સોરઠની સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ

મારે આજ જે વાત માંડવી છ એનું મંડાણ કરવાની પણ લાયકાતનો છાંટો જો મારામાં ઉડ્યો હોય તો એના પાયે બે પાઠો છે.

એક, ઘરના વડીલોએ ગળથુથીમાં અને પછી તાલુકાશાળામાં જીવાભાઈસાહબે, સેવાગીરીસાહેબે ને પોપટસાહેબે અમને રોજ કાળાપાટિયે સુવિચારો લખીને મુખ્યત્વે શિખવેલ કે પ્રમાણિકતા કદાચ પરાધીન હોય સકે પણ પરાજિત નહીં અને સાચું તો ધરતીના સાતમા પેટાળેથી પણ મોડાવેલું પ્રગટે જ. આ બાળકાળમાં પાયેલ “બાલજીવન ચમચો” પચતાં ને જાત હારે સભાને પ્રમાણિક રહી મારા માયલાને ન ખટકે એવાં કાર્યો કરવા હું મારી વીસી-ત્રીસીનાં વર્ષોથી સજાગ રયો છ.

બીજો પાઠ નિસ્વાર્થ ભાવે જરુરીયાતમંદને મદદ કરી માનવ ધરમ નિભાવો ઈ હું મારા ગામના રહીશ ચરોતરના “વૈષ્ણવ વણિક” પરિવાર ને શિરડી સાંઈ અનુયાયી મારાં પત્ની પાસેથી પ્રત્યક્ષ રીતે શીખ્યો છ. આ બેય અક્ષરસ ગંગાસતીએ પ્રગટાવેલ પરમાર્થની જ્યોતે – “વીજળીના ચમકારે મોતીડાં પરવો પાનબાઈ…-“ પોતાનાં જીવન ઉજાગર કરે છ.

આ અઘરા પાઠને અંતરગત કરી એને જીવતાં શીખવાની શરૂઆત કરતાં જ મારી જિંદગીના છએક દાયકા વયા ગ્યા ને આજ મારા જીવનના સાતમા દાયકાના પૂંછડે હવે મને લાગે છ કે ઈ જૂની વાત રમતી મુકવાનું મારું ટાણું આવી ગ્યું છ.

…તો મિત્રો, વરસો પે’લાં દાહોદ લગોલગ રામપુરા ગામમાં એક ગરીબ ને અભણ આદિવાસી દિવાળીબેન ને ચીમનભાઈ ડામોરને ઘેર ઘોડિયું બંધાણું, ઇ ઘોડિયે ચતુર સૂતો ને ગામમાં ઈ ચકાથી ઓળખાણો. “અક્કરમીનો પડિયો કાણો” એમ ચકાના બાપ દારૂડિયા એટલે જુવાન ઉંમરે જ એનું કાળજું કામ કરતું બંધ થ્યું, ઈ દેવ થ્યા ને અભણ દિવાળીબેન માથે માં-દીકરાનો ને દીકરાને ભણાવાના ભારનો ભારો ચડ્યો. આ ભારાને હળવો કરવા ઈ માં દી’ આખો ગામનાં ગલી, શેરી, રસ્તા વાળે; ઘેરઘેર કપડાં-ઠામડાં કરે, ખેતરોમાં દાડીયે જાય ને સપરમા દી’એ કોક વાટકી ખાવાનું દે તો ઈ ચકા હાટુ ઘેર લઇ જઈને ઈ દી’ને ઉજવે. કે’વાય છ ને કે જ્યાં લક્ષ્મી ન પુગે યાં સરસ્વતી રુમઝુમ પગલે દોડતી પુગે એમ ભણવામાં મબલખ હુશિયાર ચકો એના સ્કૂલકાળના આખરી વરસમાં એના જિલ્લા કક્ષાએ જળકયો. પણ આ વાણામાં કપરા સંજોગો સામે દી’રાત લડતાં દિવાળીબેનને ઉંમર આંબી ગઈતી ઇથી એને ચકાને ભણવાનું બંધ કરીને ઈ જે કામ કરતાં એમા જોતરાઈ જાવાનું કીધું.

