લ્યોઆ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

(મારા બહુ નજીકના પરિચયના એક શ્રમજીવી અને વિધવા વૃદ્ધાનો એક જુવાન અને કોઇ કારખાનામાં મજૂરી કરતો અપરીણિત દિકરો દેશી દારુની લતે ચડી ગયો. શરૂઆતમાં એના બેહોશ થઇને પડી જવાના દરેક પ્રસંગે મારા એક જાણીતા અને સમભાવી ફિઝીશ્યન,મણિનગરના જવાહર ચોક નજીક, જલારામ પ્લાઝામાં આવેલા રિધ્ધિ નર્સિંગ હોમના ડૉ. અશોક પારેખ ( Mo.98981 84554 ) દ્વારા એની નિઃશુલ્ક સારવાર અનેક વાર કરાવવામાં આવી. પણ પછી મને જ સમજાયું કે હકીકતે આ કેસ ફિઝીશ્યન કરતાં પણ વધારે એક ચોક્કસ પ્રકારના મનોવિશેષજ્ઞનો છે. તેથી મેં નેટ ઉપર વ્યસનમુક્તિ કેન્દ્રોની તલાશ કરી અને એવી જ એક કોશિશમાં મને એક નવજુવાન પણ તેજસ્વી મનોચિકિત્સક ડૉ. કેવીન બી. પટેલનો ભેટો થયો. એમણે સારવારની કશી પણ ફી લીધા વગર એ ગરીબ માતાના પુત્રની સારવાર શરુ કરી દીધી, ને ચમત્કાર થયો ! થોડો સમય લાગ્યો પણ આજે એ છોકરો સદંતર વ્યસનમુકત છે ! ડૉ. કેવીન પટેલ, અલબત્ત વ્યવસાયી મનોચિકિત્સક જ છે પરંતુ એટલા જ માનવતાવાદી છે. હવે તો તેઓ નરોડા અને નવા વાડજ એમ બન્ને સ્થળે ક્લિનિક ચલાવે છે, જેનું નામ છે :  Dr. K P’s Healthy Mind Clinic અને ફોન નંબર છે : 78789 94991  અને 88665 04991

આ નોંધને અને નીચેના ત્રીસ વર્ષ પહેલાંના પાત્રને કોઇ જ દેખીતો સંબંધ નથી પણ તેમ છતાં અહીં એને જોડવાનું કારણ એટલું જ કે મારા મનમાં એ સવાલ થયા કરે છે કે એ વખતે આ પાત્રને ડૉ. કેવીન પટેલ જેવા કોઇ નિપુણ અને સમભાવી મનોચિકિત્સક મળી ગયા હોત તો ?

લેખક)

“ગઈ કાલે આ છોકરાને કાઢી મૂક્યો છે. એના દીદાર જુઓ છો ને?”

ખરેખર તો કોઈ મિત્રને ત્યાં આવેલા મહેમાનને ધારી ધારીને જોયા ન કરાય. એમાં બહુ રસ પણ ન લેવાય. પણ યજમાને જ્યારે ખુદ સામે ચડીને કહ્યું ત્યારે મહીમ સોનીએ બરાબર નિરખીને એ છોકરા અરમાન સામે જોયું. કાઢી મૂકવો પડે એવું શું કર્યું હશે આ મડદાલ છોકરાએ? અગિયારનો ? ના, ના, ચૌદનો છે, પણ અગિયારનો લાગે છે એમ મિત્રે કહ્યું ત્યારે એ સાંભળીને છોકરો શરમાઈને નીચું જોઈ ગયો. પણ નજરની એટલી આપ-લેમાં પણ તીખી નજરના નિશાન મૂકતો ગયો.

‘‘કોણે કાઢી મૂક્યો ? એના મા-બાપે ?’‘

‘‘મા-બાપ નથી. મામાને ત્યાં રહેતો હતો, એ લોકોએ કાઢી મૂક્યો. મારે ત્યાં આવ્યો છે. હું એના ગુજરી ગયેલા બાપનો ઓળખીતો છું એટલે.”

આટલી વાતચીત દરમ્યાન છોકરો દૂર જઈને ઊભો રહ્યો. ને પગના અંગૂઠાથી જમીનને ખોતરી રહ્યો. મહીમ સોનીએ  જોયું કે એના હોઠ ચડેલા હતા. અને એમાં ઠાંસી ઠાંસીને કડવાશ ભરી હતી. ચહેરો સૂકાયેલો, પણ કોમળ, કાળા ભમ્મર વાળના ઝુલ્ફાં હતાં. એના ઘેઘુરમાં કોઈ માતાની પાતળી આંગળીઓ ફરી હશે. બાપની બરછટ હથેળીનો સ્પર્શ પણ થયો જ હશે. અહીંયાં આમ પારકે ઘર, ત્રાહિત વ્યક્તિની સામે એની આવી ઓળખપરેડ ! એની માથેનું છત્ર કેવી રીતે અને ક્યારે ઉડી ગયું હશે ? જવાબ મેળવવા કોશીશ કરી, પણ નક્કર કશું હાથમાં આવ્યું નહીં. ઉલટાના એના પરના આરોપો સામે આવ્યા. એ જ્યાં રહેતો હતો, આશરો લેતો હતો ત્યાં ત્યાં ઝીણી મોટી ચોરીઓ કરતો હતો. આટલી નાનકડી વયમાં તમાકુનો બંધાણી થઈ ગયો હતો.

‘‘ખુદ પોતાના જ ઘરમાં આવો છોકરો પાક્યો હોય તો માણસ શું કરે ? કાઢી મૂકે ?’‘

એ સવાલનો  જવાબ નહોતો. એટલું બોલ્યા: “જે નથી એની ધારણા કરીને દુઃખી શું  કરવા થવું ?”

“ખેર!” મિત્રે કહ્યું. “હવે શું કરવું છે એનું ?”

“થાય છે કે…” એમણે કહ્યું : “મોટો થઈને એ છોકરો દુનિયાનો દુશ્મન બનીને આતંક મચાવે એ પહેલાં આપણે કોઈ સાઈક્રીયાટ્રીસ્ટને બતાવી જોઈએ. ખર્ચ  હું ભોગવી લઇશ.”

સાઈક્રીયાટ્રીસ્ટ પાસે આ છોકરાને બન્ને મિત્રો લઈ ગયા. એમણે ચાર દિવસ પોતાના નર્સિંગ હોમમાં છોકરાને રાખ્યો.અતિશય ધીરજ અને સમભાવપૂર્વક છોકરાની પૂછતાછ કરી, તો એમાંથી છોકરાની જગત પ્રત્યેની ભયંકર દુશ્મનાવટ બહાર આવી. આ ચોરી એ કંઈ એની જરૂરત નહોતી. જગત પરની બદલાવૃત્તિનો જ છૂપો ઢંઢેરો હતો. તમાકુનું બંધાણ તો અસ્તવ્યસ્ત મનોદશાને ઠીકઠાક કરવાનો એક દયામણો પ્રયત્ન જ હતો. પણ ધીરે ધીરે દુનિયા પ્રત્યેની દુશ્મનાવટની ધાર તીણી થઈ રહી હતી. પછી તો ઉંમર વધશે એમ શારીરિક તાકાત વધશે, બુદ્ધિમાં પરિપક્વતા આવશે જે એને વધારે મોટા અપરાધ કેમ કરવા તેના પ્રપંચો શિખવાડશે. ધીરે ધીરે જાતીય વૃત્તિ પણ વિકસશે. એના જે વિસ્ફોટ પેદા થાય તે જુદો ગુન્હો કરાવશે. એટલે વધુ માર પડશે. વધુ સજા પડશે એટલે સ્પ્રીંગ ઉછળશે. નકરા નફરતના તેજાબના જ બડબડીયા બોલશે. એ જ્યાં હશે તેની આજુબાજુ હાહાકાર મચી જશે. એમાં ય જો કોઈ ટોળકીને હાથ ચડી ગયો તો એના વકરવાનો કોઈ પાર નહીં રહે.

આમ, અસલમાં તો એક કોરી સ્લેટ જેવું માનસ ધરાવતો આ છોકરો મોટી ગુન્હાખોરીની દુનિયામાં ફેંકાઇ જશે. પણ અત્યારે કોણ છે એનું કહી શકાય એવું ?

“કોઇ નથી, કારણ કે મા-બાપ મરી ગયા પછી કોઈ સગાંવહાલાં એને સાચવતાં નથી. એક નાની છે. વૃદ્ધ છે. માતાની માતા નહીં, પણ માસીછે. એ બિચારી એક આશ્રમમાં સેવિકા છે – એકલવાયી વૃદ્ધા છે. દૂરના મામા, દૂરના કાકા, માસા છે ખરા, પણ કોઈ ત્રણ દિવસથી વધારે એને રાખી શકતું નથી. કારણ કે ત્રણ દિવસમાં એ પોતાનો પરચો બતાવી દે છે. બધાને આ પ્રશ્ન વાજબી રીતે જ નડે છે. સૌના સંતાનો હોય એ આની સંગતથી બગડે એવી વાજબી બીક સૌને હોય.”

“પણ એના મા-બાપ ક્યારે, અને કેમ મરી ગયાં ?”

