભૂતકાળનો દી”ના મધ્યાન પછીનો પાછળ મેં જે પડછાયો કર્યો છ એને શબ્દે બેઠો કરવા પ્રયત્નો કરું છ પણ એને ન્યાય આપું છ કે નહીં ઈ તો આપ વાંચકો અને ભવિષ્ય જ કે’સે.
ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
સ્વથી સર્વ
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
આજે ફરી એકવાર ઘેર બેઠા વહેતી સોશિઅલ ગંગામાંથી જરા અમસ્તુ આચમન…..
એક કૉર્પરેટ કંપનીના મોટા હૉલમાં કંપનીના લગભગ બધા મેમ્બરને એકઠા કરવામાં આવ્યા હતા. પ્રસંગ હશે એ સૌને મોટિવેટ કરવાનો. હૉલમાં અર્ધ ગોળાકારે ગોઠવાયેલી બેઠક પર સૌ મોટી કંપનીને છાજે એવા સુટ-કોટ-ટાઇમાં બિરાજમાન હતા. હવે તો કૉર્પરેટ કંપનીમાં કામ કરતા સભ્યોની માનસિક તેમજ શારીરિક સ્વસ્થતાને પ્રાધાન્ય આપવાનું ચલણ અને વલણ વધતું જાય છે. (સારી વાત છે નહીં?)
પ્રવક્તાએ સ્ટેજ પર આવીને માઇક હાથમાં લેતા આ પ્રસંગને અનુરૂપ પ્રસ્તાવતા બાંધી. થોડી મહત્વની વાતો કરીને સૌને એમની સાથે સાંકળી લેતા એક ઘોષણા કરી.
“આજના આ પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા આજના આ મહત્વના કાર્યક્રમ તરફ આગળ વધતા પહેલા હું ઇચ્છીશ કે અહીં ઉપસ્થિત સન્માનીય સભ્યો આપની જગ્યાએથી ઊભા થઈને હૉલમાં ઉપસ્થિત સૌને મળે, હાથ મિલાવે અથવા એકમેકને ભેટે.”
આ માટે પાંચ મિનિટ ફાળવવામાં આવી હતી. સમય પુરો થતા સૌ પોત-પોતાની બેઠક પર ગોઠવાયા પછી પ્રવક્તાએ ફરી એકવાર માઇક હાથમાં લેતા ઘોષણા કરી.
“આપ સૌને ખાતરી છે કે આપે સૌને મળી લીધું છે?.. કદાચ તમારો જવાબ હશે હા.. પણ હું કહીશ કે ના.. કારણ આપ સૌએ મોટાભાગનાને તો મળી લીધું પરંતુ હું પણ અહીં ઉપસ્થિત જ હતો તેમ છતાં મને તો કોઇ મળવા આવ્યું જ નહીં. એટલું જ નહીં પણ કેટલાક એવા સભ્યો પણ હતા કે જે પોતાની જગ્યાએ જ બેસી રહયા હતા એમને પણ કોઇ મળવા ગયું નહી. કારણ?”
હૉલમાં તો કોઇની પાસે જવાબ હતો નહીં.
પ્રવક્તાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું …“કારણ માત્ર એટલું જ કે મોટાભાગના સૌ પોતાની આસપાસ સુધી જ વિસ્તરેલા હોય છે. મોટાભાગનાને પોતાના વર્તુળથી બહાર નિકળીને અન્ય સુધી પહોંચવામાં રસ નથી હોતો. કેટલાક એવા હતા જે પોતાની જગ્યાએથી ઊભા જ નહોતા થયા. જે ઊભા નહોતા થયા એમને સામે ચાલીને મળવા કોઇ આગળ વધ્યુ નહી.
સીધી વાત- દોસ્તી માટે જો હાથ લંબાવીએ તો જ દોસ્ત મળી રહેશે. તાલી એક હાથે ક્યારેય વાગતી જ નથી. સંબંધો વિકસાવવા માટે અંતરથી અને અંદરથી ખુલવાની જરૂર છે. આ વાત છે અપેક્ષા વગર, આપમાંથી બહાર આવી અન્ય સુધી પહોંચવાની. સ્વથી માંડીને સર્વ સુધી વિસ્તરવાની. દરેક સંબંધને જો નફા-નુકશાનના ત્રાજવે તોળવામાં આવશે તો શક્ય છે કે સાચો અને સારો સંબંધ ક્યાંય પામી નહી શકીએ. ક્યારેક સ્વાર્થ વગરના પણ સંબંધ વિકસી શકે છે એવું સમજી લેવાની ય જરૂર છે.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
દલિત મુસલમાનની અજાણી વ્યથા અને ઉકેલની દિશા
નિસબત
ચંદુ મહેરિયા
૨૦૧૭માં ભુવનેશ્વરમાં મળેલી ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય કારોબારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષને ‘પછાત અને દલિત મુસ્લિમો’નું સંમેલન બોલાવવા અને તેમના પ્રશ્નો ચર્ચવા સલાહ આપી હતી. જાણે કે તેના પડઘારૂપ આ વરસે યોજાયેલી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યની બીજેપી સરકારે મદરેસા બોર્ડ, ઉર્દૂ અકાદમી અને લઘુમતી બોર્ડના ચેરપર્સન તરીકે પસમાંદા કે પછાત મુસ્લિમોની નિમણૂક કરી હતી. હવે યોગી આદિત્યનાથના બીજા મુખ્યમંત્રી કાળના પ્રધાનમંડળમાં પછાત મુસ્લિમ દાનિશ આઝાદને કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા છે. બીજેપીના આ વલણમાં વોટ બેન્ક પોલિટિક્સ છે. સમાજવાદી પાર્ટી હસ્તકની આઝમગઢ અને રામપુર લોકસભા બેઠકો અનુક્રમે અખિલેશ યાદવ અને આઝમ ખાનના રાજીનામાથી ખાલી પડી હતી. આ વરસના જૂનમાં આ બંને બેઠકો દલિત મુસલમાનોના ભાજપા તરફથી મતદાનથી બીજેપીએ જીતતાં ૨૦૨૨ની હૈદરાબાદ કારોબારીમાં વડાપ્રધાને ફરી પક્ષને દલિત મુસલમાનોનો વિશેષ ખ્યાલ રાખવા જણાવ્યું છે. રાજકીય ગણતરીઓને ઘડીભર બાજુ પર રાખીને પેટા ચૂંટણીના પરિણામ પર દલિત મુસલમાનોની અસર અને ઉત્તરપ્રદેશ સરકારમાં તેમના રાજકીય પ્રતિનિધિત્વને નોંધપાત્ર બાબત લેખી શકાય .
૧૯૪૬માં મહંમદ અલી ઝીણાના દ્વિરાષ્ટ્ર સિધ્ધાંતનો વિરોધ કરીને પછાત મુસ્લિમોની મોમિન કોન્ફરન્સે (જમીયતુલ મોમિનીન) મુસ્લિમ લીગના ઘણા ઉમેદવારો સામે ચૂંટણી લડી વિજ્ય મેળવ્યો હતો. ૧૯૪૬માં બિહાર મંત્રીમંડળમાં પ્રથમવાર બે પછાત મુસ્લિમોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું. તેમાં પસમાંદા મુસ્લિમ નેતા અબ્દુલ કય્યૂમ અન્સારી પણ હતા. છતાં એકદંર રાજકીય પ્રતિનિધિત્વમાં પછાત અને દલિત મુસલમાનો હાંસિયામાં જ રહ્યા છે. એક થી ચૌદ લોકસભાના આશરે ૭૫૦૦ સાંસદોમાં ૪૦૦ મુસ્લિમ સાંસદો હતા તેમાં પછાત મુસ્લિમ સાંસદો તો માંડ ૬૦ જ હતા.
સમાનતાના મનાતા ઈસ્લામ ધર્મમાં પણ નાતજાત અને ઉચ્ચનીચના ભેદ જોવા મળે છે. વળી આવા ભેદ કંઈ આજકાલથી કે ભારતીય ઈસ્લામમાં જ નથી મુસ્લિમોમાં કોટિક્રમ કે ઉચ્ચનીચ દર્શાવતા ત્રણ શબ્દો અશરાફ, અજલાફ અને અર્જાલ ઉર્દૂ કે ફારસી નહીં પણ અરબી શબ્દો છે. એટલે આ ભેદ લાંબા સમયના અને સમગ્ર દક્ષિણ એશિયામાં પ્રવર્તતા હોવાનું લાગે છે.
૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ દેશમાં ૧૭.૨૨ કરોડ (કુલ વસ્તીના ૧૪.૨૩ ટકા) મુસ્લિમ વસ્તી છે. તેમાં પોણા ભાગના પછાત કે દલિત મુસલમાનો છે. ભારતના મોટાભાગના મુસલમાનો ધર્માંતરિત છે. પરંતુ અશરાફ કે ઉચ્ચવર્ણીય મુસલમાનો અરબ, ઈરાન કે તુર્કી મૂળના મનાય છે. મધ્યમ કે કારીગર વર્ગના અજલાફ મુસલમાનો પછાત કે પસમાંદા ગણાય છે. અર્જાલ કે દલિત મુસલમાનો સૌથી નીચા મનાય છે. કેમ કે તેઓએ હિંદુઓની અસ્પૃશ્ય કોમોમાંથી ધર્મપરિવર્તન કરીને ઈસ્લામ અંગીકાર કર્યો છે.
મસૂદ આલમ ફતાહીના “હિંદુસ્તાનમેં જાત-પાંત ઔર મુસલમાન”, અય્યૂબ રાયનના “ભારત કે દલિત મુસલમાન” જેવા પુસ્તકો, અભ્યાસો, સંશોધનો અને સર્વેક્ષણોમાંથી તથા ઓલ ઈન્ડિયા પસમાંદા મુસ્લિમ મહાજ, મુસ્લિમ ઓબીસી સંગઠન અને ઓલ ઈન્ડિયા બેકવર્ડ મુસ્લિમ મોરચો જેવી સંસ્થાઓ દ્વારા પછાત અને દલિત મુસલમાનોની સ્થિતિનો ખ્યાલ આવે છે.
બે દાયકા પૂર્વેના અલી અનવરના દલિત અને પછાત મુસ્લિમો અંગેના લઘુ સર્વેક્ષણનું તારણ હતું કે તેઓ આર્થિક, શૈક્ષણિક અને સામાજિક રીતે ખૂબ જ પછાત હતા. સર્વેક્ષણ હેઠળના પરિવારોમાં શિક્ષણનું પ્રમાણ ૩૮.૫ ટકા જ હતું. માંસાહાર મુખ્ય ખોરાક છતાં ગરીબી અને બેરોજગારીના કારણે ૭૦ ટકા પરિવારો મહિને એકાદવાર માંસ ખાઈ શકતા હતા.૨૫ ટકાને એક જ ટંક ખાવાનું મળતું હતું. ૭૮ ટકાના પગમાં પહેરવા ચંપલ નહોતા અને ૫૮ ટકા કુટુંબો ઘરવિહોણા હતા.
આર્થિક અને શૈક્ષણિક બેહાલીમાં જીવતા અર્જાલ કે દલિત મુસલમાનો રોજેરોજ સામાજિક ભેદભાવો પણ ભોગવે છે. ગિરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ, લખનૌ દ્વારા ૨૦૧૬માં સામાજિક સંશોધકો પ્રશાંત ત્રિવેદી, શ્રીનિવાસ ગોલી, ફહિયુદ્દીન અને સુરિન્દર કુમારે યુ.પી.ના ૧૪ જિલ્લાના ૭૧૯૫ દલિત મુસલમાન કુટુંબોનો અભ્યાસ કર્યો હતો. જેમાં કથિત ઉચ્ચવર્ણના હિંદુઓ અને મુસલમાનો બંને તેમના પ્રત્યે ભેદભાવ રાખતા હોવાનું જણાયું હતું. ૨૫ ટકા ઉચ્ચ વર્ણીય હિંદુઓ અને ૨૦.૫ ટકા મુસલમાનો દલિત મુસલમાનો પ્રત્યે ભેદ રાખતા હતા. ૮ ટકા દલિત મુસલમાન બાળકોને શાળાના વર્ગ ખંડોમાં અને મધ્યાહ્ન ભોજનમાં અલગ બેસાડાતા હતા. ૧૩ ટકા દલિત મુસલમાનોને કથિત ઉચ્ચ વર્ણના મુસલમાનોના ઘરમાં અલગ વાસણમાં જમવાનું અને પાણી અપાતું હતું. સામાજિક પ્રસંગોએ પણ અલગ જમવા બેસાડતા અને અપમાનજનક તથા વ્યવસાયસૂચક શબ્દોથી સંબોધવામાં આવતા હતા. દલિત મુસલમાનોના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવવા દેવામાં આવતા નથી કે ખૂણામાં દફનાવવા પડતા હતા. મસ્જિદમાં સાથે નમાજ પઢવામાં પણ તે અલગ હોવાનો અહેસાસ કરાવાતો હતો.
ભારતીય ઈસ્લામમાં જોવા મળતો આ સામાજિક ભેદ ઉચ્ચ વર્ણના મુસલમાનો માટે કોઈ મુદ્દો જ નથી. દલિત અને પછાત મુસલમાનોના સામાજિક ન્યાયની સમસ્યાની સતત અવહેલના થાય છે.બીજી તરફ પછાત અને દલિત મુસલમાનો પણ ઈસ્લામના અંતર્ગત હિસ્સા તરીકે સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળ કરવાને બદલે અનુસૂચિત જાતિમાં સામેલગીરી માંગે છે.
ડૉ. આંબેડકરના પગલે દલિતોએ હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. આ નવબૌધ્ધોને વી.પી. સિંઘના વડાપ્રધાનકાળ વખતે અનુસૂચિત જાતિમાં સામેલ કરી અનામતના લાભ આપ્યા હતા. એટલે દલિત મુસલમાનો અને દલિત ખ્રિસ્તીઓ પણ આ લાભ માંગે છે. તેમની આ માંગણી કદાચ વાજબી પણ હોઈ શકે. પણ તેમણે ધર્મ પરિવર્તન કરીને જે નવો ધર્મ અપનાવ્યો છે તે ધર્મ કેમ તેમને સમાન ગણતો નથી અને સમાનતાનો અધિકાર આપતો નથી તે સવાલ કરાતો નથી. હાલની પસમાંદા અને દલિત મુસલમાનની ઓળખમાં તેઓ પહેલાં પછાત કે દલિત અને પછી મુસલમાન છે તેમ જોવા મળે છે. ખરેખર તો તેમણે પોતાની દલિત કે પછાત મુસલમાનની ઓળખને પ્રાધાન્ય આપવાને બદલે મુસલમાન દલિત કે મુસલમાન પછાતની ઓળખ પ્રસ્થાપિત કરવી જોઈએ.
ડો.બાબાસાહેબ આંબેડકરે તેમના ગ્રંથ “થોટ્સ ઓન પાકિસ્તાન”માં જણાવ્યું છે કે, “ મુસલમાનો એવું અનુભવતા જ નથી કે આ( પછાત અને દલિત મુસલમાનો પ્રત્યેનો સામાજિક ભેદભાવ) કોઈ બુરાઈ છે .તેથી તેના નિરાકરણ માટે કોઈ પ્રયત્નો પણ કરતા નથી.” હિંદુઓની જે નીચલી જ્ઞાતિઓએ જ્ઞાતિભેદ અને આભડછેટમાંથી છૂટકારો મેળવવા ધર્મ પરિવર્તન કરીને અન્ય ધર્મો અંગીકાર કર્યા છે તે જો નવા ધર્મમાં પણ સમાન સ્થાન મેળવી ન શક્યા હોય તો તેમનું ધર્મ પરિવર્તન અર્થહીન બની ગયું ગણાય એ દ્રષ્ટિથી વિચારીને સમાનતા અને સામાજિક ન્યાયની લડત કરવી જોઈએ.
ખ્રિસ્તીઓ, મુસલમાનો અને શીખો તેમના ધર્માંતરિત ધર્મબંધુઓ પ્રત્યે આભડછેટ અને ભેદભાવ રાખે છે ગાંધીજીએ તેને હિંદુઓની દેન તરીકે સ્વીકારીને કહ્યું હતું કે હિંદુઓએ પોતાના ધર્મમાં રહેલી આભડછેટ સમાપ્ત કરીને બીજા ધર્મોનું માર્ગદર્શન કરવું જોઈએ. શેષ કામ બીજા ધર્મોએ જાતે કરવું જોઈએ. ગાંધીજીના આ શબ્દોમાં રહેલું દર્દ અને વાસ્તવ ન માત્ર હિંદુઓએ તમામ ધર્મોએ સમજવું પડશે. પછાત-દલિત મુસલમાનોની સામાજિક ભેદભાવની અજાણી વ્યથાનો ઉકેલ અનુસૂચિત જાતિમાં સામેલગીરી અને અનામતમાં નહીં સામાજિક-ધાર્મિક સુધારણાની ચળવળમાં રહેલો છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
પ્રાણીઓ, વાહન , રોડ સાઇન અને અકસ્માત
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
Animals, Vehicles, Road Signs and Accidents 09012023
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
થોભો, જુઓ અને આગળ વધો
મંજૂષા
વીનેશ અંતાણી
ટકી રહેવા માટે અટકવું પડે
અને અટકવા માટે સમય કાઢવો પડે.
