નિસબત

ચંદુ મહેરિયા

શેરીઓ, રસ્તાઓ અને જાહેરસ્થળોએ રખડતા કૂતરાઓના ત્રાસ અંગેના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકના જીવન જીવવાના અધિકારમાં તે કોઈ પણ પ્રકારના ડર વિના જીવે તેનો સમાવેશ થાય છે તેમ જણાવી,  જોખમી અને હડકાયા કૂતરાઓને આશ્રય સ્થાનોમાં મૂકવા કે મારી નાંખવા આદેશ કર્યો છે. હાઈકોર્ટસ અને સુપ્રીમ કોર્ટે નાગરિકોના અધિકારોના દાયરાને હંમેશા વ્યાપકપણે પરિભાષિત કર્યો છે. હવે જીવન જીવવાના અધિકારમાં નિર્ભયતાથી કે ડર વિના જીવવાનો સમાવેશ કર્યો છે. નાગરિકો હડકાયા કૂતરાઓ કરડવાના ડરથી જીવે તેને જીવન જીવવાના અધિકારનો ભંગ ગણ્યો છે.

થોડા મહિના પહેલા રાષ્ટ્રીય માનવઅધિકાર પંચ સમક્ષ એવી ફરિયાદ દાખલ થઈ હતી કે ફરસાણ અને અન્ય ખાધ્ય ચીજો બનાવતા વેપારીઓ રાંધણ તેલનો એકાધિકવાર ઉપયોગ કરે છે. તેનાથી લોકોને કેન્સર, લિવર કે હાર્ટ સંબંધી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.  જે તેમના માનવ અધિકારનો ભંગ છે. તેથી પંચે રાંધણ તેલનો વારંવાર ઉપયોગ કરતા ફૂડ વેન્ડર્સ સામે માનવઅધિકાર ભંગના પગલાં લેવા જોઈએ. નાગરિક અધિકારોનો વ્યાપ કેટલો વિશાળ હોઈ શકે છે તેના આ ઉદાહરણો છે.

હક કે અધિકાર તે નાગરિકને મળેલો વિશેષાધિકાર છે કે ન્યાયોચિત દાવો છે. અધિકાર વ્યક્તિને બંધારણ, ન્યાયિક વ્યાખ્યા અને વૈધાનિક કાનૂનો થકી પ્રાપ્ત થાય છે. અધિકારોથી નાગરિકોને આઝાદી અને સલામતી મળે છે. તેનો ભંગ અદાલતો સમક્ષ પડકરી શકાય છે.  ભારતીય નાગરિકોને ભિન્નભિન્ન અધિકારો મળેલા છે. તેમાં જન્મદત્ત કુદરતી કે નેચરલ રાઈટસ અને નૈતિક અધિકારો તો છે જ ઉપરાંત મૂળભૂત અધિકારો, બંધારણીય અધિકારો, વૈધાનિક અધિકારો અને કાનૂની અધિકારોનો સમાવેશ થાય છે.

કુદરતી અધિકારો રાજ્યના અસ્તિત્વ પહેલા અસ્તિત્વમાં આવેલા છે. જીવન અને સ્વતંત્રતાનો અધિકાર વ્યક્તિનો જન્મદત્ત હક છે. આ હક કોઈ છીનવી શકતું નથી કે અદાલતોએ તેને લાગુ પાડેલા નથી. નાગરિકના પ્રાક્રુતિક અધિકાર તેના જન્મ સાથે અવિભાજ્ય કે અભિન્ન રીતે જોડાયેલા છે. નૈતિક અધિકારો વિધિક જોગવાઈઓને બદલે નૈતિક સિધ્ધાંતો પર આધારિત હક છે. નૈતિક રીતે યોગ્ય-અયોગ્ય તે નક્કી કરે છે.

ભારતીય બંધારણના ભાગ-૩, અનુચ્છેદ ૧૨ થી ૩૫માં મૂળભૂત અધિકારોનો સમાવેશ કર્યો છે. બંધારણે નાગરિકોને છ મૂળભૂત અધિકારો આપ્યા છે. સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરુધ્ધ અધિકાર, ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર, સંસ્કૃતિ અને શિક્ષણ સંબંધી અધિકાર અને બંધારણીય ઉપચારોના રક્ષણનો અધિકાર-  એ છ મૂળભૂત અધિકારો છે. અગાઉ આ અધિકારોમાં મિલકત ધારણ કરવાનો મૂળભૂત અધિકાર પણ હતો. ૧૯૭૮માં ૪૪મા બંધારણ સુધારાથી તેને મૂળભૂત અધિકારોની યાદીમાંથી રદ કરવામાં આવ્યો છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

મૂળભૂત અધિકારો નાગરિકને મળેલું એક શક્તિશાળી હથિયાર છે. મૂળભૂત હકો વિરુધ્ધ સરકાર કાયદો ઘડી શકતી નથી કે તેનું ઉલ્લંઘન થાય તેવા પગલાં લઈ શકતી નથી. અદાલતો તેના રક્ષણ માટે હંમેશા તત્પર હોય છે.

સમાનતાના મૂળભૂત અધિકારમાં રાજ્ય કોઈ પણ નાગરિક પર ધર્મ, વંશ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાનના આધારે ભેદ કરી શકતી નથી.. જોકે સરકારી નોકરીઓ, શિક્ષણ અને અન્યમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ ઓછું હોય તો તે માટે કરવામાં આવેલી અનામત સહિતની સવલતોની જોગવાઈઓ સમાનતાના અધિકારનો ભંગ ગણાતી નથી.સંવિધાનના મૂળભૂત અધિકારોના વિભાગમાં  અનુચ્છેદ ૧૭ થી આભડછેટનો અંત આણવામાં આવ્યો છે. અર્થાત કોઈની પણ સાથે અસ્પૃશ્યતાનું આચરણ મૂળભૂત અધિકારનો ભંગ છે અને તે દંડનીય અપરાધ ગણાય છે.

