સોરઠની સોડમ

ડૉ. દિનેશ વૈશ્નવ

હું ગામડામાં નળ, વીજળી કે અન્ય સુવિધા વિના ઉછરેલો, ઉજરેલો અને હજી પણ ઈ ગ્રામ્યસંસ્કૃતિમાં રાચનારો, રચનારો, જીવનારો જણ ૧૯૭૦માં ૨૧માં વરસે પે’લી વાર યુ.એસ. આવ્યો. હું સુકામ આવ્યો ઈ વાત કોકવાર માંડીશ પણ ૧૯૭૦માં આવ્યા પે’લાં મે થી સપ્ટેમ્બર લગી અમદાવાદ રહીને યુ.એસ.માં આગળ ભણવાના એડમિશન, પાસપોર્ટ, વ.ની દોડધામ ને અન્યકામો ઈ વખતે બ્રહ્મક્ષત્રિય સોસાયટીમાં રેતાં મારા માસા-માસીને ઘેર રહીને કર્યાં. એના નાના દીકરા ને મારા પિત્રાઇની મદદ્થી આ કામો કરતોતો કારણ કે એને અમદાવાદની જાજી જાણકારી હતી. હવે ઈ ટાણે અમદાવાદમાં બે જાણીતી ટ્રાવેલ એજન્સી, એક લાલદરવાજે “અમીન ટ્રાવેલ્સ” ને બીજી સલાપસ રોડ ઉપર “ગૂડવિન્ડ ટ્રાવેલ્સ,” કે જે બેય વિદ્યાર્થીઓને યુ.એસ. આગળ ભણવા જાવામાં મદદ કરતાતા. મારા પિત્રાઇએ તપાસ કરીને જાણ્યું કે “ગૂડવિન્ડ ટ્રાવેલ્સ” આ મદદ માટે કોઈ ફી નો’તું લે’તું જો એની આગળથી યુ.એસ. આવવાની પ્લેનની ટિકિટ ખરીદો તો. એટલે અમે બેય આ ટ્રાવેલ એજન્સીના મલિક નટુભાઈ શાહને મળ્યા ને એની સલાહ મુજબ યુ.એસ. આવવાની કાર્યવાહી શરૂ કરી. આમાં દરેક માર્કશીટ્, રેકેમેન્ડેશન લેટર, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, મારા પરિવારની આર્થિક સધ્ધરતાના કાનૂની પૂરાવા, વ.ની વીસવીસ કાયદેસર માન્ય સઇસિક્કા વાળી ખરી નકલો કઢાવાની અને રૂપિયાને યુ.એસ. ડૉલર્સમાં વટાવા ભારતીય રિઝર્વબેંકમાં અને પાસપોર્ટ માટે એની કચેરીમાં ગાંસડી કાગળો હારે નટુભાઈ તૈયાર કરે ઈ મારે અરજીઓ દેવાની.

હવે ઈ દસકાઓમાં જયારે ઝીરોક્ષ મશીન નો’તાં જન્મ્યાં ત્યારે અમદાવાદના ભદ્ર વિસ્તારમાં ફૂરપાથે બેસેલા ટાઇપીસ્ટો આગળ ભાઈબાપા કરીને એકેક નકલ ટાઈપ કરાવું ને પછી ઈ જ ફૂરપાથે ટાઈપિસ્ટ સામે અધૂકડા બેસીને એમાં ભૂલો ગોતીને એને બતાવું એટલે ઈ પાછું નવેસરથી ટાઈપ કરે. ટાઇપીસ્ટો હારે આ લમણાજીક જ મારા માટે માથાનો દુઃખાવો હતો તો દોઢસોબસો કાગળોની અજણ્યા શે’રમા ગેઝેટેડ ઓફિસરને ગોતી એનાં સહીસિક્કા હારે ખરી નકલો કઢાવી ઈ કેટલું અઘરું હશે ઈ વિચારી શકો છ.

