આશા વીરેન્દ્ર
અંધારી ઘોર રાત હતી. સવારથી શરૂ થયેલો ધોધમાર વરસાદ અટકવાનું નામ નહોતો લેતો. ઝડપથી ભાગવાના પ્રયત્નમાં ઝૂબેદા બે વાર પડી હતી. આખું શરીર અને કપડાં કાદવથી લથબથ અને ભયથી ચકળ-વકળ થતી આંખો. આવતી-જતી ગાડીની હેડલાઈટ દેખાય કે બે હાથ લાંબા કરી કરીને રોકવાનો પ્રયત્ન કરવા લાગતી. ‘રોકો, ગાડી ઊભી રાખો. ખુદાને ખાતર મને મદદ કરો.’
કેટલીય વારે આગળ નીકળી ગયેલી એક ગાડી રીવર્સ લઈને પાછી આવી. ગાડી ચાલકે એની પાસે આવીને દરવાજો ખોલ્યો. મોટી લાલ લાલ આંખો. ગોળ ફ્રેમ વાળાં ચશ્માં અને જાડી ભરાવદાર મૂછ. એણે દરવાજો ખોલ્યો એ સાથે જ શરાબની તીવ્ર ગંધ ઝૂબેદાના નાકમાં ઘૂસી ગઈ. એ પગથી માથા સુધી ધ્રૂજી ઊઠી. એને થયું, આ તો ઊલમાંથી ચૂલમાં પડવાની ! પણ અત્યારે ગાડીમાં બેસી જવા સિવાય બીજો કોઈ ઉપાય જ નહોતો. ભીના, કાદવવાળા શરીરે એ આગલી સીટ પર બેસી ગઈ. મનમાં ને મનમાં એણે પ્રાર્થના કરી, ‘રબ્બા મુઝે બચાના.’
‘તારે ક્યાં જવું છે? ક્યાં ઉતારું તને ?’થોડી વાર પછી ગાડી ચાલકે કડક અવાજે પૂછ્યું. કશો જવાબ આપ્યા વિના ઝૂબેદા ચૂપચાપ હોઠ બીડીને બેસી રહી.
‘નામ શું છે?’ફરીથી એક સવાલ. ‘ઝૂબેદા.’
‘સરસ નામ છે. મારું નામ શિવદાસ. ક્લબમાં પાર્ટી હતી, જરા વધારે પિવાઈ ગયું એટલે જ તને જોઈને ગાડી ઊભી રાખી. નશો ન કર્યો હોત તો ગાડી ઊભી જ ન રાખત.’
શિવદાસ હો હો કરતો હસવા લાગ્યો. ઝૂબેદાને ચીડ ચડી. કેવા ગંદા દાંત છે, છી ! ‘હવે બોલ, તારે ક્યાં ઊતરવું છે?’જરા આગળ ગયા પછી શિવદાસે ફરીથી પૂછ્યું. જવાબ ન મળતાં એ એની તરફ ધ્યાનથી જોવા લાગ્યો. હશે બારેક વર્ષની છોકરી. કપડાં ફાટી ગયેલાં અને નીચલા હોઠમાંથી લોહી નીકળતું હતું. હવે છોકરીએ જોરથી રડવાનું શરૂ કર્યું. પળવારમાં શિવદાસનો નશો ઊતરી ગયો.
‘કોણે તારી આ હાલત કરી? ચાલ, આપણે પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવીએ.’
ઝૂબેદા બે હાથ જોડીને કહેવા લાગી, ‘ના સાહેબ, ફરિયાદ નથી કરવી. એ લોકો મારો જીવ લઈ લેશે. મને એમનો બહુ ડર લાગે છે.’કટકે કટકે કરતાં ઝૂબેદાએ પોતાની આપવીતી કહેવા માંડી, ‘અહીંથી કોણ જાણે કેટલું ય દૂર બદિરમપલ્લીમાં મારું ઘર છે. મા-બાપ ને મારાથી નાનાંત્રણ ભાઈ-બહેન. બાપને ટી.બી. થયો. નોકરી છૂટી ગઈ. મા એકલી મજૂરી કરે પન ખાવા-પીવાનો, બાપુની દવાનો ખર્ચ ક્યાંથી કાઢવો?
એવામાં એક દિવસ માના દૂરના સગા તાજુદ્દીનભાઈ અને એમનાં પત્ની ઘરે આવ્યાં. કહે, ઝૂબેદાને અમારી સાથે મોકલો. તમારે માથેથી એકનો બોજો તો ઓછો થાય ! રસોઈના કામમાં હાથવાટકો થશે ને સારી સ્કૂલમાં ભણાવશું. મા-બાપુએ ખુશ થઈને એમની સાથે મોકલી.’
‘તું કઈ સ્કૂલમાં ભણે છે?’ શિવદાસે પૂછ્યું.