વિરામનો આવો સમય સૌથી વધારે ઉત્પાદક હોય છેદર વર્ષે ૩૧મી ડિસેંબરે રાતે બાર વાગે એક સાલને થંભી જવું પડે છે. અટકવું જ પડે, નહીંતર ભવિષ્યની બીજી સાલ પ્રવેશ કરી જ શકે નહીં. ટ્રાફિક સિન્ગલ પર લાલ લાઇટ થાય તે સાથે વાહનોને થંભાવી દેવાં પડે, નહીંતર અકસ્માત થાય. વયના જુદા જુદા તબક્કામાં આપણે અગાઉ કરતા તે બાબતો કરવી બંધ કરવી જ પડે. જૂનું અટકે તો એમાંથી નવું સર્જાય. આપણે એકના એક માર્ગ પર વણથંભ્યા ચાલ્યા કરીએ એને યાત્રા કહેવાય નહીં, એ તો નિરર્થક રઝળપાટ થઈ. પ્રવાસમાં નીકળેલા લોકો ક્યાંય થંભ્યા વિના ચાલ-ચાલ કર્યા કરે કે સડસડાટ પસાર થઈ જાય એમાં પ્રવાસનો ખરો આનંદ મળતો નથી. કોઈ જોવાલાયક સ્થળે અટકો, એનો આનંદ માણો, નવું જાણો અને પછી આગળ વધો તો પ્રવાસનો હેતુ સર થાય.
એક પિતા પરિવારને લઈને લોન્ગ ડ્રાઇવમાં નીકળ્યો. એ ઘણા કલાક સુધી કાર ચલાવતો જ રહ્યો, કોઈ જગ્યાએ ઊભો રહ્યો નહીં. સાંજ પડવા આવી ત્યારે કંટાળેલાં સંતાનોએ એને કહ્યું: ‘પપ્પા, થોડી વાર તો ઊભા રહો.’ એ લોકો દરિયાકિનારા પાસેથી પસાર થતાં હતાં. પિતાએ કાર ઊભી રાખી. સૂરજ દરિયાની વચ્ચે આથમતો હતો. આકાશમાં અને દરિયાનાં મોજાં પર અવનવા રંગોની રંગોળી દોરાઈ હતી, સંતાનો આનંદથી બોલી ઊઠ્યાં: ‘અમે આવું કશુંક જોવા માટે તો તમારી સાથે નીકળ્યાં હતાં.’
શાણા માણસો જીવનમાં આગળ વધવાની શિખામણ આપે છે તેમ વચ્ચે વચ્ચે પોરો ખાઈ લેવાની સલાહ પણ આપે છે. તો જ થાક ઊતરે, તો જ નવી શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થાય. જેટલું મહત્ત્વ સતત કશુંક કરતા રહેવાનું છે એટલું જ મહત્ત્વ યોગ્ય સમયે અટકવાનું કે ઘણું બધું હંમેશને બંધ કરવાનું પણ હોય છે. અમેરિકાના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ પીટર ડ્રયુકેર કહેતા: ‘આપણે મેનેજમેન્ટ ટ્રેઇનિંગમાં લોકોએ શું કરવું તે શીખવીએ છીએ, પરંતુ એમણે એમના કામની વચ્ચે ક્યારે અટકવું તેની ટ્રેનિંગ આપતા નથી.’ સતત કામની વચ્ચે વેકેશન લઈને એકધારી રફતારમાંથી થોડો સમય બહાર નીકળી જતા લોકોની કાર્યક્ષમતા વધે છે તે વાત હવે સ્વીકાર્ય બની છે.
મહાન સર્જક અર્નેસ્ટ હેમિન્ગવે કહેતા કે દિવસ દરમિયાન લખવા માટે નિયત કરેલો સમય પૂરો થાય ત્યારે લખવાનું ગમે તેટલું સારું ચાલતું હોય, છતાં તે બંધ કરવું જોઈએ. ત્યાર પછી પણ મન-મગજના અજાણ્યા ખૂણામાં નવા સર્જનાત્મક વિચારોનો પ્રવાહ તો ચાલુ જ રહેશે. બીજે દિવસે લખવાનું શરૂ કરશો ત્યારે નવી તાજગી સાથે કામ કરી શકાશે. ઓસ્ટ્રેલિયાની નવલકથાકાર મેલિના મારકેટાએ કહ્યું છે: ‘થંભો. પુનર્જીવિત થાવ. ટકી રહો.’
ટકી રહેવા માટે અટકવું પડે અને અટકવા માટે સમય કાઢવો પડે. વિરામનો આવો સમય સૌથી વધારે ઉત્પાદક હોય છે. એવા સમયે વ્યક્તિ પોતાના વિશે લેખાંજોખાં માંડી શકે છે. અત્યાર સુધી શું સિદ્ધ કર્યું, કેવી ભૂલો કરી, હજી કેટલું કરવાનું બાકી છે – જેવી બાબતોનો પુન:વિચાર કરવાથી આગળનો માર્ગ સ્પષ્ટ બને છે. ઘણી વાર અતિ વ્યસ્તતામાંથી ચોરી લીધેલા વિસામાના સમયે જિંદગીને નવેસરથી જોઈ શકાય છે.
