ગિરિમા ઘારેખાન
એક હતો હાથી. આમ તો હાથી નહીં, નાનો હાથી એટલે હાથીનું બચ્ચું જ કહેવાય – મદનિયું. નામ એનું મોન્ટુ. મોન્ટુ એની મા હાથણી સાથે શહેરના પ્રાણી સંગ્રહાલયમાં રહેતો હતો. આ ખૂબ મોટું પ્રાણી સંગ્રહાલય હતું. અહીં દરેક પ્રકારના પ્રાણીઓનો પોતપોતાનો મોટો વિસ્તાર હતો. મોન્ટુને અહીં કોઈ તકલીફ ન હતી. દિવસે એ અને એની મા એમના વિસ્તારમાં ફર્યા કરતાં. આખા વિસ્તારને ફરતી લોખંડની વાડ હતી. માણસો એની બહાર ઊભા રહીને પ્રાણીઓને જોતાં. બધાં જ માણસો, ખાસ કરીને બાળકો મોન્ટુને જોઇને બહુ ખુશ થતાં. કોઈ કહેતું, ‘આ મદનિયું કેટલું સરસ લાગે છે.’ બીજું બાળક બોલતું, ‘મને લાગે છે કે બધાં પ્રાણીઓમાં એ જ સહુથી સરસ છે.’ કોઈ બાળકો એની લાંબી સૂંઢની તો કોઈ હાલતા રહેતા કાનની વાત કરતાં. એક વાર એક છોકરીએ એવું કહ્યું કે ‘એની આંખો બહુ ઝીણી છે’, તો બીજીએ તરત કહ્યું, ‘પણ તને ખબર છે, આપણે રસ્તા ઉપર નાનો સિક્કો પણ મૂક્યો હોય ને, તો હાથી એને જોઇને, મસ્ત રીતે સૂંઢથી ઉપાડી લે. પછી એને એની ઉપર બેઠેલા મહાવતને આપી દે.’ મોન્ટુને એ બધું સાંભળવું બહુ ગમતું. પોતાના વખાણ સાંભળવાનો એને બહુ આનંદ આવતો.
એક વાર એક સ્કૂલના ઘણા બધાં છોકરાઓ એ પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા હતા. છોકરાઓનું મોટું ટોળું જોઇને મોન્ટુ વાડની અંદરની બાજુ આવીને ઊભો રહ્યો. એને પણ બાળકોને જોવાનું, એમની મસ્તીને જોવાનું ગમતું. પાછું કોઈ પોતાના વખાણ કરે તો તો મજા મજા. પણ આજે રોજ કરતાં કૈંક અલગ થયું. એને જોઇને એક છોકરાએ કહ્યું, ‘બાપ રે ! આ મદનિયું તો કેટલું જાડું છે !’ બીજાએ કહ્યું, ‘આવડું મોટું શરીર અને નાનકડી પૂંછડી ! કેટલું ફની લાગે છે!’ એ સાંભળીને બીજા એક છોકરાએ મશ્કરી કરતાં કહ્યું, ‘પાછળ તો નાની જ હોય ને! એની મોટી પૂંછડી તો આગળ લટકે છે.’ એ સાંભળીને બધાં છોકરા ‘ખી ખી ખી’ કરીને હસવા માંડ્યા. એક તોફાની છોકરાએ વળી એની નજીક પડેલો એક નાનો પથ્થર ઉપાડીને મોન્ટુ તરફ ફેંક્યો. મોન્ટુને એ પગ ઉપર અડ્યો. એને કંઈ વાગ્યું નહીં પણ દુઃખ બહુ થયું. એ ગુસ્સામાં આવીને જોરજોરથી પોતાની સૂંઢ હલાવવા માંડ્યો.
હવે પેલા છોકરાઓએ પોતાના હાથ પહોળા કરીને ગાવા માંડ્યું,
‘હાથીભાઈ તો જાડા
લાગે મોટા પાડા
શરીરે થોડા કાળા
ચાલે તો પાડે ખાડા’
આ સાંભળીને મોન્ટુ તો ઝડપથી ત્યાંથી નીકળીને અંદર તરફ જવા ચાલવા માંડ્યો. ત્યાં તો પાછળથી એને સંભળાયું:
આગળ લટકે લાંબી સૂંઢ
પાછળ લટકે નાની પૂંછ
કાણા જેવી આંખો છે ને
સૂપડા જેવા કાન છે.
મોન્ટુ ઝડપથી ચાલીને એની મા પાસે જતો રહ્યો. પોતાના વિશે આવું બધું બોલાતું સાંભળીને એને બહુ દુઃખ થયું હતું.
હમેશા ખુશખુશાલ રહેતા મોન્ટુને ઉદાસ જોઇને હાથણીએ પૂછ્યું,
‘મોન્ટુ, બેટા શું થયું ?’
મા એ આટલું પૂછ્યું અને મોન્ટુની આંખોમાંથી તો ડબક ડબક આંસુ નીકળવા માંડ્યા. એણે જે સાંભળ્યું હતું એ મા ને જણાવ્યું અને પૂછ્યું,
હેં મા, હું એટલો બધો ખરાબ દેખાઉ છું ? હવે હું ક્યારેય બહારની બાજુ નહીં જાઉં. મને શરમ આવે છે. હું ખાઇશ પણ નહીં. મારે પાતળા થઇ જવું છે.’
હાથણીને એની આ વાતો સાંભળીને બહુ દુઃખ થયું. એણે એને સમજાવતાં કહ્યું, ‘બેટા જે જેવું હોય એવું સારું જ લાગે. અત્યાર સુધી બધાં તારા વખાણ કરતાં હતાં ને? આજે થોડા મૂર્ખ, તોફાની છોકરાઓએ થોડું જુદું કહ્યું એટલે તું ઉદાસ થઇ ગયો ? તું બહાર જ ના જાય એ કેવી રીતે ચાલે? અહીં એક ખૂણામાં ભરાઈ રહેવાનું તને ગમશે? જો હરણાં, સસલાં, બધાં કેવાં ચારે બાજુ ફરે છે?
પણ મોન્ટુ આજે કોઈ રીતે માનવા માટે તૈયાર ન હતો.. એણે કહ્યું, ‘સસલાં તો કેવાં રૂપાળાં હોય છે ! મારો તો રંગ પણ નથી સારો. અને હરણાં ! પાતળા અને સુંદર. એમને કોઈ ના ચીડવે. હું તો બહુ જ ખરાબ દેખાઉ છું. હું હાથી શું કામ થયો?’
હાથણીએ વિચાર્યું કે આને કોઈ બીજી રીતે સમજાવવો પડશે. અહીં બાળકો તો ખાસ મોન્ટુને જોવા જ આવે છે અને રાજી થઈને જાય છે. એ જ આમ રિસાઈને એક ખૂણામાં ભરાઈ રહે તો કેવી રીતે ચાલે ? એણે પોતાની જાતને ગમાડવી જ પડશે.
પછી તો હાથણીએ સસલાં, હરણાં, વાંદરા અને બીજાં થોડા પ્રાણીઓને એ વાત કરી. બધાએ કહ્યું કે ‘મોન્ટુ પોતાની જાત માટે આવું વિચારે એ તો ના જ ચાલે. આપણે કોઈ ઉપાય શોધીશું.’ સાંજે એમનો રખેવાળ જયારે ખાવાનું આપવા આવ્યો ત્યારે એણે હાથણીને પૂછ્યું, ‘આજે મોન્ટુ કેમ બહારની તરફ દેખાયો નહીં. બીમાર તો નથી ને?’
હાથણીએ એને પણ જે થયું હતું એ જણાવ્યું. એણે કહ્યું કે એ એનો કંઈ ઉપાય શોધી કાઢશે.
આ પ્રાણી સંગ્રહાલયની બીજી તરફ બાલવાટિકા હતી. એમાં એક રૂમમાં જાદુઈ અરીસા રાખેલા હતા. જાદુઈ એટલે એવા કે એમાં જાડા હોય એ સાવ પાતળા દેખાય અને પાતળા હોય એ જાડા ભમ દેખાય. જે જેવા હોય એનાથી અલગ જ દેખાય. બીજા દિવસે રખેવાળે એ અરીસા લાવીને હાથી, સસલાં, વગેરે શાકાહારી પ્રાણીઓ જે તરફ રહેતાં હતા ત્યાં લાવીને મૂકી દીધા અને હાથણીને પોતાની યોજના જણાવી. એ તો ખૂબ બુદ્ધિશાળી હતી. એ યોજના એ તરત સમજી ગઈ અને એને ગમી પણ ગઈ.
હવે હાથણીએ તો બધાં પ્રાણીમિત્રોને બોલાવ્યાં અને કહ્યું, ‘ચાલો, ચાલો, આપણે બધાં કંઈ જાદુ જોવા જઈએ. બહુ મજા આવશે.’ એણે મોન્ટુને પણ સમજાવીને સાથે લીધો. રખેવાળે જ્યાં અરીસા મૂક્યા હતા એ તરફ એ બધાને લઇ ગઈ. પહેલા એણે એક સસલાને એક અરીસા સામે ઊભા રહેવાનું કહ્યું જેમાં એ ખૂબ ઊંચું અને મોટું લાગતું હતું. બધાં તો અરીસામાં એનું પ્રતિબિંબ જોઇને જોરજોરથી હસવા લાગ્યા. મોન્ટુને પણ હસવું આવી ગયું. પછી હરણું એવા અરીસા સામે જઈને ઊભું રહ્યું જેમાં એનું શરીર હાથી જેવું જાડું લાગતું હતું. એ જોઇને તો મોન્ટુ સૂંઢ ઊંચી કરી કરીને ખૂબ હસવા માંડ્યું. સાથે સાથે એ બોલતું પણ હતું, ‘મા, આ જાડું હરણું તો કેવું લાગે છે !’ હરણું પોતે પણ પોતાનું પ્રતિબિંબ જોઇને હસતું હતું.
હવે હાથણીએ મોન્ટુને બોલાવ્યું. એ એને એવા અરીસા પાસે લઇ ગઈ જ્યાં એનું પ્રતિબિંબ ખૂબ પાતળું દેખાય. એણે કહ્યું, ‘તારે પાતળું થવું છે ને ? તો પહેલા પાતળો મોન્ટુ કેવો લાગશે એ જોઈ લે.’ મોન્ટુ આગળ આવ્યો અને અરીસા સામે ઊભો રહ્યો. પોતાનું જ પ્રતિબિંબ જોઇને એની ઝીણી ઝીણી આંખો પણ મોટી થઇ ગઈ. અરે રે ! આવું ! એનું પાતળું શરીર જોઇને હરણાં તો કૂદીકૂદીને હસવા લાગ્યા. સસલાં તો વળી હસતાં હસતાં લોટપોટ થઈને જમીન ઉપર આળોટવા લાગ્યા. વાંદરા ગુલાંટો ખાવા માંડ્યા. મોન્ટુને પોતાને પણ હસવું આવી ગયું. પાતળો હાથી તો કેવો લાગતો હતો ! જાણે હાથી જ નહીં !
હાથણીએ હવે મોન્ટુને પૂછ્યું, ‘થવું છે તારે પાતળા? તો તું આવો લાગીશ. મોન્ટુએ જોરથી ડોકું ધૂણાવીને ના પાડી દીધી. હાથણીએ એના શરીર ઉપર પોતાની સૂંઢ ફેરવતાં કહ્યું, ‘તું કહેતો હતો કે તને હાથી બનવું જ ના ગમે. પણ તને ખબર છે કે હાથી તો જમીન ઉપરનું સહુથી વધુ મજબૂત અને બુદ્ધિશાળી પ્રાણી છે ? આપણો દેખાવ સરસ જ છે. આપણા દાંત પણ ખૂબ કીમતી હોય છે. આપણે જેવાં છીએ એવાં સરસ જ છીએ. આપણે કોઈ જેવાં શું કામ થઈએ? ભગવાને જેને જેવાં બનાવ્યાં હોય એ બરાબર જ બનાવ્યાં હોય.’
મોન્ટુએ કહ્યું, ‘હા મા, આજે મને સમજાઈ ગયું છે કે હું જેવો છું એવો જ સારો છું.’ મોન્ટુના બધાં પ્રાણી મિત્રો પણ મોન્ટુને પાછો ખુશ થયેલો જોઇને રાજી થયાં.
એ પછી મોન્ટુ તો આનંદથી એમના વિસ્તારની વાડ પાસે જઈને ઊભો રહે છે. એને જોઇને ખુશ થતાં બાળકોને જોઈને એને પણ આનંદ મળે છે. ક્યારેક એ બાળકોની સામે જોઇને પોતાની સૂંઢ ઊંચી કરે છે તો ક્યારેક ઊંધો ફરીને પોતાની નાની પૂંછડી હલાવીને એમને હસાવે છે. કોઈ એને ચીડવે તો પણ એને એની અસર થતી નથી. એ ખાય છે, પીએ છે અને મજા કરે છે.
ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯
