જીના શેઠ
અનોખું સાંસ્કારિક આંદોલન
(ઉદ્ભવ, વિકાસ અને અસ્ત)
ઉદ્ભવ અને પ્રારંભકાળ
વર્તમાન ગુજરાતી રંગભૂમિને આપણે જે સ્વરૂપમાં જોઈએ છીએ તેના ઉદ્દભવને લગભગ પોણા બે સદી જેટલો સમય થઈ ગયો. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં સાહિત્યિક અને સામાજિક નવજાગૃત્તિનો પ્રાદુર્ભાવ થયો, તેની સાથે રંગભૂમિનો પણ એ પ્રબોધ કાળ હતો.
વિચારોની જુદી-જુદી શાળાઓ (Schools of Thoughts) વિશ્વભરમાં છે. આપણા નાટકને સંસ્કૃત નાટ્યશાસ્ત્રની જેમ જ પાશ્ચાત્ય નાટયમીમાંસા પણ સ્પર્શી છે. ગુજરાતી રંગભૂમિ પર તો પશ્ચિમના નાટયલેખન અને અભિનયશૈલીની અસર સ્પષ્ટ રહી છે.
ગુજરાતી રંગભૂમિનો ઉદ્દભવ પ્રથમ મુંબઈને આંગણે થયો અને એના જન્મદાતા હતા મુંબઈના પારસીઓ. તે વખતે અંગ્રેજો ‘બૉમ્બે થિયેટર’માં શેક્સપિયર, મોલિયેર અને શેરિડનનાં નાટકો ભજવતા હતા. તે જોઈને મુંબઈના પારસી કલાકારોને આવાં નાટકો ગુજરાતી અને ઉર્દૂમાં ભજવવાની ઇચ્છા થવાથી પારસીઓએ એમની જ શૈલીથી નાટકો ભજવવાની શરૂઆત કરી. ૧૮૪૨ની આસપાસ શંકર શેઠે મુંબઈમાં થિયેટર બંધાવ્યું.
વર્ષ ૧૮૫૦માં પ્રથમ નાટક દલપતરામ દ્રારા ‘લક્ષ્મી’ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, જેની પ્રેરણા એરિસ્ટોફનસ દ્રારા પ્રાચીન ગ્રીક કૉમેડી નાટક “પ્લુટસ’ પરથી લેવામાં આવી હતી. ૧૮૫૨માં, એક પારસી નાટય જૂથ દ્રારા ગુજરાતી ભાષામાં ‘શેક્સપિયર’ નાટકનો ખેલ સુરત શહેરમાં ભજવવામાં આવ્યો હતો. વર્ષ ૧૮૫૩ની ૨૯મી ઓક્ટોબરે ગ્રાન્ટ રોડ થિયેટર મુંબઈ ખાતે ફરામજી ગુર્તાદજી દલાલની ‘પારસી નાટકમંડળી’ દ્વારા સૌપ્રથમ પારસી – ગુજરાતી નાટક ‘રુસ્તમ અને સોહરાબ’ રજૂ કરવામાં આવ્યું હતું. જે ગુજરાતી રંગભૂમિની શરૂઆતનું માઈલસ્ટૉન ગણાય છે. તે સાથે ફારસી પ્રહસન ‘ધનજી ધરાક’ પણ ભજવવામાં આવ્યું. આમ ગુજરાતી રંગભૂમિનો પ્રારંભ થયો.
૧૮૪૦-૫૦ની વચ્ચે ગુજરાતી નાટકો મુંબઈ, અમદાવાદ ને સુરતમાં ભજવાયાં હતાં. તે પછીથી ૧૮૬૧ સુધીના અરસામાં વિક્ટોરિયા, બાલીવાલા જેવી જુદી-જુદી પારસી નાટકમંડળીઓ દ્રારા જુદાં-જુદાં નાટકો ભજવાયાં અને નાનાં-નાનાં થિયેટરો પણ બંધાવાયાં. આ પ્રવૃત્તિના અગ્રેસરો તરીકે શ્રી કુંવરજી નાઝર, દાદાભાઈ સો. પટેલ, કાબરાજી ખુરશેદજી બાલીવાલા, દાદાભાઈ રતનજી થૂથી, ફરામજી ગુસ્તાદજી દલાલ, નાનાભાઈ રાણીના કાવસજી ખટાઉ વગેરે મુખ્ય ગણી શકાય.
