કૃષ્ણ દવે
ઉદાસીની પાછળ પડી હું ગયો છું
રદિફને રવાડે ચડી હું ગયો છું
કસબથી કરામત કરૂં કાફિયાની
દડી થઈ ગમે ત્યાં દડી હું ગયો છું
લવિંગ્યાની માફક ફૂંટુ છું ફટાફટ્
ઘણાં મંચ પર બડબડી હું ગયો છું
ફકત દાદ માટેનાં છે ધમપછાડા
મળે અન્યને, તરફડી હું ગયો છું
રમત સૌ રમાડે સિફતથી સભામાં
મને થાય કે આવડી હું ગયો છું
દુબારા દુબારા ની લાલચમાં લપસી
બધી તાળીઓને જડી હું ગયો છું
ભરી ઘૂંટ બે ગીતના માંડ પીધાં ને
લયલીન થઈ લડખડી હું ગયો છું
દુર્બોધતા ઠાંસી ઠાંસી ભરૂ ને
વિવેચન વિશે બાખડી હું ગયો છું
અમર થઈ જવાના અભરખા છે તેથી
મહાકાવ્યને આભડી હું ગયો છું
ઘણાં ખેલ પાડીને બેઠો ને થાતું
બધે કઇ રીતે પરવડી હું ગયો છું ?
સેલીબ્રીટી થઈ જવાના ધખારે
મને પામવામાં નડી હું ગયો છું
સમજાયું બસ આટલું કે જીવનભર
ધૂમાડાની સામે લડી હું ગયો છું
કવન એક સાચું ક્યાં સર્જી શકાયું ?
ને,બારાખડીમાં ખડી હું ગયો છું
