દિગ્દર્શન અને સંગીતનું સાયુજ્ય એટલે ‘ભારત એક ખોજ’નું સંગીત

બીરેન કોઠારી
ત્રીજા હપ્તામાં આર્યોના આગમન અને તેને લગતા મત વિશે વર્ણન છે.
આ કડીમાં સંસ્કૃતિના થતા પ્રસારની સાથે કુદરતની ખુબીઓને કારણે બદલાતી જીવનશૈલીના વિવિધ પ્રસંગોને અનુરૂપ ગીતો દ્વારા રજૂ કરી છે.
આરંભે ‘હે જલ! હે ઉદક! નીર હૈ, સુખસ્રોત હૈ’ ગીત એ કાળના લોકોના જીવનમાં પાણીની મહત્તા દર્શાવે છે. ( @ ૪.૩૦ થી ૬.૩૫)
એ પછી અગ્નિનું મહત્ત્વ દર્શાવતું ગાન ‘હે મન, જૈસે ધન કામના સે જન, જુડે હુએ રથ કા યશ ગાતે હૈ’ છે, જેમાં પ્રમુખ પુરુષ સ્વરની પાછળ સમૂહગાન છે. ( @ ૯.૪૬ થી ૧૦.૫૦)
આગળ જતાં યુદ્ધગાન ‘ગાયક ગાતા હૈ, ઈન્દ્ર કે લિયે ગાના’ સમૂહસ્વરમાં છે, જે જોશ ભર્યો છે. આ સમૂહગાનની ગતિ એટલી તેજ નથી, પણ સંગીત તેમજ સમાંતરે ચાલતાં દૃશ્યોને કારણે તેની જુસ્સાભરી અસર ઊભી થાય છે. ( @ ૧૯.૩૩ થી ૨૧.૨૬)
ઈન્દ્રની સ્તુતિ કરતું સમૂહગાન ‘કિસને અરિવધ કર, સપ્તસરિતા બહાઈ’ પણ એવી જ જોશીલી અસર પેદા કરે છે. ( @ ૨૨.૩૦ થી ૨૪.૧૩)
‘ગ્રામ’ એટલે કે ગામ અને તેની સંસ્કૃતિ વર્ણવતું ગીત ‘ગાયેં આયેં, હમારે ઘર રહેં’ કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં છે, જેમાં તાલ નહીંવત્ છે. સમૂહગાન મુખ્ય સ્વરને અનુસરે છે. ( @ ૨૫.૧૦ થી ૨૭.૦૮)
કથા આગળ વધે છે એમ વૈદિક કાળના લોકોનું, એમની જીવનશૈલીનું વર્ણન આવે છે. એમાં એવો ઉલ્લેખ છે કે જુગાર એમના આનંદપ્રમોદની મુખ્ય પ્રવૃત્તિ હતી. આ દર્શાવતું ગીત ‘આ યે પાસે, ઝંઝાવાત મેં પેડ સે ટપકે’ પાસા વિશેનું રમૂજી વર્ણનાત્મક ગીત છે. એકલ સ્વરથી શરૂ થઈને તરત જ તે સમૂહગાનમાં પરિવર્તીત થાય છે, અને આગળ જતાં તેનો લય તેજ બને છે. ‘પત્નીયાં જુઆરી કી, વિરહ મેં જલ મરી હૈ’ જેવા શબ્દો – @ ૩૧.૨૦ થી ૩૧.૨૯- તેની વિપરીત અસરોનું વર્ણન છે. તાલપલટા આ ગીતને કર્ણપ્રિય બનાવે છે. ( @ ૨૯.૦૫ થી ૩૨.૧૪)