ત્યારબાદ મુંબઈમાં ‘ગુજરાતી નાટકમંડળી’ પણ સ્થપાઈ અને તેણે ૧૮૬૫ થી ‘૭૫ના સમય દરમિયાન ખેડા જિલ્લાના રણછોડરાય ઉદયરામ દવે કૃત ‘લલિતા દુઃખદર્શક’, ‘બાણાસુર મર્દન’, ‘મદાલસા’, ‘જયકુમારી વિજય’ જેવાં નાટકો ભજવ્યાં. આમ, ગુજરાતી રંગભૂમિની સ્થાપના અને પ્રેરણાને રણછોડરાય દવેનાં નાટકોથી વેગ મળ્યો અને તે ગુજરાતી રંગભૂમિના પ્રવર્તક તરીકે પોંખાયા. ત્યારબાદ સૌરાષ્ટ્રના શ્રીમાળી અને ગૂગળી બ્રાહ્મણો, ઉત્તર ગુજરાતના નાયક, ભોજક અને મેરો, એ બધાએ પણ જુદી-જુદી નાટચસંસ્થાઓ સ્થાપી. ઈ.સ. ૧૮૭૫ સુધીના સમયમાં ‘મુંબઈ-ગુજરાતી નાટકમંડળી’, ‘મોરબી આર્ય સુબોધ નાટકમંડળી’, ‘દેશી નાટક સમાજ’, ‘નાની મોટી વાંકાનેર નાટકમંડળીઓ’ આમ, ઘણી બધી નાટ્ય સંસ્થાઓની સ્થાપના થઈ.

આ નાટ્યપ્રવૃત્તિમાં પોતાનો તન, મન અને ધનથી ભોગ આપનારાઓમાં કોઈ વકીલો, ડૉક્ટરો, વેપારીઓ અરે એ સમયના રજવાડાંનાં મોટા-મોટા દીવાનો અને અમલદારો પણ રંગભૂમિને સુદ્રઢ અને લોકપ્રિય બનાવવામાં મદદરૂપ થયા હતા. ગુજરાતી વ્યવસાયી રંગભૂમિને ‘જૂની રંગભૂમિ’ અથવા ‘પરદા નાટક’ કહેવામાં આવે છે. નાટકમાં સ્થળ બતાવવા ચીતરેલા પડદા લટકાવવામાં આવતા. આ નાટકોની લોકમાનસ ઉપર જબરી પકડ હતી.
કેટલીક સંસ્થાઓ પોતાના નામ પાછળ ‘સમાજ’ એવો શબ્દ વાપરતી, જેમ કે, ‘શ્રી દેશી નાટક સમાજ’, ‘શ્રી આર્ય નૈતિક નાટક સમાજ’, ‘શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ.’ એ સંસ્થાઓ ખરેખર એક સમાજરૂપે જ
જીવતી, કારણ કે સંસ્થામાં સેટિંગ, સંગીત, પોશાક, હથિયાર, વિંગ, બૂટ અને જોડા, વીજળી-સાધનો, ભોજન વગેરે આ બધા વિભાગોના મળીને ૧૫૦થી ૨૦૦ જેટલા કલાકાર કસબીઓનો નિભાવ થતો. તેમના માટે રહેવા-જમવાની પણ વ્યવસ્થા રહેતી.
અમુક નાટ્યસંસ્થાઓએ કેટલીક સંસ્કારપરંપરા પણ જાળવી રાખી હતી. ‘મોરબી આર્ય સુબોધ’ અને ‘પાલિતાણા ભક્તિ પ્રદર્શક નાટકમંડળી’ના રસોડે દરરોજ પાંચ-છ સાધુઓને જમાડાતા. જ્યારે વાંકાનેર સત્ય બોધક નાટક કંપનીમાં દર પૂનમે સત્યનારાયણની કથા કરવામાં આવતી. રાતના 3-4 વાગે નાટક પૂરું થવા છતાં સવારના સાત-આઠ વાગ્યે બધા ઊઠીને નિત્ય નિયમ પ્રમાણે નાહી-ધોઈ પૂજા-પાઠ પણ કરતા. કેટલીક વાર નાટયસંસ્થાને ચાલુ રાખવા કે ટકાવી રાખવા માટે માલિકોને જમીન, મકાન, દાગીના તથા કીમતી વસ્તુઓ ગિરવે મૂકવી પડતી કે વેચવી પડતી તો ઘણી વખત ઊંચું વ્યાજ પણ ચૂકવવું પડતું . તોપણ નવી સંસ્થાઓ શરૂ કરનારા તો નીકળી જ પડતા. તો નાણાકીય કટોકટીમાં ભાગી ગયેલા શેઠને ‘વાંકાનેર આર્ય હિતવર્ધક’ના કલાકારોએ બાજી સંભાળી લઈ, શેઠને માનભેર પરત બોલાવ્યા હોય એવું પણ બન્યું હતું.