પચાસની આરે આવેલી એક મહિલા એની કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર હતી. એનો બધો સમય કંપનીની સફળતા માટે અને પતિ-સંતાનોની સગવડ સાચવવા પાછળ જ ખર્ચાતો હતો. એકધારા કામ અને જવાબદારીના વજન હેઠળ એ શારીરિક અને માનસિક રીતે ખૂબ થાકી ગઈ હતી. એક દિવસ એણે ઓફિસમાંથી થોડા દિવસની રજા લીધી અને એકલી દરિયાકિનારે ચાલી ગઈ. ત્યાં એણે નિરાંતે પોતાના વિશે ઊંડો વિચાર કર્યો. એને સમજાયું કે એ અત્યાર સુધી બીજા લોકો માટે જ જીવી છે, જાત માટે કશું કર્યું નથી. એ કરવા માગતી હોય તેવું કોઈ કામ કરી શકી નથી. લાંબો વિચાર કર્યા પછી એણે અણધાર્યો નિર્ણય લીધો. એ દરિયાકિનારેથી પાછી ગઈ પછી પહેલું કામ કંપનીમાંથી રાજીનામું આપવાનું કર્યું. ઘરની જવાબદારી ઓછી કરી. પરિવારના લોકો સાથે બેસીને પોતાનું દૃષ્ટિબિંદુ સમજાવ્યું. સંતાનોની ચિંતા નહોતી, એ લોકો ઘણા સમયથી એમની સ્વતંત્ર જિંદગી જીવતાં હતાં. પતિએ એના વિચારને માન આપ્યું. ત્યાર પછી એ મહિલા એને રસ પડતો હતો તેવી પ્રવૃત્તિ કરવા લાગી. એના જીવનનું ધ્યેય બદલાઈ ગયું. સાર્થકતાના અનુભવથી એ પ્રસન્ન રહેવા લાગી.
આપણું ધ્યેય પાર પાડવા માટે બધું કરી ચૂક્યા હોઈએ, છતાં ધાર્યું પરિણામ મળતું ન હોય ત્યારે પણ થોડો સમય થંભી જવું, રિલેક્સ થઈ જવું. શક્ય છે કે એ ટૂંકા વિરામમાં આપણે ધારેલાં કામ વિશે અલગ દૃષ્ટિકોણથી વિચારણા કરી શકીએ. એવી સલાહ પણ મળે છે કે એકીસાથે ઘણાં કામ હાથ ધરવાનું બંધ કરવું જોઈએ. પ્રાથમિકતા નક્કી કરીને એક કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. લાંબા માર્ગનો વિચાર કરવો જોઈએ નહીં, બલકે એક ડગલું માંડો, પછી બીજું અને પછી ત્રીજું. દરેક પડાવ પર ઊભા રહી, શ્ર્વાસ ખાઈ, આગળનું ડગલું ભરવું જોઈએ. જીવનમાં કશુંક નવું અને મનગમતું કરવા માટે ક્યારેય મોડું થયું હોતું નથી. એની શરૂઆત ઉંમરના કોઈ પણ તબક્કે કરી શકાય.
જિંદગી ઝપાટાભેર જીવી લેવાની નથી. એની ક્ષણેક્ષણને સમજવાની અને માણવાની હોય છે. થોડી વાર માટે પણ થંભી શકે એ વ્યક્તિને સમગ્ર સમયને મોઢામોઢ થવાની તક મળે છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ઊર્મિલ સંચાર : પ્રકરણ ૧. ભારતની સફર
પ્રાસ્તાવિક
શ્રીમતી સરયૂ દિલીપ પરીખ, ઓસ્ટિન, ટેક્સાસમાં રહે છે. ભાવનગરથી વાર

Mysterious Life. Painting by Dilip K. Parikh સામાં મળેલ સાહિત્યને અમેરિકામાં પચાસ વર્ષ રહ્યા પછી પણ, શુદ્ધ ગુજરાતીમાં સર્જી રહ્યાં છે. તેમણે છ પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. ગુજરાતી અને અંગ્રેજીમાં સત્યકથાઓ, કાવ્યો. તેમણે બે નવલકથા અંગ્રેજીમાં, ‘Moist Petals’ ‘Flutter of wings’ પ્રકાશિત કરી છે.
સરયૂ પરીખના કાવ્યો આધ્યાત્મિક અને ગહન વિચારો સાથે સ્નેહરસ ભર્યા હોય છે.
ઊર્મિલ સંચાર, સરયૂ પરીખની પોતાની અંગ્રેજી નવલકથા, Flutter of Wingsની કથાવસ્તુ પર આધારિત છે. ઓગણીસો એસીમાં મુંબઈથી જોષી પરિવારના હ્યુસ્ટન આવીને વસેલાં માતા-પિતાના મેધાવી પુત્ર સોમની જીવનસફર. સોમ ભારતીય અને અમેરિકન સંસ્કૃતિનો કઈ રીતે સફળ સમન્વય કરે છે તે જાણીએ. સરળ, મધુર અને મનપ્રસન્ન વાર્તાના ૧૧ પ્રકરણની રજુઆત…
જાન્યુઆરી ૨૦૨૩થી દર બીજા અને ચોથા રવિવારે એક એક પ્રકરણના હિસાબે આ નવલિકા વેબ ગુર્જરી પર પ્રકાશિત કરીશું.
ઊર્મિલ સંચાર
આવી એક ચિઠ્ઠી, મેં મોતીએ વધાવી, લીટીનાં લખાણે મેં આરસી મઢાવી.
જત કાગળ લઈ લખવાને બેઠી, મારી યાદોને અક્ષરમાં ગોઠવી.આજ અવનીને સાગરની રાહ, લહેર આવે, આવે ને ફરી જાય.
રૂપ ચાંદનીને આમંત્રી બેઠી, મારી યાદોને રેતીમાં ગોઠવી.મારી ધડકનને પગરવની જાણ, નહીં ઉથાપે એ મીઠેરી આણ.
કૂંણા કાળજામાં હઠ લઈને બેઠી, મારી યાદોને નયણોમાં ગોઠવી.સૂના સરવરમાં ઊર્મિલ સંચાર, કાંઠે કેસૂડાનો ટીખળી અણસાર.
ખર્યાં ફૂલોને લઈને હું બેઠી, મારી યાદોને વેણીમાં ગોઠવી.મારા કેશ તારા હાથની કુમાશ, ઝીણી આછેરી ટીલડીની આશ.
શુભ સ્વસ્તિક ને કંકુ લઈ બેઠી, મારી યાદોને આરતીમાં ગોઠવી.——– સરયૂ પરીખ
પ્રકરણ ૧. ભારતની સફર
સરયૂ પરીખ

Rangoli by Ila Mehta શોમ અને તેના માતા-પિતા હ્યુસ્ટન પાછા ફરી રહ્યાં હતાં. Yellowstone National Park, Wyomingમાં એક સપ્તાહની રજાઓ પછી શોમનો ભણવાનો થાક ઉતરી ગયો લાગતો હતો. એ ઉન્નત શિખરો, દરિયા જેવા દેખાતા તળાવ અને ધરતીમાંથી ફૂટતા ઊનાં પરપોટા…! કુદરતની ભવ્યતા શોમની વિચારધારા બદલી ગયા. વિમાનની સફર દરમ્યાન મોકાનો સમય જોઈ માહીએ વાત છેડી…
“જો બેટા શોમ, તું ડોક્ટર તો થઈ ગયો. આગળ ભણવું છે તે બરાબર, પરંતુ લગ્ન વિશે વિચાર કરવાનો સમય આવી ગયો છે.”
“મોમ! હજુ તો હું છવ્વીસનો જ છું.” શોમ હસીને બોલ્યો.
“તારે આ દેશમાં કોઈ કન્યામાં રસ હોય તો કહે, નહીંતર ભારત જઈને પસંદ કરી શકાય.” ડોક્ટર પિતા રમેશે સ્નેહપૂર્વક કહ્યું. “ચોઈસ મેરેજ સફળ થઈ શકે છે.”
માહી અને ડો.રમેશ જોષી ભલે દૂર આવ્યા પણ દેશનું સ્નેહબંધન મજબૂત હતું. શોમનો જન્મ અમેરિકામાં થયો તો પણ ભારતની સંસ્કૃતિ, સાહિત્ય અને સંગીતનો લગાવ હતો. શોમથી ત્રણ વર્ષ મોટી બહેન નીના, જે કેલિફોર્નિયામાં હતી, તે કહેતી, ‘ના…રે મને તો મુંબઈમાં મૂંઝારો થાય.’ અને ભારત જવાનું ટાળતી.
“નીનાનાં લગ્ન તો રૉકી સાથે થઈ ગયાં અને આપણને નાના-નાની પણ બનાવી દેશે.” રમેશ વિચાર કરતા બોલ્યા. “…પણ ભારતમાં લગ્ન કરવામાં કદાચ સરળતા ન લાગે. હજી ઘણા લોકો, વ્યક્તિ કરતા નાતજાતને વધુ મહત્વ આપે છે.” એર હોસ્ટેસ સફેદ નેપકિન પાથરી અને લાલ ગુલાબ મૂકી ગઈ. એ સાથે જાણે કોઈ ચિત્ર દોરાયું અને માહી આંખ બંધ કરી ભૂતકાળમાં જોઈ રહી.
એ યુવાનીના દિવસો…મુંબઈમાં રમેશ, ડોક્ટરની ડિગ્રી મેળવ્યા પછી એક સંસ્થામાં સાંજે સેવા આપવા જતા. Social worker માહી, એક દર્દી સાથે ત્યાં આવી. માહીનો ચહેરો પરિચિત લાગ્યો તેથી રમેશ તેની સાથે વાત કરવા ઉત્સુક હતા અને તક મળતાં જ તેણે પૂછી લીધું હતું,
“નમસ્તે. તમારા નામનો ખ્યાલ નથી, પણ હું જ્યારે કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે તમે પહેલા વર્ષમાં ભણતા હતા? વાળમાં લાલ ગુલાબ જોઈ યાદ આવ્યું…”
“હાં, મારું નામ માહી…તમારું નામ રમેશ, મને ખ્યાલ છે.” કહેતાં માહીનો ચહેરો ગુલાબી થઈ ગયો હતો. પછી તો સેવા સંસ્થામાં મળવાનું અને સાથે કામ કરવાનું આકર્ષણ અબાધ્ય થઈ ગયું. પ્રેમના માર્ગમાં મોટી બાધા હતી કે, માહી મુસલમાન હતી. રમેશના પરિવારમાં ચુસ્ત હિંદુ ધર્મનું પાલન થતું. રમેશ-માહીના અડગ નિર્ણય સાથે બન્નેના પરિવારે કચવાતા મનથી સંમતિ આપી હતી. રમેશના માતાએ વહુને આવકારી હતી, પણ તેના હાથનું પાણી કે ભોજન લેવાનું ટાળતાં. હા, એ ચોખવટ કરેલી કે ભગવાનના મંદિરમાં માહીને નહીં અડવાનું…જાણે ભગવાનને રક્ષણની જરૂર હોય!
સમય સાથે, માહીના માન અને પ્રેમભર્યા વર્તનથી પરિવારને જીતવામાં પક્ષીય સફળતા મળી હતી. લગ્ન પછી એકાદ વર્ષમાં રમેશને હ્યુસ્ટન મેડિકલ સેન્ટરમાં નોકરી મળતા, ૧૯૬૫માં રમેશ અને માહી અમેરિકામાં સ્થાયી થઈ ગયા હતા. પુત્રી નીના અને પુત્ર શોમના જન્મ પછી જોષી પરિવારમાં માહી માટે પરાયાપણાની રેખા અદ્રશ્ય તો નહીં… પણ આછી થઈ હતી.
વિમાન હ્યુસ્ટનથી નજીક આવી રહ્યું હતું. અંતે શોમે પોતાનો નિર્ણય જણાવ્યો. “ભલે. હું arranged marriage, અથવા તમે કહો છો તેમ choice-marriageને તક આપીશ. પણ એક શરત, આપણે ભારત જઈએ ત્યારે દસ દિવસ મારે વૈદ્ય ભાણજીના આયુર્વેદ-આશ્રમમાં ગોઆ જવું છે. મારે કેન્સર રીસર્ચમાં તેમના આયુર્વેદિક જ્ઞાનનું માર્ગદર્શન લેવાનું છે.”
“મંજૂર,” રમેશ અને માહી આનંદથી બોલી ઊઠ્યાં અને યોજનાઓ શરૂ થઈ ગઈ.
શોમને હ્યુસ્ટનમાં કેન્સર રિસર્ચ માટે ફેલોશીપ મળી હતી. તેની પાસે આયુર્વેદ અને એલોપથી અને એકત્ર કરી કેન્સરના દર્દીઓને સાજા કરવાનો વિશિષ્ટ પ્રોજેક્ટ હતો. શોમ જેવા તેજસ્વી ડોક્ટરને મેળવવા માટે હોસ્પિટલ વ્યવસ્થાપકો ગૌરવ લેતા અને તેના કામને ઘણી સગવડતાઓ આપવામાં આવતી. કામ શરૂ કરતા પહેલા, ભારતની
સફર તેના પ્રોજેક્ટ માટે પણ આવશ્યક હતી.
ભારતની ઘણી મુલાકાતો પછી આ વખતની મુલાકાત વિશેષ અગત્યની હતી…દાદાજીની તબિયત અને શોમના લગ્ન. મુંબઈ આવીને શોમનું અગત્યનું કામ દાદાજી સાથે સમય ગાળવાનું હતું. રાષ્ટ્રકવિ તરીકે સન્માનિત જાજરમાન વ્યક્તિત્વવાળા દાદાનો શોમ ખૂબ લાડકો પૌત્ર હતો.
“દાદાજી! મને એ દિવસ એકદમ સ્પષ્ટ યાદ છે…તમે મંચ પર હતા અને તમારું રાષ્ટ્રકવિ તરીકે સન્માન હતું. મમ્મીએ કહ્યું હતું કે તમે વક્તવ્યની શરૂઆતમાં ભવિષ્યની આશાસ્પદ પેઢી વિષે કોઈ કવિતા બોલ્યા હતા, જે મને સમજાઈ નહોતી. ત્યારબાદ તમે મારી સામે જોઈને કહ્યું કે ‘આ માન સ્વીકારવામાં મને મદદ કરવા હું મારા પાંચ વર્ષના પૌત્ર, શોમને બોલાવું’ અને હું મમ્મીનો હાથ છોડાવી દોડતો મંચ પર આવીને તમને વળગી પડ્યો હતો. કેવો અત્યંત ખુશખુશાલ માહોલ હતો?” દાદાજીની અનુભવ રેખાઓ પર હાસ્ય ઝળકતું હતું. પૌત્ર સામે અમિદ્રષ્ટિથી જોઈ રહ્યા…
પેઢી દર પેઢીનું પુણ્ય કામ,
આજે આ પૌત્રમાં પ્રકાશમાન.
ઉગતા અરુણ શો દૈદિપ્યમાન,
શીતળતા સ્નેહ ચાંદની સમાન.દાદાજીની નેવું વર્ષની ઉંમરના હિસાબે આરોગ્ય ઠીક હતું. દાદા-દાદીને પૌત્ર શોમના લગ્ન જોવાની પ્રબળ ઇચ્છા હતી. તરત હિંદુ કન્યાઓને મળવાની પ્રવૃત્તિઓ શરૂ થઈ. છોકરીઓ જોવા જવાનો અનુભવ શોમને બહુ જ વિચિત્ર લાગતો હતો. શોમને કોઈ સાથે મેળ પડતો લાગ્યો નહીં. ઉમેદવારની મુસલમાન માતા…, એમ સાંભળીને અમુક લોકો તો આ દેખાવડા અને મેધાવી ડોક્ટરનો પરિચય પણ કરવા માંગતા નહોતા. આમ જ દસ દિવસ નીકળી ગયા. પરિવારમાં વડીલો નિરાશ થઈ રહ્યાં હતાં. આ તરફ માહીનું કુટુંબ અકળાતું હતું, “આ તે કેવું? આપણે આપણા નાતી માટે મુસ્લિમ છોકરીનું સૂચન પણ ન કરી શકીએ!”
એક સાંજે બધા ટોળે વળીને બેઠાં હતાં. શોમે પૂછ્યું, “દાદી તમારાં ને દાદાના લગ્ન કેવી રીતે થયા હતા?” દાદી જરા શરમાઈને હસુ હસુ થતાં બોલ્યાં. “અરે ધમાલ થઈ હતી. મને પરણવા શહેરથી છોકરો આયેલો. એકબીજાને જોયા નોતા. એ કહે કન્યાને જોયા વગર હું નહીં પરણું. મારા બાપા તો ગભરાયા પણ હું તો બનીઠનીને મળવા ગઈ. એ તો મને જોઈને ઘેલો થઈ ગ્યો. પણ હું તો ઉતારેથી ઘેર આવીને હઠ લઈને બેઠી કે આ શહેરી મને જરાય ગમતો નથી, એને નહીં પરણું. મારી મા કહે કે આ છોરીને કોણ પરણશે? એવામાં ગોર મહારાજને મદદ કરવા આવેલો છોકરો બોલ્યો…
“કે હું આને પરણીશ.” દાદાજીએ વચ્ચે ટહૂકો કર્યો અને બધા હસી પડ્યા.
