લતા હિરાણી

વીજળીને ક્યાંય ચેન નહોતું.

કેટલાય મહિનાઓ થયા, એ સાવ ઘરમાં બેસી રહી હતી. આકાશે એને મનાઈ ફરમાવી હતી, તારે ચમકવાનું નહીં. બેસી રહેવું કોઈને ક્યાંથી ગમે ?

એ વાદળ પાસે ગઈ.

‘વાદળભાઈ, વાદળભાઈ, મારી વાત સાંભળો ને!’

‘શું છે બોલ!’

‘આમ નવરી બેસી બેસીને હું થાકી ગઈ છું. મને ચમકારા કરવા દો ને !’

‘મને ખબર છે, આકાશદાદાએ તને ના પાડી છે. તું ચમકે એનો વાંધો નથી પણ પછી તું ગેલમાં આવી જાય છે. કોઈ મકાન પર કૂદકો મારી દે છે તો માણસો મરી જાય છે. પશુ-પંખી મરી જાય છે. એમ કેમ ચાલે ?’

‘પણ હું પ્રોમિસ આપું છું. ખાલી ચમકારા જ કરીશ. ક્યાંય કોઈના ઉપર નહીં પડું બસ!’

‘આમાં મારું કંઈ ન ચાલે. આકાશદાદાનો હુકમ એટલે હુકમ એ માનવો જ પડે’.

વીજળી નિરાશ થઈ ગઈ. એને ચાંદામામા યાદ આવ્યા. આકાશદાદા ચાંદામામાનું તો જરૂર સાંભળે. દોડતી દોડતી એ ચાંદામામા પાસે ગઈ.

ચાંદામામાએ શાંતિથી એની ફરિયાદ સાંભળી. પછી કહે,

‘જો બેટા, આપણું મોટું કુટુંબ છે. આકાશદાદા આપણા કુટુંબના વડા છે. એ જે કહે એ સમજી વિચારીને જ કહે. બધા એનું કહ્યું માને છે. હું પણ એમની વાત માનીને ચાલુ છું. જો કદી દિવસે દેખાઉં છું ?’

‘તો મારે શું કરવું?’ વીજળી રડી પડી.

ચાંદામામા એ વીજળીને ખોળામાં બેસાડી. એના આંસુ લૂછ્યાં. ખૂબ વ્હાલ કર્યુ. પછી એને એક રસ્તો સૂઝયો.

‘તું એમ કર, તારલિયાઓ પાસે જા. આકાશદાદાને નાનાં બાળકો બહુ વહાલાં છે. એ બાળકોની વાત જરૂર સાંભળશે.’

વીજળી ખુશ ખુશ થઈ ગઈ. ‘થેન્ક્યુ ચાંદામામા’ કહેતી એ ફટાફટ ભાગી. હજી તો રાત હતી તો તારા મળી જાય. પછી સવારે તો બધાં ગુમ થઇ જાય, એ પહેલા કોઈ તારલાને મનાવી લઉં.

એ દોડવા લાગી. ઝબુક તારો એને સામે મળ્યો. વીજળીનું ઉતાવળમાં ધ્યાન પણ ન પડ્યું.

‘અરે વીજળીદીદી, ક્યાં દોડો છો?’

‘હાશ મળી ગયો…’ કહેતાં વીજળી અટકી.

‘શું મળી ગયો?’ ઝબુક બોલ્યો.

‘હાશ, તું મળી ગયો! હું તને જ શોધતી હતી…’ વીજળી એ કહ્યું

એ ઝબુક તારાની પાસે હાંફતી હાંફતી બેસી ગઈ. ઝબુક તારાએ એને પાણીનો ગ્લાસ આપ્યો. પાણી પીધા પછી એનો શ્વાસ બેઠો. પછી વીજળી કહે,

‘ઝબુક, મારા નાનકડા ભઈલા, તું મારું એક કામ ન કરે!’

એમ કહીને વીજળીએ પોતાની બધી મુસીબત કહી. ઝબુક તારો વિચારમાં પડ્યો વીજળીદીદીની વાત તો સાચી છે. નવરા બેસીને તો કંટાળી જવાય પણ આકાશદાદાને મનાવવા કેમ?

ઝબૂક તારો કહે, ‘એમ કર વીજળીદીદી,  રાત્રે આકાશદાદા પાસે હું વાર્તા સાંભળવા જઈશ ત્યારે કંઈક આઈડિયા લગાવીશ. એ મને ના નહીં પાડે.’

વીજળી ખુશ થઈ ચાલી ગઈ. એ રાત્રે ઝબુક તારો આકાશદાદા પાસે પહોંચ્યો. બધા તારા શોરબકોર કરતા હતા. ઝબૂકતારો કૂદીને આકાશદાદાના ખોળામાં બેસી ગયો અને આકાશદાદાની લાંબી દાઢી પર હાથ ફેરવતો બોલ્યો,

‘દાદાજી હું તમને વ્હાલો છું ને!

‘કેમ વળી, આજે કંઈ ફરી ચોકલેટ ખાવી છે? આકાશ દાદા બોલ્યા.

‘ના દાદા ચોકલેટ નથી ખાવી પણ બીજું કંઈક જોઈએ છે. તમે મને પ્રોમિસ આપો કે હું માંગુ એ તમે આપશો જ.’

‘તારે તારા માટે કંઈ માંગવું છે?’

‘ના દાદા, મારે બીજા કોઈ માટે માંગવું છે.’

આકાશદાદા ખુશ થયા.

‘જે બીજાં માટે માગે છે એને હું હંમેશા આપું છું. મને એવા બાળકો બહુ ગમે છે, જે બીજાનો વિચાર કરે છે અને બીજાને મદદ કરે છે.

ટપ કરતો ઝબુકતારો દાદાના ખોળામાંથી ઉતરી ટટ્ટાર ઊભો રહી ગયો.

‘દાદાજી, વીજળીદીદી બહુ કંટાળી ગઈ છે. એ રડે છે. ખાલી ખાલી બેસીને થાકી ગઈ છે. એને કંઈક કામ કરવા દો ને!’

આકાશદાદાએ થોડીવાર વિચાર્યું. પછી કહે, ‘તું કહે છે તો ઠીક છે. બોલાવ વીજળીને.’

વીજળી દોડતી દોડતી આવી.

આકાશદાદાએ પૂછ્યું, ‘તારે ચમકવું છે ને? જો હું તને બીજા સ્વરૂપે પૃથ્વી પર મોકલું છું. તું ચમક્યા કરજે અને બાળકોને આનંદ આપજે.

બીજી જ પળે વીજળીમાંથી કેટલા બધા આગિયા બની ગયા!

ત્યાં બેઠેલાં બધાં બાળકો આનંદથી નાચી ઉઠ્યાં.