મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
શબ્દાર્થ પ્રમાણે અનુયાયી એટલે કોઇની પાછળ ચાલનાર. આ શાબ્દિક વ્યાખ્યાનું ઇનપુટ કોમ્પ્યુટરને આપવામાં આવે તો આઉટપુટ એવું પણ આવવા સંભવ છે કે કોઇ મહિલાની પાછળ ચાલતા આવારા જણને તે અનુયાયી કહી દે. એ જ રીતે કોઇની ગતિવિધિ જાણવા માટે તેની પાછળ પાછળ ચાલીને જાસુસી કરનારને કોમ્પ્યુટર તો અનુયાયી જ માને. પરંતુ આ વ્યાખ્યાને લોકસ્વીકૃતિ મળે તેમ નથી. આથી સાચો ઉત્તર શોધવા હંમેશની જેમ આપણાં શાસ્ત્રપુરણોને શરણે જવું રહ્યું.
મહાભારતનાં વનપર્વમાં એક કથા આવે છે. એક યક્ષને પાંડવોમાં એન્સાઈક્લોપીડિયા દેખાયો હશે, તેથી તેણે જળાશયમાં પાણી પીવા જતા દરેક પાંડવને વારફરતી સવાલ પૂછવા પ્રયાસ કર્યો. ભીમ, અર્જૂન, સહદેવ અને નકુળે તેમને પૂછાયેલા સવાલની અવગણના કરી, તેથી તેઓ મૂર્છા પામ્યા. પરંતુ ધર્મરાજા યુધિષ્ઠિરે બધા જ સવાલોના જવાબો આપ્યા. પછી યક્ષને ક્યાંક જવું હશે પણ તેની પાસે ગૂગલ મેપ ન હતો, તેથી તેણે ધર્મરાજાને પૂછ્યું, “હે ધર્મરાજા, મને જણાવો કે મારે કયા રસ્તે જવું?” ધર્મરાજા પાસે ચોક્કસ જવાબ ન હતો આથી તેમણે કહી દીધુ “ महाजनो येन गतः स पन्थाः। તું કોઇ મહાજનને જતા જુએ તો તેની પાછળ જા”. યક્ષ પછી કોની પાછળ ગયો તે વિશે વ્યાસ ભગવાને લખ્યું નથી, પરંતુ ધર્મરાજાનો જવાબ શાસ્ત્રવચન થઈ પડ્યો.
આ શાસ્ત્રવચન પ્રમાણે મહાજન એટલે મોટો માણસ એવું તો સમજાયું. પરંતુ મોટો માણસ કોને કહેવો એ સવાલ તો ઊભો જ રહ્યો. કેટલાક જ્ઞાનીઓનું કહેવું છે કે સમાજમાં જેની પ્રતિષ્ઠા વધારે તેને મોટો માણસ ગણવો. પરંતુ પ્રતિષ્ઠા માપવાનું મીટર હજુ સુધી શોધાયું નથી. આથી લોકોએ માની લીધું કે જેને વધારે લોકો અનુસરે તેને પ્રતિષ્ઠિત ગણવો. મોર જેમ પીંછે રળિયામણો તેમ માણસ અનુયાયીઓથી આબરૂદાર. આથી સમાજમાં પ્રતિષ્ઠિત થવા માટે અનુયાયીઓની સંખ્યા વધારવી રહી.
અનુયાયીની આવશયકતા માત્ર ધર્મના ઠેકેદારોને જ નથી હોતી. રાજનેતાઓના, સામાજિક કાર્યોમાં નેતૃત્વ કરનારાઓના, સ્વૈચ્છિક સંસ્થા સંભાળનાર સેવકોના, જુદી જુદી વિચારસરણીઓના પ્રવર્તકોના પણ અનુયાયીઓની જરૂર હોય છે. અને હવે તો સોશિયલ મિડિયાને કારણે ફેસબુક વગેરેમાં પણ કોઇ લોકોને અનુયાયીઓ જોઇએ છે. કુદરતી વ્યવસ્થા પ્રમાણે જેમ કીડીને કણ અને હાથીને મણ મળી જ રહે છે તેમ દરેક અનુયાયીઇચ્છુકને પોતાનાં ગજા પ્રમાણે અનુયાયીઓ મળી રહેતા હોય છે.
