માહિતી જંક્શન

વિશાખા મોઠિયા

ભારતદેશના વસ્ત્ર પરિધાનને દુનિયાના તમામ દેશોના વસ્ત્ર પરિધાન કરતાં સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે કેમ કે આપણી સંસ્કૃતીની ઓળખ બતાવે છે, માન અને મર્યાદા બતાવે છે. આજે આપણે એક એવા વસ્ત્ર પરિધાન વિશે વાત કરવાની છે જેને માન-મર્યાદા અને મોભાનું પ્રતીક માનવામાં આવે છે. જેની ઉપર કેટ-કેટલીયે કહેવતો અને દુહાઓ પણ લખાયા છે. આ એકમાત્ર એવુ વસ્ત્ર પરિધાન જે શુભ અને દુ:ખ બન્ને પ્રસંગોમાં પહેરવામાં આવે છે. તો આજે આપણે વાત કરવાની છે પાઘડીની. પાઘડી પહેલા માત્ર પુરુષો જ પહેરતાં પણ હવે તો લેડીઝ લોકો પણ ફેશનની જેમ લગ્ન પ્રસંગોમાં પાઘડી પહેરે છે.

પરિચય:-

આપણા દેશમાં ગૌરવ, સન્માન અને પ્રતિષ્ઠાનાં પ્રતીક તરીકે ઓળખાતી પાઘડી એ માથાનો પહેરવેશ – શિરછત્ર, શિરોભૂષણ છે. પાઘડી માત્ર આબરૂનું જ નહીં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ માથાનું પણ સૂર્યના આકરા તાપથી રક્ષણ કરે છે. પાઘડીને રાજા-મહારાજાઓ, બાદશાહો, નવાબો, બેગમો, રાજપુતો અને રબારી, ભરવાડોથી માંડીને ઈતરજ્ઞાતિઓના સંસ્કારનું, સંસ્કૃતિનું, આન-બાન અને શાનનું પ્રતીક માનવામાં આવતું અને હાલમાં પણ માનવામાં આવે છે. આપણા ઈતિહાસના પાનાઓમાં પાઘડીનો વિશિષ્ટ ઉલ્લેખ છે એના પર અસંખ્ય કહેવતો અને ગીતો પણ છે. અને આ પાઘડીને લીધે કેટ-કેટલાય ધીંગાણા પણ રમાય ગયા છે. આજ કાલ પાઘડી માત્ર પ્રસંગો સુધી જ સીમિત રહી છે પરંતુ પંજાબ અને રાજસ્થાનનાં લોકોએ પઘાડીને અડીખમ જાળવી રાખી છે.

અર્થ :-

પાઘડી એ માથામાં વીંટાળીને પહેરાતું એક વસ્ત્ર છે જે ૩.૫ થી ૬ મીટર લાંબુ અને ૧ મીટર પહોળું હોય છે. પાઘડી શબ્દ એ ‘પટ’ એટલે કાપડ અને ‘ક’ પ્રત્યય લાગી ‘પટકી’ શબ્દ બન્યો, જે અપભ્રંશ થઈને ‘પાઘડી’ તરીકે ઓળખાયો. ભારતના વિવિધ પ્રાંતો તેમજ ગુજરાતના કચ્છ, કાઠિયાવાડમાં જુદા-જુદા નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે : પાગ, પગ, પાઘડી, ફાળિયું, સાફો, ફેંટો, પગડી, ફાડ, માથાનું મોળિયું વગેરે.

વળી, પાઘડીનો વિવિધ સંદર્ભમાં ઉપયોગ પણ જોવા મળે છે:

(૧) મોટી પાઘડી,

(૨) ઘાટ કે ઢંગધડા વગરનું ફાળિયુ,

(૩) આબરૂ, લાજ,

(૪) મકાનભાડે લેતી વખતે અગાઉ જે ખાનગી રકમ (ડિપોઝીટ) લેવામાં આવે છે તે (Goodwill) વગેરે.

