ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

ઢોલ, ઢોલક, ઢોલકી અને નાળ જેવી જ રચના ધરાવતું આ તાલવાદ્ય ખાસ કરીને દક્ષિણ ભારતીય વિસ્તારોમાં પ્રચલિત છે. તેનો ઉપયોગ શાસ્ત્રીય ગાયન સાથે તાલ પૂરાવવા માટે તેમ જ સ્વતંત્ર તાલવાદન માટે પણ થાય છે. મોટા ભાગે ફણસના થડમાં પોલાણ કરી, બન્ને બાજુએ ખુલ્લા ભાગ ઉપર બકરી કે ઘેટા જેવા પ્રાણીનું ચામડું લગાડીને મૃદંગ બનાવવામાં આવે છે. ચામડાને બરાબર કસીને બાંધી રાખવા માટે બન્ને બાજુએ ચામડામાંથી બનાવાયેલી પાતળી પટ્ટી અથવા ઉપર જોઈ શકાય છે તેવી ધાતુની રચનાનો ઉપયોગ કરવામાં આવે છે.

મૃદંગનો અવાજ તેની જેવી જ રચના ધરાવતાં અન્ય તાલવાદ્યો કરતાં અલગ પડે છે. એ સમજવા માટે મૃદંગવાદનની એક ક્લીપ સાંભળીએ.

પહેલાં એક ભજનથી શરૂઆત કરીએ. એક જમાનામાં ‘ભજનસામ્રાજ્ઞી’ તરીકે સુખ્યાત એવાં જ્યુથીકા રોયના સ્વરમાં કમલ દાસગુપ્તાએ સ્વરબદ્ધ કરેલી એક રચના ‘પિયા ઈતની બિનતી સૂનો મોરી’ મૃદંગના બોલ ધરાવે છે.

હવે હિન્દી ફિલ્મી ગીતોમાં મૃદંગવાદન સાંભળીએ.

૧૯૬૮ની ફિલ્મ પડોસનનું ગીત ‘એક ચતુર નાર બડી હોંશીયાર’ લાક્ષણિક દક્ષિણ ભારતીય લઢણમાં બન્યું છે. આ કારણથી તેની સાથે તાલવાદ્ય તરીકે મૃદંગનો ભરપૂર ઉપયોગ થયો છે. સંગીત રાહુલદેવ બર્મનનું છે. આ ફિલ્મમાં મહેમુદનું પાત્ર એક દક્ષિણ ભારતિય સંગીતશિક્ષકનું છે. આથી જ્યારે જ્યારે પરદા ઉપર મહેમુદ ગાય(પાર્શ્વગાન મન્ના ડેનું છે), ત્યારે ત્યારે સાથે મૃદંગના બોલ વાગે છે અને સુનિલ દત્ત વાળા ભાગ(જે કિશોરકુમારના અવાજમાં છે) સાથે તબલાંવાદન છે.

ફિલ્મ તલાશ ૧૯૬૯ના વર્ષમાં પરદા ઉપર આવી હતી. સચીનદેવ બર્મનના સંગીતમાં બનેલું ગીત ‘તેરે નૈના તલાશ કરે જિસે’ મૃદંગના બોલ વડે સજેલું છે. પરદા ઉપર વિવિધ તાલવાદ્યો સાથે મૃદંગ પણ દૃષ્ટીગોચર થાય છે. વળી ચોક્કસ સમયે મૃદંગવાદન સ્પષ્ટ સાંભળી પણ શકાય છે.

https://www.youtube.com/watch?v=yZlSFWds8UE&list=RDyZlSFWds8UE&start_radio=1

હવે સાંભળીએ ૧૯૭૧ની ફિલ્મ બ્રહ્મા વિષ્ણુ મહેશ માટે સંગીતકાર એસ.એન.ત્રીપાઠીના નિર્દેશનમાં તૈયાર થયેલું મૃદંગપ્રધાન ગીત ‘સ્વામી તુમ હો સખા હો હમારે’.

https://www.youtube.com/watch?v=1nZL_asxCHs&list=RD1nZL_asxCHs&start_radio=1

ફિલ્મ એક દૂજે કે લીયે(૧૯૮૧)નું ગીત ‘હમ તુમ દોનોં જબ મીલ જાયેંગે’ માણીએ. લક્ષ્મીકાંત-પ્યારેલાલના નિર્દેશનમાં બનેલા આ ગીતમાં 2.12 થી 2.51 સુધી સતત મૃદંગવાદન કાને પડતું રહે છે.

૧૯૮૩ના વર્ષમાં રજૂ થયેલી ફિલ્મ કૂલી તેના શૂટીંગ દરમિયાન અમિતાભ બચ્ચનને થયેલી ઈજાને લઈને ખાસ્સી ચર્ચામાં રહી હતી. આ ફિલ્મનું ગીત ‘લમ્બુજી લમ્બુજી, બોલો ઠીંગુજી’ સાંભળીએ. શરૂઆતમાં ખાસ્સા સમય સુધી પાશ્ચાત્ય તાલ પછી બીજા મધ્યાલાપ દરમિયાન મૃદંગના બોલ કાને પડે છે. વળી નાયક પારદા ઉપર મૃદંગ વગાડતો દેખાય છે.

https://www.youtube.com/watch?v=cj-EnHwYfKc&list=RDcj-EnHwYfKc&start_radio=1

ફિલ્મ સૂરસંગમ(૧૯૮૫) એક સંગીતપ્રધાન ફિલ્મ હતી. તેનું સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલે તૈયાર કર્યું હતું. આ ફિલ્મના ગીત ‘ધન્યભાગ સેવા કા અવસર આયા’ માં મૃદંગના બોલ સ્પષ્ટ પારખી શકાય છે.

ફિલ્મ રંગીલા (૧૯૯૫)નાં એ.આર. રહેમાને બનાવેલાં ગીતો આજે પણ ખાસ્સાં લોકપ્રિય બની રહ્યાં છે. તેનું મૃદંગના બોલ ધરાવતું ગીત ‘હાયે રામા યે ક્યા હુઆ’ માણીએ.

૨૦૦૯ની ફિલ્મ ગુલાલ માટે પીયૂષ મીશ્રાએ સંગીત તૈયાર કર્યું હતું. તેમણે જ ગાયેલું ગીત ‘આરંભ હૈ પ્રચંડ’ મૃદંગના તાલના સથવારે ચાલતું રહે છે.

૨૦૧૭ની સાલમાં પરદા ઉપર આવેલી એક ફિલ્મ મૃદંગ માટે રામવિજય ચંદ્ર અને ચૂનમૂન પંડીત નામના પ્રમાણમાં અલ્પજ્ઞાત સંગીતકારોએ ગીતો બનાવ્યાં હતાં. તે પૈકીના ગીત ‘મ્રીદંગ બાજે જબ કીસ્મત કા’સાથે તાલવાદ્ય તરીકે મૃદંગનો પ્રભાવક ઉપયોગ થયો છે.

આ કડીની આખરમાં એક તમીળ ફિલ્મ વલ્લી(૨૦૧૭)નું ગીત ‘એનુલ્લે એનુલ્લે’ સાંભળીએ. દક્ષિણના સુખ્યાત સંગીતકાર ઈલિયારાજાએ ગીત સાથે મૃદંગના બોલનો પ્રયોગ કર્યો છે.


નોંધ :

૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


સંપર્ક સૂત્રો :

શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com