ફિર દેખો યારોં

બીરેન કોઠારી

માનવ સભ્ય અને સુસંસ્કૃત બનવા લાગ્યો ત્યારથી અન્યોનું હડપ કરી લેવાની તેની વૃત્તિ સતત વધતી જ રહી છે. દરેક યુગમાં તે નવી નવી સીમાઓ આંબતી આવી છે. માનવ તો ઠીક, પશુ, પક્ષી અને પ્રકૃતિને પણ તે હડપ કરતો આવ્યો છે. આ હકીકત અલગ અલગ સમયે જુદી જુદી રીતે નજર સામે આવે છે.

ડિસેમ્બર, ૨૦૨૨ના મધ્યમાં કર્ણાટકની સરકાર દ્વારા હાથીઓ દ્વારા કરવામાં આવતા નુકસાન સંદર્ભે અપાતા વળતરની રકમમાં વધારો કરવામાં આવ્યો. એ મુજબ, હાથીના હુમલાથી કોઈ માનવનું મૃત્યુ થાય તો તેના પરિવારને પંદર લાખ આપવામાં આવશે. અગાઉ આ રકમ સાડા સાત લાખની હતી. હજી બે વર્ષ અગાઉ, આ રકમ પાંચ લાખ હતી, જેને વધારીને સાડા સાત લાખ કરવામાં આવી હતી. હાથીના હુમલાથી કાયમી પંગુતા આવે એવી વ્યક્તિને અપાનારા વળતરની રકમ પાંચ લાખ હતી, જેને વધારીને દસ લાખ કરવામાં આવી છે. અંશત: પંગુતાના કિસ્સામાં અઢી લાખને બદલે પાંચ લાખ તેમજ અન્ય ઈજાઓ પેટે ત્રીસ હજાર અપાતા હતા એને બદલે પચાસ હજાર કરાયા છે. માલમિલકતને થતા નુકસાન પેટે અપાતું વળતર ત્રીસ હજારથી વધારીને સાઠ હજાર કરવામાં આવ્યું છે. આમ, લગભગ દરેક કિસ્સામાં વળતરની રકમ બમણી કરવામાં આવી છે.

વળતર પેટે મળનારી રકમમાં વધારો કરવામાં આવે અને એ પણ બમણો ત્યારે આનંદ થાય એ સ્વાભાવિક છે. તેની પાછળનું કારણ સમજવા માટે આ સમસ્યાને ઓળખવી જરૂરી છે.

વાસ્તવિકતા એ છે કે કર્ણાટકમાં વનવિસ્તાર દિનપ્રતિદિન સંકોચાઈ રહ્યો છે, જેની સીધી અસર વિવિધ પ્રાણીઓના આવાસ અને ભ્રમણમાર્ગ પર થાય છે. હાથીઓ વારંવાર માનવવસતિમાં ઘૂસી આવવાના કિસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે, અને તેનું અસલ કારણ છે હાથીઓના વિસ્તારમાં માનવો દ્વારા કરાતું અતિક્રમણ.

ઘણા વખત સુધી માનવવસવાટ વનની બહારની તરફ હતો, પણ છેલ્લા બે દાયકામાં અનેક કારણોસર છેક વનના મુખ્ય વિસ્તાર સુધી માનવવસવાટ થવા લાગ્યો છે. ખેડૂતો દ્વારા અતિક્રમણ, પ્રવાસીઓ માટે વૈભવી આવાસનું નિર્માણ, બંધ તેમજ અન્ય પ્રકલ્પોનું બાંધકામ જેવી અનેક બાબતોએ વનઓ વિસ્તાર ઘટવા લાગ્યો છે. સાથોસાથ વિવિધ વન્ય પશુઓના સંવર્ધનના સતત થઈ રહેલા પ્રયાસોના પરિણામરૂપે વાઘ, હાથી જેવાં પશુઓની સંખ્યામાં વધારો થયો છે.

કર્ણાટકમાં આશરે છ હજાર હાથીઓ છે, જે મુખ્યત્વે ચામરાજનગર, કોડાગુ, હસન અને ચિકમગલૂરુના વિસ્તારમાં છે. હાથીઓની આટલી વિશાળ સંખ્યા સાથે આ વિસ્તારની જૈવપ્રણાલિ તેમજ પર્યાવરણ તાલ મિલાવી શકે એમ નથી. બીજું એક અગત્યનું કારણ છે આડેધડ કરાતું વનીકરણ. વૈવિધ્યસભર વૃક્ષોને બદલે ‘મોનોકલ્ચર’ તરીકે ઓળખાતી એકવિધ વૃક્ષોની રોપણી કરવામાં આવે છે. નીલગીરી અને સાગનાં જ વૃક્ષો રોપવામાં આવતાં હોવાથીત તેની સીધી અસર પશુઓના આહાર પર થાય છે. આને કારણે હાથીઓ ખેતર તરફ દોરાઈ આવે છે. ફણસ અને રાગી જેવા ખોરાકની તેમને આદત પડી રહી છે.

આવા સંજોગોમાં અસરગ્રસ્તોને અપાતા વળતરમાં રાજ્ય સરકારે વધારો કર્યો એ પ્રશંસનીય પગલું છે, પણ સમસ્યાનો એ નથી ઊકેલ કે ઊકેલ તરફ દોરી જતો માર્ગ. આ સમસ્યાને ઊકેલવા માટે તેના મૂળ સુધી જવું પડે. એનો અર્થ એ કે વનનો વિસ્તાર વધારવો પડે, વિકાસની યોજનાઓને નિયંત્રણમાં રાખવી પડે અને વન પર થતા અતિક્રમણને નાથવું પડે. એમ કરવા માટે સૌ પ્રથમ તો વનમાં માનવપ્રવેશ થઈ રહ્યો છે એ પ્રવેશ નહીં, પણ અતિક્રમણ છે એ સમજવું અને સ્વીકારવું પડે.

એક વાર એ થાય તો પછી પશુઓના નૈસર્ગિક આવાસ, આહાર અને પાણીને સુનિશ્ચિત કરવા માટેનું આયોજન વિચારવું પડે. રાજ્ય સરકાર આ બાબતે કેટલી ગંભીર છે એ ખ્યાલ નથી. કાગળ પર કદાચ આ માટેનું આયોજન થાય તો પણ તેનો સુયોગ્ય અમલ થાય એ જરૂરી છે. માનવ અને પશુની અથડામણ ત્યારે જ ઘટશે જો પશુઓને પૂરતો વિસ્તાર મળી રહેશે. વિકાસ પાછળની આંધળી દોટ જોતાં આમ થાય એ શક્ય લાગતું નથી.

આ મુદ્દો કર્ણાટકને એકલાને જ લાગુ પડે છે એમ માનવાની જરૂર નથી. વન્ય પશુઓની નોંધપાત્ર વસતિ ધરાવતા દરેક રાજ્યમાં આ સમસ્યા છે. માનવ અને પશુ વચ્ચેની અથડામણના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. હજી એ વધતા રહેશે એમ જણાઈ રહ્યું છે, કેમ કે, એક વાર શરૂ થયેલો વિકાસ અટકી શકતો નથી. આ તો વન્ય પશુઓની વાત છે, જેમાં અથડામણને કારણે એટલો ખ્યાલ તો આવે છે કે પશુઓ અસરગ્રસ્ત થઈ રહ્યાં છે. કેટલીય વનસ્પતિઓ, કીટકો, જળચરો અસરગ્રસ્ત થતાં હશે, પણ તેની જાણ આ રીતે, સીધેસીધી થતી નથી. એની જાણ થાય ત્યારે એટલું મોડું થઈ જાય છે કે તેના વિપરીત પરિણામને ભોગવ્યા સિવાય કોઈ ઊપાય રહેતો નથી.

આશ્વાસન લેવું હોય તો એટલું લઈ શકાય કે કેવળ કર્ણાટકમાં કે ભારત પૂરતી જ આ સમસ્યા મર્યાદિત નથી. વિકાસ પાછળ દોડી રહેલા તમામ દેશોમાં આ સમસ્યા એક યા બીજા સ્વરૂપે મોજૂદ છે અને દિન બ દિન વકરતી જવાની છે.

આ કેવળ સરકારની જવાબદારી નથી. એક નાગરિક તરીકે સરકારનું ધ્યાન દોરવાની આપણી પણ ફરજ બને છે. સિવાય કે આપણો નાગરિકધર્મ ધર્મના નામે સરકારપ્રેરિત રાજકારણમાં રમવા પૂરતો મર્યાદિત થઈ ગયો હોય!


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૫ – ૦૧ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)