ઇતિહાસ :- પાઘડી પહેરવાના મૂળ સિંધુ ઘાટી સભ્ય સંસ્કૃતિથી ચાલ્યા આવે છે. એ સમયમાં પાઘડી નહીં પરંતુ ‘ઉત્તરીય’ એટલે કે ઉપવસ્ત્ર ~ ખેસ હતું. સ્ત્રી અને પુરુષો બંને પોતાની અલગ સ્ટાઈલની ઉત્તરીય પહેરતા. પુરુષો દ્વારા મસ્તક અને ખભા પર ખેસ પહેરવામાં આવતું. સ્ત્રીઓ પહેરતી એ ઓઢણું કે ઓઢણી તરીકે ઓળખાતી. સિંધુ ઘાટી સભ્યતામાંથી મળી આવેલ મૂર્તિઓમાં પુરુષોને પાઘડી પહેરેલા બતાવ્યા છે જ્યારે સ્ત્રીઓને અતરંગી ટોપી પહેરેલી બતાવવામાં આવી છે. એ ટોપીઓ પીંછા, ટેરકોટ્ટાના કોન, ફૂલ વગેરેથી સજાવવામાં આવતી.

મૌર્યકાળમાં પુરુષો પોતાના વાળને કાપડની સેરમાં બાંધી તેની અંબોડી વાળીને તેને માથાની એક બાજુએ રાખીને પાઘડી પહેરતા ~ સાઈડ અંબોડાવાળી પાઘડી. ચંદ્રગુપ્ત મૌર્યની સીરિયલમાં ચંદ્રગુપ્ત આ પ્રકારની પાઘડી પહેરેલા  જોવા મળશે.

રાજપુતકાળ પાઘડીનો સોનેરી સમય હતો એવું કહી શકાય. એ સમયમાં પાઘડી બાંધવી એક કલા ગણાતી, જે પાઘડી બાંધવામાં માહિર હોય તેને રાજપૂતોના રાજદરબારમાં પાઘડી બાંધવાના કામે રાખવામાં આવતા. આ સમયમાં સામા છેડે મુઘલો પણ આવ્યા હતા. તેઓએ પણ રાજપૂતોની પાઘડીથી પ્રેરાઈને પોતાની પાઘડી (રાજ મુકુટ) પર હીરા – મોતી, સોનાનાં તાર, કિંમતી રત્નો, આભૂષણો લગાવવાનું શરૂ કર્યું હતું.

મરાઠા શાસનકાળ દરમ્યાનની પેશવાઈ પાઘડી, મૈસુર પેટા, જીરેતોપ વગેરે માથાને પૂરી રીતે ઢાંકી દેતી. મરાઠા રાજવીઓ પોતાની પાઘડીમાં કાચ, મોતી, અર્ધ કિંમતી પથ્થરો – રત્નો વગેરે લગાવતા.

પ્રકાર:- આખા ભારતમાં પાઘડીના અલગ નામ હોવાની સાથે એના વિવિધ પ્રકારો પણ જોવા મળે છે. તો રાજ્ય પ્રમાણે પાઘડીના પ્રકારો આ મુજબ છે :

 (૧) ગુજરાત :- ગુજરાતમાં પાઘડી પાઘડી કે ફાળિયુંના નામથી ઓળખવામાં આવે છે. આપણા ગુજરાતના પ્રસિદ્ધ ચારણી સાહિત્યના વિદ્વાન કવિશ્રી પીંગળશીભાઈ ગઢવીએ પાઘડીના પ્રકાર ઉપર ગીત લખ્યું છે જે આ મુજબ છે :

મોરબીની ઈંઢોણી, ને ગોંડળની ચાંચ,
જામનગરનો ઊભો પૂળો, પાઘડીએ રંગ પાંચ. (૧)

બારાડીની પાટલિયાળી,બરડે ખૂંપાવાળી,
ઝાલાવાડની આંટિયાળી, કાળીટીલીવાળી. (૨)