જુગારમાં ભાન ભૂલેલો સુતેજા નામનો જુગારી પોતાના સરદાર અને પિતાજી પર હાથ ઉઠાવે છે. એ પછી તેને વાસ્તવિકતાનું ભાન થતાં પશ્ચાતાપરૂપે વાગતું ગીત ‘વરુણ હે! પૂછતા મૈં સ્વયં સે, મૈંને કિયા હૈ પાપ કૌન સા’ બહુ વિશિષ્ટ છે. તેમાં તાલ નથી, અને ખપ પૂરતાં સહાયક વાદ્યો. આથી સ્વરનું પ્રભુત્વ જણાઈ આવે છે. ( @ ૩૩.૨૫ થી ૩૫.૧૫)
તેની પાછળ જ ઉષામાહાત્મ્ય દર્શાવતું ‘આતી હૈ, આતી હૈ, દેખો! ઉષા આતી હૈ’ શબ્દો ધરાવતું યુગલગાન છે, જે ખુશમિજાજી ગીત છે. ( @ ૩૫.૨૦ થી ૩૭.૪૦)
આ સંસ્કૃતિના વધુ એક મહત્ત્વના અંગ એવા યજ્ઞનું માહાત્મ્ય ‘હે અગ્નિ! આહુતિ કા અન્ન લો!’ શબ્દો ધરાવતા ગાનમાં છે. ( @ ૩૮.૧૬ થી ૩૯.૩૦)
મૃત્યુ વખતે ગવાતું સમૂહગાન ‘ઓ પિતા! પરમ વ્યોમ મેં અપને પિતરોં સે મિલો!’ અસરકારક છે, જે સંભવત: ઋચાઓનો અનુવાદ હોય એમ જણાય છે. ( @ ૪૦.૧૮ થી ૪૧.૫૦)
અશ્વમેધ યજ્ઞ દ્વારા રાજાનો રાજ્યાભિષેક કરતાં અશ્વનું માહાત્મ્ય ‘અશ્વ હે! અંતરીક્ષ કે આદિ જલ મેં ઉદિત હુએ તુમ’ દ્વારા થયા પછી અશ્વને છૂટો મૂકવામાં આવે છે ત્યારે જોશભર્યા લયમાં ગવાતું સમૂહગાન ‘અશ્વ હે! દૌડતા રથ કે રે પીછે’ અશ્વમેધના માહોલને પેદા કરી દે છે. ( @ ૪૬.૨૫ થી ૪૮.૧૫)
એ પછી ‘જાઓ, અશ્વ તુમ જાઓ’ વળી પાછું ધીમા લયમાં, અને તરત જ ઝડપી લયનું સંગીત અદ્ભુત અસર ઊભી કરે છે ( @ ૪૮.૧૬ થી ૪૯.૨૬) અને ત્યાં જ આ હપ્તો સમાપ્ત થાય છે.
અહીં કેટલીક બાબતો તરત ધ્યાનમાં આવે એવી છે. આ સમૂહગાન કે ગીતોમાં ફિલ્મી ગીતોમાં હોય છે એમ પૂર્વાલાપ કે મધ્યાલાપ નથી. એ સીધાં જ શરૂ થઈ જાય છે. સંગીત સ્વતંત્ર નથી, પણ શબ્દોને ઉઠાવ આપવા માટે પ્રયોજાયું છે. મોટા ભાગે અસલ વાદ્યોને બદલે કીબોર્ડ એટલે કે કૃત્રિમ સૂરોનો ઉપયોગ છે, છતાં તે ધારી અસર ઉપજાવવામાં સફળ રહે છે. ગીત કે ગાનને પરિસ્થિતિ યા સંવાદોની સાથે એ રીતે ગોઠવવામાં આવ્યું છે કે તે બાકીના કથાપ્રવાહને આગળ લઈ જાય. વૈદિક યુગમાં ગીતસંગીતનું મહત્વ કેટલું હતું એ આ શૈલીથી આપોઆપ પ્રસ્થાપિત થાય છે.
નીચેની લિન્ક પર આ હપતો જોઈ શકાશે.
ક્રમશઃ
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
Disclaimer:
The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.
