અમૃતાનુભવની ઉજાણી

પુસ્તકોની યાત્રા ડૉ. દર્શનાબેન ધોળકિયા માટે ‘અમૃતાનુભવની ઉજાણી’ની અનુભૂતિ રહી છે.
તેમનું સંન્નિષ્ઠપણે માનવું રહ્યું છે કે પુસ્તકોનો પારસ સ્પર્શ મનુષ્યમાં રહેલી નકારાત્મક વૃતિઓને હકારાત્મ્ક વિચારસરણી તરફ જતી શુદ્ધતા બક્ષે છે. દેવી સરસ્વતીની પાર્થનામાં પણ આપણામાંના જાડ્ય – મનમાં પડી રહેલી નિષ્ક્રિય ઉર્જાને કારણે પેદા થતી, અનુમાન ન કરી શકાય એવી, યાર્દચ્છિક મનોદશા-ને નિર્મૂળ કરવાની ભાવના જ રહેલી છે.
હવેથી દર મહિનાના બીજા બુધવારે પ્રકાશિત થનારી આ લેખમાળામાં દેશવિદેશની પ્રશિષ્ટ સાહિત્ય કૃતિઓનો અસ્વાદ કરાવવાનો ઉપ્રકમ પ્રયોજેલ છે. કેવા કેવા સર્જકોએ જીવનને કેવા કેવા આયામોથી નીરીક્ષ્યું છે, એ નીરીક્ષણોમાંથી જીવતરને અજવાળતાં કેવાં કેવાં જીવન દર્શન પ્રગટતાં રહ્યાં છે, તે અંગે લેખિકાને એ કૃતિઓ વાંચતાં થયેલું વિસ્મય અને કૃતજ્ઞતા વહેંચવાનો આ પ્રયાસ છે.
‘ક્ચ્છમિત્ર’માં છેલ્લાં એક વર્ષથી ‘વાચનથાળ’ શીર્ષક હેઠળ પ્રકાશિત થઈ રહેલ આ લેખમાળા વેબ ગુર્જરી સાથે વહેંચવાનું પ્રસ્તુત આયોજન શક્ય બનાવવા માટે ડો. દર્શનાબેન ધોળકિયાનાં આપણે આભારી છીએ
.

સંપાદક મંડળ, વેબ ગુર્જરી


‘બારીબહાર’ – પ્રહલાદ પારેખની વિરલ કાવ્યયાત્રા

દર્શના ધોળકિયા

‘બારીબહાર’ની પ્રસ્તાવનાના આરંભે ઉમાશંકરે નોંધ્યું તેમ, ‘૩૧’ થી ૪૦ના દશકાને કવિતાને માટે સર તો કરી લીધો મનસુખલાલ, ઈન્દુલાલ, સુંદરજી બેટાઈ, શ્રીધરાણી, સુન્દરમ્ (ઉમાશંકર પોતેય ખરા જ)… વગેરેએ… પણ એ સમયમાં નવકવિઓએ ડહોળી નાખેલા વાતાવરણમાં આવવાનું સદભાગ્ય કહો કે દુર્ભાગ્ય, કવિઓના બીજા એક નવતર સમુદાયને મળ્યું, જેમાં હરિશ્ચંદ્ર, પ્રબોધ, પારાશર્ય વગેરેની… લગોલગ રહ્યા પ્રહલાદ.

માનવહૃદયની ગૂઢ ઉત્સુકતા, તીવ્ર વેદના, નિસ્તલ નિરાશા અને અમોઘ મુદિતા કવિ સહેજમાં શબ્દસ્થ કરી શકે છે. તેમની કવિતામાં ‘નીતરાં પાણી’’નો ગુણ છે, અને તે પોતે ડહોળાણના વાતાવરણમાં ઉછર્યા હોવા છતાં.”

પ્રહલાદની કવિતા મુખ્યતઃ પ્રકૃતિ, પ્રણય, માનવજીવન ને આ સઘળામાં જ વ્યાપ્ત એવા સૂક્ષ્મ ને વિરાટ વિભુને કેન્દ્રમાં રાખીને રચાઈ છે. વિશ્વમાં આસપાસ ને ચોપાસમાં વરતાતી અસંબધ્ધતાને પૂરેપૂરી પ્રમાણવા છતાં આ સઘળાને અતિક્રમીને પ્રહલાદ પ્રસન્નતાના ઉપાસક, ચાહક કવિ રહ્યા છે ને એ અર્થમાં તેમની કવિતા આસ્તિકતાનું અનાયાસ સ્થાપન કરે છે. પ્રેમ, પ્રકૃતિ, જીવનપ્રીતિ, ને આ સઘળામાંથી નીપજી આવતી કવિની આંતરશ્રી કવિનાં લગભગ એકેએક કાવ્યમાં એવી રીતે ભળી-ઓગળી જાય છે કે તેમની કોઈ પણ કૃતિને કોઈ ચોક્કસ ભાવ-ખંડમાં જોવી મુશ્કેલ બને છે.

પ્રહલાદ મૂળે સૌંદર્યલુબ્ધ કવિ છે. આ સૌંદર્યને એમણે માત્ર બાહ્ય જગતમાં જ સાકાર કર્યું નથી, તેમના આંતરજગતમાં વહેતાં સૌંદર્યોનાં ઝરણાંએ સહજ ઢંગથી બાહ્ય સૌંદર્ય પ્રતિ તેમને પર્યુત્સુક બલકે તેના ઉપાસક બનાવ્યા જણાય છે. આરંભે જ તેમણે વર્ષોની બંધ બારીને ઉઘાડી છે કોઈ અદીઠ આંતપ્રેરણાથી, અંદરના કોઈ ધક્કાથી ને એ ક્ષણથી જ બહારનું જગત તેમના અંદરના જગતને આલિંગી બેઠું છે :

‘વર્ષોની બંધ બારીને આજે જ્યારે ઉઘાડતો,
‘આવ‘, આવ’, દિશાઓથી સૂર એ કર્ણ આવતો.

(‘બારી બહાર’)

ને ઉઘડેલી બારીમાંથી કેટકેટલું કવિની ભીતર ધસી આવ્યું ! સિંધુનાં મોજાં ચૂમીને આવતો વાયુ, સૂર્યનાં કિરણ, પક્ષીઓનાં ગીતો, અરે, પથ પરની ધૂળ, ખેતરે ઊભેલાં ડૂંડાં, વાટે જતું બાળક, લજ્જાશીલ યુવતી, સંન્યાસી, અમૃતમય તારકપ્યાલીઓને લઈને આવેલી રાત્રિ – ને આ સઘળાંને આંખમાં ભરીને, તૃપ્ત થતાં, કવિ તૃપ્તિથી મીચેલાં નયને અંદર પણ આ સૌનો સાદ સાંભળીને ‘ના બારી, ના ઘર મહી રહું જાઉં એ સર્વ સાથ’ એવો નિર્ણય કરીને જીવતરનું અખંડ દર્શન કરવા નીકળી પડે છે.

બારી ને ઘરની બહાર નીકળી પડેલા કવિને વિરાટ વિભુના રૂપ સરખું પથરાયેલું સૌંદર્ય ક્યાં ક્યાં, કેવી કેવી જગાએ સાંપડતું રહ્યું છે તેનાં અનેક ચિત્રો આપણને મળે છે. પ્રહલાદે પ્રકૃતિમાંય રાત, તારા ને અંધારાંને સૌથી વિશેષ ચાહ્યાં છે. અંધારાને કવિ માત્ર દર્શનેન્દ્રિયથી જ નહીં, ઘ્રાણેન્દ્રિયથીય આરાધે છે :

‘આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો,
આજ સૌરભભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી.

(‘આજ’)

કવિએ બહારના અંધકારને બંધ આંખમાં આવકારીને કોઈ અદીઠ, અનામનું અહીં આહ્વાન કર્યું છે. ને એ અનામ તત્ત્વની કંઈક ઝાંખી પામ્યાનો અણસાર પણ કવિની પ્રસન્નતામાં ભાળી શકાય છે :

ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું તે થઈ આવિયો સૂભિ પૂર ?’

ગાંધીયુગમાં વસતા શ્વસતા રહીને પણ કવિએ સીધી રીતે ગાંધીમૂલ્યો ઝીલ્યાં નથી એ ખરું પણ એમની કવિ તરીકેની ચેતના ને સંવેદનાએ કરીને એમણે કેટલાક નગણ્ય, અસ્પૃશ્ય, સામાન્ય રીતે પસંદ ન પડે તેવા વિષયોને બાથમાં લીધા છે બારી બહાર’ માં આવાં દૃષ્ટાંતો ઠેર ઠેર મળે છે.

આજ અમે અંધારું શણગાર્યું,
હે જી અમે શ્યામલને સોહાવ્યું.
થાયે છે રોજ રોજ પૂજા સૂરજની ને ચાંદાય વ્રત થાતાં:
આનંદઘેલાં હૈયે અમારાં આજ અંધારાને ય અપનાવ્યું !

(અમે અંધારું શણગાર્યું)

જોવાનું એ છે કે નકારાત્મક સંદર્ભ ધરાવતા તત્ત્વને આશ્લેષમાં લેતા કવિની મદદે પ્રકૃતિ પણ દોડી આવી છેઃ

‘ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને, ધરતીએ મેલીને દીવા;

આ સૌ સાથે મળીને અંધારાને શણગારે છે તેથી ‘અમે’ સર્વનામ કેવું તો સાર્થક ઠરે છે !

તો ઘાસને તો કવિએ પોતે ઘાસ થઈને આરાધ્યું છે : પ્રકૃતિના આ લઘુતમ રૂપની વિરાટતા પ્રહલાદની આંખે ભક્તની આરત ને ભક્તિથી ઝીલી છે

જ્યાં સુધી પહોંચે નજર,
ત્યાં સુધી બસ, ઘાસનો વિસ્તાર છે;
ને પછી આકાશ કેરી
નીલરંગી ક્ષિતિજ કેરી ધાર છે.

(ઘાસ અને હું’)

ઘાસ સાથે કવિનો આદિમ નાતો છે. દિવસના દરેક પ્રહરમાં કવિ ઘાસનાં દર્શન કરે છે.

જોઉં છું વહેલી સવારે એમને,
ને ખુશીથી મહેક મહેકે છે મને.
ને બપોરે હેમ શા તડકા તણું
 ને હરિત એવા ઘાસનું થાયે મિલનઃ
સાંજ વેળા તેજ, છાયા, ઘાસ સૌ
સાથે મળીને ખેલતાં :

આ સઘળું જોઈને રોમાંચિત થતા થતાં, છેવટે કવિ પોતાનું ઘાસમાં રૂપાંતરણ અનુભવે છે :

પુલકને એ જોઈને લાગે મને
કે ઘાસ જુદે રંગ, મારે અંગ
નાનું રૂપ લઈ વ્યાપી રહ્યું !

(‘ઘાસ અને હું”)

સુરેશ જોષી આ ક્ષણે કવિની તદરૂપતાથી રસાઈને એ પુલકિતતાનો ચેપ અનુભવતાં નોંધે છે : ‘અહીં આ તકૂપતાની તૃપ્તિના થેઇથેઇકારની થાપ બીજી પંક્તિમાંના ‘રંગ’ અને ‘અંગ’ના મૃદંગઘોષમાં સંભાળશે.’

એક બાજુ પ્રકૃતિનાં આવાં ભાગ્યે જ નજરમાં વસે તેવાં તત્ત્વો તો બીજી બાજુ ઠેર ઠેર વેરાયેલું પ્રકૃતિનું ભરપૂર સૌંદર્ય ખોબે ખોબા ભરીને પ્રહ્લાદે લૂંટ્યું-લૂંટાવ્યું છે. ક્યાંક એનું ભવ્ય રૂપ વિસ્મિત થઈને કવિ નિહાળે છે :

અસીમ અવકાશ માંહી નીરખું મહાકાળને,
વિરાટ અવધૂતને, પરમ એ અનાસકતને;
અનંત મહીં ઊડતો ઉપરણો રહે વાયુનો,
અને કદીક મેઘ-શંખ ધરી હાથ એ ફૂંકતો.

(‘અવધૂત’)

‘અવધૂત’ કાવ્યનો પૃથ્વી છંદ મહાકાળના ભવ્ય-રુદ્ર રૂપને લયઘોષની મદદથી કેવું તો સાક્ષાત્ કરે છે ! તો વર્ષાનું થનગનતું ચિત્ર લાસ્યને પ્રગટાવે છે :

વર્ષાની ધારના કોણે આકાશથી

અવિનને ઉર આ તાર સાંધિયા ?
અંગુલી વીજની કોણે આ ફેરવી
શુષ્કતા વિદારતાં ગીત છેડિયાં ?

(‘વર્ષા’)

તો પ્રકૃતિનાં રમ્ય રૂપમાં પ્રહલાદની કોમળ પદાવલી ભળતાં સહદય પણ કવિની અનુભૂતિમાં રસાય છે. પ્રકૃતિનાં નાજુક તત્ત્વોને ભારે લાઘવ ને માર્દવથી કવિ લાડ લડાવે છે :

‘અહીં પડેલાં મુજ ઓશરીમાં,
નિહાળતો ચાંદરણાં રહું હું’..

કેવાં છે આ ચાંદરણાં ?

પ્રકાશનાં પુષ્પ ભરી લઈને
છાબે, હશે કોઈ ગઈ અહીંથી
પડી ગયાં એ મહીંથી હશે આ
સહુ તેજપુષ્પો ?”

(‘ચાંદરણાં’)

ચાંદરણાને પકડતી કવિની દર્શનેન્દ્રિયની ચપળતામાં તો જૂઈ પણ ઝિલાઈ ગઈ છે :

‘સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય,
ભટૂરિયાં શા તારલિયા લઇ ચંદા આભે રમવા જાય,
ખીલે છે જૂઈ ત્યારે :
તેને ગમતું અંધારે.

(‘જૂઈ’)

ચિત્રો રમતાં મૂકવા એ પ્રહ્લાદની કવિતાનું પ્રધાન લક્ષણ છે. કેવાં કેવાં ચિત્રો અહીં રમતાં મૂકાયું છે !

‘સૂતેલ ટૂંટિયું વળી, ક્ષિતિજ ઉપરે વાદળાં” (‘સૂર્યોદય’)
સમીર કેરી લ્હેરે જ્યારે ફૂલો ધીમાં ઝોલાં ખાય’, (‘જુઈ‘)
સુધા ભરી તારક પ્યાલીઓને
આકાશથાળે લઈ રાત આવે;

(‘બારી બહાર’)

ચિત્રોને ઝડપવા પ્રહ્લાદે અહીં આંખની મદદ લીધી છે ને ક્યાંક આંખ મદદરૂપ ન બને ત્યારે કાનને કામમાં લઈ લીધા છે:

‘નૈન તણાં મુજ તેજ બુઝાણાં, જોઉં ના તારી કાય;
ધીમા ધીમા સૂર થતા જે પડતાં તારા પાય,
સુણીને સૂર એ તારા,
માંડું છું પાય હું મારા‘ (અંધ‘)
‘વસ્ત્ર તણો ફફડાટ સુછું હું એટલો રેજે પાસ‘ (‘અંધ‘)
‘એક લંગોટી એક ભંભોટી, હાથમાં છે એકતારો’

(‘અવધૂતનું ગાન’)

પ્રણયની સરળતાથી તેની ગહનતમ અનુભૂતિની પ્રાપ્તિ પ્રહ્લાદનાં પ્રણયકાવ્યોમાં રીતસરની એક વિકાસયાત્રા તરીકે આલેખાય છે.

અનુભૂતિની સૂક્ષ્મતાને કવિ ઉત્તરોત્તર સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમરૂપે ચેતનામાં ઉતારવામાં સફળ રહ્યા છે.

‘શબ્દની હોડલી કોઈ જ્યારે નથી
લઈ જવા ભાવનો ભારો મારો

(‘વાંછા’)

એવું અનુભવ્યા પછી હૃદયને અશ્રુ વડે નીતારવામાં જ કવિ કૃતાર્થ થાય છે. મનમાં રહેલું એવું કેટલુંય છે જેની અભિવ્યક્તિ અશક્ય છેઃ
આવે ત્યારે દઈ નવ શકું અંતરે જે ભર્યું તે
જાયે ત્યારે સહી નવ શકું અંતરે જે રહ્યું તે.

(‘માગણી’)

જીવનની કોઈ પણ ધન્ય પળે પ્રિય પાત્રની ઉપસ્થિતિ હોવાને કવિ સદ્ભાગ્ય ગણે છે. જો એવું બની શકે તો ! મનના આવા આછા ભાવોની લકીર કેવી અદબથી કંડારાઈ છે !

કદી સંધ્યા ટાણે,
કદી વા કો વા’ણે
થતું હૈયે એવું, નીરખી નભશોભા પ્રસરતી;
હતે તું સંગાથે !

(‘હતે તું સંગાથે’)

ને એ સંગાથ મળ્યો ત્યારેય ક્યાં કશું વ્યક્ત થઈ શક્યું ?

ઉરે હતી વાત હજાર કેવા,
કિન્તુ નહીં ઓષ્ઠ જરીય ઊઘડ્યા;

(‘અબોલડા’)

આ મૌનમાં જ પ્રેમની સચ્ચાઈ પ્રતિબિંબિત થઈને ઝળહળી ઉઠે છે. પ્રહલાદ આ પ્રણયકાવ્યનો જાદુ તો જુઓ ! કાવ્યનું શીર્ષક વાતો’ ને મહિમા મૌનનો! પ્રિયા ને પ્રિયતમની ગુજગોષ્ઠિ ચાલી રહી છે એ ક્ષણોની અધવચ્ચે પ્રિયતમ પ્રિયાને રોકતાં (ને ટોકતાં પણ) કહે છે :

‘હજુ ધીમે ધીમે, પ્રિય સખી ! તહીં ઝાડ ઉપરે
સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે

(‘વાતો’)

બસ, તો થઈ રહ્યું ! પક્ષી પોતાનાં ગીત દ્વારા વાત વહેતી કરી દેશે. વાત અહીં પૂરી થતી નથી. સૉનેટનું બીજું ચરણ ‘હજુ ધીમે’થી આરંભાય છે. ફૂલની કળી પાંદડા પાછળ છુપાઈને બેઠી છે, એ કહેશે વાયુને, ને વાયુ તો ચારે બાજુ લાવી દેશે આપણી પ્રણયકથાને ! તારા, ઝાકળ, અરે જગત આખું તારા શબ્દોમાંથી ઝરતા પ્રણયરસને ઝીલવા આતુર બેઠું છે. ને છેવટે ?

‘પછી તો ના વાતો, પ્રિય અધર જે કંપ ઊઠતો,
ધ્વનિ તેનો આવી મુજ હૃદયમાં શમી જતો.

(‘વાતો’)

શું પ્રકૃતિકાવ્યોમાં કે શું પ્રણયકાવ્યોમાં કવિને મન જેટલું બારીની બહારની સૃષ્ટિનું મહત્ત્વ છે તેટલું જ ભીતરી સૃષ્ટિનુંય છે.

આથી જ બારી ને ઘર છોડીને જવા છતાં કવિ પાછા વળે છે તો ભીતરની કુટિરે :

ફરીને કુટિર દ્વારો વાસિયાં, રાખી દુનિયા બહાર;
પછી રે બેઉ હૈયાં ખોલિયાં જેમાં દુનિયા હજાર.’

(‘મારા રે હૈયાને તેનું પારખું’)

પ્રણયમાં, આવી પરિતૃપ્તિ પણ કવિએ અનુભવી છે ને છતાંય ક્યાંય પુરુષ સહજ અધિકારભાવનો અંશ તો ઠીક, પુરુષ તો શું માનવીમાત્રમાં વિરલ એવો સન્યાસભાવ કવિના અનન્ય પ્રણયકાવ્ય ‘વિદાય’માં અભિવ્યક્ત થયો છે જેમાં પ્રણયની ઉદાત્તતાનું અંતિમ આરોહણ છે. ‘કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે’ એવું ભારોભાર દઢતાપૂર્વક કહેતા કવિમાં કટુતાનો અંશ માત્ર નથી. બંનેએ એક સમયે કરેલા પ્રણયની કથા ભારે લાઘવપૂર્વક કહેવાઈ છે, જેમાં સુખ-દુ:ખ બંનેની ગાથા છે :

‘પરસ્પર કરી કથા ૨જની ને દિનો ગાળિયાં,
અનેક જગતો રચી સ્વપ્નમાં, વળી ભાંગિયાં
અને કઠોર થઈને કદીક તુજ આંસુ જોયા કર્યાં;
  ને બીજી બાજુ:
કદીક તુજ ગોદ શીશ ધરી હીબકાં મેં ભર્યાં

(‘વિદાય’)

આટલી સંવાદપૂર્ણ જિંદગી પછી પણ કવિ પ્રિયાને કોઈ બંધનમાં રાખવા માગતા નથી. પોતે ગાળ્યા છે એવા દિવસો ને રાત્રિઓથીય વધુ ઉત્તમ ક્ષણ પ્રિયાને મળે એવું કવિ ઇચ્છે છે. એ પ્રિયાને, પોતાને ભૂલી જવા વિનવે છે તે છેવટે અંતિમ વિનવણી કરતાં કહે છે :

છતાંય સ્મરણે ચડી વિપળ એક જો હું લઉં,
ઉદાર તવ ઉરની પ્રથમથી ક્ષમા તો ચહું.”

(“વિદાય’)

‘આ કાવ્યમાં નાયકે પોતાને સ્મરણો આવશે (કહો કે સતાવશે) કે નહિ તે વિશે સેવેલું મૌન અને પ્રેમપાત્રને સ્મરણોથી અવસ્વથતા થવાની શક્યતા વિશે બતાવેલી ચિંતા’, ઉમાશંકરને બહુ જ સંયમશીલ અને પૌરુષવાળાં લાગ્યાં છે તો સાથોસાથ જે કંઈ બન્યું છે એનું કોઈ જ ઉત્તરદાયિત્વ આવા વિવેકી નાયકનું ન જ હોઈ શકે એવું તેમ જ સામાન્ય રીતે પ્રેમસંબંધમાં ઊણા ઉતરવાનું પુરુષને ભાગે આવે તેવું હંમેશાં ન જ બને એવી એક શક્યતા પણ અહીં ગર્ભિત રીતે, કવિને કદાચ અભિપ્રેત ન પણ હોય તોય અનાયાસ સૂચવાઈ છે.

સર્વાશ્લેષી બની જીવવા માગતા આ કવિને વ્યવહારની મિલન ગલીઓ જોઈને અકળામણ અનુભવાઈ છે ને થોડીક ક્ષણો તારા કે ફૂલ સાથે જીવવાનું તેમને મન થઈ જાય છે પણ કવિના પગ ધરતી પર જ રહ્યા છે અને એટલે જ સ્તો આસપાસના વાસ્તવને સ્વીકારીને કવિ પાછા વળે છે:

રૂડું એથી અહી રહું માનવીની સાથમાં
કદી વળી સમજશે એ જ મારી વાતમાં
માનવીની સાથે રે’વું, સે’વું, એમ લ્હાણું છે.’

(‘લ્હાણું’)

પ્રકૃતિના અંધકારને ચાહતા આ કવિ પોતામાં પડેલા અંધારાને પૂરી સમજ ને તાટસ્થ્યથી પારખી શક્યા છે ને તેથી જ પ્રાર્થી રહ્યા છે :

એક દિવસ તો આવ પ્રભાત !!
એક દિવસ તો ખૂટે રાત !”

(‘એક દિવસ તો આવ પ્રભાત !’)

આવનારું પ્રભાત, જાગનારો આતમરામ આવી ચડે એવાં નસીબ હોય તો હોય પણ ઓછામાં ઓછું એનું અસ્તિત્વ આસપાસ અનુભવાય તોય ભયોભયો :

‘પાય તણો એ સૂર સુણું, ને આવે ફૂલ સુવાસ,
વસ્ત્ર તણો ફફડાટ સુણું હુંએટલો રેજે પાસ. (અંધ)

આસપાસ, ચોપાસ પ્રસરેલા દંભને કવિએ ઝીણી નજરથી પારખ્યો છે ને પડકાર્યોય છે, પણ આ પડકારમાંય વ્યંગની ધાર નથી પણ ખેદજનક વિસ્મય છે. ‘બનાવટી ફૂલોને’ કાવ્ય આનું ઉત્તમ દૃષ્ટાંત છે. બહુ જ માર્દવથી કવિ બનાવટી ફૂલોને પ્રારંભે તો પ્રશંસે છે :

તમારે રંગો છે, આકારો છે, અંબોડામાં, ઘરમાં તમે શોભો છો વગેરે. પણ મોટો ‘પરંતુ’ આડો આવીને ઊભે છે આમ:

‘પરંતુ જાણ્યું છે,
કદી વા માણ્યું છે,
શશીનુ, ભાનુનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઉગવું?’

ને અંતે માર્મિક પ્રશ્ન છે:

ન જાણો નિંદુ છું
પરંતુ પૂછું છું:
તમારા હૈયાના ગહન મહીંયે આવું વસતું :
દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું ?’

(‘બનાવટી ફૂલોને’)

જેના પર રવીન્દ્રનાથની અસર સૌને વરતાઈ છે એવાં રહસ્યવાદી કાવ્યો પણ ઠીક ઠીક પ્રમાણમાં કવિ પાસેથી સાંપડ્યાં છે : ઘેરૈયા’માં પ્રકૃતિતત્ત્વના વિનિયોગની લગોલગ રહસ્યનો ભાવ પણ છે :

અમે ઘેરૈયા સૌ બહુ બહુ ઘૂમી શોધ કરતા :
કહી ઘેરૈયો એ ? કદી છૂપવિયો રંગનિધિ આ ?”

(‘ઘેરૈયા)

પ્રકૃતિને અપાર ચાહતા, સંવેદનાના આ કવિ ક્યારેક ને ક્યાંક હરીભરી પ્રકૃતિ વચ્ચેય અકળ એકલતા અનુભવે છે. આકાશમાં નવલખ તારા, અગણિત સિંધુ તરંગ, ડાળે ડાળે ફૂલ, ને છતાં, “શાને રે લાગે તોય એકલું !” એ કવિનો પ્રશ્ન છે. બાજુમાં ધરતી, ઉપર આકાશ, નિત્ય વીંટળાયેલો રહેલો વાયુ, અરે, આખું વિરાટ વિશ્વ કવિને હાથવગું ને છતાં નાના રે હૈયાને લાગે એકલું ” કેવી છે આ એકલતા ? વ્યક્ત ન થઈ શકતો ને છતાં વ્યક્ત થવાનો પ્રયત્ન કરતો આ ભાવ કવિની આધ્યાત્મિક બેચેનીનો પરિચાયક છે:

કોઈ રે આવી કોઈ વહી ગયું, મારે અંતરને દ્વાર;
કોઈ રે ગાઈ મૂંગું રહી ગયું, છાયો ઉરમાં સૂનકાર
એવું રે લાગે આજે એકલું.‘ (‘એકલું‘)

મનુષ્ય વિશે પણ પ્રહ્લાદની ઠીક ઠીક કવિતાઓ મળે છે. આપણે ત્યાં વતનપ્રેમનાં, જન્મભૂમિને લગતાં નોંધપાત્ર કાવ્યો મળ્યાં છે તેમાં પ્રહ્લાદનું ‘ગામની વિદાય’ આગવી ભાત પાડતું કાવ્ય બને છે. હે જી મારા નાનપણાના ગામ ” એવા સંબોધન પછી તેનું પોતાના મનમાં રહેલું સ્થાન સાવ સરળ ભાષામાં રજૂ કરીને પ્રહલાદે તેને કેવું ગજું બક્ષ્યું તે જોવા જેવું છે :

‘મારા બાળપણાના ધામ’

ને ઊર્મિમાંદ્ય કે પ્રેમના કોઈ ડોળ વિના તેના પ્રત્યે હૃદયપૂર્વક કરબદ્ધ થતા કવિ બે વાર બોલી ઊઠે છે :

‘તને કરું રે પરણામ ! તને કરું રે પરણામ.

તેમનાં પ્રણયકાવ્યોની જેમ જ અહીં પણ ગ્રામપ્રીતિને આલેખતો સંયમ દાદ માગી લે એ રીતે વ્યક્ત થયો છે :

‘ના રે કળાયા કદી, નેહના વેલા એવા
ભોંયે આ તારી પથરાયાઃ
જાવા ઉપાડું મારા પાયને, ત્યાં તો એમાં,
ડગલે ને પગલે એ અટવાયાઃ

ક્યારે બાંધી લીધોતો મને આમ ?” (ગામની વિદાય‘)

પ્રહલાદનું અંતિમ મૂલ્યાંકન કરવામાં ઉશનસની મદદ લઈને કહીએ તો પ્રહલાદ કવિ સ્વર્ગસ્થ છે પણ એમની કવિતા અમર છે, ગુજરાતી ભાષાની કેવળ સુંદર પંક્તિઓના સંચયમાં પ્રહલાદની અનેક પંક્તિઓ હશે.


 સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.