અગાઉ જણાવ્યા પ્રમાણે કોઇ વ્યક્તિ જેમ જેમ અનુયાયીઓ વધારતો જાય, તેમ તેમ તે વધુ ને વધુ પ્રતિષ્ઠિત બનતો જાય છે. પરંતુ અનુયાયીઓ વધારવા માટે કેટલીક યુક્તિઓ કરવી પડે. જો કે નોખાં નોખાં ક્ષેત્રોમાં અનુયાયી બનાવવા માટેની યુક્તિઓ નોખી નોખી હોય છે. આથી નમૂના તરીકે કેટલાક ક્ષેત્રોમાં અનુયાયીઓ બનાવવા માટેની ચાવીઓ આપવા પ્રયાસ કરું છું.
સૌ પ્રથમ જ્યાં પુષ્કળ પ્રમાણમાં અનુયાયીઓ મળવાની શક્યતા છે, તે ધર્મક્ષેત્રની વાત કરીએ. દરેક ઉત્પાદન માટે કાચા માલની પસંદગી મહત્વની હોય છે, તેમ અહીં એવા લોકો પસંદ કરવા કે જેમનામાં વિચારવાની કે તર્ક કરવાની શક્તિ લઘુત્તમ હોય. આ પ્રકારના લોકોને દિવો લઈને શોધવા જવાની જરૂર નથી. જેમ જાળ નાખવાથી કેટલીક માછલીઓ આપોઆપ સપડાઇ જાય છે, તેમ કેટલાક વેશ ભજવવાથી થોડાઘણા અનુયાયીઓ આપોઆપ મળી રહે છે. પરંતુ કેટલીક માછલીઓ જાળમાંથી કૂદીને બહાર નીકળી જાય છે તેમ ચાલાક લોકો અનુયાયી બનવામાંથી છટકી જાય છે.
શરૂઆતમાં અનુયાયીઓની સંખ્યા ખાસ વધે નહિ, તો ધીરજ ગુમાવવી નહિ. દરેક ધંધા માટે એક સુત્ર યાદ રાખવાનું હોય છે કે વરસ બે વરસ તો ઘરના રોટલા ખાવા પડે. હૈયાધારણ રાખવી કે જેટલા પણ અનુયાયી મળ્યા હોય તે બધા જ ક્યારેક ને ક્યારેક પ્રચારકો બની જશે. તો પણ આ બધામાંથી કેટલાકની યોગ્ય પસંદગી કરીને સ્ટાર પ્રચારકો તરીકે નિમણૂક કરવી જોઈએ.
ચમત્કારો એ ધાર્મિક અનુયાયીઓ મેળવવા માટે ઉત્તમોત્તમ સાધન સર્વ કાળે સિદ્ધ થયું છે. પરંતુ પોતાના તથાકથિત ચમત્કારની વાત સ્વમુખે કદી ન કરવી. પેલા સ્ટાર પ્રચારકોને જરૂરી તાલીમ આપવાથી તે પોતે જ યોગ્ય સ્થળે અને યોગ્ય માધ્યમમાં તમારા ચમત્કારની મનગડત વાતો કરશે. આથી અનુયાયીઓનો પૂરતો પુરવઠો મળવો શરૂ થશે.
આટલું કર્યા પછી થોડું રોકાણ કરીને નાનકડું સ્થાનક ઊભુ કરવું. આજથી પચાસેક વર્ષ પહેલા આ સ્થાનકોને ‘જગ્યા’ તરીકે ઓળખવમાં આવતાં. જેમ કે ફલાણા સંત કે બાપુની જગ્યા. પરંતુ નવા જમાનામાં આપણી પ્રાચીન વૈદિક સંસ્કૃતિ તરફ પાછું ફરવાનું હોવાથી સ્થાનકને ‘જગ્યા’ જેવા પ્રાકૃત શબ્દને બદલે આશ્રમ તરીકે ઓળખાવવું રહ્યું. આશ્રમની મુલાકાતે આવનારને શરૂઆતમાં મફત ભોજનપાણી આપવાથી આ સ્થળ માટે આકર્ષણ ઊભુ થશે. પછી આશ્રમનું મહત્વ, ચમત્કારો અને બાધાઆખડીની વાતો કાલ્પનિક દાખલા સહિત પેલા સ્ટાર પ્રચારક મારફત ફેલાવવામાં આવતા ધીમે ધીમે ત્યાં દાનની સરવાણી ફૂટીને આગળ ઉપર પ્રવાહ વહેવા માંડશે અને આશ્રમની સાથે સાથે અનુયાયીઓની સંખ્યાનો પણ વિકાસ થશે. ગુજરાતના એક બહોળા સંપ્રદાયમાં તો એક મંત્ર છે, “આજે જમશે તો બીજા દિવસે આવશે અને ત્રીજા દિવસે માનશે!”