૨૦૦૨ના ૮૬મા બંધારણ સુધારાથી ૬ થી ૧૪ વરસના બાળકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે.( અનુછેદ-૨૧-ક)  જ્યારે નાગરિકની પોલીસ કોઈ કારણસર ધરપકડ કરે તો તેને ૨૪ કલાકમાં નજીકના ન્યાયાલયના જજ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ પણ મૂળભૂત અધિકારોના પ્રકરણમાં કરી છે. આંતરિક કટોકટીમાં ઘણા નાગરિકોની ધરપકડો પછી તે ગુમ થયાના સમાચારો મળ્યા ત્યારે અદાલતોએ હેબિયસ કોર્પસ હેઠળ નાગરિકને જીવતો કે મૂઓ અદાલત સમક્ષ રજૂ કરવાના આદેશો કર્યા હતા. હવે તો તે નાગરિક અધિકારના ભંગ હેઠળની કાયદાકીય  જોગવાઈ બની છે.

બંધારણના પાર્ટ-૩ ની બહારના અધિકારો કે જે કેન્દ્ર અને રાજ્ય સરકારોના કાયદાઓ દ્વારા લાગુ પડે છે તે બંધારણીય અધિકારો છે. સંપત્તિ ધારણ કરવાનો અધિકાર, મુક્ત વ્યાપાર અને કાયદાના હક વિના કર ન લગાવવાનો અધિકાર બંધારણીય અધિકારો છે. આ અધિકારોને અદાલતોમાં પડકારી શકાય છે.

સંસદ અને રાજ્યોના વિધાનગૃહોના સામાન્ય કાયદાઓ વડે  અસ્તિત્વમાં આવતા અધિકારો વૈધાનિક અધિકારો છે. મનરેગા(હવે જી રામજી) દ્વારા કામનો અધિકાર, વન અધિકાર અધિનિયમ મારફ્ત આદિવાસીઓના અધિકાર,  રાષ્ટ્રીય ખાધ્ય સુરક્ષા અધિનિયમ દ્વારા અન્નનો અધિકાર વગેરે વૈધાનિક અધિકારો છે.

ભારતમાં નાગરિકોને મળેલા વિવિધ અધિકારોનો વ્યાપ બંધારણ અને કાયદા પોથીઓ કરતાં અદાલતોની વ્યાખ્યાઓથી ઘણો વિશાળ બન્યો છે. માર્ચ-૨૦૨૬માં સુપ્રીમ કોર્ટે મહિલાઓના પીરિયડસથી જોડાયેલા આરોગ્ય અને સાફ-સફાઈના મુદ્દાને મૂળભૂત અધિકારના અનુચ્છેદ ૨૧ હેઠળ જોડીને મૂળભૂત અધિકાર માન્યો છે. શિક્ષણ સંસ્થાઓમાં કિશોરીઓ પીરિયડસ સંબંધી વ્યવસ્થાઓના ભાવે ભણવાનું છોડે તેને મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન ગણી શાળાઓમાં બાળકીઓ માટે અલગ શૌચાલયો, સ્વચ્છ પાણી, પીરિયડસ સાથે જોડાયેલી અન્ય બબાતોની ઉપલબ્ધતા અને ફેકવા માટે સાફ-સલામત સાધનોની કમી દૂર કરવા જણાવ્યું છે. આ ખરેખર મહિલા અધિકારો માટે મહત્વની બાબત છે.

૨૦૨૫ના જૂનમાં સર્વોચ્ચ અદાલતે ડિજિટલ સેવાઓ સુધી પહોંચને પણ મૂળભૂત અધિકાર ગણાવ્યો હતો. જ્યારે દેશમાં આવશ્યક સેવાઓ, વહીવટ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ તથા આર્થિક તકો સુધીની પહોંચ ડિજિટલ સેવાઓના માધ્યમથી ઝડપથી વધી રહી છે ત્યારે પ્રત્યેક નાગરિકો સુધી તેની પહોંચ હોવી અનિવાર્ય છે. ડિજિટલ વિભાજન કેડિજિટલ કમી દૂર કરવી તે સન્માન સાથે જીવન જીવવા જરૂરી હોવાનું અદાલતે જણાવ્યું હતું.

માનવ અસ્તિત્વ માટે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો સંબંધ અભિન્ન છે પ્રો. સાંઈબાબાના કેસમાં સુપ્રીમ કોર્ટે પ્રાઈવસી કે ગુપ્તતાના અધિકારને જીવનનો હક ગણ્યો હતો. પ્રાઈવસીનો હક માનવ ગરિમાનું અંગ હોવાનું અદાલતના આદેશમાં કહેવાયું હતું. સ્વચ્છ પર્યાવરણનો હક, દિલ્હી અને બીજા શહેરોમાં પ્રદૂશિત હવા સામે સ્વચ્છ હવાનો હક, પીવાના ચોખ્ખા પાણીનો હક પણ જીવન જીવવાના હકમાં સામેલ છે. એ રીતે ઘણી બાબતો જે નાગરિકના જીવન સાથે જોડાયેલી છે તેને અધિકાર ગણવામાં આવી છે.

અધિકારોનો વ્યાપ વિશાળ છે પરંતુ તે અસીમિત નથી. ગંભીર સ્થિતિમાં અને દેશહિતમાં સરકારો નાગરિક અધિકારોને સીમિત કરી શકે છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.