સુશ્રી રેખાબહેન સિંધલની શૂન્ય થી અનંતની સફર ની શરૂઆત તેમના અમેરીકામાં પ્રવેશ અને સંઘર્ષથી થઈ અને પછી મારી વિદ્યાયાત્રા અને મારી લેખન યાત્રા અને કુટુંબધર્મ અને હ્રદયમંદિરના પડાવ સુધી આપણે સંગાથ કર્યો..
હવે તેમની સાથે સફરમાં આગળ વધીએ …..

ઈતરપ્રવૃતિઓ

અસ્તિત્વના અનેક ટુકડામાં પ્રતિબિંબિત બધી પ્રવૃતિઓ ક્યારેક ઈતરપ્રવૃતિ જેવી લાગે છે. કબીરનો એક દોહો યાદ આવે છે.

લિખના પઢના ચાતુરી, એ સબ બાતાં સહેલ
કામ દહન મન વશ કરન, ગગન ચઢન મુશ્કેલ!

 જીવનની ભાગદોડમાં આ મુખ્ય પ્રવૃતિ જ ઈતર બની ગઈ.

એકવાર ભોમિયા વિના ડુંગરાઓ ભમવા નીકળી પડી. ગ્રાંડ કેન્યનના પથ્થરોને કાળજે કોતરેલી કલા જોઈ એ ખીણોમાં મને મારી અલ્પતાનું વિરાટ દર્શન થયું. ‘ઈશ્વરે ગ્રાંડ કેન્યન બનાવ્યું પણ તે રહે છે સડોનામાં’ વાંચીને સડોના ગઈ તો ત્યાં જે અનુભૂતિ થઈ તે અવર્ણનીય રહી. યલોસ્ટોન નેશનલ પાર્કમાં જ્વાળામુખીથી ધગધગતી ધરતીના પીળા પથ્થરો અને ઉકળતું સૌંદર્ય મહાઆશ્ચર્ય જગાડી ગયું. મધદરિયાના ટાપુઓની સહેલે એક અલગ દુનિયાના દર્શન કરાવ્યા. ઓલિમ્પિકની વોટરસ્પોર્ટસ માટે એકવખત પસંદ થઈ હતી તે ઓકોઈ નદીના તોફાન અને ઊંડાણનો પરિચય વ્હાઈટ વોટર રાફ્ટીંગથી થયો. મેમથ કેવ્સ(ગુફાઓ)ની હજારો માઈલો સુધી પથરાયેલી કોતરોના અંધારમાં ફૂટતા ઝરણાઓનું સંગીત પણ માણ્યું. સાન ડિયાગોની દરિયાઈ પટ્ટીના મોજાંમાં જીવનની ખારાશને વ્હાવીને રેતીમાં અક્ષરો કોતર્યા. વાદળોની પેલે પાર જવાની ચેષ્ઠા પણ સ્મોકી માઉન્ટન પર જઈને કરી. નાઈગ્રા ધોધની વાછંટોમાં મન ભરીને નાહ્યાં. આનંદનું આ તો ફક્ત આચમન હતું. અમેરીકાની ધરતીનું આ સૌંદર્ય જોઈ થયું કે પૃથ્વી પરનું સ્વર્ગ અહીં જ છે. આ દેશની ધરતી પર સ્વદેશના મારાં ગીરના જંગલ અને અમારી આંબાવાડી જેટલો જ પ્રેમ ઉપજ્યો.

