સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
નેતા કેવી રીતે વાતચીત કરે છે, તે પોતાના વ્યક્તિત્વને કેવી રીતે રજૂ કરે છે એવાં સંવાદનાં વિવિધ પાસાંઓ અસરકારક નેતૃત્વનાં મૂળમાં છે.
થોડા વર્ષો પહેલા, હું પ્રોજેક્ટના અગ્રણીઓ સાથે ચર્ચાનું આયોજન કરી રહ્યો હતો. ચર્ચાનું ધ્યેય પ્રક્રિયાઓમાં સુધારા માટેની તકો ઓળખવાનું હતું. શરૂઆતની થોડી મિનિટોમાં મને સમજાવા લાગ્યું કે વાતચીત યોગ્ય દિશામાં ચાલી રહી નથી. પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહેલા મોટાભાગના સહભાગીઓએ ફક્ત તેમની લડાઈઓની અને સંઘર્ષની અને અત્યાર સુધીની સમસ્યાઓ વિશે વાત કરી રહ્યા હતા. તેઓ સમસ્યાના લક્ષણો અને અસરો પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરતા હતા, પરંતુ સમસ્યાના (સંભવિત) મૂળ કારણ પર તેઓનું ધ્યાન કેન્દ્રિત નહોતું થઈ રહ્યું.
સમસ્યાઓને બદલે ઉકેલો પર તેમનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે મારે થોડો પ્રયાસ કરવો પડ્યો. પરંતુ એ પ્રયાસોને કારણે હું બેએક બાબતો શીખી શક્યો:
- અસરકારક નેતાઓ સકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખે છે. સામનો કરવાની જરૂર છે એવી સમસ્યાઓ છે તેમાં બેમત ન હોઈ શકે. સમસ્યા વિશે નકારાત્મક ચર્ચા ફક્ત સમસ્યા સ્પષ્ટ ન થાય ત્યાં સુધી મર્યાદિત હોવી જોઈએ. એકવાર સમસ્યા (એટલે કે મૂળ કારણ) જાણી લેવામાં આવે, પછી સમસ્યા વિશે વારંવાર ગાવાનો કોઈ અર્થ નથી. ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અગ્રણીઓને સકારાત્મક દૃષ્ટિકોણ જાળવવામાં મદદ મળે છે.
- અસરકારક અગ્રણીઓ અંતિમ પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અગ્રણીના મનમાં ઉદ્દેશ્ય હંમેશાં કેન્દ્રમાં રહેવો જોઈએ. પ્રોજેક્ટ દરમિયાન કરવામાં આવેલી બધી ‘પ્રવૃત્તિઓ’ અને ‘સમસ્યાઓનું નિરાકરણ’ એ નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરવાના સાધન છે. પરંતુ ક્યારેક, અગ્રણીઓ સાધનોમાં એટલા ડૂબી જાય છે કે સાધ્ય (પરિણામ) દૃષ્ટિ સામેથી ખોવાઈ જાય છે. જે લોકો ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા કૃતનિશ્ચય તે ઉદ્દેશ્યોને સતત પોતાની સામે રાખે છે.
- અસરકારક અગ્રણીઓ તેમની વાતચીત – સંવાદ પ્રત્યે સભાન હોય છે. તેઓ દરેક શબ્દની અસર જાણે છે. તેઓ તેમની વાતચીત જે (ગર્ભિત તેમજ સ્પષ્ટ) સંદેશાઓ પહોંચાડે છે તેના વિશે તેઓ સભાન હોય છે.
મેં તાજેતરમાં ટ્વિટર પર આ મુજબ વાંચ્યું – સંવાદ એ નેતૃત્વનું ચલણ છે.
દરેક અગ્રણીએ સંવાદની બાબતે પોતાને પૂછવા જોઈએ તેવા કેટલાક પ્રશ્નો અહીં આપ્યા છે:
- આ સંવાદ મને મારી ટીમના લોકો પાસેથી ઇચ્છિત પ્રદર્શન/પરિણામો મેળવવામાં કેવી રીતે મદદ કરી રહેલ છે?
- આ સંવાદ કાર્યસિદ્ધિ કરવા માટે જરૂરી જ્ઞાનને કેટલી અસરકારક રીતે હસ્તાંતરિત કરે છે?
- આ સંવાદ લોકોના ટીમના, અને તેમનાં પોતાનં, ધ્યેય પ્રત્યેના માનસિક અને ભાવનાત્મક જોડાણને કેવી રીતે મજબૂત બનાવી રહેલ છે?
- આ સંવાદ મને સંબંધો બનાવવામાં, અને જાળવી રાખવામાં, કેવી રીતે મદદરૂપ બની રહેલ છે?
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