પોતાને બૌદ્ધિક માનતા હોય તેવા ધાર્મિક અનુયાયીઓ મેળવવા માટે વિશેષ લાયકાત હોવી જોઇએ. શાસ્ત્રોના અર્થઘટનો તર્કબદ્ધ ભાસે એવાં અને એ રીતે કરવા કે જેથી વિવાદો ઊભા થાય. જો અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોય તો ચાર ચાંદ લાગી જશે.
‘ધર્મક્ષેત્ર’થી આપણે ‘કુરુક્ષેત્ર’ એવા રાજકારણ પર આવીએ. વર્ષો પહેલા અહીં અનુયાયીઓ બનાવાવા માટે આદર્શવાદીઓની પસંદગી કરવામાં આવતી. સમાજસેવાની ભાવના કે ‘સામજ કો બદલ ડાલો’ જેવા સુત્રો સાથેના ક્રાંતિકારી વિચારો ધરાવતા યુવાનોને રાજકારણમાં આનુયાયીઓ બનાવી શકાતા. આ અનુયાયીઓમાંથી કેટલાકને પોતાના ગુરુની વાસ્તવિક્તાનો પરિચય થતા તેઓ અનુયાયી તરીકે રાજીનામું આપે દેતા. બાકીના વાસ્તવિક્તા સ્વીકારી લઈને સેવાની ભાવના કે ક્રાંતિકારી વિચારો દેખાવ પૂરતા રાખીને ‘સ્વના વિકાસમાં જ સર્વનો વિકાસ છે’ એ સત્ય સમજાતા પોતાના રાજકીય ગુરુના સાચા અનુયાયી બની રહેતા.
પરંતુ નવા જમાનામાં અનુયાયી બનવા માટે સેવાભાવી હોવું કે ક્રાંતિકારી વિચારક હોવું જરૂરી નથી. રાજકારણમાં પ્રવેશ માટે સેવકનું મહોરું પણ હવે જરૂરી રહ્યું નથી. સરકારી નોકરીમાં ઔપચારિક શિક્ષણ ભલે આવશ્યક હોય પરંતુ રાજકારણમાં અનુયાયી માટે એ જરૂરી તો નથી જ, ક્યારેક તો ઉચ્ચ શિક્ષણ ગેરલાયકાત બની જાય છે. જેના પર એકાદ બે પોલીસ કેસ થયા હોય તેવા લોકો અનુયાયી તરીકે વિશેષ લાયક હોય છે. વળી આવા લોકો અનુયાયી બનવા તત્પર પણ હોય છે, કારણ કે જેમનો ઈતિહાસ ગુનાહિત હોય તેવા લોકોને અનુયાયીમાંથી નેતા બન્યાનાં અનેક ઉદાહરણો તેમની નજર સમક્ષ હોય છે. આથી જેના પર પોલીસે વધારે ગુન્હાઓ નોંધ્યા હોય તેવા લોકો નેતા તરીકેનાં પ્રમોશનની આશાથી અનુયાયી બનવા માટે ઉત્સાહી હોય છે.
દરેક ઉત્પાદનનાં વેચાણ માટે સમૂહ માધ્યમોમાં તેની જાહેરાત કરવી જરૂરી છે. ‘ધર્મક્ષેત્ર’ અને ‘કુરુક્ષેત્ર’ પણ તેમાંથી બાકાત નથી. અહીં પણ અનુયાયી વધારવા માટે જાહેરખબરોનું મહત્વ ખૂબ છે. હવે તો હાથવગું એવું સોશિયલ મિડિયા પણ ઘણાબધા અનુયાયીઓ ખેંચી લાવી શકે છે.
