વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • મૃત્યુ સંવાદ

     

     

    પારુલ બારોટ

    સોનેટ :  છંદઃ મંદાક્રાંતા

    ના જાણો એ રીતથી હળવે શ્વાસમાં પાસ આવે,
    એવી રીતે રમત રમતું જીવ સાથે હંમેશા,
    આંખો કોરી નિરખી રહીને હોશ દેતું ઉડાડી,
    પીડાના કૈ વમળ ઉઠતાં વેદનાથી ભરેલાં,
    નાડી તૂટે નસ નસ સહેજે,ખેલ ખેલે ધૂતારું!-
    મૂંઝારાથી ઘણું પજવતું વિષ કન્યા સરીખું,
    વીંછી જેવું રવ રવ ચઢે ઝેરની જેમ અંગે!
    લે જાશે એ અકળ ગતિએ જીવ કોની ય સંગે,

    તંબૂરાના રણઝણી થતાં તાર તૂટી પડે જ્યાં,
    કોરા ધાગા, તિલક, ગજરા , મુખ ગંગા ચ વંદા,
    સ્કંધ લૈ ને સ્વજન સઘળાં કાયમી દે વિદાઈ,
    જોતાં સૌએ, સજળ નયને છૂટતાં સાથ ન્યારો,
    મૃત્યુ ઓઢી જલ પર જતો દીપુ ડૂબી જવાનો,
    ફૂલે ગૂથ્યો છબી ઉપરનો હાર મ્હેંકી જવાનો,

    આસ્વાદ

    દેવિકા ધ્રુવ

    આધુનિક યુગમાં જ્યારે અક્ષરમેળ છંદની અછત જણાઈ રહી છે ત્યારે આ જાતની કવિતાનું સર્જન સૌથી પ્રથમ તો આવકાર્ય અને પ્રશંસનીય બની રહે છે.

    મૂળ ખેરાલુના પણ અમદાવાદમાં અભ્યાસ કરી સ્થાયી થયેલાં પારુલબહેન બારોટના આઠ પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. તેમાં સૌથી વિશેષતા તેમના ‘ત્રિદલ’ નામના સોનેટ સંગ્રહની ગણી શકાય. કારણ કે, સૉનેટ કવિતાકલાની કલગી છે. તેમાં પણ પારુલબહેને  સાહિત્ય જગતને એક સોનેટ નહિ પરંતુ સોનેટ સંગ્રહ આપ્યો છે.

    મંદાક્રાંતા છંદમાં  ૮ અને ૬ ના ભાગ કરી લખાયેલ આ ચૌદ લીટીનું સોનેટ કવયિત્રીની કવિતા પ્રકારની સ્પષ્ટ સમજ  દર્શાવે છે. વિષયને અનુરૂપ છંદની પસંદગી એ તેમની બીજી વિશેષતા. ‘મૃત્યુ-સંવાદ’  શિર્ષક કરુણતાનો ઓછાયો ઊભો કરતો હોઈ કવિ શ્રી કલાપીની  ‘રે,પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો’ની જેમ મંદાક્રાંતા છંદમાં વધુ બેસે છે.

    આ કવિતામાં પીડા કરતાં વાસ્તવિકતાની વાત વધુ વર્તાય છે. અહીં કોઈના અવસાનની વાત જ નથી. હકીકતનું બયાન છે. કેવું છે એ ?

    ‘ના જાણો એ રીતથી હળવે શ્વાસમાં પાસ આવે’…માનવી સુખેથી જીવન જીવી રહ્યો હોય છે. એની પ્રવૃત્તિશીલ દુનિયામાં વિચાર સુદ્ધાં નથી કરતો  કે ક્યારેક મૃત્યુ એની પાસે પણ આવવાનું જ છે, એટલી સહજતાથી એ પાસે જ રહે છે! ‘એવી રીતે રમત રમતું જીવ સાથે હંમેશાં’ ઉચિત શબ્દો પ્ર્યોજ્યા છે. એની ગતિ-રીતિનું વર્ણન કરતા કવયિત્રી યોગ્ય રીતે જ આગળ વધે છે. એ કેવી જુદી જુદી રીતે આસપાસ રમતું રહે છે તેનું વર્ણન કરતા પ્રત્યેક શબ્દો અલગ અલગ ચિત્રો ઊભા કરે છે.

    કવયિત્રી કહે છે કે કોઈની આંખ કોરી અને બાકી બધું બેહોશ! કોઈને કંઈક નાની નાની પજવતી પીડા તો કોઈને અસાધ્ય રોગની લાંબી બિમારી. આ તો થયો શબ્દોનો વાચ્યાર્થ. પણ એની પાછળની વ્યંજના તો આધિ,વ્યાધિ,ઉપાધિ ત્રણેની વ્યથાનો ગર્ભિત અર્થ છૂપાયો છે.

    “વીંછી જેવું રવ રવ ચઢે ઝેરની જેમ અંગે!
    લે જાશે એ અકળ ગતિએ જીવ કોની ય સંગે,

    જીવ, જીવન અને જગતની જેમ જ અંતિમ ક્ષણની અકળ ગતિને કોણ જાણી શક્યું છે? ગહન એવા આ વિષયને એક નાનકડો પ્રશ્નાર્થ કરી છોડી દીધો છે. એની ઝાઝી પીંજણ કરવાનો અર્થ પણ શો? જેને કોઈ ટાળી શક્તું નથી, જે સનાતન સત્ય છે અને સૌને સ્પર્શે છે એને સ્વીકાર્યા વગર ક્યાં કશો છૂટકો પણ છે! અહીં ગીતાनो શ્લોક યાદ આવ્યા વગર રહેતો નથી. जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च |

    આટલા અને આવા કથન પછી કવિતાના બીજા ભાગમાં એક વળાંક આવે છે અને તે છે આખરી વિદાયની  ખરેખરી વેળા.  રણઝણતા તંબૂરાના તાર તૂટી પડે પછી શું થાય છે? અચાનક બધી જ ગતિ-વિધિ બદલાઈ જાય છે. સૂરીલુ સંગીત બંધ થઈ જાય છે. પળમાત્રમાં તો સઘળી  જુદી ક્રિયાઓ શરૂ થઈ જાય છે. તિલક, દોરા, જાપ, મુખમાં ગંગાજળ, સ્વજનોનું ટોળું,અશ્રુભીની સૌની આંખો, કાંધે લઈ જતાં લોકો અને વિલીન થતો જતો જીવ. જાણે કે,

    મૃત્યુ ઓઢી જલ પર જતો દીપુ ડૂબી જવાનો,
    ફૂલે ગૂંથ્યો  છબી ઉપરનો હાર મ્હેંકી જવાનો .

    આ છેલ્લી બે પંક્તિમાં વ્યક્ત થયેલું અર્થનું ગાંભીર્ય સમજવા જેવું છે. કવયિત્રીએ એમ નથી કહ્યું કે, મૃત્યુ આવીને જીવને લઈ ગયું. એ તો કહે છે કે, જીવે મૃત્યુ ઓઢી લીધું! પાણી પર એક દીપ જે સાહજિકતાથી વહે છે, તેણે મૃત્યુને ઓઢી લીધું છે અને જળ પર જતો એ દીપ ડૂબી જાય છે; અને તે પછી ફૂલોથી ગૂંથેલો હાર છબી પર મહેકે છે. એટલે કે, જીવન દરમ્યાન જે સુગંધિત કામો કર્યા હશે તે જ તો અહીં  સદા રહે છે.  શબ્દોની અભિધા પાછળ છૂપાયેલો આ ઊંચો ભાવ એ કવિતાનો કસબ.

    સોનેટ કાવ્યમાં ૧૪ પંક્તિઓ હોય. પંક્તિનું માપ ન ઓછું કે ન દીર્ઘસૂત્રી હોવું જોઈએ. એટલે કે ૧૪ થી ૧૯ અક્ષરનું પ્રાધાન્ય રહે તે મુજબ આ ૧૭ અક્ષરમાં ગૂંથાયેલું છે. શ્રી ઉમાશંકર જોશીએ કહ્યું છે તેમ સોનેટમાં  કાવ્યતત્ત્વની દૄષ્ટિએ કવિતાનો બીજો ભાગ ઉચ્ચતર હોવો જોઈએ. તેમાં વળાંક,મરડ,ગુલાંટ અને આછો લહેકો પણ હોવો જરૂરી છે. તે ઉપરાંત સોનેટના ૮ અને ૬ એવાં બે સ્પષ્ટ ઘટકો હોવાં જોઈએ. તે રીતે આ સોનેટ સરસ બન્યું છે. એકાદ બે જગાએ નાનકડો છંદદોષ કે છૂટ લીધી વરતાઈ છે જે બેશક ક્ષમ્ય છે.

    તે સિવાય આખી કવિતામાં વિષયનો સહજ ઉઘાડ, ક્રમિક ગતિ, યોગ્ય શબ્દોની ગૂંથણી છે.  ગહન કથિતવ્યની સ્પષ્ટતા છતાં ઊંડો મર્મ અને આ બધાંની વચ્ચે સોનેટનું સ્વરૂપ જળવાયું છે. શિર્ષકમાં પણ ‘મૃત્યુસંવાદ’ કહી કોની સાથેનો સંવાદ સૂચવ્યો છે? જાતનો જીવ સાથેનો કે જીવનો ઈશ્વર સાથેનો? એમ પણ માની શકાય કે, જીવનની કલ્પના અને વાસ્તવિકતાનો સંવાદ? વિસંવાદ! કે પછી હયાત વ્યક્તિનો છબી સાથેનો સંવાદ!

    વિષય નવો ન હોવા છતાં નવી રીતે કહેવાયો છે જે નોંધનીય છે.

    કવયિત્રી પારુલબહેન બારોટને ખૂબ અભિનંદન.


    દેવિકા ધ્રુવ :  http://devikadhruva.wordpress.com | ddhruva1948@yahoo.com

  • માથે કોઇનો હાથ ના હોવાનો અહેસાસ કેવો કારમો હોય છે?

    લ્યો, આ ચીંધી આંગળી

    રજનીકુમાર પંડ્યા

    (મારા બહુ નજીકના પરિચયના એક શ્રમજીવી અને વિધવા વૃદ્ધાનો એક જુવાન અને કોઇ કારખાનામાં મજૂરી કરતો અપરીણિત દિકરો દેશી દારુની લતે ચડી ગયો. શરૂઆતમાં એના બેહોશ થઇને પડી જવાના દરેક પ્રસંગે મારા એક જાણીતા અને સમભાવી ફિઝીશ્યન,મણિનગરના જવાહર ચોક નજીક, જલારામ પ્લાઝામાં આવેલા ‘રિધ્ધિ નર્સિંગ હોમ’ના ડૉ. અશોક પારેખ ( Mo.98981 84554 ) દ્વારા એની નિઃશુલ્ક સારવાર અનેક વાર કરાવવામાં આવી. પણ પછી મને જ સમજાયું કે હકીકતે આ કેસ ફિઝીશ્યન કરતાં પણ વધારે એક ચોક્કસ પ્રકારના મનોવિશેષજ્ઞનો છે. તેથી મેં નેટ ઉપર વ્યસનમુક્તિ કેન્દ્રોની તલાશ કરી અને એવી જ એક કોશિશમાં મને એક નવજુવાન પણ તેજસ્વી મનોચિકિત્સક ડૉ. કેવીન બી. પટેલનો ભેટો થયો. એમણે સારવારની કશી પણ ફી લીધા વગર એ ગરીબ માતાના પુત્રની સારવાર શરુ કરી દીધી, ને ચમત્કાર થયો ! થોડો સમય લાગ્યો પણ આજે એ છોકરો સદંતર વ્યસનમુકત છે ! ડૉ. કેવીન પટેલ, અલબત્ત વ્યવસાયી મનોચિકિત્સક જ છે પરંતુ એટલા જ માનવતાવાદી છે. હવે તો તેઓ નરોડા અને નવા વાડજ એમ બન્ને સ્થળે ક્લિનિક ચલાવે છે, જેનું નામ છે :  Dr. K P’s Healthy Mind Clinic અને ફોન નંબર છે : 78789 94991  અને 88665 04991

    આ નોંધને અને નીચેના ત્રીસ વર્ષ પહેલાંના પાત્રને કોઇ જ દેખીતો સંબંધ નથી પણ તેમ છતાં અહીં એને જોડવાનું કારણ એટલું જ કે મારા મનમાં એ સવાલ થયા કરે છે કે એ વખતે આ પાત્રને ડૉ. કેવીન પટેલ જેવા કોઇ નિપુણ અને સમભાવી મનોચિકિત્સક મળી ગયા હોત તો ?