ઇતિહાસમાં આલેખાયેલી રેડઈન્ડયન એટલે કે અમેરીકાની આદિવાસી પ્રજાના નિર્દોષ માનવ સમુહની હત્યાના સૂકાયેલા આંસુઓને પગલે પગલે(trail of the tears) ગઈ ત્યારે બચી ગયેલા એક પરિવારની ઊગતી પેઢીની ક્લીટા નામની એક યુવતી મળી હતી. તે ત્યાં રીસેપ્નીસ્ટ તરીકે કામ કરતી હતી. તેની સાથેના વાર્તાલાપે મારૂં હ્રદય ઢંઢોળ્યું. અમેરીકાના એક પ્રખ્યાત પ્રકૃતિપ્રેમી કલાકારનું નામ આ સ્થળ ‘Trail of the tears’ ને અપાયેલ જોઈ મને તેના વિષે જાણવાની જીજ્ઞાસા થઈ. આ કલાકારનું નામ હતું જોન જેમ્સ ઓડોબન. કલાકાર અને પ્રકૃતિપ્રેમી તરીકે ખ્યાતિ મેળવેલ આ ફેંચ-અમેરીકને દોરેલા પક્ષીઓના જગવિખ્યાત સુંદર ચિત્રોને મેં વખાણ્યા ત્યારે ક્લીટા કહે, “પણ એની એક વાત મને નથી ગમતી, ચિત્રો દોરવા માટે તે પક્ષીઓને મારી નાખતો અને પછી તેમાં વાયર ભરાવીને જુદા જુદા પોઝ તૈયાર કરી પછી તે ચિત્રો દોરતો. એવું સાંભળ્યુ છે કે તેણે શિકાર કરેલાં મૃતપક્ષીઓના બાસ્કેટો લઈને ફરતો તે ઘણીવાર જોવામાં આવતો.” મને અચંબો એ વાતનો થયો કે પ્રકૃતિપ્રેમી કલાકારો પણ શું આટલા ક્રૂર હોઈ શકે? ઓડોબનની ગોળીઓથી વીંધાયેલા કેટલાય પક્ષીઓના રક્તબિંદુઓ પણ આ ટ્રેઈલ પર સૂકાયા હશે અને છતાં ટ્રેઈલના નામ થકી એ કલાકાર પ્રત્યે ચિરંજીવી આદર દર્શાવવામાં આવ્યો છે. પ્રકૃતિપ્રેમીઓ માટેની જાણીતી સેવા સંસ્થાનું નામ ઓડોબન સોસાયટી પણ આ કલાકારના નામ પરથી છે. જગતમાં ક્રૂરતાને આમ જ આડકતરૂં પોષણ મળતુ હશે ને? કલા ખાતર જીવહિંસાની વાત સાંભળી સર્જક થવા મથતી મારી અંદરની લેખિકા ખળભળી ઊઠી.

સમાંતરે ચાલતી બીજી એક પ્રવૃતિ તે શક્ય હોય ત્યાં સંસ્થાઓમાં નિ:શુલ્ક સેવા આપવાની. સેવા આપવાનો આનંદ લેવા કરતાં વધારે જ હોય તે આપણે જાણીએ છીએ. આવી તકો હંમેશા મળતી રહી તેનો આનંદ છે. ભારતીય વિજ્ઞાભવનની બોસ્ટન શાખામાં પબ્લીક રીલેશનનો વિભાગ સંભાળવાનું કામ ૯૦ના દાયકામાં કર્યું. એ સમયમાં કવિ સંમેલનોનું આયોજન મારી ગમતી પ્રવૃતિ હતી. સ્વદેશથી મુલાકાતે આવેલા લેખકો અને કવિઓ પણ ક્યારેક એમાં જોડાય. આ સમેંલનો હ્રદયના તાર ઝંકૃત કરીને મને મારાં કોચલામાંથી બહાર આવવા પ્રેરે. ટેનેસી મુવ થયા પછી ગુજરાતી એસોશીએશન ઓફ મિડલ ટેનેસીમાં પ્રમુખ પદે રહીને ગુજરાતી સંસ્કૃતિને અહીં ધબકતી રાખવા કાર્યક્રમો યોજતી રહી. આ પ્રવૃતિઓ થકી મારાં ઘરમાં ગુજરાતની સંસ્કૃતિનો ધબકાર સાચવી શકી. પરેશ રાવલના ગુજરાતી નાટકો, આસિત અને હેમા દેસાઈના ગુજરાતી ગીતો, નવરાત્રી મહોત્સવ વિગેરેને કારણે નરસિંહ અને મીરાં સુધીની સંસ્કૃતિ ઉજાગર થતી. ગુજરાતી વાંચતાં લખતાં શીખવવાના વર્ગો શની-રવિમાં મારાં ઘરે ચલાવીને માતૃભાષાને પ્રણામ કરી લેતી. પ્રમુખ પદ છોડ્યા પછી ટ્રસ્ટીપદે રહીને સેવા આપી. મંદિર દ્વારા યોજાયેલ મેળામાં ગુજરાતી પુસ્તકોનું બુથ મુકું. લગભગ ૫૦૦ જેટલા ગુજરાતી પુસ્તકોની લાયબ્રેરી ઘરમાં હતી. લાયબ્રેરીદિન ઉજવીને પછી અહીંના ગુજરાતીઓ માટે તે ખુલ્લી મૂકેલી. આપણી ભાષા અને સંસ્કૃતિનો વારસો બાળકોને મળે તે માટે ઘરમાં અને સંસ્થામાં પ્રયત્ન કરી શકી તે માટે સંસ્થાના સ્થાપકોની આભારી છું. હિંદી કવિસંમેલનો અને મંદિર થકી ચાલતા હિંદી સાંસ્કૃતિક કાર્યક્રમો માટે મંદિરની કલ્ચર કમિટિમાં પણ જોડાઈ. ટેનેસી રાજ્યના ઈંગ્લીશ સમાચાર પત્ર ‘The Tennessean’ની મલ્ટિ કલ્ચરલ કમિટિમાં આમંત્રણ મળ્યું ત્યારે અહીંના સ્થાનિક લેખકોને મળી. એમની સાથેની વાતોથી અહીંના સમાજ વિષે ઘણું જાણવા મળ્યું. આ બધા અનુભવ પછી મેં ‘South Asian Heritage Group’ નામની સંસ્થા સ્થાપી જાણીતા ગાયક અને નાટ્યકાર પદ્મ શ્રી શેખરસેનને એમના હિંદી નાટક ‘કબીર’ માટે મેં આંમત્રણ આપ્યું. એક અઠવાડીયું તેઓ મારાં ઘરે સપરિવાર રહ્યા. એમના પત્ની શ્વેતાજી પણ સારા ગાયક છે. સવારના ચા-નાસ્તા પછી મારી વિનંતિને માન આપી શ્વેતાજીએ એક ગીત ગાયું અને મને મારી એક કવિતા સંભળાવવા મજબૂર કરી. શેખરજીને ગુજરાતી સમજાય તેથી મારી કવિતા સાંભળીને કહે, “તમે બંગાળમાં હોત તો આ ક્ષેત્રે ઘણા આગળ આવ્યાં હોત.” નજીકની હજારો એકરમાં પથરાયેલી ગુફાઓના વિસ્તારમાં અમે સાથે ફર્યા તે ક્ષણો ચિરંજીવી બની ગઈ.

નવા ઘરમાં મુવ થયા પછી અમારી હાઉસીંગ સોસાયટીની કમિટિમાં જોડાઈને મેં સાંસ્કૃતિક કાયક્રમો યોજવાની જવાબદારી લીધી હતી. Dana Pitts નામની એક અમેરીકન કમિટિમાં પ્રમુખ સ્થાને હતી. તેની સાથે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિમાં રહેલી સામ્યતાની વાતોથી અમને બંનેને આનંદાઆશ્ચર્ય થાય. સામ્યતાથી જોડવાના બદલે આપણે મોટેભાગે ભિન્નતાની વાતોમાં જ અટવાયેલાં રહીએ છીએ. બીજી નવાઈની વાત એ છે કે આલ્બર્ટ આઈસ્ટાઈન ડાનાની માતા ના સગા કાકા થાય તેની જાણ મને ડાના પાસેથી નહીં પણ બીજા એક પડોશી જિમ પાસેથી એક વર્ષ પછી પડી હતી. જિમને હ્રદયની બિમારી હતી. તેના હાર્ટ ટ્રાંસપ્લાંટની સર્જરી થઈ ત્યારે ડાના અને બીજા પડોશીઓએ ફાળો એકઠો કરી મદદ કરી હતી. કંઈક આપવાની ભાવના બીજા પડોશીઓની જેમ મારાંમાં પણ જાગી. ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે જિમ વિશ્વના અનેક દેશોમાં પ્રવચન આપવા જતો. ભારતમાં પણ ઘણીવાર ગયેલો તેની વાતો કરે. એકવાર પિકનીક દરમ્યાન મારે એની સાથે ધર્મની ચર્ચા થઈ. ઈશુ ખ્રિસ્તના અને ગીતાના ઉપદેશના અર્થઘટન અને સંદેશમાં રહેલા સામ્ય અંગે જાણીને ધર્માંતરની જરૂર નથી એ સ્પષ્ટ થયું.

પહેલા સગા એવા પડોશીઓએ જાતિ, ધર્મ અને સંસ્કૃતિના વાડાઓમાંથી બહાર નીકળી ‘વસુધૈવકુટુંબકમ’ની મારી ભાવનાને પોષી છે. એરીઝોના ત્રણ વર્ષ રહી એ દરમ્યાન મોર્નિગ વોકમાં રોજ મળતા ૮૫ વર્ષના મિ. આર્થર સાથે ટુંક સમયમાં જ ગાઢ પરિચય કેળવાયો. જેના ઘરનો દરવાજો ગમે તે સમયે ખખડાવી શકાય તેવા એરફોર્સના આ રીટાયર્ડ મેજરની પત્ની વિવિયન પગની તકલીફને કારણે ભાગ્યે જ ઘરની બહાર નીકળતી પણ ખુબ પ્રેમાળ. મારાં દોહિત્ર સાથે હું અવારનવાર એમને ત્યાં જતી. તેમણે લખેલ એક પુસ્તક વાંચીને પ્રમુખ ઓબામાએ ૨૦૧૬માં તેને પત્ર લખી ધન્યવાદ આપ્યા હતા. આ પુસ્તક તેણે મને હસ્તાક્ષર સાથે ભેટ આપ્યું. એમાં એમણે એનો કરૂણ ભૂતકાળ લખ્યો છે. જેકોબ આર્થરનો જન્મ અને ઉછેર અમેરીકામાં થયો હોવા છતાં બાર વર્ષની ઊંમરે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન તેને નાઝી માનીને જર્મનીની જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જ્યાં સાત વર્ષ તેણે યાતનાઓ ભોગવી. જગતના દરેક નાગરિકે જાણવા જેવા આ કિસ્સામાં તેના પિતા જર્મની હોવાથી અમેરીકન સરકારે તેને જર્મની(નાઝી) ગણી હદપાર કર્યો અને અને જર્મની લોકોએ તેને અમેરીકન ગણી તરછોડ્યો હતો. બાળપણના કરૂણ અનુભવો છતાં જન્મભૂમિને તેણે દિલથી ચાહી છે. તેને જેલમાંથી છોડાવનાર એક અમેરીકન દંપતિની સાર-સંભાળને કારણે ઉત્તમ નાગરિક બની શકનાર મિસ્ટર આર્થર જેકબની બાલ્કનીમાં અમેરીકન ફ્લેગ ફરફરતો મેં હંમેશાં જોયો છે.

દુનિયાના જુદા જુદા ભાગમાંથી આવી વસેલા મારાં પડોશીઓમાં આરબ, મુસ્લિમ, આફ્રિકન, રશિયન, સ્વદેશના જુદા જુદા પ્રાંતમાંથી આવેલા લોકોની સાથે સાથે અહીંના સ્થાયી કાળા-ગોરાનો જીવનસંઘર્ષ પણ જોવા જાણવા મળે. એમના બાળકો માટે વેકેશનમાં ગણિતના વર્ગો ફ્રી ઓફ ચાર્જ ગોઠવી આનંદથી છલકાઈ જાઉં. કેટલાંક બાળકો સ્વેચ્છાએ મારી પાસે નિયમિત આવે. અમારી નાની મોટી સામાજિક મુંઝવણ બાજુમાં રહેતો જેરેમી નામનો પાદરી તરત ઉકેલી આપે. તેના બાળકો પણ અમને સીનીયર સીટીઝનને મદદ કરવા તત્પર રહે એવા સંસ્કારી છે. કેટલાંક ગુજરાતી પડોશીઓ સાથે દેશના સંસ્મરણો વાગોળીએ. અમારી આગળની શેરીમાં રહેતા બળદેવભાઈ એક જમાનામાં વડાપ્રધાન નરેંદ્ર મોદી સાથે કામ કરતાં. મોદી કચરો વાળે અને પોતે પોતુ કરે તે ગરીબાઈના દિવસોની વાતો કરે. જાણીતા ગાયક નીતિન મુકેશની ભાણેજ સુરભિના બાળકો મારી પાસે ગણિત શીખે સાથે બીજી ઘણી ય વાતો કરે. અમે બંને પરિવારે એક જ શેરીમાં સામસામે ઘર લીધું એ પહેલાંથી અમારો ગાઢો સંબંધ! પુત્રી સમાન સુરભી સાથે અલકમલકની વાતોમાં સમયનું ભાન ન રહે. ક્યારેક તક મળ્યે અનાયાસે ટી.વી, રેડિયો, સમાચાર પત્ર કે મેગેઝીનમાં ભારતીય સંસ્કૃતિનો ધ્વજ લહેરાવવાની કોશિષ કરતી રહું. થોડોઘણા બચેલા સમયમાં મારાં બ્લોગ axaypatra.wordpress.com પર લાગણીઓને રમતી મૂકયા કરૂં. શરૂઆતના દિવસોના ડર અને અસલામતીની જગ્યાએ હવે અમે પ્રેમ અને સલામતી અનુભવીએ છીએ.

સાહિત્ય ક્ષેત્રે કંઈક નવું કરવાની ઈચ્છાથી આ વર્ષે(૨૦૨૨) એક કામ હાથમાં લીધું છે. સ્વદેશ છોડી પરદેશની અજાણી ભૂમિમાં કાયમી વસવાટનું સાહસ ખેડનારા સાહસિકોની જીવનયાત્રાના અનુભવોની તેમના શબ્દોમાં લખેલ કૃતિઓનું સંકલન પુસ્તકરૂપે કરવું. પરદેશની ધરતી પર લખાયેલ સાહિત્યમાં રહેલી સમાનતા અને ભિન્નતા પર સંશોધન કાર્ય કરવાની અભિલાષા પણ મનમાં છે. મને આશા છે કે આ પ્રકારના સાહિત્ય પ્રકાર માટે ડાયાસ્પોરાને બદલે સર્વ સ્વીકાર્ય વધારે સારૂં શિર્ષક આપી શકાશે.

ઘરથી દૂર બે ઘર

૧૯૯૪માં અમારી મેડિકલ લેબોરેટરી બીજી લેબોરેટરી સાથે મર્જ થઈ ત્યારે સીનીયોરીટી પ્રમાણે સૌથી પહેલી મને છૂટી કરી. બોસની ઓફિસમાંથી સમાચાર લઈને હું બહાર નીકળી ત્યારે મારાં મોઢા પરની પ્રસન્નતા સહકાર્યકરો માટે આશ્ચર્યની વાત હતી. હું રડી પડીશ તેમ તેઓએ માન્યું હતું. એક મિત્રએ નવાઈથી પૂછયુ, “નોકરી ગઈ તેનું તને દુઃખ નથી?” મેં કહ્યું, “હવે તો મારી પાસે અનુભવ છે. ભાષા પર પણ પકડ વધી છે અને નવી કાર લઈ લીધી છે. ચિંતા શા માટે? મને ખુશી છે કે બીજી નોકરી શોધતા પહેલાં હું ઈંડીયા જઈને મારાં માબાપને મળી શકીશ.” વતનમાં ગઈ તો બા એ ચિંતાથી પૂછ્યુ, “નોકરી જલ્દી નહીં મળે તો શું કરીશ?” અનુભવને કારણે હવે નોકરી મળે જશે તે વિશ્વાસ હોવા છતાં મેં મારી બાને ચિંતામુક્ત કરવા અનએમપ્લોયમેંટની વાત કરી. સાંભળીને તેના મુખે ઉદગાર સરી પડ્યા, “અરરર…સરકારના પૈસા મફતમાં લઈએ એ તો ખોટું કહેવાય. એ તો અશક્ત લોકો માટે હોય.” અમેરીકા પાછી ફરી ત્યારે વોઇસ મેલમાં મર્જ થયેલી લેબોરેટરીમાંથી સંદેશ હતો. પગારવધારા સાથે મને તે જ જગ્યાએ ફરી નોકરી મળી ગઈ હતી.

૧૯૯૭માં ઈંડીયા જઈ એકતાના લગ્ન પતાવી ત્યાંથી ટેનેસી આવ્યા. ફરી એકડે એકથી શરૂઆત કરી. લગ્ન થકી બે પરિવારોની જુદી સંસ્કૃતિ અને પરદેશાગમનથી બે દેશોની જુદી સંસ્કૃતિ પછી હવે બે રાજ્યોની અલગ સંસ્કૃતિનો પરિચય થવાનો હતો. ટેનેસી એગ્રીકલ્ચરલ રાજ્ય છે જ્યારે મેસેચ્યૂસેટ્સ ઈંડસ્ટ્રીયલ. સૂરતી ગુજરાતીની માફક અહીંની અંગ્રેજી બોલી જુદી. બંનેની જીવનરીતિમાં દેખીતો વિરોધાભાસ. ટેનેસી સાઉથમાં અને મેસેચ્યૂસેટ્સ નોર્થમાં તેથી હવામાનમાં પણ ઘણો ફર્ક. ટેનેસીમાં ચક્રવાત અને ઝંઝાવાત અવારનવાર વિઝાંય. મારાં જીવનમાં પણ ઝંઝાવાત આવ્યો હતો. પ્રતાપે જોબ છોડી ધંધામાં ઝંપલાવ્યું હતું. આ નવા સાહસ માટે ખરીદેલો કન્વેનીયંટ સ્ટોર ખોટમાં હતો. અમેરીકન રેડક્રોસમાં મને નોકરી મળી તેમાં ઘર ચાલતું હતું પણ આર્થિક ભીંસ વધી ગઈ. ફરી મુસીબતોના એ જ ચક્રમાં આવી ફસાયા. કામની ભાગદોડ વધી ગઈ.

અદિતિ ડાઉનટાઉનમાં આવેલી મેગ્નેટ સ્કૂલમાં ભણતી હોવાથી સ્કૂલએ લેવા મૂકવામાં રોજ બે કલાક મારે આપવા પડતા. અવનિની સગાઈ કરીને જે છોકરાને અમે બહુ મોટી આશાએ અહીં લઈ લાવેલ તેણે અમારાં સમય અને પૈસા વાપરી બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા. અવનિ ફાર્મસી બોર્ડની પરીક્ષાની તૈયારીમાં પડી હતી. મારાં બીજા ત્રણ ભાઈબહેનો પણ ઈંડીયાથી અહીં સેટલ થવાની સ્ટ્રગલમાં હતા. બધાને મારી પાસે મદદની આશા હતી અને બધામાં વહેંચાયેલી હું કોઈને ન્યાય આપી શક્તી નહીં. મારી દીકરીઓને પણ નહીં. પ્રતાપ આખો દિવસ સ્ટોર પર હોય એટલે રસોડામાં પણ મદદ નહીં. મેનોપોઝનો પિરિયડ એટલે મગજની નસો તણાય. મારી તકલીફ કોઈ સમજી શક્તું નહીં. મને થયું કે બસ હવે હાર્ટએટેક નજીકમાં જ છે.

એ સમયે મારી બા ઈંડીયાથી આવ્યાં અને સૌ પ્રથમ તેમણે મારાં ડાયેટમાં ફેરફાર કર્યો. લેફ્ટઓવર બિલકુલ નહીં. રસોઈમાં તેમની મદદ એટલે સમયની ખેંચ ઓછી થઈ. પ્રતાપની મહેનતથી સ્ટોરમાં આવકનો પ્રશ્ન પણ સારી રીતે થયો હલ થયો. અમેરીકા આવ્યાના દસ વર્ષ બાદ ઘરનું ઘર લીધું. ઘરમાં તોફાન પછીની શાંતિ છવાઈ ગઈ. અદિતિએ ઉચ્ચ અભ્યાસ માટે ઘર છોડ્યું. અવનીએ બોર્ડની પરિક્ષા પાસ કરી જોબની નજીક ઘર લઈ ત્યાં રહેવા ગઈ અને ભાઈબહેનોએ પોતાનું સુકાન સંભાળી લીધું. બા દેશની આંબાવાડીએ પાછાં ગયાં. ઘરમાં હું એકલી પડી અને ડીપ્રેશનનો ભોગ બની ગઈ. જીવનમાં રસ રહ્યો નહીં. પુષ્કળ સમય હોવા છતાં મારી લેખન યાત્રા પણ અટકી ગઈ.

આખો દિવસ સુડોકુ પઝલ અને ટી.વીના પડદા સામે પસાર થઈ જતો. કોઈ કામ ગમે નહીં અને ક્યાંય જવું પણ ગમે નહીં. કોઈના ફોન પણ રીટર્ન કરવા ગમે નહીં. કંટાળીને કાયમ માટે ઈંડીયા જવાનું નક્કી કર્યું. ત્યાં સેટ થયા પછી અહીં બધુ સંકેલવું એમ વિચારી પ્રતાપે મને એકલીને જવા દીધી. દેશમાં પુનઃવસવાટ ધાર્યા કરતાં વધારે અઘરો લાગ્યો. ઝડપી પરિવર્તનની અસર નીચે ઈંડીયામાં બધું જ બદલાઈ ગયું હતું, લોકોનું માનસ પણ અકળ લાગ્યું. મારાં જીગરી મિત્રો પણ “અહીં હવે તને ન ફાવે” કહી મારાં વિચાર નબળો પાડી દેતા હતા. મારી બા કહે, ”તારા બાળકોથી બહુ દૂર રહેવાનું તને નહીં ગમે.” મનને ક્યાંય ચેન ન હતું. નિરાશા વધતી જતી હતી. એકવાર રડીને મેં બા ને પૂછ્યું. “હવે જીવવું કોના માટે? જીવનનો કોઈ અર્થ નથી” ઝંઝાવાતોમાંથી પસાર થયેલી મારી જીવનનાવ જાણે કે દિશાવિહીન થઈ ગઈ હતી.

દીકરીઓ પગભર થઈ ગઈ એટલે જીવનનું ધ્યેય જાણે કે પૂરૂં થઈ ગયું હતું. નિરાશાના અંધકારમાં કાગળ કલમ ખોવાઈ ગયાં હતાં. ક્યારેક દરિયાના સાંનિધ્યમાં, ક્યારેક આંબાવાડીને છાંયડે તો ક્યારેક રાજકોટની રોશની વચ્ચે આંટાફેરામાં ચાર મહીના નીકળી ગયા. પાછુ અમેરીકા જવું ન હતું અને અહીં રહેવું ન હતું. અમારી આંબાવાડીમાં ય ગોઠ્યું નહીં. સમુદ્રકિનારે આવેલા જૂના ઘરમાં પણ બાળકોના કિલ્લોલ વગર સૂનું લાગ્યું.

સ્વદેશમાં હું પરદેશી હતી અને બાળકો પરદેશ હતા. બાળકો પાસે પાછાં ફરવાનો વિચાર બાને જણાવ્યો એટલે કહે, “આપણે જે કરીએ છીએ તે કોઈ માટે નહીં આપણા માટે જ કરીએ છીએ. આપણુ જીવન આપણે આપણા માટે જીવવાનું છે અને આનંદથી જીવવાનું છે. તું દુઃખી હોય તો બીજાને કેવી રીતે સુખ આપી શકે? ખુશીથી તું ત્યાં જાય તો જ અર્થ સરે. અહીં ઈંડીયામાં હું છું ત્યાં સુધી તને રહેવું ગમશે પછી નહીં ગમે.” ‘તારૂં હવે અહીંયા કામ નથી’ કહી જીગરી મિત્રોએ પણ સૂર પૂર્યો. રાત-દિવસ બાળકો અને પતિને કેંદ્રમાં રાખીને જીવન ગુજારતી સ્ત્રીને પોતાના માટે કેમ જીવવું તે ખબર ન હતી. એ વગર હવે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. બાળકોને હવે પોતાની અલગ દુનિયા હતી. વર્કોહોલિક પતિ જોબ પર હોય. અત્યાર સુધીના બીજા બધા પડકાર કરતાં આ પડકાર મોટો લાગ્યો.

USA પાછાં આવતા પહેલાં એક દિવસ અચાનક જ મિત્ર નીલમ દોશીનો ફોન આવ્યો. ૩૫ વર્ષ બાદ ફરી અમારી મૈત્રીનો દોર સંધાયો. મિત્ર સરલા પાસેથી અમને એકબીજાના નંબર મળ્યા હતા. લત્તા હિરાણીનો ફોન પણ એ દિવસે જ આવ્યો. અમે ત્રણેએ અમદાવાદ નીલમને ઘરે મળવાનું નક્કી કર્યું. રાત્રે હું ત્યાં જ રોકાઈ ગઈ. “ચાલ આપણે લખવા બેસીએ” કહીને નીલમે કાગળ પેન આપ્યા અને કોલેજના દિવસોની યાદ ચેતનવંતી બનીને ઉમંગ જગાડી ગઈ. પછી તો નીલમ અને હું અમેરીકા અને ઈંડીયામાં અવાર નવાર મળતાં રહ્યાં. મને કોમપ્યૂટર પર લખતી પણ નીલમે જ કરી. વર્ડપ્રેસ પર અક્ષયપાત્ર નામનો બ્લોગ પણ શરૂ કરાવ્યો. ઉદાસીના વાદળો વિખરાવાની શરૂઆત થઈ. દૂધ અને દૂધની બનાવટો ભોજનમાંથી દૂર કર્યા પછી મનમાં વધારે તાજગીનો અનુભવ થવા લાગ્યો. એકવાર એક અમેરીકન ડોકટરના સેમીનારમાં ગઈ હતી. ત્યાં વીગન ડાયેટની વાત સાંભળી અખતરો કરવા વિચાર્યું. ત્રણ દિવસમાં જ ફાયદો જણાયો તેથી ત્રણ વર્ષ સુધી બકરીના દૂધ સિવાય કોઈ ડેરી પ્રોડક્ટ નહોતી લીધી. ડીપ્રેશન દૂર કરવામાં ડાયેટનો ખુબ મોટો ફાળો અનુભવથી સ્વીકારી ડાયેટ પર વધુ ધ્યાન આપવા માંડ્યું. મારી બા એ સૂચવેલ ડાયેટે દવાનું કામ કર્યું.

આ અરસામાં વિશ્વ સાહિત્યમાં રસ ધરાવતી મેરીયન નામની એક ગોરી અમેરીકન રેડિયો હોસ્ટ સાથે મિત્રતા થઈ. સમાન રસ રૂચિને કારણે અમારી મૈત્રી ગાઢ થઈ. ગાંધીવિચાર ધારા એના આચરણમાં જોવા મળે. ગાંધી સાહિત્ય જેટલું એના ઘરની લાયબ્રેરીમાંથી મળે તેટલું પબ્લિક લાયબ્રેરીમાંથી શોધવાનું મુશ્કેલ! બધી જ ભાષાઓ માટેનો તેનો પ્રેમ ગુજરાતી સુધી વિસ્તરે. મને મળે ત્યારે પહેલું “કેમ છો?” પૂછે અને છૂટા પડીએ ત્યારે “આવજો” કહે. મારૂં લખેલ ગુજરાતી કાવ્ય વંચાવે અને પછી એમાં લખાયેલા શબ્દોના અર્થે પૂછે. મેરીયન એટલે પ્રસન્નતાનું ઝરણું! અમારી મુલાકાતો વધતી ગઈ. એની સાથેની સાહિત્યની વાતોથી મારી પ્રસન્નતા પણ વધતી ગઈ. અમેરીકામાં મારાં મૂળિયા ઊંડા ઊતરી ચૂક્યા હતા તેની પ્રતીતિ થઈ. અમે રહેતાં હતાં તે ઘર કાઢી નાખ્યું. એકતાના બે પુત્રોની નજીક રહેવા તે વિસ્તારમાં પ્લોટ લીધો. ભૂમિપૂજન કરી નવું ઘર બંધાવ્યું. એક બાજુ ઈગલ અને બીજી બાજુ સ્વતંત્રતાની દેવી સાથેનો ચાંદીનો સિક્કો પાયામાં મૂકયો. ‘સબ ભૂમિ ગોપાલકી’ ના મંત્ર સાથે વંદન કર્યા. એક સુંદર ઘર બાંધીને ફરી આનંદયાત્રા શરૂ કરી.

અદિતિને ત્યાં બીજા પુત્રનો જન્મ થયો પછી તેણે ટેનેસીમાં ઘર લીધું. તેના ઘરની નજીક અમે બીજું ઘર બાંધ્યું. એ જ સમયમાં કોરોનાએ દેશ વિદેશના સીમાડા ભૂંસી નાખ્યા. પિતાની આંબાવાડીમાં કળા કરતાં મોરને નજરે જોવાનું whats appથી શક્ય બન્યું. જન્મભૂમિ પાસેના અરબી સમુદ્રના મોજાંઓ ઝૂમ પર જોઈને બાળપણ ફરી માણવા મળે છે. વતનઝૂરાપો હવે નથી રહ્યો.

હવે આ મારી ભૂમિ છે એવી ભાવના અમેરીકામાં વર્ષોના વસવાટ પછી સ્થિર થઈ. એક દિવસ ગ્રોસરીની કાર્ટ સાથે પાર્કિગ લોટમાં હું મારી કાર તરફ હું જતી હતી. તબિયત તે દિવસે નરમ હોવાથી રોડ ક્રોસ કરતાં મને વાર થઈ. ‘Make America great again’ સૂત્ર સાથેની લાલ ટોપી પહેરેલ એક શખ્સને આથી તેની કાર જરા વધારે વાર રોકવી પડી. ગુસ્સામાં તેણે મોટેથી બૂમ પાડી, ‘Go back to your country’ એક અજાણ્યા અમેરીકન નાગરીકને મન હું હજુ પરદેશી છું. બીજી બાજુ ભારતમાં રહેતા મિત્રોને મન પણ હું હવે પરદેશી છું. મારૂં મન કહે છે કે હું દ્વિદેશી છું. ગીરની સીમથી દૂર બે ઘરની દુનિયા વિસ્તરતી જાય છે અને મનપંખી અસીમમાં ઊડવા પાંખો પસારી પ્રયાણ આરંભે છે.


સમાપ્ત


હવે પછી ડૉ.ઈન્દુ રમેશ શાહ ની વિટંબણા અને પરિતૃપ્તિ