આપણને સૌને ભણાવવામાં આવ્યું છે કે માણસ સામાજિક પ્રાણી છે. પરંતુ એક વિચારકે આગળ વધીને કહ્યું છે કે માણસ સામાજિક ઉપરાંત રાજકીય પ્રાણી પણ છે. આથી રાજકરણમાં અનુયાયી માટેના નિયમો સેવાભાવી કે અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓને પણ વત્તેઓછે અંશે લાગુ પડે છે. ઘણીખરી કહેવાતી સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાઓમાં લેબલ સેવાનું હોય છે, પરંતુ આશય મેવા મેળવવાનો હોય છે. આથી આવી સંસ્થાઓમાં મેવાવાંચ્છુઓ અનુયાયી તરીકે વિશેષ લાયક હોય છે. અલબત્ત જૂજ સંસ્થાઓ એવી હોય છે કે જે સેવા અને માત્ર સેવાનો મંત્ર લઈને જ કામ કરે છે, પરંતુ તે સંસ્થાઓને વધારે અનુયાયીઓ મળી શકતા નથી.
સેના કે પોલીસમાં સિપાઇઓ મેળવવા માટે ભરતી મેળાઓ યોજાતા હોય છે. એ રીતે રાજકીય, ધાર્મિક, કે સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ ઉત્સવો અને સમૈયા નામે ઓળખાતા ભરતી મેળાઓ યોજવાથી વધારે અનુયાયીઓ મેળવી શકાય છે. આ ઉત્સવ માટે કોઇને કોઇ નિમિત્ત શોધવું રહ્યું. જેમ કે સ્થાપના દિન, પાટોત્સવ દિવસ, કોઇ મોટી મનાતી વ્યક્તિનો જન્મદિવસ(80 વર્ષ થયા હોય તો અશિતી વંદના), સામાજિક કે ધાર્મિક તહેવારો, ખાતમુહૂર્તો ,ઉદ્ઘાટનો,આંદોલનો, પરિષદો વગેરે. આ ભરતી મેળાનો બીજો લાભ એ છે કે કોઇક અનુયાયી ભૂલેચૂકે પણ વિચારતો થયો હશે તો ભરતી મેળાની ભીડમાં તેની વિચાર પ્રક્રિયા બંધ થઈ જશે.
અહીં એક જરૂરી ચેતવણી આપવી રહી. અનુયાયી પસંદ કરવામાં પૂરતી કાળજી રાખવામાં ન આવે તો તમારો અનુયાયી તમારો પ્રતિસ્પર્ધી બની જવાની પૂરી સંભાવના છે. પ્રતિસ્પર્ધી બનીને તમારા અનુયાયીઓને પોતાના સંપ્રદાયમાં કે રાજકીય પક્ષમાં ખેંચી જશે. ક્યારેક હવેલી લેતા ગુજરાત ખોવાનો વખત પણ આવવા સંભવ છે.
આખરે જેમ ધનસંપત્તિ મેળવવા માટે નસીબ હોવું જરૂરી હોય છે તેમ અનુયાયી મેળવવા માટે પણ નસીબ જોઇએ. અહીં નસીબના પ્રવેશનું કારણ પ્રખ્યાત વિચારક જ્યોર્જ ‘બર્નાડ શો’ ના શબ્દોમાં મૂકીને મારી વાત પૂરી કરું છું. “મહાન માણસોને તેમની મહાનતા બદલ શી સજા કરવી તેની ગતાગમ ન હોવાના કારણે નસીબ તેમને ચેલાઓ આપે છે.
(ઉંબાડિયું :
એક જણે શહેરના વીસ પ્રતિષ્ઠિત માણસોને પત્રોમાં લખ્યું,
“બધાને જ ખબર પડી ગઈ છે”
પછી એ વીસે વીસ પ્રતિષ્ઠિતો શહેર છોડી ગયા.)
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