“ઓહો, દાદી, આજ હું નવું શીખી, પોતાનું ધાર્યું કેમ કરાય.” પૌત્રી બોલી.
“અરે! જોજે એવું કંઈ શીખતી!!! મીઠડી! હવે તો સુવા જા…” અને બધા મલકાતાં વિખરાયા. શોમ ગોઆ જવાનો હતો એ દિવસે એક પડોશીનો ફોન આવ્યો. “મારા બહેન બહારગામથી ખાસ આવ્યા છે, અને તેમની દીકરી માટે શોમ સાથે વાત કરવા માંગે છે.” ગાંધીવાદી દેખાતા બુજુર્ગ બહેન અને ભાઈ, જોષી કુટુંબને મળવા આવ્યાં. બહેન સાદા અને વાતચીતમાં સરળ હતા.
બહેને કહ્યું કે, “હું અને મારી દીકરી પોંડિચેરીમાં રહીએ છીએ. મારી દીકરી મેડિકલના ત્રીજા વર્ષમાં ભણે છે. તેથી બે વર્ષ પછી જો…”
માહીએ જરા વિચાર કરી કહી દીધું, “માફ કરજો, પણ અમારે તો હમણાં જ શોમના લગ્ન કરવા છે. તેથી તમારી સાથે વાત આગળ નહીં ચાલે.” તે બહેન અને ભાઈ વિદાય થયા.
ફરી તે જ પાડોશીભાઈનો ફોન આવ્યો. “બીજું એક સૂચન છે…તમને વાંધો ન હોય તો મારી દીકરી કોલેજ પૂરી કરી, એક ‘Naturalist’ નામના સ્ટોરમાં કામ કરે છે. બહુ દૂર નથી. જો તમે જઈને માયાને જોઈ લો અને પસંદ પડે, તો પછી હું આગળ વાત ચલાવું.” માહી, રમેશ અને શોમ ખરીદી કરવાના બહાને એ સ્ટોરમાં ગયાં. માયાએ યોગ્ય વર્તાવથી મદદ કરી અને સામાન્ય વાતચીત કરી.
સ્ટોરમાંથી નીકળતી વખતે ડો.રમેશ બોલ્યા, “તમારા પિતાજીએ અમને તમારા વિશે આજે જણાવ્યું.” એ સાંભળી માયા ગંભીરતાથી માથું હલાવી જતી રહી.
શોમને માયા ઠીક લાગી. દાદાજીની ઇચ્છા અને ગોઆ જવાના ઉત્સાહની અસર નીચે માયા સાથે વાત આગળ વધારવાનું કહી, શોમ ગોઆ જવા નીકળી ગયો. તેને થયું,
“હાશ, હવે દસ દિવસ ચિંતા નહીં.”
ગોઆના આયુર્વેદ-આશ્રમમાં વૈદ્ય ભાણજીને મળ્યા પછી શોમને પોતાના ઘણા સવાલોના જવાબ મળ્યા અને કર્મપાથ ખૂલતો દેખાયો. એ દસ દિવસ શોમને અત્યંત અગત્યના લાગ્યા અને વૈદ ભાણજીનું માર્ગદર્શન ગુરુકૃપા. ભારે હૈયે ગોઆ છોડી તે મુંબઈ પાછો ફર્યો.
પાછલા દિવસો દરમ્યાન, માયાની પહેલા ‘ના’ આવી, પછી ‘હા’ આવી…એમ કરતા લગ્નની શક્યતાઓ વધતી ચાલી. શોમના આવ્યા પછી બે ત્રણ મુલાકાતો અને થોડી વાતચીત થઈ હતી.
“માયા, તમને અમેરિકામાં રહેવાનું ગમશે ને? પોતાના સ્વજનોથી દૂર…” શોમ સવાલ પૂરો કરે તે પહેલા માયા બોલી,
“હાં, હાં…જરૂર. એટલા માટે તો…” એકદમ અટકીને આંખ નીચી ઢાળી તેણે વાક્ય પૂરું કર્યું, “હાં મને અમેરિકામાં ગમશે.”
‘શરમાળ અને વ્યાકુળ હોવાથી માયા ઓછું બોલે છે… પછી પરિવાર સાથે ભળી જશે,’ એવી અટકળો સાથે લગ્ન નક્કી થઈ ગયા. છેલ્લા બે દિવસમાં કોર્ટમાં લગ્ન, અને માયાની immigration application થઈ ગયા. “વિધિસર લગ્ન અમેરિકામાં કરશું” એમ નક્કી થયું, તેથી સહી સિક્કા થયા પછી માયા પોતાના ઘેર ગઈ. ત્રણેક મહિનામાં તેણીને ગ્રીનકાર્ડ મળી જવાની શક્યતા હતી…
શોમને સંતોષ હતો કે લગ્ન કરી દાદા-દાદીને ખુશી આપી શક્યો.
ક્રમશઃ
સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com -
રસાલો ના મળે!!
શૈલા મુન્શા

સવાલોની ઝડી વરસે, જવાબો ના મળે;
શરુ તો થાય, પણ એનો કિનારો ના મળે!સિતારો થૈ ચમકવું આસમાને જો કદી,
થશે અરમાન પૂરા, એ ઈશારો ના મળે!અમીરી કે ગરીબી હોય મનની લાગણી,
અભરખાં રે અધૂરા, તો દિશાઓ ના મળે!ગઈ તારીખ જો બનશે તવારીખ યદી,
લખાશે ચોપડાં, એનો હવાલો ના મળે!ન તખ્તોતાજ, ના રજવાડું, ના માથે તિલક;
વિચારોમાં બને રાજા, રસાલો ના મળે!
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
મહેન્દ્ર શાહનાં ડિસેંબર ૨૦૨૨નાં સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah December 2022 creations
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