‘સ્કૂલમાં મોકલવાની વાત તો દૂર રહી. આખો દિવસ મારી પાસે કમરતોડ કામ કરાવે ને મને જરાક એકલી જુએ એટલે તાજુદ્દીનભાઈ મારી સાથે જાતજાતના ચેનચાળા કરે. પછી તો બીજા માણસોને પણ લાવી લાવીને મને કમાણીનું સાધન બનાવી દીધી. એ બધાને સાચવવાની ના પાડું તો તાજુદ્દીનભાઈની પત્ની મને ડામ દેતી.’
‘તો અત્યારે તું રસ્તા પર કેવી રીતે પહોંચી?’
‘એક જાડોપાડો માણસ મારા રૂમમાં આવ્યો એને જોઈને હું ખૂબ ગભરાઈ ગઈ. બાથરૂમમાં જવાનું બહાનું કાઢી બારીના કાચ કાઢી નાખ્યા ને ત્યાંથી ભાગી નીકળી.શિવદાસે એક નાનકડા બંગલા પાસે ગાડી ઊભી રાખી.
‘ચાલ અંદર ’, એણે ઝૂબેદાને કહ્યું. ઝૂબેદા અવિશ્વાસભરી નજરે એને જોઈ રહી. અડધી રાત થાઈ હતી અને સાથે દારૂ પીધેલો મરદ હતો. એને કમકમાં આવ્યાં. એ ઘરમાં ચારે તરફ જોવા લાગી. પછી એણે દબાયેલા અવાજે શિવદાસને કહ્યું, ‘સાહેબ, બહુ થાકી ગઈ છું. ભૂખ પણ બહુ લાગી છે. કંઈ ખાવાનું મળશે?’
શિવદાસે એને એક ટુવાલ આપ્યો ને કહ્યું: ‘તું કાદવકીચડથી આખી ભરાઈ ગઈ છે. જા, જઈને પહેલા નાહી લે.’
એ નાહીને આવી. ત્યારે શરીરે ફક્ત ટુવાલ જ લપેટેલો. શિવદાસે કબાટમાંથી એક સ્કર્ટ-બ્લાઉઝ કાઢીને એને આપ્યાં. એ કપડાં પહેરીને આવી ત્યાં શિવદાસે દૂધ ગરમ કરીને ગ્લાસ ભરી રાખેલો અને બ્રેડ શેકી રાખેલા.
‘સાહેબ, તમે આપેલાં કપડાં બરાબર મારા માપનાં જ છે, કોનાં છે?’જવાબની રાહ જોયા વિના ઝૂબેદા ઊંધું ઘાલીને ખાવા પર તૂટી પડી. એની તરફ જોતાં શિવદાસ વિચારી રહ્યો, મારી ગુડ્ડી પણ બરાબર આવડી જ હતી. આ દારૂની લતે એને અને એની માને મારાથી દૂર કરી દીધાં. એક વખત મોઢું ફેરવી જતાં રહ્યાં પછી કોઈ દિવસ કંઈ ખબર જ ન મળ્યા કે, ક્યાં છે, કેવી હાલતમાં છે.
ખાઈને ઝૂબેદા નિરાંતે સોફા પર બેઠી. બાજુમાં પડેલી સોનેરી રંગની ઢીંગલી પર નજર પડતાં એની આંખો ચમકી ઊઠી. એણે ડરતા ડરતાં પૂછ્યું, ‘સાહેબ, હું આને હાથ લગાડું? હું કોઈ દિવસ આવાં રમકડાંથી રમી નથી.’શિવદાસે ઢીંગલી એના ખોળામાં મૂકી, અને હસતાં હસતાં કહ્યું, ‘એને તારી સાથે સૂવડાવજે, બસ !’
‘સાહેબ, મને બહુ ઊંઘ આવે છે, ક્યાં સૂઉં?’
‘આ પલંગ પર તું સૂઈ જા, હું અહીં સોફા પર સૂઈશ.’થાકેલી ઝૂબેદા ઢીંગલીને ગળે વળગાડીને પલંગ પર પડી. ડીમલાઈટના ઝાંખા પ્રકાશમાં શિવદાસ એને જોઈ રહ્યો. જાણે ગુડ્ડીની નાની બહેન જ જોઈ લ્યો ! એણે ઝૂબેદાને ધાબળો ઓઢાડ્યો, એને કપાળ પર ચૂમી ભરીને કહ્યું, ‘ગુડનાઈટ બેટા !’
થોડીવાર સોફા પર પડખાં ફેરવ્યાં કર્યાં પછી એણે કહ્યું, ‘હું તારી પાસે સૂઈ જાઉં ?’
‘હા જરૂર’, ઝૂબેદાએ અડધી પડધી ઊંઘમાં જવાબ આપ્યો.
શિવદાસ ઊઠીને પલંગપર સૂતો. નક્કી કર્યું હતું કે એ રડશે નહીં પણ જ્યારે ઝૂબેદાને ગળે વળગાડી ત્યારે એ નાના બાળકની જેમ રડવા લાગ્યો.
(અંબિકાસૂતન માંગડની મલયાલમ વાર્તાની આધારે
સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.