ધિક્કારનાં ગીતો

સારપ અને ખરાબી અગાઉ પણ હતાં અને આજે પણ છે. જૂનું બધું ઉત્તમ હતું એવો દાવો ન કરી શકાય.

દીપક સોલિયા

હવે પહેલાં જેવું નથી રહ્યું… આવો નિઃસાસો કોઈ વૃદ્ધ નાખે તો સમજી શકાય, પણ જુવાનજોધ નારી આવું કહે ત્યારે સહેજ નવાઈ લાગે.

ફિલ્મ ‘દાગ’ના ગીત ‘જબ ભી જી ચાહે નઈ દુનિયા બસા લેતે હૈ લોગ’માં જુવાન નાયિકા, ગીતકાર સાહિર લુધિયાનવીના શબ્દોમાં, કોઈ વૃદ્ધાની જેમ ગાય છેઃ યાદ રહતા હૈ કિસે ગુઝરે ઝમાને કા ચલન; સર્દ પડ જાતી હૈ ચાહત, હાર જાતી હૈ લગન; અબ મહોબ્બત ભી હૈ ક્યા એક તિજારત કે સિવા; હમ હી નાદાં થે જો ઓઢા બીતી યાદોં કા કફન; વર્ના જીને કે લિએ સબ કુછ ભૂલા લેતે હૈં લોગ.

સમય જતાં પ્રેમ ઠરી જાય (સર્દ પડ જાતી હૈ ચાહત) અને ઉત્સાહ મોળો પડી જાય છે (હાર જાતી હૈ લગન) એવું ફક્ત આજે જ નહીં, અગાઉના જમાનામાં પણ જોવા મળતું. કુદરતનો અને વિજ્ઞાનનો નિયમ છે કે અતિ ઉત્તેજિત સ્થિતિ કાયમ ટકી શકે નહીં, ઉડેલું વિમાન કાયમ હવામાં તરી શકે નહીં. જુવાનીનો જોશીલો પ્રેમ પછી વાસ્તવની ધરતી પર લેન્ડિંગ કરીને ઠરેલ બનવાનો જ. એટલે પ્રેમ થોડો ટાઢો પડે, વાજબી બને એમાં કશું ખોટું નથી.

નાયિકા કહે છે કે હવે તો પ્રેમના નામે ફક્ત વેપાર થાય છે (અબ મહોબ્બત ભી હૈ ક્યા ઇક તિજારત – વ્યવસાય- કે સિવા), પ્રેમ હવે પ્રોફેશનલ બની ગયો છે. કમ ઓન, ખુલ્લી આંખે, સમજપૂર્વક બંધાતા પ્રેમસંબંધો અને લગ્નસંબંધોમાં અગાઉ પણ સામેના પક્ષનું ખાનદાન જોવાતું, આવક જોવાતી, મિલકત જોવાતી. આવી બધી ‘વ્યાવસાયિક તકેદારી’ કંઈ આજની જ વાત નથી. ટૂંકમાં અસ્સલના જમાનામાં જ અસ્સલ પ્રેમ થતો અને હવે ફક્ત વ્યાપારી પ્રેમ થાય છે એવો દાવો ખોટો છે. પ્રેમ પ્રેમ છે. એ પહેલાં પણ થતો, આજે પણ થાય છે. પ્રેમમાં નાદાની અગાઉ પણ જોવા મળતી, આજે પણ જોવા મળે છે. હા, એટલો ફરક પડ્યો છે કે હવે પ્રેમીઓને ઓનલાઈન એપની મદદથી શોધી શકાય છે. અગાઉ આટલી સુવિધા નહોતી. આ સુવિધાથી કેટલાકને સારાં પાત્ર મળી પણ રહે છે અને ઘણાં ભેરવાઈ પણ પડે છે. સરવાળે, રૂબરૂ મળ્યા વિના ઓનલાઈન ચેટિંગ અને ફોટો-વીડિયોની આપલેથી પ્રેમમાં પડવામાં ફાયદા કરતાં જોખમ વધુ છે એટલું ખરું, બાકી નવો જમાનો ખરાબ છે, નવી પેઢી ખરાબ છે, પહેલાં બધું બહુ જ મસ્ત હતું… આવી બધી વાતો તો હજારો વર્ષથી ચાલતી રહી છે અને ચાલતી રહેશે. એમાં ઝાઝો દમ નથી.

હા, નાયિકાની એ વાતમાં દમ છે કે સ્મૃતિઓમાં જીવવા બદલ તે પોતાને નાદાન ગણાવે છે. હમ હી નાદાં થે જો ઓઢા બીતી યાદોં કા કફન. જે ફક્ત સ્મૃતિઓમાં જ જીવે છે તે નાદાન જ ગણાય. કરેક્ટ.

બાકી સ્મૃતિ પોતે ખરાબ નથી. એ તો મગજનો આધાર છે. સ્મૃતિના જોરે જ તો આપણે કામની ચીજો યાદ રાખી શકીએ છીએ. છેક નાનપણમાં શીખેલું ગણિત –બે ને બે ચાર થાય- જીવનભર ઉપયોગી સાબિત થાય છે. સ્મૃતિ એ સાંસારિક જીવનનો પાયો છે. સ્મૃતિ વિના આપણું ગાડું સાવ જ અટકી પડે.

સામે પક્ષે, સ્મૃતિ જેટલી જ મહત્ત્વની ચીજ છે વર્તમાન વાસ્તવિકતા. વર્તમાન જીવંત ચીજ છે, એ ધબકે છે, આપણે જીવવાનું વર્તમાનમાં જ છે અને વર્તમાન જીવનમાં જ્યાં જ્યાં જરૂરી લાગે ત્યાં સ્મૃતિનો ઉપયોગ કરવાનો છે. બાકી વર્તમાન સામે આંખ આડા કાન કરીને ફક્ત સ્મૃતિવનમાં જ આંટાફેરા કરતાં રહેવું એ તો નિર્ભેળ નાદાની જ છે અને નાયિકા એ વાત સ્વીકારે છેઃ હું જ નાદાન છું કે જૂની યાદોનું કફન ઓઢીને બેઠી છું, બાકી લોકો તો જીવવા માટે બધું જ ભૂલી જાય છે.

જોકે અહીં નાયિકાનો ટોન લોકોની ટીકા કરનારો છે. લોકો તો કેવાં હોય છે? લોકો તો જૂની બધું ભૂલીને આગળ વધી જાય છે. પણ સવાલ એ છે કે આમાં ટોણો મારવા જેવું શું છે? જૂનું ભૂલીને આગળ વધવામાં ખોટું શું છે? જૂની વસ્તુ ચાહે પ્રેમ હોય કે દ્વેષ, એને પાછળ છોડીને આગળ વધવામાં જ સાર છે.

ભૂતકાળના બોજ હેઠળ કચડાઈ મરવાનો કોઈ મતલબ નથી. આ બાબતે બાળકોને ગુરુ બનાવવા જેવા છે. બાળકો ભાષાથી માંડીને બીજી અસંખ્ય બાબતો અત્યંત ઝડપથી શીખી શકે છે તેની પાછળનું એક મહત્ત્વનું કારણ એ છે કે એ ભૂલવા જેવી ક્ષુલ્લક-નકામી વાતો તરત ભૂલી જાય છે. મમ્મીએ એક થપ્પડ મારી હોય તેને લીધે રડી રહેલું બાળક પછી એ જ મમ્મી દ્વારા ચોકલેટ ધરવામાં આવે ત્યારે રાજી થઈને મમ્મીને વળગી પડે છે. ત્યારે તે એ યાદ નથી રાખતું કે હજુ તો બે જ મિનિટ પહેલાં મમ્મીએ તમાચો મારેલો. જો બીત ગઈ સો બાત ગઈ… આ સિદ્ધાંતના સૌથી ચુસ્ત અનુયાયી એવાં બાળકો શું નિર્દોષ નથી હોતા? પ્યારાં નથી હોતાં? હોય જ છે. માટે, ‘જીને કે લિયે સબ કુછ ભૂલા લેતે હૈં લોગ’ એ બાબત પણ સારી જ છે, પ્યારી જ છે.

એક નાનકડી આડ વાત.

માણસ ક્યારેય ‘સબ કુછ’ ભૂલી નથી શકતો. એ અશક્ય છે. ભૂતકાળને પૂરેપૂરો ક્યારેય ભૂલી નથી શકાતો. એ થોડો તો યાદ રહે જ છે. જીવવા માટે લોકો બધેબધું ભૂલી જાય છે એવો નાયિકાનો દાવો પૂરેપૂરો ખોટો છે.

નાયિકા અહીં જ નથી અટકતી. એનો પુરુષદ્વેષ હજુ પૂરેપૂરો વ્યક્ત નથી થયો (આપણી આ શ્રેણી ગીતો દ્વારા સ્ત્રી-પુરુષો કઈ રીતે એકમેક સામે દ્વેષ વ્યક્ત કરે છે તે વિશેની છે).

નાયિકા આ ગીતમાં પોતાની ફરિયાદ કઈ રીતે આગળ વધારે છે તેની વાત આવતા લેખમાં.


(ક્રમશઃ)


શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com