    લેખક)

    “ગઈ કાલે આ છોકરાને કાઢી મૂક્યો છે. એના દીદાર જુઓ છો ને?”

    ખરેખર તો કોઈ મિત્રને ત્યાં આવેલા મહેમાનને ધારી ધારીને જોયા ન કરાય. એમાં બહુ રસ પણ ન લેવાય. પણ યજમાને જ્યારે ખુદ સામે ચડીને કહ્યું ત્યારે મહીમ સોનીએ બરાબર નિરખીને એ છોકરા અરમાન સામે જોયું. કાઢી મૂકવો પડે એવું શું કર્યું હશે આ મડદાલ છોકરાએ? અગિયારનો ? ના, ના, ચૌદનો છે, પણ અગિયારનો લાગે છે એમ મિત્રે કહ્યું ત્યારે એ સાંભળીને છોકરો શરમાઈને નીચું જોઈ ગયો. પણ નજરની એટલી આપ-લેમાં પણ તીખી નજરના નિશાન મૂકતો ગયો.

    ‘‘કોણે કાઢી મૂક્યો ? એના મા-બાપે ?’‘

    ‘‘મા-બાપ નથી. મામાને ત્યાં રહેતો હતો, એ લોકોએ કાઢી મૂક્યો. મારે ત્યાં આવ્યો છે. હું એના ગુજરી ગયેલા બાપનો ઓળખીતો છું એટલે.”

    આટલી વાતચીત દરમ્યાન છોકરો દૂર જઈને ઊભો રહ્યો. ને પગના અંગૂઠાથી જમીનને ખોતરી રહ્યો. મહીમ સોનીએ  જોયું કે એના હોઠ ચડેલા હતા. અને એમાં ઠાંસી ઠાંસીને કડવાશ ભરી હતી. ચહેરો સૂકાયેલો, પણ કોમળ, કાળા ભમ્મર વાળના ઝુલ્ફાં હતાં. એના ઘેઘુરમાં કોઈ માતાની પાતળી આંગળીઓ ફરી હશે. બાપની બરછટ હથેળીનો સ્પર્શ પણ થયો જ હશે. અહીંયાં આમ પારકે ઘર, ત્રાહિત વ્યક્તિની સામે એની આવી ઓળખપરેડ ! એની માથેનું છત્ર કેવી રીતે અને ક્યારે ઉડી ગયું હશે ? જવાબ મેળવવા કોશીશ કરી, પણ નક્કર કશું હાથમાં આવ્યું નહીં. ઉલટાના એના પરના આરોપો સામે આવ્યા. એ જ્યાં રહેતો હતો, આશરો લેતો હતો ત્યાં ત્યાં ઝીણી મોટી ચોરીઓ કરતો હતો. આટલી નાનકડી વયમાં તમાકુનો બંધાણી થઈ ગયો હતો.

    ‘‘ખુદ પોતાના જ ઘરમાં આવો છોકરો પાક્યો હોય તો માણસ શું કરે ? કાઢી મૂકે ?’‘

    એ સવાલનો  જવાબ નહોતો. એટલું બોલ્યા: “જે નથી એની ધારણા કરીને દુઃખી શું  કરવા થવું ?”

    “ખેર!” મિત્રે કહ્યું. “હવે શું કરવું છે એનું ?”

    “થાય છે કે…” એમણે કહ્યું : “મોટો થઈને એ છોકરો દુનિયાનો દુશ્મન બનીને આતંક મચાવે એ પહેલાં આપણે કોઈ સાઈક્રીયાટ્રીસ્ટને બતાવી જોઈએ. ખર્ચ  હું ભોગવી લઇશ.”

    સાઈક્રીયાટ્રીસ્ટ પાસે આ છોકરાને બન્ને મિત્રો લઈ ગયા. એમણે ચાર દિવસ પોતાના નર્સિંગ હોમમાં છોકરાને રાખ્યો.અતિશય ધીરજ અને સમભાવપૂર્વક છોકરાની પૂછતાછ કરી, તો એમાંથી છોકરાની જગત પ્રત્યેની ભયંકર દુશ્મનાવટ બહાર આવી. આ ચોરી એ કંઈ એની જરૂરત નહોતી. જગત પરની બદલાવૃત્તિનો જ છૂપો ઢંઢેરો હતો. તમાકુનું બંધાણ તો અસ્તવ્યસ્ત મનોદશાને ઠીકઠાક કરવાનો એક દયામણો પ્રયત્ન જ હતો. પણ ધીરે ધીરે દુનિયા પ્રત્યેની દુશ્મનાવટની ધાર તીણી થઈ રહી હતી. પછી તો ઉંમર વધશે એમ શારીરિક તાકાત વધશે, બુદ્ધિમાં પરિપક્વતા આવશે જે એને વધારે મોટા અપરાધ કેમ કરવા તેના પ્રપંચો શિખવાડશે. ધીરે ધીરે જાતીય વૃત્તિ પણ વિકસશે. એના જે વિસ્ફોટ પેદા થાય તે જુદો ગુન્હો કરાવશે. એટલે વધુ માર પડશે. વધુ સજા પડશે એટલે સ્પ્રીંગ ઉછળશે. નકરા નફરતના તેજાબના જ બડબડીયા બોલશે. એ જ્યાં હશે તેની આજુબાજુ હાહાકાર મચી જશે. એમાં ય જો કોઈ ટોળકીને હાથ ચડી ગયો તો એના વકરવાનો કોઈ પાર નહીં રહે.

    આમ, અસલમાં તો એક કોરી સ્લેટ જેવું માનસ ધરાવતો આ છોકરો મોટી ગુન્હાખોરીની દુનિયામાં ફેંકાઇ જશે. પણ અત્યારે કોણ છે એનું કહી શકાય એવું ?

    “કોઇ નથી, કારણ કે મા-બાપ મરી ગયા પછી કોઈ સગાંવહાલાં એને સાચવતાં નથી. એક નાની છે. વૃદ્ધ છે. માતાની માતા નહીં, પણ માસીછે. એ બિચારી એક આશ્રમમાં સેવિકા છે – એકલવાયી વૃદ્ધા છે. દૂરના મામા, દૂરના કાકા, માસા છે ખરા, પણ કોઈ ત્રણ દિવસથી વધારે એને રાખી શકતું નથી. કારણ કે ત્રણ દિવસમાં એ પોતાનો પરચો બતાવી દે છે. બધાને આ પ્રશ્ન વાજબી રીતે જ નડે છે. સૌના સંતાનો હોય એ આની સંગતથી બગડે એવી વાજબી બીક સૌને હોય.”

    “પણ એના મા-બાપ ક્યારે, અને કેમ મરી ગયાં ?”

    ભયંકર કથા હતી એની. એના પપ્પા-મમ્મી વચ્ચે સતત કંકાસ ચાલતો. એટલું જ નહીં, પણ એની કુમળી વયમાં પણ મમ્મી એને ભયંકર રીતે મારતી. એ કુંપળ વયથી જ નફરતનાં બીજ મનમાં વવાયાં હતાં. બસ, ત્યાં જ મમ્મી એની સાડા ત્રણ વરસની વયે બળી મરી. માને એણે સળગતી જોઈ ત્યારે એના બાળમાનસમાં આનંદની લાગણી થઈ હશે કે પીડાની ? જવાબ સંકુલ છે. એ પછી બાપ ડીપ્રેશનમાં આવી ગયો. એણે નોકરી છોડી દીધી. છોકરાને મોટો કરીને અગીયાર વરસનો કર્યો ત્યારે એક દિવસ ઝેરી ગોળીઓ ખાઈને પછી છોકરાને બાથમાં લઈને પલંગમાં સૂઈ ગયો –તે સૂતો જ રહ્યો. એની ઉંઘમાં ને ઉંઘમાં ભીડાયેલી બાપની બાથ એક મૃતદેહની મડાગાંઠ બની ગઈ. સવારે એ બાથમાંથી સળવળીને જાગવા એણે પ્રયત્ન કર્યો હશે, પણ શબનો આશ્લેષ પ્રગાઢ હોય છે. એ રડ્યો હશે. માંડ છૂટ્યો હશે. કોઈ એક તબક્કે એ ક્ષણે એના મનમાં માનો આપઘાત અને બાપનો આપઘાત એકાકાર થઈ ગયો હશે. એ એની જિંદગીની જબરી હોનારતની ક્ષણ હશે.

    એ ક્ષણે જો કોઈ બીજો નવો આશ્લેષ એને મળ્યો હોત ! માથે કોઈનો હાથ ન હોવાનો અહેસાસ આત્માને બાળી નાંખનારો હોય છે. માથે કોઇની શીળી વહાલભરી, બાળકના ઘેઘુર વાળમાં હળુહળુ વિહાર કરતી, વચ્ચે વચ્ચે શિખાસ્થાનને પણ હળવો અંગુલીસ્પર્શ કરી લેતી હથેળી ફરતી હોય તો…તો એ અમૃત સિંચનથી કમ નથી. અવશ્ય, અવશ્ય, એ ઝેરનું મારણ બની રહે.

    ખેર, આમાં તો એવું ના બન્યું.

    “અચ્છા, તો ડોક્ટરો હવે શું કહે છે ?”

    “કહે છે કે નર્સિંગ હોમમાં વધુ વખત એને રાખવાનો કોઈ અર્થ નથી. જો એને ગુનાખોરીના મારગે આગળ વધતો અટકાવવો હોય તો પહેલાં તો એને ક્યાંક પ્રેમાળ આશરો મળે એવું કરો. એને લાગણીથી ભીંજવી દો. એને કોઈ પોઝીટીવ (હકારાત્મક, વિધેયાત્મક) લક્ષ્ય આપો. એની પાસે અતિશય શ્રમ કરાવો. એના મગજને નવરૂં ન પડવા દો.”

    “છોકરો પોતે કેવો રિસેપ્ટીવ (ગ્રહણશીલ) છે? એનો પ્રતિભાવ કેવો છે ?”

    “એને પૂછીએ છીએ કે તારે શું કરવું છે ? તો કહે છે ભણવું છે. કોઈ મને ભણાવો. મારે ડૉક્ટર થવું છે. એન્‍જિનીયર થવું છે. હવે હું તમાકુ નહીં ખાઉં, ચોરી નહીં કરું.”

    “હૃદયપૂર્વક બોલતો હોય એમ લાગે છે ? કે પછી એ પણ એના માસૂમ કપટનો એક ભાગ જ ?”

    “ના, ગંભીરતાપૂર્વક બોલે છે…. એનામાં સર્જનાત્મકતા પણ છે. અમે એને વર્ષાઋતુ પર, ગાય પર, વરસાદ પર નિબંધો લખવા આપ્યા. સરસ લખીને લાવ્યો. એમ તો નવમા ધોરણમાં ભણે પણ છે.પણ અભ્યાસ ત્રૂટકત્રૂટક થઈ ગયો છે. પૂરો કેવી રીતે થાય ?”

    તો? તો હવે શું ?

    લેખના અંતે સમાપનમાં આ સવાલના જવાબમાં કોઇ ઉકેલ સૂચવાયો હોવો જરૂરી હતો, પણ આજે એમ થઇ શકતું નથી. કારણ કે માત્ર કાગળ પર ઉકેલ નથી રચી શકાતો. એ રચાય છે કોઇ વ્યક્તિ કે કોઇ સંસ્થાની સક્રિયતાથી. શબ્દોનું કર્તવ્ય જ્યાં પૂરું થાય છે ત્યાંથી એ શરુ થાય છે..


    (ચિત્ર પ્રતીકાત્મક છે.)