દિવાળીબેનની લથડતી તબિયત ને દીકરાનું આગળ ભણવાનું બંધ ઈ વાત ચકાના માસ્તર કૃપાશંકર ત્રિવેદીના કાને અથડાણી એટલે ઈ દિવાળીબેન પાસે હરૂભરૂ થ્યા ને સમજાવ્યાં કે ચકાને આગળ ભણવા હાટુ એના ગુણવતાના ધોરણે એને શિષ્યવૃતિ મળસે એટલે ભણવાનો ખરચ ઈ દીન માંને માથે નહીં આવે ને દિવાળીબેનની ઘરખર્ચીમાં નાનીમોટી મદદ પણ ત્રિવેદીસાહેબ પોતે કરસે. પછી તો સાહેબે ચકાને શિષ્યવૃતિઓ મેળવવામાં મદદ કરી; છાત્રાલયમાં એના રે’વા, ખાવાપીવાની વ્યવસ્થા પણ ગોઠવી દીધી ને હારોહાર દિવાળીબેનને પણ મદદ કરી. વખત જાતાં ચકો મેડિકલનું ભણીને એમ.ડી. થ્યો ને ચકામાથી ડો.ડામોર, ડો.સી.સી ડામોર કે ડામોરસાહેબ થ્યો. પછી સાહેબ અમદાવાદની બી.જે. મેડિકલ કૉલેજમાં આસિ. પ્રૉફેસર બન્યા ને એની ગરીબ માની કળકળતી આંતયડી ઠારી. પણ કાળનું કરવું ને ડો.ડામોરનાં માં દિવાળીબેને બીજે જ વર્ષે અંતિમ વિદાય લીધી ને ઈ ચકાને મરણમૂડીમાં સલાહ દેતાં ગ્યાં, “‘બેટા, ત્રિવેદીસાહેબને લીધે જ તું અટલો મોટો સાહેબ થ્યો છે, નીતર તું પણ મારા ઘોડે વૈતરાં ઢયડતો હોત એટલે એનું ૠણ તું ભૂલતો નહીં.”

આજે ભારતમાં ૮૨૦ થી જાજી મેડિકલ કોલેજું છે એમાં બી.જે. મેડિકલ કોલેજની પે’લા પાંત્રીસમાં ગણના થાય છ ને એસિયાની ટીચીંગ મેડિકલ કોલેજોમાં પણ ઈ અવલ ગણાય છ. વખત જાતાં ડામોરસાહેબ આ કોલેજમાં સિનિયર પ્રોફેસર ને મેડિસિન વિભાગના વડા પણ થ્યા. કે’વાયછ કે સાહેબનો અનુભવ ને જ્ઞાન એટલાં છેટે આંબેલ કે કોલેજના રેસિડન્ટ્સ, પોસ્ટ-ગ્રૅજ્યુએટસ અને પ્રધ્યાપકો માટે ઈ એક વે’તી જ્ઞાનગંગા હતા ને ઈ હંધાય જ્યારેજ્યારે તક મળતી તીંયેં ઈ બે કાંઠે વે’તી ગંગા માંથી આચમની પીતા ને નવું શીખતા. હવે આ ટીચિંગ મેડિકલ કોલેજ એટલે એમાં પીડિયાટ્રિક, સર્જિકલ, મેટરનિટી, કાર્ડિઍક, મેડિકલ, વ. એમ બધા વિભાગો અને એના અલગઅલગ વોર્ડ્સ પણ હતા કે જેમાં દવાખાનામાં દાખલ કરાયેલા દર્દીઓ સારવાર અર્થે જે તે વોર્ડમાં રે’તા. સામાન્ય રીતે હોસ્પિટલના અનુભવી દાક્તરો પોતાની નિપુણતા મુજબ આવા દાખલ કરાયેલ દર્દીઓને સવાર-સાંજના રાઉંડમાં વિગતે તપાસે ને રાઉંડમાં હારે રે’તા નવોદિત તબીબો એમાંથી શીખે.

એક દી’ બીજે માળે પુરુષ મૅડિકલ વૉર્ડમાં સવારનો રાઉંડ હાલતોતો ને ત્રીજા ખાટલે આવતાં જ ડો.ડામોર અટક્યા. ઈ એક વયોવૃદ્ધ દર્દીને ટગરટગર જોયા કરે કારણ કે સાહેબને આ ઘયડા દર્દીની વધેલી દાઢી ઉપર કપાળ તેજસ્વી લાગ્યું, માથે વધેલ વાળ તળે મગજ સતેજ લાગ્યું, ચહેરા ઉપરના તેજ ઉપરથી દર્દી વિદ્વાન લાગ્યો ને એનાં લઘરવઘર કપડામાં ઈ એક સારા ઘરનો બુઝુર્ગ લાગ્યો ને આમ ડો. ડામોરના મને આ વૃદ્ધ દર્દી માટે વિવિધ ભાવો જાગ્યા. સાહેબે ઈ દર્દીની હિસ્ટ્રી રેસિડન્ટ દાક્તરને પૂછી તો, સાહેબ, આનું નામ કૃપાશંકર ત્રિવેદી છે, ઉંમર વર્ષ ૮૨, વ્યવસાયે નિવૃત શિક્ષક, તાવ અને ન્યુમોનિયા લઈને આંઈ આવ્યાતા, નિવૃત્તિ પછી પેન્શનની જોગવાઈ નોતી એટલે ગામમાં માગીભીખીને દિવસો કાઢતાતા ને ભાડું ન ભરી સકતાં ઘરધધણીએ આ દર્દી માથેથી છાપરું પણ છીનવી લીધુંતું. પરિણામે ઈ દાહોદ બાજુના ગામડામાં બાર રઝળતા મળી આવ્યાતા.” રેસિડન્ટ દાક્તર એક જ શ્વાસે ગોખેલી “બારખડી” ઘોડે દર્દીની આમ હિસ્ટ્રી વાંચી.

 “એના કુટુંબમાં કોઈ નથી?’” સવાલ પૂછીને ડામોરસાહેબ ભૂતકાળમાં ડૂબી ગ્યા ને મનોમન નક્કી કર્યું કે આ ઈ જ ત્રિવેદીસાહેબ છે કે જેનાથી ઈ ચકા માંથી ડો.ડામોર થ્યા છ ને હારોહાર પોતાનાં માં દિવાળીબેને દીધેલ ને દિલના ઈશ્કોત્રે સંઘરેલ કૃતજ્ઞતાની મરણમૂડી “…એટલે એનું ૠણ તું ભૂલતો નહીં” ઈ રણકી.

પછી સાહેબને આગળની પૂછતાછથી ખબર પડી કે ત્રિવેદીસાહેબને ઘરેથી દેવલોક થે’લ ને એનો એક્નોએક દીકરો દાક્તર થઇ યુ.એસ.માં સ્થાયી થ્યોતો ને કમનસીબે માબાપ હારે નાતો તોડી ને બેઠૉતો ને હવે આ વૃદ્ધના કુટુંબમાં કોઈ નથી. પછી ડો. ડામોરે કીધું, આ દર્દીની સારવારમાં હું પોતે પણ ધ્યાન આપીસ ને તમે સૌ પણ કોઈ કસર ન છોડતા. લ્યો આ પૈસા ને બે જોડી સારાં કપડાં એની સારુ લિયાવો. બીજી કોઈ પણ જરૂરિયાત માટે પૈસાની જરૂર પડે તો પણ મને કેજો.”

દાક્તરો ને અન્ય કર્મચારીઓની ઘનિષ્ટ સારવારથી ત્રિવેદીકાકા થોડાક દી’માં નરવા થઈ ગ્યા ને એને દવાખાનેથી રજા આપવાનો સમો અવિગ્યો એટલે રેસિડન્ટ દાક્તરે ડો.ડામોર પાસે મુંઝવણ મૂકી, સાહેબ, આ ત્રિવેદીકાકાને રજા આપીસું તો ઈ ક્યાં જશે? એને કુટુંબકબીલું કે ઘરબાર તો નથી.” એટલે ડામોરસાહેબે દર્દીને બીજે દી’ રજા દેવાનું કીધું. બીજે દી’ સવારે ત્રિવેદીકાકાને રજા આપી, ડામોરસાહેબ પોતે હાથ પકડી કાકાને બા’ર લઈ ગ્યા, એની પાછળ સ્ટાફ મદદ કરવા દોડ્યો ને સૌના અઢળક આશ્રય વચ્ચે સાહેબનાં પત્ની ગાડી અને ડ્રાઈવર સાથે આવી ગ્યાંતાં એટલે કારનું બાયણું ઉઘાડી સાહેબે ખુદે કાકાને કારમાં બેસાડ્યા. ગાડીમાં બેસતાંબેસતાં ત્રિવેદીકાકાએ સહજ ભાવે પૂછ્યું, દાક્તરસાહેબ આપની ગાડીમાં મારે ક્યાં જવાનુ છ, વૃદ્ધાશ્રમ?”

ત્રિવેદીકાકાને જવાબ દેતાં ગળગળા સાદે ડો.ડામોરે અત્યાર સુધી રોકી રાખેલું રહસ્ય છત્તુ કર્યું, માસ્તરસાહેબ, આપને યાદ છે કે ત્રીસ વરસ પહેલાં ચકા નામના આદિવાસી છોકરાને તમે મદદ કરી ડૉક્ટર બનાવ્યોતો તો હવે ઈ ચકાને ઈ ઋણનો ભારો હળવો કરવાની તક તો આપો. તમારે હવે મને સાહેબ નહીં પણ ચકો જ કહેવાનું છ ને આજથી તમારે હવે અમારે ઘેર જ રહેવાનું છે.”

ચકાને યાદ કરતાં ત્રિવેદીસાહેબને ડૂમો ભરાઈ ગ્યો ને બોલ્યા, અરે, ચકા તું, અટલો મોટો સાહેબ થઇ ગ્યો છ?” એમ કહી એને ચકાને ગળે લગાડી લીધો ને સાહેબે કારનો દરવાજો બંધ કર્યો એટલે કાર સાહેબના ઘર તરફ રવાના થઇ ને આમ ઋણના ભારામાંથી એક તણખલું ખંખેરતાં ડામોરસાહેબ બે રતી હળવા થ્યા.

ભારતના રૂપેરી નેપથ્યના કલાકાર શ્રી.અનુપમ ખેર ક્યાંક આવું ક’છ કે ઘણા લોકો કર્મ ફળની લાલચા કે આશા એ કરતા હોય છે ને થોડા લોકો જ જે તે કર્મને ફળ ગણી કરે છ. કૃપાશંકર માસ્તરે ને ડો.ડામોરે જે તે સમયે જે કર્મ કર્યું એને જ ઈ કર્મનું ફળ ગણ્યું હસે. બાકી આપણા માથે પણ અસંખ્ય ઋણો અવિરત ચડતાં જ રે’છ, માટે આજ કરીસ, કાલ કરીસ, દી’નો ક્યાં દુકાળ છે પછી કરીસ એમ વિચાર્યા વિના જેટલું ને જેનુંજેનું ઋણ અદા થઇ સકે એટલું ચૂકતે કર્યા જ કરવું નીકર ગંગાસતી પાનબાઈને કે’છ એમ:

જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી.”


ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.