ઓખાની પણ આંટિયાળી,ભારે રૂઆબ ભરેલી,
ઘેરી ને ગંભીર ઘેડની, જાતાં આંખ ઠરેલી. (૩)

સોરઠની તો સીદી સાદી ગીરનું કુંડાળું,
ગોહિલવાડની લંબગોળ,ને વળાંકી વઘરાળું. (૪)

ડાબા કે જમણા પડખામાં, એક જ સરખી આંટી,
કળા ભરેલી કાઠિયાવાડની, પાઘડી શીર પલાંટી. (૫)

ભરવાડોનું ભોજપરું, ને રાતે છેડે રબારી,
પૂરી ખૂબી કરી પરજિયે, જાડા ઘા ઝીલનારી. (૬)

બત્તી જૂનાગઢ બાબીઓની, સિપાઈને સાફો,
ફકીરોનો લીલો ફટકો, મુંજાવરને માફો. (૭)

વરણ કાંટિયો વેપારી કે વસવાયાની જાતિ,
ચારણ, બ્રાહ્મણ, સાધુ જ્ઞાતિ પાઘડીએ પરખાવી. (૮)

ઉપરોક્ત ગીતમાં ગુજરાતના દરેક પંથની પાઘડીઓ આવી જાય છે.

(૨) રાજસ્થાન:- રાજસ્થાનમાં પાઘડી ‘પગડી કે પાગ’ તરીકે ઓળખવામાં આવે છે. રાજસ્થાનમાં પાઘડીના પ્રકારો આ પ્રમાણે છે : પેંચા, સેલા, સાફા, મેવાડી (જે મહારાણાઓ દ્વારા પહેરવામાં આવે) વગેરે.

(૩) મહારાષ્ટ્ર :- મહારાષ્ટ્રમાં પાઘડીને ‘ફેટા’ તરીકે ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારની પાઘડીઓ જોવા મળે છે : કોલ્હાપૂરી, પુનેરી, માઉલી, મૈસુર પેટા કે ફેટા તેમજ મહાત્મા ફૂલે વગેરે જેવી પાઘડીઓ સ્પેશિયલ મરાઠાઓ દ્વારા પહેરાવવામાં આવતી હતી.

(૪) પંજાબ :- રાજસ્થાન પછી પંજાબમાં પાઘડીનું વિશિષ્ટ મહત્વ રહ્યું છે અને એ લોકો માટે તો પાઘડી પહેરવી ફરજિયાત છે. પંજાબના શીખ લોકો માટે પાઘડી માત્ર માથું ઢાંકવાનું વસ્ત્ર નહીં રહેતા, તેના ધર્મ – આસ્થા સાથે જોડાયેલું અદ્વિતીય પ્રતીક છે. પાઘડી પંજાબમાં ‘પગડી’, ‘દસ્તાર’ વગેરે જેવા નામોથી ઓળખવામાં આવે છે. ત્યાં પાઘડી આ પ્રકારે જોવા મળે છે : પટિયાલા શાહી દસ્તાર, મોરની – પોચવી દસ્તાર, અમૃતસર શાહી દસ્તાર વગેરે. શીખધર્મનાં પાંચ પવિત્ર વસ્તુઓમાં તેઓની દસ્તાર પાઘડી પણ શામેલ છે, માટે શીખ લોકો પાઘડી ધારણ કરે છે. દસ્તાર પાઘડી એ આસ્થા, સમાનતા, આદર, આત્મ સમ્માન, હિંમત, આધ્યાત્મિકતા અને ભક્તિનું પ્રતીક છે.

