અર્જુનસિંહ. કે. રાઉલજી

અચાનક પવનનો જોરદાર ઝપાટો આવ્યો .કાચની બારી ફટાક દઈને બારીની જ ધાર સાથે અથડાઈ , હીંચકે બેઠી બેઠી પેપર વાંચતી સુમીના હાથમાંથી પેપર છૂટી ગયું , દૂર ખૂણામાં જઈને પડ્યું .બારીના કાચ તૂટી ગયા અને ખ..ણ..ણ.. અવાજ સાથે નીચે પડ્યા . દીઠાનું ઝેર છે ને ભાઈ , દીઠાનું .. એવું જ થયું . સુમી ઉભી થઈને હજુ તો કાચના નાના નાના ટુકડાઓ જોતી હતી , ત્યાં તો હરવિંદરના ફોટા ઉપરથી ફટાક થઈને બેઠેલી ચકલી ઉડી ,ફોટાને હચમચાવતી ગઈ , ફોટો દિવાલ ઉપરથી નીચે પડ્યો –હરવિંદરના ચહેરાના જાણે કે અસંખ્ય ટુકડાઓ થયા , તેની નીચેની ફરસ કાચ કાચ થઈ ગઈ .સુમી બારીના કાચ ભેગા કરવાના બદલે ફરસ ઉપર પડેલા ફોટાના કાચ અને તેની કરચો પાસે આવી .

તેણે ધારી ધારીને જોયું , ફોટા ઉપર ચઢાવેલી સુખડની માળા પણ તૂટી ગઈ હતી , તેનો એકે એક મણકો જુદો પડી ગયો હતો . તેણે ટુકડા ટુકડા થઈ ગયેલા કાચમાં જોયું – તો તેમાં તેને હરવિંદરનો ચહેરો તો ના દેખાયો , પણ પોતાનો ટુકડા ટુકડા થઈ ગયેલો ચહેરો દેખાયો ..! તે નિરાશ થઈ ગઈ , ધારી ધારીને હરવિંદરનો ચહેરો શોધવાનો પ્રયાસ કર્યો પણ તેમાં તેને સફળતા ના મળી .મનોમન બબડી – મારું અક્ષત યૌવન તોડવાની તો તને નવરાશ ના મળી પણ ,તારો ચહેરો જોઈને હું મારું આ ભારરૂપ જીવન વિતાવતી હતી , તને તેની પણ અદેખાઈ આવી ગઈ મારા હરૂ ? કણ કણ થઈ ગયેલો ફોટામાંનો હરવિંદર જાણે કે તેના તરફ જોઈ કણ કણ હસતો હતો .

તે ફરીથી મનોમન બોલી- જા તારી સાથે નહીં બોલું , તારી કિટ્ટા ..! પણ હરવિંદર ક્યાં સાંભળતો હતો ? હરવિંદર જ્યારથી તેને છોડીને ગયો ત્યારથી જાણે કે તેનો આજ ક્રમ થઈ ગયો હતો. કાયમ હીંચકે બેઠી બેઠી દક્ષિણ દીવાલે ટીંગાડેલા હરવિંદરના ફોટા સાથે વાતો કરતી રહેતી સ્વગત ..! તેનાથી એને પોતાના હરૂને મળ્યા જેટલો સંતોષ મળતો ..! જે કાંઈ ફરિયાદો હોય તે તેના હરૂને કરતી. ફોટામાંનો હરવિંદર તેની ફરિયાદો સાંભળતો પણ ખરો ,પણ કોઈ જવાબ આપતો નહીં –માત્ર મંદ મંદ હસતો રહેતો ,.

તેના માટે તો તેનો હરૂ જાણે કે તેના ફોટામાં જ જીવતો હતો , તેમ છતાંય સુમીને હરવિંદર સાથે વાતો કરી હોય એટલો સંતોષ થતો .ફોટો જ તેનો એક માત્ર આધાર હતો , તે પણ તૂટી ગયો. તેણે ફોટા સામે જોઈ ફરીથી ફરિયાદ કરી –માત્ર આટલું જ સુખ બાકી રહ્યું’તું મારા જીવનમાં , તને મારા એ સુખની પણ અદેખાઈ આવી અને તેં એ સુખ પણ છીનવી લીધું ? પણ હરવિંદર તેના પ્રશ્નનો જવાબ આપવા ક્યાં હાજર હતો ?તે તો ફોટામાં ને ફોટામાં જ હસતો રહ્યો ..!

હરવિંદર ગયો ત્યારથી જાણે કે તેના જીવનમાં અંધાર છવાઈ ગયો હતો , એ અંધાર ધીરે ધીરે વિસ્તરીને આખા ઘરમાં ફરી વળ્યો હતો , તે પાગલની જેમ –ભૂતની જેમ આખા ઘરમાં બહાવરી બહાવરી થઈને ફરી વળતી હતી , તેના જીવને ઘરના કોઈ પણ ખૂણે ચેન પડતું નહીં. છેવટે તે આ રૂમમાં આવતી , હીંચકે બેસતી, પગના ઠેલાથી હીંચકો હલાવતી અને હીંચકે ઝુલતાં ઝુલતાં હરવિંદરના ફોટા સામે, તેના ચહેરા સામે ટગર ટગર નાના બાળકની જેમ તાકી રહેતી તેના જીવને શાતા વળતી અને જીવન જીવવા જેવું લાગતું …!

જ્યારથી હરવિંદર ગયો ત્યારથી જાણે કે તેના જીવનનો આજ ક્રમ થઈ ગયો હતો .મનમાં કાંઈક અસંતોષ જેવું લાગે ,મનને ચેન ના પડે કે મન અસ્વસ્થ થઈ જાય તેવી કોઈ ઘટના ઘટી હોય ત્યારે તે આ રૂમમાં આવી જતી , હીંચકે ઝુલતાં ઝુલતાં હરવિંદરના ફોટાને તાકી રહેતી , તેની સાથે વાતો કરતી , મનનો ઉભરો હરવિંદર સમક્ષ ઠાલવતી ,તેને પોતાને એમ લાગતું કે તેણે જાણે કે પોતાના હરૂ સાથે જ મનની વાત કરી છે ,મનને કાંઈક શાતા વળતી .. આ રૂમ ,આ હીંચકો અને હરવિંદરનો ફોટો જાણે કે તેની એકલતાનાં , તેની વિરહ વ્યથાનાં સાથી બની ગયાં હતાં,

સુમીએ નિસાસો નાખ્યો ..! ગરમ ગરમ ઉચ્છવાસ બહાર પડ્યો .. તેણે હરવિંદરને જ ફરિયાદ કરી , તને મારી આ વાતની પણ અદેખાઈ આવી ..!? તેં મારૂં આ સુખ પણ છીનવી લીધું ?

સુમીએ જાણે કે ડૂસ્કું મૂક્યું. તારી સાથે લગ્ન તો કર્યું પણ મારા કિસ્મતમાં સુખ જ નહોતું ..!

​અરે ..! તારા મ્રુત્યુના સમાચાર આવ્યા,  તારું ડેડબોડી અહીં લાવવામાં આવ્યું ત્યારે પણ, મને તારા ડેડબોડી સાથે એકાંતમાં વાત કરવાનો મોકો ના મળ્યો ..! તેં અને તારી શહીદીએ મારો એ મોકો, મારૂં એ સુખ પણ મારી પાસેથી છીનવી લીધું ..! કેટલી બધી પબ્લિક ભેગી થઈ હતી , માનવ મેદનીનો જાણે કે મહાસાગર ઉભરાતો હતો … પગ મૂકવાની પણ જગ્યા નહોતી …મને તારા ચહેરાનાં દર્શન કરવામાં પણ મુશ્કેલી પડી હતી ..! પછી તારી સાથે એકાંતમાં વાત કરવાનો તો પ્રશ્ન જ ક્યાં હતો? અને મારી સ્વગત બોલાતી વાત તું ક્યાંથી સાંભળી શકે ?

અહીં તો” હરવિંદર અમર રહો ,વીર શહીદ અમર રહો , હરવિંદર ઝીંદાબાદ “ ના ગગનભેદી નારા લાગતા હતા, કોઈની વાતો કાને પડતી નહોતી ..! અને પછી તો સાત ધડાકાની સલામી … સેલ્યુટ ..માર્ચ પાસ્ટ … અને હું તારી સાથે વાત કરૂં , તારું મોંઢું ધરાઈ ધરાઈને જોઉં તે પહેલાં તો તિરંગામાં વીંટળાયેલા તારા દેહને એ લોકોએ ઉપાડી લીધો …મારી છાતી ગજ ગજ ફૂલતી હતી , પણ હૃદય તો જાણે કે ધબકારા ચૂકી જતું હતું , હું જીવતી જ કેમ રહી ?

એ વાતનું જ મને આશ્ચર્ય થતું હતું .તારૂં ડેડબોડી જોઈને જ ચક્કર ખાઈને પડવી જોઈતી હતી , પણ એવું ના થયું –મારૂં નિષ્ઠુર દિલ બંધ ના થયું અને “ હરવિંદર અમર રહો … હરવિંદર ઝીંદાબાદ” સાંભળતી સાંભળતી હું બેભાન થઈ ગઈ ,જ્યારે ભાનમાં આવી ત્યારે તારો દેહ ભસ્મીભૂત થઈ ગયો હતો … લોકો તો રાજી થતા હતા , તું સરહદની રક્ષા કરતો કરતો શહીદ થઈ ગયો …તારું નામ અમર રહેશે ..! તારી ઝીંદાબાદ થતી હતી પણ મારૂં શું ? કોઈને મારી શહીદી દેખાતી નહોતી ..! તું તો મરીને અમર થઈ ગયો, પણ મારે તો જીવતે જીવ દોઝખની યાતના ભોગવવાની હતી. લોકો માટે તો તું અને તારી શહીદી તેમના દિલમાં જીંદા જ હતી, પણ મારૂં શું ? મેં તો પતિ ગુમાવ્યો હતો ,મારૂં જીવન ગુમાવ્યું હતું , મારો આધાર ગુમાવ્યો હતો ..હું શું કરૂં ? માત્ર તારા આ ફોટાના સહારે જ હું જીવતી હતી ..! કેટલી ઝીણી ઝીણી નકશી કરી કલાકારે તને ફોટામાં જીવિત કર્યો હતો, તારી શહીદીના માનમાં માત્ર અને માત્ર કાચ ઉપર નકશીકામ કરી તેને આ ફોટો તૈયાર કર્યો હતો અને તારી યાદ રૂપે મને ભેટ આપ્યો હતો ..! જ્યારે હું આ ફોટો જોતી ત્યારે તું મને હાજરાહજૂર જણાતો- મારી સાથે વાતો કરતો..! આ એક જ આધાર હતો મારા જીવનનો ..! તેં તે પણ છીનવી લીધો ,હવે કોઈ પણ સમસ્યા હશે તો હું ક્યાં જઈશ ? કોને પૂછીશ ? કોણ મારી સાથે વાતો કરશે ?

સુમી જાણે કે ધ્રૂસ્કેધ્રૂસ્કે રડી પડી.

​હજુ તો બે મહિના પહેલાં જ .. તેનાં સાસુ-સસરા અને મમ્મી-પપ્પા તેના માટે એક સબંધની વાત લઈને આવ્યાં હતાં . છોકરો ભણેલો ગણેલો હતો,કોઈક કંપનીમાં મેનેજર હતો ,દેખાવડો અને હેન્ડસમ પણ હતો . સુમીના કુંવારા ઘડા પણ ઉતર્યા નથી અને તે અક્ષત યૌવના છે એવું જાણ્યા પછી તે તેની સાથે લગ્ન કરવા તૈયાર થયો હતો ત્યારે … સુમી હરવિંદરના ફોટા પાસે આવી કેટલું બધું રડી હતી, તે હજુ પણ હરવિંદરને ભૂલી શકી નહોતી , તો પછી પુનર્લગ્ન કરવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી ..! તેણે આ ફોટા સાથે જ વાતચીત કરી હતી અને નક્કી કર્યું હતું કે તે આજે તો નહીં પણ ક્યારેય ફરીથી લગ્ન નહીં કરે ! માત્ર હરવિંદરના ફોટાના સહારે , તેની યાદોના સહારે બાકીનું જીવન ખેંચી નાખશે , એજ ફોટો તૂટી ગયો ,જાણે કે તેનાં સપનાં ચકનાચૂર થઈ ગયાં,હવે શું ?

​તેનો અને હરવિંદરનો સંસાર ક્યાં લાંબો ચાલ્યો હતો ?લગ્ન પહેલાં તેમની મુલાકાત પણ નહોતી થઈ. માત્ર તેણે હરવિંદરને ફોટામાં જોયો હતો અને તેના પપ્પાએ તેને વિડીયો કોલ કરી આપ્યો હતો તેના ઉપર તેને જોયો હતો અને થોડીઘણી વાતો પણ કરી હતી . તે મિલટરીમાં હતો એટલે તેને રજા મળતી નહોતી , પણ વિડીયો કોલમાં તેણે વચન આપ્યું હતું કે તે લગ્ન વખતે લાંબી રજા લઈને જ આવશે , અને એ લોકો લગ્ન પછી ગોવા ફરવા અને હનીમુન ઉજવવા જશે , આથી તેને એ દિવસોનો ઇંતજાર હતો પણ ..!

કુદરતને કદાચ એ મંજૂર નહોતું. તેનાં લગ્ન થઈ ગયાં .જાન પાછી આવી, હજુ તો તેમના છેડાછેડી છોડવાના બાકી હતા, તેમનાં હાથનાં મીંઢણ પણ છુટ્યાં નહોતાં , હરવિંદરના ઘેર તેને પોંખવાની વિધિ ચાલતી હતી અને તેના હેડક્વાર્ટર ઉપરથી ઇમરજન્સી લાઇટિંગ કોલ આવ્યો…પુલવામામાં આતંકવાદી હુમલો થયો છે અને તેણે તાત્કાલિક ફરજ ઉપર હાજર થઈ જવું ..!

હજુ તો સુહાગરાત પણ મનાવી નહોતી અને તેને જવાનું આવ્યું . સુમીનાં સાસુ-સસરાએ તો કહી દીધું કે –આપણે ફરજ ઉપર નથી જવું , તું રીઝાઇન કરી દે , પણ સુમી જ વચ્ચે પડી ..દેશ પહેલો, રાષ્ટ્રપ્રેમ પહેલો, એ પહેલી ફરજ … એ પાછો આવશે , નહીં આવે તો આ તો ભવોભવનાં બંધન છે –એમ કાંઈ થોડાં તૂટવાનાં છે ? તેણે હરવિંદરને સરહદ ઉપર જવાની અને દેશના રક્ષણ માટે પોતાની ફરજ અદા કરવાની છૂટ આપી . મીંઢળબાંધ્યા હાથે અને રડતી આંખોએ તેણે પોતાના હરવિંદરને વિદાય આપી ..!

એ પ્રસંગ યાદ આવતાં સુમી છૂટા મોઢે ફરીથી રડી પડી .એ ગયો તે ગયો … પાછો મીંઢળ છોડાવવા પણ ના આવ્યો…આવ્યો માત્ર તેનો નિર્જીવ દેહ –ત્રિરંગામાં લપેટાયેલો ..! આજની ઘડી અને કાલનો દિવસ .તે દિવસથી સુમી જીવતી હતી –એક લાશની જેમ ..! માત્ર અને માત્ર તેના આ ફોટાના સહારે ..તેને આ ફોટો ખૂબ જ ગમતો હતો ..તેમાંનો હરવિંદર જાણે કે જીવતો જાગતો હતો –તેની સાથે વાતો કરતો હતો , તેની સમસ્યાઓનું સમાધાન કરતો હતો .સુમીને સમજાતું નહોતું કે તેણે હવે શું કરવું ?

–તું આટલો નિર્દયી હોઈશ એની મને ખબર નહોતી મારા હરૂ ! તેં મારો આ છેવટનો આધાર પણ છીનવી લીધો “

સુમી બૂમ પાડીને હરવિંદરના કણ કણ થઈ ગયેલા ફોટાને પૂછતી હતી.

–મને કહે તો ખરો કે હવે મારે કોના સહારે જીવવું ?તું તો પાછો આવવાનો નથી ..!

સુમી જાણે કે ગાંડાની માફક જ બૂમો પાડતી હતી..

પણ … તો એ શું કહે ખબર છે ?

કહે ‘ ઉઉલાલા ‘ “ તું શું કામ ચિંતા કરે છે ?ફોટો તૂટી ગયો’તો શું થઈ ગયું ? હું તો તારા દિલમાં હજુ પણ હયાત છું , તારા દિલમાં રહું છું અને જીવું છું ,તારે આ નિર્જીવ ફોટાની શી જરૂર છે ! ‘

કોણ બોલ્યું … સુમીએ ચારે બાજુ નજર કરી પણ કોઈ દેખાયું નહીં .અવાજ તો હરવિંદરનો જ હતો.. તેણે કણ કણ થઈ ગયેલા ફોટાની કરચો તરફ નજર કરી ,તો તેનો હરૂ જાણે કે હજુ પણ હસતો હતો ..!