હું આવા ગેઝેટેડ ઓફિસરોને ગોતવા સારુ ભિખારી જેમ જુદુજુદી કચેરીઓમાં દસેક દી’ રખડ્યો પણ મારા કાઠિયાવાડી કણને પરખીને પટ્ટાવાળાઓ મને કચેરીને બાયણેથી જ હડધૂત કરી દેતા. આ કપરા દિવસોમાં એક વાર લાંબે મોઢે હું પાલડી બસસ્ટેંડે બપોરે બારેક વાગે ભુખેપેટે બસની રાહમાં ઉભોતો યાં મારી નજર સામે ઉભેલ એક મિનિસ્કર્ટમાં સજ્જ યુવાન છોકરી ઉપર પડી. ત્યારે મને મારવાડના રણમાં મીઠા પાણીનો વીરડો ભાળ્યાનો ભાષ થ્યો એટલે હું ઈ છોકરી સામે મરક્યો ને ઈ મારી સામે. મેં ખાંડી હિંમત ભેગી કરીને ઈ છોકરીને કીધું, આ બસ તો આવતી નથી એટલે હું બ્ર્હક્ષત્રિય સોસાયટીમાં રીક્ષામાં જાઉં છ.” ઈ છોકરીએ કીધું, મારે પણ ત્યાં જ જવું છ.” મેં રીક્ષા બાંધી ને અમે બેય અગલબગલ માય બેઠાં. જાતાંજાતાં એનું નામ લીના હતું ઈ મેં જાણ્યું ને પછી મેં મારી ખરી નકલો કઢાવાની તકલીફની વાત કરી. એને કીધું, બ્રહ્મક્ષત્રિય સોસાયટી પાસે જ પ્રભુદાસ ઠક્કર કોલેજ નવી ખુલી છ. ત્યાં પટ્ટાવાળાને સોદોઢસો ખવરાવસો તો એ જ ગેઝેટેડ ઓફિસર બનીને ખરી નકલો કરી દેસે” ને ઈ ખાયકીથી થ્યું પણ ખરું. ટુંકમાં, મેં રિક્ષાના જે પૈસાનું રોકાણ ઈ “હસી વો ફસી”માં કર્યુંતું ઈ મને આજે પણ સર્વોત્તમ લાગે છ કારણ નકર મારું યુ.એસ. આવવાનું ભૂત હજીયે માથે હોત ને હું ગલીએગલીએ ગેઝેટેડ ઓફિસરને મારી જૈફ વયે ગોતતો હોત.

ઉપરના બધા જ કાગળોની ખરી નકલો અને મૂળ કાગળો નટુભાઈને મેં આપ્યા એટલે એને યુ.એસ.ની દસ યુનિવર્સિટીમાં મને દાખલ કરવા અરજીઓ તૈયાર કરી. પછી હું જાડાં, વજનદાર પરબીડિયાંઓ લઈને ભદ્રની પોસ્ટઑફિસમાં ગ્યો ને થોકડો ટીકીટો ચોટાડીને એને યુ.એસ. રવાના કર્યા. પણ મિત્રો, ત્યારે મને હરામ એકેય યુનિવર્સિટીનું નામ કે એનું ગામ બોલતાં આવડતુંતું ને ઈ ગામોના “ઝીપકોડ’ તો મારા માટે અંકગણિતના દાખલાની રકમ જ હતા કારણ કે ત્યારે અમારા કાઠિયાવાડમાં તો સિરનામું એટલે દા.ત.; ભગાબાપા, લંગડા ભાભાને અડીને, બજરંગગલીના નાકે, કણબી વાડ, મુ. સમઢીયાળા, તા. મેંદરડા, જી. જૂનાગઢ એમ લખાતું. એમાં ન હોઈ કોઈ રકમ કે એપાર્ટમેન્ટ નંબરનો આંકડો.

હવે આમ જોવો તો ઘણા લોકો તો અગાઉ કીધેલ જફાઓથી કંટાળીને કહી દે, “ભાંડમાં ગ્યું યુ.એસ. મારે નથી જાવું” પણ મારે ખભે તો ઈ યુ.એસ. આવવાનું ભૂત બેઠ્ઠુંતું ને મને ઈ દી’આખો ડફણાં મારતુંતું એટલે મેં એક આગળની કાર્યવાહીના ભાગે પાસપોર્ટની અરજીનું કામ ઉપાડ્યું. તો સાહેબ, ઈ દસકાઓમાં અમદાવાદમાં પાસપોર્ટ કઢાવો ઈ ઈડરીયો ગઢ જીતવાથી અઘરું હતું કારણ કે ઈ મારા ભાવિ સસરાના હાથમાં હતો ને એને જ મને સૌથી વધુ લબડાવ્યોતો; દા.ત., જ્યારેજ્યારે હું એની કચેરીમાં એને મળવા ગ્યો ત્યારે એના પટ્ટાવાળાના બે જ જવાબ, સાહેબ અત્યારે કામમાં છે” કે “સાહેબ બપોરનાં ચા-નાસ્તો કરે છ.” મારાં કમનસીબે મને મોડી ખબર પડી કે મારા ઈ વખતે “ભાવિ સસરા”ના ને અમારા પરિવાર વચ્ચે ત્યારે ૯૦થી પણ વધુ વરસોનો સબંધ હતો ને મારા મામાના ઈ અંગત મિત્ર પણ હતા. પછી તો મારા મામાની ભલામણથી એને પાસપોર્ટની અરજી મને એને ઘેર બોલાવીને મંજુર કરી ને હું પાસપોર્ટ ભેગો થ્યો. સાત વરસ પછી ઈ જ મામાની મદદથી મારા ઈ એક વખતના “ભાવિ સસરા” ૧૯૭૭માં વ્યવહારે સસરા થ્યા.

બીજીકોર અમદાવાદમાં જ રિઝર્વબેંકમાં ડોલર્સ મેળવવાની અરજીનું કામ ચાલુ કર્યું. ઈ પ્રમાણમાં ઓછું અઘરું હતું પણ જેટલી વખત બેંકમાં ગ્યો ત્યારે યાં કામ કરતા મદ્રાસી જણો જે અંગ્રેજી બોલતા ઈ મને “કાયમ ચૂરણ”નો ફાકડો લાગતો, મારા ટાંટીયા ઢીલા થઇ જાતા ને બેંકેથી બારા નીકળી મારે “જાહેર શૌચાલય” ગોતવાં પડતાં કારણ હું અંગ્રેજી બોલવે કે ઈ દક્ષિણભારતનું પો’ળા મોઢે બોલાયેલ અંગ્રેજી સમજવે પાવરધો નો’તો. ચારપાંચ ધક્કે મારી અરજી બેંકે મંજુર કરી ને કીધું કે વધુમાંવધુ હું મારી એક વરસની ફી અને ખાવારે’વાના ખરચના અને ઉપરાંત ખીસ્સાખર્ચીના આઠ ડોલર્સ જેટલા રૂપિયા ડૉલર્સમાં ફેરવી સકું. હું હરામ આ રૂપિયાને ડૉલર્સમાં વટાવાનું ગણિત સમજ્યો હોઉં તો પણ “આઘેઆઘે ગોરખ જાગે” ને સમયે હું ઈ શીખી જઈશ એમ આશાનો અંચળો મેં ઓઢી લીધો.

હવે ઈ ચારેક મહિનાની અમદાવાદની ગરમીમાં અમે અનેક રસ્તે પગ રગડ્યા, ઘણાને મળ્યા, કેટલાય બે પૈસાનાં બોર ન ખાઈ સકે એવાને મસ્કા માર્યા, પછવાડે ચાટ્યા; કેટલાયનાં અપમાનો હસ્તે મોઢે સહન કર્યાં, કામ પતાવા એકાદબે વાર પૈસા વેર્યા, કેટલાંય જાહેર શૌચાલયો વાપર્યાં અને અનેક દિવસ બપોરનું ભોજન ખાવા ઘેર ન જઈ સક્યા એટલે બે હાથનો ખોબો કરીને પરબેથી પાણી પીધું કારણ અમારાં ખીસાં ખમતીધર નો’તાં કે બા’ર ખાઈ સકીયેં. પણ આ બધી દોડધામમાં મધ ઓગષ્ટે “ગૂડવિન્ડ”વાળા નટુભાઈએ મધીયા સમાચાર આપ્યા કે મને યુ.એસ.ની દસેય યુનિવર્સીટીમાં એડમિશન મળી ગ્યુંતું ને બધી જગ્યાએથી ફોર્મ આઈ-૨૦ આવી ગ્યાતાં કે જે યુ.એસ.નો વિઝા મેળવવા માટે આવશ્યક હતું.

એડમિશનના સમાચાર આવ્યા એટલે એમ.મનસુખરામમાંથી ટાઈ અને પીટર ડિસોઝા આગળ શૂટ સીવડાવાનું નવું કામ તત્કાલ હાથમાં લીધું. ત્યારે આ બેય દુકાનો અમદાવાદમાં રીલીફરોડે એટલે મારો પિત્રાઈ ને હું બપોરના તાતડીયા તડકે હાલતા ઇ રોડે પુગ્યા. અમે યાં હાલતાતા એવામાં મારા પિત્રાઈએ કીધું, હાલો હેવમોરમાં કોફી પીયેં.” એટલે મેં એને સહજ કીધું, “કેમ તબિયત ઠીક નથી? હાલો છાંયડે કોક દુકાનના છજ્જે બે ઘડી ઉભીયેં, થોડીકવારમાં સારું લાગશે.” હવે ત્યારે મારા મગજમાં એમ જ કે પીળા ડબલામાં ગાંઠો થઇ ગે’લ, છરીએ ખોતરેલ “પોલસન” કોફી તો ઘરના રસોડે જ બને ને માંદા પડ઼ીયેં ત્યારે જ શરીરમાં કાંટો લિયાવા પીવાય. જે મારી ઉમ્મરના હશે એને આ કોફીનું નામ, એના એકવાર વાપરીને બાજેલ ગાંઠા, એનો પીળો ડબ્બો ને ઈ સુ કામ પીવાય ઈ યાદ જ હશે. ખેર, અમે ઈ “હેવમોર”ની દુકાનમાં દાખલ થાવા ગ્યા યાં કાચનાં બે બાયણા જોઈને હું તો અભો જ થઇ ગ્યો કારણ મેં મારી જિંદગીમા બે કડાં ને એક ભોગળવાળાં લાકડાના કમાડ જ જોયેલ. વળી ઈ કાચના બાયણાં પણ બગલાની પાંખ જેવા ધોળા સૂટમાં ઉભેલ કોયલાથીયે કાળા માણસે ઊઘડ્યાં એટલે અમે અંદર ગ્યા. અંદર જાતાંજાતાં મારા પિત્રાઇએ એને “થેન્ક યુ” કીધું પણ હરામ હું ઈ શબદ સમજ્યો હોઉં તો. પછી અમે ધોળા ટેબલક્લૉથે સજાવેલ ખાલી ટેબલખુરસીએ બેઠા કે જ્યાં ટેબલ ઉપર મરીમીઠાની બે સીસી, કેચપની બાટલી, કાગળના નેપકીન, વ. ગોઠવેલ. હું ત્યારે ટેબલક્લૉથને “ટેબલ ઘાઘરો” કે’તો. કેચપ તો મેં જોયેલ જ નહીં ને મને ઈ કોક જાડા પ્રાણીના જાડા રગડા લોહી જેવો લાગ્યો એટલે હું મુંગો મર્યો કારણ કે વળી મારો પિત્રાઈ ક્યાંક અંગ્રેજીમાં બોલે ને હું ગોટે ચડું. પછી એનાથી રે’વાણું નહીં એટલે મને કીધું, દિનેશ આ એ.સી. હોટેલ છે.” હકીકતમાં હું મેટ્રિકમાં “એ.સી. ડી.સી. કરંટ” શીખેલ એટલે તરત જ લાકડું જાલી, સંકોચાયને હું બેઠો કે વળી ક્યાંક મને કરંટ લાગશે તો હું યુ.એસ. નહીં જઈ સકું ને આટઆટલા બાપના પૈસા વાપર્યા છ ઈ બગડશે.

થોડીક વાર અમે બેઠાતા યાં ચંદ્રગુપ્તના દૂત જેવો ધોળા પાટલૂન ને માથે બંધ ગળાના કોટમાં એક મૂછાળો જણ આવ્યો ને એને ઈ હોટેલમાં ખાવાપીવાનું સુંસું મળે ઈ ચોપડી મૂકી. મારો પિત્રાઈએ કીધું, દિનેશ, મેન્યુ જોવો ને નક્કી કરો ઓર્ડર.” હવે હું મેંદરડામાં છગન કંદોઈ કે ચોરવાડમાં રીછીયાની દુકાને પવાલું ગાંઠિયા ને ચાર જલેબીનો દુકાનના થડા નીચેથી ઓર્ડર દેનારાને આ મેન્યુ સું ને નક્કી સું કરવાનું એટલે મેં એને કીધું, તમે જ ઓર્ડર કરો.” એટલે એને ઈ દૂતને કીધું, ટૂ નેસ પ્લીઝ.” હું ઈ “નેસ”ને નેસ્ટ સમજ્યો એટલે મને એમ કે બે ચકલાના માળા જેવું ક્યાંક આવશે. પછી ક્યાંય લગી હું તો નેજવું માંડીને ચકળવકળ હોટેલમાં જોતોતો એવામાં ઈ દૂત બે કોફીના નાકાવાળા પ્યાલા, એમાં ફળફળતું દૂધ ને એની માથે લાકડાના વેર જેવાં કોફીના પુંખડાં, ચમચી, ખાંડની કટોરી એમ મૂકી ગ્યો. મેં તો નાકાવાળા પ્યાલા જ ત્યારે જોયા એવામાં મારા પિત્રાઈને પ્યાલામાં ચમચીએથી કોફી હલાવતા, ખાંડ નાખતા, વ. જોયો એટલે મેં પણ એની નકલ કરી. કોફીની ચુસ્કી લેતાં એને કીધું, દિનેશ, આ “નેસ કોફી છે.” મેં એને કીધું, પણ ભાઈ હું તો પીળા ડબ્બામાં ભેજની ચોટી ગેલ ને છરીથી ખોતરીને કાઢેલ તાવ આવ્યે “પોલસન” કોફી પીનારો આદમી આ સુ પીવું છ? આ છે તો શાકાહારી ને જ”? ઈ કયડું હસ્યો ને મશ્કરીમાં કીધું, ના આ બ્રાન્ડી છે.” એટલે મેં મનોમન કીધું ,”વાંધો નહીં. યુ.એસ.માં કદાચ પીવાનું પાણી ન મળતું હોય તો મારે આ બ્રાન્ડી જ પીવી પડશેને એટલે ટેવ અત્યારથી જ પાડી દઉં.” આ બ્રાન્ડી પીને અમે એમ.મનસુખરામમાંથી ઝોડીયેકની કાળી ટાઈ લીયાવયા કે જે મને આજ દી’ લગી સીંગલ નોડમાં જ બાંધતા આવડે છ ને નિવૃત્તિ પછી હવે કોક પયણે ત્યારે પણ જવલ્લે જ પે’રૂ છ. ઈ જ રીતે પીટર ડિસોઝા આગળ કાળો સૂટ ને ધોળું “સી થ્રુ” નાયલોનનું ખમીસ પણ શિવડાવ્યાં કે જે મેં મારી યુ.એસ.ની મુસાફરીમાં એક જ વાર પેર્યાં. પછી યુ.એસ.માં એને ઉનાપાણીમાં વોશરમાં ધોયાં તે પાટલૂનની ચડ્ડી, કોટની કોટી ને ખમીસના લિરા થઇ ગ્યાં.

અમદાવાદમાં ઉપરોક્ત મુશ્કેલીઓ વેઠી યુ.એસ.ની તૈયારી કરીને પરિવાર હારે પ્લેનમાં પે’લી વાર બેસીને હુ મુંબઈ આવ્યો ને બીજા દી’એ નટુભાઈના મુંબઈસ્થિત ભાઈ રમેશને વિઝા માટે મળ્યો. અલબત્ત, ત્યારે વિઝા શું છે, શુ કામ જોયેં, કેમ અને ક્યાં મળે ઈ મને કે મારા જેવા મોટા ભાગનાને ખબર નો’તી પણ ઈ “મોસાળે માં પરીસે” એમ સહેલાઈથી મળી જાતો. હકીકતમાં મારો વિઝા પણ રમેશ જ લિયવ્યોતો. હું તો ખાલી એના ભેગો કોન્સ્યુલેટમાં ગ્યોતો. આ વિઝા માટે પણ મને મારા પિત્રાઇએ એક સવાલનો જવાબ – કે જે માત્ર ઈ વખતે એને જ આવડતોતો – શિખવ્યોતો, “અમેરિકાના પ્રમુખ નિક્સન છે.” જો કે ન તો આ સવાલ મને કોઈએ પૂછ્યો કે ન તો મેં ઈ ગોખેલો જવાબ દીધો. વિઝા પંદરેક મિનિટમાં મેળવીને મુંબઈના ફોર્ટ વિસ્તારમાં મુંબઈ રે’તા મારા કાકાના દીકરા હારે “થોમસકૂક”માંથી રૂ. ૪.૫૦ના ભાવે ડોલર્સના ટ્રાવેલર્સ ચેક લીધા, ખીસ્સાખર્ચીના આઠ ડોલર્સ રોકડ લીધા ને “સ્વિસએર”ની કચેરીમાં જઈને મુંબઈથી મારે મિસિસિપી રાજ્યના જે ગામમાં ભણવા આવવાનું હતું ઈ જાવઆવવાની ટિકિટ રૂ. ૪૨૦૦માં લીધી. આ બેવડી ટિકિટ ત્યારે એક ટ્રીપ કરતાં સસ્તી હતી. છેલ્લે હું સપ્ટેમ્બર ૧૧, ૧૯૭૦ના ઉપડી, રસ્તામાં ચાર જગ્યાએ રોકાઈ ને સપ્ટેમ્બર ૧૧ના ન્યુયોર્કના જે.એફ.કે. એરપોર્ટ ઉતર્યો ને યાંથી મારે જે ગામ ભણવા જાવાનું હતું યાં નાનીમોટી તકલીફે પોંચ્યો.

મિત્રો, આજકાલ કરતાં મને યુ.એસ.માં ૫૩ વરસ થઇ ગ્યાં. ઈ ગાળામાં હું ભણ્યો, પય્ણ્યો, નોકરી કરી નિવૃત થ્યો, અમારાં બે છોકરાંઓ આંઈ જન્મ્યાં, ઈ સારું ભણ્યાં ને હવે એનાં છોકરાંઓ ભણે છ. મને મારાં બાળપણના ગામડાંઓ, ઈ સંસ્કૃતિ અને અનુભવો પ્રસંગેપ્રસંગે ને આપ્તજનો ક્ષણેક્ષણે યાદ આવે છ એટલે તક મળે હું દેશ આવું છું છત્તાં ઉંમર વધતાં ઈ પણ હવે અઘરું થાતું જાય છ. આમ જોવું તો ઈશ્વરકૃપાથી હું યુ.એસ.માં સામાન્યતઃ સુખી છું પણ ચારેક દાયકા પે’લાં જયારે મારો ભારતિય પાસપોર્ટ રદ્દ કરીને મેં યુ.એસ. સિટિઝનશીપ સ્વીકારી ત્યારે મને આંઈ વસવાટનું એટ્લાન્ટિકથી ઉંડુ દુઃખ થ્યુંતું. હવે મારી કર્મભૂમિમાંથી જન્મભૂમિમાં પગ મુકવા દર દસ વરસે વિઝા રૂપે ભારત  સરકારની જે રજા લેવી પડે છ ઈ કેરકાંટો તો મારે આજીવન જેલવો જ પડશે.

છત્તાં જો હું મારા પુખ્તવયના જીવનનના નફાતોટાનું નામું લખું તો મને ડાબીકોર સરેરાસ મોટી લાગે છ ને એટલે જ “ઓલ વેલ ધેટ એન્ડ્સ વેલ.” હવે માત્ર મારા સંતોષ રૂપે મારા વતનના ભવ્ય ભૂતકાળનો દી”ના મધ્યાન પછીનો પાછળ મેં જે પડછાયો કર્યો છ એને શબ્દે બેઠો કરવા પ્રયત્નો કરું છ પણ એને ન્યાય આપું છ કે નહીં ઈ તો આપ વાંચકો અને ભવિષ્ય જ કે’સે.


ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.