મહત્વ અને કહેવતો :-

પ્રસંગો અનુસાર પાઘડીઓનું પણ અલગ મહત્વ છે, જેવો પ્રસંગ એવો પાઘડીનો રંગ હોય છે. કેટલાક ઉદાહરણો જોઈએ. કેસરી રંગની પાઘડી કોઈ રેલી કે ધાર્મિક રથયાત્રામાં પહેરવામાં આવે છે. સફેદ રંગની પાઘડી મરણ જેવા કોઈ દુ:ખદ પ્રસંગમાં પહેરવામાં આવે છે. ગુલાબી રંગની લગ્નપ્રસંગમાં અને બ્લુ રંગની પાઘડી શીખ લોકો યુદ્ધ કે લડાઈ દરમિયાન પહેરવામાં આવે છે. બ્લુ રંગને યુદ્ધનું પ્રતીક છે માટે શીખ લોકો બ્લુ રંગની પાઘડી પહેરે છે અને એ પાઘડી ઉપર એ લોકોનું ધર્મચિહ્ન અંકિત કરવામાં આવેલું છે. પાઘડીઓ વિશે ઘણી કહેવતો જોવા મળે છે જે આ પ્રમાણે છે :

(૧)     લાખોમેં એક લખેશરી, સોમેં એક સુજાન,
સબ નર બાંધે પાઘડી, સબ નરકુ નહીં માન.

(૨)     મૂંછ મેળાવો પાઘડી, ચોથી ચતુરાઈ જાણ,
નાનપણમાં આવે તો, પછી કદી ન આવે.

(૩)     પાતળી પહેરે મોજડી, ચાલે ચટકતી ચાલ,
વાંકી બાંધે પાઘડી, ભલો ઈ કાઠિયાવાડ.

(૪)     પુરૂષને વહાલી પાઘડી, સ્ત્રીને વહાલું ઘર,
બ્રાહ્મણને વહાલાં લાડવા, વાણિયાને વહાલું જર.

(૫)     શીર સલામત તો પાઘડિયા બહુત.

(૬)     પાઘડી બાંધવામાંવાર, પાડવામાં શું વાર ?

વિશેષ બાબતો :-

– રાજાશાહીના શાસનકાળમાં દરેક રાજા – મહારાજા પોતાની અલગ શૈલીની પાઘડી ડિઝાઈન કરાવતા, જેમ અત્યારે આપણે પર્સ, ટોપી, ટી શર્ટ વગેરે customise કરાવી છીએ તેમ.

– રાજા મહારાજાઓની પાઘડી લગભગ સાત થી આઠ પ્રકારના આભૂષણોથી સજાવવામાં આવતી હતી.

– રાજપૂત કાળની પાઘડી ૨૨ ઇંચ લાંબી અને ૮ ઇંચ પહોળી જોવા મળતી.

– અલગ અલગ પ્રાંતની પાઘડી તેમજ ટોપીઓને લઈને ભારત સરકારના પોસ્ટ વિભાગે ૧૬ જગ્યાઓ માટેના ૧૬ પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડયા હતા, જેમાં વિવિધ પ્રાંતની પાઘડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં રાજસ્થાની પાઘડી, ગુજરાતની કાઠિયાવાડી પાઘડી, હરિયાણી પાઘડી, પુણેરી પાઘડી, શીખ લોકોની દસ્તાર પાઘડી, મૈસુર પેટા, મિથિલા પાઘડી તેમજ ટોપીઓમાં હોર્નબિલ યોદ્ધા ટોપી, હિમાચલી ટોપી, અંગામી આદિવાસી ટોપી, કશ્મિરી ~ કરાકુલ ટોપી, બ્રોકપા ટોપી, લદ્દાખી ટોપી ~ ગોંડા વગેરે.

– પટિયાલાના અવતારસિંહ મૌનીએ વિશ્વની સૌથી મોટી પાઘડી પહેરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમની દસ્તાર પાઘડી ૬૪૫ મીટર લાંબી અને ૪૫ કિલો વજન ધરાવતી છે.

તો આ વાત હતી, આપણી ભારતીય સંસ્કૃતિની રૂઆબદાર પાઘડીના ઇતિહાસ વિશેની


સુશ્રી વિશાખા મોઠિયાનો સંપર્ક vishakhawriter@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.