    લેખક સંપર્ક-

    રજનીકુમાર પંડ્યા.,
    બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
    મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

  • રખડતાં ઢોરોનો ત્રાસ: ઢાલની બીજી બાજુ

    સમાજદર્શનનો વિવેક

    કિશોરચંદ્ર ઠાકર

    આપણે શહેરોમાં (અને હવે તો ગામડાંઓમાં પણ) રખડતાં ઢોરોનો ત્રાસ ખૂબ અનુભવીએ છીએ. શહેરોમાં ટ્રાફિકને અડચણરૂપ તો થાય છે ઉપરાંત ઢોર અથડાવાને કારણે થતા અકસ્માતોથી નાગરિકોને ઇજાઓ અને ક્યારેક મૃત્યુંનો ભોગ પણ બનવું  છે. માત્ર વાહનચાલકોને જ નહિ, રાહદારીઓને પણ ગાયે કે આખલએ શિંગડે ચડાવીને ઇજાગ્રસ્ત કરવા ઉપરાંત મૃત્યું ઉપજાવવાના સમાચારો વધતા જાય છે.  ગામડાઓમાં  ખેતરોમાં પેસીને પાકને નુકશાન કરતા હોવાથી  ખેડૂતોને કાંટાળી વાડ કરવાનો વધારાનો ખર્ચ કરવો પડે છે. ઉત્તરપ્રદેશમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં આ એક મોટો મૂદ્દો બનેલો અને શાસક પક્ષે આ સમસ્યા ઉકેલવાનું વચન પણ આપેલું. આ વચનનું શું થયું એની જાણ  નથી.

    શહેરોમાં એક એવો વર્ગ છે કે જે પોતાનાં ઢોર ખાસ કરીને ગાયોને સવારે  દોહ્યા પછી  રસ્તા પર છોડી દે છે. આ ગાયો આખો દિવસ  કચરો, એઠવાડ અને ખાસ કરીને પ્લાસ્ટિકની કોથળીઓ ખાય છે. સાંજ પડે તેના માલિકો તેને લેવા આવે છે અને પછી ઘેર લઈ જઈને તેને  દોહીને દૂધ વેચી દે છે તથા પોતે પણ તેનો ઉપયોગ કરે છે. આપણને શહેરીજનોને આ રીતે પરેશાન કરનાર આ વર્ગને આપણે એક અનિષ્ટ કે ક્યારેક અસામાજિક તત્વ તરીકે પણ  ઓળખીએ છીએ. પરંતુ આપણને  સહેજ પણ નહિ ગમતા આ લોકોને શહેરમાં લઈ આવનાર આપણને ખૂબ જ ગમતો વિકાસ છે. ખરેખર તો આ લોકો વિકાસનો વધારે સ્પષ્ટ કહીએ તો શહેરીકરણનો ભોગ બન્યા છે. તે કઈ રીતે એ સમજવા પ્રયાસ કરીએ.

    જેમને અપણે ભરવાડ કે રબારી કહીએ છીએ તેમનો પરંપરાગત ધંધો ગામડામાં રહીને ગાય કે ભેંસ પાળીને તેમાંથી દૂધનું ઉત્પાદન મેળવવાનો હતો. દરેક ગામમાં એક ગોચર માટે જ્ગ્યા રાખવામાં  આવતી. સવારે આ ગોચરમાં ગોપાલકો  પોતાનાં અને બીજા પશુપાલકોનાં  ઢોર લઈને  આવતા. બધા જ ઢોર અહીં આખો દિવસ ચર્યા બાદ સાંજે -જેને ગોરજટાણું કહેવાતું.  ત્યારે- ગામમાં પાછા આવતાં. જૂના વખતમાં પાકની એક જ સિઝન હતી ત્યારે ખાલી પડેલા ખેતરોમાં પણ ગામનું ધણ બેસતું અને તેમનાં છાણ રૂપે ખાતર ખેતરના માલિકને આપોઆપ મળી જતું.

    પરંતુ હવે રાસાયણિક  ખાતર અને સિંચાઈની સગવડને લીધે જમીનમાં  ઉત્પાદન પણ વધવા લાગ્યું. પાક પણ એક કરતા વધારે સિઝનોમાં  લેવાતો થયો. આથી ઢોરને ખાલી બેસાડવા માટેની જગ્યા પણ ન રહી. કેટલાક લોકોની નજર વળી ગોચર પર પડી અને તેનો ઉપયોગ પણ ખેતી માટે થયો. સત્તાવાળાઓએ પણ ક્યાંક ગોચરનો ઉપયોગ આવાસ યોજના માટે કર્યો. આથી ધીરે ધીરે દરેક ગામમાંથી ગોચર અદૃશ્ય થવા લાગ્યાં. પરિણામ એ આવ્યું કે માલધારીઓને પોતાના માલઢોર માટેનો એક માત્ર આધાર છીનવાઈ ગયો. જો કે ગામડાઓમાં પણ આ વર્ગ કદી સાધનસંપન્ન તો હતો  જ નહિ. દૂધ વેચવા ઉપરાંત છૂટક મજૂરી પણ તેમને કરવી પડતી..આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે આ વર્ગ પછાત જ હતો અને હજુ પણ તેમાં બહુ મોટો ફરક પડ્યો  નથી. પરંતુ  ગામડાઓમાં તેમનું જીવન ગમે તેમ કરીને નભી જતું.

    ખેડૂતો માટે પશુપાલન એ પૂરક વ્યવસાય છે. જેમની પાસે જમીન છે તેઓ પોતાનાં ઢોરના ચારા માટે પોતાનાં ખેતરમાંથી જ જોગવાઈ કરી શકે છે. પરંતુ જેમને આપણે માલધારીઓ કહીએ છીએ તેઓ જમીનમાલિકો તો હતા જ નહિ. આથી તેમને માટે  ગામડામાં રહીને  ઢોરને નિભાવવાનું લગભગ અશક્ય થઈ ગયું. પરિણામે  તેઓ  શહેર તરફ પ્રયાણ કરવા લાગ્યા.

    આપણે જાણીએ છીએ કે વર્ષોથી વધતાં જતાં શહેરીકરણને લીધે ગામડામાંથી વધુ ને વધુ લોકો શહેર તરફ પ્રયાણ કરતા રહ્યા છે. દરજી, સુથાર, મોચી, કડિયા, મજૂરો વગેરેને શહેરમાં પોતાના પરંપરાગત ધંધા મળવા લાગ્યા. તેમને  રહેવા માટે એક નાની ઓરડી કે ઝૂંપડપટ્ટીમાં જ્ગ્યા મળ્યેથી કામ ચાલી જતું. પરંતુ માલધારીઓને પોતાના ઢોરઢાંખર રાખવાની  વ્યવસ્થા  પણ કરવી પડે. આથી જ્યાં પણ થોડી ખુલ્લી જગ્યા મળી ત્યાં પોતાના ઢોર બાંધવા લાગ્યા. આપણે ભલે તેને ગેરકાયદેસર ગણતા હોઈએ પણ માલધારીઓ માટે તો જીવનમરણનો પ્રશ્ન  હોય છે.

    શહેરોમાં  વસ્તી વધે છે તેમ વિસ્તાર પણ વધતો જાય છે. આથી બને છે એવું કે શહેરો ગમડાઓને ગળી જવા લાગ્યાં. માલધારીઓ જ્યાં વસતા ત્યાં જ શહેરો આવવા લાગ્યા. ઘાસચારા માટે કે ઢોરને બાંધવા માટે થોડીક પણ જમીન જે મળતી તેના પર આપણા સુખી લોકો માટે ગગનચુંબી  મકાનો બનવા લાગ્યા. આથી અહીં પણ તેમને માટે કે તેમનાં પશુઓ માટે જગ્યા રહી નહિ. બંધો બંધાતા આદીવાસીઓ બેઘર બન્યા કાંઈક એવી વાત ગામડામાં શહેરની ઘુસણખોરીથી માલધારીઓ સાથે બની.

    અગાઉ જણાવ્યા પ્રમાણે શહેરમાં આવીને દરેક વર્ગે પોતાનો પરંપરાગત વ્યવસાય શરૂ કર્યો. તેમાનાં કેટલાકે  શિક્ષાણ મેળવ્યું અને  પોતાનો પરંપરાગત વ્યવસાય છોડીને નોકરીઓ અથવા તો બીજા ધંધા પણ શરૂ કર્યા. માલધારીઓમાંથી પણ કેટલાકે છૂટક મજૂરી અગર તો બાંધકામના સ્થળે ચોકીદાર તરીકે કામ શરૂં કર્યું. માલધારીઓની સ્ત્રીઓએ ગામડામાં જે કદી કર્યું ન હતું તે લોકોના ઠામણાં માંજવાનું અને કચરાપોતાં કરવા જેવું ધરકામ કરવું પડ્યું. કેટલાક ખમતીધરો વ્યાજે પૈસા ધીરવાનું કામ પણ કરવા લાગ્યા. પરંતુ માલધારીઓનો એક મોટો વર્ગ શહેરમાં આવ્યા પછી પણ પશુપાલનના વ્યવસાયમાં જ રહ્યો. અને  જગ્યાના અભાવે તેમનાં ઢોર રસ્તા ઉપર આવી ગયા.

    આથી ગુજરાતમાં એપ્રિલ 2022માં સરકારે એક કાયદો બનાવવાનું વિચારેલું, આ કાયદામાં માલધારીઓએ પોતાના દરેક ઢોર માટે  લાયસ‌ન્સ લેવાની અને તેમાં ચૂક થયે મોટો દંડ ભોગવવની જોગવાઈ કરવામાં આવી. માલધારીઓએ આનો કાળો કાયદો કહીને તેનો ઉગ્ર વિરોધ કર્યો, આથી સરાકારે કાયદાનો અમલ મોકૂફ રાખવો પડેલો. અલબત આ કાયદાનો આંધળો વિરોધ થયો ન હતો. માલધારીઓએ પોતાના માલઢોર રાખવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની માગણી કરી હતી. સૂચિત કાયદા હેઠળ દંડની રકમ એટલી મોટી રાખવામાં આવી હતી કે ગરીબ માલધારીઓની તો કમર જ તૂટી જાય. વળી માલધારીઓનું કહેવું છે કે તેમના સમાજમાં શિક્ષણ ઘણું ઓછું હોવાથી લાયસ‌ન્સની વિધિ તેમને માટે માથાનો દુખાવો બની જાય તેમ છે,  તેઓ લાય‌સ‌ન્સના વિકલ્પે પશુઓને ટેગ બાંધવા માટે તો  સંમત જ છે. મહાનગરોમાં નાગરિકોની ફરિયાદોને કારણે ઠેર ઠેર ઘાસના ડેપો રાખવાને બદલે ચોક્કસ સ્થળે જ રાખાવાની જોગવાઈ કરવી પડી છે. માલધારીઓનું કહેવું છે કે તેઓ કાંઇ ઢોરને છૂટા મૂકવા ઈચ્છતા નથી  અને ઘરઆંગણે જ ઘાસ નીરવા તૈયાર છે. પરંતુ  ઘાસના ડેપો તેમના રહેણાકોથી એટલા દૂર રાખવામાં આવ્યા હોય છે કે તેમને પૈસા ખર્ચીને પણ ઘાસ લાવવું મુશ્કેલ પડે છે.

    ખેતીમાં બળદોનો ઉપયોગ બંધ થતા આખલાઓની વસ્તી ખૂબજ વધી ગઈ છે, વળી માલધારીઓનું કહેવું છે કે ગાયો પાંજરાપોળોમાં જેટલી આવકાર્ય છે તેટલા આખલાઓ નથી. રંજાડ તો ખરેખર આખલાઓની જ વધારે છે

    આપણે એ વાત સમજવી રહી કે વગડામાં રહેવા ટેવાયેલા આ લોકો શહેરોમાં પોતાની અનિચ્છાએ આવ્યા છે. વધારે સાચું તો એ છે કે તેમને શહેરોમાં ધકેલવમાં આવ્યા છે. અહીં તેમને અનેક મુશ્કેલીઓ વચ્ચે જીવવું પડે છે.. મ્યુનિસિપાલિટીની ગાડી ક્યારે આવશે અને તેમના ઢોરને ડબે પૂરવા લઈ જશે તેની સતત ચિંતામાં તેઓ રહે છે. જો કે જરૂરિયાત એ શોધની જનની છે એ મુજબ માલધારીઓએ એવું નેટવર્ક ઊભું કર્યું છે કે  મ્યુનિસિપલિટીની ગાડી દેખાય કે તરત જ તેઓ અન્ય માલધારીઓને મોબાઇલ ફોનથી જાણ કરી દે છે જેથી બીજા  સાવચેત થઈ જાય છે. પરંતુ તેથી તેમની તકલીફો કાંઈ ઘટતી નથી.

    ગમે તે હોય પણ માલધારીઓની પણ સમસ્યાઓ હોઈ શકે છે તે વાતનો સ્વીકાર કરવો જોઇએ. પરંતુ હંમેશ બનતું આવ્યું છે તેમ વયવસ્થા (system)આ સમસ્યાને પણ શહેરના ભદ્ર સમાજને જ લક્ષ્યમાં રાખીને જ જુએ છે.  અદાલત પણ આ સમસ્યાને સતત  કાયદો અને વ્યવસ્થાના સવાલ તરીકે ગણાવતી રહી છે અને સરકારને તેનો  ઉકેલ લાવવા માટે  અવારનાવર તાકીદ(દબાણ) કરતી  હોય છે.

    પરંતુ સમાજે  માત્ર રખડતાં ઢોરોને જ નહિ પરંતુ તેની પાછળ રહેલા માલધારીઓને પણ જોવા જોઈએ. સમસ્યાને માત્ર કાયદો અને વ્યવથાની સમસ્યા નહિ ગણતા માલધારીઓનો પક્ષ પણ સાંભળીને માનવીય દૃષ્ટિબિંદુથી જોવી જોઈએ. જે વિકાસે તેમને શહેરમાં ધકેલી દીધા છે તે હવે તેમને શહેરોમાં પણ રાખવા માગતો નથી. આથી માલધારીઓને લાગે છે કે તેમનાં અસ્તિત્વનો સવાલ ઊભો થયો છે. તેમનું એમ પણ કહેવું છે કે અમે નહિ રહીએ તો ઢોર પણ  નહિ રહે, પરિણામે પ્રજાને આજે જે સહેલાઈથી દૂધ પ્રાપ્ત થાય છે તે નહિ થાય.

    માલધારીઓની દલીલોમાં વજુદ કેટલું છે તે ખબર નથી. પરંતુ સમાજનું હિત જેને આજે આપણે સબકા સાથ સબકા વિકાસ તરીકે ગણીએ છીએ તે જીવો અને જીવવા દો એ મૂળમંત્રના સ્વીકારમાં જ છે.


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • હેલ્લો, સંભળો છો? હું નર્કમાંથી બોલુ છું.

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    “હે પત્થરપૂજકો. તમને જીવંત માણસોની વાતો સાંભળવાનો સમય નથી એટલે હું મરીને બોલુ છું. જીવંત અવસ્થામાં તમે જેની સામે આંખ ઊઠાવીને જોવા નવરા નથી હોતાં, એની સડેલી લાશની પાછળ સરઘસ કાઢો છો. જીવનભર તમે જેને નફરત કરો છો, એની કબર પર જઈને ફૂલો ચઢાવો છો. મરતી વખતે તમે જેને ચાંગળું પાણી પીવડાવતા નથી, એના શરીરને તમે ગંગા તટે લઈ જાવ છો. અરે! જીવનભર જેમનો તમે તિરસ્કાર કરો છો, એના મરણ પછી સત્કાર કરો છો. એટલે હું મરીને બોલુ છુ. હું નર્કમાંથી બોલુ છુ. હવે તો મને સાંભળશો ને?

    “થાય છે કે મને શું પડી હતી કે જીવનભર હું ચૂપ રહ્યો અને હવે નર્કના એક ખૂણામાં પડ્યો બોલવા માંડ્યો? પણ અહીં એક એવી વાત સાંભળી કે મારા જેવા અભાગીની મોતને લઈને તમારામાં ચર્ચા થઈ રહી છે. મેં સાંભળ્યું કે, સાંસદ સભામાં તમારા મંત્રીએ કહ્યું કે મારુ મોત ભૂખથી નથી થયું. મેં આત્મહત્યા કરી લીધી છે. હું મરુ અને મારા મોતનો જવાબદાર પણ હું જ બનુ.

    “ભૂખથી મૃત્યુ પામુ અને મારા મરવાનું શ્રેય ભૂખને ન મળે, એ તે કેવી વાત? અનાજ, અનાજના પોકારો કર્યા હોય અને મારા મરવાના કારણોમાં અનાજનું નામ પણ ન આવે? ઠીક છે, એ બધું હું સહન કરી લેત.  જેવી રીતે શહેરના લોકોને દેશી શુદ્ધ ઘી તરફ રુચિ ન રહે એવી રીતે જીવનભર તિરસ્કાર સહન કર્યો છે, એટલે હવે સહાનુભૂતિ તરફ અરુચિ થઈ ગઈ છે. પણ આજે અહીં નર્કલોકમાં એક ઘટના બની ગઈ એટલે કહેવાનું મન થયું.

    “બન્યું એમ કે જે દિવાલ સ્વર્ગ અને નર્કને અલગ કરે છે, એનાં બાકોરામાંથી મારા કૂતરાએ મને જોયો. કાઉં કાઉં..કુર કુર કરતો મારી તરફ વહાલ દર્શાવવા માંડ્યો. મને આશ્ચર્ય થયું કે, હું નર્કમાં અને મારો કૂતરો સ્વર્ગમાં?  મારો અતિ પ્રિય કૂતરો, યુધિષ્ઠિરના કૂતરા કરતાંય અધિક પ્રિય હતો એ. જ્યારે મારી સ્ત્રી એક ધનિક સાથે ભાગી ગઈ, ત્યારથી આ કૂતરો મારો સાથી બની રહ્યો હતો. ક્યારેય એણે મને છોડ્યો નહીં. એટલી હદે કે એ મર્યો પણ મારી સાથે જ.

    “બાજુવાળા શેઠ એને પાળવા માંગતા હતા. શેઠાણી તો એને બેહદ પ્રેમ કરતી હતી પણ એ જરાય લોભાયો નહીં, અને મને છોડીને એ ક્યાંય ગયો નહીં. એટલે એ સ્વર્ગમાં છે એનો મને સાચે જ આનંદ છે.  એથી કરીને મને થયેલા અન્યાયને ભૂલી તો શકાય નહીં ને?  આ કોઈ તમારું મૃત્યુલોક તો છે નહીં કે જ્યાં ફરિયાદ સાંભળવામાં જ ન આવે કે સીધો ફરિયાદીને જ દંડ થાય? અહીં તો તરત જ ફરિયાદ સાંભળવામાં આવે છે. એટલે હું પણ ભગવાન પાસે ગયો અને પ્રાર્થના કરી કે, હે ભગવાન ! પૃથ્વી પર અન્યાય ભોગવીને હું એ આશાએ અહીં આવ્યો કે ન્યાય મળશે. પણ આ કેવી વાત! મારો કૂતરો સ્વર્ગમાં અને હું નર્કમાં? જીવનભર મેં કોઈ ખરાબ કામ કર્યું નહીં. ભૂખ્યો મર્યો પણ ક્યારેય ચોરી નથી કરી. નથી કોઈની પાસે હાથ ફેલાવ્યો. આમ તો આ બીજા કૂતરા જેવો જ કૂતરો, કેટલીય વાર તમને ધરેલો ભોગ ખાતા એને માર પડ્યો છે. અને એને તમે સ્વર્ગમાં જગ્યા આપી?

    “મને સાંભળીને ભગવાને એક નોંધપોથી જોઈ, જેમાં લખેલું વાંચ્યું કે મેં આત્મહત્યા કરી હતી.”

    “ના મહારાજ, હું ભૂખમરાથી મર્યો છું, આત્મહત્યા નથી કરી.

    “ના તું ખોટું બોલે છે. તમારા દેશના અનાજમંત્રીએ લખ્યું છે કે તેં આત્મહત્યા કરી છે. તારા શરીરના પોસ્ટમોર્ટમથી એ વાત સબિત થયેલી બતાવે છે. ભગવાન બોલ્યા.

    “મહારાજ, આ રિપોર્ટ સાવ ખોટો છે. મારું પોસ્ટમોર્ટમ થયું જ નથી. મને તો સળગાવી દેવામાં આવ્યો હતો. એના દસ દિવસ પછી તો સંસદમાં ચર્ચા શરૂ થઈ. ખાક મારું પોસ્ટમોર્ટમ થયું?

    “હવે જ્યારે ભગવાને મારી કથની સાંભળી ત્યારે આસમાનથી પડતા માંડ બચ્યા. હવે તમેય મારી વાત સાંભળો.

    “તમને તો એ પણ નથી ખબર કે હું ક્યાં અને કેવી રીતે જીવ્યો, ક્યાં રહ્યો, ક્યાં મર્યો? દુનિયા એટલી મોટી છે કે કોઈ અમારા જેવાના જીવન કે મરણનો હિસાબ નથી રાખતું. અને તમને એ પણ ક્યાં ખબર છે કે મારા શ્વાસો ચાલતા હતા ત્યારેય ખરેખર હું જીવિત હતો ખરો? હું રોજ મૃત્યુને ટાળી જતો એ અર્થમાં જીવિત હતો. વાસ્તવમાં તો મારા જન્મની એક ક્ષણ જ હું જીવિત હતો, અને બીજી ક્ષણથી જ મારું મૃત્યુ શરૂ થઈ ગયું હતું. બજારની એ પાકી ઈમારત તો તમે જોઈ છે ને?  એની પાછળના પાયખાનાની દિવાલના સહારે મારી છાપરી હતી. એ ઈમારતના માલિક મારી છાપરી તોડીને ત્યાંય બીજું પાયખાનું બનાવવા માંગતા હતા. જો હું મરી ન ગયો હોત તો એક ગરીબ આદમીની ઝૂંપડી પર અમીર આદમીના પાયખાનાનો વિજય હું જોતો હોત. એ ઝૂપડીમાં હું રહ્યો. મારી આસપાસ અનાજ જ અનાજ હતું. દિવાલની પેલી બાજુથી જે ઊંદરો આવતા એ દિવસે દિવસે જે રીતે મોટા થતા, એ હું જોતો હતો. એમને પેલા બજારમાંથી અનાજ તાણીને લઈ આવતા અને  ખાતા જોતો. પણ હું તો હંમેશ ભૂખ્યો જ રહયો. એ બજારમાં વેચાતું અનાજ દસ રૂપિયે શેર હતું પણ, મારું જીવન એના કરતાં સસ્તું હતું. અને અંતે મોત આવ્યું. જે દિવસે હું મરી ગયો એ દિવસે મારી છાપરીની બીજી બાજુ એ અમીર શેઠના દીકરાનું લગ્ન હતું. એ બહુ અમીર હતો. સૌ જાણતા હતા કે એની પાસે હજારો બોરી કાળા બજારનું અનાજ હતું. પણ એને કોઈ કંઈ કહી કે કરી શકે એમ નહોતું. કારણકે એને પોલીસનું એને પૂરેપૂરું રક્ષણ હતું.

    “લગ્નના દિવસેય ધાનના ઢગલાં હતાં. પણ મને ખવડાવવાની કોને પડી હોય?

    “બસ એ દિવસે હું જ મારા મોતને ધીરે ધીરે એના ભયાનક પંજામાં મને જકડી રહ્યું હતું એ અનુભવી રહ્યો.”


    હરિશંકર પરસાઈની વાર્તા ‘हेल्लो मैं नर्क से बोल रहा हुं” પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • એક વરસાદી રાતે….

    આશા વીરેન્દ્ર

    અંધારી ઘોર રાત હતી. સવારથી શરૂ થયેલો ધોધમાર વરસાદ અટકવાનું નામ નહોતો લેતો. ઝડપથી ભાગવાના પ્રયત્નમાં ઝૂબેદા બે વાર પડી હતી. આખું શરીર અને કપડાં કાદવથી લથબથ અને ભયથી ચકળ-વકળ થતી આંખો. આવતી-જતી ગાડીની હેડલાઈટ દેખાય કે બે હાથ લાંબા કરી કરીને રોકવાનો પ્રયત્ન કરવા લાગતી. ‘રોકો, ગાડી ઊભી રાખો. ખુદાને ખાતર મને મદદ કરો.’

    કેટલીય વારે આગળ નીકળી ગયેલી એક ગાડી રીવર્સ લઈને પાછી આવી. ગાડી ચાલકે એની પાસે આવીને દરવાજો ખોલ્યો. મોટી લાલ લાલ આંખો. ગોળ ફ્રેમ વાળાં ચશ્માં અને જાડી ભરાવદાર મૂછ. એણે દરવાજો ખોલ્યો એ સાથે જ શરાબની તીવ્ર ગંધ ઝૂબેદાના નાકમાં ઘૂસી ગઈ. એ પગથી માથા સુધી ધ્રૂજી ઊઠી. એને થયું, આ તો ઊલમાંથી ચૂલમાં પડવાની ! પણ અત્યારે ગાડીમાં બેસી જવા સિવાય બીજો કોઈ ઉપાય જ નહોતો. ભીના, કાદવવાળા શરીરે એ આગલી સીટ પર બેસી ગઈ. મનમાં ને મનમાં એણે પ્રાર્થના કરી, ‘રબ્બા મુઝે બચાના.’

    ‘તારે ક્યાં જવું છે? ક્યાં ઉતારું તને ?’થોડી વાર પછી ગાડી ચાલકે કડક અવાજે પૂછ્યું. કશો જવાબ આપ્યા વિના ઝૂબેદા ચૂપચાપ હોઠ બીડીને બેસી રહી.

    ‘નામ શું છે?’ફરીથી એક સવાલ. ‘ઝૂબેદા.’

    ‘સરસ નામ છે. મારું નામ શિવદાસ. ક્લબમાં પાર્ટી હતી, જરા વધારે પિવાઈ ગયું એટલે જ તને જોઈને ગાડી ઊભી રાખી. નશો ન કર્યો હોત તો ગાડી ઊભી જ ન રાખત.’

    શિવદાસ હો હો કરતો હસવા લાગ્યો. ઝૂબેદાને ચીડ ચડી. કેવા ગંદા દાંત છે, છી ! ‘હવે બોલ, તારે ક્યાં ઊતરવું છે?’જરા આગળ ગયા પછી શિવદાસે ફરીથી પૂછ્યું. જવાબ ન મળતાં એ એની તરફ ધ્યાનથી જોવા લાગ્યો. હશે બારેક વર્ષની છોકરી. કપડાં ફાટી ગયેલાં અને નીચલા હોઠમાંથી લોહી નીકળતું હતું. હવે છોકરીએ જોરથી રડવાનું શરૂ કર્યું. પળવારમાં શિવદાસનો નશો ઊતરી ગયો.

    ‘કોણે તારી આ હાલત કરી? ચાલ, આપણે પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવીએ.’

    ઝૂબેદા બે હાથ જોડીને કહેવા લાગી, ‘ના સાહેબ, ફરિયાદ નથી કરવી. એ લોકો મારો જીવ લઈ લેશે. મને એમનો બહુ ડર લાગે છે.’કટકે કટકે કરતાં ઝૂબેદાએ પોતાની આપવીતી કહેવા માંડી, ‘અહીંથી કોણ જાણે કેટલું ય દૂર બદિરમપલ્લીમાં મારું ઘર છે. મા-બાપ ને મારાથી નાનાંત્રણ ભાઈ-બહેન. બાપને ટી.બી. થયો. નોકરી છૂટી ગઈ. મા એકલી મજૂરી કરે પન ખાવા-પીવાનો, બાપુની દવાનો ખર્ચ ક્યાંથી કાઢવો?

    એવામાં એક દિવસ માના દૂરના સગા તાજુદ્દીનભાઈ અને એમનાં પત્ની ઘરે આવ્યાં. કહે, ઝૂબેદાને અમારી સાથે મોકલો. તમારે માથેથી એકનો બોજો તો ઓછો થાય ! રસોઈના કામમાં હાથવાટકો થશે ને સારી સ્કૂલમાં ભણાવશું. મા-બાપુએ ખુશ થઈને એમની સાથે મોકલી.’

    ‘તું કઈ સ્કૂલમાં ભણે છે?’ શિવદાસે પૂછ્યું.

    ‘સ્કૂલમાં મોકલવાની વાત તો દૂર રહી. આખો દિવસ મારી પાસે કમરતોડ કામ કરાવે ને મને જરાક એકલી જુએ એટલે તાજુદ્દીનભાઈ મારી સાથે જાતજાતના ચેનચાળા કરે. પછી તો બીજા માણસોને પણ લાવી લાવીને મને કમાણીનું સાધન બનાવી દીધી. એ બધાને સાચવવાની ના પાડું તો તાજુદ્દીનભાઈની પત્ની મને ડામ દેતી.’

    ‘તો અત્યારે તું રસ્તા પર કેવી રીતે પહોંચી?’

    ‘એક જાડોપાડો માણસ મારા રૂમમાં આવ્યો એને જોઈને હું ખૂબ ગભરાઈ ગઈ. બાથરૂમમાં જવાનું બહાનું કાઢી બારીના કાચ કાઢી નાખ્યા ને ત્યાંથી ભાગી નીકળી.શિવદાસે એક નાનકડા બંગલા પાસે ગાડી ઊભી રાખી.

    ‘ચાલ અંદર ’, એણે ઝૂબેદાને કહ્યું. ઝૂબેદા અવિશ્વાસભરી નજરે એને જોઈ રહી. અડધી રાત થાઈ હતી અને સાથે દારૂ પીધેલો મરદ હતો. એને કમકમાં આવ્યાં. એ ઘરમાં ચારે તરફ જોવા લાગી. પછી એણે દબાયેલા અવાજે શિવદાસને કહ્યું, ‘સાહેબ, બહુ થાકી ગઈ છું. ભૂખ પણ બહુ લાગી છે. કંઈ ખાવાનું મળશે?’

    શિવદાસે એને એક ટુવાલ આપ્યો ને કહ્યું: ‘તું કાદવકીચડથી આખી ભરાઈ ગઈ છે. જા, જઈને પહેલા નાહી લે.’

    એ નાહીને આવી. ત્યારે શરીરે ફક્ત ટુવાલ જ લપેટેલો. શિવદાસે કબાટમાંથી એક સ્કર્ટ-બ્લાઉઝ કાઢીને એને આપ્યાં. એ કપડાં પહેરીને આવી ત્યાં શિવદાસે દૂધ ગરમ કરીને ગ્લાસ ભરી રાખેલો અને બ્રેડ શેકી રાખેલા.

    ‘સાહેબ, તમે આપેલાં કપડાં બરાબર મારા માપનાં જ છે, કોનાં છે?’જવાબની રાહ જોયા વિના ઝૂબેદા ઊંધું ઘાલીને ખાવા પર તૂટી પડી. એની તરફ જોતાં શિવદાસ વિચારી રહ્યો, મારી ગુડ્ડી પણ બરાબર આવડી જ હતી. આ દારૂની લતે એને અને એની માને મારાથી દૂર કરી દીધાં. એક વખત મોઢું ફેરવી જતાં રહ્યાં પછી કોઈ દિવસ કંઈ ખબર જ ન મળ્યા કે, ક્યાં છે, કેવી હાલતમાં છે.

    ખાઈને ઝૂબેદા નિરાંતે સોફા પર બેઠી. બાજુમાં પડેલી સોનેરી રંગની ઢીંગલી પર નજર પડતાં એની આંખો ચમકી ઊઠી. એણે ડરતા ડરતાં પૂછ્યું, ‘સાહેબ, હું આને હાથ લગાડું? હું કોઈ દિવસ આવાં રમકડાંથી રમી નથી.’શિવદાસે ઢીંગલી એના ખોળામાં મૂકી, અને હસતાં હસતાં કહ્યું, ‘એને તારી સાથે સૂવડાવજે, બસ !’

    ‘સાહેબ, મને બહુ ઊંઘ આવે છે, ક્યાં સૂઉં?’

    ‘આ પલંગ પર તું સૂઈ જા, હું અહીં સોફા પર સૂઈશ.’થાકેલી ઝૂબેદા ઢીંગલીને ગળે વળગાડીને પલંગ પર પડી. ડીમલાઈટના ઝાંખા પ્રકાશમાં શિવદાસ એને જોઈ રહ્યો. જાણે ગુડ્ડીની નાની બહેન જ જોઈ લ્યો ! એણે ઝૂબેદાને ધાબળો ઓઢાડ્યો, એને કપાળ પર ચૂમી ભરીને કહ્યું, ‘ગુડનાઈટ બેટા !’

    થોડીવાર સોફા પર પડખાં ફેરવ્યાં કર્યાં પછી એણે કહ્યું, ‘હું તારી પાસે સૂઈ જાઉં ?’

    ‘હા જરૂર’, ઝૂબેદાએ અડધી પડધી ઊંઘમાં જવાબ આપ્યો.

    શિવદાસ ઊઠીને પલંગપર સૂતો. નક્કી કર્યું હતું કે એ રડશે નહીં પણ જ્યારે ઝૂબેદાને ગળે વળગાડી ત્યારે એ નાના બાળકની જેમ રડવા લાગ્યો.


    (અંબિકાસૂતન માંગડની મલયાલમ વાર્તાની આધારે


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ફિલસુફીભર્યા ગીતો – ૬ – हर युग में बदलते धर्मो को कैसे आदर्श बनाओगे ?

    નિરંજન મહેતા

    ૧૯૬૪ની ફિલ્મ ‘ચિત્રલેખા’નું આ ગીત મીનાકુમારી અને અશોકકુમાર પર રચાયું છે.

    संसार से भागे फिरते हो
    भगवान को तुम क्या पाओगे
    इस लोक को भी अपना ना सके
    उस लोक में भी पछताओगे

    ये पाप है क्या ये पुन्य है क्या
    रीतो पर धर्म की मोहरे है
    हर युग में बदलते धर्मो को
    कैसे आदर्श बनाओगे

    ये भोग भी एक तपस्या है
    तुम त्याग के मारे क्या जानो
    अपमान रचेता का होगा
    रचना को अगर ठुकराओगे

    हम कहते है ये जग अपना है
    तुम कहते हो जूठा सपना है
    हम जनम बिता कर जायेंगे
    तुम जनम गवाँ कर जाओगे

    ગીતકાર સાહિર લુધિયાનવી, સંગીતકાર રોશન અને સ્વર લતાજીનો

    મીનાકુમારી રાજનર્તકી છે અને પ્રદીપકુમાર તેના પ્રેમમાં હોય છે. અશોકકુમાર, જે એક સાધુ છે, તે પ્રદીપકુમારને તેના બંધનમાંથી છોડવા મીનાકુમારીને સમજાવવા આવે છે પણ તે અસફળ રહેતા ચાલી નીકળે છે. ચાલી જતા અશોકકુમારને ઉદ્દેશીને મીનાકુમારી આ ગીત ગાય છે.

    મીનાકુમારી ઉર્ફે ચિત્રલેખા કહે છે કે જે મનુષ્ય સંસારમાંથી નાસી જાય છે તે ભગવાનને કેવી રીતે મેળવશે? કહેવાનો અર્થ એ કે સંસારમાં રહ્યા છતાં પણ ભગવાનની ભક્તિ કરો તો ભગવાન જરૂર મળે છે. તે માટે સાધુ થવાની જરૂર નથી. તો જે મનુષ્ય આ લોકમાં રહીને આ લોકનો ન થયો તે પરલોકમાં જઈને જરૂર પસ્તાશે.

    પાપ અને પુણ્ય તો ધર્મના લોકો નક્કી કરે છે અને આજે જે પાપ છે તે આગળ જતા પુણ્યમાં બદલાઈ શકે છે. દરેક યુગમાં આ પાપ પુણ્યની વ્યાખ્યા બદલાતી જાય છે તો કોને તું આદર્શ માનશે?

    સંસારમાં રહીને સાંસારિક ભોગો ભોગવવા એ પણ એક તપસ્યા છે. પણ તે તો તે બધું ત્યાગી દીધું છે તો તને તે ક્યાંથી સમજાશે? આ ન કરવાથી તું રચયિતાનું અપમાન કરે છે. અમે તો આ જગને અમારૂં માનીએ છીએ પણ તારા પ્રમાણે તે એક ખોટું સ્વપ્ન છે. પણ સમજી લે અમે જન્મ વિતાવીને જશું જ્યારે તું જન્મ ગુમાવીને જશે.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com

    .

  • જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૬ -૧૯૭૭

    વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    જયદેવ (વર્મા, જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૧૯ – અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭) શાસ્ત્રીય કે લોક સંગીત પર આધારિત ફિલ્મી ગીત રચનાઓ પણ ખુબ માધુર્યસભર હોઈ શકે તે તો નિર્વિવાદ સાબિત કરી ચુક્યા હતા. તેમની કારકિર્દીની શરૂઆતમાં જ તેમના જાદુઈ સ્પર્શની સંમોહક અસર તેમને ટોચની હરોળમાં સ્થાન અપાવી ચુકી હતી. પરતુ, ફિલ્મ ઉદ્યોગમાં અસ્વીકાર્ય એવી કેટલીક  તેમની સ્વભાવગત લાક્ષણિકતાઓ અને કૅટલીક ટોચમાં ચાલતી અર્હેતી હરિફાઇની વરવી વાસ્તવિકતાઓએ તેમની કારકિર્દીને ઊંડી ખીણ તરફ ઘસડવા લાગી. પ્રથમ  હરોળની ફિલ્મો ન મળતાં, જે કોઈ ફિલ્મોમાં તેમને તક મળી એ ફિલ્મો ટિકિટબારી પર અસફળ રહી એટલે જયદેવનાં સંગીતને પણ તેનું ગ્રહણ ગ્રસવા લાગ્યું. ‘૭૦ના દાયકા સુધીમાં તો હવે તેમને એવા જ નિર્માતાઓ કે દિગ્દર્શકો પાસેથી કામ મળતું જે પોતાની ફિલ્મનં વસ્તુનાં હાર્દની સાથે ગીતોની બાબતમાં કોઈ જ છૂટ લેવા ન માગતા હોય. આ તબક્કે જયદેવની રચનાઓનું તળ માધુર્ય સુકાયું નહોતું, એટલે કળારસિક પ્રેક્ષકો અને પારખુ શ્રોતાઓએ તેમનાં ગીતોને પોંખવાનું ચાલુ રાખ્યું. આવા સકારાત્મક પ્રતિભાવની અસર રૂપે જયદેવ હવે નવા નવા ગાયકોને તક આપવાના પ્રયોગો પણ કરી શકવા લાગ્યા.

    ખુબ અનોખા સંગીતકાર જયદેવનાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આપણે આપણાં આ માધ્યમ પર ૨૦૧૮થી શરૂ કરેલ છે.

    • ૨૦૧૮ માં ૧૯૫૪થી ૧૯૬૩નાં વર્ષોનાં તેમની સૌથી વધારે સફળ ફિલ્મો ગણી શકાય એવી ફિલ્મોનાં ગીતો
    • ૨૦૧૯માં તેમની ૧૯૬૪થી ૧૯૭૦નાં વર્ષોની ઓછી જાણીતી ફિલ્મોનાં ઓછાં જાણીતાં ગીતો,
    • ૨૦૨૦ માં ૧૯૭૧ નાં અસફળ રહેલી ફિલ્મોનાં તેમનાં ખુબ વખણાયેલાં ગીતોને,
    • ૨૦૨૧માં ૧૯૭૨-૭૩માં ફિલ્મોની નિષ્ફળતાએ જે ગીતોને પણ ભુલાવી દીધાં તે ગીતોને, અને
    • ૨૦૨૨માં ૧૯૭૪ – ૧૯૭૫નાં વર્ષોની ભુલાવા લાગેલી ફિલ્મોની કેટલીક સુરાવલીઓને

    આપણે યાદ કરી ચુક્યાં છીએ.

    આજના અંકમાં આપણે જયદેવ રચિત ૧૯૭૬ની ફિલ્મ ‘લૈલા મજનુ’ અને ૧૯૭૭ની ફિલ્મો ‘આલાપ’ અને ‘ઘરૌંદા’નાં ગીતોની યાદ તાજી કરીશું.

    લૈલા મજનુ (૧૯૭૬)

    ફિલ્મો માટે લૈલા મજનુ એ સદાબહાર પ્રેમ કહની રહી છે. હિંદી ફિલ્મ ક્ષેત્રે છેક ૧૯૩૧થી લૈલા મજનુ પર ફિલ્મો બનતી રહી છે. આ પ્રકારની પ્રેમ કથાઓમાં કથા નિરૂપણ, એ સમયની સામાજિક, આર્થિક વાસ્તવિકતાઓનું યથાર્થ ચિત્રણ અને પાત્રોના વ્યક્તિત્વોનું સહજ દર્શન કરાવી શકે એવો અભિનેતાઓનો અભિનય એક જ વાર્તા પરથી બનેલી ફિલ્મોને અલગ પાડી આપવાની જે ભૂમિકા ભજવે છે તે બધાંની સામે એકલપંડે ઊભું રહી શકે એવું ફિલ્મનાં સંગીતનું પણ પાસું છે.

    ૧૯૭૭માં કંપનીના કામે અમે બે ત્રણ સાથી કર્મચારીઓ ઈંદોર હતા. એક રાત્રે શહેરમાં ટહેલતાં ટહેલતાં  ‘લૈલા મજનુ’ ચાલી રહી હોય એવું થિયેટર જોવા મળ્યું. છેલ્લ શૉનો સમય હતો એટલે સમય પસાર કરવા ઘુસી જવાય તેમ તો હતું. ફિલ્મોનાં આટલાં બધાં સંસ્કરણોમાંથી મને તા માત્ર ૧૯૫૬નાં સંસ્કરણનાં ગીતો જ યાદ આવે.  ગુલામ મોહમમદે રચેલં તલત મહમૂદનાં એકાદ બે ગીતો તો તે જ સમય મનમાં વાગવા લાગ્યાં . સામે ફિલ્મનાં પોસ્ટરમાં સંગીતકારો તરીકે મદન મોહન અને જયદેવનાં નામો વાંચીને એટલો સધિયારો મળ્યો એ ફિલ્મ જોવા જેવી કદાચ ન પણ નીકળે તો પણ ગીતોને કારણે બે અઢી કલાક તો નીકળી જ જશે, એમ ધારીને અમે એ ફિલ્મ જોઈ જ પાડેલી. બહાર નીકળ્યા ત્યારે અમારી એ ધારણા તો ખોટી  નહોતી પડી.

    પછીથી જે જાણકારી મળતી ગઈ એ મુજબ ખબર પડી કે ફિલ્મનાં ત્રણેક ગીતો અને બેકગ્રાઉંડ સંગીતનું કામ બાકી હતું તેવામાં જ મદન મોહનનું અવસાન થયેલું. ઍટલે એ અધુરાં કામો પુરા કરવા માટે જયદેવની પસંદગી થયેલી. સાહિર લુધિયાનવીએ ફિલ્મનાં બધાં ગીતો લખેલાં. જયદેવ રચિત ત્રણ ગીતોમાંથી કહેના એક દીવાના તેરી યાદમેં આહેં ભરતા હૈ.. અને લિખ કર તેરા નામ જમી પર ઉસકો સજદે કરતા હૈ (બન્નેનાં ગાયકો મોહમ્મદ રફી અને લતા મંગેશકર) તો બહુ જ લોકભોગ્ય બન્યું હતું

    આપણે અહીં બાકીનાં બે ઓછાં જાણીતાં ગીતોને યાદ કરીશું.

    કજ઼ા જાલિમ સહી યે ઝુલ્મ વો ભી કર નહીં શકતી
    જહાં મેં ક઼ૈસ જિંદા હૈ, તબ તક લયલા મર નહીં સકતી
    યે દાવા દુનિયા ભરસે મનવાનેકી ખાતિર આ
    યે દિવાનેકી જીદ હૈ …..  – મોહમ્મદ રફી

    થિયેટરમાં પહેલી જ વાર સાંભળતાં જ મનમાં ગીત વસી ગયું હતું. ત્યારે ખબર નહોતી કે આવાં યદગાર ગીતો ગાવા માટે મોહમ્મદ રફી બહુ લાંબું આપણી વચ્ચે નહીં હોય !

    લૈલા મજનુ દો બદન એક જાન થે – રાજકુમાર રિઝવી, પ્રીતી સાગર, અનુરાધા પૌડવાલ

    ટાઈટલ ગીત તરીકે આ ગીત લૈલા મજનુની આખી કહાની કહી જાય છે.

    સાવ નવાં જ ગાયકો પાસે ગીત ગવડાવવાની જયદેવની પ્રયોગશીલ સર્જકતાનું એક વધુ ઉદાહરણ…..

    આલાપ (૧૯૭૭)

    મુળ બંગાળી સમાજની પૃષ્ઠભુ પર પથરાયેલ વાર્તાવસ્તુમાં હૃષિકેશ મુખર્જી ફરી એક વાર અમિતાભ બચ્ચનને બહારથી શાંત દેખાતા પણ અંદરથી ધખધખતા જ્વાળામુખી જેવા ‘એંગ્રી યંગ મેન’ તરીકે રજૂ કરે છે. ‘૭૭માં જ્યારે એકશન ફિલ્મોનું ચલણ હતું ત્યારે એક ગંભીર સમાજિક વિષય પરની ફિલ્મ બનવી એ પોતે જ એક અનોખી કેડી ગણાય. આ પહેલાંની કે પછીની ત્રણ ચાર ફિલ્મોમાં એસ ડી બર્મન કે આર ડી બર્મનને સંગીત સોંપ્યા બાદ, હૃષિકેશ મુખર્જીએ આ ફિલ્મનું સંગીત જયદેવને સોંપ્યું..

    ફિલ્મની ક્રેડીટ ટાઈટલ રચના માતા સરસ્વતી શારદા (ગીતકારઃ પારંપારિક – ગાયકો યેસુદાસ, લતા મંગેશકર, દિલરાજ કૌર, મધુરાણી) તો મોટા ભાગની શાળાઓમાં પાર્થના તરીકે જ સ્થાન પામી ગયેલ.  તે જ રીતે મુખ્ય અભિનેતા માટે કિશોર કુમારનો જ સ્વર હોય એ પ્રસ્થાપિત થઈ ચુકેલ સમયમાં જયદેવે યેસુદાસને પસંદ કર્યા. યેસુદાસના સ્વરમાં ગવાયેલું કોઈ ગાતા મૈં સો જાતા (ગીતકાર: હરિવંશરાય બચ્ચન) તો ખુબ લોકભોગ્ય થયું હતું.

    હવે પછી જે ગીતો સાંભળીશું તે ડો. રાહી માસૂમ રજ઼ાએ લખેલાં છે.

    ચાંદ અકેલા જાયે રે સખી રી... – યેસુદાસ

    એક કવિને છાજે એવી ક્લ્પનાથી પોતાનાં પ્રિયજનથી અલગ પડી ગયેલ પ્રેમીના મનોભાવને રજુ કરી શકે એ વ્યક્તિ સમાજની સામે બળવો કરવા બેસે ત્યારે કેવો ભભુકી પણ શકે છે એવી અમિતાભ બચ્ચનનં પાત્રની લાક્ષણિકતાને  વ્યક્ત કરવા એક રોમેંટિક ગીતના મધ્યાલાપમાં તેનો સમાજ પ્રત્યે ક્રોધ દેખીતી હળવાશથી રજુ કરીને દિગ્દર્શકની સંગીતકારની રચનાને અભિનવ રીતે પ્રયોજી લે છે.

    કાહે મનવા નાચે હમરા, સખી રે કોઈ ઈસે અબ સમજાયે – લતા મંગેશકર

    એક મુગ્ધાના મનના ભાવોને વ્યક્ત કરતાં ગીતના ભાવને દિગ્દર્શકે નાયિકાના ચાંદરણા સાથેના ખેલમાં ઝીલી લીધેલ છે.

    નયી રી લગન ઔર મીઠી બતીયાં પિયા જાને ઔર જિયા મોરા – મધુરાણી (ફૈઝાબાદી), (કુમારી) ફૈયાઝ, યેસુદાસ

    રાગ યમન, બિહગ, ભૈરવી, પટ્દીપ અને સુર મલ્હારની રાગમાળાને સહજ ન્યાય મળી રહે એટલે જયદેવ પ્રખ્યાત ગઝલ ગાયિકા મધુરાણી, મરાઠી નાટ્ય સંગીતમાં ખુબ ખ્યાત ફૈયાઝ અને યેસુદાસને પ્રયોજવાની અભિનવ કેડી કોતરે છે.

    આઈ ઋતુ સાવનકી પિયા મોરા જાયે રે – કુમારી ફૈયાઝ, ભુપિંદર

    સાવન આવે ત્યારે જ પ્રિયતમ (કે પ્રિયતમા) અલગ થઈ જાય એ વિરહની વેદના જયદેવ રાગ દેશમાં વ્યકત કરે છે.

    હો રામા ડર  લાગે અપની ઉમરિયા સે – અસરાની

    બિનતી સુન લે તનિક, નટખટ ગોરી બિનતી સુન લે – અસરાની

    અસરાનીને આ પારંપારિક્ર રચનાઓની પૅરોડીમાં રજુ કરવાની કલ્પના હૃષિકેશ મુખર્જી જ કરી શકે અને તેને યથાર્થ જયદેવ જ કરી શકે

    ઘરૌંદા (૧૯૭૭)

    દિગ્દર્શક ભીમસેન દ્વારા દિગ્દર્શિત ‘ઘરૌંદા’ પણ મુખ્ય ધારાના ઢાળમાં બનેલી પ્રાયોગિક કળા ફિલ્મ જ હતી. ‘ઘરોંદા’ માટે ડૉ. શ્રીરામ લાગુને શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે ગુલઝારને એક અકેલા ઇસ શરમેં માટે શ્રેષ્ઠ ગીતકાર તરીકેના ફિલ્મફેર એવૉર્ડ મળેલા.

    અહીં આપણે ભીમસેન વિષે ટુંકી વાત કરી લઈએ.

    ભીમસેન ભારતમાં એનિમેશન ફિલ્મોના જનક તરીકે ઓળખાય છે. તેમણે અનેક વિષયો પર આવી એનિમેશન ફિલ્મો રચી હતી. રાષ્ટ્રીય એકતા પરની એક, અનેક ઔર એકતા તો ખુબ જ જાણીતી કૃતિ છે, ૨૬ હપ્તાની સૌથી લાંબી ટીવી સિરિયલ વર્તમાન (૧૯૯૪) બનાવવાનું શ્રેય પણ તેમને નામે છે.

    ગુલઝારે લખેલાં દો દિવાને સહરમેં  (ભુપિંદર, રૂના લૈલા) અને એક અકેલા ઇસ સહરમેં (ભુપિંદર) તો આજે પણ ખુબ જ લોકપ્રિયતા મેળવે છે.

    બાંગલા દેશના વિશ્વ પ્રસિદ્ધ ગાયિકા રૂના લૈલાનો ભારતના શ્રોતાને પરિચય કરાવવાનું શ્રેય જયદેવને નામે ગણી શકાય

    તુમ્હેં હો ન હો, મુઝકો તો ઇતના યકીન હૈ મુઝે તુમસે પ્યાર નહીં નહી – રૂના લૈલા – ગીતકાર નક્શ લ્યાલપુરી

    રૂના લૈલા જેવાં ગઝલ ગાયિકાને જયદેવ કેવી રમતિયાળ અદામાં સહજ સ્વરૂપે રજુ કરી શકે છે !

    આ ગીતનું એક બીજું કરૂણ વર્ઝન પણ છે જે આ ક્લિપમાં ૫.૦૪થી સાંભળી શકાય છે

    જયદેવની કારકિર્દીના અંતની શરૂઆતમાં પણ તેમની સર્જનાત્મકતા અને પ્રયોગશીલતા હજુ તરોતાજા છે. તેમનાં હવે પછીના વર્ષોનાં ગીતોને સાંભળવાની આતુરતા વધતી જ જાય છે…..

  • વનવૃક્ષો : ઊમરો

     

    ગિજુભાઈ બધેકા

    ઊમરો ઘણાં વરસે થયો. એક વાર ત્રમઘૂટ વરસાદ આવતો હતો ને રામભાઈ ને હેમુભાઈ ઊમરાનો રોપ લઈ આવ્યા. વરસતા વરસાદે ઊમરો રોપ્યો. રામભાઈને હેમુભાઈ તે દિવસે કંઈ રાજી થયા ! “ઊમરો રોપ્યો, ઊમરો રોપ્યો.” એમ બોલતા જાય, કૂદતા જાય અને નહાતા જાય.

    થોડા દિવસ થયા ને ઊમરો ચોંટી ગયો. નમી ગયેલાં પાન ટટ્ટાર થયાં; ઝાંખી ડાળીઓ ચળકવા લાગી; પાંચ દસ નાનાં નાનાં નવાં પાન આવ્યાં. રામભાઈ ને હેમુભાઈએ દોડાદોડ કરી મૂકી.

    સૌને ઊમરા પાસે લઈ જાય ને બતાવે: ‘ જુઓ આ અમારો ઊમરો. ઊમરે નવાં પાન આવ્યાં છે.”

    ઊમરો રોજ રોજ વધતો જાય ને નવાં પાન કાઢતો જાય; શ્રાવણનાં સરવડાંમાં નહાતો જાય અને લીલો લીલો થતો જાય. ચોમાસું ગયું ત્યાં તો ઊમરો હાથ બે હાથ વધી ગયો.

    પછી તો શિયાળો આવ્યો. રામભાઈ હેમુભાઈ વખતે વખતે પાણી પાય, ક્યારો કરે, ખાતર નાખે ને નીચલાં પાન ને નીચલી ડાળીઓ કાઢી નાંખે. ઊમરો ઉપરથી નવાં પાન કાઢતો જાય ને નીચેનું થડ જાડું થતું જાય. શિયાળો ગયો ત્યાં તો ઊમરાનું થડ વધ્યું, જાડું થયું. ઊમરો નાનું એવું ઝાડ થયું.

    પછી એમ થયું કે એનાં પાંદડાં ખરવાં લાગ્યાં. એક પાન ખર્યું, બે ખર્યાં ને કેટલાં યે ખર્યાં; લીલોછમ ઊમરો સૂકો લાગવા માંડ્યો; ચળકતો ઊમરો ઝાંખો પડ્યો; ભરેલો ઊમરો ઠૂંઠો દેખાયો.

    રામભાઈ કહે ” ” એ તો પાનખર આવી છે તે પાંદડા ખરે.”

    હેમુભાઈ કહે : ” તો કાંઈ ફિકર નહિ.”

    રામભાઈ ને હેમુભાઈ ખરતાં પાંદડાંવાળી લ્યે કયાં પાંદડાં ખરી જશે તે જોયા કરે, પણ પાણી તો રોજ પાય.

    એક વાર ડાળે ઝીણા ઝીણા પાંદડા બેસી ગયેલાં, આમ આઘેથી જોઈએ તો દેખાય નહિ એવાં; જરાક દૂરથી જોઈએ તો જાણે માખીઓ કે મચ્છર બેઠાં.

    પણ બે ચાર દિવસો ગયા, બીજા છઆઠ દિવસો ગયા ને કૂંપળાં મોટાં થયાં, તગતગવા લાગ્યાં, ને ઊમરો આખો તડકામાં ચળકી રહ્યો. પખવાડિયું મહિનો ગયો ત્યાં તો ઊમરો હતો તેવો થઈ ગયો. ના, હતો તેનાથી વધારે થયો; હતો તેથી જાડો થયો; હતો તેથી ભરાવદાર થયો; હતો તેથી રૂડો થયો. વસંતે એને નવો નવો કરી મૂક્યો.

    પછી ઉનાળો આવ્યો. તડકા તપ્યા. રામભાઈને ને હેમુભાઈએ ખાતરપાન દીધાં કર્યાં. એકે ડાળખી ન સુકાઈ; એક પાંદડું યે ન લંછાયું. ઊલટો રાત એ દિવસ એ કોળતો જ ગયો.

    ઉનાળા પછી ચોમાસું આવ્યું. ચોમાસા પછી શિયાળો ને પાનખર, વસંત ને ઉનાળો; એમ ને એમ આવ્યા જ કર્યા. ચોમાસે ચોમાસે ઊમરે પાણી પીધું, શિયાળે શિયાળે પોઢો થયો, પાનખરે પાનખરે ઘડપણને કાઢી મૂક્યું, વસંતે વસંતે નવજુવાન થયો, અને ઉનાળે ઉનાળે તપી તપીને તેજસ્વી થયો.

    કેટલાં યે વર્ષો વહી ગયાં. આંગણાંમાં જ ઊમરો મોટું ઝાડ થયું છે. રામભાઈ ને હેમુભાઈ એના ઉપર ચડે છે ને ડાળીઓ ઝુલાવે છે. નાનાં છોકરાં ઊમરાં પાડી આપે છે, ને પોતે પાકાં પાકાં ઊમરાં ખાય છે.

    રાત પડે છે ને કેટલાં ય પક્ષીઓ ઊમરાને ઊમરે આવે છે ને રાત રહે છે. દિવસ પડતાં કેટલાં ય પક્ષીઓ આવે છે ને ઊમરાંને ખાધા કરે છે. ઊમરો પક્ષીઓનો ચબૂતરો થયો છે. પોપટનો પાર નથી. સૂડા ને કોયલ પણ આવે છે. જેને ઊમરાં ભાવે એ બધાં પક્ષીઓ ત્યાં આવે છે.

    એક વાર ઊમરો વેંત જેવડો હતો; વેંતમાંથી હાથ, હાથમાંથી ગજ, ગજમાંથી માથોડું ને માથોડામાંથી વાંસ જેવડો ઊમરો થયો.

    ઊમરો ઊંચો થયો ને રામભાઈ નીચા રહ્યા. નીચે ઊભાં ઊભાં પાંદડાને અડી ય ન શકાય. એક વાર ઊમરો રામભાઈ, હેમુભાઈથી નીચો હતો; હમણાં ઊમરાથી નીચા રામભાઈ ને હેમુભાઈ છે.

    રામભાઈ હેમુભાઈએ એ ઊમરાને પાણી પાયું, ખાતર નાખ્યું; ઊમરો સૌને છાંયો આપે છે, ઊમરાં આપે છે.

    અમારા આંગણાંમાં ઊમરો છે. રામભાઈ ને હેમુભાઈએ એક દિવસ એ આણેલો ને રોપેલો.


    માહિતી સ્રોત : વિકિસ્રોત

  • રૂપરૂપનો અંબાર પીળીચાંચ ઢોંક, જાણે ફેશન આઇકોન

    ફરી કુદરતને ખોળે

    જગત કીનખાબવાલા

                રૂપરૂપનો અંબાર અને જોઈને ચિત્ર કરવાનું મન થઇ ઉઠે તેવું સુંદર અને મોટું પક્ષી એટલે રંગીન પીળીચાંચ ઢોંક. સ્થાનિક પીળી ચાંચ ઢોંક બારમાસી સ્થાનિક પક્ષી છે. ઢોંક ને જોઈને ઓળખી શકો પરંતુ તેઓની બારીકાઇ અને રંગરૂપ ન સમજો તો તેઓની પેટા જાતિ ઓળખી નહિ શકો. આપણે ત્યાં વિવિધ ૭ પ્રકારના ઢોંક હોય છે અને સામાન્ય રીતે ઢોંક પક્ષી રંગરૂપ પ્રમાણે ઓળખાય. ઢોંકના મુખ્ય રંગ સફેદ અને કાળા હોય છે. આ સફેદ અને કાળા ઢોંક ભારતમાં શિયાળામાં યુરોપથી આવી ચઢે છે. એક જમાદાર ઢોંક પૂર્વ ભારતમાંથી ચોમાસામાં ક્યારેક આવી ચઢે જ્યારે બાકીના બધા ઢોંક બારમાસી સ્થાનિક ઢોંક હોય.

     

    પીળીચાંચ ઢોંક / કચ્છી: ચિત્રોડા/ Painted Stork / હિંદી: સારસ ચિત્રિત/ Mycteria leucocephala*
    કદ: ૪૦ ઇંચ/ ૧૦૦ સે.મી. પાંખોની પહોળાઈ: ૧૫૦ – ૧૬૦ સે. મી. વજન: ૨ – ૩. ૫ કિલો

    પીળીચાંચ ઢોંક પક્ષી રંગે રૂપે ખુબજ દેખાવડું છે. બીજા ઢોંક કરતા દેખાવે વધારે રંગીન. નર અને માદા બંને દેખાવે સરખા હોય છે. પાંખમાં ઘેર લીલાશવાળા કાળા પટા હોય છે અને છાતીએ કાળો પટો હોય અને પૂંછડી પણ કાળી હોય છે. લાંબી અને ખુબજ મજબૂત સુંદર ચાંચ નારંગી અને પીળા રંગની હોય છે જે છેડેથી થોડી વળેલી હોય છે. ચાંચનો આકાર તેઓના ખોરાક ને કારણે તેમજ સ્વબચાવમાં ઉપયોગી થાય માટે કુદરતે આવો બનાવેલો છે. પાંખના પીંછા ગુલાબી રંગના અદભુત હોય છે જે પ્રસરાવે ત્યારે પૂંછડી ગુલાબી હોય તેવો ભાસ ઉભો થાય જ્યારે તેઓના નાના પીંછા કાળા રંગના હોય છે. પગ આછા ગુલાબી કે લાલાશ ઉપર રતુંમ્બડા હોય છે. તેઓના બચ્ચા પુખ્ત કરતા જુદા તરી આવે છે. છાતીમાં પટો ન હોય અને આછા બદામી રંગના દેખાય. તેઓનું શરીર ઘણું ભરાવદાર હોય છે અને તેઓ બોલી શકતા નથી પરંતુ તેઓની ચાંચના ઉપર અને નીચેના બે ફાડિયા એકબીજા સાથે અથડાવે ત્યારે જે અવાજ થાય તે તેમની બોલી સમજવી.

