વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

“હે પત્થરપૂજકો. તમને જીવંત માણસોની વાતો સાંભળવાનો સમય નથી એટલે હું મરીને બોલુ છું. જીવંત અવસ્થામાં તમે જેની સામે આંખ ઊઠાવીને જોવા નવરા નથી હોતાં, એની સડેલી લાશની પાછળ સરઘસ કાઢો છો. જીવનભર તમે જેને નફરત કરો છો, એની કબર પર જઈને ફૂલો ચઢાવો છો. મરતી વખતે તમે જેને ચાંગળું પાણી પીવડાવતા નથી, એના શરીરને તમે ગંગા તટે લઈ જાવ છો. અરે! જીવનભર જેમનો તમે તિરસ્કાર કરો છો, એના મરણ પછી સત્કાર કરો છો. એટલે હું મરીને બોલુ છુ. હું નર્કમાંથી બોલુ છુ. હવે તો મને સાંભળશો ને?

“થાય છે કે મને શું પડી હતી કે જીવનભર હું ચૂપ રહ્યો અને હવે નર્કના એક ખૂણામાં પડ્યો બોલવા માંડ્યો? પણ અહીં એક એવી વાત સાંભળી કે મારા જેવા અભાગીની મોતને લઈને તમારામાં ચર્ચા થઈ રહી છે. મેં સાંભળ્યું કે, સાંસદ સભામાં તમારા મંત્રીએ કહ્યું કે મારુ મોત ભૂખથી નથી થયું. મેં આત્મહત્યા કરી લીધી છે. હું મરુ અને મારા મોતનો જવાબદાર પણ હું જ બનુ.

“ભૂખથી મૃત્યુ પામુ અને મારા મરવાનું શ્રેય ભૂખને ન મળે, એ તે કેવી વાત? અનાજ, અનાજના પોકારો કર્યા હોય અને મારા મરવાના કારણોમાં અનાજનું નામ પણ ન આવે? ઠીક છે, એ બધું હું સહન કરી લેત.  જેવી રીતે શહેરના લોકોને દેશી શુદ્ધ ઘી તરફ રુચિ ન રહે એવી રીતે જીવનભર તિરસ્કાર સહન કર્યો છે, એટલે હવે સહાનુભૂતિ તરફ અરુચિ થઈ ગઈ છે. પણ આજે અહીં નર્કલોકમાં એક ઘટના બની ગઈ એટલે કહેવાનું મન થયું.

“બન્યું એમ કે જે દિવાલ સ્વર્ગ અને નર્કને અલગ કરે છે, એનાં બાકોરામાંથી મારા કૂતરાએ મને જોયો. કાઉં કાઉં..કુર કુર કરતો મારી તરફ વહાલ દર્શાવવા માંડ્યો. મને આશ્ચર્ય થયું કે, હું નર્કમાં અને મારો કૂતરો સ્વર્ગમાં?  મારો અતિ પ્રિય કૂતરો, યુધિષ્ઠિરના કૂતરા કરતાંય અધિક પ્રિય હતો એ. જ્યારે મારી સ્ત્રી એક ધનિક સાથે ભાગી ગઈ, ત્યારથી આ કૂતરો મારો સાથી બની રહ્યો હતો. ક્યારેય એણે મને છોડ્યો નહીં. એટલી હદે કે એ મર્યો પણ મારી સાથે જ.

“બાજુવાળા શેઠ એને પાળવા માંગતા હતા. શેઠાણી તો એને બેહદ પ્રેમ કરતી હતી પણ એ જરાય લોભાયો નહીં, અને મને છોડીને એ ક્યાંય ગયો નહીં. એટલે એ સ્વર્ગમાં છે એનો મને સાચે જ આનંદ છે.  એથી કરીને મને થયેલા અન્યાયને ભૂલી તો શકાય નહીં ને?  આ કોઈ તમારું મૃત્યુલોક તો છે નહીં કે જ્યાં ફરિયાદ સાંભળવામાં જ ન આવે કે સીધો ફરિયાદીને જ દંડ થાય? અહીં તો તરત જ ફરિયાદ સાંભળવામાં આવે છે. એટલે હું પણ ભગવાન પાસે ગયો અને પ્રાર્થના કરી કે, હે ભગવાન ! પૃથ્વી પર અન્યાય ભોગવીને હું એ આશાએ અહીં આવ્યો કે ન્યાય મળશે. પણ આ કેવી વાત! મારો કૂતરો સ્વર્ગમાં અને હું નર્કમાં? જીવનભર મેં કોઈ ખરાબ કામ કર્યું નહીં. ભૂખ્યો મર્યો પણ ક્યારેય ચોરી નથી કરી. નથી કોઈની પાસે હાથ ફેલાવ્યો. આમ તો આ બીજા કૂતરા જેવો જ કૂતરો, કેટલીય વાર તમને ધરેલો ભોગ ખાતા એને માર પડ્યો છે. અને એને તમે સ્વર્ગમાં જગ્યા આપી?

“મને સાંભળીને ભગવાને એક નોંધપોથી જોઈ, જેમાં લખેલું વાંચ્યું કે મેં આત્મહત્યા કરી હતી.”

“ના મહારાજ, હું ભૂખમરાથી મર્યો છું, આત્મહત્યા નથી કરી.

“ના તું ખોટું બોલે છે. તમારા દેશના અનાજમંત્રીએ લખ્યું છે કે તેં આત્મહત્યા કરી છે. તારા શરીરના પોસ્ટમોર્ટમથી એ વાત સબિત થયેલી બતાવે છે. ભગવાન બોલ્યા.

“મહારાજ, આ રિપોર્ટ સાવ ખોટો છે. મારું પોસ્ટમોર્ટમ થયું જ નથી. મને તો સળગાવી દેવામાં આવ્યો હતો. એના દસ દિવસ પછી તો સંસદમાં ચર્ચા શરૂ થઈ. ખાક મારું પોસ્ટમોર્ટમ થયું?

“હવે જ્યારે ભગવાને મારી કથની સાંભળી ત્યારે આસમાનથી પડતા માંડ બચ્યા. હવે તમેય મારી વાત સાંભળો.

“તમને તો એ પણ નથી ખબર કે હું ક્યાં અને કેવી રીતે જીવ્યો, ક્યાં રહ્યો, ક્યાં મર્યો? દુનિયા એટલી મોટી છે કે કોઈ અમારા જેવાના જીવન કે મરણનો હિસાબ નથી રાખતું. અને તમને એ પણ ક્યાં ખબર છે કે મારા શ્વાસો ચાલતા હતા ત્યારેય ખરેખર હું જીવિત હતો ખરો? હું રોજ મૃત્યુને ટાળી જતો એ અર્થમાં જીવિત હતો. વાસ્તવમાં તો મારા જન્મની એક ક્ષણ જ હું જીવિત હતો, અને બીજી ક્ષણથી જ મારું મૃત્યુ શરૂ થઈ ગયું હતું. બજારની એ પાકી ઈમારત તો તમે જોઈ છે ને?  એની પાછળના પાયખાનાની દિવાલના સહારે મારી છાપરી હતી. એ ઈમારતના માલિક મારી છાપરી તોડીને ત્યાંય બીજું પાયખાનું બનાવવા માંગતા હતા. જો હું મરી ન ગયો હોત તો એક ગરીબ આદમીની ઝૂંપડી પર અમીર આદમીના પાયખાનાનો વિજય હું જોતો હોત. એ ઝૂપડીમાં હું રહ્યો. મારી આસપાસ અનાજ જ અનાજ હતું. દિવાલની પેલી બાજુથી જે ઊંદરો આવતા એ દિવસે દિવસે જે રીતે મોટા થતા, એ હું જોતો હતો. એમને પેલા બજારમાંથી અનાજ તાણીને લઈ આવતા અને  ખાતા જોતો. પણ હું તો હંમેશ ભૂખ્યો જ રહયો. એ બજારમાં વેચાતું અનાજ દસ રૂપિયે શેર હતું પણ, મારું જીવન એના કરતાં સસ્તું હતું. અને અંતે મોત આવ્યું. જે દિવસે હું મરી ગયો એ દિવસે મારી છાપરીની બીજી બાજુ એ અમીર શેઠના દીકરાનું લગ્ન હતું. એ બહુ અમીર હતો. સૌ જાણતા હતા કે એની પાસે હજારો બોરી કાળા બજારનું અનાજ હતું. પણ એને કોઈ કંઈ કહી કે કરી શકે એમ નહોતું. કારણકે એને પોલીસનું એને પૂરેપૂરું રક્ષણ હતું.

“લગ્નના દિવસેય ધાનના ઢગલાં હતાં. પણ મને ખવડાવવાની કોને પડી હોય?

“બસ એ દિવસે હું જ મારા મોતને ધીરે ધીરે એના ભયાનક પંજામાં મને જકડી રહ્યું હતું એ અનુભવી રહ્યો.”


હરિશંકર પરસાઈની વાર્તા ‘हेल्लो मैं नर्क से बोल रहा हुं” પર આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.