પ્રતિષ્ઠિત કલાકાર કંપનીમાં ટકી રહે તે માટે માલિક તેને ભાગીદાર બનાવતો તો નાટક કંપનીઓ નાટકો માટે અન્ય પુષ્કળ ખર્ચ પણ કરતી. કહેવાય છે કે ૧૯૩૯માં લક્ષ્મીકાન્ત નાટક સમાજે પ્રભુલાલ દ્વિવેદીનું એતિહાસિક નાટક “અક્ષયરાજ’ ભજવ્યું તેમાં સિંહાસન બનાવવાનું ખર્ચ જ રૂ. ૭,૦૦૦/- થયું હતું. (કુલ ખર્ચ ૬૦થી ૭૦ હજાર). એની રજૂઆતને દિવસે પ્લે-હાઉસ ઉપર કલાકો સુધી ટ્રામ વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. તો ‘હરિશ્વંદ્ર’ નાટક જોવાં લોકોનાં ટોળેટોળાં આવતાં. ચાર દિવસ અગાઉથી ટિકિટ રિઝવર્ડ કરાવે તો જ નાટક જોવાની તક મળે એવો પ્રસંગ પણ આ નાટકને પ્રાપ્ત થયો હતો. જ્યારે “સંગીત લીલાવતી’ નાટકમાં ‘વીર વિલાસ’ની ભૂમિકામાં બાળનટ હરગોવિંદ મોતી, સાચાં કીમતી આભૂષણો પહેરતા હતા. ગુજરાતી રંગભૂમિની આ એક વિલક્ષણ ઘટના હતી.
વિકાસ અને સવર્ણયૂગ
ગુજરાતી રંગભૂમિની ચડતી-પડતીના ઇતિહાસમાં ૧૮૮૦થી ૧૯૧૦ સુધીનો ગાળો તેનો સુવર્ણકાળ કહી શકાય તેવો છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતી નાટક અને રંગભૂમિની અસ્મિતા પ્રગટ થઈ. ગુજરાતી રંગભૂમિનો તખ્તો પૌરાણિક, એતિહાસિક અને સામાજિક નાટકોથી ધમધમતો રહ્યો. તેમાં વીર, કરુણ, શૃંગાર અને હાસ્યરસની છોળો ઊડતી હતી.
ગુજરાતી રંગભૂમિએ બુદ્ધ, સિકંદર, ચંદ્રગુપ્ત, હર્ષ જેવા ઇતિહાસખ્યાત વીરોથી લઈને શિવાજી, મહારાણા પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણ અને નરસિંહ મહેતા જેવાં પાત્રોને પણ રંગભૂમિ પર અવતાર્યા હતાં. ગુજરાતના ખૂણે-ખૂણે ધરખમ નાટકમંડળીઓ પ્રવાસ કરતી હતી, સુરત, મુંબઈ, વડોદરા, કરાંચી, નડિયાદ તથા આણંદમાં રંગભૂમિનો રંગ અનેરો જામતો ગયો હતો. રંગભૂમિ સોળે કળાએ ખીલી ઊઠી હતી. એક બાજુ નાટકમંડળી પ્રેક્ષકો માટે પ્રવાસ કરતી તો પ્રેક્ષકો પણ નાટકો જોવા પ્રવાસ કરવાનું ન ચૂકતા. ગુજરાતમાં વસતા અને ગુજરાત બહાર રહેતા, (મુંબઈ, કલકત્તા, કરાંચી વગેરે.) ગુજરાતની તમામ કોમના માનવીઓ નાટક જોવા ઊમટતા. પૌરાણિક અને એતિહાસિક નાટકોના ૩૦૦-૩૦૦ પ્રયોગો ત્યારે થતા. નાટકની પહેલી રાત્રિએ વાતાવરણમાં ગજબની ઉત્તેજના રહેતી.