ભયંકર કથા હતી એની. એના પપ્પા-મમ્મી વચ્ચે સતત કંકાસ ચાલતો. એટલું જ નહીં, પણ એની કુમળી વયમાં પણ મમ્મી એને ભયંકર રીતે મારતી. એ કુંપળ વયથી જ નફરતનાં બીજ મનમાં વવાયાં હતાં. બસ, ત્યાં જ મમ્મી એની સાડા ત્રણ વરસની વયે બળી મરી. માને એણે સળગતી જોઈ ત્યારે એના બાળમાનસમાં આનંદની લાગણી થઈ હશે કે પીડાની ? જવાબ સંકુલ છે. એ પછી બાપ ડીપ્રેશનમાં આવી ગયો. એણે નોકરી છોડી દીધી. છોકરાને મોટો કરીને અગીયાર વરસનો કર્યો ત્યારે એક દિવસ ઝેરી ગોળીઓ ખાઈને પછી છોકરાને બાથમાં લઈને પલંગમાં સૂઈ ગયો –તે સૂતો જ રહ્યો. એની ઉંઘમાં ને ઉંઘમાં ભીડાયેલી બાપની બાથ એક મૃતદેહની મડાગાંઠ બની ગઈ. સવારે એ બાથમાંથી સળવળીને જાગવા એણે પ્રયત્ન કર્યો હશે, પણ શબનો આશ્લેષ પ્રગાઢ હોય છે. એ રડ્યો હશે. માંડ છૂટ્યો હશે. કોઈ એક તબક્કે એ ક્ષણે એના મનમાં માનો આપઘાત અને બાપનો આપઘાત એકાકાર થઈ ગયો હશે. એ એની જિંદગીની જબરી હોનારતની ક્ષણ હશે.

એ ક્ષણે જો કોઈ બીજો નવો આશ્લેષ એને મળ્યો હોત ! માથે કોઈનો હાથ ન હોવાનો અહેસાસ આત્માને બાળી નાંખનારો હોય છે. માથે કોઇની શીળી વહાલભરી, બાળકના ઘેઘુર વાળમાં હળુહળુ વિહાર કરતી, વચ્ચે વચ્ચે શિખાસ્થાનને પણ હળવો અંગુલીસ્પર્શ કરી લેતી હથેળી ફરતી હોય તો…તો એ અમૃત સિંચનથી કમ નથી. અવશ્ય, અવશ્ય, એ ઝેરનું મારણ બની રહે.

ખેર, આમાં તો એવું ના બન્યું.

“અચ્છા, તો ડોક્ટરો હવે શું કહે છે ?”

“કહે છે કે નર્સિંગ હોમમાં વધુ વખત એને રાખવાનો કોઈ અર્થ નથી. જો એને ગુનાખોરીના મારગે આગળ વધતો અટકાવવો હોય તો પહેલાં તો એને ક્યાંક પ્રેમાળ આશરો મળે એવું કરો. એને લાગણીથી ભીંજવી દો. એને કોઈ પોઝીટીવ (હકારાત્મક, વિધેયાત્મક) લક્ષ્ય આપો. એની પાસે અતિશય શ્રમ કરાવો. એના મગજને નવરૂં ન પડવા દો.”

“છોકરો પોતે કેવો રિસેપ્ટીવ (ગ્રહણશીલ) છે? એનો પ્રતિભાવ કેવો છે ?”

“એને પૂછીએ છીએ કે તારે શું કરવું છે ? તો કહે છે ભણવું છે. કોઈ મને ભણાવો. મારે ડૉક્ટર થવું છે. એન્‍જિનીયર થવું છે. હવે હું તમાકુ નહીં ખાઉં, ચોરી નહીં કરું.”

“હૃદયપૂર્વક બોલતો હોય એમ લાગે છે ? કે પછી એ પણ એના માસૂમ કપટનો એક ભાગ જ ?”

“ના, ગંભીરતાપૂર્વક બોલે છે…. એનામાં સર્જનાત્મકતા પણ છે. અમે એને વર્ષાઋતુ પર, ગાય પર, વરસાદ પર નિબંધો લખવા આપ્યા. સરસ લખીને લાવ્યો. એમ તો નવમા ધોરણમાં ભણે પણ છે.પણ અભ્યાસ ત્રૂટકત્રૂટક થઈ ગયો છે. પૂરો કેવી રીતે થાય ?”

તો? તો હવે શું ?

લેખના અંતે સમાપનમાં આ સવાલના જવાબમાં કોઇ ઉકેલ સૂચવાયો હોવો જરૂરી હતો, પણ આજે એમ થઇ શકતું નથી. કારણ કે માત્ર કાગળ પર ઉકેલ નથી રચી શકાતો. એ રચાય છે કોઇ વ્યક્તિ કે કોઇ સંસ્થાની સક્રિયતાથી. શબ્દોનું કર્તવ્ય જ્યાં પૂરું થાય છે ત્યાંથી એ શરુ થાય છે..


(ચિત્ર પ્રતીકાત્મક છે.)


લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com