દીઠે અડસઠ જાત્ર
દર્શના ધોળકિયા
ગતાંકમાં આપણે નાર્ગરેટ નોબલનું ભારતમાં અગમન થતું જોયું.
હવે આગળ...
જાન્યુઆરીમાં ભારત આવેલાં માર્ગરેટ માટે માર્ચ મહિનો શુકનિયાળ નીવડ્યો. અનુક્રમે અગિયારમી, સત્તરમી અને પચ્ચીસમી માર્ચે માર્ગરેટની હાલકડોલક થતી નૌકાને કિનારો મળ્યો. અગિયારમી માર્ચે સ્વામીજીએ કલકત્તાના સ્ટાર થિયેટર ખાતે રામકૃષ્ણ મિશનની વાર્ષિક સભામાં એકઠા થયેલા ભદ લોકોને માર્ગરેટનો પરિચય કરા વતાં તેમને ઇંગ્લેન્ડે આપેલી માનવભેટ તરીકે ઓળખાવ્યાં. આ દિવસે માર્ગરેટે ભારતની આધ્યાત્મિકતાનો ઇંગ્લેન્ડ પર પડેલો પ્રભાવ સૌની વચ્ચે જણાવી પોતાનો ભારત આવવાનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો.
સત્તરમી માર્ચે સ્વામીજીના ગૂરૂશ્રી રામકૃષ્ણ પરમહંસનાં આધ્યાત્મિક સાથીદાર મા શારમણિદેવી સાથે માર્ગરેટનું મિલન ગોઠવાયું. ચુસ્ત સનાતની હોવા છતાં શારદાદેવી ભારે લાગણી અને ગૌરવથી માર્ગરેટનું સન્માન કરીને તેમની સાથે ભોજન પણ સીધું. આ ઘટનાથી માર્ગરેટે ધન્યતા અનુભવી. માતાજીએ માર્ગરેટના કરેલા સવીકાર પછી જ વિવેકાનંદ માર્ગરેટનું શિષ્યત્વ સ્વીકાર્યું. આમ માર્ગરેટની પ્રથમ દીક્ષા મા શારદાદેવી પાસે લેવરાવીને વિવેકાનંદે ઔચિત્ય જાળવ્યું.
શારદાદેવીના આશીર્વાદ મળતાં માર્ગરેટનું રામકૃષ્ણ મઠમાં નિશ્ચિત સ્થાન થયું. તે પછી વિવેકાનંદે તેમને બ્રહ્મચર્યની દીક્ષા આપવાનું ઠરાવ્યું જે માટે ૨૫મી માર્ચનો દિવસ નક્કી થયો. એક હિન્દુ સંન્યાસી પાસે ઈસાઈ ધર્મની આ શિષ્યાએ તે ક્ષણે પોતાનો ધર્મ પણ ગુરુચરણે ધરીને કૃતાર્થતા અનુભવી. શિષ્યાને આશીર્વાદ આપતાં સ્વામીજીએ શિવ ને ગૌતમ બુદ્ધના આશીર્વાદ લેવડાવતાં જણાવ્યું ઃ ‘જાઓ અને બુદ્ધ તરીકેનું દર્શન પામતાં પહેલાં જે વ્યક્તિએ પાંચસો વખત જન્મ લઈને બીજા લોકો માટે જીવન અર્પણ કર્યું તેને અનુસરો.’ ગુરુ પાસેથી દીક્ષા પામીને માર્ગરેટ “નિવેદિતા” એવું સાર્થક નામ પામ્યાં. તેમના જન્મ સમયે તેમનાં માતાએ સેવેલી અભિલાષા, દૂર દેશમાં, અન્ય ધર્મના મહાન જ્ઞાતા પાસેથી આ રીતે પૂરી થઈ તે માટે નિવેદિતાએ પોતાનો જન્મ સફળ માન્યો. માર્ગરેટમાંથી ‘નિવેદિતા’ બનવાની ક્ષણ એક રીતે જોતાં ઘણી નાજુક હતી.
ભારતીય અધ્યાત્મ જગતથી ખેંચાયેલી અન્ય વિદેશી મહિલાઓમાંથી*[1] કોઈને ભાગે પોતાનો ધર્મ તજવાનો આવ્યો નહોતો. હિંદુ ધર્મને એ મહિલાઓએ માન આપ્યું એ વાત જુદી હતી. ગીતાકારે જેને સ્વધર્મ-અર્થાત્ પાલન કરવા યોગ્ય, અથવા તો જેનું પાલન અનિવાર્ય બની જાય એવો ધર્મ- કહ્યો, એ અર્થમાં નિવેદિતાને માટે હિંદુ ધર્મ સ્વધર્મ બની રહ્યો. પોતાનો ધર્મ એમણે કંઈ એમને એમ, આવેશને વશ થઈન છોડ્યો નહોતો. હિંદુ ધર્મે તેમણે જે ઇચ્છવું હતું તે તેમને સંપડાવ્યું. આથી નિવેદિતાનું નિવેદન શક્ય બન્યું, છતાં પણ આ વાત નાનીસૂની તો નહોતી જ. તેમના મહાન ગુરુએ તેમની પાસે જે ગુરુદક્ષિણા માગી તે ધણી આકરી હતી. વિવેકાનંદે દીક્ષા ગ્રહણ કરતાં નિવેદિતાને કહેલું : ‘તમારે તમારા વિચારો, જરૂરિયાતો, ભાવનાઓ અને સંસ્કારોને હિન્દુ સ્વરૂપ આપી દેવાના પુરુષાર્થમાં લાગી રહેવાનું છે. તમારૂ આંતર તેમ જ બાહ્ય જીવન એક ચુરત બ્રાહ્મણ બ્રહ્મચારિણીના જીવન જેવું બની રહેવું જોઈએ. એ માટે પૂરતી ઇચ્છા હશે તો એવું કાર્ય કરવાની પદ્ધતિ તમને આપોઆપ સૂઝશે. એ માટે તમારે તમારો ભૂતકાળ ભૂલી જવાનો છે અને બીજા લોકો પણ એને ભૂલી જાય એવું કરવાનું છે. તમને એની સ્મૃતિ પણ રહેવી ન જોઈએ. આ વાક્યો કોઈને પણ વિચાર કરતા કરી મૂકે તેવાં છે. ખરેખર કોઈ મનુષ્ય આ રીતે કરી શકે ? કરી શકે તો તેમ કરાવવું યોગ્ય પણ ખરું ? એમાંય જ્યારે વિવેકાનંદ જેવી વ્યક્તિ આવી માગણી કરે, બલકે આદેશ આપે એમાં ઔચિત્ય જળવાય છે ? – આવા પ્રશ્નો જાગે. પરંતુ વિવેકાનંદ ને નિવેદિતાના સંબંધને જોતાં એવું જણાય છે કે ગુરુએ આવી માગણી કર્યા વિના ને શિષ્યાએ એને સ્વીકાર્યા વિના ચાલે તેમ નહોતું. જે દેશમાં તેઓ આવ્યાં હતાં તે દેશની નાડ તેમણે પારખવાની હતી; એ દેશના લોકોમાં ઓગળવાનું હતું; તેના જેવા, તેનામાંના બનવાનું હતું. તેમને જે ઈશ્વરને ઓળખવો હતો તેનું બીજું નામ લોકસેવા, દરિદ્રનારાયણની આરાધના હતી. જો તેઓ આ કામ ન કરી શકે તો પણ તેના ગુરુએ કોઈ બંધન તેમના પર મૂક્યું ન હતું. આથી હવે જે કંઈ કરવાનું હતું તેમાં નિવેદિતાની જ પસંદગી હતી. કોઈ સિદ્ધાંત, કોઈ કાર્ય તેમના પર લદાયું નહોતું. નિવેદિતાએ પણ સર્વ કંઈ છોડયું તે ગુરુ પ્રત્યેની શ્રદ્ધાને કારણે છોડયું એમ કહેવા કરતાં એમને પોતાને, આ પ્રકારના સંન્યાસથી જ સત્યનું દર્શન થશે એવી પ્રતીતિને લઈને છોડયું.
માર્ગરેટ પોતે એક વિદુષી સ્ત્રી હતાં, અંગ્રેજ હોવાને લીધે અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતાં હતાં; વ્યવસાયે અધ્યાપક હતાં, પાદરીની પુત્રી હતાં; અનેક બૌદ્ધિકોની વચ્ચે વસેલાં હતાં. ઢળી ન પડવાની પ્રકૃતિ ધરાવતાં હતાં. આથી વિવેકાનંદે તેમના પર કોઈ જાદુ કે કામણ કર્યુ હતું એવું નહોતું. વિવેકાનંદનું પૂરું પરીક્ષણ – નિરીક્ષણ કરીને તેમનુ માર્ગદર્શન યોગ્ય લાગતાં નિવેદિતાએ ભારત આવવાનો, સેવાનું વ્રત ધારણ કરવાનો, હિંદુ ધર્મ અંગીકાર કરવાનો નિર્ણય લીધો. તેમનામાં તેમના ગુરુ જેવી જ વિચારનિષ્ઠા હતી એવું તેમના વ્યક્તિત્વને જોતાં સ્પષ્ટ થાય છે.
નિવેદિતાને પોતાની પસંદગી પર ને પોતે ભરેલાં પગલાં પર કેટલો વિશ્વાસ આ વિવેકાનંદ સાથે તેમણે કરેલા ઉત્તર ભારતના પ્રવાસ દરમિયાનની તેની નોંધોમાંથી મળે છે. તેઓ લખે છે : “જે મનોદશામાં નવા ધર્મનું નિર્માણ થાય છે તેની અને જે વિભૂતિઓ એવા ધર્મની પ્રેરણાનું સિંચન કરે છે તેઓની અમને (બીજી બે ગુરુ બહેનો જોસેફાઈન, બુલ સમેત) કંઈક ઝાંખી થઈ છે; કારણ કે અમે એક એવી વિભૂતિનાં અંતેવાસી બની રહ્યાં છીએ જેણે તમામ મનુષ્યોને પોતા તરફ ખેંચી લીધા; એમણે સૌની વાત સાંભળી; એમણે કોઈનો અનાદર ન કર્યો …જેની હાજરીમાં કોઈ સંકુચિતતા ટકી ન શક્તી; એવી ત્યાગવૃતિ જોઈ છે કે જે જુલમ પ્રત્યેની કોઇ ઘૃણાથી અને એનો ભોગ બનેલા પ્રત્યેની અનુકપાથી જીવન સ મર્પણ કરતાં અચકાય નહીં; અને એવો પ્રેમ અનુભવ્યો છે કે જે પોતાની સમક્ષ આવી રહેલ વેદના અને મૃત્યુનું સ્વાગત કરતાં પણ ડરે નહીં.’ નિવેદિતાના સન્યાસની પાછળ આ રહસ્ય છુપાયેલું હતું.
નિવેદિતાએ જે દર્શન મેળવ્યું હતું તે ઘણું મજબૂત હોવા છતાં દીક્ષાના પ્રારંભે તેઓ ક્યારેક ડગી જતાં. એક વાર વિવેકાનંદે તેમને તેમનું વતન કયું એ અંગે પૂછતાં તેમણે “ઇંગ્લૅન્ડ” એવો ઉત્તર આપેલો ને એ દેશના રાષ્ટ્રધ્વજ પ્રત્યે પોતાની વફાદારી સૂચવેલી. આ ઉત્તરથી સ્વામીજી શિષ્યાની નિષ્ઠામાં રહેલી કચાશ પારખી ગયા. તે સમયે તો મૌન રહેવું જ તેમણે ઉચિત ધારેલું. અલમોડામાં ગુરુ સાથે નિવેદિતાએ ગાળેલો કેટલોક સમય સંઘર્ષનો બની રહ્યો. નિવેદિતાનું અંગ્રેજ લોહી બીજી પ્રજાની પ્રશંસાથી ઊકળી ઊઠતું. ત્યારે એક વાર નારાજ થઈને વિવેકાનંદે તેમને કહેલું : “ખરેખર તમારા જેવી દેશભક્તિ તો પાપ છે. હું ફક્ત એટલું જ ઇચ્છું કે તમારે એ જોવું જોઈએ કે મોટા ભાગના લોકોનાં કાર્ય સ્વાર્થની અભિવ્યક્તિ કરતાં હોય છે અને તમારે એ વિચારનો સખત વિરોધ કરવો જોઈએ કે એક જાતિ જ ફક્ત દેવદૂતોથી ભરેલી છે. આ પ્રકારનું નિશ્ચિત થયેલું અજ્ઞાન દુષ્ટતા જ છે.’
વિવેકાનંદના આ કઠોર જણાતા તર્કે નિવેદિતાના અસ્તિત્વને મૂળમાંથી હચમચાવી નાખ્યું. એક બાજુ તેમને ગુરુની કઠોરતા દેખાતી તો બીજી બાજુથી એમાં પોતાની ચીડ ને અવજ્ઞા દાખલ થતાં જણાયાં. તેમના આ દુ:ખી દિવસોમાં ગુરુએ તેમને સહેજ પણ ટેકો ન આપ્યો. વિવેકાનંદે તેમને અગાઉ પગ પર ઊભા રહેવાનું જણાવ્યું તેનો અર્થ આ હતો તે પછીથી નિવેદિતાને સમજાયું. ધીમે ધીમે પોતાની રીતે ને મિત્રોની મદદથી શાંત થયેલાં નિવેદિતાને સમજાયું કે ગુરુનું કામ પોતાની જગાએ પરમાત્માને સ્થાપવાનું છે. એ માટે તેઓ બધા સંબંધોનો નાશ કરવા ઇચ્છે છે – ગુરુશિષ્ય સંબંધનો પણ. તેથી આ પ્રકારની યુક્તિઓ ગુરુને કરવી પડતી હોય છે. આ યુક્તિઓ બહારથી કઠોર લાગવા છતાં આખરે તો સત્ય તરફ દોરી જતી હોય છે એવું સમજાતાં પોતે ચુકવવાની ગુરુદક્ષિણા નિવેદિતા ચૂકવી શક્યાં. પોતે સ્વીકારેલા સંન્્યાસની કસોટીમાં આમ, નિવેદિતા પાર ઊતર્યા.
વિવેકાનંદે જુદી જુદી રીતે, પ્રથમ તો નિવેદિતાનાં આંતરજગતની સફાઈ કરી. આ કામ પૂરું થયા પછી તેમને સેવાયજ્ઞમાં જોડ્યાં. શિષ્યાનું ધડતર કરવા પાછળ ગુરુએ પૂરો સમય આપ્યો. ગુરુ સાથેનું વૈચારિક અનુસંધાન જોડાયા પછી કલકત્તામાં કન્યાશાળા ખોલવાનો વિચાર ગુરૂને જણાવ્યો. વિવેકાનંદે શિષ્યાને એ માટે શુભેચ્છા પાઠવી. આ સમયગાળામાં કાશ્મીરના મહારાજ બહેનોના મઠની શ્થાપના કરવા માગતા હત અપણ અંગ્રેજક રસિડેન્ટે તેમને મંજૂરી ન આપતાં એ યોજના અમલમાં મુકાઈ શકી નહિ. આ બનાબે નિવેદિતાના મનમાં અગ્રેજો પ્રત્યે કડવાશનાં બી વાવ્યાં. ગુરુની અંગ્રેજો પ્રત્યેની અરૂચિ હવે તેમને સમજાઇ.
શાળાનું કાર્ય હાથમાં લેવા માટે નિવેદિતા કલકત્તા આવ્યાં. કલકત્તામાં તેમને નિવાસથી માંડીને અનેક પ્રકારની મુકકેલ્રીઆનો સામનો કરવાનો આવ્યો. તેમણે મા શારદાદેવી સાથે રહેવાનું ગોઠવ્યું જ્યાં એક જ આઠ-દશ સ્ત્રીઓ રહેવાનું, એક જ ચટાઈ પર સુવાનું આવ્યું. ભૌતિક સગવડનું કોઇ સાધન ન મળે. પ્રભાતે ઊઠવાનું. સ્નાન, સંધ્યા, પૃજા, ઘાર્મિક પુસ્તકોનું પારાયણ કરવાનું. આ બધું કરેવાની તેમણે સ્વેચ્છાએ તાલીમ લીધી. ઘોળી ચામડીને તેમણે થોડું વેઠવાનું આવ્યું. તેમની કામવાળી ચુસ્ત સનાતની. શરૂ આતમાં તેનો વ્યવહાર ખૂબ અતડો રહ્યો, પશ નિવેદિતાના પ્રેમથી તે જિતાઈ ગઈ.
ઈ.સ. ૧૮૯૮ની ચૌદમી નવેમ્બરે નિવેદિતાએ શરૂ કરવા ઘારેલી શાળા શારદાદેવીને હસ્તે ખુલ્લી મુકાઈ. આ શાળામાં લેખન, વાચન ઉપરાંત સૌવણ, ચિત્રકામ, માટીકામ જેવા જીવનોપયોગી વિષયો પણ શીખવવામાં આવતા .
પોતાની શાળાને સારી રીતે ચલાવવા માટે નિવેદિતાને ધનની આવશ્યક્તા જણાતાં ઈ.સ. ૧૮૯૯માં સ્વામીજીની સાથે તેમશે લંડન ભણી પ્રયાણ કર્યુ. ગુરુની સહોપસ્થિતિથી આ સમુદ્રયત્રા તેમને માટે તીર્થયાત્રા બની રટી. આ સમયે ગુરુએ તેમની સાથે કરેલા વાર્તાલાપો લિપિબદ્ધ કરીને નિવેદિતાએ ભારતની બહુ મોટી સેવા કરી. લંડનથી અમેરિકા ગયેલાં નિવેદિતાએ ન્યૂયૉર્ક, શિકાગો, ડેટ્રોઈટ, બોસ્ટન જેવી જગ્યાઓએ વ્યાખ્યાનો આપીને ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું. ન્યૂયોર્ડમાં “રામકૃષ્ણ સહાયતા સમિતિ’ની સ્થાપના કરી. આ પ્રયત્નોમાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પણ વિવેકાનંદનું માર્ગદર્શન તેમને હંમેશાં સાથ ને હૂંફ આપતું રહયું. અમેરિકાથી ફ્રાન્સ, ફરી લંડન, માન્ચેસ્ટર જઈને તેમશે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કર્યો.
નિવેદિતાને ભારત માટે વાયુવેગે કામ કરતાં જોઈને લંડનના એક સંવાદદાતાએ તેમના વિશે લખ્યું : “ભારતના પક્ષમાં એક ઉત્સાહી પ્રવકતાનો આવિર્ભાવ થયો છે – જેવો પ્રાચીન કાળમાં સમર્થકોનો થતો હતો. ભારતની આ સમર્થક વ્યક્તિ કોઈ દૂર દેશમાંથી નહીં, અપરિચિત લોકોમાંથી પણ નહીં કે પુડુષવર્ગમાંથી પણ પ્રગટી નથી. આ સમર્થક એક મહિલા છે, જેનો સંબંધ ભારત પર શાસન કરનારી જાતિથી છે. અસાધારણ યોગ્યતાસંપત્ન આ સ્ત્રીએ ભારતની સ્ત્રીઓ માટે પોતાને સમર્પિત મતા સંકલ્પ કર્યો છે. આ મહિલાનું નામ માર્ગરેટ નોબલ છે. એ સ્ત્રી ભારતમાં માત્ર અઢાર જ મહિના રહી હોવા છતાં ભારતમાં રહેતા લોકો કરતાં પણ ભારતના યથાર્થ જીવન વિશે વધારે જ્ઞાન ધરાવે છે.’
સ્વાભાવિક રીતે જ, અંગ્રેજ પ્રજા નિવેદિતાથી નારાજ હતી. જે દેશ પર પોતે શાસન કરે છે તે જ દેશની પ્રજા માટે પોતાની જ એક વ્યક્તિ સમર્પિત થઈને તેને પ્રશંસે એ વાત અંગ્રેજોને પસંદ નહોતી. પણ નિવેદિતાએ તો પોતાને જે લાગ્યું ને સમજાયું તેને અનુસરવાનું જ પસંદ કર્યું.
ઈ.સ. ૧૯૦૨માં ભારત આવેલાં નિવેદિતાને બીજી વારનું ભારત તો માતૃભૂમિ જ ભાસ્યું. કલકત્તાની બોસપાડા લેનમાં સત્તર નંબરના મકાનમાં તેઓ ભાડે રહ્યાં. આ સમયે સ્વામીજીનાં બીજાં શિષ્યા કિસ્ટીન ગ્રીનસ્ટિડેલ પણ નિવેદિતાની મદદ અર્થે ત્યાં આવી પહોંચ્યાં. આ બંનેએ પોતાના ઘરને “બહેનોનું ઘર” એવું નામ આપ્યું. આ ઘરમાં જીવનના અંત સુધી નિવેદિતા રહ્યાં.
કલકત્તામાં સ્થાયી થયા પછી નિવેદિતાને ફરીથી શાળા શરૂ કરવાનો વિચાર આવતાં તેમણે વારાણસી રહેતા વિવેકાનંદની પત્રથી સલાહ માગી. ત્યારે પણ સ્વામીજીએ તેમને કોઈ આદેશ ન કર્યો. આપી માત્ર શુભેચ્છા. નિવેદિતા જે ઇચ્છતાં હતાં તે કાર્ય કરવાની ઈશ્વર તેમને શક્તિ આપે ને સાથોસાથ અપરિચિત શાંતિ પણ તેને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના વિવેકાનંદે કરી. આ શાળામાં બાલિકાઓ ને પછી તો મોટી ઉંમરની સ્ત્રીઓ પણ શિક્ષણ અર્થે આવવા લાગી. ‘રામકૃષ્ણ બાલિકા વિઘાલય’ તરીકે ચાલતી આ શાળા ઓળખાઈ તો નિવેદિતાને નામે જ.
ઈ.સ. ૧૮૯૮થી ૧૯૦૨ – આ ચાર જ વર્ષના ગાળા દરમિયાન નિવેદિતા એમના મહિમાવંત ગુરુનું સાન્નિધ્ય ભોગવી શક્યાં. આ ચાર વર્ષમાં તેમણે જીવનની ચડતી-પડતી પણ પુષ્કળ પ્રમાણમાં જોઈ. પોતાની જાતમાં પણ પરિવર્તનનો પવન ફુંકાયો તેમાં ક્યારેક જીવનનોકા તોફાને પણ ચઢી ને તેને સુકાન પણ સાંપડ્યું. આ સૌ ઘટનાઓને પોતાનાં સમર્પણથી નિવેદિતા તરી ગયાં. તેમણે પોતાના ગુરુને જે દક્ષિણા ચૂકવી તે અહમૂ, દેશપ્રેમના નિવેદનની હતી. આ નિવેદન એટલું તો સંપૂર્ણ હતું કે વિવેકાનંદ જેવા મહાન ગુરુએ તેમને પોતાના જીવનના અંત સમયે જે આપ્યુ તે જગતનાં કોઈ પણ મહાન શિષ્યત્વને ભાગ્યે જ સાંપડયું હોય તેવું મહાન અર્પણ હતું.
૧૯૦૨ના જૂનની ૨૮મીએ વિવેકાનંદ સાથે નિવેદિતાની અંતિમ મુલાકાત થઈ. તે દિવસે સ્વામીજીએ નિવેદિતાને ભોજન પીરસ્યું. જમ્યા પછી પોતે જ નિવેદિતાને હાથ ધોવડાવ્યા ને નેપકીનથી લૂછ્યા. આ બધું જોઈને સંકોચાયેલાં નિવેદિતાએ ગરૂને કહં કે આ તો મારે કરવાનું હોય,તમારે નહી, પણ વિવેકાનંદનો જે ઉત્તર હતો તે જગતનાં સર્વ શિષ્યત્વને અર્ધ્યરૂપ્બને તેવો હતો. તમણે કહ્યુંઃ “ઈસુએ પોતાના શિષ્યોના પગ ધોયા હતા.’ ગુરુએ શિષ્ય બનીને જીવનના અંતે શિષ્યને કરેલુ ગુરુનું આ પ્રદાન આધ્યાત્મિક જગતની સાથી મોટી ઘટના તરીકે ગણી શકાય તેવું છે. નિવેદિતાએ જો ગુરુ સમક્ષ પાતાના અહમનુ નિવેદન કર્યુ તો બદલામાં ગુરુએ ગુરેત્વનું જ વિસર્જન કરીને નિવેદિતાનાં સમર્પણની પૂરી કિંમત ચૂકવી આપી. આ ક્ષણ બંનેનાં અદ્વૈતની હતી. સાથોસાથ ગુરુએ કરેલાં મૃત્યુના સંકેતની પણ હતી કેમ કે ઈસુએ પણ છેલ્લા દિવસે શિષ્યોના પગ ધોયા હતા.
નિવેદિતાને આ સન્માન આપવા પાછળ એક બાજુથી ગુરુની સમજ રહેલી હતી તો બીજી બાજુ નિવેદિતાનો ગુરુ પ્રત્યેનો ભાવ કારણભૂત હતો. પોતાના મર્દ ગુરુને નિવેદિતા સાચી રીતે પારખી શક્યાં હતાં. એક વાર સ્વામીજીએ તેમને કઢેલું, “મારું જીવનકાર્ય રામકૃષ્ણનું, કે વેદાન્તનું કે કોઈનું પણ નથી. ફક્ત મારા લોકોમાં મર્દાનગી લાવવાનું છે.’ નિવેદિતાએ ઉત્તરમાં ગુરુને મદદ કરવા ઇચ્છ્યું હતું. આથી જ ગુરુનાં નિર્વાણે નિવેદિતાને વેદનાથી ભરી દીધાં છતાં આંસુ સારીને બેસી રહેવામાં મર્દ ગુરુની મર્દ શિષ્યાએ નામર્દાઈ માની. આથી જ એક પત્રમાં તેમણે લખ્યું : “સ્વામીજીના કાર્ય માટે મને બળ, વિશ્વાસ અને જ્ઞાન મળે તે માટે તું પ્રાર્થના કરજે. અત્યારના સંજોગોમાં મને એ જ મોટામાં મોટા આશીર્વાદ છે… તેઓ હંમેશાં આપણી સાથે જ છે. હું તો બેસીને રડી પણ શકતી નથી. બસ, ફક્ત કાર્ય કરવા જ ઇચ્છું છું.’
ગુરુનું કાર્ય ચાલુ રાખવાની ધૂન નિવેદિતા પર એવી તો સવાર થઈ ગઈ કે તેમણે રાષ્ટ્રીય ચળવળમાં જોડાવાનું નક્કી કર્યું. આ માટે રામકૃષ્ણ મઠનું સભ્યપદ છોડવું પડે તેમ હતું કારણ કે મઠ એક ધાર્મિક સંગઠન હતું. આથી જે મઠમાં શિષ્યા થઈને આવ્યાં તેને છોડતાં પણ તેઓ ખચકાયાં નહિ. સ્વામી બ્રહ્માનંદને પત્ર લખીને પોતાની મઠ તરફની નિષ્ઠા ને વફાદારી જીવનભર ચાલુ રાખવાનો કોલ આપીને બદલાયેલ પરિસ્થિતિના સંદર્ભમાં પોતે સ્થૂળ દષ્ટિએ મઠથી છૂટાં પડવાનું જણાવ્યું. નિવેદિતાનું આ સૌથી મોટું ક્રાન્તિકારી પગલું હતું જે કોઈના માર્ગદર્શન વિના ભરાયેલું હોઈને તેની કિંમત વધી જતી હતી. તેમનું આયરીશ ખમીર ને ગુરુભક્તિ આ ક્ષણે સમન્વિત થયાં. તેમનો વ્યાપ આ ક્ષણે ફેલાયો. હવે તેઓ માત્ર મઠનાં ન રહ્યાં, સમગ્ર ભારતમાં બની રહ્યાં – જેને સ્વામીજી ‘આપણા લોકો’ કહેતા હતા એ ભારતનાં, લોકોનાં ભગિની. અગાઉ તેઓ ‘રામકૃષ્ણ સંઘનાં નિવેદિતા’ તરીકે સહી કરતાં. હવે તેમની સહી આ મુજબ લખાતી : ‘રામકૃષ્ણ વિવેકાનંદની નિવેદિતા.’ .
રાષ્ટીય ચળવળમાં જોડાયા પછી નિવેદિતાએ ભારતભરમાં જનજાગૃતિ વિશે વ્યાખ્યાનો આપ્યાં. અંગ્રેજ સરકારની નીતિ રીતિ સામે તેઓ રીતસર રણે ચડ્યાં તે સમયના યુવાનોની સાથે જાણીતા દેશનેતાઓ તેમને ઘેર જતા. ગુરુના નિવાસસ્થાન ભારતને નિવેદિતાએ એક વિરાટ ચેતન અતરીકે ભાળ્યું. ભારતીયોને ભારતનો પરિચય કરાવતાં તેમણે જણાવ્યુ : ભારતીય કહેવડાવવું એ ધાર્મિક વિચાર મનાય છે. પરંતુ એ કોઈ સંપ્રદાય નથી કે કોઈ સામાજિક વિચાર પણ નથી કે જે જાતિ કે જૂથની સંપત્તિ હોય. એ તો છે એતિહાસિક ઉત્ક્રાન્તિ જેમાં બધા એક છે. આ એવી વસ્તુ છે કે જે બધામાં છે. અને તે માત્ર ભારત કહેવાય છે. ૧૮૯૮થી ભારતીય ચેતનામાં ઓગળતી આ મહાન ગુરુની મહાન શિષ્યાને જ આમ કહેવાનો અધિકાર હતો.
૧૯૦૭માં તેમણે ફરી પશ્ચિમની યાત્રા કરી. ૧૯૦૯માં પાછાં ફર્યા રવીન્દ્રનાથ, જગદીશચંદ્ર બોઝ, મહર્ષિ અરવિંદ જેવાં સમર્થ વ્યક્તિત્વોની સાથે નિવેદિતા સંકળાયેલાં એટલું જ નહિં પણ તેમનો આદર પણ પામ્યાં. રવીન્દ્રનાથ જ્યારે નિવેદિતા સમક્ષ પોતાની પાશ્ચાત્ય ઢંગથી કેળવણી આપવા નિવેદન કર્યું ત્યારે ટાગોર જેવાં સમર્થ વ્યક્તિત્વને નન્નો સુણાવતાં નિવેદિતાએ સ્પષ્ટ જણાવ્યું તેમ ભારતમાં રહેતા દરેક ભારતીયોની ભારતના સિદ્ધાંતો પ્રમાણે જ કેળવણી લેવી જોઈએ. આ હતો તેમના નિવેદનનો નિષ્કર્ષ.
ભારતની દરેક વિષમ પરિસ્થિતિમાં તેમણે લોકોની પડખે ઊભાં રહીને સેવાકાર્ય કર્યું. નવેમ્બર ૧૯૧૦માં તેઓ ફરી અમેરિકા ગયાં. ૧૯૧૧ના એપ્રિલમાં ફરી ભારત આવ્યાં. ૧૯૧૧ના ઓક્ટોબરમાં તેમણે દાર્જિલિંગ જવાનો કાર્યક્રમ કર્યો. કલકત્તા છોડવાના દિવસો જેમ જુમ નજીક આવતા ગયા તેમ તેમ નિવેદિતાને પોતાનો અંત નજીક આવતો જણાયો. કલકત્તાની વિદાય લેવાની સાથોસાથ તેમણે મા શારદાદેવીની, સંઘના વરિષ્ઠ સંન્્યાસીઓની, રામકૃષ્ણદેવનાં ભક્ત જોગીન માની – સૌની વિદાય લેતાં જોગીન માને કહ્યું : “મને લાગે છે કે હું હવે પાછી નહીં આવું. સાતમી ઓક્ટોબરે નિવેદિતાએ પોતાનો અંતિમ ઇચ્છાપત્ર લખીને પોતાની બધી જ વસ્તુઓ બેલૂર-મઠના સંસ્થાપકોને આપી. જેનો ઉપયોગ તેમની પાઠશાળાની સ્ત્રીઓ અને રાષ્ટ્રના શિક્ષણ માટે કરવા તેમણે જણાવ્યં હતું.
દાર્જિલીંગના હિમાચ્છાદિત વાતાવરણમાં સૂર્યનાં દર્શન પણ દુર્લભ રહેતાં. પણ કુદરતી રીતે તેર ઓક્ટોબરની સવારે અચાનક સૂર્યનારાયણને પ્રગટ થયેલા જોઈને જોઈને પ્રફુલ્લ ચિત્તે નિવેદિતાએ જણાવ્યું : ‘આ પુરાણી નાવ ડૂબી રહી છે તો પણ હું સૂર્યનાં દર્શન કરીશ.’ આટલું કહેતાં નિવેદિતા મૃતયુદેવને સમર્પિત થયા>
ચુમ્માળીસ વર્ષની જીવનયાત્રામાં ૩૧ વર્ષ પોતાના દેશમાં ને માત્ર તેર વર્ષ ભારતમાં રહીને નિવેદિતાએ પોતાની આયુષ્યયાત્રાને સાર્થક કરી. પોતે શોધવા ઇચ્છેલી દિશા શોધીને, જે શોધ્યું તેને વફાદાર રહીને દિશાની શોધ તેઓ કરી શક્યાં તેના મૂળમાં માત્ર તેમની અભીપ્સા જ નહોતી, તેમનું સ્વાગતશીલ ચેતનાતંત્ર પણ હતું. ભારતના મહાન રાષ્ટ્રીય નેતા શ્રી બિપિનચંદ્ર પાલે નિવેદિતાના આ ગૃણને પારખીને તેમનું યથાર્થ મૂલ્યાંકન કરતાં નોંધ્યું છે : નિવેદિતા આપણી સમક્ષ એ રીતે આવ્યાં, જે રીતે અત્યાર સુધી કોઈ યુરોપવાસી આવેલ નથી. તેઓ સર્વજ્ઞ તરીકે ન આવ્યાં, પણ એવી વ્યક્તિના રૂપમાં આવ્યાં જેમણે શીખવાનો આરંભ કર્યા હતો. એક શિક્ષક તરીકે નહિ પણ વિદ્યાર્થી તરીકે તેમણે પ્રવેશ કર્યો. તેમણે પોતાને કોઈ ધર્મગુરુ કે ઉપાસ્ય તરીકે વ્યક્ત ન કર્યા, પણ હંમેશાં એક ઉપાસક તરીકે તેઓ નિષ્કપટ સ્નેહઅને શ્રદ્ધાથી આપણી વચ્ચે રહ્યાં.’
દિશાની ખોજની અભીપ્સા નિવેદિતાને જાગવી, વિવેકાનંદ સાથે તેમનું જોડા થવું ને દિશાની પ્રાપ્તિ થવી એ નિવેદિતાનું, વિવેકાનંદનું ને સમગ્ર ભારતનું મહાન નસીબ બની રહ્યું. વિવેકાનંદે આ મહાન શિષ્યાને તેના આગમન સમયે એક રત્ન તરીકે ઓળખાવેલાં જેનું જીવનભર નિર્વહણ કરીને નિવેદિતાએ ગુરુને આપેલો અર્ધ્ય માનવજાતનાં સમગ્ર શિષ્યત્વનો પરિચાયક બની રહ્યો.
[1] * આ મહિલાઓ તે શ્રી માતાજી અને મેડેલીન સ્લેડ, જેમના વિશે પછીનાં પ્રકરણોમાં ચર્ચા કરી છે.
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