નાટકનો આ રંગચટકો છેક કાઠિયાવાડનાં રજવાડાઓને પણ લાગ્યો હતો. જૂનાગઢ, વાડાસિનોર તથા ધ્રાંગધ્ા રાજ્યની પોતપોતાની માલિકીની નાટય-સંસ્થાઓ હતી. સૌરાષ્ટ બાજુનાં નાટકોમાં તેઓએ પોતાની ભાતીગળ સંસ્કૃતિ અને કીર્તિ ગાથાઓને રંગભૂમિ પર લાવી, શૌર્યની સાથે દુહા-છંદ ભજન, અને રાસની આગવી પરંપરા સર્જી હતી. તો ઉર્દૂ તખ્તા લોકપ્રિય પેરે પણ આપણા ગુજરાતી કલાકારોએ એવી તો અદ્ભૂત કારકિર્દી જમાવી હતી કે નાટકોનો શોખીન પ્રેક્ષકસમુદાય તેને અનેક વાર જોવા ગીતો (ઉર્દૂ નાટકોની ભાષા સમજાય કે ન સમજાય) ઉમંગભેર જતો. આજની ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે રંગભૂમિ મારફત પ્રેક્ષકોને ‘રિચ કલ્ચરલ એક્સિપિરિયન્સ’ થતો હતો. અને ગીતોની લિરીકલ માધુરી પણ તેમને સ્પર્શી જતી હતી.

આજે કોઈ સ્વીકારે કે ન સ્વીકારે ગુજરાતી રંગભૂમિની નાટ્યસંસ્થાઓમાં એવા નાટ્યલેખકો હતા જેમનાં શૈલી, ભાષાનું જોમ, ઉપમાઓ અને ભાવવાહી ગીતોની રચના પર ગુજરાતનો નાટચશોખીન વર્ગ ઝૂમી ઊઠતો, એવા કેટલાય નાટચલેખકો હતા જેઓ નાટક, પ્રહસન (કૉમેડી) અને ગીતો એ ત્રણેય પાસાંની એકસરખી કુશળતાથી રચના કરી શકતા. તેમાં ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી, મૂળશંકર મૂલાણી, ફૂલચંદ શાહ, કવિ ‘જામન’, ત્રાપજકર, પ્રભુલાલ ઠિવેદી, રઘુનાથ બ્રહ્મભટ્ટ વગેરેનો નામોલ્લેખ કરી શકાય.
તે સમયે ગુજરાતી નાટકોનો દબદબો હતો. દેશી નાટક સમાજનું ‘વડીલોના વાંકે’ નાટક જોવા મુંબઈની શેઠાણીઓ સેલાં-પટોળાં પહેરીને આવતી. ઇન્ટરવલમાં આજના પોપકોર્નની જેમ કાજુ-બદામ ખવાતાં. તે માટે ફેરિયા થિયેટરની અંદર આવી ખારાં કાજુ ને પિસ્તાનાં પડીકાં ચાર-ચાર આનામાં વેચતા. વગર ટિંકિટે કોઈ નાટક જોવા ઘૂસી ન જાય તેનો બંદોબસ્ત કરવા લાલા – પઠાણોને રોકવામાં આવતા. પાનની દાબડીઓ લઈ ધોતી-કુરતામાં સજ્જ શેઠો પાન ચાવતાં-ચાવતાં ઘોડાગાડીમાં બેસી ‘ભાંગવાડી’ થિયેટરમાં નાટકો જોવા આવતા. એકધારાં ત્રણ વર્ષ સુધી ચાલેલા “સૌભાગ્યસુંદરી” નાટકની “સુંદરી” પર તો આખું મુંબઈ આફરીન હતું. તેમને જોઈને મુંબઈની ગુજરાતણોએ પહેરવા-ઓઢવાની સ્ટાઇલ બદલી નાખી હતી. આ ‘સુંદરી’ એટલે જયશંકર ભોજક. જે આખી જિંદગી જયશંકર ‘સુંદરી’ નામથી જ ઓળખાયા. તો તે યુગમાં ‘મોહનલાલા”’ જેવા કલાકાર સ્ટેજ પર આવી, માથા પરથી વિગ ઉતારી માથું ખંજવાળતા અને ફરી પાછી વિગ પહેરી લેતા તોયે પ્રેક્ષકોને રસક્ષતિ થતી નહીં. તે સમયે મોહનલાલા, અશરફ ખાન, જયશંકર ‘સુંદરી’, બાપુલાલ નાયક, છગન ‘રોમિયો’ જેવા રંગભૂમિના કલાકારોએ આજના શાહરૂખ ખાન કે સલમાન ખાન જેટલી જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. આજની પેઢી તો કદાચ આ વાત માનશે નહીં, પરંતુ આ હકીકત છે.
એક સમય એવો હતો જ્યારે છ-છ કંપનીઓ એકસાથે મુંબઈમાં આવી પડતી અને તીવ્ર હરીફાઈ જામતી. શહેર મહિનાઓ સુધી વાજતું-ગાજતું થઈ જતું. મુંબઈનું પ્લે-હાઉસ છેલ્લા દસકામાં રંગભૂમિના હૉલિવૂડ જેવું ગણાતું હતું.
પ્રભુલાલ દિવેદી કહેતા કે, ‘મુંબઈ શહેર એ તો દરેક રંગભૂમિનું આશ્રયસ્થાન છે.’ દરેકેદરેક નાટ્યકારોનું એ સપનું રહેતું કે, ‘રંગભૂમિઓના હૉલિવૂડ સમા મુંબઈમાં અમારાં નાટકો ભજવાય’. તો જાદરના નાયક-ભોજક ભાઈઓની ‘શ્રી મુદ્રણા નાટક સમાજે’ ૧૯૦૩માં એડન, ઝાંઝીબાર, મોરીસ, મસ્કત અને નૈરોબી જેવાં સ્થળોએ ગુજરાતી-હિંદી નાટકો રજૂ કર્યા હતાં. જે ખૂબ લોકપ્રિય થયાં હતાં. સાથે બાલીવાલા નાટકમંડળી તો ઠેઠ બ્રહ્મદેશ (આજનું બર્મા)ને લંડન સુધી તે જમાનામાં સફળતાથી નાટકો ભજવી આવી હતી. આ મંડળીઓએ વિદેશમાં પણ ગુજરાતી રંગભૂમિને યશ અપાવ્યો હતો.
રંગભૂમિનું એક કામ સમાજ સાથે જોડાયેલા રહીને સમાજને જગાડવાનું પણ છે. (Vehicle of social change) આ કામ પણ જૂની રંગભૂમિએ બખૂબી કર્યું હતું. “અરુણોદય’ અને “વડીલોના વાંકે’ જેવાં નાટકોએ કેટલાંય ઘરભંગને આરે ઊભેલાં દંપતીઓના મનમેળ કરાવ્યા હશે. તો માત્ર ૨૨/- રૂ.ની મૂડીથી શરૂ થયેલા લક્ષ્મીકાન્ત નાટક સમાજે ‘અરુણોદય’ નાટકની કમાણીમાંથી લોકપ્રિય સુરતમાં પોતાની માલિકીનું થિયેટર બંધાવ્યું હતું. ૨૫ જુલાઈ, ૧૯૪૦ના રોજ ‘જનાના’ ખેલની શરૂઆત થઈ હતી તો મૂળશંકર મૂલાણીના ‘રાજબીજ’ નાટકનો દરેક અંગ્રેજી માસના છેલ્લા શનિવારે સ્ત્રીઓ માટે ખાસ અલાયદો ખેલ રજૂ થતો, જેમાં માત્ર બહેનો અથવા બહેનો સાથે આવેલા ભાઈઓને જ પ્રવેશ મળતો અને કેખુશરો કાબરાજી તો નાટકોને સફળ બનાવવા જાતજાતના નુસખા અજમાવતા. નાટક જોવા આવતી સ્ત્રીઓનાં બાળકો માટે નાટકશાળાના કમ્પાઉડમાં ઘોડિયાંની ખાસ વ્યવસ્થા મંડળી તરફથી કરવામાં આવતી.
તો ગુજરાતી નાટ્યકારોની રચનાઓના અનુવાદ ગુજરાતી સિવાયની રંગભૂમિ પર પણ ભજવાતા અને ખૂબ વખણાતા. જેમ કે ‘ હરિશ્ચંદ્ર’ નાટકનું ઉર્દૂ ભાષાંતર આગા હશરે કર્યું. જેના સંખ્યાબંધ પ્રયોગો થયા, જેણે એમને ખૂબ પ્રસિદ્ધિ અપાવી. તો ‘નાટક ઉત્તેજક મંડળી’ માટે કાબરાજીએ કવિ નર્મદ પાસે પણ નાટકો લખાવ્યાં હતાં.
રત્રી-કલાકારો અને અવનવા પ્રયોગો
જયશંકર ‘સુંદરી’ સાથે મા. ત્રિકમ, રતિલાલ પટેલ, મા. ભીખુ, મા. હિંમત, મા. પ્રાણશંકર આચાર્ય, મા. ગોરધન, મૂળચંદ મામા, અમૃત જાની, શંકરલાલ નાયક, મા. વસંત આ બધાં નામચીન પુરુષ કલાકારોએ
સ્ત્રીપાત્રોને બખૂબી ન્યાય આપી સુંદર રીતે ભજવ્યાં હતાં. કારણ ૧૯૪૦ની આસપાસ સુધી ભાગ્યે જ કોઈ સ્ત્રી રંગભૂમિના ક્ષેત્રે કામ કરતી અને જેમણે ગુજરાતી રંગભૂમિમાં પ્રવેશ કરેલો, તેમાંની કેટલીક સ્ત્રીઓનાં તો નાટકમાં કામ કરવા બદલ સગપણ પણ તૂટી ગયાં હતાં.
શરૂઆતના કાળમાં ગોહરબાઈ, મુન્નીબાઈ અને મિસ મેરી ફેન્ટન ઉર્ફે મેહરબાઈએ સ્ત્રી-કલાકારો તરીકે સારું આકર્ષણ જન્માવ્યું હતું. પછી તો મોતીબાઈ, કમળાબાઈ કર્ણાટકી, રામપ્યારીબાઈએ પણ પોતાના અભિનયનાં ઓજસ પાથર્યા ને રાણી પ્રેમલતા, કુસુમ ઠાકર, રૂપકમલ, મનોરમા, શાલિની, સરસ્વતી દેવી વગેરે પણ ખૂબ જાણીતાં બન્યાં હતાં. તો ગુજરાતી તખ્તાની વિજયા દેશમુખે પછીથી ‘સંધ્યા’ તરીકે વી. શાંતારામની ફિલ્મોમાં પણ ખૂબ પ્રખ્યાતિ મેળવી હતી અને શાન્તા આપ્ટે જેવી સુંદર ગાયકી ધરાવતી અભિનેત્રી પણ ગુજરાતી તખ્તે ચમકી ગઈ હતી.
જ્યારે ટેક્નોલૉજી એટલી વિકસી ન હતી ત્યારે પણ અવનવા પ્રયોગો કરી પ્રેક્ષકોને મનોરંજક અને આનંદપૂર્ણ અનુભવ થાય તેનો ખ્યાલ રખાતો. |હરિહર ‘દીવાના’ રચિત ‘સતી તોરલ’ નાટક (૧૯૧૫)માં ઘોડી તોરલને રંગમંચ પર લાવવામાં આવી હતી તો ‘ગરીબ ગાય’ નાટકમાં જીવતી સફેદ સુંદર ગાયને ટ્રેઈન કરી સ્ટેજ પર લાવવામાં આવતી. પાગલકૃત ‘સરાષ્ટ્ર વીર’માં પ્રાણસુખ ‘એડીપોલો’એ બહારવટિયા ભાથીના પાત્રમાં સ્ટેજ ઉપર ઝાડ લાવી ટારઝન જેવા સ્ટંટ કર્યા હતા ને ૧૯૪૨માં “પ્રભાત કલા મંડળ’ના ‘લવકુશ’ નાટકમાં વાલ્મીકિત્રકષિના આશ્રમવાળા દશ્યમાં રંગમંચ પર સસલાં, હરણ, સફેદ કબૂતરો, શાહમૃગ, વાંદરાં વગેરે રજૂ કરવામાં આવ્યાં હતાં. ટેક્નોલૉજીના સહારે અનેક દિલચશ્પ પ્રયોગો પણ તખ્તા પર રજૂ કરવામાં આવતા. તે વખતે દરેક કંપનીમાં આવી એક વ્યક્તિ રહેતી. ‘આર્યનૈતિક’માં પેઇન્ટર મહંમદ આલમ તો ‘મોરબી કંપની’માં મા. રંગીલદાસ ને ‘દેશી’માં જહાંગીર મિસ્ત્રી અને ‘મુંબઈ ગુજરાતી’ના મૂલાણી બચુભાઈ રૂઘનાથની કલાસૂઝને પરિણામે જે-તે સંસ્થાઓનાં પૌરાણિક નાટકોને સારી ખ્યાતિ મળી હતી. તો પેઇન્ટર ખાનના ‘ઓમ કલામંડળ’ના ‘જેસલ-તોરલ’ નાટકમાં દરિયાનું દશ્ય, મંદિરમાં મૂર્તિમાંથી અગ્નિ પ્રગટ થયાનું દશ્ય, સુધીર શેઠ સામે તોરલનું હાડપિંજર બની જવાનું દશ્ય ને ‘સળગતો-સંસાર’માં પુલને બોંબથી તોડી નાખવાનું દશ્ય ખૂબ વખણાયાં હતાં સાથે નાટચજગતમાં બેકસ્ટેજ માટે ગુજરાત અગ્રિમ સ્થાન ધરાવે છે એના એક યશદાર નારણભાઈ મિસ્ત્રી પણ ખરા!
મૂશ્કેલીઓ અને અસ્ત
દયાશંકર ‘ઉસ્તાદ’ હંમેશાં કહેતા કે, ‘ નાટ્યસંસ્થાના માલિક થવું અને તે વ્યવસ્થિત ચલાવવી એ પારો પચાવવા જેવું દુષ્કર કાર્ય છે.’ નાટક કંપનીનો રસાલો એટલે નાના-સૂના રજવાડાંના વહીવટ જેવડો વહીવટ. આવડું મોટું તંત્ર ચલાવવામાં પડતી આર્થિક મુશ્કેલી, સિસ્ટમનો અભાવ, નિષ્ફળ નાટકોથી કંપનીને પડતી માર, નાટક કંપનીના આવક-જાવકના આંકડાના ‘બજેટ’ની ખામી અને અનામત ફંડનો અભાવ જેવી બાબતો મુશ્કેલી સર્જી દેતી. વળી, વરસમાં 8 મહિના જ ધંધો કરી શકાય. ચોમાસાના ચાર મહિના ધંધો બંધ રાખવો પડે. સાથે અનેક પ્રકારનાં લાઇસન્સ મેળવવાં પડે. અજાણ્યાં ગામોમાં ગુંડાતત્ત્વોનો સામનો પણ કરવો પડે. આવી તો અનેક પ્રકારની હાડમારી અને સમસ્યાઓ સામે લડવાની માલિક તેમ જ વ્યવસ્થાપકોને ફરજ પડતી. માટે જ નાટયસંસ્થાના અનુભવી માલિક બળદેવપ્રસાદ હીરાલાલ નાયક કહેતા કે, ‘નાટયસંસ્થાના માલિક થવું એટલે સો વીંછીઓના ડંખની વેદના સહેવા બરાબર છે.’ વળી, સ્થાન ટકાવી રાખવા ખેલાતા પેંતરા અને અંતરંગ ચાલતી કેટલીક ક્ષતિઓ તો ખરી જ.

૧૯૩૦ પછીના કાળમાં થતા વારંવારનાં કોમી રમખાણો, સ્વાતંત્ર્ય માટેની લડતો અને ખાસ કરીને બોલતી ફિલ્મોના આગમને એવી સિથિતિ સર્જી કે ગુજરાતી રંગભૂમિ જોતજોતામાં પાનખરની અવસ્થામાં આવી ગઈ.
આ રંગભૂમિની પડતીનાં અનેક કારણોમાંથી કેટલાંક એટલે કૃત્રિમ બેતબાજી, અતિ રંજિત અભિનય, ગીત-સંગીતનો અતિરેક, પડદા સેટિંગ્સ, યાંત્રિક કરામત પાછળ લખલૂટ ખર્ચ, કલાને ભોગે કસબ, કરામત વગેરેનું પ્રાધાન્ય, સસ્તા મનોરંજનની સામગ્રીનો અવિવેકી અતિરેક જેવી વિકૃતિઓને ગણાવી શકાય. દેશી રજવાડાંના કારોબાર અને કાવાદાવાને ટપી જાય એવી આંતરિક ખટપટો આ રંગભૂમિના નેપથ્યે ખેલાતી રહેતી. વળી, ધંધાદારી રંગભૂમિ સમય, દેશ, કાળ સાથે તાલ મિલાવી શકી નહીં. બીજા વિશ્વયુદ્ધ બાદ સમસ્ત જીવનનાં મૂલ્યોમાં જે પરિવર્તન આવ્યું તેને અનુરૂપ આ નાટય-સંસ્થાઓ થઈ શકી નહીં.
કંપનીના માલિકોમાં પણ કલા અને સાહિત્ય પ્રત્યેનો આદર ઘટ્યો ને કેવળ બૉક્સ ઓફિસ પર જ નજર રાખવાથી આ દુર્ભાગી રંગભૂમિની પ્રગતિ અટકી ગઈ ને આવેલી અઢળક સંપત્તિ રેસમાં, જુગારમાં કે આડા-અવળા માર્ગે વેડફાઈ જવા લાગી. નાટક માટેનાં થિયેટરો સિનેમાગૃહ બની ગયાં ને ફિલ્મો પ્રત્યે પ્રેક્ષકોનું મન ખેંચાતાં નાટકો તરફની રસવૃત્તિ ઓછી થવા માંડી. નવા શક્તિશાળી લેખકો, કલાકારોને પણ ઘસાતી જતી રંગભૂમિનું આકર્ષણ રહ્યું નહીં. ગીતો આવાં બધાં કારણોને લીધે નાટયસંસ્થાઓ ધીમે-ધીમે બંધ થવા લાગી.
તેમ છતાં આ જૂની રંગભૂમિના માલિકો અને સંચાલકોના હૈયાની હિંમત, પોતાના કલાકારો તેમ જ અન્ય કામદારો પ્રત્યેની હમદર્દી અને ફરજનું ભાન એ ભૂલવા જેવી બાબતો નથી. એ સાથે એકસો પાંચ ડિગ્રી તાવમાં પડેલા કે કુટુંબમાં કોઈ અકસ્માત કે મૃત્યુ થવા છતાં બધું જ ભૂલી જઈને નાટકમાં પોતાની ભૂમિકાને ન્યાય આપી રહેલા એ અદાકારોને પણ કેમ ભુલાય ?
સમાપન
ચાર-પાંચ દાયકા દરમિયાન એ રંગભૂમિએ એક ઇતિહાસ સર્જ્યો હતો. અભિનય અને સૂરના સાધક અને કલાના મરમી એવા એ સમયના સર્વ કલાકારો, દિગ્દર્શકો, માલિકો, નાનામાં નાના કલાકાર કસબી… સલામ એ સાંસ્કૃતિક દેવદૂતોને !
આ મંડળીઓએ પાડેલી પ્રણાલીને અનુસરીને ૧૯૨૦ સુધીમાં બીજી ૨૦૦-૩૦૦ મંડળીઓ અસ્તિત્વમાં આવી હતી. તેમાંની ઘણીખરી બે-ચાર વર્ષ કે તેનાથી પણ ઓછો સમય ચાલીને બંધ પડી ગઈ. તો પ્રાદેશિક લોકનાટ્યોની પરંપરાગત રંગભૂમિ એક સમૂહમાધ્યમ તરીકે આજે પણ કેટલાંય ગામડાંઓમાં જબ્બર લોકપ્રિયતા ધરાવે છે.
અનેક મર્યાદાઓ છતાં ગુજરાતની આ વ્યવસાયી રંગભૂમિ એક અનોખું સાંસ્કારિક આંદોલન હતું. જેની પાછળ પાંચસો જેટલી નાટયસંસ્થાઓ, એકસોથી વધુ દિગ્દર્શકો અને એટલા જ રંગકર્મીઓ તથા એક હજારથી વધુ અભિનેતાઓ, ચારસો જેટલી અભિનેત્રીઓ અને ત્રણસો જેટલા સંગીતકારોનો, દોઢસો જેટલા લેખકોએ લખેલાં લગભગ બારસો જેટલાં નાટકો ભજવવાનો દોઢસો વર્ષનો સહિયારો પુરૂષાર્થ પડેલો છે. રંગભૂમિના ઇતિહાસમાં તેનું ઉજ્જ્વળ પ્રકરણ હંમેશાં આનંદ અને અભ્યાસનો વિષય રહેશે.
છેલ્લાં ૭૦-૭૫ વર્ષથી નવી રંગભૂમિની પ્રવૃત્તિ જોવા મળે છે. વ્યવસાયી ધોરણે મુંબઈ, અમદાવાદ, વડોદરા અને સુરત જેવાં શહેરોમાં છૂટીછવાઈ સંસ્થાઓ દ્વારા નાટકો ભજવાય છે. તેમાં ઘણા સુંદર પ્રયત્નો થતા રહે છે તેમ છતાં નવી રંગભૂમિનો પિંડ બાંધી આપે તેવા ટી.વી., લોકપિય ફિલ્મ અને સોશિયલ મીડિયાના. આક્રમણને ખાળી શકે તેવા જૂના અને વીતેલાના સમન્વયરૂપ એવાં જ બીજાં આંદોલનની રાહ જોવાય છે…
ક્રમશઃ
