સમાજદર્શનનો વિવેક

કિશોરચંદ્ર ઠાકર

આપણે શહેરોમાં (અને હવે તો ગામડાંઓમાં પણ) રખડતાં ઢોરોનો ત્રાસ ખૂબ અનુભવીએ છીએ. શહેરોમાં ટ્રાફિકને અડચણરૂપ તો થાય છે ઉપરાંત ઢોર અથડાવાને કારણે થતા અકસ્માતોથી નાગરિકોને ઇજાઓ અને ક્યારેક મૃત્યુંનો ભોગ પણ બનવું  છે. માત્ર વાહનચાલકોને જ નહિ, રાહદારીઓને પણ ગાયે કે આખલએ શિંગડે ચડાવીને ઇજાગ્રસ્ત કરવા ઉપરાંત મૃત્યું ઉપજાવવાના સમાચારો વધતા જાય છે.  ગામડાઓમાં  ખેતરોમાં પેસીને પાકને નુકશાન કરતા હોવાથી  ખેડૂતોને કાંટાળી વાડ કરવાનો વધારાનો ખર્ચ કરવો પડે છે. ઉત્તરપ્રદેશમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં આ એક મોટો મૂદ્દો બનેલો અને શાસક પક્ષે આ સમસ્યા ઉકેલવાનું વચન પણ આપેલું. આ વચનનું શું થયું એની જાણ  નથી.

શહેરોમાં એક એવો વર્ગ છે કે જે પોતાનાં ઢોર ખાસ કરીને ગાયોને સવારે  દોહ્યા પછી  રસ્તા પર છોડી દે છે. આ ગાયો આખો દિવસ  કચરો, એઠવાડ અને ખાસ કરીને પ્લાસ્ટિકની કોથળીઓ ખાય છે. સાંજ પડે તેના માલિકો તેને લેવા આવે છે અને પછી ઘેર લઈ જઈને તેને  દોહીને દૂધ વેચી દે છે તથા પોતે પણ તેનો ઉપયોગ કરે છે. આપણને શહેરીજનોને આ રીતે પરેશાન કરનાર આ વર્ગને આપણે એક અનિષ્ટ કે ક્યારેક અસામાજિક તત્વ તરીકે પણ  ઓળખીએ છીએ. પરંતુ આપણને  સહેજ પણ નહિ ગમતા આ લોકોને શહેરમાં લઈ આવનાર આપણને ખૂબ જ ગમતો વિકાસ છે. ખરેખર તો આ લોકો વિકાસનો વધારે સ્પષ્ટ કહીએ તો શહેરીકરણનો ભોગ બન્યા છે. તે કઈ રીતે એ સમજવા પ્રયાસ કરીએ.

જેમને અપણે ભરવાડ કે રબારી કહીએ છીએ તેમનો પરંપરાગત ધંધો ગામડામાં રહીને ગાય કે ભેંસ પાળીને તેમાંથી દૂધનું ઉત્પાદન મેળવવાનો હતો. દરેક ગામમાં એક ગોચર માટે જ્ગ્યા રાખવામાં  આવતી. સવારે આ ગોચરમાં ગોપાલકો  પોતાનાં અને બીજા પશુપાલકોનાં  ઢોર લઈને  આવતા. બધા જ ઢોર અહીં આખો દિવસ ચર્યા બાદ સાંજે -જેને ગોરજટાણું કહેવાતું.  ત્યારે- ગામમાં પાછા આવતાં. જૂના વખતમાં પાકની એક જ સિઝન હતી ત્યારે ખાલી પડેલા ખેતરોમાં પણ ગામનું ધણ બેસતું અને તેમનાં છાણ રૂપે ખાતર ખેતરના માલિકને આપોઆપ મળી જતું.

પરંતુ હવે રાસાયણિક  ખાતર અને સિંચાઈની સગવડને લીધે જમીનમાં  ઉત્પાદન પણ વધવા લાગ્યું. પાક પણ એક કરતા વધારે સિઝનોમાં  લેવાતો થયો. આથી ઢોરને ખાલી બેસાડવા માટેની જગ્યા પણ ન રહી. કેટલાક લોકોની નજર વળી ગોચર પર પડી અને તેનો ઉપયોગ પણ ખેતી માટે થયો. સત્તાવાળાઓએ પણ ક્યાંક ગોચરનો ઉપયોગ આવાસ યોજના માટે કર્યો. આથી ધીરે ધીરે દરેક ગામમાંથી ગોચર અદૃશ્ય થવા લાગ્યાં. પરિણામ એ આવ્યું કે માલધારીઓને પોતાના માલઢોર માટેનો એક માત્ર આધાર છીનવાઈ ગયો. જો કે ગામડાઓમાં પણ આ વર્ગ કદી સાધનસંપન્ન તો હતો  જ નહિ. દૂધ વેચવા ઉપરાંત છૂટક મજૂરી પણ તેમને કરવી પડતી..આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે આ વર્ગ પછાત જ હતો અને હજુ પણ તેમાં બહુ મોટો ફરક પડ્યો  નથી. પરંતુ  ગામડાઓમાં તેમનું જીવન ગમે તેમ કરીને નભી જતું.

ખેડૂતો માટે પશુપાલન એ પૂરક વ્યવસાય છે. જેમની પાસે જમીન છે તેઓ પોતાનાં ઢોરના ચારા માટે પોતાનાં ખેતરમાંથી જ જોગવાઈ કરી શકે છે. પરંતુ જેમને આપણે માલધારીઓ કહીએ છીએ તેઓ જમીનમાલિકો તો હતા જ નહિ. આથી તેમને માટે  ગામડામાં રહીને  ઢોરને નિભાવવાનું લગભગ અશક્ય થઈ ગયું. પરિણામે  તેઓ  શહેર તરફ પ્રયાણ કરવા લાગ્યા.

આપણે જાણીએ છીએ કે વર્ષોથી વધતાં જતાં શહેરીકરણને લીધે ગામડામાંથી વધુ ને વધુ લોકો શહેર તરફ પ્રયાણ કરતા રહ્યા છે. દરજી, સુથાર, મોચી, કડિયા, મજૂરો વગેરેને શહેરમાં પોતાના પરંપરાગત ધંધા મળવા લાગ્યા. તેમને  રહેવા માટે એક નાની ઓરડી કે ઝૂંપડપટ્ટીમાં જ્ગ્યા મળ્યેથી કામ ચાલી જતું. પરંતુ માલધારીઓને પોતાના ઢોરઢાંખર રાખવાની  વ્યવસ્થા  પણ કરવી પડે. આથી જ્યાં પણ થોડી ખુલ્લી જગ્યા મળી ત્યાં પોતાના ઢોર બાંધવા લાગ્યા. આપણે ભલે તેને ગેરકાયદેસર ગણતા હોઈએ પણ માલધારીઓ માટે તો જીવનમરણનો પ્રશ્ન  હોય છે.

શહેરોમાં  વસ્તી વધે છે તેમ વિસ્તાર પણ વધતો જાય છે. આથી બને છે એવું કે શહેરો ગમડાઓને ગળી જવા લાગ્યાં. માલધારીઓ જ્યાં વસતા ત્યાં જ શહેરો આવવા લાગ્યા. ઘાસચારા માટે કે ઢોરને બાંધવા માટે થોડીક પણ જમીન જે મળતી તેના પર આપણા સુખી લોકો માટે ગગનચુંબી  મકાનો બનવા લાગ્યા. આથી અહીં પણ તેમને માટે કે તેમનાં પશુઓ માટે જગ્યા રહી નહિ. બંધો બંધાતા આદીવાસીઓ બેઘર બન્યા કાંઈક એવી વાત ગામડામાં શહેરની ઘુસણખોરીથી માલધારીઓ સાથે બની.

અગાઉ જણાવ્યા પ્રમાણે શહેરમાં આવીને દરેક વર્ગે પોતાનો પરંપરાગત વ્યવસાય શરૂ કર્યો. તેમાનાં કેટલાકે  શિક્ષાણ મેળવ્યું અને  પોતાનો પરંપરાગત વ્યવસાય છોડીને નોકરીઓ અથવા તો બીજા ધંધા પણ શરૂ કર્યા. માલધારીઓમાંથી પણ કેટલાકે છૂટક મજૂરી અગર તો બાંધકામના સ્થળે ચોકીદાર તરીકે કામ શરૂં કર્યું. માલધારીઓની સ્ત્રીઓએ ગામડામાં જે કદી કર્યું ન હતું તે લોકોના ઠામણાં માંજવાનું અને કચરાપોતાં કરવા જેવું ધરકામ કરવું પડ્યું. કેટલાક ખમતીધરો વ્યાજે પૈસા ધીરવાનું કામ પણ કરવા લાગ્યા. પરંતુ માલધારીઓનો એક મોટો વર્ગ શહેરમાં આવ્યા પછી પણ પશુપાલનના વ્યવસાયમાં જ રહ્યો. અને  જગ્યાના અભાવે તેમનાં ઢોર રસ્તા ઉપર આવી ગયા.

આથી ગુજરાતમાં એપ્રિલ 2022માં સરકારે એક કાયદો બનાવવાનું વિચારેલું, આ કાયદામાં માલધારીઓએ પોતાના દરેક ઢોર માટે  લાયસ‌ન્સ લેવાની અને તેમાં ચૂક થયે મોટો દંડ ભોગવવની જોગવાઈ કરવામાં આવી. માલધારીઓએ આનો કાળો કાયદો કહીને તેનો ઉગ્ર વિરોધ કર્યો, આથી સરાકારે કાયદાનો અમલ મોકૂફ રાખવો પડેલો. અલબત આ કાયદાનો આંધળો વિરોધ થયો ન હતો. માલધારીઓએ પોતાના માલઢોર રાખવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની માગણી કરી હતી. સૂચિત કાયદા હેઠળ દંડની રકમ એટલી મોટી રાખવામાં આવી હતી કે ગરીબ માલધારીઓની તો કમર જ તૂટી જાય. વળી માલધારીઓનું કહેવું છે કે તેમના સમાજમાં શિક્ષણ ઘણું ઓછું હોવાથી લાયસ‌ન્સની વિધિ તેમને માટે માથાનો દુખાવો બની જાય તેમ છે,  તેઓ લાય‌સ‌ન્સના વિકલ્પે પશુઓને ટેગ બાંધવા માટે તો  સંમત જ છે. મહાનગરોમાં નાગરિકોની ફરિયાદોને કારણે ઠેર ઠેર ઘાસના ડેપો રાખવાને બદલે ચોક્કસ સ્થળે જ રાખાવાની જોગવાઈ કરવી પડી છે. માલધારીઓનું કહેવું છે કે તેઓ કાંઇ ઢોરને છૂટા મૂકવા ઈચ્છતા નથી  અને ઘરઆંગણે જ ઘાસ નીરવા તૈયાર છે. પરંતુ  ઘાસના ડેપો તેમના રહેણાકોથી એટલા દૂર રાખવામાં આવ્યા હોય છે કે તેમને પૈસા ખર્ચીને પણ ઘાસ લાવવું મુશ્કેલ પડે છે.

ખેતીમાં બળદોનો ઉપયોગ બંધ થતા આખલાઓની વસ્તી ખૂબજ વધી ગઈ છે, વળી માલધારીઓનું કહેવું છે કે ગાયો પાંજરાપોળોમાં જેટલી આવકાર્ય છે તેટલા આખલાઓ નથી. રંજાડ તો ખરેખર આખલાઓની જ વધારે છે

આપણે એ વાત સમજવી રહી કે વગડામાં રહેવા ટેવાયેલા આ લોકો શહેરોમાં પોતાની અનિચ્છાએ આવ્યા છે. વધારે સાચું તો એ છે કે તેમને શહેરોમાં ધકેલવમાં આવ્યા છે. અહીં તેમને અનેક મુશ્કેલીઓ વચ્ચે જીવવું પડે છે.. મ્યુનિસિપાલિટીની ગાડી ક્યારે આવશે અને તેમના ઢોરને ડબે પૂરવા લઈ જશે તેની સતત ચિંતામાં તેઓ રહે છે. જો કે જરૂરિયાત એ શોધની જનની છે એ મુજબ માલધારીઓએ એવું નેટવર્ક ઊભું કર્યું છે કે  મ્યુનિસિપલિટીની ગાડી દેખાય કે તરત જ તેઓ અન્ય માલધારીઓને મોબાઇલ ફોનથી જાણ કરી દે છે જેથી બીજા  સાવચેત થઈ જાય છે. પરંતુ તેથી તેમની તકલીફો કાંઈ ઘટતી નથી.

ગમે તે હોય પણ માલધારીઓની પણ સમસ્યાઓ હોઈ શકે છે તે વાતનો સ્વીકાર કરવો જોઇએ. પરંતુ હંમેશ બનતું આવ્યું છે તેમ વયવસ્થા (system)આ સમસ્યાને પણ શહેરના ભદ્ર સમાજને જ લક્ષ્યમાં રાખીને જ જુએ છે.  અદાલત પણ આ સમસ્યાને સતત  કાયદો અને વ્યવસ્થાના સવાલ તરીકે ગણાવતી રહી છે અને સરકારને તેનો  ઉકેલ લાવવા માટે  અવારનાવર તાકીદ(દબાણ) કરતી  હોય છે.

પરંતુ સમાજે  માત્ર રખડતાં ઢોરોને જ નહિ પરંતુ તેની પાછળ રહેલા માલધારીઓને પણ જોવા જોઈએ. સમસ્યાને માત્ર કાયદો અને વ્યવથાની સમસ્યા નહિ ગણતા માલધારીઓનો પક્ષ પણ સાંભળીને માનવીય દૃષ્ટિબિંદુથી જોવી જોઈએ. જે વિકાસે તેમને શહેરમાં ધકેલી દીધા છે તે હવે તેમને શહેરોમાં પણ રાખવા માગતો નથી. આથી માલધારીઓને લાગે છે કે તેમનાં અસ્તિત્વનો સવાલ ઊભો થયો છે. તેમનું એમ પણ કહેવું છે કે અમે નહિ રહીએ તો ઢોર પણ  નહિ રહે, પરિણામે પ્રજાને આજે જે સહેલાઈથી દૂધ પ્રાપ્ત થાય છે તે નહિ થાય.

માલધારીઓની દલીલોમાં વજુદ કેટલું છે તે ખબર નથી. પરંતુ સમાજનું હિત જેને આજે આપણે સબકા સાથ સબકા વિકાસ તરીકે ગણીએ છીએ તે જીવો અને જીવવા દો એ મૂળમંત્રના સ્વીકારમાં જ છે.


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.