    પાણીમાં ધીમે ધીમે કાદવને ખૂંદતું, મુશ્કેલીથી ચાલતું અને ખોરાક શોધતું જોવા મળે છે. પાણીના જળાશય, પાણી ભરેલા ખેતરો, મીઠાના અગરો પાસે કે જયાં પાણી ભરાયેલું હોય છે તેવી જગ્યાએ, દરિયાકાંઠાના છીછરા વિસ્તારમાં, નદી, નહેરો અને તળાવ જેવી જગ્યાઓએ કે જયાં આસાનીથી ખોરાક મળી રહે તેવી જગ્યાએ રહેતા હોય છે. પાણીના વિવિધ જીવ જેવાકે દેડકા, નાની માછલી, ગોકળગાય અને વિવિધ પ્રકારના જીવડાં ખાય છે અને ઊંડા પાણીમાં જઈને ખોરાક શોધી લાવે છે. માછલીને જ્યારે ખાવા માટે ચાંચમાં પકડે છે ત્યારે માછલી પોતાનો જીવ બચાવવા માટે ખુબજ ઝાટકા મારે છે પરંતુ તેની મજબૂત ચાંચની રચના તેને ચાંચની પકડમાંથી માછલીને છટકવા નથી દેતી. લગભગ ૨૪ સે.મી લાંબી ચાંચ ૧૮ સે.મી બાદ આશરે ૧૧ ઔંશ ગોળાકારે વળેલી હોય છે અને તે કારણે જ્યારે પીળીચાંચ ઢોંક બગલાની જેમ સ્થિર ઉભેલો હોય ત્યારે ચાંચનો વળાંક ઓછો દેખાય છે. તેઓની ચાંચ એક ઊંડા અભ્યાસનો વિષય બની ગયો છે. ખોરાક માટે સ્થિર ઉભા રહી અથવા ધીરે ધીરે ચાલીને ચાંચને થોડી ખુલ્લી રાખી, ચાંચને પાણીમાં પોતાની બેઉ બાજુ ધીરે ધીરે ફેરવે છે અને સ્પર્શથી નાની માછલી પક્ડાયાની ખબર પડે તેટલે તેને ઝડપી લે છે. તેઓ દિવસમાં બે વખત ૬૦૦ ગ્રામ કરતા વધારે એટલેકે ૮ થી ૯ કરતા વધારે માછલી ખાતા હોય છે. ખોરાક આરોગ્યા પછી બપોરના સમયે ખુબ ઊંચે ગગનવિહાર કરતા મજા લે છે. ઊંચે આકાશમાં ગોળ ગોળ ઉડયા કરતા હોય છે. ઊંચે આકાશના ગરમ હવાના પડની/ થર્મલ  ઉપર પોતાની શક્તિ ઓછી વાપરીને લહેરાય છે. ઉડતા હોય ત્યારે પોતાની લાંબી ગરદન અને ચાંચ ખેંચેલી અને લાંબી રાખે છે અને તે કારણે તેમને ઉડતા હોય ત્યારે ઓળખવામાં સહેલા પડે છે.

    ચોમાસુ તેમની પ્રજનનની ઋતુ હોય છે. તેવા સમયે પાણીમાં તેમને અનુકૂળ વર્ણવેલ ખોરાક આસાનીથી મળી રહે છે. તેઓ પાણીની નજીક વૃક્ષ ઉપર સાંઠીકડા સળીઓથી મોટા અને અનુકૂળ માળા બનાવે છે. તેઓ બીજી જાતના ઢોંક/ બગલાઓના માળાના સમૂહ પાસે પણ માળા બનાવે છે. મેં મહિનાની મધ્યમાં માળા બનાવ્યા હોય તેવા માળા ચોમાસામાં બનાવેલા માળા કરતા વધારે મજબૂત હોય છે. તેઓ મૉટે ભાગે એકજ જગ્યાએ પાંચથી દસના સમૂહમાં સમૂહમાં માળા બનાવે છે. એક ઋતુમાં ૨ થી ૫ ઈંડા મૂકી શકવાની ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને ચોમાસુ પૂરું થાય અને ઠંડક શરુ થાય તેટલે ઈંડા મુકાતા હોય છે. તેઓનું આયુષ્ય ૨૦ થી ૩૦ વર્ષનું હોય છે. જે માદા ઋતુમાં શરૂઆતમાં ઈંડા મૂકે છે તેઓના ઈંડાની સંખ્યા વધારે જોવા મળે છે. લગભગ એક મહિના શુધી ઈંડા સેવે છે અને ત્યાર બાદ બે મહિના પછી બચ્ચા ઉડતા થાય છે.

    ભારત, શ્રીલંકા, ચીન, દક્ષિણ પૂર્વ એશિયામાં વસતા જોવા મળે છે. દુઃખદ વાત એ છે કે આ સુંદર પક્ષીની સંખ્યા વિકાસની સાથે ઘટી જઈ રહી છે. ખાસ કરીને જયાં ઢાળવાળા વિસ્તારમાં વરસાદી પાણી જમા થાય છે/ વેટલેન્ડ જેવી જગ્યાઓ ઓછી થતી જાય છે, જળાશયોમાંથી મળતો ખોરાક ઓછો થતો જાય છે અને તેઓનો શિકાર પણ કરવામાં આવે છે. પાણીનું પ્રદુષણ વધવું અને વસવાટ તેમજ માળા બાંધવા માટે વૃક્ષ ઓછા થઇ રહયા છે. તેઓનું જીવન અને વૃદ્ધિ વરસાદ ઉપર નભે છે અને જળવાયું પ્રદુષણના કારણે તેઓના અસ્તિત્વ ઉપર અસર થઇ રહી છે. આવા વિવિધ કારણોસર તેઓની સંખ્યા ભયજનક રીતે ઘટી રહી છે.

    (ફોટોગ્રાફ:શ્રી સેજલ શાહ ડેનિયલ, શ્રી યતીન દેસાઈ, શ્રી દિપક ઠાકોર .)

     

     *આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*

    *સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

    *Love – Learn – Conserve*


    લેખક:

    જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
    https://www.facebook.com/jagat.kinkhabwala
    ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
    Mob. No. +91 98250 51214

  • કોઈનો લાડકવાયો – (૧૫) – ભીલોનો વિદ્રોહ

    દીપક ધોળકિયા

    ૧૮૫૭નું રણશિંગું ફુંકાઈ ગયું હતું ત્યારે ઈસ્ટ ઇંડિયા કંપનીને અજાણ્યે ખૂણેથી વિદ્રોહનો સામનો કરવો પડ્યો. સાત હજાર ભીલો નાશિક અને અહમદનગર વચ્ચે એકઠા થયા. પાડોશમાં નિઝામનું રાજ્ય હતું ત્યાંથી કોઈ હુમલો ન થાય તે માટે સરહદે અંગ્રેજી ફોજ ગોઠવાયેલી હતી. મોટાં શહેરો પર ભીલો હુમલા કરી શકે છે એવા સમાચાર પણ હતા એટલે બ્રિટિશ સેના સાવધ હતી. ભીલોને દબાવવાની મુખ્ય જવાબદારી પોલીસ દળની હતી અને એક વખતના વિદ્રોહી કોળીઓ હવે અંગ્રેજોના વફાદાર સિપાઈ બનીને ભીલો સામે ગોઠવાયેલા હતા. આ વખતે ભગોજી નાયકે ભીલોને સંગઠિત કરવાની શરૂઆત કરી. ભગોજી પહેલાં અહમદનગરના પોલીસ ખાતામાં અફસર હતા પણ ૧૮૫૫માં એમને બળવો કરવા અને સરકારી કામમાં દખલ દેવા માટે જેલની સજા કરવામાં આવી હતી પણ જેલમાં સારી વર્તણૂક બદલ એમને છોડી મૂકવામાં આવ્યા હતા. એક વર્ષ સુધી તો એમને પોતાના જામીન આપવા પડ્યા પણ વર્ષ પૂરું થયું ત્યારે કંપની સરકારે ગામડાંઓમાંથી લોકોનાં હથિયારો લઈ લેવાનો હુકમ કરી દીધો હતો.

                             ભગોજી નાયક

    આથી ભગોજીને લાગ્યું કે ગામ છોડી દેવું જોઈએ. એ ત્યાંથી નીકળી ગયા. પણ એમની અસર બહુ સારી હતી એટલે ભીલો એમની વાત માનતા. એમણે તરત પચાસ જણને એકઠા કર્યા અને પૂણે-નાશિક રોડ  પર અડ્ડો જમાવ્યો.

    એક અંગ્રેજ ઑફિસરે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે ભીલોની સ્ત્રીઓ પણ પુરુષો જેવી જ છે અને અશાંતિ ફેલાવે છે. આ જ સ્ત્રીઓ બળવાખોરોને ખાવાપીવાનો સામાન પહોંચાડે છે, એટલું જ નહીં, પોતે પણ લડવામાં પાછીપાની નથી કરતી. એટલે જ્યાં સુધી ભગોજી અને બીજા નાયકો પકડાય નહીં ત્યાં સુધી સ્ત્રીઓને બાન પકડી લેવી જોઈએ!

    જો કે એમણે એવું તો ન કર્યું પણ ભગોજી સાથે વાતચીત કરવા માટે એક ટુકડી મોકલી.  ભગોજીએ ના પાડી અને કહ્યું એક એમનો બે વર્ષનો ચડત પગાર સરકાર ચૂકવી આપશે તો એ હથિયાર હેઠાં મૂકી દેશે. એટલે હવે પોલીસ ટુકડી મોકલવાનું નક્કી થયું. એ નજીક આવે અને કંઈ કરી શકે તે પહેલાં જ વિદ્રોહીઓએ હુમલો કરી દીધો, કંપનીની ટુકડીનો એક સિપાઈ ત્યાં જ મરણ પામ્યો. ટુક્ડીના સરદાર લેફ્ટેનંટ હેનરીને પણ તીર વાગ્યું અને  એ ઘાયલ થઈ ગયો. તેમ છતાં એ આગળ વધ્યો. ત્યાં તો એક તીર એને છાતીમાં વાગ્યું અને ઢળી પડ્યો. હવી લેફ્ટેનન્ટ થૅચરે ટુકડીનું સુકાન સંભાળી લીધું. એના હુમલા સામે ભીલોના પગ ઊખડી ગયા.

    પણ ભીલોને હારતા જોઈને આખી ભીલ કોમ ઊકળી ઊઠી. એ વખતે પાથરજી નાયકે એકસો  ભીલોને એકઠા કર્યા. જો કે એક હિન્દી ડેપ્યુટી કલેક્ટરના સમજાવવાથી એ ભીલો શરને આવી ગયા.

    આ બાજુ ભગોજીએ લડાઈ ચાલુ રાખી. પણ અંગ્રેજોએ કોળીઓની મદદથી એમનો સામનો કર્યો. ૧૮૫૯ સુધી ભીલો હુમલા કરતા રહ્યા.  ૧૮મી ઑક્ટોબરે કોળીઓના વળતા જવાબમાં ભગોજીના દીકરા યશવંત અને બીજા એક ભીલ નેતા હરજી નાયક માર્યા ગયા. તે પછી પણ ભગોજીએ ૨૬મી ઑક્ટોબરે કોપરગાંવના કોઢાલા ગામને લૂંટી લીધું. અંતે ૧૧મી નવેંબરે ભગોજીના ભીલો અને સરકારી ટુકડી વચ્ચે હાથોહાથની લડાઈ થઈ. એમાં ભગોજી અને એમના કેટલાયે સાથીઓનાં મોત થયાં. આમ બળવાનો અંત આવ્યો.

    0x0x0

    ૧૭૫૭થી માંડીને ૧૯૪૫ સુધી આદિવાસીઓ અને સામાન્ય માણસોએ સાઠ જેટલા  બળવા કર્યા, બધા વિશે લખી શકાય એવી આધારભૂત માહિતી પણ નથી મળતી. એટલે આપણે આવતા અંકમાં આદિવાસીઓના સૌથી પ્રખ્યાત નેતા બિરસા મુંડાએ ૧૮૯૯માં કરેલા વિદ્રોહની નોંધ લઈશું અને તે પછી ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામના બહાદુરોને યાદ કરીશું.

    0x0x0

    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી