વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
આ એવો સમુદ્ર તટ છે જ્યાં ઊભા રહીને સૂનકાર કોને કહેવાય એનું વર્ણન કરવું અશક્ય છે. સમુદ્રમાંથી ઊઠતાં પાણીનાં મોજાંનો અવાજ, મોજાં પાછાં વળી જાય ત્યારે કેટલાય છોકરાંઓની કલબલ. પાછળ વિવિધ ખાદ્ય ચીજો વેચવાવાળાનો અવાજ…અવાજ..સતત અવાજ.
જોકે, મને કશું જ નથી સંભળાતું. જાણે કોઈ મૂક ફિલ્મ જોતો હોઉં કે અવાજ બંધ રાખીને ટી.વી.જોતો હોઉં એમ મારા માટે સઘળે ઘેરો સૂનકાર છે.
થોડા દિવસથી શ્રવણશક્તિ ઘટી હતી. દીકરાને કહ્યું તો એણે મને ટકોર્યો,
“ઓછું સંભળાય છે તો મશીન પહેરી કેમ નથી રાખતા?”
મશીનથી ફાયદો નથી જાણીને એણે ઈશારામાં ડૉક્ટર પાસે લઈ જશે એમ કહ્યું. પુત્રવધૂ માટે તો આ કોઈ સમસ્યા જ નહોતી. નિવૃત્ત માણસને વળી શું ફરક પડે? હવે એને કેવી રીતે સમજાઉં કે, બહેરાપણું નિવૃત્ત વ્યક્તિ માટે કેવો શ્રાપ છે?
દીકરી અને જમાઈ બંને કામ કરે છે. જમાઈના મા ગુજરી ગયાં પછી મારી પત્ની દીકરીને મદદ કરવા એના ઘેર રહે છે. એને મારી તકલીફ જણાવીને કોઈ ફાયદો નહોતો છતાં કાગળ લખીને જણાવવાનું વિચાર્યું.
ધીરેધીરે ઉજાસ ઓછો થયો એમ સમુદ્રતટ પર લોકોની અવરજવર ઓછી થતી ગઈ. પાછળથી આવતાં વાહનોનો અવાજ સંભળાતો નહોતો એટલે એની અડફેટમાં ન આવી જવાય એવી સતર્કતાથી મેં ઘર તરફ ચાલવા માંડ્યું. ઘેર પહોંચ્યો ત્યારે પૌત્ર અને પૌત્રી વચ્ચે કોઈ વાતે ઝગડો ચાલતો હશે અને પુત્રવધૂ એમને સમજાવવા મથતી હશે એવું લાગ્યું. પહેલાંનો સમય હોત તો ઝગડાનું કારણ જાણીને એમને સમજાવવા પ્રયાસ કરી શક્યો હોત.
સાંજે જમીને સૌ ટી.વી.ની આસપાસ ગોઠવાયાં. પુત્રવધૂને ધારાવાહિકમાં રસ, છોકરાંઓને કાર્ટૂન નેટવર્કમાં રસ. દીકરો એની ઑફિસની ફાઇલો ખોલીને બેઠો હતો. મારા માટે આ કશું જ કામનું નહોતું. હું બહાર વરંડામાં જઈને માર્ક ટ્વેનની ‘હકલબેરી ફિન’ વાંચવા માંડ્યો. આમ તો આ છોકરાંઓ માટેનું પુસ્તક છતાં મને હજુ આ પુસ્તક ગમે છે. આમ જોવા જઈએ તો બાળપણ અને ઘડપણ એક જેવાં જ ને?
ટી.વી પર ચાલતા પ્રોગ્રામ કે છોકરાંઓ વચ્ચેના વિખવાદ, મને ક્યાં સંભળાવાના એટલે આરામથી વાંચતો રહ્યો. ક્યારેક લાગે છે કે, ન સંભળાવાના લાભ તો છે.
જોકે, મારી પસંદગીનાં ગીતો ન સાંભળી શકવાનો અફસોસ પણ ઓછો નથી. રાત પડે અનેક વિચારો અને ચિંતાથી મન ઘેરાઈ જાય છે. સમજાતું નથી કે, આ ચિંતાઓ ન સંભળાવાના લીધે છે કે ઉંમરના લીધે?
ના ઘડિયાળની ટીકટીક, ના પંખાની ખટખટ. ફક્ત શાંતિનો કોલાહલ. પહેલાં વીજળી જાય અને પંખો બંધ પડે તો એનો સન્નાટો વર્તાતો. અત્યારે પંખો ચાલે છે તોયે સન્નાટો. હવે સન્નાટાની ટેવ પડવા માંડી છે કે શું?
એક વાર્તા વાંચી હતી એ યાદ આવી. લખ્યું હતું,
‘દિવસભરમાં જરૂર ના હોય એવા કેટલાય શબ્દો, જેનાથી તકલીફ પહોંચે એવી કેટલીય વાતો લોકોને સાંભળવી પડે છે. જેમ આંખો પર પાંપણ છે એવી રીતે કાનનેય પાંપણ હોય તો અવાંછિત ગરબડથી બચી શકાય?’
‘ભગવાને મને ખૂલે જ નહીં એવી પાંપણો આપી હશે? હું હસી પડ્યો. ન સંભળાવાના ફાયદા શોધવા માંડ્યો.
‘વાહ, ચારેકોર ગમે એટલો અવાજ કેમ ન હોય, હું શાંતિથી વાંચી શકુ છું. કોઈની સાથે વિવાદ નથી થતો. કોઈ ગમે તે બોલે કે ઘાંટા પડે એ નહીં સંભળાય. દૂર ક્યાંક માઇક પર ઘોંઘાટ થતો, એની મને અકળામણ થતી. હવે એની ચિંતા નહીં. દિવાળીમાં બોંબ ફૂટે તો હવે કાનમાં ધાક નહીં પડે, પરમ શાંતિ.
બીજા સપ્તાહે દીકરો મને ઈ.એન.ટી. પાસે લઈ ગયો. બંને વચ્ચેની વાત સંભળાતી નહોતી. વાતના હાવભાવ પરથી લાગ્યું કે, સર્જરી કરવી પડશે.
નિષ્ણાત ડૉક્ટર પાસે સર્જરી કરાવવાની હતી. એનો ખર્ચો ત્રીસ હજાર થશે એ જાણીને આંચકો લાગ્યો. દીકરીના લગ્નનો ખર્ચો, પોતાનું ઘર બનાવવાનો ખર્ચો કાઢ્યા પછી નિવૃત્તિમાં ખાસ બચત રહી નહોતી. પેન્શનની રકમ બેંકની લૉન ભરવામાં વપરાતી. દીકરો પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. એની કમાણીમાંથી ઘર ચાલે છે એટલે એની પાસે ઝાઝી બચત નહીં હોય એ હું સમજતો હતો.
એક બાજુ દીકરા પર ખર્ચાનો ભાર, બીજી બાજુ જીવનભરનો સૂનકાર. બંને વસમી સ્થિતિ.
બીજું એક સપ્તાહ પસાર થયું. ઘરમાં કોઈએ સર્જરી અંગે વાત ન કરી. ક્યારેક દીકરો અને પુત્રવધૂ મારી સર્જરીને લઈને વાત કરતાં હશે, કદાચ વિખવાદ પણ થતો હશે. પુત્રવધૂને મારી સર્જરી માટે આ ઉંમરે આટલો ખર્ચો કરવાનું બેકાર લાગતું હશે, એવું હું સમજી શકતો.
ન તો આ ચર્ચાનો કોઈ ઉકેલ હતો કે ન અંત.
ચાર દિવસ પછી દીકરાએ સર્જરીનું નક્કી થઈ ગયું છે એવો જાણ કરતો પત્ર બતાવ્યો.
કેવી રીતે વ્યવસ્થા કરી હશે? ઑફિસમાંથી લૉન લીધી હશે? અનેક વિચારો અને ચિંતાથી હું અકળાયો.
“ઑફિસમાંથી કેટલાક સહકર્મચારીઓએ મદદ કરી છે.” અનેક સવાલો કર્યા પછી દીકરાએ કાગળ પર લખીને જણાવ્યું.
થોડી શાંતિ થઈ. હાશ, એ પૈસા હપતે હપતે વાળી શકાશે.
જોકે બે દિવસ પછી રસ્તામાં મળેલા રંગાસ્વામી પાસેથી ખરી જાણકારી મળી.
મારા કાનની સર્જરી અંગે રંગાસ્વામી જાણવા માંગતા હતા. નવાઈ લાગી કે, એમને મારી સર્જરીની કેવી રીતે જાણ થઈ હશે?
હમણાંથી ક્યાંય જવાનું થાય તો ખીસ્સામાં કાગળ-પેન રાખવાની ટેવ પાડી છે. ઝટ દઈને કાગળ-પેન રંગાસ્વામીના હાથમાં પકડાવ્યાં.
એમણે જે લખ્યું એ વાંચીને ખૂબ આઘાત લાગ્યો. પુત્રવધૂને પિયરથી ચઢાવામાં આવેલા દાગીના અને પૌત્રી માટે બનાવેલી સોનાની હાંસડી રંગાસ્વામીના ત્યાં ગિરવી મૂકીને પૈસા ઉધાર લીધા હતા.
આ વિશે મને જાણ નહીં હોય એવું રંગાસ્વામીને ક્યાંથી ખબર?
આ રસ્તો પુત્રવધૂએ કાઢ્યો હતો એવું પણ એમણે જ લખ્યું.
‘ઓહ, આજ સુધી હું એને સમજી શક્યો જ નહોતો !?’
સર્જરી પહેલાં કરાવવા પડતા જરૂરી ચેકઅપના રિપોર્ટ લેવા ગયા ત્યારે દીકરા અને ડૉક્ટર વચ્ચે કંઈક તો ગંભીર ચર્ચા ચાલી.
દીકરાએ લખ્યું,
‘ઈ.એન.ટી. નિષ્ણાત સર્જનનું માનવું છે કે, ઉંમર અને અન્ય રિપોર્ટ જોતાં સર્જરીની સફળતા અંગે સંપૂર્ણ ખાતરી નથી. શ્રવણશક્તિ પાછી મળવાની શક્યતા ઘણી ઓછી છે એટલે સર્જરીનો નિર્ણય વિચારીને લેવો.’
દીકરાનું માનવું હતું કે, ‘ગમે તે થાય સર્જરી તો કરાવી લેવી છે. પપ્પા થોડું પણ સાંભળી શકે તો ગનીમત.’
કાગળ વાંચીને મેં લખ્યું, ‘બેટા, ડૉક્ટરની વાત સાથે સંમત છું. ખરેખર કહું તો ડૉકટરે મારા મનની જ વાત કહી છે. જો સર્જરીથી કોઈ ખાતરીબંધ પરિણામ ન મળવાનું હોય તો એ વાત પડતી મૂકી દે. બહેરાપણું મને સદી ગયું છે. હવે એના લીધે ઝાઝી પરેશાની નથી લાગતી.’
*****
હાશ, આગલા દિવસે ડૉક્ટર સાથે કરેલી વાતથી સર્જરીના નિર્ણયમાં આટલો ફરક પડ્યો એની નિરાંત અનુભવી રહ્યો.
આગલા દિવસે ડૉક્ટરને મળીને જણાવી આવ્યો હતો કે, ‘હું આ સર્જરીની સાવ વિરુદ્ધ છું. હવે મને સાંભળવાની શક્તિ પાછી મેળવવાની કોઈ ઈચ્છા નથી. દીકરાએ ઉધાર લઈને સર્જરી માટે વ્યવસ્થા કરી છે એ મને જરાય મંજૂર નથી. હું સંજોગોને ધ્યાનમાં લઈને સર્જરીની ના પાડું છું એ જાણીને દીકરો દુઃખી થશે, મારી વાતનો વિરોધ કરશે.’
અને ભારપૂર્વક વિનંતી કરી હતી,
‘કૃપા કરીને મારી આટલી મદદ કરશો? તમે જ એને કહેજો કે આ સર્જરીથી ઝાઝો ફાયદો થવાનો નથી.‘
મારી વિનંતી ડૉક્ટરે માની.
બસ, હવે શબ્દોની દુનિયામાંથી વિદાય લઈને સદાના માટે ‘સૂનકાર’ સ્વીકારી લીધો છે.
માન્યમ રમેશકુમાર લિખિત કોલ્લૂરિ સોમ શંકર અનુવાદિત વાર્તા –‘શબ્દ’ પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
